Wednesday 15 February 2017

હૈદ્રાબાદની સફર (૨)

મારી હૈદ્રાબાદની મુલાકાત દરમિયાન એ શહેરનાં કેટલાંક સ્થળો જોયાં એને વિષે અગાઉની પોસ્ટમાં લખ્યું હતું. અમારા આયોજન મુજબ હવે વારો હતો ગોલકોન્ડા કિલ્લાની મુલાકાતનો. આગળથી એવું નક્કી કર્યું હતું કે સવારે બરાબર સાડા નવે ઘરેથી બે એક વાર ચા અને એક વાર નાસ્તો કરી નીકળી, દસ સવા દસની આસપાસ ત્યાં પહોંચી, ચારેક કલ્લાક કિલ્લાને વિગતવાર જોઈ, ભોજનાદી પતાવી, સાંજે વેળાસર ઘરે પહોંચી જવું, જેથી રાતના વાળુ પહેલાં બે ત્રણ વાર ચા પીવાનો અવકાશ મળી રહે. એ મુજબ ધારાએ ડ્રાઈવર વ્યંકટેશને અસરકારક અંદાજમાં સમયસર (અને એણે જાતે જ) આવી જવા સુચના આપી દીધી હતી. હું આદર્શ અને આજ્ઞાંકિત મહેમાનની માફક આઠ વાગ્યા સુધીમાં બિલકુલ તૈયાર થઈને એ લોકોના ઘરની વિશાળ રવેશમાં એક આરામદેહ ખુરશીમાં ગોઠવાઈ, કુંડાંમાં ઉગેલાં ફુલો અને ટમેટાં તેમ જ રિંગણાં જોવા લાગ્યો હતો. ધારા પણ મંદ મંદ સ્મિત સહ એણે ઉગાડેલા ફુદીનાનાં પાંદડાં ચુંટતી હતી. આ જોઈને મારા પગમાં વધુ ને વધુ જોર આવતું રહેતું હતું કેમકે સમગ્ર દ્રશ્ય ટૂંક સમયમાં મળનારી ચાનું  સૂચક હતું.
                                       નાસ્તા સાથે બીજી વારની ચા પીતે પીતે ચિત્ર બદલાયું. અભીજીતે ‘થોડાં મોડાં નીકળીએ તો શું વાંધો’ની પૃચ્છા કરી. ધારાએ એની વાતમાં સૂર પૂરાવતાં અભીજીતે એવા સંજોગોમાં સીધી એક કલ્લાકની મુદત પાડી અને એ મુજબ વ્યંકટેશને સૂચીત કરવા ધારાને સૂચીત કરી. એની થોડી વાર પછી મહાન માણસોના મહાન પુત્રોની જેમ વ્યોમેશે પિતાના પગલે આગળ વધવાનું નક્કી કરી, વધુ અડધી કલ્લાકની મુદત પાડી. પોણા અગિયારે અભીજીતે ધારાને વ્યંકટેશ ન આવ્યો હોય તો હવે એની આવી બની છે એમ કહેતાં ધારાએ નીચે જોઈને એ હજી સુધી ન આવ્યાની જાણ કરી. હવે અભીજીતે ફોન ઉપર જ વ્યંકટેશની ‘આવી બનાવવાની’ શરૂઆત કરી દીધી. અભીજીતના જીવનનાં સારાં એવાં વર્ષો નડીયાદમાં વિત્યાં છે અને પરિણામે એની પાસે વિપુલ માત્રામાં ચોક્કસ શબ્દભંડોળ છે. જો કે એણે કેટલાક ચુનંદા પ્રયોગો તો ન કર્યા, તેમ છતાં બે ત્રણ મિનીટના એ પ્રેમાળ વાર્તાલાપનું પરિણામ એ આવ્યું કે આખરે અમે ‘થોડાં મોડાં’ એટલેકે સાડા અગિયારે ઘરેથી નીકળ્યાં, ત્યારે નીચે કાર પાસે વ્યંકટેશ ધોયેલા મૂળા જેવો નજરે પડ્યો. અમે લોકો એને આપેલા સમયથી બે કલ્લાક મોડાં હતાં એ બાબતનો એણે ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. થોડી વાર પછી એણે વ્યોમેશને તેલુગુમાં એ અગાઉ બે દિવસ જાતે કેમ ન આવી શક્યો એનાં કારણો સમજાવ્યાં. વ્યોમેશે એને જે શાતાદાયક જવાબો આપ્યા એનાથી ફેર એ પડ્યો કે વ્યંકટેશના દાંત એકદમ સફેદ છે એ મને જણાયું.
                                          ખેર, અભીજીતનો બે દિવસનો દબાવી રાખેલો ગુસ્સો નીકળી જતાં પછી તો વ્યંકટેશની વાતચીતનું માધ્યમ તેલુગુથી બદલાઈને હિન્દી થઈ ગયું. મને જોઈને એણે કદાચ એણે માની લીધું હશે કે આ મોડું મારે લીધે થયું હશે અને અભીજીતની પ્રેમભરી વાણીનો પ્રથમ લાભાર્થી હું હોઈશ! એને એવી તો ખબર ન હોય ને કે, સને ૨૦૧૦માં આધાર કાર્ડ માટે ફોટો પડાવ્યો ત્યારથી હું કાયમી ધોરણે જ કોઈએ વઢી નાખ્યો હોય એવો નિમાણો દેખાવા લાગ્યો છું! આથી એણે મને પણ કહ્યું કે ‘સરજી કકોનટ જઈસ્સા, બહારસે ગુસ્સાવાલા, અંદરસે પ્યારા’! આમ સૌ સારાં વાનાં થયાં અને અમે લોકો ગંતવ્યસ્થાને પહોંચી ગયાં. સરકારી દેખરેખ હેઠળ અહીંનું કામ વ્યવ્સ્થિત ચાલતું હોય તેવું લાગ્યું. ટિકીટ વગેરેની ઔપચારીકતાઓ પછી આગળ ચાલ્યાં ત્યાં ગાઈડ માટેની સગવડ પણ સરકારી કક્ષાએ થતી હોવાનું જાણ્યું. એટલે અમે એની ઓફિસમાં જઈ, તપાસ કરતાં હુસેન નામના ગાઈડની ફાળવણી અમને કરવામાં આવી. કિલ્લા વિશે અહીં જે માહિતી અપાશે એની યથાર્થતાની સીધી જવાબદારી હુસેનના શીરે રહેશે. આમ તો ભરોસાપાત્ર લાગ્યો પણ એની વાકપટુતા એવી હતી કે કોઈ મહાનુભાવની ચાળીશ વરસ પછીની ખોપરી અત્યારે બતાડી દે અને જોનારાં માની પણ જાય!
                                       


