Monday 28 August 2017

ઈમુ દેસાઈ અને મેંડોલીન. . . . જો તારપે ગુજરી હૈ. .

ધડામ”! તેઓ મોટેથી અવાજ કરીને આગળ બોલ્યા, “ જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ હશે, ત્યારે સૌથી પહેલાં આવા અવાજ સહિતના કલ્પનાતિત વિસ્ફોટ સહિત એક સુક્ષ્માધિક સુક્ષ્મ બિંદુમાંથી સમગ્ર બ્રહ્માંડ નિપજ્યું હશે. આમ, આ મહાવિસ્ફોટનો સર્વપ્રથમ નાદ એટલે ‘ધ’! આથી ધૈવત એ આપણો આદિ સ્વર છે. માત્ર આપણી પૃથ્વી કે સૌર મંડળ જ કે આપણી આકાશગંગા જ નહીં, આદિબિંદુમાંથી જે કાંઈ પણ નિપજ્યું છે, એના મૂળમાં નાદ છે અને માટે જ એને આપણે ‘નાદબ્રહ્મ’ કહીએ છીએ. એ વિસ્ફોટના નાદ થકી જ બ્રહ્માંડમાં ચેતના અને શક્તિનો સંચાર થયો હશે.”

આ શબ્દો છે શ્રી ઈમેન્યુઅલ દેસાઈના, જેઓ ઈમુ દેસાઈ તરીકે સુખ્યાત છે.

સને ૧૯૭૬માં અમદાવાદમાં પગ મુક્યો ત્યારથી તેમનું નામ ઉચ્ચ કક્ષાના મેંડોલીન વાદક તરીકે સાંભળતો આવ્યો છું. જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા/સાંભળવા મળતા આ કલાકારને આટલા લાંબા સમયગાળા દરમિયાન એક જ વાર રૂબરૂ મળવાની તક મળી હતી અને એ પણ અલપઝલપ. આજથી વીશેક વરસ અગાઉ અહીંની પ્રતિષ્ઠીત સંસ્થા ‘સપ્તક’ના એક કાર્યક્રમમાં તેમનું શાસ્ત્રીય વાદન સાંભળવાની તક સાંપડી ત્યારે તેમની અસાધારણ વાદન ક્ષમતાનો એકદમ પ્રભાવ છોડી જાય એવો પરિચય થયો હતો.

આજથી દસેક વરસ પહેલાં જાણવા મળ્યું કે ઈમુ દેસાઈ મેંડોલીન વાદન ઉપરાંત શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય તેમ જ સુગમ ગાયકી પણ શીખવે છે. આ નવાઈ લાગે તેવી બાબત હતી! એક ઉચ્ચ કક્ષાના મેંડોલીન વાદક વિવિધ પ્રકારની ગાયકી પણ શીખવી જાણતા હોય એવું સામાન્ય રીતે જોવા નથી મળતું. લાંબા વખતથી તેમને મળવાની ઈચ્છા હતી, જે નિવૃત્તિ પછી બળવત્તર બનતી ચાલી. એવામાં મિત્ર ઉદયન ભટ્ટે મારા માટે સાનંદાશ્ચર્યની પરિસ્થિતી ઉભી કરી! થોડા સમય પહેલાં મળ્યા ત્યારે એણે કહ્યું, “ હું એક ગુરૂ પાસે વાયોલીન વાદન શીખવા જવા લાગ્યો છું અને એ એવું વ્યક્તિત્વ છે કે તારે એમને વિશે એક લેખ તૈયાર કરી, તારા બ્લોગ ઉપર મુકવો જોઈએ એવું મારું સૂચન છે.” ગુરૂજી બાબતે પૃચ્છા કરતાં જાણવા મળ્યું કે તેમનું નામ છે ઈમુ દેસાઈ! આ તો બગાસામાં પતાસું મળ્યાનો ઘાટ સર્જાયો! ઈમુ દેસાઈની સાથે મારી મુલાકાત કરાવવાની જવાબદારી ઉદયન ભટ્ટે ઉપાડી લીધી. અહીં મારા માટે આ કલાકારની પ્રતિભાનો એક નવો આયામ ઉઘડી ગયો! મેંડોલીનના ઉત્કૃષ્ટ કલાકાર ગાયકી ઉપરાંત વાયોલીન વાદન પણ શીખવવાની કાબેલીયત ધરાવતા હોય એ તો Rarest of Rare બાબત કહેવાય. હવે રાહ જોવાની હતી કે તેમની તરફથી એક મુલાકાત માટે સાનુકુળ પ્રત્યુત્તર આવે.

