Thursday 4 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૩)




                                                               નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું
આજે ગઢડા( સ્વામીનારાયણ) ખાતે સને ૧૯૬૧થી ૧૯૬૩ દરમિયાન મળેલા એક મિત્રની વાત માંડું. તેની સાથે માણેલા યાદગાર અનુભવો એવા મજેદાર છે કે સાડાપાંચ દાયકા પછી પણ એની યાદ તાજી છે.

એ દિવસોમાં દિવસના પોણાઅગિયાર અગિયાર વાગ્યાની આસપાસ મારા નિશાળ જવાના સમયે એક સજ્જન પોતાની દિનચર્યાના ભાગરૂપે નદીએ નહાવા માટે જતા હોય, ત્યારે કોઈ કોઈ વાર મારી નજરે ચડી જતા. એ સમયે એમને જતા જોવા એ એક લ્હાવો હતો. ટૂંકું પંચિયું પહેરી, ઉઘાડા દેહે હાથમાં કળશો ઝાલીને અને ખભે ટુવાલ નાખીને એ ઉંઘંટ્યે ચહેરે નદી તરફ ચાલ્યા જતા હોય, ત્યારે નિયમિત રીતે કેટલાક છોકરાઓનું ટોળું ચોક્કસ લયમાં ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું. નદ્દીએ ન્હાવા જત્તું ‘તું, જત્તું ‘તું’ એવું સમુહગાન ગાતું ગાતું એમની પાછળ ચાલતું રહેતું. એ મહાનુભાવ સામાન્ય સંજોગોમાં એ બાબતે બિલકુલ નિર્લેપ રહેતા. પણ કોઈ કોઈ વાર અચાનક ઉભા રહી જઈ, “કોનીનો સો!” જેવા શબ્દપ્રયોગ સાથે એકાદા છોકરાની સામે ખૂંખાર નજરે જોઈ લેતા. આમ થવાથી જે તે સમયે ટોળામાં સમાવિષ્ટ તોફાનીઓ ભાગી છૂટતી વેળા એમના ખીજાવાથી પોતાનો જન્મારો સુધરી ગયો હોય એવી ખુશી અનુભવતા. જેમ મંદીરમાં અખંડ ધૂન ચાલતી હોય ત્યારે એમાં ગાનારાઓ બદલાયા કરે એમ જ એ ટોળામાં પણ સ્વયંસેવકો બદલાતા રહેતા પણ વિજયઘોષ તો ઠેઠ એ સજ્જન નદીમાં ઉતરે ત્યાં સુધી ચાલતો રહેતો. એકવાર હું આ શોભાયાત્રામાં જોડાવાની તૈયારીમાં જ હતો ત્યારે મારી બાજુમાં ઉભેલા એક છોકરાએ મારો હાથ પકડીને મને ક્ષોભ સાથે જણાવ્યું, “ઈ નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું તો મારા બાપા સે, તું એમની વાંહે નો જતો.” મારી એ ઉમર એનાં ક્ષોભ કે મનોવ્યથા સમજવાની તો નહતી પણ મને એને માટે ખુબ જ લાગી આવ્યું હતું. આ ઘટના પછી એ છોકરા સાથે મારી ભાઈબંધી બંધાણી અને સમય જતે ‘પાક્કી’ બની હતી.

