Thursday 18 August 2016

હમવતન, હમજુબાં કિરદારો

અમે ભાવનગરનાં વતનીઓ એવું માનતાં હોઈએ છીએ કે, અમારામાં સંગીત, લલિત કલાઓ અને સાહિત્યનો બહુ મહિમા છે અને એ વિષેની  ઉંડી સમજણ અમારા જેટલી અન્ય નગરીઓનાં વતનીઓમાં નહીં હોતી હોય! અમે આ ગામને સંસ્કારનગરી તરીકે ઓળખાવવાનો આગ્રહ પણ રાખતાં હોઈએ છીએ. અલબત્ત, બીજી નગરીઓનાંં નિવાસીઓ અમારી માન્યતાને બહુ પુષ્ટી નથી આપતાંં, સિવાય કે એમને ભાવનગરમાં કોઈ જાહેર કાર્યક્રમ, પ્રદર્શન, કવિ સંમેલન કે સભાઓ જેવાં આયોજનો કરવાં હોય! અન્યથા ઘણાંંઓ તો બહુ નમ્ર નહીં એવા અંદાજમાં પણ પોતાનો વિરોધ  પ્રગટ કરી લેતાંં હોય છે. જો કે એનાથી અમે લોકો અમારી માન્યતામાંથી બહુ વિચલીત થતાંં નથી. બને છે એવું કે, યોજાયેલ સભાઓ કે અન્ય કાર્યક્રમોમાં વક્તાઓ/સંચાલકો/કલાકારો એમનો ધર્મ નિભાવવા જેમ કોઈ પણ ગામમાં કહે, એમ એકાદ બે વાર ભાવનગર અને ભાવનગરીઓ માટે પણ  મીઠાં વેણ અચુક ઉચ્ચારતાંં હોય છે અને એવે વખતે ત્યાં ઉપસ્થિત એવાં અમે ભાવનગરીઓ એક બીજાં સામે ડોકાં ધુણાવી, ‘જોયું, આપણે જે માનીએ છીએ એ સાચું જ છે ને!’ એવી લાગણી પરસ્પર વ્યક્ત કરી લઈએ છીએ. કુછ બાત હઈ કી મીટતી નહીં હઈ યહ સોચ હમારી. ખેર મજાકની વાત મજાકની જગ્યાએ રાખીએ. દરેક ગામ કે શહેરને એની આગવી વિશિષ્ટતા હોય, એમ જ ત્યાંનાં વતનીઓની પણ કેટલીક ખાસિયતો હોવાની. આ બધાનાં ભૌગોલિક અને સામાજિક કારણો હોય, જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. વળી તટસ્થતાથી જોતાં એવું  તારણ નીકળી શકે કે, વતનનો મહિમા વતનથી દૂર રહ્યાથી વધુ થાય છે.
આટલી પ્રસ્તાવના બાદ અહીં બે અલગ અલગ પ્રસંગો વિષે વાત કરવી છે, જેમાં ત્રણ પાત્રોમાં પ્રગટ થતી અસલ ભાવનગરી ખાસિયતનો પરિચય થાય. અમારા લોકોનાં કેટલાંક સામાન્ય લક્ષણોમાંનું એક એ છે કે, મોટા ભાગનાં લોકો હળવા, ખાસ કરીને ફિલ્મી સંગીતનાંં શોખીન હોય છે. આ શોખને માણવાના દોરમાં સામાજિક, આર્થીક કે અન્ય કોઈ દરજ્જા આડા નથી આવતા હોતા. આ વાતની પુષ્ટી કરે, એવી બે વાત કરવી છે.
નવેમ્બર, 1974ની એક રાત:

પહેલાં આ ઘટનામાં ઉલ્લેખાયેલ બે પાત્રોનો ટૂંક પરિચય.. . . . . . . 