એ દિવસ ધાર્યા કરતાં ઝડપથી આવી ગયો. મિત્ર ઉદયનના સંગાથે તેમની સાથે બે સુદીર્ઘ મુલાકાતો થઈ, એ દરમિયાન થયેલી વાતો તેમની સંગીત સફરની યાદો અને વાદન તેમ જ ગાયન વડે સમૃધ્ધ બની રહી. પ્રસ્તુત છે એ મુલાકાતોનો અર્ક...
                 
                                *    *    *    *    *    *

ઈમુભાઈ(શ્રી ઈમેન્યુઅલ દેસાઈને એમના પરિચયમાં આવેલા સૌ કોઈ ઈમુભાઈ તરીકે જ ઓળખે છે.)ના ઘરમાં દાખલ થતી વેળાએ ઘેરા અવાજમાં ગાયન કાને પડ્યું. એમના ખંડમાં પ્રવેશતાં જોયું કે તેઓ રીયાઝ કરી રહ્યા હતા. એમાંથી અટકી, એકદમ ઉષ્માસભર સ્મિત અને હસ્તધૂનન વડે આવકારી, ઈમુભાઈએ ઔપચારિકતાનો મારો ક્ષોભ એ ક્ષણથી જ નાબૂદ કરી દીધો. મુલાકાતનો પ્રારંભ તેમના કંઠે ગવાયેલી એક ગઝલના રેકોર્ડીંગથી કર્યો, જે અમારા પ્રવેશ સમયે તેઓ ગાઈ રહ્યા હતા. એના શબ્દો પણ પ્રભાવિત કરી ગયા એટલે એ વિશે પુછતાં ઈમુભાઈની પ્રતિભાનું એક ઔર પીંછું બહાર આવ્યું. આ ગઝલ તેમની જ લખેલી છે અને એ સ્વરનિયોજન પણ તેમનું જ છે! પ્રસ્તુત છે એ ગઝલ



સને ૧૯૩૯ના એપ્રીલ મહિનાની આઠમી તારીખે અમદાવાદમાં જન્મેલા ઈમુભાઈનું સમગ્ર જીવન મહદ અંશે અમદાવાદમાં જ વિત્યું છે. નાની વયથી જ તેમને ચિત્રકામ, વાંચન, અભિનય અને ગાયન જેવી પ્રવૃત્તિઓમાં રસ પડવા લાગ્યો. પિતાજી સંગીતના શોખીન હોઈ, તેમણે ઈમુભાઈની ક્ષમતાને ઓળખી લીધી અને તેમને આઠેક વર્ષની વયે સંગીતની વ્યવસ્થિત તાલિમ મળે એ માટે ગંધર્વ મહાવિદ્યાલયમાં દાખલ કરી દીધા. નટવરલાલ પરીખ અને રાવજીભાઈ પટેલ જેવા સમર્પિત ગુરૂઓ વડે ઈમુભાઈનું બાલ્ય વયેથી જ ઘડતર શરૂ થઈ ગયું. લગભગ ૧૮ વર્ષની ઉંમર સુધી માત્ર કંઠ્ય સંગીતની તાલીમ લેવાથી યુવાવસ્થામાં પ્રવેશતાં સુધીમાં તેમની પ્રારંભીક ઋચી શાસ્ત્રીય સંગીત તરફ વળી ગઈ.

એ અરસામાં તેમના મામા પાસે સિતાર, સારંગી અને દિલરુબા જેવાં વાજીંત્રો હતાં, જેની ઉપર હાથ અજમાવવાની ઈમુભાઈને પૂરેપૂરી છૂટ હતી. “ એ વાદ્યો વગાડ્યાં એમ કહેવાને બદલે હું કહીશ કે મેં મામાનાં એ વાદ્યો બગાડ્યાં કે પછી કહો ને કે, તોડ્યાં!” ખડખડાટ હસીને ઈમુભાઈએ જણાવ્યું. એવામાં એક બેન્જો – ટાઈશોકોટો – હાથમાં આવ્યો. એ તંતુવાદ્ય ઉપર ઝડપથી કાબુ મેળવ્યા પછી તેમને મેંડોલીનનો વિચાર આવ્યો અને લગભગ ૧૯ વર્ષની ઉંમરે ઈમુભાઈના જીવનમાં પહેલી વાર મેંડોલીન આવ્યું. એક પરિચીત પાસેથી સેકન્ડહેન્ડ મેંડોલીન ખરીદી, ઘરે લાવીને તાત્કાલિક ધોરણે એના સુર મેળવી, ઈમુભાઈએ એના ઉપર પ્રેક્ટીસ શરૂ કરી દીધી. “અગાઉનાં સાત વર્ષની શાસ્ત્રીય સંગીતની ઘનીષ્ઠ તાલીમ વડે હું અલંકાર, તાનપલટા વિગેરે બાબતોથી સુપેરે પરિચીત હતો, એ હવે કામમાં આવવા લાગ્યું”

