Saturday 15 October 2016

‘વોહ એક નિગાહ ક્યા મીલી’


હિન્દી ફિલ્મોએ મનોરંજનનું એક આગવું વિશ્વ ખોલી રાખ્યું છે, જેમાંથી નવે નવ રસનાચાહકોને પોતપોતાની પસંદગીની ચીજ માણવા મળી રહે છે. ફિલ્મી ગીતોની લગભગ એંશી વરસની યાત્રાએ અગણિત ચાહકો/ભાવકોને ન્યાલ કરી રાખ્યા છે. કેટકેટલાં યાદગાર ગીતો દસકાઓથી પોતાની એક ચોક્કસ જગ્યા બનાવી સ્થાયી થયેલાં છે. ફિલ્મમાં ગીતને ચિત્રાંકીત કરતી વેળાએ એમાં વધારાના રંગ ભરવામાં આવતા હોય છે, જેમાંનો એક, જે તે ગીત સાથે નૃત્ય જોડી ને એક સુંદર સમન્વય ખડો કરી ને ભરાય છે. આપણે પડદા ઉપર ત્રણ મિનીટ કે થોડા વધુ સમય માટે ભજવાતા એક નૃત્યગીતને જોઈએ/સાંભળીએ છીએ અને એ પૂરૂં થયે ફિલ્મની વાર્તાના પ્રવાહમાં આગળ વધી જતા હોઈએ છીએ. પણ સહેજ વિચારીએ તો એક ગીત આપણી સમક્ષ આવે તે માટે કેટલા સર્જકો, કલાકારો અને મદદગારોની મહેનત એમાં કામે લાગતી હોય છે.
ફિલ્મની વાર્તામાં ગીત માટે એક સિચ્યુએશન ઉભી કરવામાં આવે છે. પછી એમાં બરાબર બંધ બેસે એવા ગીતની પરિકલ્પના કરી, દિગ્દર્શક એને અનુરૂપ શબ્દો લઈ, ગીત લખવા માટે કવિ/ગીતકારને સૂચિત કરે અને એ લખાઈ જાય પછી શરૂ થાય સંગીતકારનું કામ. કેટલાક કિસ્સામાં સિચ્યુએશનને અનુલક્ષીને સંગીતકાર અગાઉથી તૈયાર કરેલી ધૂનનો ઉપયોગ કરવાનું નક્કી કરે અને નિર્માતા તેમ જ દિગ્દર્શક જો તેને બહાલી આપે તો ગીતકારે એ ધૂન મુજબ શબ્દોની પરોવણી કરવાની રહે છે. અહીં ગીતકાર તેમ જ સંગીતકારની જવાબદારી બેવડી રહેતી હોય છે, કારણ કે એમણે દિગ્દર્શક તેમ જ નિર્માતા એ બન્નેની અપેક્ષા પૂરી કરવાની હોય છે.

આ રીતે સર્જાતા ગીતનું રેકોર્ડીંગ થઈ જાય પછી એનું ચિત્રીકરણ કરવાનું કાર્ય ફિલ્મના દિગ્દર્શકનું છે. જ્યારે ગીત ઉપર નૃત્ય ફિલ્માવવાનું હોય ત્યારે મોટા ભાગના દિગ્દર્શકો એ માટે નૃત્ય દિગ્દર્શકની સહાય લેવાનું પસંદ કરે છે. ખુબ જ કાબેલ અને સુપ્રસિધ્ધ એવા નૃત્યકારોએ ફિલ્મી નૃત્યગીતોના ચિત્રાંકનમાં પોતાનો કસબ દેખાડ્યો છે. આ બાબતે બહુ લંબાણ ન કરતાં એટલું કહેવું પૂરતું છે કે અનેક કસબીઓ/કલાકારોના સંયુક્ત પ્રયાસ પછી એક નૃત્યગીત તૈયાર થાય છે અને ઘનિષ્ઠ પ્રેક્ટીસ અને રિહર્સલ્સ પછી આપણે પરદા ઉપર જોઇએ છીએ એ નિપજતું હોય છે. એ ગીતના ચિત્રાંકન સમયે કેમેરામેન કે જેને સિનેમેટોગ્રાફરના નામ વડે ઓળખવામાં આવે છે, એનો ફાળો પણ  ખુબ જ મહત્વનો બની રહે છે. સમગ્ર ગીતનું ફિલ્માંકન થઈ જાય પછી ફિલ્મમાં એ કેવી રીતે જોવા મળશે એ દિગદર્શક અને એડીટર સાથે મળી ને નક્કી કરતા હોય છે. આમ સર્જાય છે એક નૃત્યગીત.

