Wednesday 29 November 2017

'સૂરંદાજ' શરદ ખાંડેકર


આપણા સમાજમાં વર્ગભેદ સદીઓથી ચાલ્યો આવ્યો છે. ‘તું નાનો હું મોટો’ એ જગતના ખ્યાલને કવિ ભલે ખોટો કહેતા હોય, વાસ્તવિકતા અલગ દિશામાં જ આંગળી ચીંધે છે. અહીં આપણે આ વાત સંગીતના સંદર્ભે આગળ ચલાવીએ. સંગીતના મુખ્ય ત્રણ વર્ગો પડે છે – શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય અને હળવું/સહજ/સુગમ/ફિલ્મી સંગીત. આ અલગ અલગ પ્રકારોને અજમાવનારા સંગીતકારોમાં વાદકો તેમ જ ગાયકોનો સમાવેશ થાય છે. એક સામાન્ય નિરીક્ષણ મુજબ શાસ્ત્રીય સંગીતને અપનાવનારાઓ અન્ય પ્રકારના સંગીતસાધકોને ઉતરતા ગણતા આવ્યા છે. વળી સમગ્રપણે જોતાં એ બાબત પણ ધ્યાને પડે છે કે ગાયકો, વાદકોને હંમેશાં એક પાયરી ઉતરતા ગણાવતા આવ્યા છે. પરિણામે જનસામાન્યમાં પણ એવી જ છાપ બની રહી છે કે સંગીતના ક્ષેત્રમાં મુખ્ય કલાકાર હંમેશાં ગાયક જ હોય અને વાદકો તો મોટે ભાગે સંગત કરવા માટે જ ચાલે! આ રીતે ઉતરતી ભાંજણીનો વિચાર કરવામાં આવે તો ફિલ્મી દુનિયાના વાદકોને તો સાવ છેવાડે જ બેસાડી દેવામાં આવ્યા હોય એમ લાગે. કેટલાક જૂજ અપવાદો બાદ કરતાં આ વાદક કલાકારો ક્યારેય પ્રકાશમાં આવતા નથી.

હજી થોડા આગળ વધીએ તો આપણે એવા વાદક કલાકારો સુધી પહોંચીએ, જે ફિલ્મી ગીતોના સ્ટેજ ઉપર આયોજિત થતા કાર્યક્રમોમાં વગાડતા આવ્યા છે. આવા કલાકારોની કદર કરવામાં તો આપણે ખુબ જ ઉણા ઉતરીએ છીએ. હકિકતે જે ફિલ્મી ગીતનું અસલ રેકોર્ડીંગ આપણે સાંભળીએ છીએ એ તો કલાકોના કરાયેલા પ્રયાસોનું આખરી પરિણામ હોય છે. ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ માટે અત્યારની અત્યાધુનિક રેકોર્ડીંગ પધ્ધતિઓ હાથવગી નહોતી ત્યારે પણ રીટેકની સુવિધા તો હતી જ. આથી એકાદ કલાકારની પણ શરતચૂક થઈ જાય તો સુધારાને અવકાશ હંમેશાં રહેતો. આવી કોઈ જ સુવિધા સ્ટેજ ઉપરથી રજૂઆત કરનારા કલાકારો પાસે હોતી નથી. એ લોકોએ જ્યારે અને ત્યારે જ પોતાનો કસબ ઠાલવી દેવાનો રહે છે. જે ચાર મિનીટ્સ મળે એમાં જે તે ગીતને પોતપોતાના વાદ્યના સૂરથી ભરી દેવાનું હોય છે અને એમાં પણ અસલ ગીતના સંગીતની આબેહૂબ નકલ ઉતારવાની રહે છે.

