Thursday 25 August 2016

સાપ રે સાપ

                      
 “સાપ તો પિતૃઓનું સ્વરૂપ છે, મૃત્યુલોક્માં રહેલાં પોતાનાં વંશજોને આશિર્વાદ દેવા પિતૃઓ સાપ રૂપે પધારતા હોય છે, સાપ દેખાય ત્યાં ઘીનો દિવો કરી, આસ્થાથી શેષનાગજી બાપાનું સ્મરણ કરવાથી એ દૂર જતો રહે છે, એને મારવાથી લાગતું પાપ તો ચાર ધામની જાતરાથી ય ધોવાતું નથી” જેવી કિંવદંતીઓથી લઈને  “સાપ એક નિર્દોષ પ્રાણી છે, એને છંછેડો નહીં તો કોઈ જ જોખમ નથી, મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે, આ પૃથ્વી ઉપર મનુષ્ય જેટલો જ અધિકાર અન્ય જીવસૃષ્ટીનો પણ છે”  જેવી હકિકતો વાંચી, સાંભળીને દ્રવીત હ્રદયે ‘બરાબર છે બરાબર છે’ ના ભાવ સહિત ડોકું ધુણાવવાનું જેટલું આસાન છે, એટલું જ કઠીન છે એક સાપને ને નિકટવર્તી પરીસરમાં ભાળ્યા પછી સ્વસ્થ મગજ રાખી, યોગ્ય પગલાં ભરવાનું. હમણાં ચોમાસાને લીધે ઘણા વિસ્તારોમાં સાપ નીકળવાના ખબર આવતા હોય છે, ત્યારે અમારી સાથે બનેલી બે ઘટનાઓ યાદ આવે છે.

1)  1970ના ઓગસ્ટ મહિનામાં ભાવનગરના ઘરમાં એક મોડી સાંજે સાપે દેખા દીધી. કોઠારમાં મુકેલ ફળોના ટોપલા બાજુથી વિચીત્ર અવાજ આવવા લાગ્યો. ચોક્કસ પ્રસંગે વહેંચવા માટે હોઈ, ત્રણ મોટા ટોપલા ભરીને ફળો ઘરમાં હતાં, એમાંથી ક્યા ટોપલામાંથી અવાજ આવી રહ્યો હશે, એ જાણવું મુશ્કેલ હતું. પણ એવામાં તો મદારીના કરંડીયામાંથી પ્રગટ થાય એમ જ જમરુખના કરંડીયામાંથી ફેણ ચડાવી, સાપે પોતાનું લોકેશન જણાવ્યું. એને ભાળ્યા પછીના અમારા લોકોના પ્રતિભાવો બહુ અનુકૂળ ન લાગવાથી એણે અમારાથી અંતર રાખવાનું નક્કી કર્યું હોય એમ એ ટોપલામાંથી બહાર નીકળી આવ્યો. ત્યાર પછીના અમારા પ્રતિભાવો તો એની પ્રકૃત્તિને સહેજે ય અનુકૂળ ન પડ્યા હોય, એમ એણે તાત્કાલિક અસરથી ‘આવ નહીં આદર નહીં’ વાળા બેકદર માનવીઓથી દૂર જવા માટેની તૈયારી આદરી. હવે અમારા સઘળા પ્રયાસો એને ત્યાં ને ત્યાં રોકી રાખવાના હતા, જેથી કોઈ સાપ પકડવાના ‘ઉસ્તાદ’ને બોલાવી લેવાય અને  એને પકડી અને આઘે છોડી અવાય. આવા પ્રયાસોને અંતે એ ફરીથી એક ટોપલામાં દાખલ થઈ ગયો.