1) જસુભાઈ શેઠ ----- આજ થી પાંચેક દાયકા પહેલાં ભાવનગરનાં અતિશય અમીર કુટુંબોમાં પ્રભુદાસ શેઠના કુટુંબની ગણત્રી થતી. 'સી.પ્રભુદાસની કંપની' નામે વિખ્યાત એ કુટુંબે સને 1973-74ની આસપાસ 'પૉલી સ્ટીલ' નામે ખુબ જ મહત્વાકાંક્ષી પ્રકલ્પ શરુ કરેલો. એના પ્રણેતા હતા જસુભાઈ, જે 'જસુભાઈ શેઠ'ના નામે દેશભરમાં જાણીતા થઇ ગયેલા. કારણ, પૉલી સ્ટીલ’ નો પબ્લિક ઇસ્યુ બહાર પડેલો, અને લોકોને કંપની માટે બહુ ઉજળા ભવિષ્યની અપેક્ષા હતી. એ દિવસો ‘રીલાયન્સ’ના ઉદયના હતા.ચાની ‘હોટેલું’એ અને પાનની દુકાનોએ જમા થતા ભાવનગરના ઉત્સાહીઓ વચ્ચે એવી વાતો પણ થતી કે, “ઈવડા ઈ અંબાણીને તો આપડા જસુભાઈ ક્યાં ય ટોલી(પાછા પાડી) દેવાના છે.” ભલે પછી જસુભાઈને ક્યારે ય એવો વિચાર સ્વપ્ને ય ન સ્ફુર્યો હોય! ખુબ જ અમીર એવા ઉદ્યોગપતિ કુટુંબના નબીરા અને અતિ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિક હોવા છતાં જસુભાઈ જાહેર વ્યવહારમાં માન્યામાં ન આવે એટલા સરળ અને શાલિન હતા.
2) બાબુભાઈ ----- ડોનના ચોકમાં સૌથી વધુ જાણીતા લોકોમાં બાબુભાઇનું નામ આવે. જેમ જસુભાઈ 'શેઠ' તરીકે ઓળખાતા, એમ બાબુભાઈ, 'બાબુ લારી' તરીકે ઓળખાતા. લારીમાં માલસામાન ફેરવવાની મજુરી કરતા. કેટલીક વાર ઉમરલાયક વડીલો, જેમને ઘોડાગાડી ન પોસાય, એમને બાબુભાઈ લારીમાં બેસાડી ફેરવતા, એ નજરે જોયું છે! બાબુભાઈની આર્થિક હાલત વિષે વધુ ન કહેતાં એટલું જણાવવું કાફી છે કે, ભર ઉનાળામાં પણ તીવ્ર ગરમીના કલ્લાકોને બાદ કરતાં તે ચંપલ ન પહેરતા. "ઘસારો ઓસો પોસે ને ખાહડાં વધુ હાલે", એવો તર્ક સમજાવે. ડોનમાં એમની લારીના 'ઇસ્ટેન્ડ' પાસે સોડાની દુકાન હતી, એ સોડાનું અને બીડીનું બાબુભાઈને બંધાણ.
આટલી પૂર્વભૂમિકા પછી હવે મૂળ વાત.
