Friday 5 August 2016

અલભ્ય ગુજરાતી સુગમ ગીતો


ગુજરાતી સુગમ સંગીતનો એક યુગ હતો, જ્યારે અવિનાશ વ્યાસ, અજીત મરચંટ, દિલીપ ધોળકીયા, બદ્રીપ્રસાદ વ્યાસ, અને ક્ષેમુ દિવેટીયા જેવા દિગ્ગજોએ એના પાયાના પથ્થરોની ભુમીકા નિભાવી. ત્યાર બાદ આવેલા રાસબિહારી દેસાઈ અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા સમર્પિત કલાકારોએ આ ક્ષેત્રે  શકવર્તી યોગદાન આપ્યું. કેટકેટલાં નામી-અનામી કલાકારોએ ગુજરાતી સ્વર શબ્દની આરાધનામાં જીવન વિતાવી દીધું. સફળતાનો એવો તો દોર ચાલ્યો કે મહંમદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, મન્ના ડે, મુકેશ, તલત મહેમૂદ, હેમંતકુમાર, ગીતા દત્ત, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર અને  સુધા મલ્હોત્રાની કક્ષાનાં ટોચનાં ગાયકોએ ઉલટભેર ગુજરાતી સુગમ ગીતો ગાયાં. આને પગલે પગલે આમાંનાં ઘણાં કલાકારોએ અને સંગીતકારોએ ગુજરાતી ફીલ્મોમાં પણ યોગદાન આપ્યું.  વ્યવસાયી ધોરણે રેકોર્ડ્સ બનાવતી એચએમવી અને પોલિડોર કંપની ગુજરાતી ગીતોની રેકોર્ડ્સ બહાર પાડવા લાગી અને આ રેકોર્ડ્સ મોટા પાયે વેચાવા લાગી. આકાશવાણીનાં ગુજરાત બહારનાં અને વિદેશોનાં કેન્દ્રો ઉપરથી ગુજરાતી સુગમ ગીતોના કાર્યક્રમો નિયમીત ધોરણે પ્રસારીત થતા અને એમાં શ્રોતાઓની ફરમાઈશો પણ વાગતી એવું શોખીનોને યાદ હશે. અહીં એક સ્પષ્ટતા જરૂરી બની રહે છે કે આમાં પરંપરાગત રાસ ગરબા કે લોક ગીતો જ નહીં પણ નવાં નવાં રચાતાં જતાં ગીતો તેમ જ ગઝલોનો પણ મોટો ફાળો હતો. અહીં આ પૈકીનાં બે ગીતો વિષે વાત કરવી છે.  
‘ઓલ્યા માંડવાની જૂઈ’.
1961-62ની આસપાસ જિતુભાઈ પ્ર. મહેતા લિખીત અને પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરાંકિત એવું આ ગીત ત્રણ ગાયક કલાકારો_ પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ અને પિનાકીન મ્હેતાના સ્વરમાં એક નવતર પ્રયોગની જેમ આવ્યું અને તાત્કાલિક લોકપ્રિયતાને વર્યું. રેડિઓ ઉપર આવતા ગુજરાતી ગીતોના કાર્યક્રમોમાં અચુક હાજરી પુરાવતા આ ગીતની રેકોર્ડ્સ પણ ખાસ્સી વેચાયેલી. દેશ વિદેશમાં યોજાતા ગુજરાતી ગીતોના કાર્યક્ર્મોમાં પણ આ ગીત ગવાય નહીં ત્યાં સુધી ભાવકોને સંતોષ ન થતો એવું જાણ્યું છે. એનાં એક કરતાં વધારે સંસ્કરણો થયાં. એ સંસ્કરણોની કેસેટ્સ પણ બહાર પડી અને એ પણ લોકપ્રિય બની રહી. આમ કહી શકાય કે માંડવાની જુઈની સુગંધ ખાસ્સા લાંબા અરસા સુધી ખાસ્સી ફેલાયેલી રહી. કાળક્રમે નવાં નવાં ગીતો પ્રચલિત થતાં ગયાં અને આ ગીત તેમ જ આવાં અન્ય ગીતો ધીમે ધીમે વિસરાતાં ચાલ્યાં.  
