Wednesday 29 November 2017

'સૂરંદાજ' શરદ ખાંડેકર


આપણા સમાજમાં વર્ગભેદ સદીઓથી ચાલ્યો આવ્યો છે. ‘તું નાનો હું મોટો’ એ જગતના ખ્યાલને કવિ ભલે ખોટો કહેતા હોય, વાસ્તવિકતા અલગ દિશામાં જ આંગળી ચીંધે છે. અહીં આપણે આ વાત સંગીતના સંદર્ભે આગળ ચલાવીએ. સંગીતના મુખ્ય ત્રણ વર્ગો પડે છે – શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને હળવું/સહજ/સુગમ/ફિલ્મી સંગીત. આ અલગ અલગ પ્રકારોને અજમાવનારા સંગીતકારોમાં વાદકો તેમ જ ગાયકોનો સમાવેશ થાય છે. એક સામાન્ય નિરીક્ષણ મુજબ શાસ્ત્રીય સંગીતને અપનાવનારાઓ અન્ય પ્રકારના સંગીતસાધકોને ઉતરતા ગણતા આવ્યા છે. વળી સમગ્રપણે જોતાં એ બાબત પણ ધ્યાને પડે છે કે ગાયકો, વાદકોને હંમેશાં એક પાયરી ઉતરતા ગણાવતા આવ્યા છે. પરિણામે જનસામાન્યમાં પણ એવી જ છાપ બની રહી છે કે સંગીતના ક્ષેત્રમાં મુખ્ય કલાકાર હંમેશાં ગાયક જ હોય અને વાદકો તો મોટે ભાગે સંગત કરવા માટે જ ચાલે! આ રીતે ઉતરતી ભાંજણીનો વિચાર કરવામાં આવે તો ફિલ્મી દુનિયાના વાદકોને તો સાવ છેવાડે જ બેસાડી દેવામાં આવ્યા હોય એમ લાગે. કેટલાક જૂજ અપવાદો બાદ કરતાં આ વાદક કલાકારો ક્યારેય પ્રકાશમાં આવતા નથી.

હજી થોડા આગળ વધીએ તો આપણે એવા વાદક કલાકારો સુધી પહોંચીએ, જે ફિલ્મી ગીતોના સ્ટેજ ઉપર આયોજિત થતા કાર્યક્રમોમાં વગાડતા આવ્યા છે. આવા કલાકારોની કદર કરવામાં તો આપણે ખુબ જ ઉણા ઉતરીએ છીએ. હકિકતે જે ફિલ્મી ગીતનું અસલ રેકોર્ડીંગ આપણે સાંભળીએ છીએ એ તો કલાકોના કરાયેલા પ્રયાસોનું આખરી પરિણામ હોય છે. ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ માટે અત્યારની અત્યાધુનિક રેકોર્ડીંગ પધ્ધતિઓ હાથવગી નહોતી ત્યારે પણ રીટેકની સુવિધા તો હતી જ. આથી એકાદ કલાકારની પણ શરતચૂક થઈ જાય તો સુધારાને અવકાશ હંમેશાં રહેતો. આવી કોઈ જ સુવિધા સ્ટેજ ઉપરથી રજૂઆત કરનારા કલાકારો પાસે હોતી નથી. એ લોકોએ જ્યારે અને ત્યારે જ પોતાનો કસબ ઠાલવી દેવાનો રહે છે. જે ચાર મિનીટ્સ મળે એમાં જે તે ગીતને પોતપોતાના વાદ્યના સૂરથી ભરી દેવાનું હોય છે અને એમાં પણ અસલ ગીતના સંગીતની આબેહૂબ નકલ ઉતારવાની રહે છે.

અને તેમ છતાં પણ જૂજ અપવાદો બાદ કરતાં એવું નથી બનતું કે કોઈ કાર્યક્રમ ઓરકેસ્ટ્રાના નામ ઉપર પ્રખ્યાત થયો હોય. સ્ટેજ કાર્યક્રમોની જાહેરાતો મહદઅંશે ગાયકોના નામથી કરવામાં આવે છે. એમાં વગાડનારા કલાકારોનાં નામ કાર્યક્રમના સંચાલક એક વાર ઝડપથી ઉચ્ચારી જાય છે અને વાત પૂરી. હા, એ નામાવલીના અંતે જે તે વાદ્યવૃંદના સંચાલકનો થોડો ઘણો પરિચય અપાય છે. આ વાદ્યવૃંદ સંચાલક બહુ મોટી જવાબદારી ઉપાડી ને શ્રોતાઓ સમક્ષ એક પછી એક ગીતની રજૂઆત મહત્તમ શક્ય ક્ષમતાથી થયા કરે એની કાળજી લેતા હોય છે. રજૂ થઈ રહેલા ગીત દરમિયાન કયા મકામ પર કયા વાજિંત્ર ઉપર કયો ટુકડો વગાડવાનો છે એ બાબતનું નિયમન ‘ઓરકેસ્ટ્રા કંડક્ટર’ તરીકે ઓળખાતા આ સંચાલક કરે છે. વળી આયોજકો, ગાયકો, કાર્યક્રમના ઉદઘોષક, વાદક કલાકારો તેમ જ સ્ટેજ ઉપરથી થઈ રહેલી રજૂઆત શ્રોતાગારમાં દરેકના કાને સુપેરે પહોંચે એની વ્યવસ્થા સંભાળતા ધ્વનિ સંયોજક વચ્ચે યોગ્ય તાલમેળ અને સુમેળ જળવાઈ રહે એ જવાબદારી પણ વાદ્યવૃંદ સંચાલકની બની રહે છે.


આટલી વિસ્તૃત પ્રસ્તાવના પછી આપણે એક એવા વ્યક્તિવિશેષનો પરિચય કેળવીએ, જે સ્ટેજ ઉપરથી રજૂ થતા ફિલ્મી સંગીતના કાર્યક્રમોના ઓરકેસ્ટ્રા સંચાલક તરીકે ભારતભરમાં મોખરાના સ્થાને પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. આ નામ છે અમદાવાદ નિવાસી અને દુનિયાભરમાં મશહૂર એવા શરદ ખાંડેકરનું.
                        *      *      *      *      *      *      *      *

મૂળ મહારાષ્ટ્રીય પણ પેઢીઓથી અમદાવાદ નિવાસી બની રહેલા ખાંડેકર કુટુંબમાં સને ૧૯૫૧ના ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલા શરદ ખાંડેકર( હવે પછી એમનો ઉલ્લેખ શરદભાઈ તરીકે થશે.)
નો વિસ્તૃત પરિચય મેળવીએ એ પહેલાં એક રસપ્રદ કિસ્સો રજૂ કરવો છે. આ વર્ષ(સને ૨૦૧૭)ના માર્ચ મહિનાની આઠમી તારીખે અમદાવાદની પ્રતિષ્ઠિત એવી ગ્રામોફોન ક્લબનો એક કાર્યક્રમ આયોજિત થયો હતો. કાર્યક્રમ શરૂ થાય એવી જ ક્લબના અધિષ્ઠાતાએ ઘોષણા કરી, “આપણા ઓરકેસ્ટ્રાના મુખ્ય કલાકાર અને સંયોજક એવા શરદભાઈની તબિયત અચાનક લથડી છે અને એમને ખુબ જ ચિંતાભરી હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા છે. ડાક્ટરોએ ૪૮ કલાક સુધી ઘનીષ્ઠ સારવાર આપવાનું નક્કી કર્યું છે. આથી આપણે આજના કાર્યક્રમમાં એમની ગેરહાજરી ચલાવી લેવાની છે.” આ પછી એકાદ અઠવાડીયામાં જ અન્ય લોકપ્રિય ક્લબ ‘સુરાંગન’નો કાર્યક્રમ થવાનો હતો અને એમાં પણ શરદભાઈનું જ ઓરકેસ્ટ્રા હતું. આવી ધર્મસંકટભરી પરિસ્થિતીમાં આયોજકો હોસ્પીટલમાં શરદભાઈની ખબર કાઢવા ગયા ત્યારે એમનો પ્રતિભાવ હતો, “મારી તબિયત જક્કાસ છે, તમારા કાર્યક્રમમાં હું આવી જઈશ.”! ખરેખર, બીજે અઠવાડીયે બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે શરદભાઈએ સાડા ત્રણ કલાક સુધી સ્ટેજ સંભાળ્યું અને એવું સંભાળ્યું કે કોઈ માને નહીં કે આઠ દિવસ પહેલાં આ માણસ સ્ટ્રોકની સારવાર માટે ICCUમાં હોઈ શકે! આ છે એમની સંગીત પ્રત્યેની નિષ્ઠા અને વ્યવસાયિક પ્રતિબધ્ધતા.

