Thursday 4 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૨)



                                                          જેરામનો ઝપાટો….
સને ૧૯૬૧માં મારા બાપુજીનું પોસ્ટીંગ ગઢડા(સ્વામીનારાયણ) મુકામે થયું. મને ત્યાંની મોહનલાલ મોતીચંદ પ્રાથમિક શાળામાં પ્રવેશ મળી ગયો. તાત્કાલિક ધોરણે જે ભાઈબંધ થયો એ હતો જેરામ (જેરામીયો). આ જેરામીયો મારા જ વર્ગમાં હતો. એના બાપુજી અમારી નિશાળની બહાર લારી ઉભી રાખી, શીંગ, દાળીયા, રેવડી, બોર, કાતરા, આંબલીયા વગેરે ‘ભાગ’ વેચતા. જો કે એમને મોટો વકરો એ ‘ઈનામ’ ખેંચાવતા એમાંથી થતો. પૂંઠાના બોર્ડ ઉપર રંગબેરંગી એવી નાની નાની પડીકીઓ ચોટાડેલી હોય. ત્રણ પૈસા અને પાંચ પૈસા જેવી રકમ ચૂકવવાથી આપણી પસંદગીની કોઈ પણ એક પડીકી ખેંચવાની તક મળે. એ પડીકી ખોલવાની અને એમાં જે લખ્યું હોય તે ઈનામરૂપે મળે. જો કે મોટા ભાગે તો એ પડીકી ખાલી જ નીકળતી. એમ થવાથી હતાશ થઈને પાછા વળતા છોકરાને એ હાથમાં બે દાણા શીંગ મૂકી, બીજે દિવસે ફરીથી નસીબ અજમાવવા માટે આમંત્રણ આપતા. આજના યુગમાં અજમાવાતા માર્કેટીંગના કિમીયાઓની ગંગોત્રી આવા લોકોની કોઠાસૂઝમાંથી જ પ્રગટી હશે.

જો ભૂલેચૂકે કોઈને ઈનામ લાગી જાય તો એના ફળસ્વરૂપે જે બનતું એ ખુબ જ રસપ્રદ છે. જેવો એ છોકરો ઈનામ લઈને હરખભેર નિશાળના પરિસરમાં જાય કે થોડી જ વારમાં જેરામીયો એની પાસે પહોંચી જતો. એનો એક માત્ર મકસદ એ ચીજ પાછી પડાવી લેવાનો રહેતો. શાસ્ત્રોમાં સૂચવાયેલા ચાર પૈકી ‘દંડ’ તરીકે ઓળખાવાયેલો કિમીયો એને સુપેરે હસ્તગત હતો. આ બાબતે એણે એવી તો ઉંચી પ્રતિષ્ઠા અર્જિત કરી રાખી હતી કે મોટા ભાગના કિસ્સામાં ઈનામવિજેતા છોકરો એને મળેલી ચીજ વડે ત્યાં સુધી જ રમી લેતો, જ્યાં સુધી પોતે જેરામની નજરે ન ચડે. જેવા પરસ્પર દ્રષ્ટોદ્રષ્ટ થાય કે એ સામેથી જ એ જેરામને ઈનામ પરત કરી દેતો. આમ કરવાથી જેરામનો સમય અને સામેવાળાનું શરીર એ બન્નેનો બચાવ થતો. આમ જોઈએ તો એટલી નાની ઉમરથી જ જેરામીયાએ પિતાજીના ધંધામાં ખાસ્સી નિષ્ઠાથી મદદ કરવાનું ચાલુ કરી દીધું હતું.

અમે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે અમારાં વર્ગશિક્ષિકા હતાં તારાબહેન. ખુબ જ ઉત્સાહી અને પ્રેમાળ એવાં તારાબહેન નવાં નવાં ભાવનગરથી બદલાઈ ને ગઢડાની નિશાળમાં જોડાયાં હતાં. તે અભ્યાસક્રમ ઉપરાંત અમને શિષ્ટાચાર અને બોલચાલના પાઠો પણ ભણાવતાં. એક વખત એમની ઝપટે જેરામીયો ચડી ગયો. બલ્કે એમ કહેવું જોઈએ કે જેરામીયાની ઝપટે તારાબહેન ચડી ગયાં! ‘સ’થી શરુ થતો એક શબ્દ બોલવાનો હતો અને જેરામ ત્યાં ‘ચ’ ઉચ્ચાર કરે! તારાબહેન ચિડાઈને કહે, “તે તને ‘સ’ બોલતાં નથી આવડતું?” જેરામે જવાબ આપ્યો, “આવડે સે ને!” એટલે તારાબહેન વધુ ખીજાણાં. કહે, ” ‘સે’ બોલાય? ‘છે’ની જગ્યાએ ‘સે’ બોલતી વેળા તો ‘સ’ બોલતાં આવડે તો સીધેસીધો ‘સ’ કેમ નો આવડે? બોલ, ‘સસલું’.” તો જેરામ બોલ્યો, “ચચલું”! આવી થોડી માથાકૂટ પછી તારાબહેને જેરામને કહ્યું કે બીજે દિવસે એના બાપાને લઈ ને નિશાળે આવે. ‘કલ કરે સો આજ’ના ન્યાયમાં માનતો જેરામીયો એ જ ક્ષણે ક્લાસની બહાર રોકેટની જેમ ભાગ્યો અને બહેન કાંઈ સમજે એ પહેલાં તો એના બાપાને લઈ આવ્યો! એ સમયે નિશાળના પ્રવેશદ્વાર પાસે ભાગની લારી લઈ ને ઉભા રહેલા બાપા જેરામને એકદમ હાથવગા હતા. તારાબહેને એમને ચિરંજીવીના ઉચ્ચારદોષની ફરિયાદ કરી કે ગમ્મે એટલું શીખવાડું છું, આ છોકરો ‘સ’ નથી બોલતો. “તે લે, એમાં ચિયો વાઘ મારવાનો સ?” જેરામસ્ય પિતાજી ઉવાચ. “લે હેઈ જેરામીયા, બોલ તો, ચમચી”. જેરામે ક્ષણના ય વિલંબ વગર ઉચ્ચાર્યું, ‘સમસી’ ! જેરામના ચહેરા ઉપર ગર્વ, એના બાપાના ચહેરા ઉપર આવો રતન સરીખો સુપુત્ર સાંપડ્યાનો હરખ અને તારાબહેનના ચહેરા ઉપરની લાચારી ભળાતાં અમારો વર્ગ હર્ષનાદો કરી ઉઠેલો!