એનું મૂળ નામ છોટુ પણ ત્યારના રિવાજ પ્રમાણે અમે મિત્રો એને ‘છોટીયો’ નામથી ઓળખતા. એ સમયે અમે ગઢડાના ‘સાંકડી શેરી’ તરીકે જાણીતા વિસ્તારમાં ભાડે રહેતાં હતાં. છોટીયો ત્યાંથી બહુ દૂર નહીં એવી એક વસાહતમાંથી અમારી શેરીમાં રમવા આવતો. મારીથી ત્રણેક વરસ મોટો હોવા છતાં પણ એ નિશાળમાં મારા જ વર્ગમાં હતો. કોઈ કોઈ વાર છોટુને ઘરે જઈએ તો એની બા અને એના દાદા મળે, એના બાપુજી ક્યારેય ઘરે જોવા ન મળતા. પછી ખબર પડી કે એના દાદા કર્મકાંડ અને જ્યોતિષના વ્યવસાયને લીધે પુષ્કળ રળતા હતા, જ્યારે સામે પક્ષે એના બાપા પૈસાને સર્વ અનિષ્ટનું મૂળ સમજી, ક્યારેય કમાવા જેવી દુન્યવી પ્રવૃત્તિમાં પડ્યા જ ન હતા. ઉલટાના, એ તો બને એટલી રીતો અજમાવી, અન્યોએ એકત્રીત કરેલા હાથના મેલને શક્ય એટલો આઘો કરી દેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહેતા. એમની આવી ઉમદા પ્રવૃત્તિઓને નિષ્ઠુર સમાજ, કુટુંબીજનો અને ખાસ તો એમના પિતાશ્રી ન ચલાવી લેતા હોવાથી એ બિચારાને ભેદી સ્થળોનો આશરો લેવો પડતો.

અમારી શેરીના ઘરેઘરની એકેએક વ્યક્તિથી છોટુ જરૂર કરતાં પણ વધારે પરિચીત હતો. કેટલાયે કુટુંબોની ‘ભેદી વાત્યું’ એની જાણમાં રહેતી અને એ અમારી મંડળીમાં કોઈ પણ જાતના બાધ વગર એ આવી બધી વાતો છૂટથી વહેંચતો. વળી કેટલાક કુતૂહલપ્રિયા: જના: સાથે ચોક્કસ અને ખાસમખાસ બાતમીનો વ્યવહાર એ સોડા અને પાનના સાટામાં કરતો. અમુક કુટુંબોમાં તો એને ઘરોબો હતો અને ત્યાં જઈને વડીલો સાથે બેસી, ચા-પાણી-નાસ્તો પણ કરી લેતો. બદલામાં એણે ત્યાં ચોક્કસ પ્રકારની મનોરંજક વાતો કરવાની રહેતી, જેને કેટલાક વાંકદેખાઓ કૂથલીના નામે વગોવતા. અમારો છોટુ આ બધું એકદમ તટસ્થભાવે કરતો. આજે જે ઘરે જઈને કોઈની વાતો કરી આવ્યો હોય, એ જ કુટુંબની માટલી બે ત્રણ દિવસ પછી અન્યત્ર ફોડી દે એવું પણ અમારી જાણમાં આવતું રહેતું. આવું બધું કરવા માટે જરૂરી સમયની ફાળવણી એ નિશાળમાં ન આવીને કરી લેતો. જ્યારે આવે ત્યારે એની અનિયમિતતા બાબતે વર્ગશિક્ષક સાહેબ/બહેન ખુબ વઢે અને કોઈ કોઈ વાર મારે પણ ખરાં. હેડમાસ્તર સાહેબના હાથે ચડી જાય તો એ પણ એને લગાવતા. જો કે આવી નાની નાની ઘટનાઓથી એ જરાય વિચલીત ન થતો. આ બાબતે એ એનું મંતવ્ય બહુ સ્પષ્ટ હતું….” જો ભાય, ઈ તો નિશાળે રોજ આવું તોય વાંકમાં આવીને વઢામણ/માર તો ખાવાનાં જ વોય. એના કરતાં બીજું કાંકેય કરવી ને!” અમે મિત્રો ય સ્વીકરતા કે એ ‘બીજું કાંક’ એને ખાસ્સું ફળદાયી નીવડતું.

