Friday 27 January 2017

મહાનુભાવો સાથે મુલાકાત (૧)

એક સામાન્ય માણસના જીવનમાં રોમાંચક ઘટનાઓ વારંવાર ઘટતી નથી હોતી. આવી ઘટનાઓને અલગ અલગ ખાનાંઓમાં વર્ગીકૃત કરી શકાય. જેમ કે કોઈ ઈચ્છિત ચીજ સાંપડે, ક્યારેક કલ્પના પણ ન કરી હોય એવી કોઈ ચીજ સાંપડે, લાંબા અરસાથી રાહ જોતા હોઇએ એ વ્યક્તિ આવી ને મળે, ધારી સફળતા પ્રાપ્ત થાય, વળી ક્યારેક અણધારી સફળતા પ્રાપ્ત થાય તો એનો નશો તો અનોખો જ હોવાનો. જો કે  ઉમરના કયા તબક્કે કઈ ઘટના આકાર લે છે એનું પણ આગવું મહત્વ છે. વળી વ્યક્તિનાં અંગત ઘડતરની અને રસ-રૂચીની પણ એને શું રોમાંચક લાગશે એની ઉપર ચોક્કસ અસર હોય છે.

મારા જીવનમાં જે પ્રભાવક ઘટનાઓ ચિરંજીવ અસર છોડી ગઈ છે એમાં કેટલાક મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મુલાકાતનો મોકો મળ્યો  છે તે બધીનું આગવું સ્થાન છે. મારી ઉમરના અલગ અલગ પડાવો ઉપર અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન જમાવી ને બીરાજેલા અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચુકેલા એવા મહાનુભાવો સાથે થોડી ક્ષણો ગાળવા મળી એ સદ્ નસીબની વાતો અહીં વહેંચવી છે. વધારે પ્રસ્તાવના ન કરતાં મૂળ વાત ઉપર આવી જાઉં.

જેમને પ્રત્યક્ષ મળવાનો મોકો મળ્યો છે એમાંના બે ખ્યાતનામ ચિત્રકારો છે, બે સ્વનામધન્ય એવા અલગ અલગ ક્ષેત્રના સંગીતકારો છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ ઉંચા આસને બેઠેલા એવા બે વૈજ્ઞાનિકોનો આ યાદીમાં સમાવેશ થાય છે. આમ યોગાનુયોગે દરેક ક્ષેત્રના બે બે મહાનુભાવો સાથે થયેલા અનુભવો ત્રણ તબક્કામાં રજુ કરું છું. શરૂઆત મારા નાનપણમાં બે મહાન ચિત્રકારો સાથે રૂબરૂ થવા મળ્યું એના વર્ણનથી કરું......

શ્રી સોમાલાલ શાહ... (૧૯૦૫-૧૯૯૪) 

મૂળ કપડવંજના અને ભાવનગરને કર્મભૂમી બનાવી, ચિત્રકળાની દુનિયામાં બહુ ઉંચી પ્રતિષ્ઠા હાંસલ કરનારા એવા શ્રી સોમાલાલ શાહ ભાવનગરની એક કરતાં વધુ શાળાઓમાં ચિત્રશિક્ષક તરીકે ખુબ જ સન્માનનીય બની રહેલા. તેઓ ગુજરાત રાજ્યમાં જ નહીં, દેશ વિદેશમાં પણ જાણીતા હતા. કલાગુરુ શ્રી રવિશંકર રાવળ અને શાંતિનિકેતનના આધારસ્થંભ એવા શ્રી નંદલાલ બસુ જેવા સિધ્ધહસ્ત કલાકારો પાસે તાલિમ મેળવી અને તેઓના પ્રીતીપાત્ર બની રહેલા સોમાલાલ શાહનાં ચિત્રો કેટલીયે સંસ્થાઓની અને ઘરોની શોભામાં વધારો કરતાં આવ્યાં છે. પ્રતિષ્ઠીત સામયીકોમાં પણ એમનાં ચિત્રો અવારનવાર પ્રગટ થતાં રહેતાં. રણજીતરામ સુવર્ણચંદ્રક અને રવિશંકર રાવળ એવૉર્ડ જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત હતા. તેઓ મારા દાદાના મિત્ર હતા એ અમારા કુટુંબને માટે ગૌરવની બાબત હતી.