થોડા દિવસ પહેલાં થોડા દિવસ પહેલાં બે મિત્રો શેખર અને નીશીથ સાથે આ ગીતનું મૂળ રેકોર્ડીંગ સાંભળવા ન મળતું હોવાની વાત થઇ. જાણીતા મિત્રો અને ભાવકો પાસે રેકોર્ડ, કેસેટ કે સ્પૂલ પર હોય, તો એને માટે ટહેલ નાખી જોઈ પણ સફળતા ન મળી. યુ ટ્યુબ, ટહુકો.કોમ અને માવજીભાઈ.કોમ જેવાં માધ્યમો ઉપર તપાસ કરતાં પણ અમારે ભાગે નિરાશા જ રહી. આવે વખતે આધારરૂપ બે ત્રણ ‘સાંકળ ખેંચો’ પટારાઓ છે, એમાંના એક  એવા ચન્દ્રશેખર વૈદ્યને ફોન કરતાં તેઓએ "મળી જશે" નો સધિયારો આપ્યો અને બીજા જ દિવસે તેઓનો ઉક્ત ગીત મળી ગયું હોવાનો ફોન આવી ગયો. એમની પાસેથી ગીત લેવા ગયો, ત્યારે આ ગીત ગોતવામાં પડેલી પારાવાર વિપદાનો ઉલ્લેખ કર્યો.  ચંદ્રશેખરભાઈએ સૂચન કર્યું કે આ ગીતને હવે ફેઈસબુક અને/અથવા યુ ટ્યુબ પર મુકવું, જેથી અન્ય કોઈ પણ જ્યારે ઈચ્છે, ત્યારે તેનો આનંદ ઉઠાવી શકે.  કોઈની ટીકા કરવાના ઉદ્દેશ  વિના અહીં ધ્યાન દોરવું છે એવા મિત્રો તરફ કે જેઓ પોતાની પાસે ભાગ્યે જ માણવા મળે એવી કોઈ ચીજ હોય તો એની Exclusivity  યેન કેન પ્રકારેણ જાળવી રાખતા હોય છે. કોઈને આપવાનું તો દૂર, પોતાની પાસે કશુંક અલભ્ય એવું છે એવી માહિતી પણ બહુ જ ઓછા લોકો સુધી પહોંચે એવા પ્રયત્નો આવા મીત્રોના રહેતા હોય છે. અમારા ચન્દ્રશેખર વૈદ્ય બિલકુલ અલગ માન્યતા ધરાવે છે. એ સમજે/સમજાવે છે કે કોઇ પણ ઉત્તમ ચીજ જો ભાવકો સુધી પહોંચતી અટકી જાય, તો એ ચીજની આવરદા  ટૂંકી થઈ જાય છે.  તેઓ કહે છે કે આજે જ્યારે આપણી પાસે આટલાં માતબર ઈલેક્ટ્રોનીક સંસાધનો ઉપલબ્ધ છે, તો શા માટે એનો સદુપયોગ આપણી આસપાસમાં મળી આવતાં ઉત્તમ ગીત સંગીતના શાશ્વતીકરણ માટે  ન કરવો! આમ ચંદ્રશેખરભાઈની વાતમાં મકરંદ દવે અને મરીઝ_ બન્ને પડઘાતા સંભળાય ..... મકરંદ દવેની જેમ તેઓ ગમતાંનો ગુલાલ ચોમેર ઉડાડવાનું પસંદ કરે છે અને મરીઝના આ શેરને તો ચંદ્રશેખરભાઈ ઘુંટીને પી ગયા છે એમ તેઓને ઓળખનારાં સૌ સ્વિકારશે..
