Tuesday 6 December 2016

વ્યસનકથા - ૨



થોડા સમય પહેલાં મિત્ર નિશીથે એની સાથેની શેખર અને મારી દસકાઓ જૂની મૈત્રીની દુહાઈ આપતાં કહ્યું, "We three have not been only 'C'lassmates but have often been  'G'lassmates too"! આ બાબતે મેં એને કહ્યું કે, "ભાઈ, તેં એવો ઈલ્ઝામ લગાવ્યો છે કે સ્વીકારી લઉં તો ખોટું બોલ્યાનું પાપ છે અને જો ઠુકરાવું છું તો બહુ જ લાગી આવે છે!" ખરેખર, સારા સારા મિત્રો કે સંબંધીઓની સાથે ‘બેઠક’નું આયોજન થયું હોય, એમાં હાજરી અચૂક આપું છું પણ વર્ષોથી આ માદક ચીજને હાથે નથી લગાડી, ત્યાં હોઠે લગાડવાની તો વાત જ ક્યાં રહી!


આજે આ અલખને ઓટલે મિત્રો સાથે મય/સુરા અને એના પાન વિષે થોડીક વાતો વહેંચવાની ઈચ્છા થઈ આવી છે. નાનપણમાં ભાવનગરના સંયુક્ત કૌટુંબિક વાતાવરણમાં મોટો થતો હતો, ત્યારે દાદાના એક મિત્રના મદ્યાનુરાગી સ્વભાવને લગતી વાતો સાંભળેલી. અન્યથા એ એટલા પ્રેમાળ હતા, કે મનમાં થાય કે જેમ દાદા ચાના શોખીન છે, એમ જ _____કાકા અન્ય પીણાના કેમ ન હોય? આ બાબતે સાતેક વરસની ઉમરે દાદા સાથે દલીલો કરી, ત્યારે એમણે કીધું કે, "એક વાર ઈ ઢીંચે છે ને, પછી રાખ્ખહ(રાક્ષસ) થઈ જાય છે!" એ સમયે  એમ માની લીધું કે દારુ પીએ એ સજ્જન માણસ પણ દૈત્ય થઇ જાય. વાર્તાઓમાં અને ચિત્રકથાઓમાં જ્યાં રાક્ષસનો ઉલ્લેખ આવે, તો એમ માની લેતો કે કોઈ સારા માણસે દારુ પી લીધો હશે, એનું આ પરિણામ છે! પછી ઉમર વધતાં જાતે બહાર જવાના પ્રસંગો પડતાં રસ્તા ઉપર નશાની અસરમાં ઉચિત નહીં એવી અવસ્થામાં અસામાજિક વર્તન કરતા લોકો નજરે ચડવા લાગ્યા. પરિણામે મનમાં એક ખૂણે 'દારુ અને દારૂડિયાઓ બિલકુલ નકામાએવી માન્યતા ઘર કરી ગઈ.


કિશોરાવસ્થામાં પ્રવેશની સાથે જ સંગીત અને ગઝલ આ બન્નેનો ઘેલછાની હદનો શોખ લાગ્યો. યોગાનુયોગે આ ક્ષેત્રોમાં જાણીતાં જે કોઈ નામ હતાં, એમના મદ્ય માટેના અસાધારણ લગાવ વિષે કોઈ ને કોઈ પાસે થી સાંભળવા મળતું. હવે આવા દૈવી કક્ષાના લોકો જો મય પ્રત્યે અનુરાગ ધરાવતા હોય, તો એ ચીજ ખરાબ શી રીતે હોય, એ વિચારે મારો પીણા અને પીનારાઓ માટેનો જે પૂર્વગ્રહ બંધાઈ ગયેલો, એ ધીમે ધીમે પીગળવા લાગ્યો.


ભાવનગરની કૉલેજમાં તો બે ખુબ જ સરસ ભણાવનારા અધ્યાપકો પણ 'પીક્કડ' હોવાની જાણ થઈ. એ લોકો અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ  ખાસ્સા સમર્પિત હોવાથી એમનો પરિચય વધતો ચાલ્યો અને એમની વિદ્વતા, ક્ષમતા તેમ જ માણસાઈને નિકટથી ઓળખવાના કેટલાય પ્રસંગો પડ્યા. એ લોકોએ મને સમજાવ્યું કે તેઓ 'દારૂડિયા' કે 'પીક્ક્ડ' ન્હોતા. શોખથી પીતા હતા, બંધ કમરે પીતા હતા, માપમાં પીતા હતા  અને પીધા પછી છાકટા થઈને ગેરવર્તન તો ક્યારેય ન્હોતા કરતા. કેટલાક ઉમદા કલાકારો/કવિઓ અને ખાસ તો અમારા આ બન્ને પ્રેમાળ અધ્યાપકો સાથે સંબંધ થયા પછી હવે હું 'દારુ'ને ‘શરાબ’, 'મય' કે 'મદ્ય' જેવા માનવાચક શબ્દપ્રયોગથી ઓળખવા લાગ્યો. જો કે એની સાથે નજીકની મૈત્રી કેળવવા સુધીની હિંમત થવાને હજી વાર હતી.