                                               મૂળ કાકટીયા વંશના શાસકોએ ચૌદમી સદી દરમિયાન આ કિલ્લાનું પ્રાથમીક બાંધકામ કરાવેલું. આખરે સોળમી સદીમાં કુતુબ શાહી વંશે એનો કબ્જો મેળવી, અહીં રાજધાનીનું મુખ્ય મથક સ્થાપ્યું. પહેલાં અન્ય કિલ્લાઓ જોયા છે અને જો સરખામણી કરીએ તો આ કિલ્લામાં કોઈ આગવી વિશિષ્ટતા ન જણાઈ, પણ તેમ છતાં ય સદીઓ અગાઉ ટાંચાં સાધન સામગ્રી સાથે એક દુર્ગમ જગ્યા પસંદ કરી, ત્યાં સુયોગ્ય આયોજન ધરાવતી આવી રચના ખડી કરનારાઓ માટે ચોક્કસ માન થઈ આવે. હવે કેટલીક તસવીરો અને જે તે તસવીર વિશે થોડી માહિતી જોઈએ.
પ્રવેશમાર્ગ : રાજવી કુટુંબનો નિવાસ પણ અહીં હોવાથી કિલ્લાની રક્ષા પધ્ધતી ખુબ જ સક્ષમ હોય એ અત્યંત જરૂરી હતું. આથી દુશ્મનો સહેલાઈથી પ્રવેશી ન શકે એ માટેની સઘળી તકેદારી લેવાઈ છે. એક સાથે મોટી સંખ્યામાં દુશ્મન સૈનીકો ધસારો ન કરી શકે કે પછી કિલ્લાનો મુખ્ય દરવાજો તોડવા માટે હાથી જેવા જોરાવર પ્રાણીનો ઉપયોગ ન થઈ શકે એ માટેની તકેદારી માટે એ તરફનો માર્ગ સાંકડો રાખ્યો છે. ઉપરાંત એ સમયના મોટા ભાગના કિલ્લાઓમાં જોવા મળે છે એવા અણીદાર ખીલા દરવાજા ઉપર જડી દેવામાં આવ્યા છે. 
                                                
પ્રવેશદ્વાર 

વળી દરવાજાથી ખુબ જ નિકટના અંતરે સામેની બાજુએ ઉંચી દિવાલ ચણી લેવામાં આવી છે, જેથી શીશાના મુખ જેવી (Bottleneck) સ્થીતી સર્જાય અને આક્રમણખોરો સહેલાઈથી અંદર દાખલ ન થઈ શકે. આમ છતાં ય જો દાખલ થઈ જાય, તો પ્રવેશકમાનમાંથી એમની ઉપર ધગધગતું તેલ પડે, જે છેક ઉપરથી રેડવામાં આવ્યું હોય, એવી ચેનલ પણ છે. જો કે માનવતાનાં ધોરણો જાળવવા માટે થઈને અત્યારે એનું નિદર્શન કરવામાં નથી આવતું! 
                                    