બસ, પછી તો શ્રમવિભાજનના નિયમો લાગુ પડ્યા અને કાર્યવહેંચણી થઈ ગઈ. બાપુજી અને કાકાએ મળીને કોઈ પકડનાર આવે ત્યાં સુધી સાપ ઉપર ધ્યાન રાખવાની અને સમગ્ર મીશન પૂરું થાય ત્યાં સુધી સમગ્ર કાર્યવાહીનું નિયમન કરવાની જવાબદારી લીધી. મા અને કાકીએ એ દરમિયાન જરાય મુંઝાયા વિના રસોડાનાં કામો ચાલુ રાખવાનાં હતાં. વળી દાદી તરફથી આવતાં સૂચનો અને સાપ વિષેની વાર્તાઓ તેમજ એના નાનપણમાં જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ, ત્યારે અમારા વીર પૂર્વજોએ શું શું કરેલું, એ ભવ્ય ભૂતકાળની વાતો પણ એ લોકોએ જ સાંભળ્યા કરવાની હતી, જેથી જવાબદારોથી મૂળ કામ ઉપર ધ્યાન આપી શકાય. જો કે દાદીનું ‘ઈ દેવતા’ને મારી નહીં નાખવાનું સૂચન સર્વસ્વીકૃત હતું. એ બાબતે એમને સધિયારો બંધાવી દેવામાં આવ્યો. નાની બહેન અને બે ભાઈઓએ મુખ્ય રૂમના હિંચકે બેસી રહેવાનું હતું અને થોડી થોડી વારે “હવે શું કરશું? એક વાર જોઈ લઉં? જમવાનું તો ઠેઠ ઈ પકડાઈ જાય પછી જ તે?” જેવા પ્રશ્નો ન પુછવા બાબતે ત્રણેયને કાકાએ એમની લાક્ષણિક મુદ્રામાં સૂચિત કર્યાં, જે એ બહોળાં અનુભવીઓ માટે ચેતવણીથી કમ ન્હોતું! હું સત્તર વર્ષથી પણ ઓછો હતો, પણ તાત્કાલિક અસરથી મને ‘પુરૂષ વર્ગ’માં  બઢતી આપવામાં આવી. કારણ જો કે મને પછીથી સમજાયેલું, દોડાદોડી માટે હું હાથવગો હતો!

આખરે સાપ પકડ/નિકાલ  સમિતીના અમે ત્રણ સભ્યો એને પકડવા કોને બોલાવવા એની ઉપર વિચાર કરવા ઉભા રહ્યા(સમિતીની સઘળી કારવાઈ સ્થળ ઉપર ઉભે ઉભે જ થાય એમ હતું!). મેં સૂચવ્યું કે અમારી બાજુના ઘરમાં રહેનારા વર્માજી તરીકે ઓળખાતા સજ્જનને બોલાવીએ. એ અમને અવારનવાર એમના ઉત્તર પ્રદેશના વતનમાં પોતે અને વડવાઓએ ‘ખૌફનાક જંગલી જાણવરોંકે સાથ’ કરેલાં પરાક્રમોની ગાથાઓ કહ્યા કરતા. આ સૂચન તરત જ સ્વીકારાયાથી હું એમને બોલાવી આવ્યો. અતિશય ઉત્સાહથી એક મોટો ડંગોરો લઈને એમણે કોઈ યુધ્ધ વિજેતા સેનાપતિની અદાથી અમારા ઘરમાં પ્રવેશ કર્યો અને “કહાં હૈ વો?”ની ત્રાડ નાખી. એમને કોઠાર સુધી પહોંચાડી જમરુખનો ટોપલો બતાડ્યો, જેમાં ‘વો’ બિરાજમાન હતા. “અરે, એક બાર સામણે આ જાવે, અભી પકડ લેવેં” કહીને એમણે એ ટોપલા ઉપર લાકડી ફટકારતાં જ સાપે “ મોહેં કહાં ઢૂંઢે રે બંદે”ની અદામાં ફેણ ઉંચી કરી, ફુંફાડો માર્યો. આના પ્રત્યાઘાત રુપે વર્માજી જે સ્ફુર્તિથી પીછેહઠ કરી ગયા, એનું વર્ણન કરવા કનૈયાલાલ મુનશીની ભાષા અને ઝવેરચંદ મેઘાણીની શૈલીની જરૂર પડે! પણ અત્રે એટલું કહેવું કાફી છે કે એ વખતે ઓલિમ્પિક આયોજન સમિતીના કોઈ સભ્ય હાજર હોત, તો અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ‘પીછેકુદ’નો પણ સમાવેશ થયેલો હોત! આ અભિયાનમાંથી હટી જવા માટે વર્માજીએ ખુબ જ લાગણીવશ સ્વરે જણાવ્યું કે “યેહ તો નાગીન હૈ ઔર ક્યા હૈ કી હમ ઈસ્ત્રી પર વાર નહીં કરતે.” જો કે એમના ગયા પછી દાદીએ કાંઈક બીજી જ વાત કરી...”ખોટ્ટાડો, મારો રોયો! રોજ ઓલી મુક્તાડી અમથી અમથી હિબકે છે?” જે હોય તે, એ વખતે અમારો અગ્રતાક્રમ વર્માજીના સંસારની ખાટી મીઠી જાણવાનો ન્હોતો, એ બાપુજીએ  યાદ કરાવતાં હવે કોને બોલાવશું એની ફરીથી વિચારણા શરુ થઈ.