પણ, તેમને બહુ ઝડપથી સમજાઈ ગયું કે, મેંડોલીન વાદનમાં પ્રાવિણ્ય મેળવવું હશે તો  ‘ગુરૂ વિણ ગનાન નાહીં’ એ હકિકતને માથે ચડાવીને આગળ વધવું પડશે..એ સમયે ખ્યાતનામ સરોદવાદક દામોદરલાલ કાબરાની શાગીર્દી સ્વીકારી, વાદ્યસંગીતની પધ્ધતિસરની તાલીમ શરૂ કરી. આમ મૂળભૂત રીતે મેંડોલીનની અને સાથે સાથે નિયત સમયાંતરે સરોદની તાલિમ પણ મળવા લાગી. 

દામોદરલાલજી મોટે ભાગે જોધપુરમાં રહેતા હતા, પણ તેમના નાનાભાઈ અને સુપ્રસિધ્ધ ગિટારવાદક બ્રીજભુષણ કાબરા અમદાવાદમાં રહેતા હોવાથી તેઓ અવારનવાર અમદાવાદમાં આવતા રહેતા. આથી એવી વ્યવસ્થા ગોઠવાઈ કે ઈમુભાઈ વર્ષમાં એકાદ મહિનો જોધપુરમાં જઈને તાલિમ લે અને તે ઉપરાંત જ્યારે જ્યારે દામોદરલાલજી અમદાવાદ આવે ત્યારે અહીં પણ તાલિમ શરૂ થઈ જાય. “જોધપુર જવાનું થાય ત્યારે મારી રહેવાની સહિત તમામ વ્યવસ્થા દામોદરલાલજીના આવાસમાં જ રહેતી. પૂરો સમય સંગીતસાધનામાં જ વિતતો. તેમના મૂલ્યવાન સહવાસથી હું મહિયર ઘરાણાની અસર વાળું સરોદવાદન તેમ જ મેંડોલીનવાદન શીખ્યો. તેઓ મને ગુરૂસ્વરૂપે મળ્યા તેને હું મારું પરમ ભાગ્ય ગણું છું. કલાકોની શાસ્ત્રીય તાલિમ પછી થોડો સમય ગુરૂજી મને કોઈ ફિલ્મી ધૂન વગાડવા આદેશ કરતા અને રસપૂર્વક તે સાંભળી, એમાં પણ મને વધારે સારું વગાડવા માટે જરૂરી એવાં સૂચનો કરતા. અને હા, ગુરૂજીના પિતાજી જોધપુર રાજ્યના પ્રધાન હતા અને સરોદનવાઝ અલીઅકબરખાન સાહેબ તેમના અંગત મિત્ર હતા. આ કારણે દામોદરલાલજી અલીઅકબરખાન પાસેથી સરોદવાદન શીખ્યા અને હું તેમની પાસેથી શીખ્યો. આમ, અલીઅકબરખાન સાહેબ મારા દાદાગુરૂ થાય.”

એક સરોદનવાઝ પાસેથી શીખતા હોવાથી ઈમુભાઈના શરૂઆતના મેંડોલીનવાદન ઉપર સરોદવાદનનો સ્પષ્ટ પ્રભાવ જણાઈ આવતો હતો. “ મોટા ભાગના મેંડોલીન વાદકો આ વાજીંત્ર સિતાર સ્ટાઈલમાં વગાડતા હોય છે, જ્યારે મારું વાદન સંપૂર્ણપણે સરોદ સ્ટાઈલમાં હતું." 

                            (અહીં તેમનો વગાડેલો રાગ ‘શ્યામ કલ્યાણ ‘ સાંભળીએ.)