મારી લગભગ છ વરસની ઉમરે એક વાર તેઓ અમારે ઘરે બેસવા આવી પહોંચ્યા. એ વખતે હું હિંચકે ઝુલી રહેલા (નિત્યક્રમ મુજબ) દાદાની બાજુમાં બેસીને એમનું ‘માથું કાણું’ કરી રહ્યો હતો (નિત્યક્રમ મુજબ). તે દિવસનો મારો એજેન્ડા મારી પાટી-સ્લેટ-માં આગગાડી દોરવાનો હતો. અને એ માટે મદદ કરવા હું દાદાને વિનવી રહ્યો હતો. ચિત્રકળા બાબતે પોતાની આવડત વિશે દાદાનો ક્યારે ય કોઈ જ ઉંચો દાવો નહતો. એટલે “તારો બાપ આવે ત્યારે એને કહેજે, મારું માથું ખા મા. જા, ચા મૂકવા કહી આવ” કહી ને એમણે મને આઘો કરવા કોશિષ કરી. મેં તે સમયે દાદીને ચા મૂકવાનું સૂચન કરવાનાં ભયસ્થાનોનો નિર્દેશ કરી, ચિત્ર કરવાનો આગ્રહ રાખ્યો. અમારી વચ્ચે આ સંવાદ આગળ વધી ને એમને “લઉં હાથમાં લાકડી?”ના તાર સ્વરે પહોંચાડે એ પહેલાં “લાભભાઈ, આવું કે?” કરતા સોમાલાલદાદા ઘરમાં પ્રવેશ્યા. આમ થવાથી અમારો સંવાદ (વિવાદ?) અટક્યો અને અમારી બન્નેની તમન્ના પૂરી થવાનો ઉજળો સંજોગ ઉભો થયો. હવે ચા મૂકવાનું કહેવા માટે દાદાને મારી મધ્યસ્થીની જરૂર ન રહી. અને એમણે પોતે જ ખુબ જ નમ્રતા(કે જે વિશીષ્ટ સંજોગોમાં એમને સહજસાધ્ય હતી) થી દાદીને ચા બનાવવા માટે કહ્યું. એ દરમિયાન મારા હાથમાં પાટી પેન જોઈ ને સોમાલાલદાદાએ હું શું કરી રહ્યો હતો એમ પૂછતાં મેં મારી દોરેલી આગગાડી એમને બતાડી.

કલાના આરાધક એવા તેઓથી કલાની આવી નિર્મમ હત્યા સહન નહીં થઈ હોય એટલે આ વિખ્યાત કલાકારે મારી પાટીમાં એક રેલ્વે સ્ટેશન અને ત્યાં ઉભેલી આગગાડીનું ચિત્ર કરી આપ્યું! મેં ચિત્રને બરાબર જોયું અને પછી એમને ત્યાં પોતાની સહી કરવાનું કહ્યું. અમારા ઘરમાં એમનું એક ચિત્ર દાદાના રુમમાં હતું એટલે હું એમની વિશીષ્ટ સહીથી પરિચીત હતો. એ ઉપરથી શરુ કરી, નીચે તરફ જાય એવી રીતે સહી કરતા. પહેલાં એક બીન્દી આકાર હોય, એની નીચે ‘સો’ સ્પષ્ટ વંચાય એવી રીતે હોય અને પછી નીચે ઉતરતા જતા અવાચ્ય અક્ષરો હોય. અહીં એમનું બનાવેલું એક ચિત્ર મૂક્યું છે એમાં જમણી બાજુએ ઉપર એમની સહી જોઈ શકાય છે. 

 લગભગ મારા દાદાની ઉમરના અને લબ્ધપ્રતિષ્ઠીત એવા આ કલાકારે છ વરસના નાદાન છોકરડાની પાટીમાં પ્રેમથી સહી પણ કરી આપી. એ ઉમરે આ શું સાંપડ્યું એ સમજવાની અક્કલ નહતી. પણ આજે એ બાબત યાદ આવે ત્યારે ચોક્કસ રોમાંચની લાગણી થાય છે.

શ્રી રવિશંકર રાવળ...(૧૮૯૨-૧૯૭૭)


સોમાલાલ શાહ અને દાદાની વાતોમાં એકાદ વાર આ નામનો ઉલ્લેખ કાને પડેલો. એટલું સમજાયું હતું કે એ કોઈ ખુબ જ ઉંચી કક્ષાના ચિત્રકાર છે. મૂળ ભાવનગરના શ્રી રાવળ મારા દાદાના મોટાભાઈના મિત્ર હતા. પણ મિત્રના અવસાન પછી તેઓના નાનાભાઈ એટલે કે મારા દાદા સાથે તેમણે સંબંધ જાળવી રાખ્યો હતો. ભાવનગર આવે ત્યારે શક્ય હોય તો એ થોડા સમય માટે પણ અમારે ઘરે આંટો આવી જતા. ‘કલાગુરુ’ તરીકે જાણીતા તેઓએ ગુજરાતના સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં ખુબ જ મોટું પ્રદાન કર્યું છે. ‘વીસમી સદી’ અને ‘કુમાર’ જેવાં શિષ્ટ સામયિકો સાથે તેઓનું નામ કાયમી ધોરણે જોડાયેલું રહેશે. 