એ પછીના વર્ષે એટલે કે અમારા ચોથા ધોરણના વર્ગમાં અમારા વર્ગશિક્ષક તરીકે મૂકાયા એ સાહેબ તાજા જ જોડાયા હતા. અમારો જેરામ એમની જ્ઞાતિ બાબતની જાણકારી તાત્કાલિક અસરથી મેળવી લાવ્યો અને કોઈ જ છોછ વગર એણે સમગ્ર વિદ્યાર્થીગણમાં એ માહિતી છૂટથી વહેંચી. આમ થતાં એ સાહેબનો ઉલ્લેખ સૌ વિદ્યાર્થીઓ (એમની અનઉપસ્થિતીમાં, અલબત્ત!) એમની જ્ઞાતિ વિશેના સહેજેય વિવેક/સુરૂચીપૂર્ણ નહીં બલ્કે અપમાનજનક એવા શબ્દપ્રયોગ વડે જ કરવા લાગ્યા. સાહેબ યુવાન તેમજ ઉત્સાહી હતા અને આજથી ચોપન પંચાવન વરસ અગાઉનાં ધારાધોરણો મુજબ વર્ગમાં શિસ્ત બરકરાર રાખવા માટે જરૂરી માનવામાં આવતા એવા શાબ્દિક ધાકધમકી તેમજ શારીરીક ઉત્પીડનના સઘળા પ્રયોગો સારી પેઠે કરી જાણતા. એનું પ્રાયોગીક નિદર્શન એ વખતોવખત આપતા પણ રહેતા. એ જ્યારે વર્ગમાં પ્રવેશે ત્યારે અમે તોફાનો કરતા જ હશું એવી પૂર્વધારણા સહીત જ આવતા. બારણામાં પ્રવેશતાં જ “એય્ય્ય્ય્ય, બધા સખણીના રહેજો” એવો ચેતવણીનો નાદ પોકારતા. એની ભારે અસર થતી અને મોટા ભાગના અમે વાર્ષિક ઈન્સ્પેક્શન આવે ત્યારે હોઈએ એટલા ડાહ્યા બની જતા. તેમ છતાંયે સાહેબ એકાદ બેને ગણીતના આકસ્મિકતાના સિધ્ધાંત મુજબ પસંદ કરી, થોડી થોડે ‘પરશાદી’ ચખાડી દેતા, જેથી બાકીનાઓ શુન્યમનસ્ક બની જતા અને આમ વર્ગમાં શાંતિ સ્થપાયેલી રહેતી. એ કળિયુગી જમાનામાં આ બધું અતિ સામાન્ય ગણાતું. આજના જેવી નવજાગૃતિનો એ સમયગાળો હોત તો તો મા-બાપ, વાલીમંડળ અને વિદ્યાર્થીનેતાઓ ભેગાં મળીને આવી બાબતે હોબાળો મચાવી દેતાં હોત અને સંચારમાધ્યમોના પ્રતિનિધીઓ એ ઘટનાને ‘બાળમાનસ ઉપર ક્રૂર શિક્ષક દ્વારા થયેલા અત્યાચાર’ તરીકે ખપાવી, નકલોનો ફેલાવો અને કાર્યક્રમના ટીઆરપી મૂલ્યમાં ધરખમ વધારો કરી શક્યા હોત. ખેર, જેવાં એ પેઢીના વિદ્યાર્થીઓનાં નસીબ!

અમારામાંના કોઈ કોઈ તો એમના વડે અજમાવાતી આવી પ્રવૃત્તિઓનો ભોગ ન બનવા માટે વર્ગમાં ‘સખણીના’ રહેવા ઉપરાંત અન્ય ઉપાયો પણ પ્રયોજતા રહેતા. ભટૂર નામનો એક છોકરો રોજ રીસેસમાં ઘરે જઈ, એમને માટે નાની બોઘરણી ભરીને તાજી છાશ લઈ આવતો અને એના બદલામાં કોકકોકવાર ‘લેશન’ કરી લાવવાનું ભૂલી જાય, ત્યારે એ બાબતે સાહેબ એને જવા દેતા. વળી એ તાડનલાભથી પણ કાયમી ધોરણે વંચિત રહેવા પામતો. અન્ય કેટલાકો એક યા બીજી યુક્તિ/પ્રયુક્તિ વડે આવું સુરક્ષિત કવચ મેળવવા સફળ થયા હતા. જેમકે મને મારા બાપુજી બેંક મેનેજર હોવાનો ફાયદો આપોઆપ મળ્યો હતો. આ વસ્તુસ્થિતી જેરામીયાને બહુ ખટકતી પણ એ લાચાર હતો – સાહેબને થોડા બાપાની લારીએ ઈનામ ખેંચવા લઈ જવાય? આથી એ સાહેબના વાંકમાં ન અવાય એનું પૂરતું ધ્યાન રાખતો હતો પણ એના મનમાં છૂપો અસંતોષ ભડભડતો રહેતો હતો.

એકવાર કોઈ કારણસર એ સાહેબની ઝપટે ચડી ગયો. એમણે એને પોતાની પાસે બોલાવી, બે અડબોથ લગાવી દીધી. આ ભેગો જેરામ વિફર્યો. એ ભટૂરને ઉદ્દેશીને બોલ્યો, “એલા ભટૂરીયા, કાલ્યથી આ(અત્યંત અપમાનજનક જ્ઞાતિવિષયક પ્રયોગ)ની હાટુ(માટે) સાશ્ય (છાશ) લાવ્યો સો ને, તો તને સમશાનની જોગણી પુગે.” હવે વિફરવાનો વારો અમારા સાહેબનો હતો. એમણે એક હાથે જેરામના વાળ પકડ્યા અને બીજા હાથે તાડન શરૂ કર્યું. સામા પક્ષે જેરામે એમને માટે અપમાનજનક શબ્દપ્રયોગોનો મારો ચલાવ્યો. સાહેબના હાથ અને જેરામની જીભ વચ્ચેની જુગલબંધી વિલંબીત ખયાલ તરફથી આગળ વધતી દ્રુત ગતીએ પહોંચી ગઈ. અમારા પાડોશમાં રહેતા એક દંપતિ વચ્ચે થતી રહેતી ચોક્કસ લેવડદેવડ બાબતે મારી દાદી બોલતી, “ઈ તો કોકની જીભ હાલે ને કોકના હાલે હાથ” ! આ વાક્યપ્રયોગ તે ધન્ય સમયે મને ઉદાહરણ સહિત સમજાયો. અમે વર્ગમાં બેઠેલાઓ વિસ્ફારીત નેત્રે આ ઘટનાક્રમને સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા હતા. આખરે સાહેબે એનું માથું જોરથી વર્ગના બારણા સાથે ભટકાડ્યું. આમ થતાં જ જેરામના માથામાં ફૂટ થઈ અને લોહી વહેવા લાગ્યું. આપણે હીન્દી ફિલ્મોમાં અનેક વાર જોયું છે કે નાયક લાંબા અરસા સુધી સામેવાળાના હાથનો માર ખાધા કરે અને પછી એના ચહેરા ઉપર લોહી દેખાય. નાયક ચોક્કસ અદાથી એ લોહી સાફ કરે અને પછી જે વિફરે, જે વિફરે કે સામેવાળાનું આવી બને. બસ, આવું જ કંઈક બન્યું. માથામાં ફૂટ થતાં જ જેરામની સહનશક્તિ જવાબ દઈ ગઈ. એના એકવડીયા શરીરમાં હતી એટલી તાકાત ભેગી કરી, જેરામીયો સાહેબની ચૂડમાંથી છટક્યો. વર્ગમાં સૌથી આગળ બેઠેલા છોકરાઓ પાસે પહોંચ્યો અને સૌથી પહેલાં હાથમાં આવી એ પાટી/સ્લેટ લઈ, એણે એ સાહેબના માથા ઉપર જોરથી લગાવી! એ સાથે સાહેબના કપાળ ઉપરથી લોહી દડવા લાગ્યું અને જેરામીયો નિશાળમાંથી ભાગી ગયો તે કોઈ દિવસ પાછો ન આવવા માટે ભાગી ગયો.

