સને ૧૯૬૫ના શિયાળાનો કોઈ એક રવિવાર હતો. મારા બાપુજી સવારે સાડાનવ વાગ્યાની આસપાસ બહાર જવા નીકળ્યા. આ એમના રજાના દિવસની ચર્યાનો એક ભાગ હતો. હવે એ સાડાબાર સુધીમાં આવી જશે અને પછી દિવસ આગળ વધશે એવી માનસિકતા સહ મા, નાની બહેન ગોપી અને હું પોતપોતાની પ્રવૃત્તિમાં પરોવાયેલાં હતાં. એમને ગયે માંડ પોણી કલાક થઈ હશે એવામાં બહારથી એમનો મોટો અવાજ સંભળાયો, “પીયૂષની મા..આ..આ...આ...આ...આ....આ....આ...આ...આ..આ..આ”! અમે લોકો હાંફળાં ફાંફળાં બારણે જઈ ઉભાં. જોયું ત્યાં તો રાજ્યનો કોઈ મોટો ખિતાબ મેળવીને આવ્યા હોય એવી મુખમુદ્રા ધારણ કરેલા બાપુજી ઉભા હતા. એમની પાછળ એક લારીવાળા ભાઈ અમારા આંગણામાં એમની લારીમાં એક નાનું કબાટ લાવ્યા હતા એને એ કબાટ ઘરમાં લઈ આવવા માટે બાપુજી સૂચિત કરી રહ્યા હતા. “ જુઓ, હું વાજું લઈ લાવ્યો છઉં” બોલતી વખતે બાપુજીનો અવાજ સોહરાબ મોદીના અવાજની બુલંદીએ પહોંચ્યો હોય એવું ત્યારે મને લાગેલું. એ કબાટ હકિકતે વાજું એટલે કે ગ્રામોફોન/થાળીવાજું હતું!
આ ઘટના અમારા માટે બિલકુલ નવાઈની હતી. અમારા ઘરમાં સામાન્ય રીતે કોઈ પણ ખરીદી લગભગ સરકારી ધોરણે થતી, એની જગ્યાએ આ તો શીઘ્ર ખરીદીની ઘટના હતી. સામાન્ય સંજોગોમાં જે તે ચીજની જરૂરીયાત વિશે દરખાસ્ત મૂકાય, એના વ્યાજબીપણા બાબતે ચર્ચા વિચારણા થાય, નિર્ણય ઉપર શુભેચ્છકો/મિત્રો/વડીલોની મંજૂરીની મહોર લાગે અને પછી મા અને બાપુજી બજેટીંગ વિચારે. આખરે એ બન્ને જણાં માર્કેટીંગ/પર્ચેઝીંગ નિષ્ણાતની માફક બજારનો તાગ મેળવે અને પછી ‘સમગ્ર સ્થિતીનું અવલોકન અને પૃથક્કરણ’ કર્યા બાદ ખરીદી થતાં સુધીમાં ખાસ્સો સમય પસાર થઈ જતો. સારું હતું કે અમારા વધવાના એ સમયગાળામાં અમારે માટે તૈયાર કપડાં ખરીદવાનો ચાલ ન હતો. નહીંતર જરૂર ઉભી થયા પછી એ કપડાં ખરીદાય ત્યાં સુધીમાં બહેન ગોપી અને હું એનાથી ખાસ્સી મોટી સાઈઝ માટેની લાયકાત કેળવી ચૂક્યાં હોઈએ એવું બનતું રહેતું હોત!
મૂળે ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજીની માલિકીમાં દાયકાઓ સુધી રહેલું એ ગ્રામોફોન તે સમયના સુખ્યાત ચિત્રકાર સુધાકર દવે - 'અંજન' - પાસે હતું. તેઓ મારા બાપુજીના સહકર્મી અને સારા મિત્ર હતા. એમના જણાવ્યા પ્રમાણે આ ગ્રામોફોન મહારાજા સાહેબે તેઓના એક કર્મચારીને ભેટ આપેલું. કાળક્રમે સુધાકરભાઈના પિતાજીએ તે ખરીદી લીધું હતું. સુધાકરભાઈએ મિત્રકર્મ નિભાવતાં મારા બાપુજીને ઉક્ત 'વાજું' ફક્ત રૂ. એકસો અને તે પણ ત્રણ 'સરળ હપ્તે'ની બોલીએ આપ્યું.