આવાં અસંખ્ય ગીતો આવતાં રહે છે અને એમાંનાં કેટલાંક એક શકવર્તી ઘટનાની જેમ શાશ્વત બની રહે છે. જેમ કે ફિલ્મ ‘મુઘલે આઝમ’નું ‘પ્યાર કીયા તો ડરના ક્યા’, ફિલ્મ ‘જવેલ થીફ’નું ‘હોઠોંપે ઐસી બાત’ કે પછી ફિલ્મ ‘કોહીનૂર’નું ‘મધુબનમેં રાધિકા નાચે રે’, વગેરે. આ તો સર્વસ્વિકૃત ચિરકાલીન નૃત્યગીતોનાં માત્ર ત્રણ ઉદાહરણ થયાં. પોતપોતાની રૂચી પ્રમાણે આ યાદીમાં ખાસ્સો વધારો થઈ શકે. પણ, કેટલાંક ગીતો બધી જ લાયકાતો ધરાવતાં હોવા છતાં કોઈ અગમ્ય, અકળ કારણોસર પોતાની કાયમી છાપ ઉભી કરવાની વાત તો દૂર, પૂરતી પ્રસિધ્ધીને પણ નથી વરતાં. અહીં એક એવા ગીત વિષે વાત કરવી છે.
                                     ***********************

1962ની ફિલ્મ ‘હાફ ટિકીટ’  કિશોરકુમારના વિદૂષકવેડા અને સલિલ ચૌધરીના સંગીત માટે જાણીતી બની રહી.


કાલીદાસ નામના નિર્માતા- દિગ્દર્શકની આ ફિલ્મમાં કુલ સાત ગીતો હતાં, જેમાંનાં ‘ આકે સીધી લગી’ અને ‘અરે વાહ વાહ વાહ વાહ’ ખુબ જ લોકપ્રિય બની રહ્યાં. એ ઉપરાંત ‘ના પક્કા હૈ ના કચ્ચા’ અને ‘ચાંદ રાત તુમ હો સાથ’ અને ‘અરે લે લો જી લે લો’ પણ પોતાનું ચોક્કસ સ્થાન જમાવી ને બેસી ગયાં. અહીં જે ગીત વિષે વાત કરવી છે, એની તરફ જવા માટે પહેલાં એક આયરીશ લોકધૂન સાંભળીએ.