લાક્ષણિક મહારાષ્ટ્રીય સંસ્કારો મુજબ ખાંડેકર કુટુંબમાં સંગીત વણાયેલું હતું. પણ, એક પરંપરા પ્રમાણે કુટુંબીજનોનું સંપૂર્ણ ધ્યાન શાસ્ત્રીય સંગીત ઉપર હતું. આવા કુટુંબમાં ઉછરતા શરદભાઈ પણ શરૂઆતનાં વર્ષોમાં શાસ્ત્રીય સંગીતના આરાધક બની રહ્યા. નાની ઉમરથી જ એમણે સિતાર જેવા કષ્ટસાધ્ય વાદ્ય ઉપર ઘનિષ્ઠ રિયાઝ કરતા રહી, એ વગાડવા ઉપર પ્રભુત્વ મેળવવા માટે કઠોર સાધના કરી. એ સમયે સંગીતને સંપૂર્ણપણે બિનવ્યવસાયિક ધોરણે અપનાવવાનો હેતુ લઈને શરદભાઈ શીખતા રહ્યા. એમનાથી મોટાભાઈ સુધીર ખાંડેકર પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા હતા. એ વાયોલિન ઉપર સાધના કરી રહ્યા હતા. એવામાં એક વળાંક આવ્યો. આ બન્ને ભાઈઓએ જ્યાં શાળાકિય અભ્યાસ કર્યો હતો એ ‘મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઈસ્કૂલ’ તરફથી સને ૧૯૬૮માં એક એવા કાર્યક્રમનું આયોજન થયું, જે સંપૂર્ણપણે તે સમયના પ્રવર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત થવાનો હતો. આ બંધુ જોડીને સંગીતનો પૂરો હવાલો સોંપી દેવામાં આવ્યો. કાર્યક્રમ અતિશય સફળ થયો અને એના શ્રેયની ખાસ્સી ટકાવારી ખાંડેકર ભાઈઓને મળી. આ કાર્યક્રમને બહોળી પ્રસિધ્ધી મળી અને એ પછી આ ભાઈઓને નાના મોટા કાર્યક્રમોમાં સંગત કરવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં. સને ૧૯૭૦માં જાણીતા વાદ્યવૃંદ સંચાલક અંબરીશ પરીખ સુધી એમની ખ્યાતી પહોંચી. એવામાં એક યોગાનુયોગ સર્જાયો. એની વિગતમાં જતાં પહેલાં આપણે ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત સાંભળીએ, જેમાં સિતારના ખુબ જ કર્ણપ્રિય ટૂકડા સાંભળવા મળે છે.

બન્યું એવું કે સને ૧૯૭૧માં યોજાયેલા અંબરીશ પરીખના એક કાર્યક્રમમાં આ ગીતનો સમાવેશ હતો. એના રિહર્સલ વખતે સિતાર વગાડી રહેલા કલાકારના વાદનથી અંબરીશભાઈને પૂરતો સંતોષ થતો નહોતો. વારંવારના પુનરાવર્તન પછી પણ એ કલાકાર સંતોષજનક વાદન ન કરી શક્યા. આ જોઈને ત્યાં હાજર પ્રસિધ્ધ મેન્ડોલીન વાદક ઈમુ દેસાઈએ અંબરીશભાઈને સૂચન કર્યું કે એક મોકો શરદભાઈને આ ટૂકડાઓ સિતાર પર છેડવા માટે આપવો જોઈએ. શરદભાઈએ આ મોકાને પૂરેપૂરો ન્યાય આપ્યો અને આ સાથે માત્ર વીશ વર્ષની ઉમરે શરદભાઈ એક સક્ષમ સિતાર વાદક તરીકે  ઉપસી આવ્યા. વળી સુધીરભાઈ વાયોલિન ઉપર રિયાઝ કરતા હોય ત્યારે શરદભાઈ તબલાં ઉપર સંગત કરતા. આમ સૂર અને તાલ બંનેની ઊંડી સમજ કેળવાવા લાગી. 

ધીમે ધીમે ખાંડેકર ભાઈઓને સમજાયું કે ફિલ્મી સંગીત પણ એ લોકો માનતા હતા એના કરતાં ખુબ જ ઉંચી કક્ષાની ક્ષમતા માંગી લેતો સંગીતનો એક સારો પ્રકાર હતો. હવે શરદભાઈએ નિયમિત રીતે ફિલ્મી ગીતોના કાર્યક્ર્મોમાં વગાડવાનું શરૂ કર્યું. શરદભાઈએ જણાવ્યું, “ એ જમાનામાં હું મુખ્યત્વે એકૉર્ડીયન વગાડતો. જરૂર પડ્યે સિતાર ઉપર પણ સંગત કરી લેતો. મોટાભાઈ (સુધીર ખાંડેકર) વાયોલિન વગાડતા. એક કાર્યક્રમમાં  વગાડવાના એ દિવસોમાં ૭૫ રૂપીયા મળતા, જે અમે ભાઈઓ જમા કરતા રહેતા.”

આ દિવસોમાં શરદભાઈ પૂરી નિષ્ઠાથી એકૉર્ડીયન તેમ જ સિતારવાદનની બારિકીઓ અનુક્રમે જૉન માઈકલ અને સુખરાજસિંહ ઝાલા જેવા સિધ્ધહસ્ત વાદકો પાસેથી શિખતા રહ્યા. રિહર્સલો અને કાર્યક્રમો સાથે સાથે રોજના ઓછામાં ઓછા બે કલાક તાલિમ લેવાનું પણ ચાલુ રાખ્યું અને ધીરે ધીરે બન્ને વાદ્યો ઉપર પ્રભુત્વ વધતું ચાલ્યું. એ અરસામાં સ્ટેજ કાર્યક્રમોમાં ઈલેક્ટ્રોનીક ઓર્ગનનો પ્રવેશ થયો. વખતની જરૂરીયાત સમજી, શરદભાઈએ સને ૧૯૭૩માં એક ઓર્ગન ખરીદી લીધું, જેમાં ડાબા હાથના દોઢ સપ્તકને કોર્ડ્સ વગાડવા માટે વિભાજીત કરી શકાતું હતું અને તે ઉપરાંત એમાં વિવિધ પ્રકારના તાલ નિષ્પન્ન થઈ શકતા હતા (આજે તો આવાં ઓર્ગન સરળતાથી ઉપલબ્ધ છે, પણ એ સમયમાં આની નવાઈ હતી.). એની ઉપર પણ સઘન પ્રયાસો દ્વારા પ્રભુત્વ કેળવ્યા પછીના દિવસોમાં એક જ ગીતની રજૂઆત દરમિયાન શરદભાઈ એકૉર્ડીયન અને ઓર્ગન વારા ફરતી વગાડતા હોય એવું પણ બનતું હતું.

હવે શરદભાઈને લાગ્યું કે પોતે  સ્વતંત્ર રીતે કાર્યક્રમો તૈયાર કરવા સક્ષમ હતા. આથી ધીમે ધીમે એમણે વાદ્યવૃંદ સંચાલન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને એ બાબતે આત્મવિશ્વાસ કેળવાયા પછી મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ’ ઓરકેસ્ટ્રાના નેજા હેઠળ કાર્યક્રમો કરવાની શરૂઆત કરી. એમણે સમજી લીધું હતું કે સફળ સંચાલક બનવા માટે મુખ્ય બે ચીજો ઉપર કાબુ હોવો જરૂરી છે. એક તો જે તે ગીતના સંપૂર્ણ સાંગીતિક બંધારણની બારીકતમ સમજ અને બીજું, સમગ્ર ગીતની ગાયકી તેમ જ સાથે વાગતાં વાદ્યો દ્વારા સૂર પૂરાવતા ટૂકડાઓને સ્વરલિપીબધ્ધ કરવાની ક્ષમતા. સંગીતને લિપીબધ્ધ કરવા માટેની ભારતીય પધ્ધતિમાં બે અલગ અલગ લિપીઓ છે: પલૂસકર લિપી અને ભાતખંડે લિપી. એ પૈકીની પલૂસકર લિપી તો શરદભાઈ નાની ઉમરથી ઘરમાં જ શીખતા રહ્યા હતા. અનુભવે તેમને જણાયું કે એ લિપીની સરખામણીએ ભાતખંડે લિપી સહેલી હતી. આથી એ લિપી પણ આત્મસાત કર્યા પછી શરદભાઈએ એ બન્ને લિપીના સંકરણથી પોતાની આગવી લિપી વિકસાવી અને આજદિન સુધી એ સંકર લિપીથી જ લખતા આવ્યા છે. આ રીતે એ પ્રહાર/Stroke વડે વગાડવામાં આવતાં તંતુવાદ્યો માટે ક્યારે પ્રહાર કરવો તે અને ક્યારે એવાં વાદ્યોમાંથી સળંગ સૂર (મીંડ) નિષ્પન્ન કરવા, એ પણ જે તે સાજિંદા માટે લખે છે. આવી બારીક લિપીબધ્ધતાથી લખનારા પૂરા ભારતમાં શરદભાઈ એક માત્ર સંચાલક છે. 
શરદભાઈએ લખેલી સ્વરલિપી
પશ્ચીમી વાદ્યગાન લિપી કે જેને સ્ટાફ નોટેશન્સ કહે છે, એ સમજનારા બહારથી આવનારા કલાકારો માટે એ તૈયાર કરવાની જવાબદારી એમના ભત્રીજા (અને અગાઉ જેમનો ઉલ્લેખ થઈ ગયો છે એ સુધીરભાઈના દીકરા) અનુપ્રીત ખાંડેકર ઉપાડી લે છે. શરદભાઈ કેટલી બારિકીથી લિપીલેખન કરે છે એ સમજવા એક વિડીઓ જોઈએ.



