Monday 17 October 2016

અહા! સંગીત!

સંગીતનો શોખ નાની ઉમરથી જ લાગેલો રહ્યો છે. રાગરાગીણીઓ માં જરાય સમજણ નથી પડતી. ગાયન કે વાદનની બારીકીઓમાં પણ ચાંચ ડૂબતી નથી. પણ તેમ છતાંય જે કાંઈ પણ સાંગીતિક-Melodious હોય, તે કર્ણપ્રિય બની રહે છે. વિકસતી ઉમરે જે કુટુંબ અને સમાજ માં રહેવાનું હતું, તેમાં સુગમ, ઉપશાસ્ત્રીય તેમજ શાસ્ત્રીય સંગીતનો થોડો થોડો લાભ મળતો રહેતો હતો, પણ રસ રૂચી ઉપર સૌથી વધુ પ્રભાવ ફિલ્મી સંગીતનો પડ્યો. કારણ એવું હોઇ શકે કે, એ તબક્કામાં  ફિલ્મી સંગીતનો શ્રેષ્ઠ સર્જનકાળ ચાલી રહ્યો હતો.
પ્રસ્તુત સમયગાળા દરમિયાન અમારા ઘરમાં રેડિઓ ન  હતો. 
અમારો 1968માં ખરીદાયેલો રેડિઓ
મારી 14-15 વર્ષની ઉમરે જ્યારે રેડિઓ ખરીદવામાં આવ્યો, ત્યારેપણ એમાં ક્યારે અને શું વાગશે, એ  દાદા અથવા અન્ય વડીલો નક્કી કરતા. મારા પિતૃ તેમ જ માતૃ પક્ષના દાદાઓ સ્વતંત્ર ભારતના એક સમયના સુચના અને પ્રસારણ મંત્રી શ્રી કેસકર સાથે એ બાબતે સંપૂર્ણપણે સંમત હતા કે ફિલ્મી સંગીત તો દીવ્ય ભારત દેશનાં મહાપુણ્યશાળી નાગરીકોના સંસ્કારો બગાડવા માટે બાહ્યાવકાશી દૈત્યો દ્વારા કરાતા હુમલાનું એક અમોઘ શસ્ત્ર હતું! જો કે એ બન્ને નિયમીત બહાર જતા અને એ સમયગાળાનો ભરપૂર લાભ ઘરમાં કાકા અને મોસાળમાં માશી દ્વારા ઉઠાવવામાં આવતો! એ સમયનાં લાભાન્વિતોમાં સમાવીષ્ટ થવા હું શક્ય પ્રયાસ કરતો. દાદા(ઓ) અચાનક પાછા ઘરે આવી જાય તો વિવિધ ભારતી કે રેડિઓ સિલોન સાંભળતાં પકડાઈ જવાનો ભય સતત માથે રહેતો. જો કે એ જમાનામાં ભાવનગરમાં પાનની દુકાનો અને માત્ર ચા અને ‘ભિસ્કુટ’ પીરસતી ‘હોટેલો’માં રેડિઓ વગાડવાનો ચાલ શરૂ થઈ ગયેલો. તેના માલિકો/સંચાલકો મારી જેવા વંચિતો માટે થઈને શક્ય મોટા વોલ્યુમથી રેડિઓ પર ફિલ્મી ગીતોના કાર્યક્ર્મો વગાડતા અને આ સગવડનો લાભ લેવા કોઇ કોઇ વાર શાળામાં મોડા પડવાનું અને તેની સજા ભોગવવાનું પણ બન્યું છે. હથેળીમાં સાહેબની સોટી વાગતી હોય, ત્યારે મનમાં થોડી જ વાર પહેલાં સાંભળેલું ‘ઉઠાયે જા ઉનકે સીતમ’ વાગતું હોય! રીતે ફિલ્મી સંગીતમાં જાણ્યે અજાણ્યે રસ વધતો ગયો. જેમ જેમ શોખ વિકસતો ગયો, તેમ તેમ એની અભિવ્યક્તી માટેની સ્ફૂરણા જોર પકડવા લાગી.  ગાયન માટેની જરાય ક્ષમતા ન હોવાની જાણ બહુ અસરકારક રીતે પાડોશીઓ, મિત્રો, શિક્ષકો અને ખાસ કરીને વડીલો દ્વારા થયા બાદ વાદન ઉપર હાથ અજમાવવાનું નક્કી કર્યું.  ટાઈસોકોટો (બેન્જો), હાર્મોનિયમ, મેન્ડોલિન, વાંસળી અને માઉથ ઓર્ગન વગાડવાની કોશિશ સમયસમયાંતરે કરી, જે પૈકી ટાઈસોકોટો અને મેન્ડોલિનના ફોટા નીચે મુક્યા છે.






