Tuesday 28 February 2017

પંડીત નરેન્દ્ર શર્મા

આજે (૨૮/૦૨/૨૦૧૭) સવારે નિત્યક્રમ પ્રમાણે ઝાપટઝુપટ કરતો હતો (મહેરબાની કરી ને આ બાબતને મારી નજીકના ભૂતકાળમાં આવેલી નિવૃત્તી સાથે સાંકળી ન લેવી. આ મેં વર્ષોથી સામે ચાલીને  સ્વીકારેલી પ્રવૃત્તી છે. અને તે વિનય વિવેકથી સભર એવી એક સન્નારી દ્વારા થઈ શકાતી મારી ઝાપટઝુપટ સામે રક્ષણની ખાત્રી આપે છે.), ત્યારે બગાસામાં સાકર આવી ગઈ. આ સમયે રેડિઓમાં વિવિધ ભારતી ઉપર જુની ફિલ્મોનાં ગીતોનો કાર્યક્રમ ચાલતો હોય છે. એમાં અચાનક એક ગીત કાને પડ્યું અને ખુબ જ કર્ણપ્રિય જણાયું. જો કે આ અગાઉ ક્યારેય સાંભળ્યું નહીં હોઈ, રેડિઓની આસપાસમાં જ ચા પી રહેલી માને ગીત પૂરૂં થયે એની માહિતી પુછી. “ લે, તે તને ખબર નથી, આ તો દીલીપકુમારની પહેલી ફિલમ ‘જ્વાર ભાટા’નું ગીત હતું. એમાં ઓલ્યા અનીલ બીશ્વાસ નહીં, એનું સંગીત અને તને ખબર છે....”, એ આગળ બોલે એના પહેલાં બીજું એક સુમધુર ગીત ચાલુ થઈ ગયું. જે લોકો મારી માને ઓળખે છે એટલે કે એકાદ વાર પણ મળ્યાં છે એ સૌ સુપેરે જાણે છે કે એનું પોટલું જેવું છુટે એટલે હોય એ બધી જ માહિતી વેરીને જ વિશ્રામ લે છે!

બીજું ગીત પૂરૂં થતાં જાહેરાતો આવવા લાગી અને માએ વાત આગળ વધારી., “આજે તો કોક નરેન્દ્ર શર્માનો જનમદિવસ છે ને એમણે આ ગીત લખ્યું’તું એમ રેડિઓ કહે છે.” ઓહો, પંડીત નરેન્દ્ર શર્મા! ઘણી નાની ઉમરથી આ નામ વડે પ્રભાવિત થઈ જવાયેલું. કારણ, એમના શબ્દો અને અનીલ બીશ્વાસની તરજે મઢાયેલું તેમ જ મન્નાડેના સ્વરે ગવાયેલું એક ગીત જ્યારે પણ સાંભળવા મળે ત્યારે દિવ્યતાનો અનુભવ કરાવતું રહ્યું છે. આ ગીત સાંભળીએ અને સાથે એના શબ્દો પણ માણીએ.



હવે આજે સવારે રેડિઓ ઉપર સાંભળ્યું એ ગીતની વાત.. એના શબ્દો છે, ‘સાંજકી બેલા પંછી અકેલા....’. આ ગીત પણ શ્રી નરેન્દ્ર શર્મા અને અનીલ બીશ્વાસની દેણ છે. સને ૧૯૪૫માં આવેલી ફિલ્મ ‘જ્વાર ભાટાનું આ એકદમ લોકપ્રિય નિવડેલું ગીત અરૂણકુમાર અને સાથીદારોના અવાજમાં ગવાયેલું છે. સાંભળીએ.


પંડીત નરેન્દ્ર શર્મા વિશે વધુ વાત કરીએ એના પહેલાં એમની અને અનીલ બીશ્વાસની ભાગીદારીમાં રચાયેલું ફિલ્મ ‘અફસર’નું સુરૈયાના કંઠે ગવાયેલું એક ઔર ગીત માણીએ. 

હજી આગળ વધીએ એ પહેલાં એક એવું ગીત સાંભળીએ જે કોઈ પરિચયનું મોહતાજ નથી.