સમગ્ર આયર્લેન્ડમાં એક સદીથી પણ વધારે સમયથી લોકપ્રિય એવી આ રચના Irish Washerwoman’s Tune તરીકે જાણીતી છે. ત્યાં વારેતહેવારે આ ધૂન ગવાય - વગાડાય છે અને એની ઉપર લોકો નૃત્ય પણ કરે છે. અહીં એનો ઉલ્લેખ એટલા માટે પ્રસ્તુત બને છે કે, આપણે જે ગીત વિષે વાત કરવી છે, એ ગીતની ધૂનનું મૂળ અહીંથી મળે છે. ફિલ્મ હાફ ટિકીટના સંગીતકાર સલિલ ચૌધરી હતા. 
સલિલ ચૌધરી
તેઓના પિતાજી બંગાળના કોઈ એક સ્થળે ચાના બગીચાના મેનેજર તરીકે કાર્યરત હતા, ત્યારે તેઓને ત્યાંની સરકારી હોસ્પિટલ સાથે સંકળાયેલા એક આયરીશ ડૉક્ટર સાથે મૈત્રી હતી. સંગીતના  પારાવાર શોખીન એવા આ બન્ને સજ્જનો નિયમિત રીતે ડૉક્ટરના ઘરે સાથે બેસી, એમની પાસે ઉપલબ્ધ ગ્રામોફોન ઉપર વૈવિધ્યપૂર્ણ સંગીત સાંભળતા, જેમાં  ઉત્તમોત્તમ યુરોપિયન અને પાશ્ચાત્ય સંગીતની રેકોર્ડ્સનો સમાવેશ થતો  હતો. સલિલ ચૌધરીની બાલ્યાવસ્થામાં જ ડૉક્ટર નિવૃત્ત થયા અને તેઓએ સ્વદેશ પાછા ફરતી વેળાએ પોતાની પાસેનો સંગીતનો ખજાનો સલિલ ચૌધરીના પિતાજીને ભેટ આપી દીધો, એમાંની એક રેકોર્ડ, આપણે સાંભળી ચુક્યા તે  ‘Irish Washerwoman’s Tune ધરાવતી હતી. આ ધૂન નાની ઉમરથી જ સલિલ ચૌધરીના મગજમાં ઘર કરી ગઈ અને છેવટે તેઓએ એનો ઉપયોગ આ અવિસ્મરણિય ગીતના સર્જનમાં કર્યો. તો માણીએ, ‘વોહ એક નિગાહ ક્યા મીલી, તબિયતેં મચલ ગયી’.

પહેલાં તો બહુ જ સંક્ષેપમાં ગીતની સિચ્યુએશનને સમજી લઈએ. પ્રાણને જોઈતી કોઈ કીંમતી ચીજ કિશોરકુમારના હાથમાં આવી જાય છે અને પ્રાણ એ ચીજને મેળવવા માટે કિશોરકુમારની પાછળ પડેલો છે. ભાગતે ભાગતે કિશોરકુમાર એક સભાગૃહમાં પહોંચી જાય છે, જ્યાં સંગીત-નૃત્યનો જલ્સો યોજાયેલ છે. નૃત્યની શરૂઆત થતી હોય છે ત્યાં કિશોરકુમાર એમાં દાખલ થઈ જાય છે અને ગીત શરુ થાય છે. પ્રાણ એને પકડવા વારંવાર નિષ્ફળ  પ્રયત્નો કરે છે. છેવટે પ્રાણને ફસાવી, કિશોરકુમાર ત્યાંથી નાસી છુટવામાં સફળ થાય છે. આપણે અહીં ગીતને અનુલક્ષીને સંગીત તેમ જ નૃત્ય એમ બન્ને પાસાં વિષે સહેજ બારીકીથી વાત કરશું.



1) સંગીત:  પહેલાં સ્વરનિયોજનની વાત કરીએ તો અગાઉ Irish Washerwoman’s Tune અને હવે આ ગીત માણ્યા પછી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે બન્નેમાં શરૂઆતના સંગીતીય ટુકડાઓ કે જેને Prelude’ કહે છે, એ સિવાય કોઈ જ સામ્ય નથી. આમ સંગીતકારે પ્રેરણા જરૂરથી લીધી છે, પણ સીધેસીધી નકલ નથી ઉતારી. આગળ જતાં જોઈએ તો આ ગીતના વચ્ચેના સંગીતીય ટુકડાઓ કે જે Interlude’  તરીકે ઓળખાય છે, તેમાં થોડી થોડી છાંટ આ ધૂનની જણાય છે. ઉપરાંત બન્ને Interlude ટુકડાઓ એકબીજાથી ખાસ્સા અલગ છે, જે ખાસિયત સલિલ ચૌધરીનાં ઘણાં સ્વરનિયોજનોમાં માણવા મળે છે.