ઉક્ત ઘટનાના થોડા જ દિવસોમાં મારા બાપુજીની બદલી ભાવનગર થઈ જતાં મારો પણ એ નિશાળ સાથેનો નાતો પૂરો થયો. એ પછી દસેક વરસ બાદ એકવાર ગઢડા જવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે જેરામ હીરા ઘસવા સુરત જતો રહ્યો હતો. પોતાની ઉપર પહેલ પાડવાના બાકી હતા એવી ઉમરે હીરા ઉપર પહેલ પાડવાનું એને વધુ આકર્ષક લાગ્યું હશે. હજી પણ ક્યારેક અભિવાદન કરતી વેળાએ કે છૂટા પડતી વેળાએ કોઈ ‘જય રામજી કી’ ઉચ્ચારે છે ત્યારે મને ‘જેરામજીકી’ જ સંભળાય છે અને મારી નજર સામે અમારો જેરામીયો આવીને ઉભો રહી જાય છે.

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૩)




                                                               નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું
આજે ગઢડા( સ્વામીનારાયણ) ખાતે સને ૧૯૬૧થી ૧૯૬૩ દરમિયાન મળેલા એક મિત્રની વાત માંડું. તેની સાથે માણેલા યાદગાર અનુભવો એવા મજેદાર છે કે સાડાપાંચ દાયકા પછી પણ એની યાદ તાજી છે.

એ દિવસોમાં દિવસના પોણાઅગિયાર અગિયાર વાગ્યાની આસપાસ મારા નિશાળ જવાના સમયે એક સજ્જન પોતાની દિનચર્યાના ભાગરૂપે નદીએ નહાવા માટે જતા હોય, ત્યારે કોઈ કોઈ વાર મારી નજરે ચડી જતા. એ સમયે એમને જતા જોવા એ એક લ્હાવો હતો. ટૂંકું પંચિયું પહેરી, ઉઘાડા દેહે હાથમાં કળશો ઝાલીને અને ખભે ટુવાલ નાખીને એ ઉંઘંટ્યે ચહેરે નદી તરફ ચાલ્યા જતા હોય, ત્યારે નિયમિત રીતે કેટલાક છોકરાઓનું ટોળું ચોક્કસ લયમાં ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું. નદ્દીએ ન્હાવા જત્તું ‘તું, જત્તું ‘તું’ એવું સમુહગાન ગાતું ગાતું એમની પાછળ ચાલતું રહેતું. એ મહાનુભાવ સામાન્ય સંજોગોમાં એ બાબતે બિલકુલ નિર્લેપ રહેતા. પણ કોઈ કોઈ વાર અચાનક ઉભા રહી જઈ, “કોનીનો સો!” જેવા શબ્દપ્રયોગ સાથે એકાદા છોકરાની સામે ખૂંખાર નજરે જોઈ લેતા. આમ થવાથી જે તે સમયે ટોળામાં સમાવિષ્ટ તોફાનીઓ ભાગી છૂટતી વેળા એમના ખીજાવાથી પોતાનો જન્મારો સુધરી ગયો હોય એવી ખુશી અનુભવતા. જેમ મંદીરમાં અખંડ ધૂન ચાલતી હોય ત્યારે એમાં ગાનારાઓ બદલાયા કરે એમ જ એ ટોળામાં પણ સ્વયંસેવકો બદલાતા રહેતા પણ વિજયઘોષ તો ઠેઠ એ સજ્જન નદીમાં ઉતરે ત્યાં સુધી ચાલતો રહેતો. એકવાર હું આ શોભાયાત્રામાં જોડાવાની તૈયારીમાં જ હતો ત્યારે મારી બાજુમાં ઉભેલા એક છોકરાએ મારો હાથ પકડીને મને ક્ષોભ સાથે જણાવ્યું, “ઈ નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું તો મારા બાપા સે, તું એમની વાંહે નો જતો.” મારી એ ઉમર એનાં ક્ષોભ કે મનોવ્યથા સમજવાની તો નહતી પણ મને એને માટે ખુબ જ લાગી આવ્યું હતું. આ ઘટના પછી એ છોકરા સાથે મારી ભાઈબંધી બંધાણી અને સમય જતે ‘પાક્કી’ બની હતી.

એનું મૂળ નામ છોટુ પણ ત્યારના રિવાજ પ્રમાણે અમે મિત્રો એને ‘છોટીયો’ નામથી ઓળખતા. એ સમયે અમે ગઢડાના ‘સાંકડી શેરી’ તરીકે જાણીતા વિસ્તારમાં ભાડે રહેતાં હતાં. છોટીયો ત્યાંથી બહુ દૂર નહીં એવી એક વસાહતમાંથી અમારી શેરીમાં રમવા આવતો. મારીથી ત્રણેક વરસ મોટો હોવા છતાં પણ એ નિશાળમાં મારા જ વર્ગમાં હતો. કોઈ કોઈ વાર છોટુને ઘરે જઈએ તો એની બા અને એના દાદા મળે, એના બાપુજી ક્યારેય ઘરે જોવા ન મળતા. પછી ખબર પડી કે એના દાદા કર્મકાંડ અને જ્યોતિષના વ્યવસાયને લીધે પુષ્કળ રળતા હતા, જ્યારે સામે પક્ષે એના બાપા પૈસાને સર્વ અનિષ્ટનું મૂળ સમજી, ક્યારેય કમાવા જેવી દુન્યવી પ્રવૃત્તિમાં પડ્યા જ ન હતા. ઉલટાના, એ તો બને એટલી રીતો અજમાવી, અન્યોએ એકત્રીત કરેલા હાથના મેલને શક્ય એટલો આઘો કરી દેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહેતા. એમની આવી ઉમદા પ્રવૃત્તિઓને નિષ્ઠુર સમાજ, કુટુંબીજનો અને ખાસ તો એમના પિતાશ્રી ન ચલાવી લેતા હોવાથી એ બિચારાને ભેદી સ્થળોનો આશરો લેવો પડતો.

અમારી શેરીના ઘરેઘરની એકેએક વ્યક્તિથી છોટુ જરૂર કરતાં પણ વધારે પરિચીત હતો. કેટલાયે કુટુંબોની ‘ભેદી વાત્યું’ એની જાણમાં રહેતી અને એ અમારી મંડળીમાં કોઈ પણ જાતના બાધ વગર એ આવી બધી વાતો છૂટથી વહેંચતો. વળી કેટલાક કુતૂહલપ્રિયા: જના: સાથે ચોક્કસ અને ખાસમખાસ બાતમીનો વ્યવહાર એ સોડા અને પાનના સાટામાં કરતો. અમુક કુટુંબોમાં તો એને ઘરોબો હતો અને ત્યાં જઈને વડીલો સાથે બેસી, ચા-પાણી-નાસ્તો પણ કરી લેતો. બદલામાં એણે ત્યાં ચોક્કસ પ્રકારની મનોરંજક વાતો કરવાની રહેતી, જેને કેટલાક વાંકદેખાઓ કૂથલીના નામે વગોવતા. અમારો છોટુ આ બધું એકદમ તટસ્થભાવે કરતો. આજે જે ઘરે જઈને કોઈની વાતો કરી આવ્યો હોય, એ જ કુટુંબની માટલી બે ત્રણ દિવસ પછી અન્યત્ર ફોડી દે એવું પણ અમારી જાણમાં આવતું રહેતું. આવું બધું કરવા માટે જરૂરી સમયની ફાળવણી એ નિશાળમાં ન આવીને કરી લેતો. જ્યારે આવે ત્યારે એની અનિયમિતતા બાબતે વર્ગશિક્ષક સાહેબ/બહેન ખુબ વઢે અને કોઈ કોઈ વાર મારે પણ ખરાં. હેડમાસ્તર સાહેબના હાથે ચડી જાય તો એ પણ એને લગાવતા. જો કે આવી નાની નાની ઘટનાઓથી એ જરાય વિચલીત ન થતો. આ બાબતે એ એનું મંતવ્ય બહુ સ્પષ્ટ હતું….” જો ભાય, ઈ તો નિશાળે રોજ આવું તોય વાંકમાં આવીને વઢામણ/માર તો ખાવાનાં જ વોય. એના કરતાં બીજું કાંકેય કરવી ને!” અમે મિત્રો ય સ્વીકરતા કે એ ‘બીજું કાંક’ એને ખાસ્સું ફળદાયી નીવડતું.