સત્તર વરસની ઉમરે નડિયાદની કૉલેજમાં ભણવા ગયો ત્યારે હોસ્ટેલમાં રહેવાનું હોઈ, બાપુજીએ ધુમ્રપાન ન કરીશ એમ કહ્યું, એ સમયે એમના મનમાં એવી શ્રધ્ધા હશે કે શરાબનો તો કોઈ સવાલ જ નથી. પણ એ ન્હોતા જાણતા કે, આ તો મયનગરી હતી. દુનિયાભરની શરાબની બ્રાન્ડ્સ ત્યાં 'હાજર સ્ટોક'માં મળી આવતી. અલબત્ત, અમારી હોસ્ટેલમાં હજી આ પીણું પ્રવેશ્યું ન્હોતું. જે ચાર પાંચ શોખીનો હતા, એ બહારથી 'મારી'ને આવતા. આ મહારથીઓમાં મારા નિકટના કોઈ મિત્રો ન હોવાથી હું હજી કોરો ધાકોર હતો.


એવામાં 1972માં કૉલેજ દ્વારા આયોજિત કાશ્મીરના પ્રવાસમાં જોડાવાનું થયું. પહેલી રાતનો પડાવ ઉદયપુર મુકામે હતો. ત્યાં મહેફિલ જામી ગઈ! અમે 'C'lassmates મિત્રો-- શેખર , નિશીથ, રેમન્ડ, પંકજ ત્રિવેદી અને હું એ મહેફિલમાં જોડાઈને 'G'lassmates  બન્યા. આ સાહસને લીધે કશુંય અવનવું બન્યું નહીં. ચાર અઠવાડિયાં લાંબી આ ટુરમાં પાંચેક વાર સુરોના પીણાનો સ્વાદ ચાખ્યો. ખાસ તો અમારામાંથી કોઈ જ જરા ય છાકટો ન થયો હોવાથી એમ સમજાયું કે માત્રામાં પીવાથી શરાબ માણસને નુકસાન ન પહોંચાડી શકે. આ પ્રવાસ દરમિયાન શરાબ પીવાના પ્રસંગો પરથી અમે મિત્રો બે તારણો ઉપર આવ્યા. . .
1) માપમાં પીવું અને
2) પોતાના ખર્ચે ન પીવું.


હવે મુદ્દા નં. 2) બાબતે અમે બધા જ બિલકુલ એકમત હોવાથી નડિયાદમાં પાછા આવ્યા એટલે આ પ્રવૃત્તિ બંધ થઇ ગઈ. અન્યથા નટપુર નામથી પ્રસિધ્ધ આ નગરીમાં તો ધારો તો પરબ બંધાવી શકાય એટલી છૂટથી માંગો એ બ્રાંડ મળતી. ખેર, આમ ને આમ બે વરસ વિતી ગયાં અને મોટા ભાગના મિત્રો B.Sc.ની ડીગ્રી મેળવી અન્યત્ર જતા રહ્યા.


