Friday 6 January 2023

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૧)

 

                                                              ૧) મારો પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના સંતાનને માટે પ્રાથમિક શાળાથી લઈ, આગળના કોઈ પણ અભ્યાસક્રમમાં એડ્મીશન મેળવવું  કેટલું કઠીન છેએ સર્વવિદીત છે. આ પરિપ્રેક્ષ્યમાં આજથી છ દાયકા પહેલાંના મારા બે અલગઅલગ  'શાળાપ્રવેશ'ની યાદ આવીજે પ્રસ્તુત છે....

સને ૧૯૫૮ના નવેમ્બર મહિનામાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાંથી ચાલીશાંપાયાંઅડધાંપોણાંસવાયાંદોઢાં અને અઢિયાં સુધીનાં પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં - સાડા ત્રણનો ઘડીયો - નહીં  શીખવવા પાછળ એમની આર્ષદ્રષ્ટી કામ કરી ગઈ હોવી જોઈએ કે આવડો આ મોટો થતાં પોતાની સમગ્ર કારકિર્દી અન્યોને ઉંઠાં ભણાવવામાં જ વિતાવવાનો છે!). વળી સાથેસાથે એમણે મને છાપાંના માધ્યમથી  થોડું થોડું વાંચતાં પણ શીખવેલું. મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કેઆને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતોપણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય - દાદી - ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા ઘરથી બહુ આઘી નહીં એવી એક નિશાળમાં તપાસ કરી આવ્યા અને સને ૧૯૫૯ના જાન્યુઆરી મહિનાના એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મૂરત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.

 

દાદાએ મને નિશાળે મૂકવાનું નક્કી કર્યું એ દિવસથી જ માએ મને નિશાળ વિશે ખૂબ જ રોચક અને રોમાંચક વાતો કહેવા માંડી હતી. આથી એ દિવસ આવી પહોંચ્યો ત્યારે મને કોઈ જ જાતના અણગમાની કે ડરની લાગણી ન અનુભવાઈ. બલ્કે હું એ બાબતે ખુશ હતો. એ દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરીઘી ગોળ અને ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! નીકળતી વખતે ફઈએ મારા હાથમાં નાળીયેર અને સવા રૂપીયો મૂકીને શૂકન કરાવ્યા અને દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા. મેં બરાબર પહેલે પગથીયે પગ મૂક્યો એ સાથે જ દાદીએ મોટા અવાજે  'નિશાળ ગરણું ' (એ જમાનામાં બાળક પહેલી વાર નિશાળે જાય ત્યારે ગવાતું ગીત) છેડ્યું. એ વખતે પ્રવેશોત્સવઆ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતોસરકારો બીજાં ‘બિનઉપજાઉ’ છતાંયે લોકોપયોગી કાર્યો કરતી રહેતી! મને દાદા સાથે જતો જોઈને નીચે કૂંડીએ કપડાં ધોતી માને જાણ થઈ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઈ ગઈ! બાપુજી તો એકાદ કલાક પહેલાં મારા માથા ઉપર હાથ ફેરવી, 'સરસ ભણજેકહીનોકરીએ નીકળી ગયેલા.

 

ઘરથી લગભગ એકાદ કિલોમીટર દૂર ‘ડોન’ વિસ્તારમાં આવેલી ‘નૂતન વિદ્યાલય’ નામની નિશાળ હતી. એ જ નિશાળની અન્ય શાખા ત્યાંથી એકાદ કિલોમીટર દૂર ‘હલુરીયા’ વિસ્તારમાં પણ હતી. પણ, દાદાએ મને ડોનવાળી નૂતનમાં બેસાડવાનું નક્કી કર્યું હતું. એનાં બે કારણો હતાં. એક તો એ કે એ શાખા પ્રમાણમાં નજીક હતી. બીજું અને વધારે મહત્વનું કારણ એ હતું કે  ત્યાંના હેડમાસ્તર સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. આથી મને મૂકવા-લેવાની સાથે એ બે મિત્રોની ભાઈબંધીનું વધુ ને વધુ દ્રઢીકરણ થતું રહે. નોંધનીય બાબત એ છે કે  દાદા અને એમના મિત્રોની મૈત્રીનું ઘનીકરણ ‘ચા’ તરીકે ઓળખાતા એક દિવ્ય પ્રવાહીની મદદથી થતું રહેતું. ઘરેથી મને લઈને દાદા ‘નૂતન’ તરફ ચાલી રહ્યા હતા એવામાં રસ્તામાં આવતી ભીખા લખમણની દૂકાને અટકી ગયા. ત્યાંથી એમણે નિશાળમાં વહેંચવા સારુ સવાશેર સાકરીયા શીંગ અને અઢીશેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ભાગઅપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વીકારી લીધી અને મને શીંગ-દાળીયા અપાવ્યાં. આમ, અગાઉનો સવા રૂપીયો અને હવે ભાગ એવા બે પ્રકારના વૈભવોની દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની આંગળીએ આગળ ચાલ્યો.