સને 1974ના નવેમ્બરમાં ભાવનગરમાં હેમંતકુમારના સ્ટેઇજ કાર્યક્રમનું આયોજન થયેલું. હું બરાબર એ જ દિવસે ભાવનગર પહોંચ્યો. મારા નિરંજનકાકા આગળ આ કાર્યક્રમ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં એમણે તરત જ હા ભણી. કાકા અને હું સ્થળ ઉપર ગયા, ત્યારે  હાઉસફુલ’ નું બોર્ડ જોવા મળ્યું. કાકા કહે, "તને આજે ગમ્મે એમ કરી, કાર્યક્રમમાં લઇ જ જાઉં." કાળાબજારમાં 20 રૂ. ની ટીકીટ રૂ. 30 માં લઇ, અંદર ગયા, તો બીજી જ લાઈનમાં નંબર! હજી કાર્યક્રમ શરુ નહોતો થયો. એવામાં કાકાને ઉદ્દેશીને પાછળથી મોટો અવાજ આવ્યો, "ઓહોહોહો, નિરંજનભાઈ, ટીકીટ સીધ્ધી લીધી, કે બ્લેકમાં?"  જોયું, તો બાબુલાલ! એ અમારી પાછળની જ લાઈનમાં બેઠેલા. એટલે એ જમાનામાં લગભગ બે દિવસની કમાણી 'સીધ્ધી ટીકીટ' લીધી હોય, તો પણ વાપરી નાખી હશે! થોડી વાર થઇ, ત્યાં તો એ જ લહેકામાં બાબુભાઈએ ફરીથી ત્રાડ નાખી, "ઓહોહોહોહો, જસુભાઈ શેઠ, તમે ય આવ્યા સો ને કાંઈ?" સૌથી આગળની હરોળમાં બિરાજમાન  જસુભાઈને સીધ્ધી ટીકીટ કે બ્લેકની એવું  પુછાય, એવી સમજણ અલબત્ત, બાબુભાઈમાં હતી. જસુભાઈએ પાછળ ફરી, સૌજન્ય બતાવ્યું.  "અરે વાહ! બાબુ, તું ય આવ્યો છો?"  બાબુભાઈએ તો પૉલીસ્ટીલ બાબતે પણ બે ત્રણ સવાલો કર્યા હોત, પણ કાર્યક્રમ શરુ થઈ ગયો. જ્યારે ઈન્ટરવલ પડ્યો, તો ‘સોડા-બીડી’ માટે બહાર જઈ, પાછા આવતી વખતે બાબુભાઈ એક પડીકું ભરીને ખારી શીંગ લેતા આવ્યા. કાકાને અને મને  “લ્યો, બબ્બે દાણા” કહી, શીંગ ખાવા આગ્રહ કર્યો. હવેની વાત સહેલાઈથી ગળે ન ઉતારે એવી છે. બાબુભાઈએ થોડા ઉંચા થઈ, હાથ લંબાવી, સૌથી આગળની હરોળમાં બેઠેલા જસુભાઇને શીંગ ધરી અને જસુભાઈએ હસીને ‘બબ્બે દાણા’ શીંગ લીધી પણ ખરી! એક ઉઘાડપગા લારી ખેંચતા મજુર અને શહેરના (તે સમયના) પ્રથમ ક્રમના રઈસ વચ્ચે જો કશું પણ સામાન્ય હોય, તો તે સંગીત માટે નો રસ. હેમંતકુમારના અવિસ્મરણીય કાર્યક્રમની સાથે 'બાબુ લારી' અને 'જસુભાઈ શેઠ' વચ્ચે ઘટેલ ઘટના પણ યાદમાં જડાયેલી છે.
જો કે ઉપર્યુક્ત બનાવ પછી એકાદ વરસમાં જ પૉલી સ્ટીલ પ્રકલ્પ અહીં અપ્રસ્તુત એવાં કારણોથી બંધ થઇ ગયો. પણ આ ઘટના સમયે તો જસુભાઈનો સિતારો બુલંદીએ હતો (આટલી સ્પષ્ટતા ખાસ આ વાંચતા ભાવનગરના વતનીઓ માટે કરી).