અમારી નિશાળ લગભગ નદીકાંઠે હતી. નદીને સામે કાંઠે ખેતરો અને વાડીઓ હતાં. ગઢડામાં એ સમયે મગફળીનો મબલખ પાક ઉતરતો. લણણી સમયે છોટુ નિશાળમાં ભાગ્યે જ દેખાતો. સાંજ પડ્યે તાજી વાઢેલી શીંગ ભરીને ગાડાં ગામમાં પ્રવેશે, ત્યારે એમાંના એકાદની પાછળ લટકેલો નજરે ચડી જતો. એ સમયે ગઢડાના ખેડૂતોમાં એક માન્યતા એવી હતી કે ‘ખેતરમાં ઈ રામનું, ખળા( લણ્યા પછી ખેતપેદાશને રાખવાની વ્યવસ્થા)માં ઈ ગામનું ને (ઘરની) કોઠીમાં ઈ કામનું’. આમ, ખેતપેદાશ પોતાના ઘરની કોઠીમાં પહોંચી જાય ત્યાં સુધી એનો ઉપયોગ પશુ/પક્ષી/માનવીમાંથી કોઈ પણ કરે, એમાં ખેડૂતને વાંધો ન હોય. આવી માન્યતાને બરાબર ધ્યાને રાખી, છોટીયો વેળાસર કોઈના ને કોઈના ખેતરે પહોંચી જઈ, તાજી મગફળી(જેને અમે પોપટા કહેતા)ની જ્યાફત ઉઠાવતો અને પાછા ફરતી વેળા ઘેર પણ લઈ જતો. હા, ત્યાં લણણીના કામમાં થોડો ઘણો મદદરૂપ પણ થતો. ઘરે જતી વેળા અમારી જેવા કોઈ રસ્તે મળી જાય, એને પણ ઉદારતાથી પોપટાની લ્હાણી કરતો. એ બિલકુલ તાજી શીંગનો અદ્ભૂત સ્વાદ મેં છોટુના સૌજન્યથી એક કરતાં વધુ વાર માણ્યો છે. આ છોટીયા સાથે એ નાદાન ઉમરે કેટલાક યાદગાર અનુભવો માણ્યા છે એ પૈકીનો એક અહીં મૂકું છું.

એક તબક્કે અચાનક એવું બન્યું કે જ્યારે જોઈએ ત્યારે છોટુ “ હે જી.ઈ.ઈ.ઈ…… વડલા તારી વરાળ્ય, ને પાંદડે પાંદડે પરવરે” એટલી દુહાની પંક્તિ ગાતો ગાતો ફરતો રહેવા માંડ્યો. આગળ પાછળ કશું જ નહીં, માત્ર આ દુહો ગાતો રહેતો. મેં આ બાબતની પૃચ્છા કરતાં એણે મને જણાવ્યું કે ગઢડામાં એક નાટકકંપની તે સમયના ગ્રામ્ય સૌરાષ્ટ્રમાં ખુબ જ લોકપ્રિય એવા નાટક ‘વીર માંગડાવાળો’નો ખેલ લઈને આવી હતી. એ નાટકનું જે શિરમોર ગીત હતું, એનો આ મુખડો હતો. એણે ખુબ જ આગ્રહ્પૂર્વક મને આ નાટક જોવાની ભલામણ કરી. મેં તાત્કાલિક ધોરણે મારા બાપુજીને આ નાટક જોવાનો સોનેરી મોકો ચૂકી જવાથી મારો વિકાસ રૂંધાઈ જશે એવા અંદાજથી સમજાવવાની કોશિશ કરી જોઈ પણ એમણે જરાયે લાગણીવશ થયા વગર મારી દરખાસ્ત ઉડાવી દીધી. અમારા કુટુંબમાં એ સમયે સ્ત્રીઓ પુરુષસમોવડી થવાનો જરાય પ્રયત્ન ન કરતી એટલે મા પાસે જ્યારે હું હતાશાની મૂર્તી જેવો બનીને આ બાબતે કોઈ પુનર્વિચારણાનો પ્રસ્તાવ લઈને ગયો ત્યારે એણે તો “ઈ તો જેમ તારા ભાઈ કહે એમ જ હો!” કહીને સમગ્ર બાબત ઉપર ટાઢું પાણી ઢોળી દીધુ. હવે જ્યારે છોટીયાને આ ખબર પડી ત્યારે એ મારાથી યે વધુ હતાશ થઈ ગયો! એણે વિચારેલું કે મારા બાપુજીને વિનંતી કરીને મારી સાથે એ પોતે પણ નાટક જોવા પામશે. જો કે એ આશા ફળીભૂત ન થવાથી એણે વૈકલ્પિક વ્યવસ્થા કરી. ક્યાંકથી આ નાટકની જાહેરાતનું મોટું ચોપાનીયું લઈ આવ્યો. એમાં નાટકની વાર્તા અને ગીતો છાપેલાં હતાં. એમાંથી વાંચીને એણે મને જણાવ્યું કે ‘વીર માંગડાવાળો’ એક ભૂતકથા હતી અને નાટકમાં તો ‘ટોપના પેટનો હાચ્ચો ભૂત’ દેખાતો ’તો. આ જાણકારીથી તો હું એ નાટક જોવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. મને ભૂત કેવું દેખાય એ જાણવાનું ભારે કુતૂહલ હતું. કોઈએ ‘અરીસામાં જોવાથી ખ્યાલ આવી જશે’ એવી સૂઝ પણ પાડી ન હતી. એ સમયે મારા એકમાત્ર તારણહાર સમા છોટીયાએ મને કહ્યું, “હું તને નાટકનો નહીં, હાચ્ચેહાચ્ચો ભૂત બતાડીશ, તું સાબદો રે’જે.”