અમારી નિશાળ લગભગ નદીકાંઠે હતી. નદીને સામે કાંઠે ખેતરો અને વાડીઓ હતાં. ગઢડામાં એ સમયે મગફળીનો મબલખ પાક ઉતરતો. લણણી સમયે છોટુ નિશાળમાં ભાગ્યે જ દેખાતો. સાંજ પડ્યે તાજી વાઢેલી શીંગ ભરીને ગાડાં ગામમાં પ્રવેશે, ત્યારે એમાંના એકાદની પાછળ લટકેલો નજરે ચડી જતો. એ સમયે ગઢડાના ખેડૂતોમાં એક માન્યતા એવી હતી કે ‘ખેતરમાં ઈ રામનું, ખળા( લણ્યા પછી ખેતપેદાશને રાખવાની વ્યવસ્થા)માં ઈ ગામનું ને (ઘરની) કોઠીમાં ઈ કામનું’. આમ, ખેતપેદાશ પોતાના ઘરની કોઠીમાં પહોંચી જાય ત્યાં સુધી એનો ઉપયોગ પશુ/પક્ષી/માનવીમાંથી કોઈ પણ કરે, એમાં ખેડૂતને વાંધો ન હોય. આવી માન્યતાને બરાબર ધ્યાને રાખી, છોટીયો વેળાસર કોઈના ને કોઈના ખેતરે પહોંચી જઈ, તાજી મગફળી(જેને અમે પોપટા કહેતા)ની જ્યાફત ઉઠાવતો અને પાછા ફરતી વેળા ઘેર પણ લઈ જતો. હા, ત્યાં લણણીના કામમાં થોડો ઘણો મદદરૂપ પણ થતો. ઘરે જતી વેળા અમારી જેવા કોઈ રસ્તે મળી જાય, એને પણ ઉદારતાથી પોપટાની લ્હાણી કરતો. એ બિલકુલ તાજી શીંગનો અદ્ભૂત સ્વાદ મેં છોટુના સૌજન્યથી એક કરતાં વધુ વાર માણ્યો છે. આ છોટીયા સાથે એ નાદાન ઉમરે કેટલાક યાદગાર અનુભવો માણ્યા છે એ પૈકીનો એક અહીં મૂકું છું.

એક તબક્કે અચાનક એવું બન્યું કે જ્યારે જોઈએ ત્યારે છોટુ “ હે જી.ઈ.ઈ.ઈ…… વડલા તારી વરાળ્ય, ને પાંદડે પાંદડે પરવરે” એટલી દુહાની પંક્તિ ગાતો ગાતો ફરતો રહેવા માંડ્યો. આગળ પાછળ કશું જ નહીં, માત્ર આ દુહો ગાતો રહેતો. મેં આ બાબતની પૃચ્છા કરતાં એણે મને જણાવ્યું કે ગઢડામાં એક નાટકકંપની તે સમયના ગ્રામ્ય સૌરાષ્ટ્રમાં ખુબ જ લોકપ્રિય એવા નાટક ‘વીર માંગડાવાળો’નો ખેલ લઈને આવી હતી. એ નાટકનું જે શિરમોર ગીત હતું, એનો આ મુખડો હતો. એણે ખુબ જ આગ્રહ્પૂર્વક મને આ નાટક જોવાની ભલામણ કરી. મેં તાત્કાલિક ધોરણે મારા બાપુજીને આ નાટક જોવાનો સોનેરી મોકો ચૂકી જવાથી મારો વિકાસ રૂંધાઈ જશે એવા અંદાજથી સમજાવવાની કોશિશ કરી જોઈ પણ એમણે જરાયે લાગણીવશ થયા વગર મારી દરખાસ્ત ઉડાવી દીધી. અમારા કુટુંબમાં એ સમયે સ્ત્રીઓ પુરુષસમોવડી થવાનો જરાય પ્રયત્ન ન કરતી એટલે મા પાસે જ્યારે હું હતાશાની મૂર્તી જેવો બનીને આ બાબતે કોઈ પુનર્વિચારણાનો પ્રસ્તાવ લઈને ગયો ત્યારે એણે તો “ઈ તો જેમ તારા ભાઈ કહે એમ જ હો!” કહીને સમગ્ર બાબત ઉપર ટાઢું પાણી ઢોળી દીધુ. હવે જ્યારે છોટીયાને આ ખબર પડી ત્યારે એ મારાથી યે વધુ હતાશ થઈ ગયો! એણે વિચારેલું કે મારા બાપુજીને વિનંતી કરીને મારી સાથે એ પોતે પણ નાટક જોવા પામશે. જો કે એ આશા ફળીભૂત ન થવાથી એણે વૈકલ્પિક વ્યવસ્થા કરી. ક્યાંકથી આ નાટકની જાહેરાતનું મોટું ચોપાનીયું લઈ આવ્યો. એમાં નાટકની વાર્તા અને ગીતો છાપેલાં હતાં. એમાંથી વાંચીને એણે મને જણાવ્યું કે ‘વીર માંગડાવાળો’ એક ભૂતકથા હતી અને નાટકમાં તો ‘ટોપના પેટનો હાચ્ચો ભૂત’ દેખાતો ’તો. આ જાણકારીથી તો હું એ નાટક જોવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. મને ભૂત કેવું દેખાય એ જાણવાનું ભારે કુતૂહલ હતું. કોઈએ ‘અરીસામાં જોવાથી ખ્યાલ આવી જશે’ એવી સૂઝ પણ પાડી ન હતી. એ સમયે મારા એકમાત્ર તારણહાર સમા છોટીયાએ મને કહ્યું, “હું તને નાટકનો નહીં, હાચ્ચેહાચ્ચો ભૂત બતાડીશ, તું સાબદો રે’જે.”