શરદભાઈની એક એક સૂર માટેની પ્રતિબધ્ધતા સમજવા માટે આપણે ફિલ્મ ‘બ્રહ્મચારી’નુ મહમ્મદ રફીએ ગાયેલું ગીત સાંભળીએ. પહેલાં એક બાબત સમજવી મહત્વની છે. આપણાં ફિલ્મી ગીતો ચોક્કસ વિભાગોમાં વિભાજીત થયેલાં હોય છે. ગાયકી શરૂ થાય એના પહેલાં કેટલાંક ગીતોમાં વાદ્યસંગીત હોય છે, જેને ‘પ્રિલ્યુડ’ કહે છે. પછી ગાયક/કો મેદાનમાં આવે છે. આ ભાગ ‘મુખડો’ નામે ઓળખાય છે. પછી વાદ્યસંગીતના ટૂકડાઓ વાગે એને ‘ઈન્ટરલ્યુડ’ કહેવાય છે. ફરી પાછું ગાયન આવે, જેને ‘અંતરો’ કહે છે. અંતરા પછી ફરી એક ‘ઈન્ટરલ્યુડ’ વાગે અને પાછો એક અંતરો ગવાય. કોઈ પણ ગીતને ખુબ જ ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે આ બધાં અંગો ઉપરાંત સમગ્ર ગીત વાગતું રહે એ  દરમિયાન એની પશ્ચાદભૂમીકામાં વાદ્યસંગીતનો એક દોર સતત સંભળાયા કરતો રહે છે. આવા સંગીતને ‘કાઉન્ટર્સ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણું ધ્યાન આવા કાઉન્ટર્સની ઉપર જતું નથી પણ એ જાણવું અને સમજવું ખુબ જરૂરી છે કે ગીતને ભર્યું ભર્યું બનાવવામાં એ કાઉન્ટર્સ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે  આટલી સ્પષ્ટતા પછી હવે મૂળ ગીત સાંભળીએ. શંકર જયકિશન જેવા સમર્થ સંગીતકારો અને એમના સહાયકો દ્વારા તૈયાર કરાયેલા આ ગીતને ઉપર જણાવ્યાં એ બધાં જ અંગો સહિત માણશો એવો અનુરોધ છે. 





હવે આ જ ગીતની એક સ્ટેજ કાર્યક્રમમાં થયેલી રજૂઆત સાંભળીએ. ગાયક છે બંકીમ પાઠક અને ઓરકેસ્ટ્રા સંચાલન શરદભાઈનું છે. ગાયકી તો કર્ણપ્રિય છે જ, પણ આપણે અહીં આ ગીત એટલે પસંદ કર્યું છે કે અહીં સમગ્ર ગીત સાથે કાઉન્ટર્સ એકદમ સ્પષ્ટપણે સંભળાય છે. એકે એક વાદ્ય ઉપર વગાડવામાં આવતો એકે એક સાંગીતીક ટૂકડો યથાસ્થાને કાને પડે છે ત્યારે શરદભાઈની સંચાલનક્ષમતાનો ખરો ખ્યાલ આવે છે. આ બધું એમના મૂળ ગીત/ધૂન ને સંપૂર્ણપણે વફાદાર એવા સ્વરલિપીલેખનનો નિષ્કર્ષ છે. 


આ રીતે એક એક ગીત માટે ખુબ જ જહેમત ઉઠાવનારા શરદભાઈ સ્વાભાવિક રીતે જ એમની સાથે વગાડનારાઓ/ગાનારાઓ પાસેથી ૧૦૦% થી ઓછું કશું જ ચલાવી નથી લેતા. “આપણો અંતરાત્મા ડંખે એવું કશું જ નહીં થવા દેવાનું”, એ કહેતા હોય છે. ગાયકોએ સૂરને વફાદાર રહેવું એ તો અતિ સામાન્ય છે, શરદભાઈ ઉચ્ચાર બાબતે પણ સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે. એમની સાથે વગાડનારા એક વાદકે કહ્યું, ” પ્રેક્ટીસ દરમિયાન એકાદ જગ્યાએ કોઈથી એકાદ સૂર પણ આઘોપાછો વાગી ગયો તો પૂરું ગીત ફરીથી પ્રેક્ટીસમાં લેવું પડે. જ્યારે શરદભાઈ ‘જક્કાસ’ બોલે, તો સમજો એવૉર્ડ મળી ગયો!” શરદભાઈના આવા ચૂસ્ત વલણને લઈને એમના કાર્યક્રમમાં વગાડવું કે ગાવું એ કલાકારો માટે પ્રતિષ્ઠાની બાબત ગણાય છે.

આવી ભારોભાર ક્ષમતા હોવા છતાં શરદભાઈને પ્રસિધ્ધીની જરાય ખેવના નથી. આગળ વધીને એમ કહેવાય કે એ પ્રસિધ્ધીથી દૂર રહે છે. એમણે ફિલ્મી મહારથીઓની હાજરીમાં અનેક કાર્યક્રમો કર્યા છે. વહીદા રહેમાન, સાધના, સુનીલ દત્ત, શશી કપૂર અને સંજીવકુમાર જેવાં અભિનેત્રી/તાઓ તેમ જ નૌશાદ, જયદેવ અને સલીલ ચૌધરી જેવા દિગ્ગજ સંગીત નિર્દેશકો શરદભાઈના કાર્યક્રમો શોભાવી ચૂક્યાં છે. સુરેશ વાડેકર અને સુષમા શ્રેષ્ઠ જેવાં ગાયકો સાથે શરદભાઈ વિદેશપ્રવાસો પણ કરી ચૂક્યા છે. આવા એક પ્રવાસના અંતે સુષમાએ એમને કહ્યું હતું કે આટલી પ્રતિબધ્ધતાથી વગાડવા અને વાદ્યવૃંદનું સંયોજન કરવાવાળા અન્ય કોઈ પોતે જોયા નથી. આ ઉપરાંત કેટલાયે સંગીતકારો પણ એમનાથી ખાસ્સા પ્રભાવિત થયા હોય એમ બનતું રહ્યું છે. પણ, શરદભાઈ પાસે એમાંથી કોઈ સાથે પડાવેલો એક પણ ફોટો નથી! ‘એવું કેમ’ એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, “મને એવી ઈચ્છા જ ન થાય, ખબર નહીં એ કદાચ મારો ક્ષોભ હશે. હું માનું છું કે આપણું નામ નહીં, આપણું કામ બોલવું જોઈએ.” 

હાલમાં પણ ખુબ જ વ્યસ્ત એવા શરદભાઈ માટે કહી શકાય કે Music runs in the family. અગાઉ આપણે જાણી ગયા કે શરદભાઈએ એમના મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ ઓરકેસ્ટ્રા’ની સ્થાપના કરી હતી. સાડાચાર દાયકાઓ પછી આજે પણ એ જ નેજા હેઠળ ચાલતી એમની આ પ્રવૃત્તિમાં બીજી પેઢી સુપેરે દાખલ થઈ ગઈ છે. આ ઓરકેસ્ટ્રામાં એમના બે દીકરાઓ અક્ષત અને સંકેતને અનુક્રમે કી બોર્ડ અને ગીટાર ઉપર અને સુધીરભાઈના દીકરા અનુપ્રીતને કી બોર્ડ ઉપર સંગત કરતા માણવા એ એક લ્હાવો છે.
ખાંડેકર મહારથીઓ ડાબેથી જમણે: સંકેત, શરદભાઈ, અક્ષત અને અનુપ્રીત 
વળી આ ત્રણે થોડે ઘણે અંશે વાદ્યવૃંદનું સંચાલન પણ કરતા રહે છે. સુધીરભાઈની અન્ય ક્ષેત્રોમાં વ્યસ્તતા એમને આ ક્ષેત્રથી દૂર લઈ ગઈ છે. પણ એમના મોટા દીકરા અનિકેતની શાસ્ત્રીય રાગરાગીણીઓ બાબતે સમજણ અને ગાયકી દેશ વિદેશમાં મશહૂર છે. 

જેમ તીરથી સચોટ નિશાન તાકનારને તીરંદાજ કહેવાય છે એમ સૂર માટે આટલી કાળજી લઈ, સચોટ રજૂઆત કરનારા શરદભાઈ માટે સૂરંદાજ શબ્દ પ્રયોજાય તો એ એકદમ વ્યાજબી લાગે. ‘જક્કાસ’ શબ્દપ્રયોગ શરદભાઈનો તકિયાકલામ હોવાનું જાણવા મળ્યું છે. સંપૂર્ણતાના આગ્રહી એવા એ જ્યારે પૂર્ણપણે સંતુષ્ટ થાય ત્યારે જ આ શબ્દપ્રયોગ કરતા હોય છે. શરદભાઈ,વર્ષોથી ચાલ્યા આવતા તમારા ઉત્કૃષ્ટ સંગીત માટે ચાહકો તમારે માટે એક જ શબ્દ કહેવા માંગે છે, ‘જક્કાસ’!

વિડીઓઝ યુ ટ્યુબ ઉપરથી સાભાર લીધા છે.





Monday 30 October 2017

એ વાજું, એ રેકોર્ડ્સ!

સને ૧૯૬૫ના શિયાળાનો કોઈ એક રવિવાર હતો. મારા બાપુજી સવારે સાડાનવ વાગ્યાની આસપાસ બહાર જવા નીકળ્યા. આ એમના રજાના દિવસની ચર્યાનો એક ભાગ હતો. હવે એ સાડાબાર સુધીમાં આવી જશે અને પછી દિવસ આગળ વધશે એવી માનસિકતા સહ મા, નાની બહેન ગોપી અને હું પોતપોતાની પ્રવૃત્તિમાં પરોવાયેલાં હતાં. એમને ગયે માંડ પોણી કલાક થઈ હશે એવામાં બહારથી એમનો મોટો અવાજ સંભળાયો, “પીયૂષની મા..આ..આ...આ...આ...આ..................આ”! અમે લોકો હાંફળાં ફાંફળાં બારણે જઈ ઉભાં. જોયું ત્યાં તો રાજ્યનો કોઈ મોટો ખિતાબ મેળવીને આવ્યા હોય એવી મુખમુદ્રા ધારણ કરેલા બાપુજી ઉભા હતા. એમની પાછળ એક લારીવાળા ભાઈ અમારા આંગણામાં એમની લારીમાં એક નાનું કબાટ લાવ્યા હતા એને એ કબાટ ઘરમાં લઈ આવવા માટે બાપુજી સૂચિત કરી રહ્યા હતા. “ જુઓ, હું વાજું લઈ લાવ્યો છઉં” બોલતી વખતે બાપુજીનો અવાજ સોહરાબ મોદીના અવાજની બુલંદીએ પહોંચ્યો હોય એવું ત્યારે મને લાગેલું. એ કબાટ હકિકતે વાજું એટલે કે ગ્રામોફોન/થાળીવાજું હતું!