ખરેખર, બે-ત્રણ દિવસમાં જ છોટુ એક ભવ્ય પ્રસ્તાવ લઈને આવ્યો. એણે મને જણાવ્યું કે ગામની સીમમાં આવેલા સ્મશાનમાં ભૂત, ખવીસ, ડાકણ, ચૂડેલ વગેરે રાતના નવ વાગ્યા પછી નિયમીત હાજરી પૂરાવતાં રહે છે. એટલે ત્યાં યોગ્ય સમયે પહોંચી જવાથી એ સૃષ્ટી સાથે મુલાકાત થઈ શકે. મારા માટે તો સાંજના સમય પછી ઘરેથી બહાર શી રીતે જવું એ પ્રશ્ન હતો. પણ છોટીયો જેનું નામ! એણે તોડ વિચારી જ રાખેલો હતો. યોગાનુયોગે તાજીયા(મુહર્રમ)નો તહેવાર નજીક હતો. રહીમ નામનો અમારો એક મિત્ર આ નિમીત્તે અમને શાળામિત્રોને એને ઘરે સાંજથી બોલાવવાનો હતો. એના મા-બાપ દર વર્ષે આ તહેવારમાં ‘ભામણ રસોઈ’ કરાવી, રહીમના મિત્રોને ખુબ ભાવથી જમાડતાં. આ મોકાનો લાભ લેવા માટેની છોટુની યોજના બહુ સ્પષ્ટ હતી. “જો, તારા બાપા તને રહીમીયાના ઘરે તો આવવા જ દેશે ને! ન્યાંથી આપડે કોઈને ખબર નો પડે એમ છાનામુના સમશાને વીયા જાશું તું એકાદ ભૂત/ભૂતડી જોઈ લે એટલે પાછા રહીમીયાને ન્યાં ને પછી હું તને તારે ઘેર મૂકી જાશ્ય.” એ વખતે એને તો બધા પ્રકારનાં ભૂતો સાથે ઘરોબો હોય એવી અદાથી છોટીયો વાત કરતો હતો.

આખરે મુહર્રમનો દિવસ આવી પહોંચ્યો. સવારમાં રહીમના બાપુજી મારા ઘરે આવીને મને એમને ત્યાં જમવા મોકલવા માટે મારા બાપુજીને ભાવપૂર્વક કહી ગયા. સાંજે છોટીયો મારે ઘરે આવી ગયો અને અમે બન્ને નીકળી પડ્યા. જો કે જેમ જેમ આ દિવસ નજીક આવતો જતો હતો એમ મારામાં બીક અને ફફડાટની લાગણી પ્રબળ થતી જતી હતી. સામે પક્ષે છોટુ તો સહેજેય બીતો નહતો! એનું કારણ એણે બતાવ્યું કે પોતે હનમાનજતિનો ભગત હતો. દર શનિવારે એકટાણું કરતો અને હડમાનદાદાને તેલ ચડાવતો. મને યાદ આવ્યું કે એ દરેક શનિવારની સવારે એક ટોયલી લઈને ઘેર ઘેર ફરતો અને મોટેથી ‘હડડડડડમાનનનનનનજતિનું  ત્ત્ત્ત્તત્ત્તેલ્લ્લ્લ્લ’ એવું ગાંગરતો. મોટા ભાગનાં શ્રધ્ધાળુ લોકો એને તેલ આપતાં અને કલાકેક પછી એ તેલસભર ટોયલી લઈને છોટીયો ઘેર જતો. આ તેલનો અમુક ભાગ એ રસ્તામાં આવતી હનુમાનજીની દેરીએ એના પૂજારીને દેતો. હનુમાનદાદાની આટલી સેવા કર્યાના પૂણ્યના ફળરૂપે એને ભૂતો સામે રક્ષણકવચ મળ્યું હતું એવું એણે મને સમજાવ્યું. મને આવું કશુંયે ન શીખવવા બદલ મેં મનોમન મારાં વડીલોનો દોષ કાઢ્યો. ખેર, જાગ્યા ત્યારથી સવારના ધોરણે મેં રહીમના ઘરે બેઠા બેઠા હનુમાનજીનું સ્મરણ કરવા માંડ્યું. જમી લીધા પછી બધા રહીમના ફળીયામાં રમતા હતા એવામાં એકાએક છોટીયાએ મને ઈશારો કર્યો અને અમે કોઈને જાણ ન થાય એવી રીતે ત્યાંથી અગોચરના પંથે જવા સરકી ગયા. રસ્તામાં છોટુએ મને એક કરતાં વધારે વાર ‘બીશ્ય તો નહીં ને?’ એમ પૂછ્યું અને એ સમયે ખોટું બોલતાં અતિશય પરિશ્રમ પડ્યો છતાં મેં ‘જરાય નહી ને!’ નો જવાબ વાળ્યા કર્યો. અત્યારે યાદ કરું છું તો એક સાત-આઠ વરસનો અને બીજો દસ-અગિયાર વરસનો એવા બે છોકરા રાતના અંધારામાં સ્મશાન તરફ હાલ્યા જતા હતા એ ખુદ મારા માન્યામાં નથી આવતું!

ખેર, અમે ચાલતા હતા એવામાં એક મોટું ઝાડ આવ્યું. છોટુએ મને જણાવ્યું કે એ ઝાડ ઉપર એક ‘મામો’ રહેતો હતો. આગળ વધતાં વધતાં એણે મને આ વિશિષ્ટ મામાનો પરિચય આપ્યો. એણે કહ્યું કે મામો હંમેશાં સફેદ ખમીસ અને લેંઘો ધારણ કરીને જ એ જ્યાં રહેતો હોય એ ઝાડની આસપાસ ફરતો રહે. ત્યાંથી નીકળતા લોકો પાસે બીડી/સિગારેટ માંગે અને ન આપનારને જોરદાર લાફો વળગાડી દે. જેને એ લાફો મારે એને “તણ દિ’ તાવ આવે, પછી કોગળીયું થાય ને પછી તો બસ્સ્સ, ખલ્લાસ્સ્સ!” આવું આવું સાંભળતાં મને લખલખાં આવી જતાં હતાં. જો કે અમને મામાએ રોક્યા નહીં પણ હવે જેમ જેમ ગામનું પાદર વટાવીને આગળ વધવાનું થયું એમ એમ મારી હાલત બગડવા માંડી. આ સમયગાળામાં મેં હનુમાનજીને સ્મર્યા એટલા તો તુલસીદાસજીએ પણ કદાચ એમના સમગ્ર જીવનમાં નહીં સ્મર્યા હોય! જો કે છોટુ તો હિંમતના મૂર્તીમંત સ્વરૂપની જેમ આગળ વધતો જતો હતો.
પણ, જેમ ભગવાનનો સાક્ષાત્કાર, એમ જ ભૂતદર્શન પણ કોક કોક વીરલ નસીબદારને જ સાંપડે અને એ પણ યોગ્ય સમય પાકે ત્યારે જ એ અવસર પ્રાપ્ત થાય. અમે સ્મશાનથી થોડા દૂર હતા એવામાં આસપાસમાં કશોક સંચાર કાને પડ્યો. મારા પગ તો ત્યાં જ જમીન ઉપર ખોડાઈ ગયા. છોટુ પણ ગાભરો બની ગયો. ત્યાં તો એક ઓળો નજરે પડ્યો. ઘોર અંધારામાં સફેદ ખમીસ અને સફેદ લેંઘો પહેર્યો હોય એવી એ હસ્તી જોતાં જ મને તો થયું કે આ તો ઓલો મામો ભટકાણો! હવે બીડી માંગશે અને નહીં આપું એટલે લાફો વળગાડી દેશે. ક્ષણવારમાં તો પૂરી ભવાટવી દેખાઈ ગઈ. બસ, થોડી વારમાં આપણો ‘ખેલ ખલ્લાસ્સ’ એની ખાતરી થઈ ગઈ. એવામાં અમારી તરફ ધ્યાન પડતાં એ ઓળાએ જોરથી ત્રાડ નાખી, “કોનીના સો!” અને અમને બન્નેને ખ્યાલ આવ્યો કે એ તો છોટીયાના બાપા હતા! છોટીયાએ સમયસૂચકતા વાપરી, જરા અવાજ બદલી, મને પાછા ભાગવાનો હૂકમ કર્યો અને અમે એકબીજાનો હાથ પકડી, ભાગવા લાગ્યા. સહેજ સલામત અંતરે પહોંચ્યા પછી મેં પાછા વળી, જોયું તો એ અમારો પીછો કરતા નહતા. કદાચ એમ કરવા જેટલી એમની શારિરીક કે માનસીક સ્વસ્થતા હશે જ નહીં.