                          ’બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
                           સુખ જ્યારે જેટલું મળે સૌનો વિચાર દે’  
આમ, ચંદ્રશેખરભાઈની પાસેથી આ ગીત મળી જતાં એમનું સુચન સ્વીકારી લીધું, એ વખતે આ બાબતે આવી પડનારા પડકારોની કલ્પના ન હતી. યુ ટ્યુબ કે ફેઈસબુક ઉપર  ઓડીઓ ફાઈલને સીધેસીધી  Upload કરવાની સગવડ નથી એ ખ્યાલ ન હતો. એટલું સમજાયા બાદ પહેલાં તો પોતાની રીતે આ ફાઈલની સાથે કોઈ વીડીઓ કે ફોટોગ્રાફ્સ જોડી દેવાનો પ્રયત્ન કરી જોયો. અલગ અલગ સોફ્ટ્વેયર્સ ઉપયોગે લઈ મીક્સિંગ કરી જોયું. ફોનની મદદથી એક એપ્લિકેશન મેળવી, મરાઠી ફિલ્મ ‘કટાર કલેજ્યે ઘુસલી’ના એક ગીતના વિડીઓ સાથે આ ઓડિઓને જોડી, યુ ટ્યુબ અને પછી ફેઈસબુક ઉપર મુક્યું, ત્યારે ટારઝન જેવી લાગણી થઈ પણ થોડી જ વારમાં ચંદ્રશેખરભાઈએ ફોનથી કાન આમળ્યો. “ ભાઈ, આવું ન ચાલે. આ મરાઠી ગીત ખાસ્સું જાણીતું છે, એના વિડીઓ સાથે આપણું ગીત! લોકોને કેવી છેતરાયાની લાગણી થાય?” આવું ન વિચાર્યું હોવાની ભોંઠામણ સાથે આ સાહસને પાછું ખેંચ્યું ત્યારે પૂરા ત્રણ શો પણ થયા પહેલાં થિયેટરમાંથી ઉતારી લેવી પડેલ ફિલ્મના પ્રોડ્યુસરને  શું થતું હશે એ સમજાયું. આમ સઘળા પ્રયત્નો નિષ્ફ જતાં મારા દ્વારા આર્દ્ર સ્વરે કરાયેલા"મદદ મદદ"ના પોકારો બે ચાર યુવાન મિત્રોના કાને પડ્યા. એમણે પણ પોત પોતાની રીતે પ્રયત્નો કર્યા, પણ  મારી પાસે આવેલ ઓડીઓ ફાઈલ કોઈ પણ રીતે ઉપલબ્ધ વિડીઓ કે પિક્ચર ફાઈલ સાથે સુસંગત નિવડતી ન્હોતી. આમ ને આમ કોઈ સફળતા મળ્યા વગર ત્રણ મહિના જેવો સમય વિતી ગયો. આખરે ધીરજ ખુટી અને વ્યવસાયીક ધોરણે કામ કરાવવું એવા નિષ્કર્ષ ઉપર આવ્યો. આ માટે ચંદ્રશેખરભાઈએ કેતન મજમુદારનું નામ સુચવ્યું. આ ક્ષેત્રના વ્યવસાયી હોવા ઉપરાંત  કેતન મજમુદાર સંગીતના શોખીન પણ છે. એમણે પોતાનાં અન્ય કામ બાજુએ રાખી, આ ગીત માટે ત્રણ કલાક ફાળવી આપ્યા. ગીતને યોગ્ય ફોટોગ્રાફ્સ સાથે જોડી, પચાસ વરસથી પણ જુના એવા એના ઓડીઓને પણ વધારે સુશ્રાવ્ય બનાવ્યું અને યુ ટ્યુબ તેમ જ ફેઈસબુક ઉપર ‘ચડાવી’ આપ્યું. એ પણ આ ગીતનું આ મૂળ સંસ્કરણ સાંભળતાં એટલા ખુશ થયા કે આ કામ નિ:શુલ્ક કરી આપવાની એમની તૈયારી હતી. જો કે એવો (ગેર)ફાયદો ઉઠાવ્યો નહીં.