મે, ૧૯૮૨ની એક સાંજ:
સ્નેહા અને હું અમદાવાદથી ભાવનગર આવવા ટ્રેઈનમાં નીકળેલાં. મોડી સાંજે સ્ટેશનથી ઉતરીને ઘરે જવા માટે  ઘોડાગાડીની મજા લેવાનો વિચાર થયો.. પેસેન્જરની રાહ જોતા હતા એવા એક લગભગ  65-70ની આસપાસની ઉમરના ગાડીવાનને પુછતાં તેમણે એકદમ વ્યાજબી ભાડું લેવાની વાત કરી. કોઈ જ રકઝક કર્યા વગર અમે બેસી ગયાં. એમનો ચહેરો જાણીતો લાગતો હતો, પણ ચોક્કસ ખ્યાલ આવતો નહોતો. રસ્તામાં અમારી વાતો તેઓ સાંભળતા હતા. થોડી વાર પછી જૂની ફિલ્મોનાં ગીતો વિષે વાત થતી જાણી, તેમણે પણ ઝુકાવ્યું. એમની વાતો ઉપરથી તરત જ ખ્યાલ આવી ગયો કે  સામાન્ય રસિકજન થી તેઓ ઘણું વિશેષ જાણતા હતા. પછી તો કહે, "હવે સાંભળો" અને ફિલ્મ ‘ડૉક્ટર’નું પંકજ મલ્લિકે ગાયેલ  'ચલે પવનકી ચાલ' ખુબ જ સરસ રીતે ગાઈ સંભળાવ્યું. એના પછી વારો આવ્યો અસીત બરનના ગાયેલા ફિલ્મ ‘કાશીનાથ’ના ગીત, ‘હમ ચલે વતનકી ઓર’નો. એકદમ સુર અને તાલમાં ગાય અને પાછા સંગીતના ટુકડાઓ પણ જે તે જગ્યાએ મોઢેથી વગડતા જાય. અચાનક જ આ માહોલમાંથી બહાર આવીને  એમણે મને પૂછ્યું, " તે હેં ભાઈ, તમે પ્રશ્નોરા નાગર?" હકારમાં જવાબ મળતાં જ સીધું એકવચનમાં સંબોધન આવ્યું- "તે તું અન્તુભાઈ સાહેબની દીકરીનો દીકરો છો ને?"  હવે મને પ્રકાશ લાધ્યો.તેઓ મારા સ્વ.દાદા (સૌરાષ્ટ્રમાં માના બાપને પણ દાદા જ કહેવાય છે, નાના નહીં.)ના કાયમી ગાડીવાન અલ્લારખાભાઈ હતા. આનો જવાબ મેં હકારમાં આપતાં જ તેઓની વાત કરવાની ઢબ બદલાઈ ગઈ. નાની ઉમરે મોસાળ ગયો હોઉં, ત્યારે ઘણી વાર એવું બનતું કે ‘વરદી’ ભરવા અલ્લારખાભાઈ આવે, ત્યારે દાદા એમાં બેસે એની પહેલાં ઘોડાગાડીમાં નાનકડો આંટો મારવાની મોજ માણવા મળતી. એ દિવસોની વાતો યાદ કરતાં કરાવતાં ઘર આવ્યું, એટલે અમે નીચે ઉતર્યાં. અમે કાંઈ પૂછીએ, પહેલાં સ્નેહાને પાસે બોલાવી, એના માથે હાથ ફેરવી, "બેટા કાયમ ખુશ રહો" કહી, એના હાથમાં અગિયાર રૂપિયા મુક્યા. મારી સામે જોઈ, કહે, "ને તું આમાં કાંઈ નો બોલતો, બેટા".  હું  એમની લાગણીના  પ્રભાવમાં ખરેખર જ  ‘કાંઈ નો બોલ્યો’. એ દિવસોમાં ઘોડાગાડીઓનો જમાનો ઓસરવાની શરૂઆત થઈ ચુકેલી અને પરિણામે એમની આર્થિક હાલત પણ ‘વળતે પાણીએ’ જ હોય, એ ન સમજીએ એટલાં નાદાન સ્નેહા કે હું  ન્હોતાં. પણ દાદાની પેઢીના એક પ્રતિનિધી પાસે શુકન લેવાની ના પાડવા જેટલો અવિવેક કરવાની અમારી બેમાંથી એકે ય ની હિંમત ન ચાલી. વતનના ગામમાં જવાનો આ આનંદ છે. હમખયાલ, હમજુબાં હમવતનીઓની ઉજળી બાજુઓની નોંધ લઈ, એ યાદ રાખવાની  અને વતનમાં જે કાંઈ પણ અનુકૂળ ન પડે એવું બને એને વિસારે પાડી, આવી યાદો તાજી કરી, વતનઝૂરાપો સહન કરી લેવાનો, એવો ઉપક્રમ રાખ્યો છે.