રેમન્ડ અને હું M.Sc.માટે નડિયાદની કૉલેજમાં પ્રવેશ મળી જતાં બે વધુ વરસ માટે નડિયાદમાં રહી ગયા. એવામાં કે.ડી. દેસાઈ ઉર્ફે 'કેડી'નો પરિચય થયો. એ આફ્રીકામાં પેઢીઓથી સ્થાયી થયેલા તાલેવંત કુટુંબનો નબીરો હતો. એ પ્રકારના યુવાનમાં હોય એવાં બધાં જ ઈચ્છનીય તેમ જ અનિચ્છનીય લક્ષણો ભરપૂર માત્રામાં ધરાવતો કેડી એની તલબ શાંતિથી બુઝાવી શકાય એવી જગ્યાની તલાશમાં હતો. એણે અમને પ્રસ્તાવ મુક્યો કે રૂમ અમારી અને 'માલ' એનો. બે વરસ અગાઉ અમે મિત્રોએ સર્વાનુમતે કરેલા ઠરાવની મુદ્દા નં. 2) ની શરત અહીં પૂરેપૂરી સંતોષાતી હોઈ, અમે તાત્કાલિક ધોરણે એની દરખાસ્ત સ્વીકારી લીધી. બહુ નિયમિત ધોરણે અમારી રૂમમાં મહેફીલો યોજાવા લાગી. અમે સીનીયર હોવા છતાં જુનીયરોને મોટે ભાગે પ્રેમથી રાખતા, એમને ભણવામાં પણ મદદ કરતા અને તેમ છતાંય કેટલાક સંજોગોમાં કોઈ કોઈને મારતા પણ ખરા. એને પરિણામે અમારા રેક્ટર સુધી ક્યારેય અમારી પ્રવૃત્તિની ફરિયાદ ગઈ નહીં. રેમન્ડ અને હું એકાદ પેગ લઈ, અમારું ભણવાનું કરતા અથવા સુઈ જતા, જ્યારે કેડી તો મોડી રાત કે વ્હેલી સવાર સુધી મંડ્યો રહેતો. પછી એ સુઈ જાય અને મોડો ઉઠે એટલે અમને એના સ્કુટર/મોટરનો લાભ પણ મળી રહેતો.


આમ ને આમ ચારેક મહિના ચાલ્યું અને કેડી આફ્રિકા જતો રહ્યો એટલે અમે વળી પાછા 'સુધરી' ગયા. પણ ક્યારેક લોકલ મિત્રો ઘેર બોલાવીને 'ઓફર' કરે તો છોછ વગર પી લેતા. પછી તો M.Sc.ની ડીગ્રી હાથમાં આવી ગઈ અને નડિયાદ છૂટી ગયું.  થોડા વખત પછી અમદાવાદમાં નોકરી મળી ગઈ, ત્યાં મહેફીલો મંડાવાના બહુ સંજોગો ઉભા ન થયા. તેમ છતાં ક્યારેક ક્યારેક મેળ પડી જતો. વિશેષમાં હવે જાતે કમાતો થયો હોવાથી એકાદ બે વાર મિત્રોને ખાણી ‘પીણી’ની દાવતો પણ આપી હોવાનું યાદ છે. પણ આ બધું લાંબું ચાલે એ પહેલાં અચાનક જ  એક  ચોક્કસ સંજોગમાં પત્ની સ્નેહાએ તાકિદ કરી કે હવે બિલકુલ છોડી દે અને ત્યારથી એને આપેલ બોલ હજી પળું છું.


આટલી વિગતે વાત કરી એટલા માટે કે આજે 37 વરસથી હાથ પણ નથી લગાવ્યો, પણ હું અત્યંત પ્રમાણીકતાથી માનું છું કે શરાબ પીનારા બધા 'દારૂડિયા' નથી હોતા. એકદમ ઉત્તમ કક્ષાના માણસોને હું જાણું છું કે જેઓ શરાબથી પરહેજ નથી. આપણા સમાજમાં શરાબ એટલે ઝેર અને એના પીનારાઓ એટલે અસામાજિક પ્રાણીઓ એવી માન્યતા પ્રવર્તે છે, એનું હું બિલકુલ સમર્થન નથી કરતો. સાથોસાથ આ સમગ્ર પ્રવૃત્તિનો પ્રચાર પણ નથી કરતો. દારૂબંધીની વિરુધ્ધમાં લખવાનો પણ ઈરાદો નથી. અભણ અને આર્થિક રીતે પછાત કુટુંબોમાં હલકી ગુણવત્તાના 'દેશી' પીવાથી થતાં નુકસાનથી પણ પૂર્ણપણે વાકેફ છું. પણ, 'પીએ' એ અસામાજિક હોય, એવી માન્યતાથી બચીને રહું છું. અહીં જેમનો ઉલ્લેખ થયો છે એ બધાજ મિત્રો પોતપોતાના ક્ષેત્રમાં ઉંચી પ્રતિષ્ઠા હાંસલ કરી ચુક્યા છે અને ક્યારેક ક્યારેક અને એ પણ માપમાં આચમન કરતા રહેતા હોવાથી ઉમરના છ દાયકા વટાવીને પણ કડેધડે છે.


હા, અતિશય માત્રામાં તો લાગણી પણ અયોગ્ય નથી?