આટલો શોખ હોવા છ્તાં પધ્ધતીસરની તાલીમ ક્યારેય ન લીધી. મારી આ ‘સાધના’ સહન કરનાર એવાં ઉપર ઉલ્લેખાયેલ વર્ગોનાં સભ્યો "પાણા પે ઈંટ પોચી" એ કહેવતને બરાબર પચાવી ગયાં હોવાથી "ગાય, એના કરતાં વગાડે એ ઓછું કષ્ટદાયક" એમ મન મનાવી, મારી 'પ્રગતી'નાં (શબ્દશઃ) મૂક સાક્ષી બની રહ્યાં. જો કે આ બધાંમાંથી કોઈએ એમનામાં વિકસેલ સહનશીલતાના સદગુણ માટે મેં આપેલ ફાળાને ક્યારેય બિરદાવ્યો નથી!

 શાળાજીવનનાં મોટા ભાગનાં વર્ષો ભાવનગરમાં ગાળવાનાં થયાં. એ દરમિયાન અલગ અલગ સમયે સંગીત શોખીન શિક્ષકોનો લાભ પણ મળતો રહ્યો. 1971માં નડીયાદની જે એન્ડ જે સાયન્સ કૉલેજમાં માઈક્રોબાયોલોજી ભણવા ગયો, ત્યારે એક જ વર્ગમાં અને એક જ હોસ્ટેલમાં ભાવનગરના પહેલેથી જ પરિચિત એવા બે મિત્રો શેખર અને નિશીથનો  24 કલ્લાકનો સાથ મળવા લાગ્યો. એ બન્ને સંગીતની સમજણને લઈને એ સમયે પણ મારી સરખામણીએ ખાસ્સા સમૃધ્ધ હતા. 1971-1973 નાં બે વર્ષ દરમિયાન મારો શોખ આ મિત્રો થકી સારો એવો સંવર્ધિત થયો. 
 ટાઈસોકોટો વાદન. તબલાતરંગ પર મિત્ર શેખર



નિયમીત રીતે કૉલેજ, યુનીવર્સીટી, જીલ્લા જેવી વિવિધ કક્ષાએ યોજાતા કાર્યક્રમોમાં અવારનવાર ભાગ લેવાની તકો મળતી રહી, એમાં સારા સારા જાણકારોનો પણ પરિચય થયો. એમનું માર્ગદર્શન મળે, એવું પણ બનતું રહ્યું. 1973 માં B.Sc.ની ડીગ્રી પ્રાપ્ત થયા પછી મને અમારી જ કૉલેજમાં M.Sc.માં એડમીશન મળતાં વધુ બે વર્ષ નડીયાદમાં ગાળવા મળ્યાં. આ ચાર વર્ષમાં ઘણા યાદગાર પ્રસંગો બન્યા, જેમાંથી બે અહીં વહેંચવા છે.
                                 