"આને કારણે મારે ઘણા જાણકારોની ટીકાનો ભોગ બનવાનો વારો આવ્યો. જો કે ફિલ્મી સંગીતના બે ખ્યાતનામ મેંડોલીન વાદકો – ડેવીડ સાહેબ  અને લક્ષ્મીકાંતજી (લક્ષ્મીકાંત - પ્યારેલાલ જોડીના સભ્ય) - મેંડોલીનને સરોદ સ્ટાઈલથી જ વગાડતા હતા. એ જમાનાના માનવંતા વાદક અને સંગીતકાર  સજ્જાદ હુસૈન એકમાત્ર એવા માહીર કલાકાર હતા, જે મેંડોલીન વાદનની સિતાર તેમ જ સરોદ સ્ટાઈલ ઉપર એકસરખી હથોટી ધરાવતા હતા. સમય જતાં મેં પણ સિતાર સ્ટાઈલથી મેંડોલીન વગાડવા ઉપર પ્રભુત્વ મેળવી લીધું”.

“આ મહેનતનો મને એક ફાયદો એ પણ થયો કે મેંડોલીન વાદન માટે ખુબ જ વિકટ ગણાય એ મીંડ વગાડતાં પણ મને સારી પેઠે ફાવી ગયું(નોંધ....તંતુવાદ્યો પૈકીનાં વાયોલીન, સારંગી જેવાં ગજની મદદથી વાગતાં વાદ્યો વગાડતી વેળાએ કલાકાર એક થી બીજા સ્વર ઉપર જાય, તે દરમિયાન વાદનનું સાતત્ય જળવાઈ રહે છે. જ્યારે સિતાર, સરોદ, મેંડોલીન જેવાં વાદ્યો નખલીની મદદથી તાર ઉપર પ્રહાર કરીને વગાડવામાં આવતાં હોઈ, એ વાદનમાં સ્વરસાતત્ય લાવવા માટે વિશિષ્ટ પ્રયોગ કરવો પડે છે. એ પ્રયોગ વડે ઉત્પન્ન થતી અસરને ‘મીંડ’ અથવા 'શ્રૂતી' કહેવામાં આવે છે.). હવે હું બન્ને સ્ટાઈલ – સિતાર તેમ જ સરોદ – વડે કુશળતાથી મેંડોલીન વગાડી શકતો હોઈ, અગાઉના મારા કેટલાક ઉગ્ર ટીકાકારો મારી પાસે શીખવા આવવા લાગ્યા.”

{અહીં આપણે તેમણે ખાસ આપણા માટે મેંડોલીન દ્રુત ગતિ( ઝડપથી વગાડવું)થી વગાડ્યું છે, એ માણીએ..અહીં ૩’.૨૦” ઉપર તેઓ મીંડનો પ્રયોગ કરે છે, તે ખાસ નોંધવા અનુરોધ છે.} 


ઈમુભાઈની લગભગ ૨૩ વર્ષની ઉંમરે એમના તકદીરે અનાયાસે જ પડખું ફેરવ્યું. સને ૧૯૬૨માં અમદાવાદની બાલવાટીકામાં તે સમયના અધિષ્ઠાતા  રુબીન ડેવીડે સંગીત વિભાગ શરૂ કર્યો. એમાં તેમને મેંડોલીન વગાડવા માટે રોજના દોઢ રૂપિયાના વળતરે કરારબધ્ધ કરવામાં આવ્યા. “રોજ સાંજના ૪-૮ સુધી જવાનું અને ત્યાંના બેન્ડ સ્ટેન્ડમાં નવી નવી ચીજો વગાડવાની."
યુવા વયે જાહેર મંચ ઉપરથી વાદન
 "સોમવારની તેમ જ અન્ય રજાઓના દિવસનો દોઢ રૂપિયો કપાઈ જાય. આમ, હું મહિને સરેરાશ ૩૯ રૂપિયાનો ‘માતબર’ પગાર મેળવતો રોજમદાર બન્યો! અહીં જે ફાયદો થયો તે અકલ્પનીય હતો. સંગીત વિભાગે જે વાજીંત્રો વસાવ્યાં હતાં એમાં જે મેંડોલીન હતું તે જર્મનીથી મંગાવેલું એકદમ ઉચ્ચ કક્ષાનું હતું. હું ત્યાં વ્હેલો પહોંચી જઈ, એકાદ ઝાડ નીચે બેસી, રીયાઝ કર્યા કરતો. ડેવીડ સાહેબ મારી નિયમિતતા અને નિષ્ઠાથી ખુબ જ પ્રભાવિત રહેતા, પણ એમને ક્યાં ખબર હતી કે હું તો મારા જીવનરસને પોષી રહ્યો હતો? આ સાતત્યપૂર્ણ અભ્યાસ વડે મારા વાદનમાં ઘણો સુધારો થયો. વળી એ ‘નોકરી’થી જીવનમાં પહેલી વાર આર્થિક સ્વાતંત્ર્ય મળ્યું!”