એમ તો એક જમાનામાં અમારા મોટા ઘરમાં મારા દાદાએ ખરીદેલું ગ્રામોફોન હતું પણ મારા જનમ પહેલાં એ બગડી ગયું હતું. દાદાએ વસાવેલી કેટલીયે રેકોર્ડ્સ મોટે ઘરે અભરાઈએ ચડી ગઈ હોવાની વાતો ક્યારેક તેઓ પોતે જ કરતા. એ વખતે વાજાનો અભાવ દાદાને એટલો સાલી આવેલો જણાતો કે જેટલો બહાદૂરશાહ ‘ઝફર’ને સલ્તનત જતી રહેવાથી અનુભવાયો હશે! એ સમયે ઘરમાં હતી એ રેકોર્ડ્સમાં પંકજ મલ્લિક, જગમોહન, કે.સી. ડે, હેમંતકુમાર, તલત મુહંમદ, હબીબ વલી મુહંમદ અને જ્યુથિકા રોય જેવાં તે જમાનાનાં દિગ્ગજ કલાકારોનાં ગીતો, હાર્મોનિયમ માસ્ટર અમૃતલાલની વગાડેલી તરજો, 'કાળા બજાર' અને 'ડાકોરની જાત્રા' જેવાં કોમિક્સ, વગેરેનો સમાવેશ થતો હતો. બાપુજી એ જ બપોરે મોટે ઘરે જઈ, એ સઘળી રેકોર્ડ્સ ઉપાડી લાવ્યા અને તે સાંજે બટેટાંવડાં અને કોઠીના આઈસ્ક્રીમની પાર્ટી સાથે પૂરા કુટુંબમેળા વચ્ચે વાજાનું મૂરત થશે એમ નક્કી કરતા આવ્યા. એ સાંજ મારા જીવનની યાદગાર સાંજોમાંની એક બની રહી છે.
આગળ વધતાં પહેલાં અમારા નવા(?) વાજાનો પરિચય કેળવી લઈએ. અહીં તસ્વીરમાં બતાય છે એવું મધ્યમ કદના કબાટ જેવડું એ ગ્રામોફોન હતું.
![]() |
વોલ્યુમ કંટ્રોલ |
આ એ દિવસો હતા, જયારે અમારા ઘરમાં રેડીઓ ન્હોતો. રાતે જમી પરવારીને બેસીએ અને આ વાજામાંથી નીકળતા દિવ્ય બોલ અને સૂર મને કોઈ જાદુઈ દુનિયાની સફરે ઉપાડી જતા. આ દાગીનો આવ્યા પછી અમારા ઘરના મુલાકાતીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ ગયેલો! દરેક મુલાકાતીએ અલબત્ત, વાજું સાંભળતાં પહેલાં બાપુજીના કંઠે એનો ઈતિહાસ અને મહારાજા સાહેબના પેલેસથી અમારા ઘર સુધીની એની મુસાફરીની રોમાંચક વાતો સાંભળવી ફરજીયાત બની રહેતી. નાની બહેન ગોપીને અને મને એ સમગ્ર ઘટનાક્રમ મોઢે થઈ ગયેલો અને એ વાંગ્મયનીય રેકોર્ડ બનાવી લીધી હોય તો સારું, જેથી બાપુજીને બહુ શ્રમ ન પહોંચે એવો વિચાર અમને આવતો રહેતો હતો.
મારા જનમ પહેલાં ઘરનું ગ્રામોફોન બગડી ગયું હોવાથી મેં અત્યાર સુધી તો મારા મોસાળના ગ્રામોફોન ઉપર કોઈ કોઈ વાર વડીલો કશુંક સાંભળતાં હોય એ જ સાક્ષીભાવે માણ્યું હતું. અમારા ઘરની ચૂનંદી રેકોર્ડ્સ લઈને અમે લોકો ક્યારેક મારા મોસાળ જતાં. ત્યાં મહેફિલું જામતી, જેમાં એકથી ચડીયાતાં એક ગીતો કાને પડ્યે રાખતાં અને મામાનાં સંતાનો તેમ જ અમે બે ભાઈ બહેન ક્યારે નીંદમાં ઢળી પડતાં એની ખબર પણ ન રહેતી. સંગીત કશુંક દિવ્ય તત્વ ધરાવે છે એવી સજ્જડ માન્યતા બંધાવામાં આવી રાતોએ બહુ મોટો ફાળો આપ્યો છે.