Sunday 14 August 2016

ગુજરાત કૉલેજ

અમદાવાદની ગુજરાત કૉલેજના માઈક્રોબાયોલોજી વિભાગમાં લગભગ ૩૯ વરસ સુધી ભણાવ્યા પછી, વયમર્યાદાને લીધે નિવૃત્ત થયાને બે મહિના થયા (લખ્યા તારીખ ૧૫/૮/૨૦૧૬). સમાજમાં આ સંસ્થાની હાલના સંજોગોમાં જે છાપ ઉભી થઈ છે, એ તથ્યથી ખાસ્સી વેગળી છે. મારા આ વિધાનના સમર્થનમાં કેટલીક સ્પષ્ટતા કરવી યોગ્ય જાણી, અહીં થોડી રજુઆત કરવી છે. ૧૪૬ વરસની થઈ ચુકેલી આ કૉલેજ દ્વારા નિયમિત ધોરણે પ્રકાશિત થતા વાર્ષિક ‘વિદ્યા વિકાસ’નો શૈક્ષણિક વર્ષ ૨૦૧૫-૨૦૧૬નો અંક શતાબ્દિ અંક હતો. એ માટે તૈયાર કરેલ લેખ, થોડા ફેરફારો સહ પ્રસ્તુત છે. 

ગુજરાત કૉલેજ સાથે નાતો બંધાયાને એક સદીનો ગાળો વીતી ગયો છે. સને ૧૯૧૪માં મારા દાદા મેટ્રિકની પરિક્ષા આપવા માટે ભાવનગરથી અમદાવાદ આવેલા. એ સમયે આ પરિક્ષા આપનારાં સમગ્ર ગુજરાતનાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ માટે અમદાવાદ એક માત્ર કેન્દ્ર હતું. દાદાની બેઠક વ્યવસ્થા ગુજરાત કૉલેજના જ્યોર્જ ફિફ્થ હોલ(હાલનો ગાંધી હોલ)માં હતી. ભવિષ્યમાં આ સંસ્થામાં જ ઉચ્ચ અભ્યાસ માટે જોડાવાના સ્વપ્ન સાથે તેઓએ પરિક્ષા આપેલી. આ એ સમયની વાત છે, જ્યારે સમગ્ર પશ્ચિમ ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે આંગળીના વેઢે ગણી શકાય, એટલી જ કૉલેજો હતી અને એમાં ગુજરાત કૉલેજનો પૂરેપૂરો, સર્વસ્વીકૃત દબદબો હતો. આ સંસ્થાના વિદ્યાર્થી હોવાથી જ તત્કાલીન સમાજમાં ચોક્કસ ઓળખ મળી જતી. ગુજરાત કૉલેજ માં પ્રાધ્યાપક હોવું અને એમાં પણ પ્રાચાર્ય-Principal- હોવું, એ તો અતિશય મોટા સન્માનને પાત્ર બાબત હતી. ગુજરાત કૉલેજના પ્રાચાર્યને ગુજરાત યુનિવર્સીટીના ઉપકુલપતિપદ નો કાર્યકારી હવાલો સોંપાયો હોય, એવી ઘટનાની યાદ ઘણાંને હશે. ઉચ્ચ શિક્ષણ જનસાધારણ માટે આકાશ કુસુમવત્  હતું. અમદાવાદનાં કે ગુજરાતનાં સંપન્ન કુટુંબોનાં સંતાનો જ કૉલેજ સુધી પહોંચતાં. શિક્ષણ તેમજ પરિક્ષણનાં ધોરણો ખુબ જ ઉંચાં રહેતાં. ખુબ જ ઈચ્છા હોવા છતાં, મારા દાદા ન તો પોતે ગુજરાત કૉલેજ સુધી પહોંચી શક્યા કે ન તો પોતાનાં સંતાનો ને પહોંચાડી શક્યા. આથી જ્યારે હું કૉલેજ જવાની કાબેલિયતે પહોંચ્યો, ત્યારે એમની ઈચ્છા હતી કે હું ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરું. ચોક્કસ કારણોસર એમની એ ઈચ્છા પણ બર ન આવી, પણ નિયતીએ અન્ય રીતે તેઓની પ્રબળ  ઈચ્છાની પૂર્તી કરી ખરી, એ વાત પછીથી.