અને તેમ છતાં પણ જૂજ અપવાદો બાદ કરતાં એવું નથી બનતું કે કોઈ કાર્યક્રમ ઓરકેસ્ટ્રાના નામ ઉપર પ્રખ્યાત થયો હોય. સ્ટેજ કાર્યક્રમોની જાહેરાતો મહદઅંશે ગાયકોના નામથી કરવામાં આવે છે. એમાં વગાડનારા કલાકારોનાં નામ કાર્યક્રમના સંચાલક એક વાર ઝડપથી ઉચ્ચારી જાય છે અને વાત પૂરી. હા, એ નામાવલીના અંતે જે તે વાદ્યવૃંદના સંચાલકનો થોડો ઘણો પરિચય અપાય છે. આ વાદ્યવૃંદ સંચાલક બહુ મોટી જવાબદારી ઉપાડી ને શ્રોતાઓ સમક્ષ એક પછી એક ગીતની રજૂઆત મહત્તમ શક્ય ક્ષમતાથી થયા કરે એની કાળજી લેતા હોય છે. રજૂ થઈ રહેલા ગીત દરમિયાન કયા મકામ પર કયા વાજિંત્ર ઉપર કયો ટુકડો વગાડવાનો છે એ બાબતનું નિયમન ‘ઓરકેસ્ટ્રા કંડક્ટર’ તરીકે ઓળખાતા આ સંચાલક કરે છે. વળી આયોજકો, ગાયકો, કાર્યક્રમના ઉદઘોષક, વાદક કલાકારો તેમ જ સ્ટેજ ઉપરથી થઈ રહેલી રજૂઆત શ્રોતાગારમાં દરેકના કાને સુપેરે પહોંચે એની વ્યવસ્થા સંભાળતા ધ્વનિ સંયોજક વચ્ચે યોગ્ય તાલમેળ અને સુમેળ જળવાઈ રહે એ જવાબદારી પણ વાદ્યવૃંદ સંચાલકની બની રહે છે.


આટલી વિસ્તૃત પ્રસ્તાવના પછી આપણે એક એવા વ્યક્તિવિશેષનો પરિચય કેળવીએ, જે સ્ટેજ ઉપરથી રજૂ થતા ફિલ્મી સંગીતના કાર્યક્રમોના ઓરકેસ્ટ્રા સંચાલક તરીકે ભારતભરમાં મોખરાના સ્થાને પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. આ નામ છે અમદાવાદ નિવાસી અને દુનિયાભરમાં મશહૂર એવા શરદ ખાંડેકરનું.
                        *      *      *      *      *      *      *      *

મૂળ મહારાષ્ટ્રીય પણ પેઢીઓથી અમદાવાદ નિવાસી બની રહેલા ખાંડેકર કુટુંબમાં સને ૧૯૫૧ના ફેબ્રુઆરીની ૨૧ તારીખે જન્મેલા શરદ ખાંડેકર( હવે પછી એમનો ઉલ્લેખ શરદભાઈ તરીકે થશે.)
નો વિસ્તૃત પરિચય મેળવીએ એ પહેલાં એક રસપ્રદ કિસ્સો રજૂ કરવો છે. આ વર્ષ(સને ૨૦૧૭)ના માર્ચ મહિનાની આઠમી તારીખે અમદાવાદની પ્રતિષ્ઠિત એવી ગ્રામોફોન ક્લબનો એક કાર્યક્રમ આયોજિત થયો હતો. કાર્યક્રમ શરૂ થાય એવી જ ક્લબના અધિષ્ઠાતાએ ઘોષણા કરી, “આપણા ઓરકેસ્ટ્રાના મુખ્ય કલાકાર અને સંયોજક એવા શરદભાઈની તબિયત અચાનક લથડી છે અને એમને ખુબ જ ચિંતાભરી હાલતમાં હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા છે. ડાક્ટરોએ ૪૮ કલાક સુધી ઘનીષ્ઠ સારવાર આપવાનું નક્કી કર્યું છે. આથી આપણે આજના કાર્યક્રમમાં એમની ગેરહાજરી ચલાવી લેવાની છે.” આ પછી એકાદ અઠવાડીયામાં જ અન્ય લોકપ્રિય ક્લબ ‘સુરાંગન’નો કાર્યક્રમ થવાનો હતો અને એમાં પણ શરદભાઈનું જ ઓરકેસ્ટ્રા હતું. આવી ધર્મસંકટભરી પરિસ્થિતીમાં આયોજકો હોસ્પીટલમાં શરદભાઈની ખબર કાઢવા ગયા ત્યારે એમનો પ્રતિભાવ હતો, “મારી તબિયત જક્કાસ છે, તમારા કાર્યક્રમમાં હું આવી જઈશ.”! ખરેખર, બીજે અઠવાડીયે બધાના સુખદ આશ્ચર્ય વચ્ચે શરદભાઈએ સાડા ત્રણ કલાક સુધી સ્ટેજ સંભાળ્યું અને એવું સંભાળ્યું કે કોઈ માને નહીં કે આઠ દિવસ પહેલાં આ માણસ સ્ટ્રોકની સારવાર માટે ICCUમાં હોઈ શકે! આ છે એમની સંગીત પ્રત્યેની નિષ્ઠા અને વ્યવસાયિક પ્રતિબધ્ધતા.