                                     આ ઉપરાંત બહાર લગભગ ૨૪૦ કિલોગ્રામ વજનનો લોખંડનો એક બાટ રાખવામાં આવ્યો છે. અમને કહેવામાં આવ્યું કે એક જમાનામાં જો કોઈ સૈન્યમાં જોડાવા માટે આવે તો એની પહેલી કસોટી આ બાટને ઉપાડવાની થતી.
વજનીયું
અમારા ચહેરા ઉપર આશ્ચર્યના ભાવો જોતાં હુસેને કહ્યું, “એ જમાનાના સામાન્ય લોકો પણ સવા છથી સાડા છ ફીટની ઉંચાઈ અને સવાસો થી દોઢસો કિલોગ્રામ વજન હોય એવા હોતા. અત્યારના જેવું નહીં કે સાવ જેવા તેવા!” આટલું બોલીને એણે સાડા પાંચ ફીટની ઉંચાઈ અને એક્સઠ કિલો વજનનું દેહલાલિત્ય ધરાવતા મારી સામે ધારદાર નજર નાખી. પહેલાં તો હું થથરી ગયો પણ સવા પાંચ ફીટ ઉંચા અને આશરે પંચોતેર કિલોગ્રામ વજન (કે જેનો મોટો ભાગ શરીરના મધ્યે જમા થયેલો હતો) ધરાવતા હુસેનને બારીકીથી નિહાળ્યા પછી એના તરફથી આવેલા ઉપાલંભને જીરવી ગયો.
                                     ગુંબજ : આવી સગવડ અન્ય કોઈ કિલ્લામાં હોય તો પણ એની માહિતી નથી. પ્રવેશદ્વારથી થોડે જ આગળ વધતાં છત ગુંબજ આકારની છે અને બરાબર એની મધ્યમાં ગોળ કોતરણી છે. એને કેન્દ્રસ્થાને રાખી ઉભા રહેતા ચોકીદારે કરેલ આછો અવાજ ત્યાંથી દૂર લગભગ ૪૮૦ ફીટની ઉંચાઈએ આવેલ રાજ્ય કુટુંબના આવાસના રખેવાળો સાંભળી શકે એવી રચના છે. 
ગુંબજ

 હુસેને અમને આનું નિદર્શન આછી ચપટી વગાડીને કર્યું, જેનો અવાજ જ્યાં સંભળાવો જોઈએ ત્યાં જ વ્યોમેશને સ્પષ્ટ સંભળાયો. નવાઈની વાત એ છે કે ગુંબજના કેન્દ્રથી સહેજ પણ ખસીને કરવામાં આવતો અવાજ ઉપર પહોંચતો નથી. દૂરથી આવી રહેલા શત્રુઓની માહિતી મળતાં જ નીચે ઉભેલો ચોકીદાર આ રીતે ચેતવણી આપે એટલે છેક ઉપર રહેલી હરોળો સતર્ક થઈ જાય. એક બાજુ તેલ ઉકાળવાનું શરૂ થઈ જાય, સાથે સાથે તોપગોળા દાગવાનું શરુ થઈ જાય. શસ્ર્ત્રભંડાર યોગ્ય રીતે જ, અલગ અલગ સ્થળોએ રાખવામાં આવતા.
તોપ અને ગોળા
                                      
                                       દિવાલના કાન : શાસકને મળવા આવનારા મુલાકાતીઓને ખાસ્સી તપાસ કર્યા પછી જ આગળ જવા દેવામાં આવતા. તેમ છતાં ય જ્યાં એમની બેઠક વ્યવસ્થા હોતી, ત્યાંની દિવાલની વિશેષતા એ છે કે એક બાજુએ બેઠેલા માણસનો મર્મર ધ્વની પણ સામેની બાજુની દિવાલે  બેઠેલા કિલ્લાના જાસૂસને કાને પડે! વચ્ચે બેઠેલાઓને આ બાબતે કોઈ અંદેશો પણ ન આવે. આનું રહસ્ય દિવાલની ઉપરની બાજુએ જોવા મળતી પાસાદાર રચનામાં છે. વ્યોમેશે આવી જ રચનાઓ મધ્યપૂર્વના દેશોમાં પણ જોવા મળતી હોવાનું જણાવ્યું..
દિવાલના 'કાન'  
લોહીની નદી : શરૂઆતના કોઠા વટાવી અને દુશ્મનો જો અંદર પ્રવેશી જાય તો એમણે એક લાંબા રસ્તે પસાર થવું પડે એવી બાંધણી છે. અહીં જ અનેક વાર મોટે પાયે મારાકાપી થઈ હોવાનું હુસેને જણાવ્યું. એના કહેવા પ્રમાણે કોઈ કોઈ વખત તો આ જગ્યાએ શબ્દશ: લોહીની નદીઓ વહી છે. 
'રક્ત નીક'  
મનોરંજન મંડપ : શાસકનું નિવાસસ્થાન હોય ત્યાં મોજ શોખ અને ઉપભોગનાં સંસાધનો હોવાં અનિવાર્ય છે. આ કિલ્લામાં પણ એ માટેની સર્વ સામગ્રી હાથવગી રહી જ હશે. શાસક ઈચ્છે ત્યારે એનું, એનાં કુટુંબી જનોનું અને એનાં મહેમાનોનું મનોરંજન કરવા માટે સંગીતકારો, નૃત્યાંગનાઓ, ભાંડ, ભવાયા, રમતવીરો વગેરે પોતાની કળાનું પ્રદર્શન કરી શકે એ માટે ચારે બાજુએ દિવાલોથી ઘેરાયેલું એક ચોગાન છે. મહાનુભાવો પોતપોતાના ઝરુખે બેસી ને આરામથી જોઈ સાંભળી શકે એવી વ્યવસ્થા છે. સામાન્ય જનને અહીં પ્રવેશ નહીં અપાતો હોય એવું લાગ્યું.
મનોરંજન મંડપ
રાણીવાસ :  ખુબ જ સુરક્ષિત જગ્યાએ બાંધવામાં આવેલા આ આવાસોમાં રાણીઓ/બેગમો અને એમની દાસીઓએ રહેવાનું હતું. છેક ઉપર રહેતા રાજા/બાદશાહ બોલાવે તો જ એમને બંધ પાલખીમાં બેસાડી, સેવકો ત્યાં પહોંચાડતા જેથી સ્ત્રી વર્ગને ક્યારેય ટોચ સુધી પહોંચવાના રસ્તા વિશે ખબર ન પડતી(અહીં શ્લેષ અભિપ્રેત છે). આક્રમણ થાય ત્યારે રાણીવાસની લોખંડી જાળીઓ બંધ કરી દેવામાં આવતી. વળી અંદર કાયમી ધોરણે પૂરતી માત્રામાં બળતણનો પુરવઠો રાખવામાં આવતો જેથી ચોક્કસ સંજોગોમાં એમને સળગી જવું હોય ( કે પછી એમને સળગાવી દેવી હોય) તો સુગમ પડે. એક વિશાળ શસ્ત્રાગાર પણ રાણીવાસની બાજુમાં જોવા મળ્યો.
રાણીવાસ
                                           ટોચ : જમીનથી લગભગ ૪૮૦ ફીટ ઉપર ડુંગરની ટોચે શાસકનું રહેઠાણ આવેલું છે. જે તે રાજા/ બાદશાહની દોમ દોમ સાહ્યબીનાં પ્રતીક સમાં સુખોપભોગનાં બધાં જ સંસાધનો અગાઉના જમાનામાં આ સ્થળે ઉપલબ્ધ રહ્યાં હશે. કંઈ કેટલાંય ષડયંત્રો અહીં ઘડાયાં પણ હશે અને ફુટ્યાં પણ હશે. અહીં પણ નદી વહે એટલાં નહીં તો કુંડીઓ ભરાય એટલાં લોહી તો રેડાયાં જ હશે. 
 