આ ક્ષણે હું સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગયો. હવે મને ટીખળ સૂઝી. છોટીયાથી સહેજ દૂર હટી, મેં જોરથી બૂમ પાડી, ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ અને પછી એમના તરફથી ‘કોનીનો સે’ની ત્રાડ આવે એ પહેલાં અમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી ઝડપથી ઘર તરફ દોડવા લાગ્યા. અમારી સાંકડી શેરીના નાકે મારા બાપુજી હાથમાં ટોર્ચ સાથે સામા મળ્યા. એમની અપેક્ષાથી મોડું થયું હોવાથી એ રહીમના ઘર તરફ મને લેવા માટે નીકળ્યા હતા. એ ક્ષણે એમની મહામૂલી અમાનત પરત કરતો હોય એવા અંદાજમાં છોટીયાએ એમને કહ્યું, “રહીમીયાને ન્યાં રમવામાં મોડું થઈ ગ્યું ઈ ધ્યાન જ નો રીયું. પછી રાત વરતનો આ પીયૂસીયો તો બવ બીવા માંડ્યો. પણ મેં તો જ્યાં લગી એને તમારા હાથમાં નો મૂકું ત્યાં લગી પાણી નો પીવાની બાધા લીધી ‘તી.“ એની આ ચેષ્ટાથી ભારે પ્રભાવિત થયેલા મારા બાપુજીને વર્ષો સુધી આ બાબતે મેં કોઈ જ ચોખવટ કરી નહતી.

વર્ષો પછી એટલે કે સને ૨૦૦૩માં જ્યારે ગઢડા જવાનું થયું ત્યારે છોટીયાની તપાસે એના ઘરે ગયો હતો. ઓટલે બેઠેલાં એની બાએ જણાવ્યું કે છોટુ તો આફ્રીકા જતો રહ્યો હતો અને ત્યાં કથા-વાર્તા કરી, સારું રળતો હતો. એના બાપા બાજુમાં પડેલી એક આરામખુરશીમાં બેઠા બેઠા બીડી ફૂંકી રહ્યા હતા. મારામાંના ટીખળીને ઈચ્છા થઈ આવી કે એક વાર જોરથી ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ બોલી, નાસી છૂટું. પણ ત્યારની મારી ઉમર અને ખાસ તો મારો દીકરો સાથે હતો એ બે પરિબળોએ મને એમ કરતાં રોક્યો.

નોંધઃ ગુજરાતી વેબ પોર્ટલ 'વેબગુર્જરી' ઉપર તા.26/04/2019ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.

Monday 1 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૫)


                                                                     મજ્જા!
સને ૧૯૬૧-૬૨ના સમયગાળા દરમિયાન ગઢડામાં અમારી બરાબર સામેના ઘરમાં ઉપરના માળે એક યુવાન, ખુબ જ દેખાવડા અને મળતાવડા સજ્જન નામે અંબાલાલ, ભાડે રહેતા હતા. એ મધ્ય ગુજરાતના વતની હોવાથી અમને એમના ઉચ્ચારો બહુ રમૂજ પૂરી પાડતા. આવી રમૂજભાવના સાપેક્ષ અને પરસ્પર હોય એ સમજવાની અમારામાંના મોટા ભાગના છોકરાઓની એ ઉમર નહોતી. વળી જેની પાસે એવી સમજ હતી, એમને એ બાબતની કોઈ પરવા નહોતી.

અંબાલાલ રહેતા એ મકાનમાં દાખલ થઈએ અને પછી ત્રણ પગથીયાં ચડીએ કે તરત જ એક દાદરો હતો, જે સીધો રોડ ઉપર પડતો હતો. એ દાદરો ઉપરના માળે અંબાલાલના ઓરડા સુધી લઈ જતો હતો. આમ હોવાથી અમે શેરીમાં રમતા હોઈએ અને અંબાલાલ ઘરમાંથી બહાર જવા દાદરો ઉતરે કે પછી બહારથી ઘરે આવે ત્યારે દાદરો ચડીને ઠેઠ એમના ઓરડામાં પહોંચી જાય એ અમારી નજરમાં રહેતું. જેટલી વાર અંબાલાલ જતા કે આવતા દેખાય, એ દરેક વખતે અમારામાંથી કોઈ ને કોઈ ચોક્કસ લહેકામાં “કાં અંબાલાલ, કેમ છો?” કહીને એમનું અભિવાદન કરે. જવાબમાં એ ભલો માણસ, હસીને માત્ર ”મજ્જા” એટલું બોલીને આગળ વધી જાય એવો ધારો થઈ ગયેલો. ધીરે ધીરે અમારી ટોળકી સાથે અંબાલાલ વધુ ને વધુ ભળવા લાગ્યા. રજાના દિવસે એ ક્યારેક થોડો સમય અમારી સાથે વાતો કરતા થયા અને પછી તો કોઈ કોઈ વાર અમે ‘બોલ-બેટ’ રમતા હોઈએ તો એમાં પણ જોડાઈ જવા લાગ્યા. ક્યારેક એ અમદાવાદ અને વડોદરા જેવી દેવોને વસવા યોગ્ય નગરીઓની રોમાંચક વાતો પણ માંડતા, જ્યાં અમારો આશય અચંબો પામવાનો રહેતો અને એમનો આશય અમને અચંબો પમાડવાનો રહેતો. અત્યારે સુપેરે સમજાય છે કે એમની કથાઓમાં તથ્ય કરતાં કલ્પનનું પ્રમાણ ભારેથી અતિભારે રહેતું હશે. એમની સાથે કરેલી ગોઠડીઓ હું અમારા નિશાળના ગોઠીયાઓ સાથે વહેંચતો. કોઈ કોઈ વાર તો હું જાતે જ અમદાવાદ/વડોદરા જઈને કશોક દિવ્ય અનુભવ પામી આવ્યો હોઉં એવું પણ જરાય ક્ષોભ વગર કહી દેતો અને પરિણામે એ મિત્રોના ચહેરા ઉપર વિસ્મયના હાવભાવ જોઈને રોમાંચ પામતો. જેમ જેમ મૈત્રી વધતી ગઈ એમ એમ અંબાલાલ અમારી વધુ ને વધુ નજીક આવતા ગયા. પછી તો એ અમારાં તોફાન-મસ્તીમાં પણ ભળવા લાગ્યા.