 

નિશાળે પહોંચીદાદા મને  હેડમાસ્તરસાહેબની રૂમમાં લઈ ગયા. ત્યાં સાકરકાકા તરફથી મળેલા અભિવાદન અને ઉમળકાભેર આવકાર પછી દાદાએ એમને કહ્યું ,  "આજથી આ છોકરો તને સોંપ્યો." આવી મોટી જવાબદારી સ્વીકારતાં પહેલાં સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાંજે  'પઢો રે પોપટ રાજા રામનામથી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવાનું નક્કી કર્યું. અને તે વર્ગમાં નિરંજનાબહેન નામનાં શિક્ષીકા પાસે મને લઈ ગયા. બહેને વર્ગના બધા છોકરાઓને તાળી વગાડી મારું સ્વાગત કરવા સૂચિત કર્યા. પાછળ હાથમાં લાકડી લઈને ઉભેલા સાકરકાકાને ભાળીને ડઘાઈ જવાથી અને મારા દાદાના હાથમાંની થેલીમાં મિષ્ટ ખાદ્યપદાર્થો ભરેલા હોવાની ખાત્રી વડે જન્મેલા આનંદની લાગણીની મિશ્ર અસરમાં બધા છોકરાઓએ મને વધાવી લીધો. મારા હસ્તે સાકરીયા અને પતાસાંની વહેંચણી થઈ એ દરમિયાન અવારનવાર તાળીઓ પડતી રહી. સાકરકાકાએ દાદાને શાળા છૂટે ત્યાં સુધી પોતાની ઑફિસમાં બેસીને પછી મને લઈને જ ઘેર જવાનું સૂચન કર્યું વાતો-ચીતો અને ગામગપાટા ઉપરાંત બે-ત્રણ વાર ચા પણ એમાં સમાવિષ્ટ હશે જ એ સુપેરે જાણતા દાદાએ ઉક્ત ઉમદા દરખાસ્તનો સહર્ષ સ્વીકાર કર્યો.

 

એ બન્ને જેવા વર્ગની બહાર નીકળ્યા કે મને જેની બાજુમાં બેસાડવામાં આવ્યો હતો એ હર્ષદીયાએ મારા ગાલ ઉપર ચોંટીયો ભરી લીધો અને પાછળની બાજુએથી ભગવાનીયાએ મારી બોચીમાં ઝાપટ લગાવી દીધી. પોતાના કુટુંબમાં તેમ જ મોસાળમાં સમવયસ્કોની બહોળી સંખ્યા વચ્ચે રહેવા/રમવા/ઝઘડવાનું નિયમિત બનતું રહેતું હોવાથી થતા રહેતા ખાસ્સા મહાવરાને લઈને મને બાચકા/બટકાં/ન્હોરીયા/ઝાપટ વગેરેના પ્રયોગો સુપેરે આવડતા હતા. આમ હોવાથી મેં ન્યૂટનના પહેલા નિયમને સવાયા પ્રત્યાઘાતથી પૂરવાર કર્યો. જો કે વર્ગશિક્ષીકા નિરંજનાબહેને તાત્કાલિક ધોરણે પરિસ્થિતીને કાબુમાં લઈ લીધી. પણ, ઓલા બે વરિષ્ઠોએ મારી સામે ડોળા કાઢવાનું અને બે તાસની વચ્ચેના અવકાશમાં મને ડારો દેવાનું ચાલુ જ રાખ્યું. આમ, મને શાળાપ્રવેશના શરૂઆતના હોરામાં જ “બા’રો નીકળ, તને જોઈ લઈશ” એ શબ્દપ્રયોગ શીખવા મળ્યો એનું શ્રેય મારે હર્ષદ શાહ અને ભગવાન વાઘેલાને આપવું રહ્યું. આ રીતે જોઈએ તો મારી શૈક્ષણિક કારકીર્દીની શરૂઆત બહુ શૂકનવંતી નીવડી ન કહેવાય. જો કે નાની રીસેસમાં અમારાં પ્રેમાળ નિરંજનાબહેને અમારી ત્રણેયની ‘બુચ્ચા’ કરાવી દીધી. મોટી રીસેસમાં તો એ બેય સાથે મેં મેદાનમાં આવેલાં હીંચકા-લપસણીની મોજ પણ માણી લીધી. એ જ સમયે એ જ વર્ગના પ્રવીણ પારેખ અને કિશોર ડાભી નામના બે ‘દાદાલોગ’ પણ મારા ‘ભેરૂ’ થવા તૈયાર થઈ ગયા. એમણે કરેલી દોસ્તીની પહેલ માટે થોડા સમય પહેલાં હર્ષદનો અને ભગવાનનો મેં કરેલો પ્રતિકાર જેટલો જવાબદાર હતો એટલાં જ જવાબદાર દાદાની થેલીમાં હજીયે વધેલાં પતાસાં અને સાકરીયા પણ હતાં! આ ચારેય મિત્રોએ છૂટતી વેળાએ એ મિષ્ટ પદાર્થોની પુન:વહેંચણી થાય ત્યારે પોતાને પ્રાથમિકતા મળે એવી વેતરણ મારી પાસે કરી લીધી. ત્યારે નૂતન વિદ્યાલયમાં એવો રિવાજ હતો કે જે દિવસે નવો નિશાળીયો ‘બેસે’, તે દિવસે એના માનમાં બે પીરીયડ વહેલી રજા આપી દેવામાં આવતી. એ નિયમ અનુસાર સાડાત્રણ વાગ્યે નિશાળ છોડી દેવામાં આવી. સવારે મને વર્ગમાં જે હોંશ અને ઉમંગથી તાળીઓ વડે આવકારવામાં આવ્યો હતો એની પાછળ જેટલાં જવાબદાર સાકરીયા-પતાસાં હતાં એનાથી થોડી જ ઓછી જવાબદારી આ બે ‘પીડીયલ’ વહેલા રજા મળે એ બાબતની પણ હશે.