આ ઘટના અમારા માટે બિલકુલ નવાઈની હતી. અમારા ઘરમાં સામાન્ય રીતે કોઈ પણ ખરીદી લગભગ સરકારી ધોરણે થતી, એની જગ્યાએ આ તો શીઘ્ર ખરીદીની ઘટના હતી. સામાન્ય સંજોગોમાં જે તે ચીજની જરૂરીયાત વિશે દરખાસ્ત મૂકાય, એના વ્યાજબીપણા બાબતે ચર્ચા વિચારણા થાય, નિર્ણય ઉપર શુભેચ્છકો/મિત્રો/વડીલોની મંજૂરીની મહોર લાગે અને પછી મા અને બાપુજી બજેટીંગ વિચારે. આખરે એ બન્ને જણાં માર્કેટીંગ/પર્ચેઝીંગ નિષ્ણાતની માફક બજારનો તાગ મેળવે અને પછી ‘સમગ્ર સ્થિતીનું અવલોકન અને પૃથક્કરણ’ કર્યા બાદ ખરીદી થતાં સુધીમાં ખાસ્સો સમય પસાર થઈ જતો. સારું હતું કે અમારા વધવાના એ સમયગાળામાં અમારે માટે તૈયાર કપડાં ખરીદવાનો ચાલ ન હતો. નહીંતર જરૂર ઉભી થયા પછી એ કપડાં ખરીદાય ત્યાં સુધીમાં બહેન ગોપી અને હું એનાથી ખાસ્સી મોટી સાઈઝ માટેની લાયકાત કેળવી ચૂક્યાં હોઈએ એવું બનતું રહેતું હોત!

મૂળે ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીની માલિકીમાં દાયકાઓ સુધી રહેલું એ ગ્રામોફોન તે સમયના સુખ્યાત ચિત્રકાર સુધાકર દવે - 'અંજન' - પાસે હતું. તેઓ મારા બાપુજીના સહકર્મી અને સારા મિત્ર હતા. એમના જણાવ્યા પ્રમાણે આ ગ્રામોફોન મહારાજા સાહેબે તેઓના એક કર્મચારીને ભેટ આપેલું. કાળક્રમે સુધાકરભાઈના પિતાજીએ તે ખરીદી લીધું હતું. સુધાકરભાઈએ મિત્રકર્મ નિભાવતાં મારા બાપુજીને ઉક્ત 'વાજું' ફક્ત રૂ. એકસો અને તે પણ ત્રણ 'સરળ હપ્તે'ની બોલીએ આપ્યું.

એમ તો એક જમાનામાં અમારા મોટા ઘરમાં મારા દાદાએ ખરીદેલું ગ્રામોફોન હતું પણ મારા જનમ પહેલાં એ બગડી ગયું હતું. દાદાએ વસાવેલી કેટલીયે રેકોર્ડ્સ મોટે ઘરે અભરાઈએ ચડી ગઈ હોવાની વાતો ક્યારેક તેઓ પોતે જ કરતા. એ વખતે વાજાનો અભાવ દાદાને એટલો સાલી આવેલો જણાતો કે જેટલો બહાદૂરશાહ ‘ઝફર’ને સલ્તનત જતી રહેવાથી અનુભવાયો હશે! એ સમયે ઘરમાં હતી એ રેકોર્ડ્સમાં પંકજ મલ્લિક, જગમોહન, કે.સી. ડે,  હેમંતકુમાર, તલત મુહંમદ, હબીબ વલી મુહંમદ અને જ્યુથિકા રોય જેવાં તે જમાનાનાં દિગ્ગજ કલાકારોનાં ગીતો, હાર્મોનિયમ માસ્ટર અમૃતલાલની વગાડેલી તરજો, 'કાળા બજાર' અને 'ડાકોરની જાત્રા' જેવાં કોમિક્સ, વગેરેનો સમાવેશ થતો હતો. બાપુજી એ જ બપોરે મોટે ઘરે જઈ, એ સઘળી રેકોર્ડ્સ ઉપાડી લાવ્યા અને તે સાંજે બટેટાંવડાં અને કોઠીના આઈસ્ક્રીમની પાર્ટી સાથે પૂરા કુટુંબમેળા વચ્ચે વાજાનું મૂરત થશે એમ નક્કી કરતા આવ્યા. એ સાંજ મારા જીવનની યાદગાર સાંજોમાંની એક બની રહી છે.

આગળ વધતાં પહેલાં અમારા નવા(?) વાજાનો પરિચય કેળવી લઈએ. અહીં તસ્વીરમાં બતાય છે એવું મધ્યમ કદના કબાટ જેવડું એ ગ્રામોફોન હતું.

ઉપરથી ખોલીએ એટલે રેકોર્ડ હોલ્ડર અને સ્ટાયલસ નજરે ચડે. જમણા હાથે ખૂણા ઉપર સ્ટાયલસમાં ભરાવવાની પીન રાખવાની ડબ્બી જણાય છે. વળી જમણા હાથે સહેજ નીચે એક હેન્ડલ દેખાય છે, જેના વડે નિયત સમયાંતરે વાજાને ચાવી દેવી પડતી. આ ગ્રામોફોન વીજળીથી ચાલતું ન હોવાથી એની યાંત્રિક વ્યવસ્થા બરાબર ચાલે એ માટે એ જરૂરી હતું. વળી એક રસપ્રદ વાત એ હતી કે એમાં વોલ્યુમ કંટ્રોલ બહુ વિશિષ્ટ રીતે કરવો પડતો. એની આગળની બાજુએ બે દરવાજા હતા અને એની અંદરની બાજુએ સાઉન્ડ બોક્સ હતું. આથી જરૂરિયાત પ્રમાણે એ દરવાજા ખોલ બંધ કરી, અવાજને નિયંત્રિત કરવાની સુવિધા હતી! એ નીચેની તસ્વીરમાં જોઈ શકાય છે.
વોલ્યુમ કંટ્રોલ 


આ એ દિવસો હતા, જયારે અમારા ઘરમાં રેડીઓ ન્હોતો. રાતે જમી પરવારીને બેસીએ અને આ વાજામાંથી નીકળતા દિવ્ય બોલ અને સૂર મને કોઈ જાદુઈ દુનિયાની સફરે ઉપાડી જતા. આ દાગીનો આવ્યા પછી અમારા ઘરના મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયેલો! દરેક મુલાકાતીએ અલબત્ત, વાજું સાંભળતાં પહેલાં બાપુજીના કંઠે એનો ઈતિહાસ અને મહારાજા સાહેબના પેલેસથી અમારા ઘર સુધીની એની મુસાફરીની રોમાંચક વાતો સાંભળવી ફરજીયાત બની રહેતી. નાની બહેન ગોપીને અને મને એ સમગ્ર ઘટનાક્રમ મોઢે થઈ ગયેલો અને એ વાંગ્મયનીય રેકોર્ડ બનાવી લીધી હોય તો સારું, જેથી બાપુજીને બહુ શ્રમ ન પહોંચે એવો વિચાર અમને આવતો રહેતો હતો.
               
મારા જનમ પહેલાં ઘરનું ગ્રામોફોન બગડી ગયું હોવાથી મેં અત્યાર સુધી તો મારા મોસાળના ગ્રામોફોન ઉપર કોઈ કોઈ વાર વડીલો કશુંક સાંભળતાં હોય એ જ સાક્ષીભાવે માણ્યું હતું. અમારા ઘરની ચૂનંદી રેકોર્ડ્સ લઈને અમે લોકો ક્યારેક મારા મોસાળ જતાં. ત્યાં મહેફિલું જામતી, જેમાં એકથી ચડીયાતાં એક ગીતો કાને પડ્યે રાખતાં અને મામાનાં સંતાનો તેમ જ અમે બે ભાઈ બહેન ક્યારે નીંદમાં ઢળી પડતાં એની ખબર પણ ન રહેતી. સંગીત કશુંક દિવ્ય તત્વ ધરાવે છે એવી સજ્જડ માન્યતા બંધાવામાં આવી રાતોએ બહુ મોટો ફાળો આપ્યો છે.

આ લખી રહ્યો છું ત્યારે નજર સામે મોસાળના ઘરનું એ વાજું તરી રહ્યું છે. મામા એની ઉપરનુ કાપડનું આવરણ એટલી કાળજીથી હટાવતા કે જાણે નવજાત શિશુને ઓઢાડેલું મલમલનું કાપડ હટાવતા હોય! ઉપરથી બંધ થતી પેટી જેવા એ વાજાનું ઉપરનું ઢાંકણું ખુલે એ સાથે પૉલીશની આછી સુગંધ નાકમાં પ્રવેશ કરતી.

  


પછી શરૂ થાય એક આનંદદાયી સફર. વચ્ચે વચ્ચે એના સ્ટાયલસની પીન બદલતી રહેવી પડે. વળી એ યાંત્રીક વ્યવસ્થાથી ચાલતું હોવાથી નિયત સમયાંતરે એને ચાવી ભરવી પડે. એક પછી એક ગીત વાગતું જાય, એની ઉપર એકદમ ધીમા સ્વરે ટીપ્પણીઓ થતી રહે, વચ્ચે કોઈ મજાક પણ છેડાઈ જાય. એક ચોક્કસ પડાવ આવે, જ્યાં મામી અને મા રસોડામાં જઈ, ચા બનાવી આવે (આ કાર્યક્રમમાં અમે બાળવર્ગ વંચિત અવસ્થામાં રહેતાં). કોઈ વાર મધરાતે સોનેરી સૂરજ ખીલી ઉઠતો, જ્યારે ચાની સાથે ભજીયાંના થાળ પણ પ્રગટ થતા(આ કાર્યક્રમમાં અમે બાળવર્ગ મુખ્ય લાભાર્થી બની રહેતાં)! હવે અમારા ઘરમાં વાજું આવી જતાં આ વ્યવસ્થા દ્વીમાર્ગી બનતી ચાલી. એ સમયે મામા અને કુટુંબીજનો પોતાને ત્યાંથી ચુનંદી રેકોર્ડ્સ લઈને આવતાં. એ પૈકીનાં કેટલાંક ગીતો તો શાશ્વત અસર છોડી ગયાં છે. એ પૈકી ૧) ફિલ્મ ‘નર્તકી’નું પંકજ મલ્લીકે ગાયેલું ‘મદભરી ઋત જવાની હૈ’ અને ૨) બીનતા બસુનું ગાયેલું ફિલ્મ ‘હમરાહી’નું ‘દિન હૈ બહારકે આયે’, એ બન્ને ગીતો અહીં સાંભળીએ.