(આગળ વધતાં પહેલાં એક જાહેર કાર્યક્રમમાં ઈમુભાઈએ વગાડેલ રાગ જનસંમોહીની માણીએ. યુ ટ્યુબ ઉપર ચાર ભાગમાં ઉપલબ્ધ એવા આ રેકોર્ડીંગનો અહીં એક જ વિડીયો મૂક્યો છે. રસ ધરાવનારાંઓને બાકીના ભાગ સાંભળવા ખાસ અનુરોધ છે.)

ઉપર કહ્યું તેમ ઈમુભાઈ માટે સને ૧૯૬૨નું વર્ષ સાચે જ ભાગ્યવંતું પૂરવાર થયું. “એ જ વર્ષે મને યુનાઈટેડ બેન્ક ઑફ ઈન્ડીયા માં કાયમી નોકરી મળી. આ નોકરી મળી એમાં મારી પાસે ઉપલબ્ધ બેવડી ડીગ્રી - બી.એ. અને બી.કૉમ. - નો સારો એવો ફાળો રહ્યો. આ સાથે આર્થિક પ્રશ્ન હલ થઈ ગયો હોવાથી સંગીત શીખવા માટે પૂરતી મોકળાશ મળી રહી. એવામાં પ્રખ્યાત સારંગીવાદક સુલતાનખાનનો પરિચય થયો, જે પછીથી ગાઢ મૈત્રીમાં ફેરવાઈ ગયો. એક વાર લતા મંગેશકરના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં વગાડવાની તક સુલતાનખાનને મળી. એ સમયના વાદનથી પ્રભાવિત થયેલાં લતાજીએ તેમને મુંબઈ બોલાવી લીધા. રાજકોટ રેડિઓ સ્ટેશનનો એ કલાકાર એકાએક ઉંચકાઈને મુંબઈમાં ધૂમ મચાવવા લાગ્યો. અમારી મુલાકાતો ચાલુ જ રહી. એવામાં એક વાર સુલતાનખાને મને પણ મુંબઈ આવી, નસીબ અજમાવવા આમંત્રણ આપ્યું. એ સમયે મારી ઉપર ત્રણ બહેનો, બે ભાઈઓ અને વૃધ્ધ માતાની જવાબદારી હોવાથી મેં એ બધાંને મૂકીને મુંબઈ જવાનું ઉચિત ન જાણ્યું. આજે આટલાં વર્ષો પછી પણ મને મારા એ નિર્ણય માટે ક્યારેય પસ્તાવો નથી થયો. એક બાજુ કુટુંબ સચવાઈ ગયું અને બીજી બાજુ મારો વાદનનો શાસ્ત્રીય અભ્યાસ ખુબ જ સારી રીતે ચાલ્યો.”

અમદાવાદમાં રહ્યે રહ્યે પણ ઈમુભાઈએ ઘણું અર્જિત કર્યું છે. જગજીતસિંઘ, ભૂપીન્દરસિંઘ, રાજેન્દ્ર અને નીના મહેતા જેવાં લબ્ધપ્રતિષ્ઠિત ગઝલ ગાયકો સાથે અનેક કાર્યક્રમોમાં તેમણે મેંડોલીન ઉપર સંગત કરી છે અને જે તે કલાકારોની દાદ  મેળવી છે. આ ઉપરાંત મિતાલી સિંઘની ગાયેલી કેટલીક ગઝલોનું સ્વરનિયોજન તેમ જ સંગીત નિયોજન પણ તેમણે કર્યું છે. રાસબિહારી દેસાઈ, વિભા દેસાઈ, સરોજ ગુંદાણી, હર્ષિદા રાવળ અને દમયંતી બરડાઈ જેવાં ગુજરાતી સુગમ સંગીતનાં કલાકારો સાથે નિયમીત ધોરણે તેમણે સંગત કરી છે. ગુજરાતી સુગમ સંગીતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિયતા અપાવનાર કલાકારોના ગ્રૂપ ‘શ્રૂતી’ના વાદકવૃંદના તેઓ વર્ષો સુધી અવિભાજ્ય અંગ બની રહ્યા છે. ઈમુભાઈએ એક ગુજરાતી ફિલ્મમાં પણ સંગીત આપ્યું. ફિલ્મનું નામ પૂછતાં લાક્ષણીક હાસ્ય સાથે ઈમુભાઈએ કહ્યું, “ભૂલી ગયો છું, ભાઈ! હવે ૭૮ પૂરાં કરીને આગળ વધી રહ્યો છું ત્યારે ક્યારેક ક્યારેક યાદશક્તિ દગો દઈ જાય છે. હા, એ ‘સૂર્યા ફિલ્મ્સ’નું સાહસ હતું એટલું યાદ આવે છે. એ ઉપરાંત મેં ‘આંસુભીના ઉજાસ’ અને ‘આથમતા પડછાયા’ શીર્ષક વાળી બે ટેલીફિલ્મ્સનું સંગીત પણ તૈયાર કર્યું હતું.”