 1971 થી 1975ના સમયગાળા દરમિયાન અમારા જ પરીસરમાં આવેલી કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલ તરીકે શ્રી શરદ મહેતા હતા. તેઓ સંગીતની અસાધારણ સુઝ ધરાવતા હતા. તેઓએ પોતાની કૉલેજ માટે સારી કક્ષાનાં વાજીંત્રો વસાવ્યાં હતાં. 1971માં શરૂઆતના બે એક કાર્યક્રમોમાં નિશીથ અને શેખરની હાર્મોનીયમ પરની હથોટી વડે પ્રભાવીત થઈ, અમારા તે વખતના પ્રિન્સીપાલ ડૉ. એચ એમ દેસાઈએ મહેતા સાહેબને વિનંતી કરી કે તેઓએ વસાવેલ હાર્મોનીયમ સાયન્સ કૉલેજના કાર્યક્રમ માટે જરૂર પડ્યે આપે. મહેતા સાહેબ આ ‘પેટી’ (તેઓ હાર્મોનીયમ માટે હંમેશાં પેટી શબ્દ વાપરતા) માટે બહુ જ Possessive  હતા. એમણે દેસાઈ સાહેબને ‘શરતને આધીન’ સંમતી આપી. શરત એ હતી કે, “છોકરાઓ આવીને મારી સામે વગાડી બતાડે અને જો યોગ્ય લાગે, તો હું માત્ર અને માત્ર કાર્યક્રમ માટે આપીશ, અગાઉ પ્રેક્ટિસ તો તમારી કૉલેજની પેટી ઉપર જ કરવાની રહેશે.” દેસાઈ સાહેબે અમને ત્રણેયને બીજે દિવસે સવારે મહેતા સાહેબ પાસે જવા સુચના આપી. અમે એ પ્રમાણે સમયસર મહેતા સાહેબની ઓફીસમાં પહોંચી ગયા. એમણે વારાફરતી કસોટી લઈ, અમને ઉત્તીર્ણ જાહેર કર્યા અને કાર્યક્રમના દિવસે પેટી લઈ જવાથી શરૂ કરી, કાર્યક્રમ પૂરો થયે પાછી હેમખેમ તેઓને હાથોહાથ પરત પહોંચાડવા સુધીની જવાબદારી અમારી ત્રણ ઉપર રહેશે એવી સમજણ સહ મંજુરી આપી. જીવનમાં ઘણીજ ઉંચી કક્ષાનાં હાર્મોનીયમ ઉપર હાથ અજમાવવાની તકો મળી છે, જેમાં શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના ‘વાજા’નો પણ સમાવેશ થાય છે. પણ એ બધાંમાં સૌ પ્રથમ વાર મહેતા સાહેબની વસાવેલ ‘પેટી’ વગાડવા મળી, જે હજી ભુલાઈ નથી. તે  સાત ધમણ, કપ્લર અને રોટરી કંટ્રોલ બટન્સ તેમ જ પેરીસમાં બનેલ નર ખરજ સૂર ધરાવતું અદ્ભૂત  હાર્મોનીયમ હતું.

પછી તો મહેતા સાહેબને અમારીથી નારાજ થવાનું કોઇ કારણ ન મળે તે માટે અમે ખુબ જ સતર્ક રહેતા. એમની કૉલેજના કાર્યક્રમોમાં પણ જરૂર પડ્યે અમને બોલાવવામાં આવતા અને અમે સહર્ષ જતા પણ ખરા. સમય જતાં કાર્યક્રમની તૈયારી માટે આ હાર્મોનીયમ અમને 15-20 દિવસ માટે હોસ્ટેલની રૂમમાં રાખવા સુધીની સવલત મહેતા સાહેબ દ્વારા મળવા લાગી. આવા દિવસો અને ખાસ કરીને રાતો મારા માટે ખુબ જ ઉપયોગી બની રહેતાં. કાર્યક્રમમાં નિશીથ અને શેખર વારા ફરતી હાર્મોનીયમ અને તબલાં વગડતા. મારા ભાગે મોટા ભાગે ટાઈસોકોટો અથવા માઉથ ઓર્ગન કે પછી ક્યારેક મેન્ડોલિન વગાડવાનું આવતું. પણ હોસ્ટેલમાં એ બન્ને મને હાર્મોનીયમ ઉપર  હાથ અજમાવવા દેતા એટલું જ નહીં, એની બારીકીઓ પણ સમજાવતા. વર્ષમાં લગભગ ચારેક કાર્યક્ર્મો થતા, જેમાં મહદ અંશે ફીલ્મી ગીતો અને થોડાં ગુજરાતી સુગમ ગીતોનો સમાવેશ રહેતો. વળી પરમ મીત્ર ઈમેન્યુઅલ રેમન્ડ, ક્લીફ રીચર્ડ્સ, એલ્વીસ પ્રેસ્લી તેમજ બીટલ્સનાં ગીતો રજૂ કરતો. અમને સ્ત્રીકંઠ માટે યોગ્ય પસંદગી ન્હોતી મળતી. અન્યથા ખુબ જ ઉત્સાહી (અને સુંદર!) છોકરીઓ ગાયકીમાં અપેક્ષાથી ઘણી ઉણી ઉતરતી હોવા છતાં વિકલ્પના અભાવે ચલાવી લેવું પડતું. એક સહ્રદયી મિત્ર બીપીન જોષી(ભગવાન એના આત્માને શાંતી આપે)એ તો Dual Voiceમાં ગાવા માટે દરખાસ્ત એક કરતાં વધુ વાર કરી હતી, પણ અમે એને ‘વોઈસ ઓફ મહેશકુમાર’નો ખીતાબ અર્પણ કરવાથી વધુ પ્રોત્સાહીત નહીં કરી શકેલા!