 એ સમયે અમે છોકરાંઓ પરસ્પર પોતપોતાનાં ગ્રામોફોનની સરખામણી કરતાં રહેતાં અને જે તે ગ્રામોફોનની ખાસિયતો વિશે જાણીતાં થવાનો પ્રયત્ન કરતાં રહેતાં. મામાનો દીકરો મોટો ભાઈ જગત અને હું વધારે પડતા જિજ્ઞાસુ હોવાથી અન્ય ઘરો/દુકાનોમાં જોવા મળતાં ગ્રામોફોન્સ પણ જોતા રહેતા.
                               *   *   *   *   *   *   *   *   *
હવે થોડું અમારી પાસે હતી એ રેકોર્ડ્સ વિશે. અમારી પાસે હતી એ દાદાએ જે તે સમયે પોતાની પસંદગી મુજબ ખરીદેલી રેકોર્ડ્સ હતી, જ્યારે મોસાળના ઘરનું ગ્રામોફોન એ સમયે પણ કાર્યરત હોવાથી ત્યાં નવી નવી રેકોર્ડ્સ ઉમેરાઈ હતી. અમારા બન્ને ઘરો વચ્ચે એ બાબતે લેવડદેવડ વ્યવહાર ચાલ્યા કરતો હતો. એ સમયે મુખ્યત્વે એચ એમ વી અને કોલંબીયા કંપની વડે નિર્મીત રેકોર્ડ્સ જોવા મળતી. પણ પછી ખબર પડી કે એ સિવાય અન્ય કંપનીઓ પણ એ નિર્માણકાર્યમાં ઝંપલાવી ચૂકી હતી. જો કે આગળ જતે એક રાઝ ખુલ્યો કે કેટલીક વાર એક જ કંપની કર બચાવવા માટે થઈને અન્ય નામોના ઉપયોગથી અલગઅલગ કલાકારોની રેકોર્ડ્સ બહાર પાડતી રહેતી હતી. ખેર, એ બધી વિગતોમાં ન ઉતરતાં રેકોર્ડ્સના તેમ જ તેમનાં કવર્સના કેટલાક રસપ્રદ નમૂનાઓ જોઈએ.

રેકોર્ડ્સ:
૧) આ રેકોર્ડ કોલંબીયા કંપનીની બનાવેલી છે, જેમાં શરણાઈ ઉપર રામબાબુ નામે જાણીતા કલાકારે વગાડેલો રાગ પહાડી અંકિત થયો છે. આ રેકોર્ડના મધ્યભાગે મારા દાદા લાભશંકર જટાશંકર પંડ્યાએ કરેલી તેમની ટૂંકી સહી, લા.જ.પં. સ્પષ્ટ જોઈ શકાય છે.


૨) માસ્ટર બસરકર નામના ગાયકે છેડેલો રાગ ભીમપલાસી ધરાવતી આ રેકોર્ડના મધ્ય ભાગે પણ મારા દાદાની ટૂંકી સહી જણાય છે.


૩) એક જમાનાના અતિશય લોકપ્રિય બની રહેલા નાટક ‘ડાકોરનો મેળો’ને લઈને Twin કંપનીએ ઉતારેલ આ રેકોર્ડ ગરમ ભજીયાંની જેમ વેચાયેલી એવું વડીલો પાસેથી સાંભળ્યું છે.


૪) HMV - His Master’s Voice – કંપનીએ પણ એ જમાનાની માંગને નજરે રાખી ને ‘વિધવાનાં આંસુ’ નામના નાટકની રેકોર્ડ બહાર પાડી હતી. આ રેકોર્ડ પણ ધૂમ વેચાઈ હોવાની જાણ છે.


૫) એ જમાનામાં અમૃતલાલ દવે નામેરી એક ખુબ જ કુશળ હાર્મોનિયમ વાદક હતા. અમારા ઘરમાં એમના વાદનની ત્રણ અલગ અલગ રેકોર્ડ્સ હતી, એ પૈકીની આ ‘મોરલીવાદન’ની છે. ધ્યાનથી જોતાં વંચાય છે કે અહીં ‘મોર્લી’ એવી જોડણી કરવામાં આવી છે!

રેકોર્ડ્સનાં કવર્સ:
૧) આ ફોટોમાં દેખાતા કવર ઉપર જોતાં લાગે છે કે વીસમી સદીના ચોથા-પાંચમા દાયકામાં ગુજરાતી લિપી ઉપર મરાઠીની અસર હશે. હીઝ માસ્ટર’સ ‘વોઈસ’ની જગ્યાએ ‘વ્હોઈસ’ છપાયેલું જોઈ શકાય છે. વળી નીચેની બાજુએ ડાબા ખુણે એ જ કંપની દ્વારા નિર્મીત ગ્રામોફોનની જાહેરાત નજરે પડે છે.


૨) અહીં પણ હીઝ માસ્ટર’સ વ્હોઈસ જ છપાયું છે. જે અલગ છે તે આ કવર ઉપર ગ્રામોફોનના સ્ટાયલસના છેડે ભરવવાની પીનની જાહેરાત કરવામાં આવેલી છે. વળી અહીં હીંદીની અસર હેઠળ પીન માટે ‘સૂઈ’ શબ્દ પ્રયોજાયો છે!


૩) કૃષ્ણ સુદામાની પૌરાણિક કથાને લઈને લખાયેલા નાટકને રજૂ કરતી આ રેકોર્ડ હીઝ માસ્ટર’સ વોઈસ કંપનીએ ઉતારેલી અને એ જબરદસ્ત સફળતાને વરેલી.


૪) આ કવર ઉપર નજર નાખતાં એ જમાનાના લોકપ્રિય કલાકારો કોણ હશે અને ત્યારના લોકોની રૂચી કેવી હશે એનો ખ્યાલ બાંધી શકાય છે. કોઈ મિસ્ટર લલ્લુભાઈના કોમીકગાનની રેકોર્ડનું આ કવર છે. મારા દાદાના મિત્રોની મંડળી જામે ત્યારે આ કલાકારની રજૂઆત ઉપર સૌ ઝૂમી ઉઠતા એવું મારી દાદી પાસેથી જાણ્યું છે.

૫) આ કવર ઉપર TWIN રેકોર્ડ (કંપની)નો ઉચ્ચાર ‘ટુઈન’ લખવામાં આવેલો છે.


એક જમાનામાં જેની આણ વરતતી હતી એવાં ગ્રામોફોન અને રેકોર્ડ્સની જગ્યા કાળક્રમે સ્પૂલ પ્લેયર અને સ્પૂલ પ્રકારની ટેઈપે  લીધી. પછી આવ્યાં કેસેટ પ્લેયર અને ટેઈપ. ધીમે ધીમે સીડી, એમપી-૩ અને પેન ડ્રાઈવ તેમ જ તે બધાને અનુરૂપ પ્લેયર્સ બજરમાં આવતાં રહ્યાં. હાલ એ છે કે હવે તો યુ ટ્યુબ, ગાના.કોમ કે સાવન જેવી વેબસાઈટ્સ ઉપર આંખના પલકારે ઈચ્છીએ એ ગીત આંગળીને ટેરવે વગાડી/બદલાવી શકાય છે. આવા સંજોગોમાં પણ હજી ચાહકોનો એક ખાસ વર્ગ એવો ટકી રહ્યો છે કે જે કોઈ ચોક્કસ ગીત કાને પડે ત્યારે એની રેકોર્ડ વાગતી ત્યારે એ સમયે એની સાથે સ્ટાયલસની પીન ઘસાતી એનો અવાજ યાદ કરી ને ધુંધળી થયેલી આંખ લુછી નાખે છે.
સૌજન્ય સ્વીકાર: 
૧)પહેલી બે તસવીરો નેટ પરથી લીધેલી છે. ત્રીજી તસવીર શ્રીમતી હેમલ ભટ્ટ અને શ્રી રાજેન ભટ્ટના સહકારથી મળી છે.
૨) બન્ને ગીત યુ ટ્યુબ ઉપરથી લીધાં છે.

Monday 28 August 2017

ઈમુ દેસાઈ અને મેંડોલીન. . . . જો તારપે ગુજરી હૈ. .

ધડામ”! તેઓ મોટેથી અવાજ કરીને આગળ બોલ્યા, “ જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે, ત્યારે સૌથી પહેલાં આવા અવાજ સહિતના કલ્પનાતિત વિસ્ફોટ સહિત એક સુક્ષ્માધિક સુક્ષ્મ બિંદુમાંથી સમગ્ર બ્રહ્માંડ નિપજ્યું હશે. આમ, આ મહાવિસ્ફોટનો સર્વપ્રથમ નાદ એટલે ‘ધ’! આથી ધૈવત એ આપણો આદિ સ્વર છે. માત્ર આપણી પૃથ્વી કે સૌર મંડળ જ કે આપણી આકાશગંગા જ નહીં, આદિબિંદુમાંથી જે કાંઈ પણ નિપજ્યું છે, એના મૂળમાં નાદ છે અને માટે જ એને આપણે ‘નાદબ્રહ્મ’ કહીએ છીએ. એ વિસ્ફોટના નાદ થકી જ બ્રહ્માંડમાં ચેતના અને શક્તિનો સંચાર થયો હશે.”