આટલી લાંબી સંગીતયાત્રામાં ઈમુભાઈને અનેક મહાનુભાવોને મળવાની તકો મળતી રહી છે. દામોદરલાલ કાબરા જેવા સુખ્યાત સંગીતજ્ઞના પ્રીતીપાત્ર હોવાને લીધે તેમને આ લાભ બહોળા પ્રમાણમાં મળ્યો. વળી પોતે અમદાવાદમાં રહેતા હોવાથી સમય સમયે યોજાતા શાસ્ત્રીય ગાયન/વાદનના કાર્યક્ર્મોમાં ભાગ લેવા આવતા રહેતા દિગ્ગજ કલાકારોની રૂબરૂ થવાની વિપુલ તકો મળી રહી. “ જો કે એક અફસોસ હજી સતાવે છે. નાની વયે હું સંગીતકાર જયકીશનનો મોટો પ્રશંસક હતો. આ ઘેલછાની કક્ષાના મોહથી દોરાઈને એક વાર મારો એક મિત્ર અને હું જયકીશનજીને મળવા ખાસ મુંબઈની ગાડીમાં ચડી બેઠા. માત્ર એટલી ખબર હતી કે ત્યાંની ‘ગેલોર્ડ’ નામની રેસ્ટોરાંમાં તેઓ રોજ સાંજે જતા હતા. બસ, આટલી માહિતી ઉપર અમે બન્ને પહોંચ્યા મુંબઈ! સાંજ પડે તે અગાઉ ગેલોર્ડની સામેની ફૂટપાથ ઉપર જઈને ઉભા રહી ગયા. વિચાર્યું હતું કે તેઓ નજરે પડે એટલે મળવાનો પ્રયત્ન કરશું. પણ એમને જોયા એવા અમે એવા તો અભિભૂત થઈ ગયા કે બસ, દૂરથી ઉભે ઉભે તેમને અંદર બેઠેલા જોયા કર્યા અને પછી રાતની અમદાવાદ લઈ જતી ગાડીમાં બેસી ગયા. તેમને રૂબરૂ ન થઈ શકાયું એ અફસોસ રહી ગયો છે." 

"હા, એક મહાનુભવનો ઉલ્લેખ મારે ખાસ કરવો છે અને એ છે મારો પરમ મિત્ર એવો આપણો ખ્યાતનામ શાયર શેખાદમ આબુવાલા. અમારી પ્રગાઢ દોસ્તીનાં ઘણાં વર્ષો તેણે જર્મનીમાં વિતાવ્યાં પણ એ સમય દરમિયાન સુધ્ધાં અમારો સંપર્ક સતત જળવાઈ રહ્યો. એ અમદાવાદ આવે ત્યારે અમારી જોરદાર મહેફીલો જામતી. એમાં આકાશવાણીના જાણીતા સમાચાર વાચક લેમ્યુઅલ હેરી પણ જોડાતા. મારો ગઝલ અને  સાહિત્યનો શોખ શેખાદમની મૈત્રી વડે ખુબ જ પોષાયો. એના પ્રોત્સાહનથી મને પણ ગઝલો લખવાની પ્રેરણા મળી અને મેં થોડી ગઝલો લખી, તેને સંગીતબધ્ધ પણ કરી.”