 અમારી (Poor man’s) Orchestra, અમે ત્રણ મિત્રો ઉપરાંત મહેતા સાહેબની કોમર્સ કૉલેજનો જતીન મહેતા નામનો વિદ્યાર્થી, એમ ચાર ‘સાજીન્દા’ની બનેલી હતી. 1973 સુધી બધું બરાબર ચાલ્યું.  પણ અમે B.Sc. થઈ ગયા પછી શેખર અને નિશીથ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ ગયા અને અને અમારી ત્રિપુટીમાંથી હું નડીયાદ ખાતે એકલો પડી ગયો. અલબત્ત, રેમન્ડ સાથે હતો અને વિશેષમાં, હોસ્ટેલની એક જ રૂમ અમને સાથે રહેવા મળેલી, એ મોટું સાંત્વન હતું. આ સંજોગોમાં ‘ઉજ્જડ ગામમાં એરંડો’ના ન્યાયે 1973ના ઓગસ્ટ મહીનામાં આયોજીત કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મારે શીરે આવી. એક્લા પડી ગયાને લીધે મનમાં મુંઝવણ હતી પણ એક ઘટના ઉત્સાહપ્રેરક બની રહી. પસંદગી માટે આવેલ એક છોકરીએ ‘સુહાના સફર ઔર યેહ મૌસમ હંસી’ અસાધારણ ખૂબીથી ગાયું અને લતા મંગેશકરના આવિર્ભાવથી ગુલામ હૈદર, અનીલ વિશ્વાસ અને ખેમચંદ પ્રકાશને કેવી લાગણી થઈ હશે, એ મને ત્યારે સમજાયું! એણે કાર્યક્રમમાં ફીલ્મ ‘બીસ સાલ બાદ’નું ‘કહીં દીપ જલે કહીં દીલ’ ગાવાનો ઈરાદો વ્યક્ત કરી, વિદાય લીધી. જરૂર કરતાં વધારે આનંદ અને ઉત્સાહની અસરમાં નામ પુછવાનું રહી ગયું પણ આજુબાજુ જમા થયેલા ઉત્સાહી ‘સ્વયંસેવકો’એ જણાવ્યું કે એ મુન્શી અટક ધારીણી છોકરી થોડા સમય પહેલાં જ અમારી કૉલેજમાં વડોદરાથી આવી હતી.

પણ, સારી ગાયીકા મળી હોવાની ખુશી રાત સુધીમાં મુંઝવણમાં ફેરવાર્ઈ ગઈ,  જ્યારે આ ગીત હાર્મોનીયમ ઉપર બેસાડવાનું શરૂ કર્યું. આ ગીતનો Prelude બહુ જ સહેલાઈથી યાદ રહી જાય એવો હોવાથી આવડતો હતો પણ Interlude  બિલકુલ યાદ ન આવે! બે ત્રણ દિવસમાં કોઇ પણ રીતે સજ્જ થઈ જવાશે, એવું સમાધાન મનોમન કર્યું. આ માટે ગીત સંભળવું જરૂરી હતું. પણ એ શી રીતે, તે સવાલ હતો. મારી પાસે કે અન્ય કોઈ મિત્ર પાસે રેડિઓ ન હતો. આ 1973ની વાત છે, જ્યારે રેકોર્ડ પ્લેયર કે કેસેટ પ્લેયર જેવાં સાધનો અતિ સંપન્ન કુટુંબો પાસે જ જડતાં. અને એ લોકો પાસે પણ આ ગીત હોય, એની કોઇ ખાત્રી ન હોય. તેમ છતાં સઘન પ્રયત્નો કર્યા. નસીબજોગે મારી બે ત્રણ દિવસની સંનિષ્ઠ જહેમતનું કોઇ ફળ ન મળ્યું. હવે એ છોકરીને કહેવું કે મને આ ગીત બેસાડતાં નથી ફાવે એમ, એ તો પ્રતિષ્ઠા(?) ઉપર કુઠારાઘાત સમાન નીવડે! આથી એને આ કારણ સ્પષ્ટ જણાવ્યા વિના, અન્ય ગીત ગાવા માટે સમજાવવાની કોશીષ કરી જોઈ. પણ એ વ્યર્થ નીવડી. હવે Interlude યાદ ન આવે, એનું ભારણ, જેનો જવાબ  સહેજેય  ન આવડતા હોય, એવો પ્રશ્ન પરીક્ષામાં પુછાય ત્યારે અનુભવાતી લાચારીથી સહેજેય અલગ ન  હતું.