.  
ટોચ
                                           ખંડેરો : એક જમાનામાં ભવ્ય કોતરણીથી શોભાયમાન હશે એવા આ ઐતિહાસીક કિલ્લાને સમયની થપાટો પૂરતા પ્રમાણમાં વાગી ચુકી છે. હવે તો રહી ગઈ છે એના ભૂતકાળની વાતો, જેમાંની ઘણી દસ્તાવેજી પુરાવાઓના અભાવે દંતકથા તરીકે સ્વીકારવી રહી. 
ખંડેરો
આ અગાઉ જ્યારે કિલ્લાઓ જોવાની તક મળી હતી ત્યારે લશ્કરી વ્યુહરચનાને અનુલક્ષી ને કરવામાં બાંધણી માટે મુગ્ધ થઈ જવાનું બનતું. આ વખતે તદ્દન અલગ વિચારોએ ઘેરી લીધો. રામાયણ મહાભારતના કાળ થી માંડી ને આજ સુધી રાજ્યકર્તાને ભાગે એક બાજુ દેવોને ય ઈર્ષ્યા કરાવે એવું ઐશ્વર્ય આવ્યું છે અને બીજી બાજુએ સતત ફફડાટ આવ્યો છે! કોણ ક્યારે કઈ દિશાએથી આક્રમણ કરશે, અંદરનાં જ કોણ લાગ જોઈને શત્રુઓ સાથે ભળી જશે, ક્યારે ખોરાક પાણીમાં ઝેર ભેળવાઈ જશે, ક્યારે દગા ફટકાનો અને ક્યારે બળવાનો સામનો કરવો પડશે એના ડરમાં ને ડરમાં જ જીવતા રહેવાનો અભિશાપ પણ દરેક શાસકને ભોગવવાનો આવ્યો જ છે. આ વાત કરતાં કરતાં મને ચારો ચરતાં કે પાણી પીતાં હરણ યાદ આવે છે. એક કોળીયો કે ઘુંટડો મોઢેથી ગળે ઉતરે એ પહેલાં તો ઉંચું થઈ, આંખોમાં ભયની લાગણી સાથે ચારે ય બાજુ જોઈ લે કે આસપાસમાં ક્યાંય શિકારી તો નથી ને! એક સામાન્ય મનુષ્ય ક્યારેય નથી અનુભવતો એવા ભયની લાગણીથી આજદિન સુધીના શાસકો પીડાતા રહ્યા છે. વળી માણસોના કાવાદાવા, દગા, ફટકા જેવા બધાથી પોતાનું ગમ્મે તેવી કિલ્લેબંધીથી રક્ષણ કરવા માંગતો કોઈ પણ શાસક ક્યારેય સમયદેવ સામે થઈ શક્યો છે? ‘ના’થી અલગ જવાબ હોય એવું એકાદ ઉદાહરણ પણ જો કોઈના ખ્યાલમાં હોય તો ધ્યાન દોરવા વિનંતી છે.

સૌજન્ય સ્વીકાર: માહિતી સ્થળ ઉપરના ભારત સરકાર દ્વારા પ્રમાણિત એવા મહંમદ હુસેન નામના ગાઈડ પાસે થી મળી છે.