હવે ઈમુભાઈ સાથેની અમારી મુલાકાત નિયત સમય કરતાં આગળ વધી ગઈ હતી. ઉપસંહાર રૂપે તેમને પોતાની અંગત લાગણીને વાચા આપવા વિનંતી કરી. ખાસ તો અસાધારણ ક્ષમતાના પ્રમાણમાં તેમને પૂરતી પ્રસિધ્ધી ન મળી હોવા વિશે તેમનું મંતવ્ય જાણવાની મનેે ઉત્સુકતા હતી. ઈમુભાઈનો પ્રતિભાવ એકદમ સ્પષ્ટ હતો. “ પ્રભુની અસીમ કૃપાથી એટલું બધું પામ્યો છું કે જીવનના આ પડાવ ઉપર કોઈ જ ફરિયાદ નથી. સંગીત અને સાહિત્યના આ દરીયામાંથી જે બે ચાર ટીપાં પામ્યો છું એનાથી પરમ સંતોષની લાગણી અનુભવું છું. આ ઉંમરે હજી સક્રીય રહી શક્યો છું એ પણ પરમાત્માની અસીમ કૃપા સમજું છું. હા, જીવનમાં કડવા અનુભવો તો કોને નથી થતા? પણ એક ફિલસુફી યુવાવસ્થાથી જ સમજાઈ ગઈ છે કે, સામી મળતી વેદનાઓને સાનુકુળ થઈ જવાથી સર્જકતા વિકસે છે. જો એમ ન કરીએ તો વિધ્વંસક લાગણીઓ આપણો કબ્જો લઈ લે અને એ બરબાદી તરફ લઈ જતું પહેલું પગથીયું બની રહે.”
               
                                                                  *    *    *    *    *    *

ઈમુભાઈને એ બાબતનો પૂર્ણ સંતોષ છે કે સંગીત અનુગામી પેઢીમાં ઉતરી આવ્યું છે. તેમના પુત્ર હ્રદય દેસાઈ પણ સંગીતની આલમમાં જાણીતું નામ છે. મુખ્યત્વે તેઓ સરોદના કલાકાર છે અને હાલમાં પ્રસિધ્ધ કથ્થક નૃત્યકાર શ્રી અનુજ મીશ્રાના સંગીતનો વિભાગ સંભાળે છે. 

આ સુદીર્ઘ અને ખુબ જ આનંદદાયી મુલાકાતના અંતમાં ઈમુભાઈએ પોતાની લખેલી અલગ અલગ ગઝલોમાંથી ત્રણ શેઅર કહ્યા, જે પ્રસ્તુત છે....
            
 ૧)  વિશ્વે ક્યાંય ન મળે આવી વીરલ વફાદારી,
      સદાય વળગી રહેતી મુજને એકલતા મારી.
               
 ૨)   ક્ષણ ક્ષણ તડપતી માછલીને ઝાંઝવાનું જળ મળ્યું,
       મરવા ન દે બસ તરફડીને જીવવાનું બળ મળ્યું.
                
  ૩)   નાજુક નાજુક પુષ્પપાંદડી, તમને કોણ અડે?
        ઝાકળ બિંદુ ચૂમે, એનો ય ડાઘ પડે! 
       
                            *    *    *    *    *    *

આજે 78 વરસની ઉંમરે પણ ખુબ જ સક્રિય એવા ઉમદા હૃદયી અને બાળસહજ સાલસતા ધરાવતા આ હરફનમૌલા કલાકારને મળ્યાનો આનંદ અહીં વહેંચ્યાનો આનંદ છે.

(અંતમાં એક નાનકડી વિડીઓ ક્લિપ પ્રસ્તુત છે, જ્યાં ઈમુભાઈની લાક્ષણીક સરળતા અને રમૂજવૃત્તી છતાં થાય છે. વાદન કરતી વેળાએ કયો રાગ છેડેલો એમ પુછતાં રાગ ‘શ્યામ કલ્યાણ’નો ઉલ્લેખ “મારી જેવો શ્યામ અને તમારી જેવો કલ્યાણ” એમ કહીને બાળસહજ હાસ્ય વેરે છે, જે વહેંચવાનો લોભ રોકી શકાયો નથી.)

સૌજન્ય સ્વીકાર:          સહયોગ, ઉદયન ભટ્ટ. 
તસ્વીર:                   નેટ ઉપરથી. 
બધી જ વિડીઓ ક્લિપ્સ : યુ ટ્યુબ ઉપરથી.