લાક્ષણિક મહારાષ્ટ્રીય સંસ્કારો મુજબ ખાંડેકર કુટુંબમાં સંગીત વણાયેલું હતું. પણ, એક પરંપરા પ્રમાણે કુટુંબીજનોનું સંપૂર્ણ ધ્યાન શાસ્ત્રીય સંગીત ઉપર હતું. આવા કુટુંબમાં ઉછરતા શરદભાઈ પણ શરૂઆતનાં વર્ષોમાં શાસ્ત્રીય સંગીતના આરાધક બની રહ્યા. નાની ઉમરથી જ એમણે સિતાર જેવા કષ્ટસાધ્ય વાદ્ય ઉપર ઘનિષ્ઠ રિયાઝ કરતા રહી, એ વગાડવા ઉપર પ્રભુત્વ મેળવવા માટે કઠોર સાધના કરી. એ સમયે સંગીતને સંપૂર્ણપણે બિનવ્યવસાયિક ધોરણે અપનાવવાનો હેતુ લઈને શરદભાઈ શીખતા રહ્યા. એમનાથી મોટાભાઈ સુધીર ખાંડેકર પણ આ જ માર્ગે આગળ વધી રહ્યા હતા. એ વાયોલિન ઉપર સાધના કરી રહ્યા હતા. એવામાં એક વળાંક આવ્યો. આ બન્ને ભાઈઓએ જ્યાં શાળાકિય અભ્યાસ કર્યો હતો એ ‘મહારાષ્ટ્ર શિક્ષણ મંડળ હાઈસ્કૂલ’ તરફથી સને ૧૯૬૮માં એક એવા કાર્યક્રમનું આયોજન થયું, જે સંપૂર્ણપણે તે સમયના પ્રવર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત થવાનો હતો. આ બંધુ જોડીને સંગીતનો પૂરો હવાલો સોંપી દેવામાં આવ્યો. કાર્યક્રમ અતિશય સફળ થયો અને એના શ્રેયની ખાસ્સી ટકાવારી ખાંડેકર ભાઈઓને મળી. આ કાર્યક્રમને બહોળી પ્રસિધ્ધી મળી અને એ પછી આ ભાઈઓને નાના મોટા કાર્યક્રમોમાં સંગત કરવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં. સને ૧૯૭૦માં જાણીતા વાદ્યવૃંદ સંચાલક અંબરીશ પરીખ સુધી એમની ખ્યાતી પહોંચી. એવામાં એક યોગાનુયોગ સર્જાયો. એની વિગતમાં જતાં પહેલાં આપણે ફિલ્મ ‘મેરા સાયા’નું આ ગીત સાંભળીએ, જેમાં સિતારના ખુબ જ કર્ણપ્રિય ટૂકડા સાંભળવા મળે છે.