તમામ તસવીરો વ્યોમેશ મહેતાએ ખેંચી છે અને મારી સાથે વહેંચી છે.

Monday 13 February 2017

હૈદ્રાબાદની સફર(૧)

સધિયારો: આ પ્રવાસવર્ણન નથી.
                            આજ સુધીમાં અનેક પ્રવાસવર્ણનો વાંચી ચુકેલાઓ સુપેરે જાણે છે કે તેમાંનાં ઘણાંમાં લેખકને પ્રવાસ માટેનો વિચાર પહેલી વાર આવ્યો ત્યારથી લઈ ને એના આયોજન માટે કરેલું હોમવર્ક, એમાં વિવિધ તબક્કે પત્નિ, સંતાનો, જમાઈ, પુત્રવધુ, વેવાઈવેલો, ફુઆજી સસરા, સહકર્મીઓ ઉપરાંત અનેક શુભેચ્છકો દ્વારા કરાયેલાં સુચનો, ટિકીટ લેવાથી લઈ ને બેગ પેક કરવા સુધીની તૈયારીઓ, પ્રયાણના આગલા દિવસ સુધી વ્યાપેલી અનિશ્ચીતતા અને આખરે પત્નીએ સાથે બંધાવેલ ઢેબરાં, સુકી ભાજી અને સુખડી સહ સુખરૂપ પ્રયાણ સુધીનું વર્ણન વાંચતે વાંચતે વાચક પોતે જ આ બધામાંથી પસાર થયો હોય એવો અધમુઓ થઈ જાય છે. હજી જો વાંચવાનું ચાલુ રાખ્યું હોય, તો લેખક જ્યારે મંઝીલે પહોંચી જાય છે ત્યારે પાછો એક નવો દોર શરૂ થાય છે જ્યાં એને આવકારવા સ્ટેશને/એરપોર્ટે આવેલા યજમાનનાં વસ્ત્ર પરિધાનથી લઈ, એમના પર્ફ્યુમ અને એમની કુશાંદે મોટરનાં વખાણ આવે અને પછી એમનાં કુટુંબીજનોથી લઈ એમનાં પાળીતાં ટોમી, મોતી અને મિનીબાઈને પણ આપણે જાણવાં પડે છે. જોવા લાયક સ્થળો વિશે અને નવી જગ્યાએ ગયાના અનુભવ બાબતે થોડાં થોડાં  છાંટણાં અલબત્ત, વાંચવા મળે છે.

                            મારી આ પોસ્ટમાં આવું કશું જ નહીં હોય એની ખાત્રી આપું છું, કારણકે ઉપર જણાવ્યાં એવાં પ્રવાસવર્ણનો ઠેઠો ઠેઠ વાંચ્યા પછી એટલું જ્ઞાન ચોક્કસ લાધ્યું છે કે કોઈને ય એ બધામાં રસ નથી હોતો. માટે મને હૈદ્રાબાદ રહેતા મારા ભાઈ/મિત્ર/સ્વજન એવા અભીજીત અને એની પત્ની ધારાએ કેવા આગ્રહપૂર્વક બોલાવ્યો, એ બાબતે મેં સ્નેહા, મા, દિકરી પ્રીત, જમાઈ રવિ અને દિકરા પાર્થ સાથે શું શું ચર્ચા કરી, આખરે પાર્થે કેવી રીતે મને એકદમ સસ્તા ભાડાની વિમાનની ઈ-ટિકીટ બૂક કરાવી આપી, મેં પાંચ દિવસ રોકાવા માટે કયાં કપડાં અને એની કેટલી જોડી લઈ જવી એની સ્નેહા સાથે શું શું મસલતો કરી, આખરે (હંમેશ મુજબ) સ્નેહાએ જ મેડા ઉપરથી એક મધ્યમ સાઈઝની બેગ ઉતારી આપી એમાં મારે લઈ જવાનો સામાન-સરંજામ ભરી આપ્યો, એ સમયે ‘હું ન હોત તો શું થાત, આ ઘરનું’ એવા ઉદગાર વડે મને એ વિષયે વિચારવા માટે ૧૪,૭૪૯ મી (કે એથી વધુ પણ હોય!) વાર પ્રેરણા આપી એ બાબતે, અભીજીતના દિકરા વ્યોમેશને ભાવતો મોહનથાળ લઈ આવી, જ્યારે દિકરી પલક બેંગલોર ખાતે એમ.ડી.એસ. કરી રહેલી હોઈ, એને માટે એને માટે જે મોકલે એ વ્યંજનને વ્યોમેશ જ ન્યાય આપી દે અને જ્યારે મળે ત્યારે ભાઈ બહેન વચ્ચે થનારી મારા મારીનું નિમીત્ત હું બનું એમ વિચારી એ મુલતવી રાખ્યું, આગલે દિવસે મેં મારા માટે મુસાફરી દરમિયાન સમય પસાર કરવા ભાતું શું લઈ જવું એ બાબતે મેં ચર્ચા છેડતાં ‘બે કલ્લાકની જ મુસાફરીમાં તે વળી ભાતાં શેનાં?’ જેવાં કાને પડેલાં સુમધુર વાક્યો, નીકળતી વેળાએ જાતે જ સ્માર્ટફોનના ઉપયોગથી બોલાવેલી ટેકસી, માએ “સાચવી ને જજે અને અજાણ્યા કોઈની હારે બહુ હળી મળીને વાતો નો કરતો અને પરશાદી કહીને ય દે તો ય કાંઈ ખાવાની ચીજ નો લેતો ને પહોંચી ને તરત ફોન કરી દેજે”ની ૬૩ વરસના મને આપેલી સુચના, વગેરે ઘટનાઓ બાબતે મેં કશો જ  ઉલ્લેખ નથી કર્યો (?), તેની નોંધ અહીં સુધી પહોંચેલા સૌએ લીધી જ હશે.