સને ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી દેશમાં સમાજવાદી રાજવટ આવી. સરકારી સંસ્થા હોવાથી, સમાજના એક્દમ નીચલા સ્તરનાં લોકોના ઉર્ધ્વીકરણ માટેની સરકારી નિતીઓના અમલ માટેના સઘન પ્રયાસોના ભાગ રુપે આ કૉલેજે ઉક્ત વર્ગનાં સંતાનોને ઉચ્ચ શિક્ષણ તરફ આકર્ષવા માટેના ઉપક્રમો ચાલુ કર્યા. આ પરિસ્થિતી ઉન્નતભ્રુ કુટુંબોને બહુ અનુકુળ ન આવી. વધુમાં, અમદાવાદમાં અન્ય કૉલેજો  શરુ થઈ ચુકી હોવાથી આવાં કુટુંબો પોતાનાં સંતાનોને એવી કૉલેજોમાં ભણાવવાનું પસંદ કરવા લાગ્યાં. પરીણામે જે ગુજરાત કૉલેજમાં એક્દમ રઈસ અને ઉચ્ચ મધ્યમ તેમ જ શિક્ષીત વર્ગનાં સંતાનોનો આવરોજાવરો રહેતો હતો, ત્યાં સમાજનાં દબાયેલાં, કચડાયેલાં અને લઘુતાગ્રંથીથી પીડાતાં કુટુંબોમાંથી આવતાં વિદ્યાર્થીઓનું  પ્રમાણ ધીમી અને મક્કમ ગતિથી વધવા લાગ્યું. અહીં એ કહેવાની ચોક્કસ જરૂર છે કે, ગુજરાત કૉલેજમાં ભણીને ડીગ્રી મેળવતી વખતે આમાંનાં મોટા ભાગનાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ પોતાનાં કુટુંબ અને સમાજનું સ્તર ઉપર લઈ જવાની ક્ષમતા તેમજ દ્રઢ નિર્ધાર સાથે બહાર પડતાં. આ સ્થિતીનું વિવરણ એટલે કરવું પડ્યું કે વિદ્યાર્થીઓની શિક્ષણ વિષયક તેમ જ શિક્ષણ પૂરક માવજત માટે આજે પણ ગુજરાત કૉલેજ રાજ્યમાં ખાસ્સી અગ્રેસર છે. પણ પ્રવર્તમાન સમાજમાં કોઇ પણ શૈક્ષણિક સંસ્થાનું મુલ્યાંકન Cosmetic – ઉપરછલ્લા - ગુણો વડે થતું હોય છે. પાર્કિંગમાં જોવા મળતાં વાહનોના પ્રકાર તેમ જ મોડેલ, કેન્ટીનમાં પીરસાતાં વ્યંજનો અને પીણાં તેમજ ત્યાંની સજાવટ અને પરીસરમાં જોવા મળતી ફેશન જેવા માપદંડો જો ગુણવત્તા નક્કી કરવા માટે અપનાવવામાં આવે, તો ગુજરાત કૉલેજનું સ્થાન શહેરની અન્ય કેટલીક કૉલેજો કરતાં ચોક્કસ પાછળ રહે. પણ પરીસર, સગવડો, શિષ્યવૃત્તીઓ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ એવી અનેક વિદ્યાર્થીસુલભ પ્રોત્સાહક યોજનાઓ સાથે અહીં પૂરા પાડવામાં આવતા શિક્ષણ દ્વારા જો મૂલવણી કરવામાં આવે, તો આજે પણ ગુજરાત કૉલેજનું સ્થાન ખાસ્સું ઉંચું છે.