ફિલ્મ ‘ભાભીકી ચુડીયાં, સ્વર લતા મંગેશકરનો અને સ્વરનિયોજન સુધીર ફડકેનું. આટલી માહિતી પછી ‘શબ્દો કોના?’ એ પ્રશ્નના જવાબમાં ૩૩% લોકો પ્રદીપજીનું, ૩૩% ભરત વ્યાસનું અને બાકીના ૩૪% ‘કદા..આ..આ..ચ, નરેન્દ્ર શર્મા?’ એવો પ્રતિપ્રશ્ન કરશે. પહેલાં બે નામો કે જે શુધ્ધ હિન્દી ભાષાના કાવ્યાત્મક પ્રયોગ માટે જાણીતાં છે, એમની જ હરોળમાં બેસી શકે એવી જ પ્રતિભા પંડીત નરેન્દ્ર શર્માની છે.

આજે ‘સાંજકી બેલા’ ગીત બાબતે મિત્ર કીરણ જોશી સાથે વાત કરતાં નરેન્દ્ર શર્મા વિશે થોડી વાતો કરી અને એ બાબત ‘આ બૈલ મુઝે માર’ જેવી બની રહી. એ ગળે પડ્યા કે આ કવિ વિશે વધારે માહિતી ભેગી કરી, કાં તો ફેઈસબુક ઉપર અને કાં તો બ્લોગ ઉપર એક પોસ્ટ મુકો અને એ પણ આજે ને આજે જ. આમ તો એ..ઈ..ઈ..ઈ.ઈ....ને નિરાંતે ધુબાકા મારતો’તો, એમાંથી આ માણસે ધંધે લગાડી દોડતો કરી દીધો! એને નારાજ કરી દેવાથી એની સાથેના કહુંબા પાણી બંધ થઈ જાય એ પોસાય એવું નથી, કારણ કે ઉંડાં પાણીનો આ મરજીવો અણમોલ રત્નો જેવાં ગીતો ગોતી ગોતી ને પૂરાં પાડે છે. આથી હવે આજે કીરણ જોશીનો ચડાવ્યો હું નરેન્દ્ર શર્માજીને બ્લોગ ઉપર ચડાવવાની ચેષ્ટાએ લાગ્યો છું.  

સને ૧૯૧૩ના ફેબ્રુઆરીની અઠ્યાવીશ તારીખે ઉત્તર પ્રદેશના જહાંગીરપૂર નામના કસ્બામાં જન્મેલા નરેન્દ્ર શર્માએ નાનપણથી જ પોતાની બહુમુખી પ્રતિભાના ચમકારા દેખાડવા શરૂ કરી દીધેલા. અંગ્રેજી ભાષામાં એમ. એ.ની પદવી મેળવી અને જીવનમાં સ્થાયી થાય એ પહેલાં જ આઝાદીની ચળવળમાં ઝુકાવ્યું અને મળેલી નોકરી ડગુમગુ થવા લાગી. થોડા જ સમયમાં ધરપકડ થઈ અને ત્રણ વરસ જેલમાં ગાળ્યાં. બહાર આવી ને નોકરી શોધતા હતા પણ મેળ પડતો ન હતો. એક વાર કોઈ જગ્યાએ ગાંધીજીની સભામાં મોટા ભાગના શ્રોતાઓએ ગાંધીજી અંગ્રેજીમાં ઉદબોધન કરે એવો આગ્રહ રાખ્યો. સામે પક્ષે ગાંધીજીએ શરત મુકી કે જો કોઈ ત્યારે ને ત્યારે મારા અંગ્રેજી સંભાષણનું સમાંતરે હિન્દીમાં ભાષાંતર કરે તો હું અંગ્રેજીમાં બોલું. આ જવાબદારી શર્માજીએ સુપેરે નિભાવી અને તે સમયના નેતાઓના ધ્યાન ઉપર આવી ગયા. આને પરિણામે જવાહરલાલ નહેરૂજીએ એમને પોતાની સાથે સતત ત્રણ વરસ માટે રાખેલા.