બન્યું એવું કે સને ૧૯૭૧માં યોજાયેલા અંબરીશ પરીખના એક કાર્યક્રમમાં આ ગીતનો સમાવેશ હતો. એના રિહર્સલ વખતે સિતાર વગાડી રહેલા કલાકારના વાદનથી અંબરીશભાઈને પૂરતો સંતોષ થતો નહોતો. વારંવારના પુનરાવર્તન પછી પણ એ કલાકાર સંતોષજનક વાદન ન કરી શક્યા. આ જોઈને ત્યાં હાજર પ્રસિધ્ધ મેન્ડોલીન વાદક ઈમુ દેસાઈએ અંબરીશભાઈને સૂચન કર્યું કે એક મોકો શરદભાઈને આ ટૂકડાઓ સિતાર પર છેડવા માટે આપવો જોઈએ. શરદભાઈએ આ મોકાને પૂરેપૂરો ન્યાય આપ્યો અને આ સાથે માત્ર વીશ વર્ષની ઉમરે શરદભાઈ એક સક્ષમ સિતાર વાદક તરીકે  ઉપસી આવ્યા. વળી સુધીરભાઈ વાયોલિન ઉપર રિયાઝ કરતા હોય ત્યારે શરદભાઈ તબલાં ઉપર સંગત કરતા. આમ સૂર અને તાલ બંનેની ઊંડી સમજ કેળવાવા લાગી. 

ધીમે ધીમે ખાંડેકર ભાઈઓને સમજાયું કે ફિલ્મી સંગીત પણ એ લોકો માનતા હતા એના કરતાં ખુબ જ ઉંચી કક્ષાની ક્ષમતા માંગી લેતો સંગીતનો એક સારો પ્રકાર હતો. હવે શરદભાઈએ નિયમિત રીતે ફિલ્મી ગીતોના કાર્યક્ર્મોમાં વગાડવાનું શરૂ કર્યું. શરદભાઈએ જણાવ્યું, “ એ જમાનામાં હું મુખ્યત્વે એકૉર્ડીયન વગાડતો. જરૂર પડ્યે સિતાર ઉપર પણ સંગત કરી લેતો. મોટાભાઈ (સુધીર ખાંડેકર) વાયોલિન વગાડતા. એક કાર્યક્રમમાં  વગાડવાના એ દિવસોમાં ૭૫ રૂપીયા મળતા, જે અમે ભાઈઓ જમા કરતા રહેતા.”

આ દિવસોમાં શરદભાઈ પૂરી નિષ્ઠાથી એકૉર્ડીયન તેમ જ સિતારવાદનની બારિકીઓ અનુક્રમે જૉન માઈકલ અને સુખરાજસિંહ ઝાલા જેવા સિધ્ધહસ્ત વાદકો પાસેથી શિખતા રહ્યા. રિહર્સલો અને કાર્યક્રમો સાથે સાથે રોજના ઓછામાં ઓછા બે કલાક તાલિમ લેવાનું પણ ચાલુ રાખ્યું અને ધીરે ધીરે બન્ને વાદ્યો ઉપર પ્રભુત્વ વધતું ચાલ્યું. એ અરસામાં સ્ટેજ કાર્યક્રમોમાં ઈલેક્ટ્રોનીક ઓર્ગનનો પ્રવેશ થયો. વખતની જરૂરીયાત સમજી, શરદભાઈએ સને ૧૯૭૩માં એક ઓર્ગન ખરીદી લીધું, જેમાં ડાબા હાથના દોઢ સપ્તકને કોર્ડ્સ વગાડવા માટે વિભાજીત કરી શકાતું હતું અને તે ઉપરાંત એમાં વિવિધ પ્રકારના તાલ નિષ્પન્ન થઈ શકતા હતા (આજે તો આવાં ઓર્ગન સરળતાથી ઉપલબ્ધ છે, પણ એ સમયમાં આની નવાઈ હતી.). એની ઉપર પણ સઘન પ્રયાસો દ્વારા પ્રભુત્વ કેળવ્યા પછીના દિવસોમાં એક જ ગીતની રજૂઆત દરમિયાન શરદભાઈ એકૉર્ડીયન અને ઓર્ગન વારા ફરતી વગાડતા હોય એવું પણ બનતું હતું.

