આજની વાત શરૂ કરતાં અગાઉ મારી
કેફીયત આપી દઉં. હું વિજ્ઞાન ભણ્યો અને સમગ્ર કારકિર્દી વિજ્ઞાનના અધ્યાપનમાં ગાળી
એ માત્ર ‘એમ થયું કારણકે એમ થયું’ જેવી વાત નથી. નાનપણથી જ સ્વભાવમાં સરાસરી કરતાં
વધુ કુતુહલ વણાયેલું રહ્યું છે. કોઈ પણ વાત સ્વીકારી લેતાં પહેલાં તર્ક અને દલીલબાજીનો
ઉપયોગ કરવાની વૃત્તિ વડે ઘણી વાર વડિલો, કુટુંબીજનો, શિક્ષકો, સહકર્મીઓ અને મિત્રો
જેવાં લોકોની નારાજગી અને ખફગીનો ભોગ બન્યો છું. આ સ્વભાવ હોવાથી અહીં પ્રસ્તુત
કરવી છે એ વાત જ્યારે જ્યારે સાંભળી છે ત્યારે દરેક વખતે જુદા જુદા તર્ક ઉભા કરી,
એની યથાર્થતાની ચકાસણી કરવાના પ્રયત્નો કર્યા છે. આખરે આ એક સત્યકથા છે એમ માની લઈ
ને અહીં રજૂ કરું છું. અલબત્ત, એને પ્રસ્થાપિત કરવા માટે કોઈ દસ્તાવેજી પૂરાવાઓ ઉપલબ્ધ
નથી. એક કુટુંબની કેટલીક પેઢીઓનાં સભ્યો આ ઘટનાને એક કરતાં વધારે વાર મારી
હાજરીમાં વર્ણવી ચૂક્યાં છે. એક વાર્તા તરીકે પણ અત્યંત રોમાંચક બની રહે એવી આ વાત
માંડતાં પહેલાં એમાંનાં પાત્રોનો પરિચય આપવો જરૂરી છે.
૧) ભાઈશંકર ભટ્ટ ......
તેઓ ભાવનગરના પ્રશ્નોરા નાગર કુટુંબના મોભી અને એ સમયના ખુબ જ પ્રતિષ્ઠીત સજ્જન એવા
કલ્યાણ ભટ્ટના સુપુત્ર હતા.
![]() |
ભાઈશંકર ભટ્ટ |
તેઓ વેદ, વેદાંત, ઉપનિષદો, જ્યોતિષ વગેરે શાસ્ત્રોના
ઉચ્ચકક્ષાના વિદ્વાન હતા. આ ઉપરાંત તેઓ વૈદું જાણતા અને એ એમની આજીવીકાનું સાધન પણ
હતું. સંપૂર્ણપણે સંસારી હોવા છતાં તેમની છાપ એક તપસ્વી કક્ષાના પરોપકારી પુરુષની
હતી. કેટલાંકોના મતે તેઓને ભાવનગરના રાજવૈદ્ય તરીકે માન્યતા મળી હતી. જો કે આને
માટે કોઈ દસ્તાવેજી પૂરાવો હાથવગો નથી.
તેઓના જીવનની સૌથી રોમાંચક વાત તો તેમના
જીવનના અંતને લગતી છે! તેમણે આતુર સન્યાસ લીધો હતો. સન્યાસનો આ એવો ઉચ્ચ તબક્કો
છે, જ્યાં વ્યક્તિ સંસાર નહીં પણ દુનીયા છોડી દેવાનો સંકલ્પ કરે છે! એવું માનવામાં
આવે છે કે, એક વાર આતુર સન્યાસ લીધાની ઘોષણા કર્યા પછી તે વ્યક્તિનો દેહ વધુમાં
વધુ ત્રણ દિવસમાં છૂટી જવો જોઈએ. જો એમ ન બને અને જીવન લંબાય તો જન્મજન્માંતરનાં
પુણ્યોનો ક્ષય થઈ જાય. વળી મૃત્યુ કુદરતી રીતે થવું જોઈએ. ઈચ્છામૃત્યુની એક અન્ય
ધાર્મીક પ્રણાલિકા ‘સંથારા’ કરતાં આતુર સન્યાસ એ રીતે જુદો પડે છે કે સંથારામાં
કોઈ સમયમર્યાદા નથી હોતી, જ્યારે અહીં માત્ર ત્રણ દિવસમાં જ દેહ છૂટી જવો અનિવાર્ય
છે. ભાઈશંકર ભટ્ટે પોતે સાવ સાજાસારા હતા ત્યારે ભાદરવા મહીનાની વદ નોમના દિવસે આતુર
સન્યાસ લેવાનું જાહેર કર્યું. દશમ તેમજ અગીયારશ ગઈ અને બારશના બ્રાહ્મમુહુર્તમા
તેઓ દુનીયા ત્યાગી ગયા.