આ શબ્દો છે શ્રી ઈમેન્યુઅલ દેસાઈના, જેઓ ઈમુ દેસાઈ તરીકે સુખ્યાત છે.

સને ૧૯૭૬માં અમદાવાદમાં પગ મુક્યો ત્યારથી તેમનું નામ ઉચ્ચ કક્ષાના મેંડોલીન વાદક તરીકે સાંભળતો આવ્યો છું. જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા/સાંભળવા મળતા આ કલાકારને આટલા લાંબા સમયગાળા દરમિયાન એક જ વાર રૂબરૂ મળવાની તક મળી હતી અને એ પણ અલપઝલપ. આજથી વીશેક વરસ અગાઉ અહીંની પ્રતિષ્ઠીત સંસ્થા ‘સપ્તક’ના એક કાર્યક્રમમાં તેમનું શાસ્ત્રીય વાદન સાંભળવાની તક સાંપડી ત્યારે તેમની અસાધારણ વાદન ક્ષમતાનો એકદમ પ્રભાવ છોડી જાય એવો પરિચય થયો હતો.

આજથી દસેક વરસ પહેલાં જાણવા મળ્યું કે ઈમુ દેસાઈ મેંડોલીન વાદન ઉપરાંત શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય તેમ જ સુગમ ગાયકી પણ શીખવે છે. આ નવાઈ લાગે તેવી બાબત હતી! એક ઉચ્ચ કક્ષાના મેંડોલીન વાદક વિવિધ પ્રકારની ગાયકી પણ શીખવી જાણતા હોય એવું સામાન્ય રીતે જોવા નથી મળતું. લાંબા વખતથી તેમને મળવાની ઈચ્છા હતી, જે નિવૃત્તિ પછી બળવત્તર બનતી ચાલી. એવામાં મિત્ર ઉદયન ભટ્ટે મારા માટે સાનંદાશ્ચર્યની પરિસ્થિતી ઉભી કરી! થોડા સમય પહેલાં મળ્યા ત્યારે એણે કહ્યું, “ હું એક ગુરૂ પાસે વાયોલીન વાદન શીખવા જવા લાગ્યો છું અને એ એવું વ્યક્તિત્વ છે કે તારે એમને વિશે એક લેખ તૈયાર કરી, તારા બ્લોગ ઉપર મુકવો જોઈએ એવું મારું સૂચન છે.” ગુરૂજી બાબતે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તેમનું નામ છે ઈમુ દેસાઈ! આ તો બગાસામાં પતાસું મળ્યાનો ઘાટ સર્જાયો! ઈમુ દેસાઈની સાથે મારી મુલાકાત કરાવવાની જવાબદારી ઉદયન ભટ્ટે ઉપાડી લીધી. અહીં મારા માટે આ કલાકારની પ્રતિભાનો એક નવો આયામ ઉઘડી ગયો! મેંડોલીનના ઉત્કૃષ્ટ કલાકાર ગાયકી ઉપરાંત વાયોલીન વાદન પણ શીખવવાની કાબેલીયત ધરાવતા હોય એ તો Rarest of Rare બાબત કહેવાય. હવે રાહ જોવાની હતી કે તેમની તરફથી એક મુલાકાત માટે સાનુકુળ પ્રત્યુત્તર આવે.

એ દિવસ ધાર્યા કરતાં ઝડપથી આવી ગયો. મિત્ર ઉદયનના સંગાથે તેમની સાથે બે સુદીર્ઘ મુલાકાતો થઈ, એ દરમિયાન થયેલી વાતો તેમની સંગીત સફરની યાદો અને વાદન તેમ જ ગાયન વડે સમૃધ્ધ બની રહી. પ્રસ્તુત છે એ મુલાકાતોનો અર્ક...
                 
                                *    *    *    *    *    *

ઈમુભાઈ(શ્રી ઈમેન્યુઅલ દેસાઈને એમના પરિચયમાં આવેલા સૌ કોઈ ઈમુભાઈ તરીકે જ ઓળખે છે.)ના ઘરમાં દાખલ થતી વેળાએ ઘેરા અવાજમાં ગાયન કાને પડ્યું. એમના ખંડમાં પ્રવેશતાં જોયું કે તેઓ રીયાઝ કરી રહ્યા હતા. એમાંથી અટકી, એકદમ ઉષ્માસભર સ્મિત અને હસ્તધૂનન વડે આવકારી, ઈમુભાઈએ ઔપચારિકતાનો મારો ક્ષોભ એ ક્ષણથી જ નાબૂદ કરી દીધો. મુલાકાતનો પ્રારંભ તેમના કંઠે ગવાયેલી એક ગઝલના રેકોર્ડીંગથી કર્યો, જે અમારા પ્રવેશ સમયે તેઓ ગાઈ રહ્યા હતા. એના શબ્દો પણ પ્રભાવિત કરી ગયા એટલે એ વિશે પુછતાં ઈમુભાઈની પ્રતિભાનું એક ઔર પીંછું બહાર આવ્યું. આ ગઝલ તેમની જ લખેલી છે અને એ સ્વરનિયોજન પણ તેમનું જ છે! પ્રસ્તુત છે એ ગઝલ



સને ૧૯૩૯ના એપ્રીલ મહિનાની આઠમી તારીખે અમદાવાદમાં જન્મેલા ઈમુભાઈનું સમગ્ર જીવન મહદ અંશે અમદાવાદમાં જ વિત્યું છે. નાની વયથી જ તેમને ચિત્રકામ, વાંચન, અભિનય અને ગાયન જેવી પ્રવૃત્તિઓમાં રસ પડવા લાગ્યો. પિતાજી સંગીતના શોખીન હોઈ, તેમણે ઈમુભાઈની ક્ષમતાને ઓળખી લીધી અને તેમને આઠેક વર્ષની વયે સંગીતની વ્યવસ્થિત તાલિમ મળે એ માટે ગંધર્વ મહાવિદ્યાલયમાં દાખલ કરી દીધા. નટવરલાલ પરીખ અને રાવજીભાઈ પટેલ જેવા સમર્પિત ગુરૂઓ વડે ઈમુભાઈનું બાલ્ય વયેથી જ ઘડતર શરૂ થઈ ગયું. લગભગ ૧૮ વર્ષની ઉંમર સુધી માત્ર કંઠ્ય સંગીતની તાલીમ લેવાથી યુવાવસ્થામાં પ્રવેશતાં સુધીમાં તેમની પ્રારંભીક ઋચી શાસ્ત્રીય સંગીત તરફ વળી ગઈ.

એ અરસામાં તેમના મામા પાસે સિતાર, સારંગી અને દિલરુબા જેવાં વાજીંત્રો હતાં, જેની ઉપર હાથ અજમાવવાની ઈમુભાઈને પૂરેપૂરી છૂટ હતી. “ એ વાદ્યો વગાડ્યાં એમ કહેવાને બદલે હું કહીશ કે મેં મામાનાં એ વાદ્યો બગાડ્યાં કે પછી કહો ને કે, તોડ્યાં!” ખડખડાટ હસીને ઈમુભાઈએ જણાવ્યું. એવામાં એક બેન્જો – ટાઈશોકોટો – હાથમાં આવ્યો. એ તંતુવાદ્ય ઉપર ઝડપથી કાબુ મેળવ્યા પછી તેમને મેંડોલીનનો વિચાર આવ્યો અને લગભગ ૧૯ વર્ષની ઉંમરે ઈમુભાઈના જીવનમાં પહેલી વાર મેંડોલીન આવ્યું. એક પરિચીત પાસેથી સેકન્ડહેન્ડ મેંડોલીન ખરીદી, ઘરે લાવીને તાત્કાલિક ધોરણે એના સુર મેળવી, ઈમુભાઈએ એના ઉપર પ્રેક્ટીસ શરૂ કરી દીધી. “અગાઉનાં સાત વર્ષની શાસ્ત્રીય સંગીતની ઘનીષ્ઠ તાલીમ વડે હું અલંકાર, તાનપલટા વિગેરે બાબતોથી સુપેરે પરિચીત હતો, એ હવે કામમાં આવવા લાગ્યું”

પણ, તેમને બહુ ઝડપથી સમજાઈ ગયું કે, મેંડોલીન વાદનમાં પ્રાવિણ્ય મેળવવું હશે તો  ‘ગુરૂ વિણ ગનાન નાહીં’ એ હકિકતને માથે ચડાવીને આગળ વધવું પડશે..એ સમયે ખ્યાતનામ સરોદવાદક દામોદરલાલ કાબરાની શાગીર્દી સ્વીકારી, વાદ્યસંગીતની પધ્ધતિસરની તાલીમ શરૂ કરી. આમ મૂળભૂત રીતે મેંડોલીનની અને સાથે સાથે નિયત સમયાંતરે સરોદની તાલિમ પણ મળવા લાગી. 