                           હવે આગળ વધતાં પહેલાં અભીજીત (૫૭) અને કુટુંબીજનોનો ટૂંકમાં પરિચય આપી દઉં. અભીજીત (મહેતા) બહુ ઉંચી કક્ષાનો બાયોટેકનોલોજિસ્ટ છે અને અમદાવાદ તેમ જ હૈદ્રાબાદની ખ્યાતનામ કંપનીઓમાં સારા હોદ્દાઓ ઉપર કામ કરી હવે એ ક્ષેત્રના સલાહકાર તરીકે પોતાની ઇચ્છા મુજબ કામ કરે છે. એની પત્નિ ધારા (૫૬) ગુજરાત સરકારનાં વિવિધ ખાતાંઓમાં સેવા આપી, એ લોકોએ સને ૨૦૦૨માં હૈદ્રાબાદ સ્થાયી થવાનું નક્કી કર્યું તેથી વહેલી નિવૃત્તી લઈ લીધા પછી આનંદથી સમય વ્યતિત કરે છે. એમનો દીકરો વ્યોમેશ (૨૯) હૈદ્રાબાદ અને  ઈઝરાઈલ ખાતે એરોનોટિક્સની ઉત્કૃષ્ટ શૈક્ષણિક પદવીઓ હાંસલ કર્યા પછી આપણા સંરક્ષણ ખાતાના ઉપક્રમ DRDO (Defence Research and Development Organization)  માટે, હિન્દુસ્તાન એરોનોટીક્સ લિમિટેડ, બેંગલોર માટે તેમ જ કેટલીક ખાનગી કંપનીઓ માટે કામ કરે છે અને દીકરી પલક (૨૫) બેંગલોર ખાતે દંતચિકીત્સા માટેની  M.D.S. ડીગ્રી મેળવવા અભ્યાસ કરી રહી છે. કુટુંબનાં ચારે ય સભ્યો ખુબ જ આનંદી અને પ્રેમાળ છે.
વ્યોમેશ, અભીજીત, ધારા, પલક
                                                                       હૈદ્રાબાદ ઉતર્યો ત્યારે મને લેવા માટે અભીજીત અને વ્યોમેશ બન્ને આવ્યા હતા. અભીજીત લાગણીથી અને વ્યોમેશ લાગણી તેમ જ ફરજના ભાન(અને ભાર)થી આવ્યો હતો. બન્યું એવું કે એ લોકો નિયમીત રીતે વ્યંકટેશ નામના ડ્રાઈવરને બોલાવે છે, જે એ લોકોનો વર્ષોથી પરિચીત હોવા ઉપરાંત હિંદી સમજી-બોલી શકે છે. પણ એણે પોતે ન આવતાં એક એવા માણસને મોકલ્યો, જે હૈદ્રાબાદની ભૂગોળથી બહુ પરિચીત ન હતો. ઉપરાંત તેલુગુ સિવાયની અન્ય ભાષા જાણતો ન હતો. જે લોકો હૈદ્રાબાદના નવા એરપોર્ટથી પરિચીત છે તેઓ જાણે છે કે ખુબ જ વિશાળ પથારામાં ફેલાયેલા આ એરપોર્ટમાં ત્રીસ્તરીય પાર્કીંગ છે. ઉતારુ બહાર આવે પછી એને માટેના વાહનને ચોક્કસ જગ્યા સુધી લઈ આવવા માટે ડ્રાઈવરને યોગ્ય સુચના આપવી જરૂરી બની રહે છે. એટલે ડ્રાઈવર નામે સુંદરરમણને પાર્કીંગમાંથી ઉપર બોલાવવા માટે અને પછી યોગ્ય રસ્તો બતાડવા માટે તેલુગુ બોલી જાણતો વ્યોમેશ અનિવાર્ય હતો. અમે મળ્યા એટલે વ્યોમેશે એને ફોન કરી, ક્યાં આવવાનું છે એ બાબતે શક્ય એટલું સમજાવવાની કોશીશ કરી અને આખરે ભારે મથામણ પછી દસેક મિનીટે એ આવ્યો અને અમને ઘર તરફ લઈ ચાલ્યો. રસ્તામાં પણ એને થોડી થોડી વારે વ્યોમેશે સુચનાઓ આપવી પડતી હતી. એ દરમિયાન અભીજીતે આ માણસ માટે અને ખાસ કરીને એના માલિક વ્યંકટેશ માટે જે પ્રશંસાનાં ફુલો વેર્યાં એ જોતાં અભીજીત તેલુગુ ન્હોતો બોલી શકતો અને  સુંદરરમણ ગુજરાતી ન્હોતો સમજતો એ સૌને માટે ફાયદાની વાત હતી. અન્યથા કાં તો સુંદરરમણ અધવચ્ચે ઉતરી અને ભાગી જાત અને કાં તો અમને ઉતારી, કાર હંકારી મુકત! 
                         