 

રે જઈને દાદાએ ગર્વોન્નત મસ્તકે દાદીને બધી વાત કરીએમનો ઈંગિત એ તરફ હતો કે હિંચકે ઝૂલતાં આખ્ખો દિપાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં-ચોપડીયું  ઉપરાંત પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા. પણ એ કશાની જરાયે નોંધ લીધા વિના દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઉક્ત ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મૂકાતો હશેમરી જશે મરીછોકરો મારો! કાલે જઈને ઉતારી આવોએક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિશે જણાવતાં મારું તત્કાળ પતન થયું અને હું બીજા ધોરણમાં તારાબહેનના વર્ગમાં  'બેઠો'! જો કે એ વર્ગમાં સાકરીયા-પતાસાં ન વહેંચાયાં હોવાથી કોઈએ મારા પ્રવેશની નોંધ લીધી હોય એવું લાગ્યું નહીં. ભગવાનીયાને, હર્ષદીયાને, કિશલાને અને પ્રવીણીયાને તો એક જ દિવસના સહવાસમાં મારી એવી તો માયા થઈ ગઈ કે એ ચારેય એ વખતની વાર્ષીક પરીક્ષામાં નાપાસ પડીને ત્રીજા ધોરણમાં મારી સાથે થઈ ગયા! એ હાડોહાડ કળજુગમાં શિક્ષણપ્રણાલી એટલી તો ક્રૂર હતી કે ભારતના ભાવિ નાગરીકોની પ્રગતીમાં આવી ને આવી ઠેસો વાગ્યા જ કરતી. મારા પ્રવેશ સાથે સંકળાયેલ ઘટનાક્રમની એક વધારાની નોંધનીય બાબત એ હતી કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારા જન્મનું વર્ષ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખ્યું હતું. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! એ જમાનામાં ભરાતા મેળામાં એક સાથે ત્રીશ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળકકે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યાનાં પ્રદર્શનો યોજાતાં એવું જ કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!

 

એ સમયે એક વિશિષ્ટ સગવડ હતી _ કેટલાયે છોકરાઓ નીશાળ તરફ ભારોભાર અણગમો ધરાવતા. ઘરેથી મોકલ્યો હોય એ છોકરો એકાદ બગીચે કે અખાડે ધુબાકા બોલાવતો હોય અથવા છેવટે રેલવે સ્ટેશને કે બસસ્ટેન્ડે બેસી રહે અને સમય થયે ઘેર જાય એવા કિસ્સાઓ કાને પડતા રહેતા. સત્ય બહાર આવે ત્યારે ઘરનાં વડીલો અને નિશાળના સાહેબો એવાઓને ‘ધોકાવી નાખે’! પણ એની બહુ દૂરોગામી અસર ન વર્તાતી. આ પ્રકારના હીરલાઓ માટે એક ચોક્કસ વ્યવસ્થા તે સમયે મોટા ભાગની નિશાળોમાં હતી. નિશાળના ઉમરમાં મોટા અને હાડેતા એવા ચાર-પાંચ છોકરાઓને ‘ખાસ ફરજ પરના અધિકારી’ તરીકે આ કામ સોંપાતું. ધાક-ધમકી–ઢીંકા-પાટુ એ સર્વે ઉપાયો વડે એ છોકરાને આવી ‘ઉઠાવગીર મંડળી’ નિશાળ ભેગો કરી દેતી. અમારી નિશાળમાં એ સમયે આ ફરજ નિભાવવા માટે જે ચાર છોકરાઓ હતા એમાંના જયલો અને ચોથીયો મને હજીયે યાદ છે. ઘણી વાર તો જે તે છોકરાની ટીંગાટોળી કરીને લવાતો હોય એવાં દ્રષ્યો જોયાં હોવાનું યાદ છે. એક અન્ય સગવડ હતી થોડા સમય માટે નિશાળ બદલવાની! બે નિશાળો વચ્ચે કોઈ જ જોડાણ ન હોય તેમ છતાંયે એક થી બીજીમાં કામચલાઉ ધોરણે જઈ શકાતું. એ માટે કોઈ જ ઔપચારિકતાની જરૂર ન પડતી. વિદ્યાર્થીના વાલી જે તે નિશાળના હેડમાસ્તર સાહેબને વાત કરી લે એટલે એને અન્ય નિશાળમાં જઈને ચોક્કસ સમયગાળા માટે બેસવા/ભણવાની મંજૂરી મળી જતી. હા, મૂળ નિશાળમાં પરત ફરતી સમયે ‘પૂરતી હાજરી આપી છે અને ડાહી/ ડાહ્યો રહી/ રહ્યો છે’ તેવું પ્રમાણપત્ર મેળવી લેવું પડતું. ખાસ કરીને માતાઓએ પ્રસંગોપાત અન્ય વિસ્તારોમાં કે ગામોમાં રહેવા જવાનું થયું હોય ત્યારે તેમનાં બાળકોને ત્યાંની નજીકની નિશાળમાં મૂકી દેવાતાં. આ સંદર્ભે એક મજેદાર ઘટના યાદ આવે છે.