હવે તો આ ચર્ચામાં નવ વરસની બહેન અને દસ તેમ જ છ વરસની ઉમરના બેઈ ભાઈઓ પણ દાખલ થઈ ગયાં. ચર્ચા અભિયાન(નંબર બે)માંથી એક સૂચન સૌને વ્યાજબી લાગ્યું, તે હતું જુસબ બાદછાને બોલાવવાનું. યુસુફ ઉર્ફે ઈસુબ ઉર્ફે ઇસપ ઉર્ફે જુસબ, સીદી હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ કોમ ‘બાદશાહ’ અથવા તો ‘બાદછા’ તરીકે ઓળખાય છે. અંદાજે ત્રેવીશ-ચોવીશ વરસનો યુસુફ અખાડીયન હતો. અમે લોકો ઘરની બાજુમાં આવેલ ‘કૃષ્ણકુમારસિંહ અખાડામાં રોજ સાંજે રમવા જતા, ત્યાંનો એ નિયમીત સભ્ય હતો. અમારા જ વિસ્તારમાં રહેતો અને મીસ્ટર ગુજરાતની સ્પર્ધાની ફાઈનલ સુધી પહોંચેલો. ભાવનગરમાં એને લોકો ‘બોડી બીલ્ડર બાદછા’ તરીકે જાણતા.

યુસુફને બોલાવી લાવવા માટે મારી પસંદગી થઈ. જે સાઈકલ દસ મિનીટ ફેરવવા માટે કાકાને પંદર મિનીટ વિનવણી કરવી પડતી, એની ચાવી એમણે મને સામેથી પકડાવી દીધી અને યુસુફને હું બોલાવી આવ્યો. એ સાપ પકડવાનો ચીપીયો લઈને આવ્યો અને માત્ર પાંચથી સાત મિનીટમાં એણે લગભગ આઠથી નવ ફીટના કોબ્રાને આસાનીથી પકડી લીધો અને એક થેલીમાં ભરીને સાથે લઈ જવાની તૈયારી બતાડી. કહ્યું કે આને પોતે અમારા ઘરથી દૂર આવેલ એક વગડાઉ જગ્યાએ છોડી આવશે. એણે આ કામને નિ:શુલ્ક ધોરણે થયેલ સેવા ગણવા એણે પહેલેથી જ ચોખવટ કરેલી હતી. સામાન્ય રીતે અમારા અખાડાના કોઈ પણ સભ્ય માટે બાપુજી અને કાકાના અભિપ્રાય બહુ ઉંચા( અને અમને સ્વિકાર્ય!) ન રહેતા, પણ એ દિવસે એ બેઈ જણાએ ‘યુસુફભાઈ’ને બેઠકરૂમમાં માનભેર બેસાડ્યો અને એને પરાણે શરબત પીવડાવી, અમને લોકોને એની પાસેથી સેવાભાવની પ્રેરણા લેવા ખાસ સમજ આપી!