                                                                પહોંચ્યાની રાતે અમે લોકોએ મારા રોકાણ દરમિયાન ક્યાં ફરવા જવું એની વિચારણા કરી. અગાઉ ક્યારેય  હૈદ્રાબાદ જવાનો અવસર મળ્યો ન હતો એટલે મને અને યજમાનોને આ અવસર માટે ઉત્સાહ હતો. મારું રોકાણ ટૂંક સમય માટે હતું (યજમાન કુટુંબના ઉત્સાહનું એ પણ એક કારણ હતું) એટલે એ દરમિયાન કોઈ એક જ એવી જગ્યા જોવી, જ્યાં ભીડ ભાડ બહુ ન હોય એ બાબતે અમે સૌ સંમત હતાં. ધાર્મીક સ્થળ માટે મારી સહેજે ઇચ્છા ન હતી. મારા આમ કહેવાથી ધારાએ મારી કરતાં નાની ઉમરનાં લોકો પણ ભવનું ભાતું બાંધવાનું શરૂ કરી દેતાં હોય છે એ બાબતે એકાદ બે ઉદાહરણો સહિત મને પ્રેરણા આપવાની (વ્યર્થ) કોશીષ કરી જોઈ. વ્યોમેશે રૂબરૂ અને પલકે ટેલીફોનથી મને ત્યાંના સલારજંગ મ્યુઝીયમની મુલાકાત લેવા માટે આગ્રહ કર્યો, પણ મેં એક જ દિવસમાં કરી શકાય એવું એ કામ ન હતું એમ કહી એ વિકલ્પ નકાર્યો. બીજાં સૌ કરતાં અભીજીત મને વધારે જાણતો હોઈ એ ચર્ચાના સમગ્ર દોર દરમિયાન નિર્લેપભાવે સાંભળતો રહ્યો.  
                        

                           છેવટે સર્વાનુમતી ગોલકોંડા કિલ્લા માટે સધાઈ. અમે લોકોએ એવું નક્કી કર્યું કે એક દિવસ હૈદ્રાબાદ શહેરમાં લાંબા સમય સુધી ફરી, અલગ અલગ સ્થળો જોવાં અને એક દિવસ ગોલકોંડા કિલ્લાની મુલાકાત લેવી. અભીજીતે વ્યંકટેશને ફોન કરી, બે દિવસની વરદી આપતાંની સાથે ચિમકી પણ આપી કે એણે અન્ય કોઈ બદલી ડ્રાઈવરને ન મોકલતાં જાતે જ આવવું. અને બિલકુલ સમયસર આવી જવું. પણ, જે દિવસે અમે હૈદ્રાબાદ શહેરમાં ફરવાનું નક્કી કર્યું હતું એ દિવસે ય વ્યંકટશે બીજા ડ્રાઈવરને મોકલ્યો અને એ માણસ આપેલા સમય કરતાં પંદરેક મિનીટ મોડો આવ્યો. એટલું ઓછું હોય એમ એ પણ તેલુગુ સિવાયની કોઈ જ ભાષા જાણતો ન હતો!
                               
                           ખેર, અભીજીતે કોઈ જ પ્રતિભાવ વગર આ ચલાવી લીધું એ અમને લોકોને આનંદાશ્ચર્યમાં ડૂબાડી ગયું. પણ હકીકતે એ શક્તિસંચય કરી રહ્યો હતો. એ વિશે પછીથી વાત. અત્યારે મારા હૈદ્રાબાદ ભ્રમણ બાબતે વાત કરું. આમ તો કોઈ પણ જગ્યાની બધી જ માહિતી તસવીરો સહિત નેટ ઉપર ઉપલબ્ધ હોવાથી એનું વર્ણન કરવાનો કે વાંચવાનો રોમાંચ નથી રહ્યો. તેમ છતાં મેં ટૂંકી અવધિમાં જે અને જેટલું જોયું એ વહેંચી રહ્યો છું.

૧) એરપોર્ટ : મેં જોયેલાં એરપોર્ટ્સમાં અહીંનું રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ મને સૌથી સારું લાગ્યું. આટલું લખતાં હું અચાનક વિશ્વપ્રવાસી અને એ પણ Frequent Flyer  હોઉં એવી મનોદશામાં આવી ગયો પણ કહીકતે માંડ દસેક વારની હવાઈ મુસાફરીઓ (અને એ પણ દેશમાં જ) દરમિયાન સાત જ એરપોર્ટ્સ જોયાં છે. જો કે એ બધાંમાં વિશાળતા અને ભવ્યતામાં આ એરપોર્ટ ચોક્કસ આગળ છે. શહેરથી લગભગ ૨૦ કિમી.દૂર આવેલા શમ્સાબાદ ગામના ખુબ જ લીલોતરીસભર પરિસરમાં ફેલાયેલા આ એરપોર્ટની એક વિશિષ્ટ આભા બની રહે છે. આ ખુબ જ આધુનિક બાંધકામ જેટલું દેખાવમાં ભવ્ય છે એટલું જ સગવડભરેલું છે અને પહેલી જ વાર અંદર દાખલ થતો સાવ અજાણ્યો મુસાફર પણ મુંઝાયા વિના પોતાના વિમાન સુધી પહોંચી શકે એ રીતે વિકસાવાયેલું છે.  
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ
                                
