Wednesday 1 February 2017

મહાનુભાવો સાથે મુલાકાત (3)

આ અગાઉની બે પોસ્ટ્સમાં બે ચિત્રકારો અને બે સંગીતકારો સાથેના અનુભવનો ઉલ્લેખ થયો. હવે કળાથી વિજ્ઞાન તરફ પડખું ફરીએ.

મેટ્રીકની પરીક્ષા ફિઝીક્સ-કેમીસ્ટ્રી અને ઉચ્ચ ગણિત સાથે પાસ કરી, સાયન્સ કૉલેજમાં દાખલ થયો. માઈક્રોબાયોલોજી વિષય લઈ, B.Sc.ની ડીગ્રી મેળવી. આ સમયગાળામાં વિષયના અને સુક્ષ્મ જીવોના પ્રેમમાં પડી ગયો. નસીબજોગે M.Sc. માટે પણ એડ્મિશન મળી ગયું. B.Sc.ના અભ્યાસ દરમિયાન જે ભણ્યા એનાથી ખુબ જ અલગ પણ એટલા જ રોમાંચક એવા બે પેપર્સ – Genetics and Molecular Biology અને  Biochemistryનો પરિચય થયો. વિષય માટેનું પાગલપન કોને કહેવાય એ મારા મિત્રોને મને જોઈ ને સમજાતું હતું. જેટલો સાહિત્ય અને ફિલ્મી સંગીત માટે હતો એટલો જ ઘેલછાની કક્ષાનો રસ આ બન્ને ધારાઓ માટે કેળવાવા લાગ્યો.

Molecular Biology માટે જે અને જ્યાંથી મળે એ સાહિત્ય વાંચી લેતો હતો. ૧૯૬૦ પછીના સમયગાળામાં ઝડપથી વિકસી રહેલી આ વિજ્ઞાનશાખામાં નવી નવી દિશાએ શોધખોળ થતી રહેતી હતી અને જીવનનાં મૂળભૂત રહસ્યો આણ્વિક કક્ષાએ ખુલતાં જતાં હતાં. આ કક્ષાએ કામ કરનારા વૈજ્ઞાનિકો માટે આદર દિન પ્રતિદિન વધતો જતો હતો. રોઝાલીન્ડ ફ્રેંકલીન, જેઈમ્સ વોટ્સન, ફ્રાંસિસ ક્રીક, મેક્સ ડેલબ્રુક, સાલ્વાડોર લુરીયા, વિલિયમ હેઈઝ, એલેક્ઝાંડર રીશ, વોક્લૉ સાયબાલ્સ્કી, આર્થર કૉર્નબર્ગ,જોશુઆ લેડરબર્ગ, એસ. રામક્રિષ્ણન, જેવાં નામો વાંચવા અને સાંભળવા મળ્યા કરતાં હતાં. પુરાણોમાં જાણેલા ઋષી મુનિઓથી આ લોકો અલગ નહીં હોય એવું લાગતું હતું. અહીં નામ લખ્યાં છે એમાંની બે વિભૂતીઓને મળવાનો મોકો મળ્યો છે, એ વાત હવે સાદર છે.

વોક્લૉ સાયબાલ્સ્કી...(૧૯૨૧-)

૧૯૭૪ના ડીસેમ્બર મહિનામાં બેંગ્લોર સ્થિત ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઑવ સાયન્સ ખાતે એસોસીએશન ઑવ માઈક્રોબાયોલોજિસ્ટ્સ ઑવ ઈન્ડીયા - AMI-  દ્વારા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન થયાના ખબર મળ્યા. ‘Perspectives of Structure and Functions of DNA’ ઉપર યોજાયેલા આ પરિસંવાદમાં ખુબ જ પ્રતિષ્ઠીત વૈજ્ઞાનિકો હાજરી આપવાના હતા એ જાણતાં જ અમે થોડા મિત્રોએ એમાં હાજરી આપવા માટેની જરૂરી ઔપચારિક્તા સત્વરે પૂરી કરી લીધી અને નિયત સમયે ત્યાં પહોંચી ગયા.