તેઓનાં બનાવેલાં ચિત્રો કલાના શોખીનો માટે ઘરેણાંથી પણ વિશેષ મૂલ્યવાન બની રહ્યાં છે. એકથી એક ચડે એવાં તેઓનાં સર્જનોમાંનું એક ગાંધીજી ઉપર ચલાવવામાં આવેલા કૉર્ટ કેઈસનું છે. અમદાવાદના સર્કીટ હાઉસમાં સને ૧૯૨૨ના માર્ચ મહિનાની ૧૮મી તારીખે કેઈસ ચલાવવામાં આવ્યો ત્યારે કૉર્ટરૂમમાં ફોટોગ્રાફરોને પ્રવેશ ન્હોતો અપાયો. આ ઘટનાને રવિશંકર રાવળે ચિત્રીત કરી છે. આ તો એક ઉદાહરણ માત્ર છે. કંઈ કેટલાંયે ઐતિહાસીક અને સામાજિક પાત્રો તેઓની પીંછીના સથવારે સજીવન બન્યાં છે. ચિત્રકલાના અલગ અલગ આયામો ઉપર તેઓનો સમાન કાબુ હતો.



મુંબઈની જે એન્ડ જે સ્કૂલ ઑવ આર્ટ્સમાં અભ્યાસ કરી તેઓએ અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતની લગભગ ત્રણ પેઢીના ચિત્રકારોને તેઓનો સીધો કે પરોક્ષ લાભ મળ્યો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, બોમ્બે આર્ટ્સ સોસાયટીનો ચંદ્રક, મેયો ચંદ્રક અને ભારત સરકારના નાગરિક સન્માન ‘પદ્મશ્રી’, ઉપરાંત અનેક ઈનામો અને અકરામો વડે તેઓને નવાજવામાં આવ્યા છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન/સંવર્ધન માટે અમદાવાદ શહેરની મધ્યમાં બનાવવામાં આવેલા મકાનને સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં તેઓના પ્રદાનને ખ્યાલે રાખી ‘રવિશંકર રાવળ કલા ભવન’ નામ આપવામાં આવ્યું છે.

એમને મળવાનો મોકો મળ્યો ત્યારે મારી ઉમર આઠેક વરસની એટલે કે નાદાનિયતની હતી. એ ભાવનગર આવ્યા હતા અને દાદાને મળવા એકાદ કલાક ફાળવી ને આવી પહોંચ્યા. એ આવવાના છે  એવી ખબર પડી એટલે મેં તો એમની પાસે એરોડ્રોમ અને એરોપ્લેઈન  દોરાવવા માટે પાટી પેન તૈયાર કરી દીધાં! દાદાને મારી મહેચ્છાની ખબર પડતાં જ મને એમ ન કરવા સૂચના આપી, જે આમ તો  ચેતવણી જ હતી. થોડી વાર પછી તેઓ અને સોમાલાલ શાહ સાથે આવ્યા.

હું એ લોકો બેઠા હતા એટલામાં ફર્યા કરતો હતો એટલે એમણે મને પ્રેમથી પાસે બોલાવ્યો અને નામ તેમ જ ભણતર બાબતે પૃચ્છા કરી. હું જવાબો આપતો હતો એવામાં સોમાલાલદાદાએ  મારી ‘ચિત્રપ્રવૃત્તિ’ બાબતે એમને જણાવ્યું. એમણે મારી પીઠ થાબડી અને મને આશિર્વાદ આપ્યા. બસ, આટલું જ બન્યું પણ એ પછી દિવસો સુધી નિશાળમાં હું શ્રી શાહબુદ્દીન રાઠોડના પાત્ર લાભુ મેરાઈ માફક “મારે ઘરે આવ્યા, મારું નામ લીધું અને મારો વાંહો થાબડ્યો”નાં બણગાં ફુંકતો રહેલો. એ વખતના અમારા સંગીત-ચિત્રશિક્ષક હાજી સાહેબને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે એમણે મને બોલાવી અને ખુબ જ શાબાશી આપી અને હવે પછી ક્યારેય રાવળ સાહેબ મારે ઘરે આવે તો એમને જણાવવા માટે કહ્યું, જેથી “ઈ ગુરુનાં દર્શન થાય, એમના પગ પકડાય”. ત્યારે અમારે માટે હાજી સાહેબ કરતાં કોઈ મહાન હોય, એ માનવું અઘરું હતું. એ જેમનો ચરણસ્પર્શ કરવા માંગતા હોય એ કેવી મોટી હસ્તિ હશે એ ક્ષણે સમજાયું. બાકી મેં તો તેઓ ‘દાદાના ભાઈબંધ કે જે ચિત્રો સારાં દોરે છે’થી વિશેષ જાણ્યા ન્હોતા.


પૂરક માહિતી, મહાનુભાવોના તેમ જ ચિત્રોના ફોટોગ્રાફ્સ નેટ ઉપરથી લીધેલા છે.