અંગત રીતે આ સંસ્થા સાથે ૧૯૭૭ના જુલાઈની ૨૫મી તારીખથી નાતો બંધાયો. મારા દાદાની પોતે આ સંસ્થામાં ભણવાની કે મને એમાં ભણાવવાની મહત્વાકાંક્ષા તો ન ફળી, પણ મને માઈક્રોબાયોલોજી વિભાગના Demonstrator તરીકે નોકરી મળી.  એ દિવસોમાં  ૨૩ વર્ષની ઉમર અને તે સમયની શરીર સંપત્તી(!) થકી એક અધ્યાપક તરીકે ઓળખાવું અઘરું બની રહેતું! ૧૯૭૮ના માર્ચ મહીનામાં મોટા પાયે હડતાળ પડેલી, ત્યારે બંદોબસ્ત માટે મૂકાયેલા પોલીસકર્મીઓએ એક કરતાં વધારે વાર મને વિદ્યાર્થી માની લઈ, મારી સાથે બહુ અનુકુળ (મને) ન પડે તેવો વ્યવહાર કરેલો! થોડા સમય પછી  Lecturer તરીકે બઢતી મળી અને વિશેષમાં, ૨૦૦૮ના ઑક્ટોબરની ૧૭મી તારીખથી ૨૦૦૯ના નવેમ્બરની ૧૩મી તારીખ સુધી આ માતબર સંસ્થાના કાર્યકારી Principal તરીકે પણ સેવા આપવાનો મોકો મળ્યો. લગભગ ૩૯ વર્ષોથી સંસ્થા માટે, આ પરીસર ઉપર કાર્યરત રહેવું એ કેવા અને કેટલા સદ્ભાગ્યની વાત છે, એ શબ્દો વડે સમજાવી શકાય એમ નથી. શૈક્ષણિક અને વિવિધ શિક્ષણપૂરક પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ અને સહકાર્યકર્તાઓ સાથે કામ કરવાની અને શીખવાની ભરપૂર તકો મળી. અનેક વિદ્વાનો, કલાકારો, રમતવીરો, સાહિત્યકારો, શિક્ષણવિદો, રાજકીય અગ્રણીઓ અને સમાજ સેવકો તેમ જ વહીવટકર્તાઓના સીધા સંપર્ક માં આવવાની તકો વારંવાર મળી. સંસ્થાનો પોતાનો નાટ્યશાસ્ત્ર વિભાગ હોવાથી એ ક્ષેત્રનાં મહારથીઓનો પણ લાભ અવાર નવાર મળતો રહ્યો. અહીં યાદ આવે છે સ્વ.અરૂણભાઈ (ડૉ. ધીમંત/અરૂણ નાયક, કેમીસ્ટ્રી વિભાગ ના અધ્યાપક)ની. ભણાવવા સાથે સાથે જીમખાનામાં પણ  કામ કરવાનો મોકો/લ્હાવો વર્ષો સુધી મળ્યો, તે દરમિયાન આ એવા વ્યક્તિત્વનો ગાઢ પરીચય થયો, જેની પાસે થી ક્રિકેટની તેમ જ બેડ્મીન્ટનની રમતની બારીકિઓ જાણવા શીખવા મળી. એમના સમયમાં અરૂણભાઇ ગુજરાત રાજ્યની રણજી ટ્રોફીની તેમ જ ગુજરાત યુનિવર્સીટીની ક્રીકેટ ટીમના કેપ્ટન રહી ચુકેલા. વળી બોર્ડ પ્રેસીડેન્ટની પસન્દગી ની ટીમ ના સભ્ય તરીકે તેઓએ વિદેશી પ્રવાસો પણ ખેડેલા. એ જ રીતે યાદ આવે, સ્વ. શ્રી રાસબિહારી દેસાઈ, જેઓને વિષે અત્યંત આદરભાવ કાયમ રહ્યો છે. ગુજરાતી સુગમ સંગીતને ધબકતું રાખવા માટે તેઓનું પ્રદાન જમાનાઓ સુધી ભુલાવાનું નથી.  