યુસુફ (અને ખાસ તો એની સાથે સાપ)ના જવા સાથે જ ઘરના વાતાવરણમાં તરત જ પલટો આવ્યો. કાકાએ મારી પાસે રહી ગયેલી સાઈકલની ચાવી માંગી લીધી. અમારા કુટુંબની પરંપરા પ્રમાણે કોઈ  પણ કટોકટીનો અંત આવે એટલે ચા પીવાની ધાર્મીક વિધી કરવી પડતી! એ મુજબ સૌએ ચા પીધી અને લગભગ સાડા દસ વાગ્યે જમવા માટેના ઠરાવો મૂકાયા! પિસ્તાળીશ વરસ અગાઉની આ ઘટનાનાં સાક્ષી એવાં દાદી, કાકી, કાકા, બાપુજી અને નાની બહેન ગોપી હવે અમારી સાથે નથી. બાકી રહેલાં અમે લોકો હજી પણ ક્યારેક આ ઘટનાને નવાં ઉમેરાયેલાં કુટુંબીજનો સાથે વ્હેંચી, હસી લઈએ છીએ.



2) 2015ની 25 જુનની રાતે  લગભગ સાડા અગિયારના સુમારે ઘરના ઉપરના માળે આવેલા બાથરૂમના ઘોડાના એક ખાનામાં રહેલી વિવિધ બોટલ્સની પાછળ પૂંછડી સળવળતી નજરે પડી. ઉંદરડી અથવા ગરોળી હશે એમ માનીને બોટલ્સ ખસેડતાં નજરે પડ્યો, લગભગ સવા થી દોઢ ફૂટ લંબાઈનો સાપ! ઇન્દિરાજીએ કટોકટી ઘોષિત કરતી વખતે પસાર થવું પડ્યું હશે, કંઈક એવી જ મનઃ સ્થિતિમાં મૂકાઈ ગયો. એ વખતે જેમ તત્કાલિન રાષ્ટ્રપતિને અડધી રાતે જગાડવામાં આવેલા, એવી જ રીતે તાત્કાલિક અસરથી સ્નેહાને જગાડી. દેશના પ્રબુધ્ધ નાગરિકોએ તે સમયે કરેલો, એનાથી પણ સબળ વિરોધ કરવાનો એનો ઈરાદો હશે, પણ તે આ 'કટોકટી'ની વિગતની જાણ થતાં જ શમી ગયો. એણે દરેક બાબતમાં સહકાર આપવાની તૈયારી બતાડી. હવે આ સાપ ઝેરી હશે કે બિનઝેરી, એનું કોઈ પ્રમાણ અમારી પાસે નહતું. મેં સ્નેહાને મેરી ક્યુરી જેવાં અને સ્નેહાએ મને એડવર્ડ જેનર જેવા મહાન વૈજ્ઞાનિકોની યાદ આપી, કેમકે એ લોકોએ ચોક્ક્સ પરિક્ષણો માટે પોતાની જાત ઉપર જાનના જોખમે પ્રયોગો કરેલા.પણ આ સાપનું ઝેરીલાપણું તપાસવા માટે જાન દઈ દેવા જેટલો વૈજ્ઞાનિક અભિગમ અમે એકેય નથી ધરાવતાં, એ ખાત્રી થયા બાદ એને પકડી, સલામત છોડી દેવા વિષે અમે બંને અમારી અપેક્ષા કરતાં પણ વધારે ઝડપથી સંમત થઈ ગયાં. નક્કી થયું કે હું સ્થળ ઉપર રહી, સાપનું ધ્યાન રાખું અને સ્નેહા સોસાયટીના પગી નામે વિષ્ણુને ઉઠાડી, મદદ માટે બોલાવી આવે. મેં સ્નેહાને ખાસ સૂચવ્યું કે નીચે બેઠેલી મા આ બાબત જાણીને 1970ના ઓગસ્ટના અનુભવો ત્યારે જ કહેવાની શરૂઆત કરી દે, તો “એ વાત પછીથી” કહી, એણે વિષ્ણુને બોલાવવા ધસી જવું. સ્નેહાએ એમ જ કર્યું અને પાંચેક મિનીટમાં વિષ્ણુ આવી ગયો. આર્થિક લેવડદેવડ ઉપરાંત  એની એક શરત એ પણ હતી કે જીવડાને મારી નહીં નાખું, પકડીને છોડી દઈશ. આમ આ અભિયાનનાં ત્રણેય સાથીદારો સમગ્ર કાર્યક્રમ વિષે એકમત હોવાથી કાર્ય સરળતાથી સંપન્ન થશે, એમ લાગ્યું. વળી વિષ્ણુએ સાપને માટે ‘જીવડું’ શબ્દપ્રયોગ કર્યો એટલે અમે એની સંભવિત બહાદુરી વિષે ઉંચો અભિપ્રાય બાંધી લીધો. અને ઘટનાક્રમ આગળ વધ્યો.