એ અરસામાં અમારી શેરીમાં એક સાવ ખખડધજ વૃધ્ધા એકાકી જીવન ગુજારી રહ્યાં હતાં. એ પોતે અને એમનું ખોરડું એમાંથી વધારે જીર્ણ અવસ્થા કોની હતી એ કહેવું મુશ્કેલ હતું. વર્ષોની એકલતા અને અભાવોથી ભરેલ જીવન — આ બે પરિબળોએ એમને અત્યંત ચીડીયાં બનાવી દીધાં હતાં. સ્વાભાવિક છે કે અમે શેરીમાં રમતા રમતા દોડાદોડી અને બૂમાબૂમી કરતા જ રહેતા હોઈએ. જેવો અમારો અવાજ એમના કાને પડે, એ ભેગાં એ એમની બારીમાંથી ‘હેઈક્ક, હેઈક્ક, ભાગો! મારા રોયાઉં, મરી ગઈ સ તમારી માવર્યું, કે આયાં ધડીકા લ્યો સો! ભાગો, ભાગો આંઈથી!’ જેવાં સુવાક્યો વડે શરૂઆત કરતાં અને જો એવો પ્રેમાળ ઉપદેશ કારગત ન નીવડે તો છેવટે હાથમાં લાકડી લઈને એમની ઝાંપલી સુધી આવી, અમે અને અમારાં સગાં વ્હાલાંઓ કાળી રાતે ફાટી પડીએ એવાં આશિર્વચનો પણ ઉચ્ચારી લેતાં. એમને પૂરતાં ખીજવી લીધાં છે એવો સંતોષ થાય એટલે અમે છોકરાઓ ત્યાંથી સ્થળબદલો કરી જતા. એ જમાનામાં આ પ્રકારની વૃધ્ધાઓ કદાચ ગામેગામમાં મળી આવતી હશે એટલે એમનું વધુ વિગતે વર્ણન નથી કરતો. આ બધું વિગતવાર ધ્યાને પડતાં અંબાલાલે એક વાર પોતાના બાળપણ દરમિયાનના ગ્રામ્યનિવાસને યાદ કરતાં અમને પૂછ્યું કે અમે એ માજીની અંતિમયાત્રા કેમ ન્હોતા કાઢતા? આવો અઘરો શબ્દપ્રયોગ અમારામાંના મોટા ભાગનાઓને પલ્લે ન પડ્યો, પણ છોટુ બોલ્યો, “તે અંબાલાલ, અમીં ઈ ડોશીની ઠાઠડી કાઢવી ઈમ ક્યો સ ને?” જવાબમાં હકારો મળતાં અમારી ટોળીએ ઉક્ત કાર્યક્રમ અંબાલાલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવાનું આયોજન કરી નાખ્યું. એ મુજબ ક્યાંક્થી દેશી નળીયું ગોતી લાવી, એમાં એક મધ્યમ કદનો પથરો મૂકી દેવામાં આવ્યો. આ નળીયું ઠાઠડીનું અને એમાં મૂકેલ પથરો ઓલાં માજીના પ્રતિકરૂપે હતાં એ સ્પષ્ટતા અંબાલાલે કરવી ન પડી. તૈયારી થઈ ગઈ એટલે એમણે કહ્યું, “ હવે તમારે આ નનામી લઈ, અહીં (અ)ગાડીથી ડોહીના ઘર લગી ઠૂઠવો મેલતાં મેલતાં જવાનું. એવીયે ગુસ્સે થઈને બહાર આવે તંહીં લગી તંહીં ‘ગાડી જ ઉભા રહી, રોતા રહેવાનું. પછી એવીયે ગુસ્સે ભરાય અને તમને ગારો(ળો) ભાંડવા લાગે એટલે અહીં ‘ગાડી પાછા ભાગી આબ્બાનું.” અમે અતિશય આજ્ઞાંકિતપણે અંબાલાલની તાલિમને અમલમાં મૂકી, એમાં એ માજીને જે માનસિક પરિતાપ પડ્યો હશે એ યાદ આવે છે ત્યારે આજે સાડાપાંચ દાયકા પછી પણ જીવ વલોવાઈ જાય છે. એમની મુખમુદ્રા નજર સામે તરે ત્યારે એક નિ:સહાય, એકાકી કૃશકાય વૃધ્ધાને પરજાળ્યા કરતી ટોળકીનો સભ્ય હોવા માટે હું હજી મારી જાતને માફ નથી કરી શકતો. ખેર, આમ દિવસો વિત્યે જતા હતા એવામાં અંબાલાલે અમને જણાવ્યું કે ટૂંક સમયમાં એમનાં પત્નિ ગઢડા આવી જવાનાં હતાં. એ અમારાં વણજોયેલાં સન્નારીનો ઉલ્લેખ એમણે ‘તમારી ભાભી’ તરીકે કર્યો એમાં તો અમારી ટોળકી એકદમ રોમાંચિત થઈ ગઈ, કારણ કે એવું પાત્ર અમારા બધા માટે સ્વપ્નવત હતું. હવે તો અંબાલાલે નહીં જોઈ હોય એટલી તીવ્રતાથી અમે સૌ એ ‘ભાભી’ની રાહ જોવા માંડ્યા.

આખરે એક દિવસ અમે જાણ્યું કે ભાભી પછીના અઠવાડીયે આવવાનાં હતાં. એ ટૂંકા સમયગાળામાં અંબાલાલના ઓરડાની સજાવટમાં નોંધપાત્ર ફેરફારો થઈ ગયા અને એવા જ ફેરફારો એમની અદામાં પણ થયા હોય એવું અમારી ટોળકીના વરિષ્ઠ સભ્યોએ નોંધ્યું. એવામાં એક દિવસ અંબાલાલ એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે હતા અને અમારા શિરીષે “કાં, અંબાલાલ?” પૂછીને એમનું રોજીંદું અભિવાદન કર્યું. એ પણ રોજની જેમ “મજ્જા” કહેવાના હતા. એમાંનો “મ” બોલતી વેળા એ સૌથી ઉપરના પગથીયે હતા અને “જ્જા” ઉચ્ચાર એમણે સૌથી નીચેના પગથીયે બેઠે બેઠે કર્યો! એકદમ ઝડપથી આકાર લઈ ગયેલા એ ઘટનાક્રમ દરમિયાન ‘ધડ ધડ ધડ ધડ’ અવાજો પણ અમારે કાને પડ્યા, એ ઉપરથી અમે તાત્પર્ય કાઢ્યું કે અંબાલાલ ઉપલા પગથીયેથી લપસીને ઠેઠ નીચે પડ્યા! એ ઉમર એવી હતી કે આવી ઘટનાનો ભોગ બનેલા એ યુવાન માટે અમને સહાનુભૂતીને બદલે રમૂજની લાગણી નિષ્પન્ન થઈ અને એ લાગણીને કશા જ છોછ વગર અમે સૌએ ખુલ્લે દિલે માર્ગ આપ્યો એટલે કે ‘દાંત કાઢી કાઢીને અમે બધા બઠ્ઠા પડી ગ્યા.’ કેટલીક ક્ષણો પછી એ મૂઢ માર જીરવી ગયેલા એ ભલા માણસ અંબાલાલે પણ અમને હાસ્યની છોળો ઉડાડવામાં સાથ આપ્યો. એ દિવસથી અમારે આ રમત થઈ ગઈ. અંબાલાલ ઘરે ન હોય એવા સમયે એક છોકરો એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે જઈને ઉભો રહે. નીચેથી એને પૂછવામાં આવે, “કાં, અંબાલાલ?” એ ત્યાં જ ઉભો ઉભો “મ” બોલે અને પછી ખુબ જાળવીને ઠેઠ નીચે ઉતરી આવી, “જ્જા” બોલે અને પછી બધા ‘દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી જઈએ’!