હવે શરદભાઈને લાગ્યું કે પોતે  સ્વતંત્ર રીતે કાર્યક્રમો તૈયાર કરવા સક્ષમ હતા. આથી ધીમે ધીમે એમણે વાદ્યવૃંદ સંચાલન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને એ બાબતે આત્મવિશ્વાસ કેળવાયા પછી મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ’ ઓરકેસ્ટ્રાના નેજા હેઠળ કાર્યક્રમો કરવાની શરૂઆત કરી. એમણે સમજી લીધું હતું કે સફળ સંચાલક બનવા માટે મુખ્ય બે ચીજો ઉપર કાબુ હોવો જરૂરી છે. એક તો જે તે ગીતના સંપૂર્ણ સાંગીતિક બંધારણની બારીકતમ સમજ અને બીજું, સમગ્ર ગીતની ગાયકી તેમ જ સાથે વાગતાં વાદ્યો દ્વારા સૂર પૂરાવતા ટૂકડાઓને સ્વરલિપીબધ્ધ કરવાની ક્ષમતા. સંગીતને લિપીબધ્ધ કરવા માટેની ભારતીય પધ્ધતિમાં બે અલગ અલગ લિપીઓ છે: પલૂસકર લિપી અને ભાતખંડે લિપી. એ પૈકીની પલૂસકર લિપી તો શરદભાઈ નાની ઉમરથી ઘરમાં જ શીખતા રહ્યા હતા. અનુભવે તેમને જણાયું કે એ લિપીની સરખામણીએ ભાતખંડે લિપી સહેલી હતી. આથી એ લિપી પણ આત્મસાત કર્યા પછી શરદભાઈએ એ બન્ને લિપીના સંકરણથી પોતાની આગવી લિપી વિકસાવી અને આજદિન સુધી એ સંકર લિપીથી જ લખતા આવ્યા છે. આ રીતે એ પ્રહાર/Stroke વડે વગાડવામાં આવતાં તંતુવાદ્યો માટે ક્યારે પ્રહાર કરવો તે અને ક્યારે એવાં વાદ્યોમાંથી સળંગ સૂર (મીંડ) નિષ્પન્ન કરવા, એ પણ જે તે સાજિંદા માટે લખે છે. આવી બારીક લિપીબધ્ધતાથી લખનારા પૂરા ભારતમાં શરદભાઈ એક માત્ર સંચાલક છે. 
શરદભાઈએ લખેલી સ્વરલિપી
પશ્ચીમી વાદ્યગાન લિપી કે જેને સ્ટાફ નોટેશન્સ કહે છે, એ સમજનારા બહારથી આવનારા કલાકારો માટે એ તૈયાર કરવાની જવાબદારી એમના ભત્રીજા (અને અગાઉ જેમનો ઉલ્લેખ થઈ ગયો છે એ સુધીરભાઈના દીકરા) અનુપ્રીત ખાંડેકર ઉપાડી લે છે. શરદભાઈ કેટલી બારિકીથી લિપીલેખન કરે છે એ સમજવા એક વિડીઓ જોઈએ.



શરદભાઈની એક એક સૂર માટેની પ્રતિબધ્ધતા સમજવા માટે આપણે ફિલ્મ ‘બ્રહ્મચારી’નુ મહમ્મદ રફીએ ગાયેલું ગીત સાંભળીએ. પહેલાં એક બાબત સમજવી મહત્વની છે. આપણાં ફિલ્મી ગીતો ચોક્કસ વિભાગોમાં વિભાજીત થયેલાં હોય છે. ગાયકી શરૂ થાય એના પહેલાં કેટલાંક ગીતોમાં વાદ્યસંગીત હોય છે, જેને ‘પ્રિલ્યુડ’ કહે છે. પછી ગાયક/કો મેદાનમાં આવે છે. આ ભાગ ‘મુખડો’ નામે ઓળખાય છે. પછી વાદ્યસંગીતના ટૂકડાઓ વાગે એને ‘ઈન્ટરલ્યુડ’ કહેવાય છે. ફરી પાછું ગાયન આવે, જેને ‘અંતરો’ કહે છે. અંતરા પછી ફરી એક ‘ઈન્ટરલ્યુડ’ વાગે અને પાછો એક અંતરો ગવાય. કોઈ પણ ગીતને ખુબ જ ધ્યાનથી સાંભળતાં ખ્યાલ આવે છે કે આ બધાં અંગો ઉપરાંત સમગ્ર ગીત વાગતું રહે એ  દરમિયાન એની પશ્ચાદભૂમીકામાં વાદ્યસંગીતનો એક દોર સતત સંભળાયા કરતો રહે છે. આવા સંગીતને ‘કાઉન્ટર્સ’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણું ધ્યાન આવા કાઉન્ટર્સની ઉપર જતું નથી પણ એ જાણવું અને સમજવું ખુબ જરૂરી છે કે ગીતને ભર્યું ભર્યું બનાવવામાં એ કાઉન્ટર્સ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે  આટલી સ્પષ્ટતા પછી હવે મૂળ ગીત સાંભળીએ. શંકર જયકિશન જેવા સમર્થ સંગીતકારો અને એમના સહાયકો દ્વારા તૈયાર કરાયેલા આ ગીતને ઉપર જણાવ્યાં એ બધાં જ અંગો સહિત માણશો એવો અનુરોધ છે. 