દામોદરલાલજી મોટે ભાગે જોધપુરમાં રહેતા હતા, પણ તેમના નાનાભાઈ અને સુપ્રસિધ્ધ ગિટારવાદક બ્રીજભુષણ કાબરા અમદાવાદમાં રહેતા હોવાથી તેઓ અવારનવાર અમદાવાદમાં આવતા રહેતા. આથી એવી વ્યવસ્થા ગોઠવાઈ કે ઈમુભાઈ વર્ષમાં એકાદ મહિનો જોધપુરમાં જઈને તાલિમ લે અને તે ઉપરાંત જ્યારે જ્યારે દામોદરલાલજી અમદાવાદ આવે ત્યારે અહીં પણ તાલિમ શરૂ થઈ જાય. “જોધપુર જવાનું થાય ત્યારે મારી રહેવાની સહિત તમામ વ્યવસ્થા દામોદરલાલજીના આવાસમાં જ રહેતી. પૂરો સમય સંગીતસાધનામાં જ વિતતો. તેમના મૂલ્યવાન સહવાસથી હું મહિયર ઘરાણાની અસર વાળું સરોદવાદન તેમ જ મેંડોલીનવાદન શીખ્યો. તેઓ મને ગુરૂસ્વરૂપે મળ્યા તેને હું મારું પરમ ભાગ્ય ગણું છું. કલાકોની શાસ્ત્રીય તાલિમ પછી થોડો સમય ગુરૂજી મને કોઈ ફિલ્મી ધૂન વગાડવા આદેશ કરતા અને રસપૂર્વક તે સાંભળી, એમાં પણ મને વધારે સારું વગાડવા માટે જરૂરી એવાં સૂચનો કરતા. અને હા, ગુરૂજીના પિતાજી જોધપુર રાજ્યના પ્રધાન હતા અને સરોદનવાઝ અલીઅકબરખાન સાહેબ તેમના અંગત મિત્ર હતા. આ કારણે દામોદરલાલજી અલીઅકબરખાન પાસેથી સરોદવાદન શીખ્યા અને હું તેમની પાસેથી શીખ્યો. આમ, અલીઅકબરખાન સાહેબ મારા દાદાગુરૂ થાય.”

એક સરોદનવાઝ પાસેથી શીખતા હોવાથી ઈમુભાઈના શરૂઆતના મેંડોલીનવાદન ઉપર સરોદવાદનનો સ્પષ્ટ પ્રભાવ જણાઈ આવતો હતો. “ મોટા ભાગના મેંડોલીન વાદકો આ વાજીંત્ર સિતાર સ્ટાઈલમાં વગાડતા હોય છે, જ્યારે મારું વાદન સંપૂર્ણપણે સરોદ સ્ટાઈલમાં હતું." 

                            (અહીં તેમનો વગાડેલો રાગ ‘શ્યામ કલ્યાણ ‘ સાંભળીએ.)




"આને કારણે મારે ઘણા જાણકારોની ટીકાનો ભોગ બનવાનો વારો આવ્યો. જો કે ફિલ્મી સંગીતના બે ખ્યાતનામ મેંડોલીન વાદકો – ડેવીડ સાહેબ  અને લક્ષ્મીકાંતજી (લક્ષ્મીકાંત - પ્યારેલાલ જોડીના સભ્ય) - મેંડોલીનને સરોદ સ્ટાઈલથી જ વગાડતા હતા. એ જમાનાના માનવંતા વાદક અને સંગીતકાર  સજ્જાદ હુસૈન એકમાત્ર એવા માહીર કલાકાર હતા, જે મેંડોલીન વાદનની સિતાર તેમ જ સરોદ સ્ટાઈલ ઉપર એકસરખી હથોટી ધરાવતા હતા. સમય જતાં મેં પણ સિતાર સ્ટાઈલથી મેંડોલીન વગાડવા ઉપર પ્રભુત્વ મેળવી લીધું”.

“આ મહેનતનો મને એક ફાયદો એ પણ થયો કે મેંડોલીન વાદન માટે ખુબ જ વિકટ ગણાય એ મીંડ વગાડતાં પણ મને સારી પેઠે ફાવી ગયું(નોંધ....તંતુવાદ્યો પૈકીનાં વાયોલીન, સારંગી જેવાં ગજની મદદથી વાગતાં વાદ્યો વગાડતી વેળાએ કલાકાર એક થી બીજા સ્વર ઉપર જાય, તે દરમિયાન વાદનનું સાતત્ય જળવાઈ રહે છે. જ્યારે સિતાર, સરોદ, મેંડોલીન જેવાં વાદ્યો નખલીની મદદથી તાર ઉપર પ્રહાર કરીને વગાડવામાં આવતાં હોઈ, એ વાદનમાં સ્વરસાતત્ય લાવવા માટે વિશિષ્ટ પ્રયોગ કરવો પડે છે. એ પ્રયોગ વડે ઉત્પન્ન થતી અસરને ‘મીંડ’ અથવા 'શ્રૂતી' કહેવામાં આવે છે.). હવે હું બન્ને સ્ટાઈલ – સિતાર તેમ જ સરોદ – વડે કુશળતાથી મેંડોલીન વગાડી શકતો હોઈ, અગાઉના મારા કેટલાક ઉગ્ર ટીકાકારો મારી પાસે શીખવા આવવા લાગ્યા.”

{અહીં આપણે તેમણે ખાસ આપણા માટે મેંડોલીન દ્રુત ગતિ( ઝડપથી વગાડવું)થી વગાડ્યું છે, એ માણીએ..અહીં ૩’.૨૦” ઉપર તેઓ મીંડનો પ્રયોગ કરે છે, તે ખાસ નોંધવા અનુરોધ છે.} 


ઈમુભાઈની લગભગ ૨૩ વર્ષની ઉંમરે એમના તકદીરે અનાયાસે જ પડખું ફેરવ્યું. સને ૧૯૬૨માં અમદાવાદની બાલવાટીકામાં તે સમયના અધિષ્ઠાતા  રુબીન ડેવીડે સંગીત વિભાગ શરૂ કર્યો. એમાં તેમને મેંડોલીન વગાડવા માટે રોજના દોઢ રૂપિયાના વળતરે કરારબધ્ધ કરવામાં આવ્યા. “રોજ સાંજના ૪-૮ સુધી જવાનું અને ત્યાંના બેન્ડ સ્ટેન્ડમાં નવી નવી ચીજો વગાડવાની."
યુવા વયે જાહેર મંચ ઉપરથી વાદન
 "સોમવારની તેમ જ અન્ય રજાઓના દિવસનો દોઢ રૂપિયો કપાઈ જાય. આમ, હું મહિને સરેરાશ ૩૯ રૂપિયાનો ‘માતબર’ પગાર મેળવતો રોજમદાર બન્યો! અહીં જે ફાયદો થયો તે અકલ્પનીય હતો. સંગીત વિભાગે જે વાજીંત્રો વસાવ્યાં હતાં એમાં જે મેંડોલીન હતું તે જર્મનીથી મંગાવેલું એકદમ ઉચ્ચ કક્ષાનું હતું. હું ત્યાં વ્હેલો પહોંચી જઈ, એકાદ ઝાડ નીચે બેસી, રીયાઝ કર્યા કરતો. ડેવીડ સાહેબ મારી નિયમિતતા અને નિષ્ઠાથી ખુબ જ પ્રભાવિત રહેતા, પણ એમને ક્યાં ખબર હતી કે હું તો મારા જીવનરસને પોષી રહ્યો હતો? આ સાતત્યપૂર્ણ અભ્યાસ વડે મારા વાદનમાં ઘણો સુધારો થયો. વળી એ ‘નોકરી’થી જીવનમાં પહેલી વાર આર્થિક સ્વાતંત્ર્ય મળ્યું!”

(આગળ વધતાં પહેલાં એક જાહેર કાર્યક્રમમાં ઈમુભાઈએ વગાડેલ રાગ જનસંમોહીની માણીએ. યુ ટ્યુબ ઉપર ચાર ભાગમાં ઉપલબ્ધ એવા આ રેકોર્ડીંગનો અહીં એક જ વિડીયો મૂક્યો છે. રસ ધરાવનારાંઓને બાકીના ભાગ સાંભળવા ખાસ અનુરોધ છે.)

ઉપર કહ્યું તેમ ઈમુભાઈ માટે સને ૧૯૬૨નું વર્ષ સાચે જ ભાગ્યવંતું પૂરવાર થયું. “એ જ વર્ષે મને યુનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડીયા માં કાયમી નોકરી મળી. આ નોકરી મળી એમાં મારી પાસે ઉપલબ્ધ બેવડી ડીગ્રી - બી.એ. અને બી.કૉમ. - નો સારો એવો ફાળો રહ્યો. આ સાથે આર્થિક પ્રશ્ન હલ થઈ ગયો હોવાથી સંગીત શીખવા માટે પૂરતી મોકળાશ મળી રહી. એવામાં પ્રખ્યાત સારંગીવાદક સુલતાનખાનનો પરિચય થયો, જે પછીથી ગાઢ મૈત્રીમાં ફેરવાઈ ગયો. એક વાર લતા મંગેશકરના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વગાડવાની તક સુલતાનખાનને મળી. એ સમયના વાદનથી પ્રભાવિત થયેલાં લતાજીએ તેમને મુંબઈ બોલાવી લીધા. રાજકોટ રેડિઓ સ્ટેશનનો એ કલાકાર એકાએક ઉંચકાઈને મુંબઈમાં ધૂમ મચાવવા લાગ્યો. અમારી મુલાકાતો ચાલુ જ રહી. એવામાં એક વાર સુલતાનખાને મને પણ મુંબઈ આવી, નસીબ અજમાવવા આમંત્રણ આપ્યું. એ સમયે મારી ઉપર ત્રણ બહેનો, બે ભાઈઓ અને વૃધ્ધ માતાની જવાબદારી હોવાથી મેં એ બધાંને મૂકીને મુંબઈ જવાનું ઉચિત ન જાણ્યું. આજે આટલાં વર્ષો પછી પણ મને મારા એ નિર્ણય માટે ક્યારેય પસ્તાવો નથી થયો. એક બાજુ કુટુંબ સચવાઈ ગયું અને બીજી બાજુ મારો વાદનનો શાસ્ત્રીય અભ્યાસ ખુબ જ સારી રીતે ચાલ્યો.”