જવલગૌરી સાથે માંડેલા સંસાર દરમિયાન થયેલાં તેમનાં છ સંતાનોમાં પાંચ દિકરા અને એક દિકરીનો સમાવેશ થતો હતો. પોતાના જીવનકાળ દરમિયાન તેઓએ એમાંથી પાંચ સંતાનો સાથે ત્રિવેણી સંગમ, અલ્લાહાબાદ અને કાશી વિશ્વનાથ, વારાણસીની યાત્રા કરી હતી. જે બાકી રહી ગયા હતા, તેઓ આપણી વાતનું એક વધુ પાત્ર છે. આથી તેમનો ટૂંકો પરિચય મેળવી લઈએ.
૨) માણેકલાલ ભટ્ટ......
માણેકલાલ ભટ્ટ |
ખુબ જ ફરજપરાયણ અને કુટુંબ વત્સલ તેમ જ કર્તવ્યનિષ્ઠ એવા તેઓ આ કુટુંબના પહેલા સભ્ય હતા, જે સરકારી નોકરીએ લાગેલા. તેઓના કાશીગૌરી સાથેના સંસારમાં થયેલાં કુલ અગીયાર સંતાનોમાંથી લાંબું જીવ્યાં એવાં ત્રણ દિકરા અને એક દિકરી હતાં. એમાંના ત્રીજા ક્રમાંકના દિકરા આજની આપણી વાતનું એક પાત્ર છે.
૩) અનંતરાય ભટ્ટ...... સને ૧૯૦૧માં જન્મેલા અને ભણવે અત્યંત તેજસ્વી એવા તેઓ મુંબઈ ભણવા ગયેલા. ત્યાંની એલ્ફીન્સ્ટન કૉલેજમાંથી બી.કૉમ.ની ડીગ્રી માટેની પરીક્ષા આપે એના થોડા જ મહીના પહેલાં બદલાયેલી કૌટુંબિક પરીસ્થિતિને લીધે ભાવનગર પાછા આવી ગયા અને રેલ્વેની નોકરીમાં જોડાઈ ગયા. ખુબ જ શિસ્તબદ્ધ જીવનશૈલી ધરાવતા પણ અતિશય પ્રેમાળ વ્યક્તિત્વના સ્વામી હતા.
![]() |
સરસ્વતીગૌરી ભટ્ટ, અનંતરાય ભટ્ટ |
સરસ્વતીગૌરી સાથેના તેઓના સંસારમાં સને ૧૯૩૪માં હયાત એવાં ત્રણ સંતાનો હતાં....દેવેન્દ્ર(હારિત), દિનમણી અને કોકીલા. એ વર્ષે જૂન મહીનામાં ચોથા સંતાન રૂપે પુત્રપ્રાપ્તિ થઈ, જે આ ઘટનાક્રમનું અતિ મહત્વનું પાત્ર છે.