ગુજરાત કૉલેજના વિદ્યાર્થી અને થોડા સમય માટે અધ્યાપક રહી ચુકેલા શ્રી રાસભાઈને આ સંસ્થા માટે અવર્ણનીય લગાવ હતો. આ કારણે તેઓનો પરિચય થયો અને અંગત રીતે તેમનો ગાઢ પ્રેમ મળ્યો .રાસભાઈના  સ્નેહભાજન હોવું એ બહુ સદ્ નસીબની વાત ગણાય અને એનો ભરપૂર લાભ મેળવ્યો છે. મારા વિભાગનાં અધ્યક્ષ શ્રીમતી નીલાબહેન ઉપાધ્યાય અને સહકર્મી શ્રી ઉદય ભટ્ટનો મારા શિક્ષક તરીકે તેમજ વ્યક્તિ તરીકેના ઘડતરમાં અસાધારણ  ફાળો રહ્યો છે. લાંબી કારકિર્દી દરમિયાન સંપર્ક માં આવેલાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ દ્વારા સતત એવો ભાસ થતો રહ્યો કે, ઉમર વધતી જ નથી અને  કાળનો પ્રવાહ જાણે એક ચોક્કસ મુકામ ઉપર થંભી ગયો છે! એમાંનાં ઘણાંએ અલગ અલગ ક્ષેત્રોમાં ખુબ જ ઉંચાં સ્થાનોએ પહોંચ્યા પછી પણ સંબંધ યથાવત્ જાળવી રાખ્યો છે અને એક અધ્યાપક તરીકે આનાથી વધારે ધન્યતાની કોઇ જ અપેક્ષા હોઇ ન શકે.

હવે નિવૃત્ત થઈ ચુક્યો છું ત્યારે મારા સમગ્ર જીવન કવનમાં આ માતબર સંસ્થા, મારા કાર્યકાળના સમય દરમિયાનનાં પ્રાચાર્યો, નિવૃત્ત થઈ ચુકેલ વડીલ તેમજ હાલનાં યુવાન અધ્યાપકો અને અન્ય સર્વે કર્મચારીઓના ઋણનો નત મસ્તકે સ્વીકાર કરવો રહ્યો. એની અભિવ્યક્તી માટેની ન તો આ જગ્યા છે કે ન તો એ માટેની મારી ક્ષમતા છે. આ તબક્કે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે, આ લેખમાં મેં મારા આ સંસ્થા સાથેના અનુભવો અને આનુશંગિક વિચારો વહેંચવાનો ઉપક્રમ રાખ્યો છે. કૉલેજ વિષેની સમગ્ર માહિતી માટે અહીં કૉલેજની વેબસાઈટની લીંક મૂકું છું, જ્યાં કૉલેજ અંગેની સૌ કોઈને જરૂરી એવી કોઈ પણ માહિતી મળી શકશે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી આ સંસ્થા ‘ગુજરાત આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ’ તરીકે ઓળખાય છે, પણ મારા માટે અને મારી જેવા અનેકો માટે આ ‘ગુજરાત કૉલેજ’ હતી, છે અને રહેશે. અસ્તુ.