આ લખી રહ્યો છું ત્યારે નજર સામે મોસાળના ઘરનું એ વાજું તરી રહ્યું છે. મામા એની ઉપરનુ કાપડનું આવરણ એટલી કાળજીથી હટાવતા કે જાણે નવજાત શિશુને ઓઢાડેલું મલમલનું કાપડ હટાવતા હોય! ઉપરથી બંધ થતી પેટી જેવા એ વાજાનું ઉપરનું ઢાંકણું ખુલે એ સાથે પૉલીશની આછી સુગંધ નાકમાં પ્રવેશ કરતી.
એ સમયે અમે છોકરાંઓ પરસ્પર પોતપોતાનાં ગ્રામોફોનની સરખામણી કરતાં રહેતાં અને જે તે ગ્રામોફોનની ખાસિયતો વિશે જાણીતાં થવાનો પ્રયત્ન કરતાં રહેતાં. મામાનો દીકરો મોટો ભાઈ જગત અને હું વધારે પડતા જિજ્ઞાસુ હોવાથી અન્ય ઘરો/દુકાનોમાં જોવા મળતાં ગ્રામોફોન્સ પણ જોતા રહેતા.
* * * * * * * * *
હવે થોડું અમારી પાસે હતી એ રેકોર્ડ્સ વિશે. અમારી પાસે હતી એ દાદાએ જે તે સમયે પોતાની પસંદગી મુજબ ખરીદેલી રેકોર્ડ્સ હતી, જ્યારે મોસાળના ઘરનું ગ્રામોફોન એ સમયે પણ કાર્યરત હોવાથી ત્યાં નવી નવી રેકોર્ડ્સ ઉમેરાઈ હતી. અમારા બન્ને ઘરો વચ્ચે એ બાબતે લેવડદેવડ વ્યવહાર ચાલ્યા કરતો હતો. એ સમયે મુખ્યત્વે એચ એમ વી અને કોલંબીયા કંપની વડે નિર્મીત રેકોર્ડ્સ જોવા મળતી. પણ પછી ખબર પડી કે એ સિવાય અન્ય કંપનીઓ પણ એ નિર્માણકાર્યમાં ઝંપલાવી ચૂકી હતી. જો કે આગળ જતે એક રાઝ ખુલ્યો કે કેટલીક વાર એક જ કંપની કર બચાવવા માટે થઈને અન્ય નામોના ઉપયોગથી અલગઅલગ કલાકારોની રેકોર્ડ્સ બહાર પાડતી રહેતી હતી. ખેર, એ બધી વિગતોમાં ન ઉતરતાં રેકોર્ડ્સના તેમ જ તેમનાં કવર્સના કેટલાક રસપ્રદ નમૂનાઓ જોઈએ.
રેકોર્ડ્સ:
૧) આ રેકોર્ડ કોલંબીયા કંપનીની બનાવેલી છે, જેમાં શરણાઈ ઉપર રામબાબુ નામે જાણીતા કલાકારે વગાડેલો રાગ પહાડી અંકિત થયો છે. આ રેકોર્ડના મધ્યભાગે મારા દાદા લાભશંકર જટાશંકર પંડ્યાએ કરેલી તેમની ટૂંકી સહી, લા.જ.પં. સ્પષ્ટ જોઈ શકાય છે.
૨) માસ્ટર બસરકર નામના ગાયકે છેડેલો રાગ ભીમપલાસી ધરાવતી આ રેકોર્ડના મધ્ય ભાગે પણ મારા દાદાની ટૂંકી સહી જણાય છે.
૩) એક જમાનાના અતિશય લોકપ્રિય બની રહેલા નાટક ‘ડાકોરનો મેળો’ને લઈને Twin કંપનીએ ઉતારેલ આ રેકોર્ડ ગરમ ભજીયાંની જેમ વેચાયેલી એવું વડીલો પાસેથી સાંભળ્યું છે.
૪) HMV - His Master’s Voice – કંપનીએ પણ એ જમાનાની માંગને નજરે રાખી ને ‘વિધવાનાં આંસુ’ નામના નાટકની રેકોર્ડ બહાર પાડી હતી. આ રેકોર્ડ પણ ધૂમ વેચાઈ હોવાની જાણ છે.
૫) એ જમાનામાં અમૃતલાલ દવે નામેરી એક ખુબ જ કુશળ હાર્મોનિયમ વાદક હતા. અમારા ઘરમાં એમના વાદનની ત્રણ અલગ અલગ રેકોર્ડ્સ હતી, એ પૈકીની આ ‘મોરલીવાદન’ની છે. ધ્યાનથી જોતાં વંચાય છે કે અહીં ‘મોર્લી’ એવી જોડણી કરવામાં આવી છે!