ખરેખર, બે-ત્રણ દિવસમાં જ છોટુ એક ભવ્ય પ્રસ્તાવ લઈને આવ્યો. એણે મને જણાવ્યું કે ગામની સીમમાં આવેલા સ્મશાનમાં ભૂત, ખવીસ, ડાકણ, ચૂડેલ વગેરે રાતના નવ વાગ્યા પછી નિયમીત હાજરી પૂરાવતાં રહે છે. એટલે ત્યાં યોગ્ય સમયે પહોંચી જવાથી એ સૃષ્ટી સાથે મુલાકાત થઈ શકે. મારા માટે તો સાંજના સમય પછી ઘરેથી બહાર શી રીતે જવું એ પ્રશ્ન હતો. પણ છોટીયો જેનું નામ! એણે તોડ વિચારી જ રાખેલો હતો. યોગાનુયોગે તાજીયા(મુહર્રમ)નો તહેવાર નજીક હતો. રહીમ નામનો અમારો એક મિત્ર આ નિમીત્તે અમને શાળામિત્રોને એને ઘરે સાંજથી બોલાવવાનો હતો. એના મા-બાપ દર વર્ષે આ તહેવારમાં ‘ભામણ રસોઈ’ કરાવી, રહીમના મિત્રોને ખુબ ભાવથી જમાડતાં. આ મોકાનો લાભ લેવા માટેની છોટુની યોજના બહુ સ્પષ્ટ હતી. “જો, તારા બાપા તને રહીમીયાના ઘરે તો આવવા જ દેશે ને! ન્યાંથી આપડે કોઈને ખબર નો પડે એમ છાનામુના સમશાને વીયા જાશું તું એકાદ ભૂત/ભૂતડી જોઈ લે એટલે પાછા રહીમીયાને ન્યાં ને પછી હું તને તારે ઘેર મૂકી જાશ્ય.” એ વખતે એને તો બધા પ્રકારનાં ભૂતો સાથે ઘરોબો હોય એવી અદાથી છોટીયો વાત કરતો હતો.