અમદાવાદમાં રહ્યે રહ્યે પણ ઈમુભાઈએ ઘણું અર્જિત કર્યું છે. જગજીતસિંઘ, ભૂપીન્દરસિંઘ, રાજેન્દ્ર અને નીના મહેતા જેવાં લબ્ધપ્રતિષ્ઠિત ગઝલ ગાયકો સાથે અનેક કાર્યક્રમોમાં તેમણે મેંડોલીન ઉપર સંગત કરી છે અને જે તે કલાકારોની દાદ  મેળવી છે. આ ઉપરાંત મિતાલી સિંઘની ગાયેલી કેટલીક ગઝલોનું સ્વરનિયોજન તેમ જ સંગીત નિયોજન પણ તેમણે કર્યું છે. રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, સરોજ ગુંદાણી, હર્ષિદા રાવળ અને દમયંતી બરડાઈ જેવાં ગુજરાતી સુગમ સંગીતનાં કલાકારો સાથે નિયમીત ધોરણે તેમણે સંગત કરી છે. ગુજરાતી સુગમ સંગીતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિયતા અપાવનાર કલાકારોના ગ્રૂપ ‘શ્રૂતી’ના વાદકવૃંદના તેઓ વર્ષો સુધી અવિભાજ્ય અંગ બની રહ્યા છે. ઈમુભાઈએ એક ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું. ફિલ્મનું નામ પૂછતાં લાક્ષણીક હાસ્ય સાથે ઈમુભાઈએ કહ્યું, “ભૂલી ગયો છું, ભાઈ! હવે ૭૮ પૂરાં કરીને આગળ વધી રહ્યો છું ત્યારે ક્યારેક ક્યારેક યાદશક્તિ દગો દઈ જાય છે. હા, એ ‘સૂર્યા ફિલ્મ્સ’નું સાહસ હતું એટલું યાદ આવે છે. એ ઉપરાંત મેં ‘આંસુભીના ઉજાસ’ અને ‘આથમતા પડછાયા’ શીર્ષક વાળી બે ટેલીફિલ્મ્સનું સંગીત પણ તૈયાર કર્યું હતું.”

આટલી લાંબી સંગીતયાત્રામાં ઈમુભાઈને અનેક મહાનુભાવોને મળવાની તકો મળતી રહી છે. દામોદરલાલ કાબરા જેવા સુખ્યાત સંગીતજ્ઞના પ્રીતીપાત્ર હોવાને લીધે તેમને આ લાભ બહોળા પ્રમાણમાં મળ્યો. વળી પોતે અમદાવાદમાં રહેતા હોવાથી સમય સમયે યોજાતા શાસ્ત્રીય ગાયન/વાદનના કાર્યક્ર્મોમાં ભાગ લેવા આવતા રહેતા દિગ્ગજ કલાકારોની રૂબરૂ થવાની વિપુલ તકો મળી રહી. “ જો કે એક અફસોસ હજી સતાવે છે. નાની વયે હું સંગીતકાર જયકીશનનો મોટો પ્રશંસક હતો. આ ઘેલછાની કક્ષાના મોહથી દોરાઈને એક વાર મારો એક મિત્ર અને હું જયકીશનજીને મળવા ખાસ મુંબઈની ગાડીમાં ચડી બેઠા. માત્ર એટલી ખબર હતી કે ત્યાંની ‘ગેલોર્ડ’ નામની રેસ્ટોરાંમાં તેઓ રોજ સાંજે જતા હતા. બસ, આટલી માહિતી ઉપર અમે બન્ને પહોંચ્યા મુંબઈ! સાંજ પડે તે અગાઉ ગેલોર્ડની સામેની ફૂટપાથ ઉપર જઈને ઉભા રહી ગયા. વિચાર્યું હતું કે તેઓ નજરે પડે એટલે મળવાનો પ્રયત્ન કરશું. પણ એમને જોયા એવા અમે એવા તો અભિભૂત થઈ ગયા કે બસ, દૂરથી ઉભે ઉભે તેમને અંદર બેઠેલા જોયા કર્યા અને પછી રાતની અમદાવાદ લઈ જતી ગાડીમાં બેસી ગયા. તેમને રૂબરૂ ન થઈ શકાયું એ અફસોસ રહી ગયો છે." 

"હા, એક મહાનુભવનો ઉલ્લેખ મારે ખાસ કરવો છે અને એ છે મારો પરમ મિત્ર એવો આપણો ખ્યાતનામ શાયર શેખાદમ આબુવાલા. અમારી પ્રગાઢ દોસ્તીનાં ઘણાં વર્ષો તેણે જર્મનીમાં વિતાવ્યાં પણ એ સમય દરમિયાન સુધ્ધાં અમારો સંપર્ક સતત જળવાઈ રહ્યો. એ અમદાવાદ આવે ત્યારે અમારી જોરદાર મહેફીલો જામતી. એમાં આકાશવાણીના જાણીતા સમાચાર વાચક લેમ્યુઅલ હેરી પણ જોડાતા. મારો ગઝલ અને  સાહિત્યનો શોખ શેખાદમની મૈત્રી વડે ખુબ જ પોષાયો. એના પ્રોત્સાહનથી મને પણ ગઝલો લખવાની પ્રેરણા મળી અને મેં થોડી ગઝલો લખી, તેને સંગીતબધ્ધ પણ કરી.”

હવે ઈમુભાઈ સાથેની અમારી મુલાકાત નિયત સમય કરતાં આગળ વધી ગઈ હતી. ઉપસંહાર રૂપે તેમને પોતાની અંગત લાગણીને વાચા આપવા વિનંતી કરી. ખાસ તો અસાધારણ ક્ષમતાના પ્રમાણમાં તેમને પૂરતી પ્રસિધ્ધી ન મળી હોવા વિશે તેમનું મંતવ્ય જાણવાની મનેે ઉત્સુકતા હતી. ઈમુભાઈનો પ્રતિભાવ એકદમ સ્પષ્ટ હતો. “ પ્રભુની અસીમ કૃપાથી એટલું બધું પામ્યો છું કે જીવનના આ પડાવ ઉપર કોઈ જ ફરિયાદ નથી. સંગીત અને સાહિત્યના આ દરીયામાંથી જે બે ચાર ટીપાં પામ્યો છું એનાથી પરમ સંતોષની લાગણી અનુભવું છું. આ ઉંમરે હજી સક્રીય રહી શક્યો છું એ પણ પરમાત્માની અસીમ કૃપા સમજું છું. હા, જીવનમાં કડવા અનુભવો તો કોને નથી થતા? પણ એક ફિલસુફી યુવાવસ્થાથી જ સમજાઈ ગઈ છે કે, સામી મળતી વેદનાઓને સાનુકુળ થઈ જવાથી સર્જકતા વિકસે છે. જો એમ ન કરીએ તો વિધ્વંસક લાગણીઓ આપણો કબ્જો લઈ લે અને એ બરબાદી તરફ લઈ જતું પહેલું પગથીયું બની રહે.”
               
                                                                  *    *    *    *    *    *

ઈમુભાઈને એ બાબતનો પૂર્ણ સંતોષ છે કે સંગીત અનુગામી પેઢીમાં ઉતરી આવ્યું છે. તેમના પુત્ર હ્રદય દેસાઈ પણ સંગીતની આલમમાં જાણીતું નામ છે. મુખ્યત્વે તેઓ સરોદના કલાકાર છે અને હાલમાં પ્રસિધ્ધ કથ્થક નૃત્યકાર શ્રી અનુજ મીશ્રાના સંગીતનો વિભાગ સંભાળે છે. 

આ સુદીર્ઘ અને ખુબ જ આનંદદાયી મુલાકાતના અંતમાં ઈમુભાઈએ પોતાની લખેલી અલગ અલગ ગઝલોમાંથી ત્રણ શેઅર કહ્યા, જે પ્રસ્તુત છે....
            
 ૧)  વિશ્વે ક્યાંય ન મળે આવી વીરલ વફાદારી,
      સદાય વળગી રહેતી મુજને એકલતા મારી.
               
 ૨)   ક્ષણ ક્ષણ તડપતી માછલીને ઝાંઝવાનું જળ મળ્યું,
       મરવા ન દે બસ તરફડીને જીવવાનું બળ મળ્યું.
                
  ૩)   નાજુક નાજુક પુષ્પપાંદડી, તમને કોણ અડે?
        ઝાકળ બિંદુ ચૂમે, એનો ય ડાઘ પડે! 
       
                            *    *    *    *    *    *

આજે 78 વરસની ઉંમરે પણ ખુબ જ સક્રિય એવા ઉમદા હૃદયી અને બાળસહજ સાલસતા ધરાવતા આ હરફનમૌલા કલાકારને મળ્યાનો આનંદ અહીં વહેંચ્યાનો આનંદ છે.

(અંતમાં એક નાનકડી વિડીઓ ક્લિપ પ્રસ્તુત છે, જ્યાં ઈમુભાઈની લાક્ષણીક સરળતા અને રમૂજવૃત્તી છતાં થાય છે. વાદન કરતી વેળાએ કયો રાગ છેડેલો એમ પુછતાં રાગ ‘શ્યામ કલ્યાણ’નો ઉલ્લેખ “મારી જેવો શ્યામ અને તમારી જેવો કલ્યાણ” એમ કહીને બાળસહજ હાસ્ય વેરે છે, જે વહેંચવાનો લોભ રોકી શકાયો નથી.)

સૌજન્ય સ્વીકાર:          સહયોગ, ઉદયન ભટ્ટ. 
તસ્વીર:                   નેટ ઉપરથી. 
બધી જ વિડીઓ ક્લિપ્સ : યુ ટ્યુબ ઉપરથી.