રેકોર્ડ્સનાં કવર્સ:
૧) આ ફોટોમાં દેખાતા કવર ઉપર જોતાં લાગે છે કે વીસમી સદીના ચોથા-પાંચમા દાયકામાં ગુજરાતી લિપી ઉપર મરાઠીની અસર હશે. હીઝ માસ્ટર’સ ‘વોઈસ’ની જગ્યાએ ‘વ્હોઈસ’ છપાયેલું જોઈ શકાય છે. વળી નીચેની બાજુએ ડાબા ખુણે એ જ કંપની દ્વારા નિર્મીત ગ્રામોફોનની જાહેરાત નજરે પડે છે.
૨) અહીં પણ હીઝ માસ્ટર’સ વ્હોઈસ જ છપાયું છે. જે અલગ છે તે આ કવર ઉપર ગ્રામોફોનના સ્ટાયલસના છેડે ભરવવાની પીનની જાહેરાત કરવામાં આવેલી છે. વળી અહીં હીંદીની અસર હેઠળ પીન માટે ‘સૂઈ’ શબ્દ પ્રયોજાયો છે!
૩) કૃષ્ણ સુદામાની પૌરાણિક કથાને લઈને લખાયેલા નાટકને રજૂ કરતી આ રેકોર્ડ હીઝ માસ્ટર’સ વોઈસ કંપનીએ ઉતારેલી અને એ જબરદસ્ત સફળતાને વરેલી.
૪) આ કવર ઉપર નજર નાખતાં એ જમાનાના લોકપ્રિય કલાકારો કોણ હશે અને ત્યારના લોકોની રૂચી કેવી હશે એનો ખ્યાલ બાંધી શકાય છે. કોઈ મિસ્ટર લલ્લુભાઈના કોમીકગાનની રેકોર્ડનું આ કવર છે. મારા દાદાના મિત્રોની મંડળી જામે ત્યારે આ કલાકારની રજૂઆત ઉપર સૌ ઝૂમી ઉઠતા એવું મારી દાદી પાસેથી જાણ્યું છે.
૫) આ કવર ઉપર TWIN રેકોર્ડ (કંપની)નો ઉચ્ચાર ‘ટુઈન’ લખવામાં આવેલો છે.
એક જમાનામાં જેની આણ વરતતી હતી એવાં ગ્રામોફોન અને રેકોર્ડ્સની જગ્યા કાળક્રમે સ્પૂલ પ્લેયર અને સ્પૂલ પ્રકારની ટેઈપે લીધી. પછી આવ્યાં કેસેટ પ્લેયર અને ટેઈપ. ધીમે ધીમે સીડી, એમપી-૩ અને પેન ડ્રાઈવ તેમ જ તે બધાને અનુરૂપ પ્લેયર્સ બજરમાં આવતાં રહ્યાં. હાલ એ છે કે હવે તો યુ ટ્યુબ, ગાના.કોમ કે સાવન જેવી વેબસાઈટ્સ ઉપર આંખના પલકારે ઈચ્છીએ એ ગીત આંગળીને ટેરવે વગાડી/બદલાવી શકાય છે. આવા સંજોગોમાં પણ હજી ચાહકોનો એક ખાસ વર્ગ એવો ટકી રહ્યો છે કે જે કોઈ ચોક્કસ ગીત કાને પડે ત્યારે એની રેકોર્ડ વાગતી ત્યારે એ સમયે એની સાથે સ્ટાયલસની પીન ઘસાતી એનો અવાજ યાદ કરી ને ધુંધળી થયેલી આંખ લુછી નાખે છે.
સૌજન્ય સ્વીકાર:
૧)પહેલી બે તસવીરો નેટ પરથી લીધેલી છે. ત્રીજી તસવીર શ્રીમતી હેમલ ભટ્ટ અને શ્રી રાજેન ભટ્ટના સહકારથી મળી છે.
૨) બન્ને ગીત યુ ટ્યુબ ઉપરથી લીધાં છે.
સૌજન્ય સ્વીકાર:
૧)પહેલી બે તસવીરો નેટ પરથી લીધેલી છે. ત્રીજી તસવીર શ્રીમતી હેમલ ભટ્ટ અને શ્રી રાજેન ભટ્ટના સહકારથી મળી છે.
૨) બન્ને ગીત યુ ટ્યુબ ઉપરથી લીધાં છે.