૪) ચંદ્રવદન...... ખુબ જ સુંદર અને પરાણે વ્હાલો લાગે એવો આ બાળક નાની ઉમરથી જ પોતાની તીવ્ર મેધાનો પરિચય કરાવવા લાગેલો. ચંચળતા, રમતિયાળપણું વગેરે બાળ સહજ લાક્ષણિકતાઓ તો એનામાં હતી જ પણ ક્યારેક ક્યારેક એની ઉમરના પ્રમાણમાં કોઈએ કલ્પ્યું ન હોય એવું પુખ્તતાસભર વાણી-વર્તન એનામાં જોવા મળતું. એક ખાસ નોંધનીય બાબત એ હતી કે એના બન્ને પગના અંગુઠાઓની બાજુની આંગળીઓ થોડી થોડી વળીને અંગુઠા ઉપર ચડી ગયેલી રહેતી હતી. તે સમયનાં વડીલો કહેતાં કે આ લક્ષણ ભાઈશંકર ભટ્ટમાં પણ જોવા મળેલું! પરિણામે કેટલાક એવી રમૂજ કરતા કે દાદા(ભાઈશંકર) પૌત્ર(અનંતરાય)ને ઘેર પુત્રરૂપે પાછા આવ્યા છે.
હવે આવીએ મૂળ વાત ઉપર. આતુર સન્યાસ લીધા પછી પોતાના આખરી ત્રણેય દિવસો દરમિયાન ભાઈશંકર ભટ્ટ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે સ્વસ્થ હતા. એક તબક્કે દીકરા માણેકલાલ પાસે પોતે તેઓને યાત્રા ઉપર ન લઈ જઈ શક્યા એ બાબતે ખેદ વ્યક્ત કર્યો. તેઓને વધારે ડંખ એ બાબતે હતો કે પોતાનાં છ સંતાનોમાંથી એક માત્ર માણેકલાલ જ આ લાભ ચુકી ગયા હતા. જો કે માણેકલાલ કે તેમનાં પત્નિ કાશીગૌરીને એ માટે કોઈ ફરિયાદ ન હતી. પણ ભાઈશંકર ભટ્ટે કહ્યું કે પોતે આ બાબતે વસવસો સાથે લઈને દુનિયા છોડી જવાના હતા. ખેર, અગાઉ જણાવ્યું એમ ત્રણ દિવસની અવધિ પૂરી થાય એ પહેલાં ભાઈશંકરે દેહ છોડી દીધો અને પ્રચંડ ઈચ્છાશક્તિનો પૂરાવો જગત સમક્ષ મુક્યો.
સમય સમયનું કાર્ય કરતો રહ્યો અને સને ૧૯૩૯ના જૂન મહીનાના એક દિવસે માણેકલાલ પોતાનાં પત્નિ કાશીગૌરી, ત્રણ દીકરા, એક દીકરી અને દસ પૌત્રો/પૌત્રીઓનો બહોળો વસ્તાર મુકીને આ દુનિયા છોડી ગયા. એ પછી એક વર્ષે એમના પુત્ર અનંતરાય અને પુત્રવધૂ સરસ્વતીગૌરીએ માતા કાશીબા સમક્ષ માણેકલાલ ભટ્ટના આત્માના કલ્યાણ અર્થે ત્રિવેણી સંગમ અને કાશી વિશ્વનાથની યાત્રાએ જવાનો પ્રસ્તાવ મુક્યો અને એ સ્વીકારાતાં સને ૧૯૪૦ના જૂન મહીનામાં કાશીબા, અનંતરાય, સરસ્વતીગૌરી તેમ જ છ વર્ષનો ચંદ્રવદન એમ ચાર જણાં યાત્રાએ ઉપડ્યાં.
કાશીગૌરી ભટ્ટ |
યાત્રા પૂરી કરીને પાછાં આવ્યાના બે એક મહીનામાં ચંદ્રવદનને તાવ ચડ્યો. એ દિવસ હતો ભાદરવા વદ નોમનો. અત્યાર સુધી બિલકુલ સાજા સારા આ બાળકની તબિયત ઝડપથી બગડવા લાગી. એ સમયે ઉપલબ્ધ એવા ઉપચારો કર્યા પણ ત્રણ જ દિવસમાં ભાદરવા વદ બારશની વહેલી સવારે બ્રાહ્મમુહુર્તમાં એ છ વર્ષનો બાળક કાયમ માટે ચાલી નીકળ્યો.