મારાં ફઈ એકાદ મહિના જેવું અમારે ઘરે રહેવા આવવાનાં હતાં. એમની મારી જેવડી જ દીકરી હેમુ જ્યાં ભણતી હતી એ નિશાળ અમારા ઘરથી પ્રમાણમાં દૂર હતી. આથી ફઈએ દાદાને કહીને એ સમયગાળા માટે એને મારી સાથે નૂતનમાં બેસાડવાની તજવીજ કરી. અમારા હેડમાસ્તર સાકરકાકાએ હેમુને મારા જ વર્ગમાં બેસવાની છૂટ આપી દીધી. એ સમયે બીજા ધોરણમાં હોવા છતાં હેમુને નિશાળે જતી વખતે રોજેય કાંટા જ વાગતા રહેતા. કેટલીયે વાર ફઈ એને મારી/ધીબેડીને જ પહોંચાડતાં એ બાબત અમારા કુટુંબમાં જાણીતી હતી. હા, એકવાર વર્ગમાં પહોંચી જાય પછી સોળેય કળાની થઈને સરસ ભણતી. પણ જતી વેળા કકળાટ, કકળાટ કરી મૂકે!

અમારે ત્યાં રહેવા આવ્યાં એના બીજે જ દિવસે હેમુએ નવી નિશાળમાં જવાની ચોખ્ખી ના પાડી દીધી. એ જમાનાની માતાઓ સંતાનને સમજાવવા માટે ચાણક્યે સૂચવેલા ચાર ઉપાયો પૈકી એકમાત્ર દંડનો પ્રયોગ જ કરતી રહેતી. સામ, દામ કે ભેદ બાબતે એ લોકો નિર્લેપ હોવી જોઈએ. આથી ફઈએ એનો ચોટલો પકડીને એ કાપી નાખવાની ધમકીથી શરૂઆત કરી. ભેગો હું હોવાથી મા-દીકરી બેયને પોતાનું ધાર્યું કરવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન થઈ પડ્યો હતો.  આગળ હું અને પાછળ રોતી કકળતી હેમુ તેમ જ એને મારતાં અને ખેંચતાં ફઈ એમ અમે લોકો નિશાળ પાસે પહોંચવા આવ્યાં એવામાં એક છોકરાને ટીંગાટોળી કરીને નિશાળે ‘ઢહડી લાવતા’ જયલો ચોથીયો અને સાથીઓ નજરે પડ્યા. હેમુએ તો અગાઉ આવું મનોહારી દ્રશ્ય જોયું જ નહોતું. એ શું બની રહ્યું હતું એ વિશે મેં ફોડ પાડતાં એ તો મુગ્ધ થઈ ગઈ! રોવાનું બંધ કરીને કહે, “બાડી, બાડી, મારેય આવી રીતે જાવું ચ્છ.”! મેં આગળ દોડીને ટીંગાટોળી મંડળીને હેમુની વરદી આપી દીધી. એ લોકોએ ભારે ઉમળકાથી સહકાર આપ્યો અને નિશાળ લગભગ પચાસેક ડગલાં દૂર હતી, એટલો રસ્તો હેમુએ ઊંચકાઈને પાર પાડ્યો.

 

  --------------------------------*------------------------------------------*--------------------------------------

 