યુ ટ્યુબથી લીધેલ આ ક્લીપને યોગ્ય રીતે  માણવા માટે ગીત વાગવાનું શરુ થાય ત્યારથી જ, નીચે આવેલ  Time Bar ચાલવા દો. બરાબર ૧૬ સેકંડ્સ થી ૨૩ સેકંડ્સ સુધી અને પછી ૧ મિનિટ અને ૨ સેકંડ્સ ( હવેથી આપણે ૧’, ૦૨” પ્રમાણે ઉલ્લેખ કરશું.) થી શરુ કરી, ૧’,૧૧” સુધી સંગીતકારે તેઓની ટ્રેડમાર્ક ગણાતી એવી અદ્ ભુત હાર્મનીનો પ્રયોગ કર્યો છે. શરૂઆતના તબક્કામાં એકોર્ડિયન અને વાયોલિન વડે અને બીજા તબક્કે કિશોરકુમાર અને લતા મંગેશકરના અવાજો સાથે વાયોલિનના સમન્વયથી એકદમ પ્રભાવક હાર્મની સર્જાઈ છે. આનો યશ આ ધૂનના રચયિતા સલિલ ચૌધરી ઉપરાંત તેઓના સહાયક તરિકે કાર્યરત એવા સેબેસ્ટીયન ડી’સોઝાને પણ આપવો જોઈએ. 
સેબેસ્ટીયન ડી'સોઝા


 મોટા ભાગના ભાવકો એકી અવાજે સ્વીકારે છે કે હિન્દી ફિલ્મી સંગીતને નવા જ આયામ સુધી પહોંચાડવામાં આ દંતકથા સમ વ્યક્તિવિશેષનો સિંહફાળો રહ્યો છે.

આગળ વધતાં બીજા અંતરા પહેલાંના ૧’, ૪૭” થી  શરુ થતા Interlude ઉપર ધ્યાન આપીએ તો ફરી એક વાર અસાધારણ ગુણવત્તાની હાર્મની સાંભળવા મળે છે. ખાસ કરી ને ૧’, ૫૫” થી ૨’, ૦૩” સુધી  એકોર્ડિયન અને વાયોલિનના સમન્વયથી સર્જાયેલી હાર્મની માણવા મળે છે. બન્ને અંતરામાં ગાયકોની સાથે પશ્ચાદભુમાં વાગતાં વાયોલિન આપણા કાનમાં અવર્ણનીય આનંદ ભરી દે છે. વચ્ચે વચ્ચે એકોર્ડિયનના ટહુકા પણ થતા રહે છે. ગીતના અંતભાગમાં ૩’, ૩૮”થી શરૂ કરી, ગીત પૂરું થાય ત્યાં સુધી વાગતા રહેતા એકોર્ડિયન અને વાયોલિનના ટુકડાઓ  ફરી એક વખત Irish Washerwoman’s Tuneની યાદ અપાવી જાય છે.

2) નૃત્ય:    સૂર્યકુમાર જેવા વરિષ્ઠ નૃત્ય નિર્દેશકે આ સુંદર નૃત્યનું નિર્દેશન કર્યું છે. જ્યારે નૃત્યની વાત નીકળે તો ભરત મુનિના મત મુજબ અભિનય આપોઆપ એમાં સમાવિષ્ટ હોય છે. આથી સમગ્ર ગીત દરમિયાન કિશોરકુમાર, પ્રાણ અને હેલનના અભિનયની નોંધ લેવી જ જોઈએ. અગાઉ લખ્યા મુજબ આ ફિલ્મમાં મહદ્ અંશે કિશોરકુમારના ભાગે વિદૂષકવેડા જ કરવાના રહ્યા છે, જે કાર્ય એણે પોતાની જન્મજાત આવડત પ્રમાણે આ ગીતમાં પણ બહુ સુપેરે નિભાવ્યું છે. વધારામાં અચાનક એક સમુહનૃત્યમાં ભળી જઈ, સંપૂર્ણ બિન આવડતથી માત્ર કુદાકુદ કરતો હોય, એવી છાપ ફિલ્મ જોનારા પ્રેક્ષકો ઉપર અસરકારક રીતે પડે છે.