૨) પી.વી. નરસીમ્હારાવ ઓવરબ્રીજ : એરપોર્ટ્થી હૈદ્રાબાદ શહેર તરફ આવતાં ૧૧.૬ કિમી. લંબાઈનો આ ઓવરબ્રીજ ભારતનો અત્યાર સુધીનો સૌથી લાંબો ફ્લાયઓવર પ્રકારનો રસ્તો છે. શહેરના મહેંદીપટનમ વિસ્તાર સુધી લઈ આવતો આ બ્રીજ ઑક્ટોબર ૨૦૦૯માં ખુલ્લો મુકાયો.
ઓવરબ્રીજ 

૩) હુસેનસાગર તળાવ : હૈદ્રાબાદ શહેરના ભવ્ય ભૂતકાળને આજ દિન સુધી સજીવ રાખતું આ એક ઐતિહાસિક તળાવ છે. સને ૧૫૬૩માં ઈબ્રાહીમ કુતુબ શાહે બંધાવેલા આ તળાવની વિશિષ્ટતા એ છે કે એ હ્રદયના આકારમાં બનાવવામાં આવેલું છે. લગભગ ૫.૭ વર્ગ કિમી. વિસ્તારમાં ફેલાયેલું આ તળાવ વિશ્વમાં સૌથી વિશાળ એવા માનવ સર્જિત હ્રદયાકાર તરીકે જાણીતું છે. અને એને યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)  દ્વારા સને ૨૦૧૨ના સપ્ટેમ્બર મહિનામાં ‘Heart of the World’ તરીકે સતાવાર રીતે ઓળખાવવામાં આવ્યું છે. બરાબર મધ્યમાં સ્થાપીત એવી એક જ પથ્થરમાંથી ઘડી કાઢવામાં આવેલી ગૌતમ બુધ્ધની મૂર્તી આ તળાવની સુંદરતામાં વધારો કરે છે.
હુસેનસાગર તળાવ, મધ્યમાં બુધ્ધપ્રતિમા

૪)  ફિશરીઝ બીલ્ડીંગ : નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડના હૈદ્રાબાદ એકમનું આ મકાન માછલીના આકારમાં બનાવાયું હોઈ, શહેરનાં આકર્ષણોમાંનું એક બની રહ્યું છે.


૫) અલંક્રીતા : શમીરપેટ મંડળના કરીમનગર રોડ ઉપર આવેલો આ હૈદ્રાબાદનો ખુબ જ જાણીતો રીસોર્ટ છે. અંગત માલિકીની આ જગ્યા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે અને ખુબ જ સુરુચીપૂર્ણ ઢબે સજાવેલી આરામદેહ સગવડો ધરાવે છે. અહીં ભોજન વેળાએ વક્રદ્રષ્ટા એવા મારી નજર લીચીનાં ફળોમાંથી બનાવેલી Mousse  નામની એક વાનગીની બાજુમાં લગાવેલ લેબલ ઉપર પડી અને મેં એનો ફોટો પાડી લીધો. જ્યાં શહેરનાં ઉન્નતભ્રુ વર્ગનાં લોકોની અવરજવર રહેતી હોય તેવી જગ્યાએ આવી બેદરકારી જેટલી મને ખટકી એટલી ત્યાંના જવાબદારોને નહીં ખટકી હોય કારણ કે મેં ધ્યાન દોર્યા પછી પણ અમે નીકળ્યાં ત્યાં સુધી એ બદલવાની તસ્દી કોઈએ લીધી જણાઈ નહીં.


લીચી 'માઉસ'!

                                      આટલી જગ્યાઓ જોતે જોતે હૈદ્રાબાદ શહેરનું પ્રાથમીક નિરીક્ષણ પણ થયું. મનમાં ખૂંચે એવી બાબત એ રહી કે ભારતનાં અન્ય શહેરોમાં દેખાય છે એવી જ વહીવટી તંત્રની શહેરની જાળવણી માટેની અને નાગરીકોની સ્વચ્છતા તેમજ સ્વકીય શિસ્ત માટેની ઘોર ઉદાસીનતા સતત આંખે ચડતી રહી. તો સામાન્યમાંથી સામાન્ય માણસની પણ હાડમારીઓથી ભરપૂર જીંદગીને હસતે મોઢે ઝીલવાની મનોવૃત્તિ પ્રભાવીત કરતી રહી.

સૌજન્ય સ્વીકાર: પહેલી અને છેલ્લી બાદ કરતાં તસવીરો નેટ ઉપરથી લીધેલી છે. 
માહિતી વીકીપીડીયા ઉપરથી લીધી છે, પૂરક માહિતી વ્યોમેશ અને અભીજીત મહેતાએ પૂરી પાડી છે.