હું ત્રીજા ધોરણમાં ભણતો હતો એવામાં દીવાળીના વેકેશન પછીના અરસામાં બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં અમારે ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નિસ્પૃહ હું હતો એટલાં જ નચિંત મારાં મા-બાપ પણ હતાં. ત્યાં હાજર થયાના ચાર પાંચ દિવસ પછી ત્યાંની મોહનલાલ મોતીચંદ પ્રાથમીક શાળામાં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે એના હેડમાસ્તર સાહેબે ત્યારના સંજોગો મુજબ બે મહિના માટે મને ત્યાંની ધૂડી નિશાળમાં બેસાડવા સૂચવ્યું અને ત્યાંથી ત્રીજું પાસ કરી લઉં એટલે ધોરણ ચારથી તેઓ મને મોહન મોતીમાં લઈ લેશે એમ કહ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એક સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું. પછી તો ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ધૂડાપ્રયોગો ચાલુ  કરી દીધા. મારાં મા-બાપને આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! મેં એ નિશાળમાં માંડ અઠવાડીયું ગાળ્યું હશે એ દિવસોમાં અમારા ઘરે જમવા માટે સરાસરી કરતાં વધુ મહેમાનો આવે એવી વ્યવસ્થા બાપુજીએ ગોઠવી દીધી. આમ તો અમે લોકો નવાં નવાં ગયાં હોવાથી સ્થાનિકો અમને જમવા નોતરે એ ઈચ્છનિય હતું, પણ મારાં ઉત્સાહી મા-બાપે એ ક્રમ ઉલટાવી દેવાનો પાકો નિર્ધાર કર્યો હતો. લગભગ આંતરે દિવસે અમારે ઘરે મહેમાનગતિનાં ઉચ્ચ ધોરણો સ્થપાતાં રહેતાં. જેવો મહેમાનોને જમવા બેસવાનો સમય થાય એટલે બાપુજી મને “જાઓ, ઓશરીમાં થાળી-વાટકા ગોઠવો અને પાટલા ઢાળો”નું સૂચન કરતા અને એ વખતે “અને હા, આજે તેં ઓલી નવી ડીઝાઈન દોરી ચ્છ ઈ પાટલોય આમને બતાડવા હાટુ બહાર લાવજે” ઉમેરવાનું ભૂલતા નહીં. માના હાથની રસોઈ અને બાપુજીના પ્રેમાળ આગ્રહ વડે પ્રભાવિત મહેમાનો એ કલાકૃતિ(!)ને પુષ્કળ વખાણતા અને બદલામાં “હજી લ્યો ને! અરે એમ નો હાલે, જુવાન માણસને તો આટલું ક્યાંય ખપી જાય!” જેવાં સુવાક્યો એમના કાન ઉપર અને વિવિધ વ્યંજનો એમના ભાણામાં પડતાં રહેતાં.

 આ શાળામાં માંડ હજી બારપંદર દિવસો વિત્યા હશે એવામાં અમારે માટે નગરશેઠના ઘરેથી ચા-પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ધૂડાપ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને મોહન મોતીમાં કેમ નથી મૂક્યો એમ પૂછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે વાર તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતીના એક કર્મચારી હતા! શેઠે તેમને મેનેજર સાહેબના દીકરાને કેમ દાખલ નથી કર્યો એમ પૂછતાં એ સજ્જને  ‘હેડમાસ્તર શાયેબ તો વાતેવાતે નિયમું જ બતાડે શ, ને! બાકી તો શાયેબના બાબાભાઈને લઈ નો લેવા જોવી!’ જેવા ઉદ્ગારો સહીત નિશાળની કેટલીક આંતરીક બાબતો પ્રગટ કરવાની શરૂઆત કરી. પણ એમને એમ કરતા અટકાવી, શેઠે બીજા જ દિવસે મને એમની નિશાળમાં દાખલ કરી દેવાની તજવીજ કરવા માટે સૂચના આપી. વળી જો એમ નહીં થાય તો શું શું થઈ શકે એની એ કર્મચારીને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, તે સાંજે એ સજ્જનના હાથે નાસ્તો અને શરબત બાદ બીજે દિવસે મોહન મોતીમાં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. આ રીતે મારું ભણતર ધૂડમાં મળતુંઅટક્યું. પછી તો ‘મોહન-મોતી નિહાળ્ય’ તરીકે ઓળખાતી એ નિશાળમાં જેરામ, છોટુ, રહીમ, જનક, રસિક, દીપક, સૈફુદ્દીન, ભટૂર, પ્રવીણ અને અન્ય કેટલાયે મિત્રો મળ્યા જે હજીયે યાદ રહી ગયા છે. ગઢડામા એ સમયગાળામાં બે વર્ષ વિતાવ્યાં એને યાદગાર બનાવવામાં આ મિત્રોનો માતબર ફાળો રહ્યો છે.


આ મુદ્દે અહીં આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ છે કેઆજથી છ દાયકા પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતોએ ચિત્ર ઉપસી શકે. બાળકો મહદઅંશે દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?)  વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ  લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર કોઈ તરાપ ન દેખાતીબલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશકોઈ જાહેર બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજીક હતો. અને આવા  કોઈ ચોક્કસ  'System'  વગરના સમાજ માં જનમતાં,  ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. પહેલીવાર નૂતન વિદ્યાલયમાં મારું એડ્મીશન થયું એ બીજા શાળાકિય સત્રનો જાન્યુઆરી મહિનો હતો. એ જ રીતે અમારે ભાવનગરથી ગઢડા ફરવાનું થયું એ પણ જાન્યુઆરી મહિનો હતો. તો પણ એપ્રિલ મહિના સુધી મને ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર સુધ્ધાં કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આમ જોતાં નોકરિયાત લોકોને બદલીના કે પછી કોઈ પણ અન્ય કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. આવા સમયગાળામાં જન્મીઉછરીભણીતૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને  'માનસિક તાણ' જેવો શબ્દપ્રયોગ એ સમયે પ્રયોજાયો ન હતો. ન તો મા-બાપ માટેકે પછી ન તો ખુદ બાળક માટે.

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૪)

 

                                                                           ચાલો, ચાલો, સાવરણી લ્યો!