          પણ, અમે માનતાં હતાં એવી સહેલાઈથી આ કાર્ય સંપન્ન નહીં થાય, એમ અમને ઝડપથી સમજાવા લાગ્યું. કારણ કે  કાર્યક્રમનો 'નાયક' સહેજેય સહકાર આપવાની માનસિકતામાં ન હતો. પારાવાર પ્રયત્નો, મૂંઝવણ, સૂચનો અને 'બાપ રે બાપ'ના નારાઓ વચ્ચે એણે છટકી જઈ, સંતાઈ જઈ, અલગ અલગ રીતે વિષ્ણુની અને મારી ધીરજ તેમજ કાબેલિયત(?)ની કસોટી કરી. અંતે સૌ સારાં વાનાં થયાં અને લગભગ એક કલ્લાકની મથામણ પછી અમે આ જીવવિશેષ ને પકડી, એને એની જાત માટે તેમજ લોકો માટે સલામત સ્થાન ઉપર છોડી આવ્યા. વિષ્ણુને એના સહકાર બદલ એની અપેક્ષાથી વધુ પુરસ્કાર આપ્યો, જે એણે વ્યાજબી પ્રમાણના વિવેક સહ સ્વિકાર્યો. અત્યાર સુધી બેસી રહેલી માએ 1970ના ઓગસ્ટના અનુભવો વહેંચવાની એની નેમ ત્યારે જ પાર પાડી. 

નાની ઉમરે એક ફિલ્મ જોયેલી, ‘કોબ્રા ગર્લ’. એમાં લગભગ આવા જ ઘટનાક્રમ (જો કે ફિલ્મમાં સાપને મારી નાખવામાં આવેલો!) પછી, સાપથી ડરેલી નાયિકા વીર પુરુષની અદામાં પેશ આવતા નાયક સાથે નૃત્ય કરતી કરતી ગીત ગાવા લાગેલી. એ નૃત્યમગ્ન યુગલની પાછળ અમારા બાથરૂમમાં ફૂટી નીકળેલા સાપની જેમ જ અચાનક પ્રગટ થયેલાં ઉત્સાહી યુવક યુવતીઓએ પણ નાચ-ગાનમાં ઉલટભેર ભાગ લીધેલો. ગીતને અંતે નાયક અને નાયિકા ઉડતી શેતરંજી ઉપર સવાર થઇ, આકાશગામી થયાં હતાં, બધું જ રાતે અભિયાન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ યાદ આવ્યું. 

હવે, મારી સાથે આવું તો કશું જ ન બનવા પામ્યું. હજી ક્યાંકથી ઉડતી શેતરંજી મળી જાય એવી આશા રહે છે. નિવૃત્ત થઈ ચુક્યો છું અને પેટ્રોલના ભાવો વધતા જાય છે!