એ દરમિયાન ફિલ્મી દુનીયા સાથે પણ તેઓનો નાતો બંધાયો. એ સમયનાં વિખ્યાત નિર્માત્રી અભિનેત્રી દેવીકારાણી સાથે ફિલ્મ લેખન, પટક્થા લેખન, સંવાદ તેમ જ ગીત લેખન જેવાં પાસાંઓ ઉપર નરેન્દ્રજીએ હાથ અજમાવ્યો. ફિલ્મી દુનીયામાં તેઓની હિન્દી ઉપરાંત સંસ્કૃત, ગુજરાતી, મરાઠી અને બંગાળી જેવી ભાષાઓ ઉપરની પકડને લઈને તેમજ ફિલ્મ નિર્માણના વિવિધ આયામોની જાણકારીને લઈને ખુબ જ ઉંચી પ્રતિષ્ઠા હતી અને એમનો ઉલ્લેખ હંમેશાં ‘પંડીત’ તરીકે જ કરવામાં આવતો. લતા મંગેશકર તો તેઓને પોતાના પિતા સમાન ગણતાં અને એમને ખુબ જ માન આપતાં.

શર્માજીના ભાતીગળ કાર્યકાળનું એક મહત્વનું સીમાચિહ્ન આવ્યું સને ૧૯૫૮-૫૯માં, જ્યારે પંડીત જવાહરલાલ નહેરૂજીએ તેઓને આકાશવાણી દ્વારા જનસામાન્ય માટે માત્ર અને માત્ર મનોરંજન કાર્યક્ર્મો પીરસતી નવી સેવા શરૂ કરવાની જવાબદારી સોંપી. ‘વિવિધ ભારતી’ના નામકરણથી લઈને એમાં કયા કયા અને કેવા કેવા કાર્યક્રમો આપવા અને એ કાર્યક્રમોના નામાભિધાન સુધીની કામગીરી નરેન્દ્રજીએ પ્રશંસનીય રીતે નિભાવી.

તેઓની યશસ્વી કારકિર્દીનું એક મહત્વનું સીમાચિહ્ન સને ૧૯૮૨માં આવ્યું, જ્યારે ભારતમાં યોજાયેલા એશિયાડ રમતોત્સવનું સ્વાગતગીત લખવા માટે પંડીત રવિશંકરજીએ તેઓની પસંદગી કરી.

રવિશંકરજીના એ સમયના સંગીત સહાયક શ્રી આશિત દેસાઈના જણાવ્યા મુજબ આ બન્ને મહારથીઓએ સાથે મળીને માત્ર  બારથી પંદર મિનીટ્સમાં આ અદ્ ભૂત ગીતનું સર્જન કરી દીધું હતું.

શ્રી નરેન્દ્ર શર્માનાં રચેલાં કેટલાંક અવિસ્મરણીય ગીતો યાદ કરીએ.
ફિલ્મ હમારી બાત(૧૯૪૩), સંગીતકાર અને ગાયક અનીલ બીશ્વાસ.

ફિલ્મ અફસર(૧૯૫૦), સંગીતકાર સચીન દેવ બર્મન, ગાયીકા સુરૈયા.

ફિલ્મ રતનઘર(૧૯૫૫) સંગીતકાર રોશન, ગાયીકા લતા મંગેશકર.

ફિલ્મ સુબહ(૧૯૮૨) સંગીતકાર હ્રદયનાથ મંગેશકર, ગાયીકા લતા મંગેશકર.


આવી આ બહુમુખી પ્રતિભાના ધણી એવા શ્રી નરેન્દ્ર શર્માના આવા વૈવિધ્યસભર પ્રદાન છતાં ય વિચીત્ર અને માન્યામાં ન આવે એવી વાત એ છે કે તેઓને સૌથી વધુ પ્રસિધ્ધી અપાવનાર એમનું કોઈ સાહિત્યીક કે કાવ્યાત્મક પ્રદાન નહીં હોતાં એક વ્યાપારી જાહેરખબર બની રહી. એ હતી પ્રેસ્ટીજ પ્રેશર કૂકરની જાહેરાત! 

ખેર, એ જાહેરાત પણ તેઓના જ ફળદ્રુપ ભેજાથી નીકળેલી હતી અને એના દ્વારા પણ તેઓ જનસામાન્ય સુધી જાણીતા અને માનીતા તો બની જ રહ્યા. સને ૧૯૮૯ના ફેબ્રુઆરીની અગીયારમી તારીખે તેઓએ આખરી શ્વાસ લીધો. એમની યાદમાં વિવિધ ભારતીએ તૈયાર કરેલા એક કાર્યક્રમ સાથે વીરમીએ. અસ્તુ.

સૌજન્ય સ્વીકાર:  વીડીઓ ક્લિપ્સ યુ ટ્યુબ ઉપરથી લીધી છે અને પૂરક માહિતી વિકીપીડીયા ઉપરથી સાભાર લીધી છે.