                            આ વખતે પણ ૧૯૬૧-૧૯૬૩ દરમિયાન અમે ગઢડા રહેતાં ત્યારના સમયની વાત કરું.

અમે લોકો નવાં નવાં ત્યાં રહેવા લાગ્યાં ત્યારે આસપાસના છોકરાઓએ મને બિલકુલ સ્વીકાર્યો નહતો. મેં શક્ય એવા ઘણા પ્રયાસો કર્યા પણ મારી કોઈ કારી ફાવી નહીં. એવામાં એક વાર ભાવનગરથી આવતી વેળા મારા બાપુજી મારે માટે પ્લાસ્ટીકનાં બેટ, બોલ અને સ્ટમ્પ્સ લેતા આવ્યા. એ જ સાંજે મેં મારા ઓટલા ઉપર એ સરંજામ ગોઠવી, શેરીમાં રમી રહેલા છોકરાઓને વિજયી અદાથી જોવાનું શરૂ કર્યું. એક ઘરની ભીંત ઉપર કોલસાથી દોરેલી સ્ટમ્પડીયું’, ભાંગલો-તૂટલો ધોકો અને ગાભા-ચીંથરા ફરતે કાગળ વીંટીને બનાવેલા દડા વડે બોલ-બેટરમવા ટેવાયેલા એ છોકરાઓમાંથી મને જેમનાં નામ હજી યાદ છે એ હતા હર્ષદ, હિંમત, શિરીષ, જનક, ઘનશ્યામ, દીપક, ભટૂર, રહીમ, રફીક, મહેબૂબ, જેરામ અને ગઈ કડીમાં જેનો વિસ્તૃત ઉલ્લેખ હતો એ છોટુ. મારો નવપ્રાપ્ય સરંજામ જોતાં એ છોકરાઓ પ્રભાવિત થઈ ગયા અને તાત્કાલિક અસરથી બરફ પીગળવાની શરૂઆત થઈ ગઈ. પરિણામે મને એ ટોળકીમાં માનભેર પ્રવેશ મળી ગયો. જો કે અમારો પૂરતો પરિચય કેળવાય એ અગાઉ જ એક જબરી સમસ્યા સર્જાઈ ગઈ! મારું નામ પીયૂષ એ કોઈએ ક્યારેય સાંભળ્યું/જાણ્યું નહતું. જાણ્યા પછી પણ એ બોલવાનું એ બધાને ન ફાવ્યું. પીહુસ, બીવુસ અને અન્ય કેટલાક અખતરા પછી એ બધાએ સર્વાનુમતે મને પીરુસ/પીરુસીયો તરીકે ઓળખવાનું શરૂ કર્યું. આ બાબત મેં તો સ્વીકારી લીધી, કેમકે તો જ મને એ મંડળીમાં માંડ મળેલું કાયમી સ્થાન ટકી રહે એમ હતું. પણ મારાં મા-બાપને મારા નામનું આવું વિકૃત્તિકરણ જરાયે ન જચ્યું. એમની હાજરીમાં જ્યારે પણ કોઈ પણ છોકરો મને પીરુસ કહીને બોલાવે એટલે એ લોકો એને ટપારે અને સાચો ઉચ્ચાર કરવા આગ્રહ કરે. શેરીના છોકરાઓ માટે મારાં મા-બાપનો આવો આગ્રહ રમૂજપ્રેરક બનતો જતો હતો. હવે આ ગજ-ગ્રાહમાં મારી હાલત કફોડી થતી જતી હતી. આખરે પરિસ્થિતી વણસીને જ રહી.

એક દિવસ અમે લોકો મારા સરંજામ વડે શેરીમાં ક્રિકેટ રમતા હતા એવામાં બે ઘટનાઓ એકસાથે ઘટી. એક બાજુ હું આઉટ થયો એટલે પીરુસીયો ગ્યો, પીરુસીયો ગ્યોના હર્ષાંન્વિત વિજયઘોષો ઉઠ્યા અને બીજી બાજુ મારા બાપુજી શેરીમાં પ્રવેશ્યા. પોતાના દીકરાની જ સામગ્રી વડે રમાઈ રહેલી રમતમાં એનો તેજોવધ એ પ્રેમાળ બાપહ્રદયથી જીરવાયો નહીં. આથી એમણે મારી મિત્રમંડળીને ખખડાવવાનું શરૂ કર્યું. હું આઉટ થયો એ બાબતે તો એ કોઈને કશું કહી શકે એમ ન હતા કારણકે એમ મારી અણઆવડતથી બન્યું હતું. પણ મારા નામના એ લોકો દ્વારા થઈ રહેલા વિકૃત્તિકરણનો મુદ્દો એમણે પકડ્યો અને એ બાબતે એક પછી એક છોકરાને વઢવા લાગ્યા. આમ થતાં ઓલી ટોળકીના સભ્યો તો વધુ જોરમાં આવી ગયા. એ લોકોએ વધારે તાનમાં આવી જઈ, ફરીથી પીરુસીયો ગ્યો, પીરુસીયો ગ્યોના નારા લગાવવા શરૂ કર્યા. બાપુજીની સહનશક્તિ જવાબ દઈ ગઈ. એમણે અમે રમતા હતા એ બેટ, બોલ અને સ્ટમ્પ્સનો કબ્જો જે સિફતથી અને સ્ફુર્તીથી લીધો, એ જો એમની બેન્કના કોઈ ઉચ્ચાધિકારીએ જોયું હોત તો તાત્કાલિક અસરથી એમને લોનની વસૂલી માટેના અધિકારી બનાવી દીધા હોત!