હવે આ જ ગીતની એક સ્ટેજ કાર્યક્રમમાં થયેલી રજૂઆત સાંભળીએ. ગાયક છે બંકીમ પાઠક અને ઓરકેસ્ટ્રા સંચાલન શરદભાઈનું છે. ગાયકી તો કર્ણપ્રિય છે જ, પણ આપણે અહીં આ ગીત એટલે પસંદ કર્યું છે કે અહીં સમગ્ર ગીત સાથે કાઉન્ટર્સ એકદમ સ્પષ્ટપણે સંભળાય છે. એકે એક વાદ્ય ઉપર વગાડવામાં આવતો એકે એક સાંગીતીક ટૂકડો યથાસ્થાને કાને પડે છે ત્યારે શરદભાઈની સંચાલનક્ષમતાનો ખરો ખ્યાલ આવે છે. આ બધું એમના મૂળ ગીત/ધૂન ને સંપૂર્ણપણે વફાદાર એવા સ્વરલિપીલેખનનો નિષ્કર્ષ છે. 


આ રીતે એક એક ગીત માટે ખુબ જ જહેમત ઉઠાવનારા શરદભાઈ સ્વાભાવિક રીતે જ એમની સાથે વગાડનારાઓ/ગાનારાઓ પાસેથી ૧૦૦% થી ઓછું કશું જ ચલાવી નથી લેતા. “આપણો અંતરાત્મા ડંખે એવું કશું જ નહીં થવા દેવાનું”, એ કહેતા હોય છે. ગાયકોએ સૂરને વફાદાર રહેવું એ તો અતિ સામાન્ય છે, શરદભાઈ ઉચ્ચાર બાબતે પણ સંપૂર્ણતાનો આગ્રહ રાખે છે. એમની સાથે વગાડનારા એક વાદકે કહ્યું, ” પ્રેક્ટીસ દરમિયાન એકાદ જગ્યાએ કોઈથી એકાદ સૂર પણ આઘોપાછો વાગી ગયો તો પૂરું ગીત ફરીથી પ્રેક્ટીસમાં લેવું પડે. જ્યારે શરદભાઈ ‘જક્કાસ’ બોલે, તો સમજો એવૉર્ડ મળી ગયો!” શરદભાઈના આવા ચૂસ્ત વલણને લઈને એમના કાર્યક્રમમાં વગાડવું કે ગાવું એ કલાકારો માટે પ્રતિષ્ઠાની બાબત ગણાય છે.