એમ ને એમ અંબાલાલની અને અમારી આતુરતાનો અંત લાવનારો દિવસ ઉગ્યો. આધારભૂત સ્રોતમાંથી અમારો છોટુ જાણી લાવ્યો કે અમારાં ભાભી તો એમના પીયરની મોટરમાં આવવાનાં હતાં. એણે તાત્કાલિક ધોરણે સ્વાગતગીતનો મુખડો જોડી નાખ્યો, ”અંબા, ’લાલ’ મોટર આવશે, મારાં ભાભીને ઈ લાવશે, અંબાલાલને ગઢડામાં લીલાલ્હેર છે!” અને એ દિવસની સવારથી શેરી અમારા કંઠે રેલાઈ રહેલા એ મુખડાથી ગુંજવા લાગી. અમુક ઘરોમાંથી અને ખાસ તો ઓલાં માજીના ઘરમાંથી ‘હેઈક, હેઈક, થોડાક જંપો, ભાગો, ટળો આંઈથી’ જેવી બીરદાવલીઓ અમારે કાને પડતી હતી પણ કાનને તો એ રોજનું થયું હતું. આ બધી ગતિવિધીઓમાં સમય વિતતો રહ્યો અને બપોર પડવા આવી ત્યાં શેરીમાં એક મોટર દાખલ થઈ અને અંબાલાલના ઓટલા આગળ આવી, ઉભી રહી. એક બાજુ ડ્રાઈવરે નીચે ઉતરી, ડીકી ખોલીને બેગ-બીસ્તરા બહાર કાઢવાનું શરૂ કર્યું અને બીજી બાજુ અંબાલાલનાં મા-બાપ અને સાસુ સસરા ઉતર્યાં. આખરે જે સન્નારી ઉતર્યાં એને જોઈને અમે મિત્રો ડઘાઈ ગયા! અત્યારે આવું લખતાં ભારે ક્ષોભ અનુભવાય છે પણ એમના દેખાવને માટે એકાદ પણ સારો શબ્દ કહી શકાય એવાં એ ન્હોતાં. વાન. બાંધો કે ચહેરો – નારીસૌંદર્યના એ ત્રણેય માપદંડો વડે એમની મૂલવણી કરતાં નિરાશા જ સાંપડે એવું હતું. કાયમી બટકબોલો એવો છોટીયો ત્યારે જ બોલ્યો, “ અંબાલાલ, આ તો બાંઠકી ને જાડી સે! તમે પૈશાને પરણ્યા સો ને!” અને ત્યાંથી ભાગી ગયો. આટલું બનતાં તો સોપો પડી ગયો. અમે બાકીનાઓ પણ વીખેરાઈ ગયા. ખાસ કરીને મને તો ભોંઠામણનો પાર ન્હોતો કારણકે અમારું ઘર બિલકુલ એમની સામે પડતું હતું. નવાગંતુક યુવતી, અંબાલાલ અને એમનાં કુટુંબીજનો ઉપર શું અસર પડી એ જોવાની કે સમજવાની કે પછી ત્યાં જઈ, એ લોકોની માફી માંગવાની પુખ્તતા મારામાં ચોક્કસ ન્હોતી, પણ આવું બને તો મોઢું સંતાડી દેવા જેટલી તો અક્કલ હતી. એટલે હું ઝડપથી મારા ઘરમાં જતો રહ્યો.

એ જ સાંજે અંબાલાલ અને એમનાં પત્નિ અમારે ઘરે આવ્યાં. મારી ફરીયાદ કરવા આવ્યાં હશે એવા ખાત્રીભર્યા ડરનો માર્યો હું તો દોડીને અંદરના રૂમમાં ભરાઈ ગયો. હકિકતે એ બન્ને પેંડા લઈને અમારા કુટુંબને મળવા આવ્યાં હતાં. ખુબ જ શાલિનતાથી મધુબહેન નામેરી એ યુવાન નારીએ મારાં મા-બાપ સાથે પરિચય કેળવ્યો અને મને પણ રૂમની બહાર બોલાવી, પ્રેમથી એમને ઘરે આવતા-જતા રહેવા કહ્યું. એ ટૂંકા સમયગાળામાં જ એમની મીઠાશ મને સ્પર્શી ગઈ. મોડી સાંજે અમે મિત્રો શેરીમાં ભેગા થયા ત્યારે દરેકના મોઢા ઉપર ભોંઠપ જણાતી હતી. અમારી શેરીનાં સૌને ઘેર એ દંપતિ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી ગયું હતું. બીજા જ દિવસથી જ મધુબહેને અમારી ટોળકી સાથે મૈત્રી બાંધવાની શરૂઆત કરી દીધી. આગલા દિવસે છોટુએ કરેલ ટીપ્પણીની જાણે એમને ખબર જ ન હોય એવો એમનો વ્યવહાર હતો. વધુ પરિચય કેળવાતાં ખબર પડી કે એ અનુસ્નાતક કક્ષાની ઉપાધી મેળવી, મહેસાણાની કોઈ માધ્યમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં એ છોડીને આવ્યાં હતાં. પહેલે દિવસે એમના દેખાવમાં જે ખોટ વર્તાતી હતી એ એમને મૂલવવા માટે કેટલી ક્ષુલ્લક હતી એ અમને નાદાનોને પણ એ જ ઘડીએ સુપેરે સમજાઈ ગયું.

એ પછીના થોડા અરસામાં મારા બાપુજીની બદલી ભાવનગર થતાં અમે ગઢડા છોડ્યું ત્યાં સુધી એ લોકો અમારી સામે જ રહેતાં હતાં. વર્ષો પછી એક વાર એ બંને ભાવનગરમાં રસ્તે જતાં મને અચાનક જ ભટકાઈ ગયાં ત્યારે સાથે એમનાં ત્રણ સંતાનો હતાં. એ પાંચેયના ચહેરા ઉપર જે આનંદ હતો એ એમના સુખે ચાલી રહેલા સંસારનો દ્યોતક હતો. પરસ્પર ખબરોની આપ-લે પછી છૂટા પડતી વેળા મેં અંબાલાલને પૂછ્યું, “અંબાલાલ, બાકી કેમ હાલે ચ્છ?” જવાબમાં એમણે કહ્યું, “બસ, મજ્જા!” સદનસીબે એ સમયે અંબાલાલ દાદરા ઉપર ન્હોતા એટલે ‘મ’ અને ‘જ્જા’ની વચ્ચે ‘ધડ ધડ ધડ ધડ’ અવાજ ન આવ્યો!

નોંધઃ આ લેખ 'વેબગુર્જરી' ઉપર તા. 28/06/2019ના રોજ પ્રકાશિત થયો છે. ત્યાંથી સાભાર અહીં વહેંચ્યો છે.