પહેલે જ દિવસે વિખ્યાત ડૉ. એલેક્ઝાંડર રીશનું વ્યાખ્યાન હતું. ખુબ જ રસપ્રદ પડાવ ઉપર હતા ત્યાં અચાનક તેઓએ અટકી, દરવાજા તરફ જોયું. એકદમ ખુશ થઈ, તેઓએ એ દિશામાં હાથ ઉંચો કરી, મોટેથી અભિવાદન કર્યું, “Hi Darling!. ત્યાં તો અંદર એક ઉંચા, પહોળા અને દેખાવડા એવા એક જૈફ એ અભિવાદનને હસતા હસતા સ્વીકારતા હૉલમાં પ્રવેશ્યા. એ કોણ હશે એ એ દિવસે ખબર ન પડી. પણ જેને માટે એલેક્ઝાંડર રીશ પોતાનું વ્યાખ્યાન અટકાવી અને એમનું આટલું ઉષ્માભર્યું અભિવાદન કરે એ બહુ ઉંચી હસ્તિ હશે એટલું ચોક્કસ સમજાયું હતું. બીજા દિવસે સવારે વિશાળ શમિયાણામાં આંટા મારતો હતો ત્યાં અચાનક એ દેખાયા. દરેક ડેલીગેટ પોતાના નામ વાળું ઓળખપત્ર લગાડી ને ફરે એટલે મેં એમની નજીક જઈ અને નામ વાંચી લેવા માટેના પ્રયાસો આદર્યા.

આ દરમિયાન તેઓ એકલા તો પડતા જ ન્હોતા. વળી હું પણ મારો પ્રયત્ન તેઓના કે બીજાંઓના ધ્યાને ન પડી જાય એ બાબતે સભાન હતો. આખરે હું એમનું નામ વાંચી શકું એ રીતે એમની નજીક પહોંચ્યો અને કંઈક સમજાય નહીં એવું વંચાયું...Schzybalsky.  હવે આ કોઈ જાણીતું નામ તો ન લાગ્યું. એવામાં એમનું ધ્યાન મારી તરફ ખેંચાયું. હસી અને મને એમની બાજુ બોલાવ્યો અને પુછ્યું, “Yes, dear  son, what are you looking at?”  આવું થાય એટલે સામાન્ય સંજોગોમાં હું પકડાઈ ગયાની લાગણીથી વિચલીત થઈ ગયો હોઉં. પણ એમના હુંફાળા સ્મિત વડે મારો સંકોચ દૂર થઈ ગયો અને મેં કહ્યું, “ Sir, I couldn’t read properly what is written on your card and wondered if that was something that you’d  discovered”. મુક્ત અટ્ટહાસ્ય કરી ને તેઓ બોલ્યા,  “No son, that is something my PARENTS had discovered, that is indeed my name’. અને એમણે નામ ઉચ્ચાર સહિત કહ્યું, “સાયબાલ્સ્કી”. અને મને દિવો થયો. અમે બેંગલોર જવા નિકળ્યા એના આગલા અઠવાડીયે જ  એક પ્રેક્ટીકલ શરૂ કરેલો, ગ્રેડીયન્ટ પ્લેઇટ ટેકનિક. એનો મૂળ વિચાર આ ભેજાની પેદાશ હતો અને એને માટેની કાર્યપધ્ધતિ પણ તેઓએ જ વિકસાવી હતી. અમારી પ્રેક્ટીકલ મેન્યુઅલમાં એમના નામનો સ્પેલિંગ Szybalski  હતો, જ્યારે તેઓના કાર્ડ ઉપર  Schzybalsky લખ્યું હતું. આ બાબતે મેં એમનું ધ્યાન દોરતાં એમણે સ્પષ્ટતા કરી કે મૂળ પોલેન્ડના નાગરિક એવા તેઓ અમેરિકા સ્થાયી થયા, ત્યારે નામ અમેરિકન સ્પેલિંગ પ્રમાણે લખાવા લાગ્યું. પણ જ્યારે જાતે લખવાનું થાય ત્યારે તેઓ અચૂક પોલિશ સ્પેલિંગ પ્રમાણે લખતા હતા. અમે લોકો એ દિવસોમાં ગ્રેડીયન્ટ પ્લેઇટ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા હતા, એ જાણી ને તેઓ ખુબ જ ખુશ થયા અને મારા સહાધ્યાયી મીત્રોને પણ વાતોમાં સામેલ કર્યા. એ સમયે તેઓ કેન્સરનાં કારણો અને એના નિવારણના ઉપાયો ઉપર કામ કરી રહ્યા હતા.એમણે જણાવ્યું કે એમની પ્રારંભની તાલીમ કેમિકલ એન્જિનીયરીંગની હતી. પછી સમય જતાં મોલેક્યુલર બાયોલોજી તરફ તેઓ ફંટાયા અને એમાં જ બહુ ઉંચી કક્ષાનું પ્રદાન કર્યું.