આવી ભારોભાર ક્ષમતા હોવા છતાં શરદભાઈને પ્રસિધ્ધીની જરાય ખેવના નથી. આગળ વધીને એમ કહેવાય કે એ પ્રસિધ્ધીથી દૂર રહે છે. એમણે ફિલ્મી મહારથીઓની હાજરીમાં અનેક કાર્યક્રમો કર્યા છે. વહીદા રહેમાન, સાધના, સુનીલ દત્ત, શશી કપૂર અને સંજીવકુમાર જેવાં અભિનેત્રી/તાઓ તેમ જ નૌશાદ, જયદેવ અને સલીલ ચૌધરી જેવા દિગ્ગજ સંગીત નિર્દેશકો શરદભાઈના કાર્યક્રમો શોભાવી ચૂક્યાં છે. સુરેશ વાડેકર અને સુષમા શ્રેષ્ઠ જેવાં ગાયકો સાથે શરદભાઈ વિદેશપ્રવાસો પણ કરી ચૂક્યા છે. આવા એક પ્રવાસના અંતે સુષમાએ એમને કહ્યું હતું કે આટલી પ્રતિબધ્ધતાથી વગાડવા અને વાદ્યવૃંદનું સંયોજન કરવાવાળા અન્ય કોઈ પોતે જોયા નથી. આ ઉપરાંત કેટલાયે સંગીતકારો પણ એમનાથી ખાસ્સા પ્રભાવિત થયા હોય એમ બનતું રહ્યું છે. પણ, શરદભાઈ પાસે એમાંથી કોઈ સાથે પડાવેલો એક પણ ફોટો નથી! ‘એવું કેમ’ એવા પ્રશ્નના જવાબમાં એમણે કહ્યું, “મને એવી ઈચ્છા જ ન થાય, ખબર નહીં એ કદાચ મારો ક્ષોભ હશે. હું માનું છું કે આપણું નામ નહીં, આપણું કામ બોલવું જોઈએ.” 

હાલમાં પણ ખુબ જ વ્યસ્ત એવા શરદભાઈ માટે કહી શકાય કે Music runs in the family. અગાઉ આપણે જાણી ગયા કે શરદભાઈએ એમના મોટાભાઈ સુધીર ખાંડેકર સાથે મળીને ‘ખાંડેકર બ્રધર્સ ઓરકેસ્ટ્રા’ની સ્થાપના કરી હતી. સાડાચાર દાયકાઓ પછી આજે પણ એ જ નેજા હેઠળ ચાલતી એમની આ પ્રવૃત્તિમાં બીજી પેઢી સુપેરે દાખલ થઈ ગઈ છે. આ ઓરકેસ્ટ્રામાં એમના બે દીકરાઓ અક્ષત અને સંકેતને અનુક્રમે કી બોર્ડ અને ગીટાર ઉપર અને સુધીરભાઈના દીકરા અનુપ્રીતને કી બોર્ડ ઉપર સંગત કરતા માણવા એ એક લ્હાવો છે.
ખાંડેકર મહારથીઓ ડાબેથી જમણે: સંકેત, શરદભાઈ, અક્ષત અને અનુપ્રીત 
વળી આ ત્રણે થોડે ઘણે અંશે વાદ્યવૃંદનું સંચાલન પણ કરતા રહે છે. સુધીરભાઈની અન્ય ક્ષેત્રોમાં વ્યસ્તતા એમને આ ક્ષેત્રથી દૂર લઈ ગઈ છે. પણ એમના મોટા દીકરા અનિકેતની શાસ્ત્રીય રાગરાગીણીઓ બાબતે સમજણ અને ગાયકી દેશ વિદેશમાં મશહૂર છે. 

જેમ તીરથી સચોટ નિશાન તાકનારને તીરંદાજ કહેવાય છે એમ સૂર માટે આટલી કાળજી લઈ, સચોટ રજૂઆત કરનારા શરદભાઈ માટે સૂરંદાજ શબ્દ પ્રયોજાય તો એ એકદમ વ્યાજબી લાગે. ‘જક્કાસ’ શબ્દપ્રયોગ શરદભાઈનો તકિયાકલામ હોવાનું જાણવા મળ્યું છે. સંપૂર્ણતાના આગ્રહી એવા એ જ્યારે પૂર્ણપણે સંતુષ્ટ થાય ત્યારે જ આ શબ્દપ્રયોગ કરતા હોય છે. શરદભાઈ,વર્ષોથી ચાલ્યા આવતા તમારા ઉત્કૃષ્ટ સંગીત માટે ચાહકો તમારે માટે એક જ શબ્દ કહેવા માંગે છે, ‘જક્કાસ’!

વિડીઓઝ યુ ટ્યુબ ઉપરથી સાભાર લીધા છે.