અમારા રેક્ટર એ દિવસોમાં કાર્યક્રમની તૈયારી માટે છોકરીઓના હોસ્ટેલ પ્રવેશને ઉદારતાથી મંજૂરી આપતા. ગીતોની પ્રેક્ટીસ હોસ્ટેલના અમારા રૂમમાં જ થતી. અમારો રૂમ અને આસપાસનો પરીસર સમગ્રપણે લીલા રંગ(ઈર્ષ્યા નો!)થી વ્યાપ્ત રહેતો. કોઇ જ પ્રયોજન વિના, “આ બાજુ થી નીકળ્યો, તે થયું, મળતો જાઉં” કહીને આવી જતા, કે પછી હોસ્ટેલમાં રહેતા હોવાને લીધે વિશેષાધિકારથી એ સમયે અચૂક હાજર રહેતા મિત્રોમાંથી પણ કોઈ જ મને પ્રસ્તુત ગીતની તૈયારીમાં મદદ કરી શકે એવી સજ્જતા ન્હોતા ધરાવતા. એક તબક્કો આવ્યો, જ્યારે ‘મીસ’ મુન્શીને સ્પષ્ટ શબ્દોમાં જણાવવાનું નક્કી કરી લીધું કે આ ગીતના Interlude ના ટૂકડાઓ મને યાદ નથી આવી રહ્યા, માટે એણે ફરજીયાત પણે અન્ય ગીત ગાવાની તૈયારી રાખવી પડશે.



 (આ ક્લીપમાં નીચે Time Bar ને ચાલવા દો. તેમાં 59 સેકંડ્સ થી લઈને  1 મિનીટ , 20 સેકંડ્સ  દરમિયાન જે ટૂકડાઓ વાગે છે, એની આ વાત છે.)

કોને ખબર કેવી રીતે, પણ સાંજ સુધીમાં આ વાત ખાસ્સી એવી ફેલાઈ ચૂકી. અમારી પેઢીને વાતને Viral બનાવી દેવા  માટે Social Media જેવા માધ્યમની કોઈ મોહતાજી  ન હતી, એનું આ બાબત પ્રમાણ પૂરું પાડે છે! રાતે સુતી વખતે રેમન્ડ પાસે ફરી એક વાર લાચારીની વ્યથા ઠાલવી, જે નિરર્થક કસરત હતી. એણે મને શક્ય એટલું સાંત્વન પૂરૂં પાડ્યું અને મને હવે એ બાબતે વધુ વિચાર કરવાને બદલે વૈકલ્પીક વ્યવસ્થા માટે સજ્જ થવા માટે અને તે સમયે ઉંઘી જવા માટે સમજાવ્યો. નિષ્ફળતાની હતાશા સાથે મોડેથી ઉંઘ આવી.પણ લગભગ રાતના બે થી અઢી ના સુમારે આંખ ખુલી ગઈ અને પ્રસ્તુત Interludeના ટૂકડા મનમાં  વાગવા લાગ્યા! પહેલાં તો સપનું હશે, એમ લાગ્યું, પણ પછી સમજાયું કે આ તો જાગીને સાંભળું ને બિલકુલ સાચેસાચ (અત્યાર સુધી અટપટો લાગતો) ભોગ ભાસી રહ્યો હતો! બાજુ ના ખાટલામાં સુતેલ રેમન્ડને જગાડ્યો અને ‘યુરેકા યુરેકા’ની બૂમો પાડી. અલબત્ત, સભ્યતાનાં ધોરણો અકબંધ રાખીને!  