આખરે મુહર્રમનો દિવસ આવી પહોંચ્યો. સવારમાં રહીમના બાપુજી મારા ઘરે આવીને મને એમને ત્યાં જમવા મોકલવા માટે મારા બાપુજીને ભાવપૂર્વક કહી ગયા. સાંજે છોટીયો મારે ઘરે આવી ગયો અને અમે બન્ને નીકળી પડ્યા. જો કે જેમ જેમ આ દિવસ નજીક આવતો જતો હતો એમ મારામાં બીક અને ફફડાટની લાગણી પ્રબળ થતી જતી હતી. સામે પક્ષે છોટુ તો સહેજેય બીતો નહતો! એનું કારણ એણે બતાવ્યું કે પોતે હનમાનજતિનો ભગત હતો. દર શનિવારે એકટાણું કરતો અને હડમાનદાદાને તેલ ચડાવતો. મને યાદ આવ્યું કે એ દરેક શનિવારની સવારે એક ટોયલી લઈને ઘેર ઘેર ફરતો અને મોટેથી ‘હડડડડડમાનનનનનનજતિનું  ત્ત્ત્ત્તત્ત્તેલ્લ્લ્લ્લ’ એવું ગાંગરતો. મોટા ભાગનાં શ્રધ્ધાળુ લોકો એને તેલ આપતાં અને કલાકેક પછી એ તેલસભર ટોયલી લઈને છોટીયો ઘેર જતો. આ તેલનો અમુક ભાગ એ રસ્તામાં આવતી હનુમાનજીની દેરીએ એના પૂજારીને દેતો. હનુમાનદાદાની આટલી સેવા કર્યાના પૂણ્યના ફળરૂપે એને ભૂતો સામે રક્ષણકવચ મળ્યું હતું એવું એણે મને સમજાવ્યું. મને આવું કશુંયે ન શીખવવા બદલ મેં મનોમન મારાં વડીલોનો દોષ કાઢ્યો. ખેર, જાગ્યા ત્યારથી સવારના ધોરણે મેં રહીમના ઘરે બેઠા બેઠા હનુમાનજીનું સ્મરણ કરવા માંડ્યું. જમી લીધા પછી બધા રહીમના ફળીયામાં રમતા હતા એવામાં એકાએક છોટીયાએ મને ઈશારો કર્યો અને અમે કોઈને જાણ ન થાય એવી રીતે ત્યાંથી અગોચરના પંથે જવા સરકી ગયા. રસ્તામાં છોટુએ મને એક કરતાં વધારે વાર ‘બીશ્ય તો નહીં ને?’ એમ પૂછ્યું અને એ સમયે ખોટું બોલતાં અતિશય પરિશ્રમ પડ્યો છતાં મેં ‘જરાય નહી ને!’ નો જવાબ વાળ્યા કર્યો. અત્યારે યાદ કરું છું તો એક સાત-આઠ વરસનો અને બીજો દસ-અગિયાર વરસનો એવા બે છોકરા રાતના અંધારામાં સ્મશાન તરફ હાલ્યા જતા હતા એ ખુદ મારા માન્યામાં નથી આવતું!

ખેર, અમે ચાલતા હતા એવામાં એક મોટું ઝાડ આવ્યું. છોટુએ મને જણાવ્યું કે એ ઝાડ ઉપર એક ‘મામો’ રહેતો હતો. આગળ વધતાં વધતાં એણે મને આ વિશિષ્ટ મામાનો પરિચય આપ્યો. એણે કહ્યું કે મામો હંમેશાં સફેદ ખમીસ અને લેંઘો ધારણ કરીને જ એ જ્યાં રહેતો હોય એ ઝાડની આસપાસ ફરતો રહે. ત્યાંથી નીકળતા લોકો પાસે બીડી/સિગારેટ માંગે અને ન આપનારને જોરદાર લાફો વળગાડી દે. જેને એ લાફો મારે એને “તણ દિ’ તાવ આવે, પછી કોગળીયું થાય ને પછી તો બસ્સ્સ, ખલ્લાસ્સ્સ!” આવું આવું સાંભળતાં મને લખલખાં આવી જતાં હતાં. જો કે અમને મામાએ રોક્યા નહીં પણ હવે જેમ જેમ ગામનું પાદર વટાવીને આગળ વધવાનું થયું એમ એમ મારી હાલત બગડવા માંડી. આ સમયગાળામાં મેં હનુમાનજીને સ્મર્યા એટલા તો તુલસીદાસજીએ પણ કદાચ એમના સમગ્ર જીવનમાં નહીં સ્મર્યા હોય! જો કે છોટુ તો હિંમતના મૂર્તીમંત સ્વરૂપની જેમ આગળ વધતો જતો હતો.
પણ, જેમ ભગવાનનો સાક્ષાત્કાર, એમ જ ભૂતદર્શન પણ કોક કોક વીરલ નસીબદારને જ સાંપડે અને એ પણ યોગ્ય સમય પાકે ત્યારે જ એ અવસર પ્રાપ્ત થાય. અમે સ્મશાનથી થોડા દૂર હતા એવામાં આસપાસમાં કશોક સંચાર કાને પડ્યો. મારા પગ તો ત્યાં જ જમીન ઉપર ખોડાઈ ગયા. છોટુ પણ ગાભરો બની ગયો. ત્યાં તો એક ઓળો નજરે પડ્યો. ઘોર અંધારામાં સફેદ ખમીસ અને સફેદ લેંઘો પહેર્યો હોય એવી એ હસ્તી જોતાં જ મને તો થયું કે આ તો ઓલો મામો ભટકાણો! હવે બીડી માંગશે અને નહીં આપું એટલે લાફો વળગાડી દેશે. ક્ષણવારમાં તો પૂરી ભવાટવી દેખાઈ ગઈ. બસ, થોડી વારમાં આપણો ‘ખેલ ખલ્લાસ્સ’ એની ખાતરી થઈ ગઈ. એવામાં અમારી તરફ ધ્યાન પડતાં એ ઓળાએ જોરથી ત્રાડ નાખી, “કોનીના સો!” અને અમને બન્નેને ખ્યાલ આવ્યો કે એ તો છોટીયાના બાપા હતા! છોટીયાએ સમયસૂચકતા વાપરી, જરા અવાજ બદલી, મને પાછા ભાગવાનો હૂકમ કર્યો અને અમે એકબીજાનો હાથ પકડી, ભાગવા લાગ્યા. સહેજ સલામત અંતરે પહોંચ્યા પછી મેં પાછા વળી, જોયું તો એ અમારો પીછો કરતા નહતા. કદાચ એમ કરવા જેટલી એમની શારિરીક કે માનસીક સ્વસ્થતા હશે જ નહીં.