ખેર, જેવાં એ સાધનો મારા ઘરની અંદર ગયાં એ જ ક્ષણે એ મિત્રમંડળીમાંથી મને બહાર કરી દેવામાં આવ્યો. એક પછી એક કરીને બધા છોકરાઓ મારી કીટ્ટાપાડી ગયા. આ બાબતે નિમાણો થઈને હું બાપુજીની પાછળ ઘરમાં જઈને ફરીયાદ કરવા લાગ્યો એટલે એ વધુ ખીજાયા. પાછા બહાર આવીને એમણે નવેસરથી સૌને વઢવાનું શરૂ કર્યું. હવે એમની સાથે મા પણ જોડાઈ ગઈ. એ સમયે મને સમજાયું કે મારા મિત્રોની સહનશક્તિ મારાં મા-બાપની સહનશક્તિ કરતાં નોંધપાત્ર રીતે ઓછી હતી. જોતજોતામાં એક છોકરાએ મુઠ્ઠી ભરીને ધૂળ અમારા ઘરમાં નાખી. બાકીના કેટલાક છોકરાઓએ એનું અનુસરણ ધાર્મિક સમર્પિતતાથી કર્યું. આ દરમિયાન પીરુસીયો ગ્યો’, ‘પીરુસીયો ગ્યોના નારા તો ચાલુ જ હતા. આ બધું એકદમ ઝડપથી આકાર લઈ ગયું. સામે પક્ષે મારા બાપુજીએ પણ આર કે પારની કરી લેવાનું નક્કી કરી લીધું. એ તોફાનીઓમાંનો કોઈ ત્યાંથી ભાગી છૂટવાનો વિચાર પણ કરે એ પહેલાં બાપુજી શેરીમાં ઉતરી આવ્યા અને પહેલા હાથમાં આવ્યા એ બે છોકરાઓને એકસાથે પકડ્યા. બાકીના છોકરાઓ પકડાઈ ગયેલાઓને એટલા તો વફાદાર કે આમ થતાં ભાગવાની જગ્યાએ એ બધાએ સલામત અંતરે ઉભા રહી, નારાબાજી ચાલુ રાખી. આ બધાઓને સામુહીક ધોરણે વઢતાં બાપુજીએ ઘણું બધું કીધું, પણ છેલ્લે ઘરમાં નખાયેલી ધૂળ સાફ કરવાની ફરજ એ છોકરાઓની હતી એમ પ્રસ્થાપિત કરતાં એ બોલ્યા, “ચાલો ચાલો, સાવરણી લ્યો અને ધૂળ સાફ કરી નાખો!એમણે પકડેલા છોકરાઓનો તો છૂટકો ન્હોતો તેથી એ બેય ઘરમાં આવ્યા અને માએ આપી એ સાવરણી વડે આવડે એવી રીતે ધૂળ કાઢી આપી. બાકીનાઓએ બહાર ઉભે ઉભે મનોરંજન મેળવ્યું. આ બધું પૂરૂં થયું એટલે બાપુજીએ વિજયી અદાથી માને અને મને કહ્યું કે હવે એ ટોળકી સીધીદોર થઈ જશે.

એ સમયે એમને ખબર ન્હોતી કે પોતે મારી હેરાનગતીનો પાયો નાખ્યો હતો. બસ, એ દિઅને એ જ ઘડી! કોઈ પણ સમયે હુ જેવો ઘરની બહાર નીકળું કે ચોક્કસ લહેકામાં ચાલો ચાલો, સાવરણી લ્યોના નારા ચાલુ થઈ જાય! નિશાળે જાઉં કે ત્યાંથી પાછો ઘેર આવું ત્યારે પણ આઠથી દસ છોકરાઓ ચાલો ચાલો, સાવરણી લ્યોબોલતા બોલતા પાછળ હોય હોય ને હોય જ. વળી શેરીમિત્રોએ મારી નિશાળમાં પણ આ વાત ફેલાવી દીધી એટલે ત્યાં પણ એ જ હાલત થવા લાગી. આ બાબતની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે અમે સહકુટુંબ બહાર નીકળીએ ત્યારે પણ કોઈ પણ સ્થળે મારી ઉમરના છોકરાઓ બાપુજીથી સલામત અંતર જાળવી, ‘ચાલો ચાલો, સાવરણી લ્યોબોલતા પાછળ પડી જતા. આમ થવાથી શેરીમાં રમવા જવાનું તો સાવ ભૂલાઈ જ ગયું. ક્યારેક કોઈ કારણસર હું એકલો બહાર ગયો હોઉં અને પાછો ઘેર આવું એટલે મારું પડી ગયેલું મોઢું જોતાં જ મા પૂછે, “ઓલ્યા સાવરણી લ્યોવાળા વાંહે પડ્યા તા (ને)?” એના સવાલમાં જ મારો હકાર ભળી જતો. બાપુજી જો કે બહુ મજબૂત માનસિકતામાં હતા કે આવા વેગેબોન્ડછોકરાઓ ભેગી એમના આ શાલિન અને સંસ્કારીદીકરાએ ભાઈબંધી ન જ રાખવાની હોય. બંને પક્ષોને માટે એમણે પ્રયોજેલાં, ખાસ કરીને મારે માટે પ્રયોજેલાં વિશેષણો બાબતે એ બહુ મોહક ભ્રમમાં હતા એવું એમને સમજાવવું કપરું હતું. છેવટે એ સ્થિતી આવી કે હું દયામણે ચહેરે મારા ઘરને દરવાજે કે બારીએ ઉભો ઉભો શેરીમા રમતા છોકરાઓને જોતો હોઉં તો પણ સામેથી સાવરણીનાં ગાન ચાલુ થઈ જતાં.