અમે બન્ને ત્યારે ને ત્યારે હાર્મોનીયમ લઈને અગાશીમાં ગયા, જ્યાં મેં સમગ્ર ગીત એને વગાડી સંભળાવ્યું.તેમ જ Interlude બરાબર યાદ રાખી લેવા કહ્યું, જેથી જો હું ભુલી જાઉં તો એ યાદ કરાવી શકે. બીજા દિવસે જ્યારે ભરી સભામાં જ્યારે આ ઘોષણા કરી કે, હવે હું ‘કહીં દીપ જલે’ પૂરેપૂરૂં વગાડવા સક્ષમ હતો, ત્યારે મનોસ્થિતી મેચના છેલ્લે બોલે છક્કો લગાવી ટીમને વિજય તરફ દોરી જનાર ફટકાબાજ જેવી હતી! ઉપસ્થિત મિત્રો તેમ જ ખાસ તો પ્રેક્ટીસ માટે હોસ્ટેલમાં આવેલ કન્યકાઓએ અતિશય હર્ષ વ્યક્ત કરી, વાતને વધાવી લીધી. અંતે સૌ સારાં વાનાં થયાં અને કાર્યક્રમમાં આ ગીતે પ્રેક્ષકો(મોટા ભાગનાં કાર્યક્રમ ‘જોવા’ માટે આવતાં હોય, સાંભળવા કે માણવા નહીં) ને ખુશ કરી દીધાં. એમાં ગાયન સાથે સંગીતના ફાળાની પણ નોંધ લેવામાં આવી. 
1973 ડીસેમ્બર, હાર્મોનિયમ પર સ્નેહાની સંગત 

આ ઘટનાક્રમની નાયીકા ‘મીસ’ સ્નેહા મુન્શી તો આ નાનકડી વાતથી એટલી પ્રભાવીત થઈ ગઈ કે મનોમન મારા પ્રેમમાં પડી ગઈ! જો કે આ બાબત મારી સુધી પહોંચાડવામાં એણે ત્રણ વર્ષનો ગાળો પસાર કરેલો. એ પછી જે કાંઈ બન્યું, તેને લીધે  આજ સુધી સ્નેહાને પોતાની પસંદગીનાં ધોરણો માટે આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તી માટે ઉંચો અભીપ્રાય નથી વિકસી શક્યો!


આટલા વિસ્તાર થી કરેલ આ વાત એ બાબત તરફ આંગળી ચીંધે છે કે, પ્રસ્તુત ગીત અને એ કક્ષાનાં અન્ય અગણીત  ગીતોમાં એ તાકાત હતી કે થોડો પણ રસ ધરાવતા હોઇએ, તો એ આપણા મગજના કોઇ અગોચર ખુણામાં અચળ સ્થાન જમાવી લેતાં. આથી આ ગીત અલપઝલપ કાને પડ્યા કર્યું હશે અને તેણે હ્રદયમાં તો ખરી જ, મગજમાં પણ ક્યારે અને કેવી રીતે જગ્યા બનાવી લીધી, ખબર નહીં. આ અને આવાં અનેક ગીતોનાં સર્જકો (લખનાર, ગતમાં બાંધનાર, ગાનાર અને સાથ આપનાર સાજીન્દાઓ)ને નતમસ્તક વંદન.

અન્ય ઘટના શાસ્ત્રીય સંગીતને લગતી છે. અગાઉ જણાવ્યા મુજબ મિત્ર રેમન્ડ મુખ્યત્વે અંગ્રેજી ગીતોનો શોખીન, પણ અમારી સાથે રહેતે રહેતે ફિલ્મી/સુગમ ગીતો તરફ પણ એનો ઝુકાવ સતત કેળવાતો જતો હતો. વિશેષમાં સંગીત માટેની એની લગની, ઘેલછા કહેવાય એ કક્ષાની હતી. નામથી અને દેખાવથી વિદેશી લાગતો રેમન્ડ, અમદાવાદમાં જ જન્મી, ઉછરેલો યહૂદી હતો.
ઈમેન્યુઅલ રેમન્ડ(2016)