હવે આપણે યોગાનુયોગ જોઈએ? ભાઈશંકર ભટ્ટ વિદાય લેતી વેળા માણેકલાલને યાત્રા ન કરાવી શક્યા હોવાનો વસવસો સાથે લઈ ગયા હતા. માણેકલાલના અવસાન પછી તેઓના કલ્યાણાર્થે કરાયેલી યાત્રામાં ચંદ્રવદન જોડાયો હતો. ભાઈશંકરના બન્ને પગના અંગુઠાની બાજુની આંગળીઓ અંગુઠાની ઉપર ચડેલી રહેતી હતી. આ લાક્ષણિકતા ચંદ્રવદનમાં પણ જોવા મળી હતી. વધુમાં, બિલકુલ સાજાસારા ભાઈશંકર ભટ્ટે ભાદરવા વદ નોમના દિવસે આતુર સન્યાસ લીધો અને ભાદરવા વદ બારશના મળસ્કે દેહ છોડ્યો હતો. બિલકુલ એ જ રીતે સાજોસારો બાળ ચંદ્રવદન ભાદરવા વદ નોમના દિવસે તાવમાં સપડાયો અને ભાદરવા વદ બારશના મળસ્કે દુનિયા છોડી, જતો રહ્યો! આ બધું દુન્યવી સમજણના પરિઘની બહારનું છે. પણ જો બધી જ ઘટનાઓને બુધ્ધિગમ્ય તર્કથી જ મુલવવાનો આગ્રહ છોડી દેવામાં આવે તો એવું માનવા માટેનું કારણ મળે કે ભાઈશંકર ભટ્ટ પોતાના દીકરા માણેકલાલને સદેહે તો યાત્રા ન કરાવી શક્યા, પણ તેઓના પૌત્ર તરીકે અવતરી, માણેકલાલના આત્માના શ્રેયાર્થે કરાયેલી યાત્રામાં જોડાયા અને એ મકસદ પૂરો થતાં જીવન સંકેલી, અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા!
હવે થોડી અંગત વાત. અનંતરાય માણેકલાલ ભટ્ટની દીકરી કોકીલા એ મારી મા. એનાથી નાનો ભાઈ ચંદ્રવદન તો બાલવયે જગત છોડી ગયો. એ પછી એક વર્ષે એને એક બહેન સાંપડી એ મારાં પારસમાશી. આ વાત સૌથી પહેલાં મને તેમણે કરી હતી. મારા વાતે વાતે તર્ક કરવાના સ્વભાવને લઈને મેં આ વાત એક કરતાં વધારે વાર મા પાસેથી સાંભળીને ચકાસી છે. એ જ રીતે મારા હારિત મામા તેમ જ ધીરુમામી સાથે પણ અનેક પ્રશ્નો કરતે કરતે આ વાતની ખાત્રી કરી છે. છેવટે પછી જાતને ટપારી છે કે, ‘છોડ જીવ, તારો વિતંડાવાદ અને એટલું સ્વીકારી લે કે તારી સમજણને પેલે પાર ઘણું બધું છે, જેને જેમ છે તેમ માની લેવામાં મજા છે’! આ વાંચી રહેલાં સૌને આ વાતને પોતપોતાના અભિગમથી મૂલવવા અને શક્ય હોય તો પોતાના પ્રતિભાવો આપવા માટે વિનંતી છે.
મારાં પૂજનીય વડીલો વિશે વાત કરી હોવા છતાં તે સૌનો ઉલ્લેખ કરતી વેળાએ મારાં વિનય વિવેકને દૂર રાખ્યાં છે, જેથી સમગ્ર ઘટનાક્રમનું વર્ણન કરતાં અતિશયોક્તિ દાખલ ન થઈ જાય. હવે એટલું કહેવાની લાગણી ટાળી નથી શકાતી કે અતિશય ખાનદાન અને પવિત્ર જીવનશૈલી અપનાવીને જીવી ચૂકેલાં/રહેલાં આવાં ઉમદા લોકોનાં જનીનો ધરાવતો માનવ દેહ મળ્યો હોવાથી ઘણાં કુકર્મોથી બચવા પામ્યો છું.
તસવીરો પૂરી
પાડવા માટે કિરણ ભટ્ટ, ભરત ભટ્ટ અને હરેશ ભટ્ટનો હાર્દીક આભારી છું.