બીજા દિવસનું એમનું વ્યાખ્યાન ખુબ જ પ્રભાવશાળી હતું. એ પછી લંચ દરમિયાન મેં આ વિભૂતીને મળવાની એક વધુ તક ઝડપી લીધી. લગભગ પાંચેક મિનીટ સુધી વાતો કર્યા બાદ એક વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકે ૨૧ વરસના એક મૂઢ અને મુગ્ધ યુવાનને પુછ્યું, “Anything else, Son?”  અને મેં વિનંતી કરી કે મારે ડૉ. એલેક્ઝાંડર રીશને મળવું હતું અને તેઓ એમાં મદદ કરે એવી મારી આશા હતી. “Oh, why not, he is such a darling.”  કહી, તેઓ ત્યારે જ તપાસ કરી પણ ડૉ. રીશ કોઈ અન્ય સંસ્થામાં ગયા હતા અને પછી નીકળી જવાના હતા એવી ખબર પડતાં મારી એ ઈચ્છા પૂરી ન થઈ શકી. પણ ડૉ. વોક્લૉ સાયબાલ્સ્કીને મળી,તેઓની સાથે વાતો કર્યાનો નશો કાંઈ જેવો તેવો ન હતો.

ફ્રાન્સીસ હેરી ક્રોમ્પ્ટન ક્રીક...(૧૯૧૬-૨૦૦૪)

વિજ્ઞાનનો થોડો ઘણો વ્યાસંગ હોય એ વ્યક્તિએ આ નામ ન સાંભળ્યું ન હોય એમ બને નહીં. પૃથ્વી ઉપરની સજીવ સૃષ્ટીના જીવનનો મુખ્ય સંચાલક અણુ એટલે  De Oxy RiboNucleic Acid, DNA.  આ રાસાયણિક ઘટકની ત્રીપરીમાણીય સંરચનાની જાણ વિશ્વને ડૉ. ક્રીકે જેઇમ્સ વોટ્સન સાથે મળી ને સને ૧૯૫૩માં કરી. વીસમી સદીના સમયગાળા દરમિયાન વિજ્ઞાનના ક્ષેત્રમાં થયેલાં શકવર્તી સંશોધનોમાંનું આ એક બની રહ્યું. આ માટે સને ૧૯૬૨નું Physiology & Medicine કેટેગરીનું નોબેલ પ્રાઈઝ વોટ્સન અને ક્રીકને એનાયત થયું હતું. એ લોકોએ તૈયાર કરેલા સૂચીત DNA મોડેલ સાથે એ બન્નેનો ફોટો અહીં મૂક્યો છે.



આ તો માત્ર શરૂઆત હતી. મોલેક્યુલર બાયોલોજીની શાખા આજે માન્યામાં ન આવે એ રીતે વિકાસ પામી રહી છે, ત્યારે એનો યશ ક્રીકને આપવો રહ્યો  કારણકે એ પાયાનો ખ્યાલ કે સજીવોના કોષમાંની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચોક્કસ કાર્યપધ્ધતીને અનુસરે છે, એ ક્રીકે આપ્યો. એમણે  પ્રસ્થાપિત કર્યું કે સજીવનાં લક્ષણોની માહિતી DNA પાસે હોય છે, એ માહિતી RiboNucleic Acid- RNA-ની મધ્યસ્થી વડે કોષરસમાં પહોંચી, અલગ અલગ પ્રકારનાં લક્ષણોના પ્રાગટ્ય માટે જરૂરી ક્રીયાઓનું નિયમન કરે છે. આ બાબતને ‘Central Dogma’ તરીકે ઓળખવામાં આવે છે. અને એ કેન્દ્રવર્તી વિચારનું શ્રેય ક્રીકને મળે છે. DNAની સંરચના તેમ જ કોષમાં થતી કાર્યવહીના સંચાલનમાં DNAની એકહથ્થુ સત્તા ખુબ જ સંકીર્ણ બાબત છે અને અહીં એનું વર્ણન બિલકુલ અપ્રસ્તુત બની રહે. છતાં એ બાબતને લગતું એક Animation મૂકવાની લાલચ થઈ આવે છે. જીજ્ઞાસુઓને એમાંથી વધારે જાણવાની પ્રેરણા મળે તો ઈન્ટરનેટ ઉપર તો ભરપૂર ખજાનો ઉપલબ્ધ છે જ.