આ ક્ષણે હું સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગયો. હવે મને ટીખળ સૂઝી. છોટીયાથી સહેજ દૂર હટી, મેં જોરથી બૂમ પાડી, ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ અને પછી એમના તરફથી ‘કોનીનો સે’ની ત્રાડ આવે એ પહેલાં અમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી ઝડપથી ઘર તરફ દોડવા લાગ્યા. અમારી સાંકડી શેરીના નાકે મારા બાપુજી હાથમાં ટોર્ચ સાથે સામા મળ્યા. એમની અપેક્ષાથી મોડું થયું હોવાથી એ રહીમના ઘર તરફ મને લેવા માટે નીકળ્યા હતા. એ ક્ષણે એમની મહામૂલી અમાનત પરત કરતો હોય એવા અંદાજમાં છોટીયાએ એમને કહ્યું, “રહીમીયાને ન્યાં રમવામાં મોડું થઈ ગ્યું ઈ ધ્યાન જ નો રીયું. પછી રાત વરતનો આ પીયૂસીયો તો બવ બીવા માંડ્યો. પણ મેં તો જ્યાં લગી એને તમારા હાથમાં નો મૂકું ત્યાં લગી પાણી નો પીવાની બાધા લીધી ‘તી.“ એની આ ચેષ્ટાથી ભારે પ્રભાવિત થયેલા મારા બાપુજીને વર્ષો સુધી આ બાબતે મેં કોઈ જ ચોખવટ કરી નહતી.

વર્ષો પછી એટલે કે સને ૨૦૦૩માં જ્યારે ગઢડા જવાનું થયું ત્યારે છોટીયાની તપાસે એના ઘરે ગયો હતો. ઓટલે બેઠેલાં એની બાએ જણાવ્યું કે છોટુ તો આફ્રીકા જતો રહ્યો હતો અને ત્યાં કથા-વાર્તા કરી, સારું રળતો હતો. એના બાપા બાજુમાં પડેલી એક આરામખુરશીમાં બેઠા બેઠા બીડી ફૂંકી રહ્યા હતા. મારામાંના ટીખળીને ઈચ્છા થઈ આવી કે એક વાર જોરથી ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ બોલી, નાસી છૂટું. પણ ત્યારની મારી ઉમર અને ખાસ તો મારો દીકરો સાથે હતો એ બે પરિબળોએ મને એમ કરતાં રોક્યો.

નોંધઃ ગુજરાતી વેબ પોર્ટલ 'વેબગુર્જરી' ઉપર તા.26/04/2019ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.

No comments:

Post a Comment