 હવે મૂળ વાત ઉપર આવું. યાદ આવે છે  1974ના ડીસેમ્બર મહિનાના એક શનિવારની ઠંડી રાત. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અત્યંત વિચીત્ર રહેતું હતું. ઠંડી, વાદળછાયું આકાશ અને ગમે ત્યારે પડી જતા વરસાદને લીધે ક્યાંય ચેન ન પડે એવી સ્થિતી બે ત્રણ દિવસથી સર્જાયેલી હતી. કોઈ કારણસર કૉલેજમાં પણ રજા જેવો માહૌલ હતો. આખા દિવસની નિષ્કર્મણ્યતાને લઈને અમે બેઈ ખુબ જ કંટાળેલા હતા અને તેવામાં ‘દુકાળમાં અધિક માસ’ કહેવતને સાર્થક કરવા માટે લાઈટ ગઈ! હવે શી રીતે સમય પસાર કરવો, એમ વિચારતાં યાદ આવ્યું કે હવે તો અમારી પાસે રૂમમાં રેડિઓ હતો. જેવો રેડિઓ ચાલુ કર્યો કે ન્યાલ થવાનું શરૂ થયું. એ દિવસોમાં દર શનિવારે રાતના સાડા નવથી આકાશવાણીનાં બધાં જ કેન્દ્રો ઉપર શાસ્ત્રીય સંગીતનો ગાયન/વાદનનો કાર્યક્રમ રજૂ થતો. આ દિવસે શ્રી દેવેન્દ્ર મુર્દેશ્વરના વાંસળી વાદનનો કાર્યક્મ હતો.
શ્રી દેવેન્દ્ર મુર્દેશ્વર્

ધીમે ધીમે તેઓ રાગનો વિસ્તાર કરતા ગયા. બહાર ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થયું. જ્યારે તેઓ દ્રુત તાલમાં પ્રવેશ્યા, ત્યાં વીજળી ચમકવા લાગી. કડાકાનો પહેલો અવાજ આવતાં રેમન્ડે ઉભા થઈ, બારી બંધ કરી દીધી, જેથી શ્રવણયાત્રામાં ખલેલ ન પડે. છેવટે લગભગ અઢી કલ્લાક પછી દેવેન્દ્ર મુર્દેશ્વરના વાંસળી વાદનનો છેડો આવ્યો, અને એ જ સાથે રૂમમાં લાઈટ આવી! મેં જોયું કે રેમન્ડની આંખમાંથી આંસુ નીકળ્યે જતાં હતાં. હું પણ ઓછો અભિભુત ન્હોતો. આ પછી જીવનની આટલી લાંબી મજલમાં ઘણા મુર્ધન્ય અને સ્વનામધન્ય સંગીતમાર્તંડોને રૂબરૂ સાંભળવાના પણ સુભગ અવસરો સાંપડ્યા છે, પણ એ રાતે જે લગભગ સમાધિ લાગ્યાની કક્ષાનો અનુભવ થયો, એ અવિસ્મરણીય છે.

 વિશેષમાં ઉમેરવાનું કે અમારો અતિશય  પ્રિય મીત્ર રેમન્ડ છેલ્લાં 40 વર્ષથી ઈઝરાઈલમાં સ્થાયી થયો છે. 1975ના ઑક્ટોબરમાં ત્યાં ગયા પછી એક પણ વાર પાછો અહીં આવ્યો નથી. પણ અમે સાથે રહ્યા, એ અરસામાં એને અમારી દોસ્તીની અને હિન્દુસ્તાની (ફિલ્મી સહીત) સંગીતની જે લગની લાગી છે, તે હજી સુધી છુટી નથી. આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં બેઈ મુખ્ય પાત્રોમાંથી રેમન્ડ 41 વર્ષથી મને બિલકુલ ન મળ્યો હોવા છતાં અને સ્નેહા 39 વરસથી સતત સાથે હોવા છતાં તેઓ પહેલાં જેટલી જ ઉત્કટતાથી આજે પણ મને દિલથી ચાહે છે. અમારી હોસ્ટેલના દિવસોની દોસ્તીને યાદ રાખીને રેમન્ડે મને ઉમદા નસલનું એકોર્ડિયન મારા જન્મદિવસ ઉપર ત્રણ વરસ પહેલાં ભેટ કર્યું છે. 
એકોર્ડિયન, રેમન્ડની ભેટ
અહીં ઉલ્લેખ થયો છે, તે ઉપરાંત અન્ય કેટલાક મીત્રો હજી પણ એકબીજા સાથે બંધાયેલા રહ્યા છીએ, એમાં સંગીત નો ફાળો બહુ મોટો છે. અને આ નવી ટેકનોલોજીનો પણ! 


સૌજન્ય સ્વિકાર: ગીતનો વિડીઓ- યુ ટ્યુબ અન્ય ફોટા- નેટ ઉપરની વિવિધ સાઈટ્સ