આવી જ રીતે એને પકડવા માટે જમીન આસમાન એક કરતો પ્રાણ છેવટે પોતે પણ નૃત્યમાં દાખલ થઈ જાય છે. અહીં નિર્દેશકને દાદ આપવા જેવી બાબત એ છે કે જ્યારે જ્યારે કેમેરા પ્રાણ ઉપર આવે છે ત્યારે એના ચહેરા ઉપર ખલનાયકશાહી કરડાકી સતત જોવા મળે છે. એક સુભાષીતમાં કહ્યું છે કે ખરો દુષ્ટ માણસ એ છે, જેને કોઈ લલિતકલા પણ આનંદ નથી આપી શકતી. આમ અહીં પ્રાણનું ખલનાયક હોવું બરાબર ઉજાગર થાય છે.

સામે પક્ષે હેલન જેવી ઉત્કૃષ્ટ નૃત્યાંગના સમગ્ર ચિત્રાંકન દરમિયાન પતંગિયાની સ્ફુર્તીથી જે નાચે છે! નૃત્યકળાનાં શોખીનો/જાણકારો હેલનની આ કળા ઉપર હંમેશાં ઓળઘોળ રહ્યાં છે. વળી એનો અભિનય પણ નોંધવા જેવો છે. ૨૦-૨૨ વરસની છોકરી કે જે નૃત્ય પોતાના આનંદ માટે કરતી હોય, એના ચહેરા ઉપર હોય એવી રોનક સતત હેલનના ચહેરા ઉપર જોઈ શકાય છે. કિશોરકુમાર વખાનો માર્યો પોતાની પાસે અચાનક આવી ગયો છે તો કોઈ પણ રીતે એને પ્રાણથી બચાવવાનો છે એ દૃઢ નિર્ધાર એની આંખોમાં દેખાય છે. ગીતના અંતમાં પ્રાણને દોરડાંની ચુંગાલમાં બાંધી લેવરાવ્યા પછી કિશોરકુમાર એની હાંસી ઉડાવે છે, ત્યારે હેલન જે ખડખડાટ હસે છે એ ખાસ માણવા જેવું છે. અહીં જોવા મળતા સમગ્ર નૃત્ય દરમિયાન સાથી કલાકારોની ભંગિમાઓ ઉપર ‘Irish Washerwoman’s Tune ની ક્લીપમાં જોવા મળતી કન્યકાઓનાં સ્ટેપ્સની ઘણી જ અસર દેખાઈ આવે છે.

આમ, નિર્માતા દિગ્દર્શક કાલીદાસ, ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર સલિલ ચૌધરી, તેઓના સહયોગી સેબેસ્ટીયન, નૃત્યનિર્દેશક સૂર્યકુમાર, કેમેરામેન અપૂર્બ ભટ્ટાચાર્ય, એડીટર રાજ તલવાર અને અન્ય અગણિત કસબીઓ તેમ જ  કલાકારોએ સાથે મળી ને એક યાદગાર ચીજ આપણી જેવા ભાવકો સુધી પહોંચાડી છે. આટલા લંબાણથી એનું વિષ્લેશણ કરવાનું પ્રયોજન એ છે કે એની બારીકીઓને બરાબર સમજી, માણીએ અને  એના સર્જન સાથે સંકળાયેલા સૌને આદરથી  યાદ કરીએ. અસ્તુ.

સૌજન્ય સ્વીકાર: 
1) You Tube       
2) www.IMDb.com     
3) Wikipedia
4) ‘Behind the Curtain’, Making Music in Mumbai’s Film Studios a book by Gregory                           D Booth.
5) Shri Amit Vaidya, a renowned Accordion player. I have recently done a post on him. Those interested may please find it here. (http://piyushmahendra.blogspot.in/2016/09/amit-vaidya-and-his-accordion_27.html)