ખેર, આ પરિસ્થિતી લાંબી ચાલતાં મારી તો ઠીક, માની પણ ધીરજ ખૂટી ગઈ અને એક દિવસ એણે બાપુજી પાસે મારા વકિલનો પાઠ બહુ અસરકારક રીતે ભજવ્યો. પરિણામે એણે અને બાપુજીએ અમારે ઘરે સુલેહમંત્રણા યોજવાનું આયોજન કર્યું. અમારી શેરીમાં રહેતા અને આસપાસના વિસ્તારના છોકરાઓ માટે અમારે ઘરે ચેવડો-પેંડાની પાલ્ટીયોજાઈ. બધા જ આમંત્રિતોએ એમાં ઉલટભેર ભાગ લીધો. મારાં મા-બાપે, ખાસ કરીને મારા બાપુજીએ તો એ હતા એના કરતાં પણ વધુ પ્રેમાળ વ્યવહાર વડે સૌને નાસ્તો (અને આનંદ) કરાવ્યો. છેવટે વિદાય સમયે એમણે બાળકોએ હળીમળીને રમવું જોઈએ અને કોઈને ખીજવીને રાજી ન થવું જોઈએ એ વિષય ઉપર મનનીય વ્યાખ્યાન પણ આપવાનો પ્રયત્ન કર્યો. પછી એનો પ્રભાવ ન્હોતો પડતો એવું સમજાતાં એમણે ઝડપથી સંકેલો કરતાં ઉપસંહારમાં કહ્યું, “જુઓ, પીયૂષનું નામ પીયૂષછે પણ તમે બધા પીરુસબોલો છો ઈ વ્યાજબી કહેવાય?” આ પ્રશ્નના જવાબમાં નજીકના ભૂતકાળમાં જ પેટમાં ગયેલા ચેવડો-પેંડાના પ્રભાવમાં સર્વાનુમતે નકાર આવ્યો. આથી પ્રોત્સાહિત થઈને એમણે વધારે પ્રેમાળ અંદાજમાં બીજો સવાલ કર્યો, “તો પછી હવેથી તમે બધા પીયૂષને શું કહીને બોલાવશો?” જવાબમાં રફીક બોલ્યો, “ફીયુસ!અત્યંત શીઘ્ર કલ્પન વડે સજ્જ એવો છોટીયો એ જ ક્ષણે બોલ્યો, “ફીયુસ તો ઉડી જાય!એ સમયે અમારી શેરીનાં મોટા ભાગનાં ઘરોમાં વીજળીનું જોડાણ હતું. ઘરના વીજજોડાણના કેન્દ્રસ્થાને ફ્યુઝનામની પાતળા તાર વડે બાંધેલી સાદી રચના રહેતી. ગઢડામાં એને ફીયુસતરીકે ઉલ્લેખવા માટે સર્વસંમતિ સધાઈ હશે એવું અત્યારે એ યાદ આવે ત્યારે મને લાગે છે. વીજપ્રવાહનો લોડ જો વધી જાય તો તે ફ્યુઝનો તાર પીગળી જતાં ઘરમાંથી પાવર જતો રહે, પણ કોઈ જોખમ ઉભું ન થાય. એ તાર પીગળી જવાની ઘટના ફ્યુઝ ઉડી જવોતરીકે ઓળખાતી. બસ, મારા ઘરમાં યોજાયેલી એ શાંતિસભાનું વિસર્જન મારા નવા નામાભિધાન ફીયુસ સાથે અને નવી ખીજ ફીયુસ ઉડી જાય- સાથે થયું. પણ, અગાઉના અનુભવે ઘડાઈ ગયેલાં અમે કુટુંબીઓએ આ બાબતને અમારા ગઢડાનિવાસના એક અભિન્ન તેમ જ અનિવાર્ય અંગ તરીકે સ્વીકારી લીધી અને પછી ગઢડાનિવાસના બાકીના અરસામાં ફીયુસીયાએ ભાઈબંદું હાર્યે રમી, ખાઈ, તોફાનો અને જલ્સા-પાલ્ટી કર્યાં.