એક ભૌતિકશાસ્ત્રી તરીકે કારકિર્દી શરૂ કરનારા ફ્રાન્સીસ ક્રીકે બાયોલોજીના ક્ષેત્રમાં દાખલ થઈ, સજીવ સૃષ્ટીનાં પાયાનાં રહસ્યો ઉકેલવામાં ભગીરથ ફાળો આપ્યો. એમને મળવાની ઈચ્છા હોવી એ મોલેક્યુલર બાયોલોજીના વિદ્યાર્થી તરીકે મારે માટે અત્યંત સ્વાભાવિક હતું. ૧૯૭૭ના વર્ષમાં ઈન્ડીયન સાયન્સ કોંગ્રેસની વાર્ષિક સભાનું આયોજન અમદાવાદમાં થયું હતું (કદાચ ૧૯૭૮ પણ હોય, બરાબર યાદ નથી.). એમાં ક્રીક આવવાના છે એવી વાત હતી. પણ સંજોગોવશાત એમ બન્યું નહીં. આવેલી તક જતી રહી એનો વસવસો ઘણો જ થયો પણ એમાં તો શું થઈ શકે?  એ વાતને લાંબો સમય વિતે એ પહેલાં એક મિત્ર ખબર લાવ્યો કે વડોદરા ખાતે ડૉ. ક્રીક આવ્યા છે! વધારે તપાસ કરતાં ખબર પડી કે એ દિવસે સાંજે એમ. એસ. યુનિવર્સિટીના મધ્યસ્થ હૉલમાં તેઓનું વ્યાખ્યાન હતું અને રાતે જ તેઓ ત્યાંથી નીકળી જવાના હતા. આજથી ચાળીશ વરસ પહેલાં મુસાફરીની સુવિધા અત્યારે છે એટલી સુલભ અને સગવડભરી ન હતી. પણ એ બધુ વિચારવાનો સમય હતો જ નહીં. બનતી ત્વરાથી કૉલેજમાં રજા મૂકી, ભાગ્યો અને વડોદરાની બસ પકડી.

છેવટે સ્થળ ઉપર પહોંચ્યો ત્યારે જોયું કે વ્યાખ્યાન પૂરું થઈ ગયું હતું અને એ સાંભળનારા નસીબવંતાઓ હૉલની બહાર નીકળી રહ્યા હતા. સાંભળવા ન મળ્યા તો કાંઈ નહીં, જોવા તો મળશે એમ સાંત્વન લઈ ને હું હૉલમાં પ્રવેશ્યો ત્યાં તો જોયું કે યુનિ.ના કર્તાહર્તાઓ ડૉ. ક્રીકને બહારની તરફ લઈ આવતા હતા. ઉંચા, પાતળા અને આછી શ્વેત દાઢી ધરાવતા તેઓ જેવા નજીક આવ્યા કે યોગાનુયોગે એમનું ધ્યાન મારી ઉપર પડ્યું એટલે મેં એમની સામે હાથ જોડ્યા. એમની સાથે ચાલવા લાગ્યો અને શક્ય એટલા ઓછા શબ્દોમાં હું એમને સાંભળી ન શક્યો એનું મને ખુબ જ લાગી આવ્યું હતું એમ જણાવ્યું. હવે જે બન્યું એ મારા માટે પૂરતું હતું. ડૉ. ક્રીકે મારો હાથ એમના હાથમાં લઈ, બીજા હાથે મારો ખભો થાબડ્યો અને બોલ્યા, “Never mind, young man. Next time !”  જે હાથે ૧૯૫૩ની સાલમાં DNA મોડેલ તૈયાર કર્યાનું પેપર લખ્યું હશે, એ જ હાથ મારા હાથમાં તેમ જ ખભા ઉપર હોવાનો રોમાંચ એ ઉમરે હતો એ આજે ૬૩ વર્ષની ઉમરે પણ એટલો જ તરોતાજો અને અવર્ણનીય છે. જો કે એ Next time ક્યારે ય ન આવ્યો.


આમ, મારા જીવનમાં મને પ્રાપ્ત થયેલા એવા મહાનુભાવોને રૂબરૂ મળવાના યાદગાર પ્રસંગોમાંના છ મેં અહીં ત્રણ તબક્કે રજૂ કર્યા છે. આ ઉપરાંત પણ આવા લ્હાવા મળ્યા છે પણ અહીં વર્ણવેલા અનુભવોની યાદ આજે પણ તાજી છે અને જ્યારે જ્યારે યાદ આવે ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. 
તસ્વીરો નેટ પરથી અને વિડિઓ યુ ટ્યુબ પરથી લીધેલાં છે.