મૂળે આ ગીત  શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય, શ્રી રાસબિહારી દેસાઈ અને શ્રી પીનાકીન મ્હેતાના સ્વરોમાં 1962ની સાલમાં રેકોર્ડ થયેલ છે. રેડીઓ ઉપર સુગમ ગુજરાતી ગીતોના કાર્યક્રમોમાં આ ગીત આવે, ત્યારે રસિયાઓ બાગ બાગ થઇ જતા. એ પછી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એકલાએ પણ આ ગીત મુદ્રિત કરાવ્યું છે. તેઓએ આશીત દેસાઈ અને પાર્થીવ ગોહીલ સાથે પણ આ ગીત ગાયું હોવાનું જાણમાં છે. પણ આજથી પાંચ દાયકા પહેલાંના   ચોક્કસ રેકોર્ડીંગની મજા અલગ છે. ત્રણ સુભટ કલાકારોએ ગાયેલ આ ગીતને માટે ચંદ્રશેખરભાઈએ 'Trio' શબ્દ ઉપયોગે લીધો. મારે એમાં ઉમેરો કરવો છે કે આ એક્કાનો Trio છે( શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એમ કોણ બોલ્યું?). ત્રણ પૈકીના પુરુષોત્તમ ઉપાધ્યાય અને રાસબિહારી દેસાઈ તો સુખ્યાત છે, પણ પિનાકીન મહેતા બહુ પ્રકાશમાં ન આવ્યા. મૂળ ભાવનગરના આ ગાયક કલાકાર અત્યંત સાલસ અને સરળ હતા. ક્ષમતાના પ્રમાણમાં તેઓ પ્રસિધ્ધી ન રળ્યા. ખેર! હવે આ અલભ્ય રચના સાંભળીએ.



'આભને ઘડૂલે દીપે દીવડો'

અગાઉ મુકેલ ગીત 'ઓલ્યા માંડવાની જૂઈ ' જેવી જ રોચક કથા આ ગીત મેળવવા માટેની પણ છે. ચન્દ્રશેખરભાર્ઈએ 'માંડવાની જૂઈ ' ઉપલબ્ધ કરાવ્યું ત્યારે બે સૂચન કરેલાં. . . ..
.1) એને યુ ટ્યુબ ઉપર મૂકવું જેથી ભાવકોને જોઈએ ત્યારે મળી રહે, અને આવી ઉમદા રચના લુપ્ત ન થઈ જાય.
2) પુરુષોત્તમ ઉપાધ્યાય દ્વારા સ્વરાંકિત એવું ગીત 'આભને ઘડૂલે દીપે દીવડો' સુમન કલ્યાણપુરના સ્વરમાં તેઓ ગોતી રહ્યા હોઈ, એ તપાસમાં મારે પણ જોડાવું. મારા માટે તો આ સુનીલ ગવાસકર કૉલેજના ખેલાડી પાસે સલાહ માંગે એવી બહુમાનની વાત કહેવાય!  મેં બીડું ઝડપતાં તો ઝડપી લીધું, પણ હવે જે ચીજ ચન્દ્રશેખરભાર્ઈને નથી મળી રહી તે શી રીતે મેળવવી એની મુંઝવણ શરુ થઈ. બે એક મિત્રોને પુછ્તાં કોઈ આશા ન બંધાતાં આખરે સીધો મીર મારવો નક્કી કરી, એક  રાતે પુરુષોત્તમભાઈને ફોન કર્યો. એમણે કહ્યું કે એમની પાસે આ ગીતની રેકોર્ડ હતી, જે લાંબા સમયથી જડતી નથી. પણ એમણે અન્ય સ્ત્રોત બતાડ્યા, જે બધાં પાસે પણ આ ગીત ન્હોતું મળે એમ. આખરી ઉપાય તરીકે હંસા દવેને ફોન કર્યો. એમણે ચાર પાંચ દિવસમાં મેળવી આપવાની શ્રધ્ધા બંધાવી. અને ખરેખર, થોડા જ દિવસમાં એમનો ફોન આવ્યો કે એમના એક પરિચિત મને 'સંપેતરું' પહોંચાડશે. અને આખરે આ ગીત હાથમાં આવ્યું. ચંદ્રશેખરભાઈએ ખુબ જ ઉમળકાથી આ બાબત આનંદ વ્યક્ત કર્યો. મેં એમના ઉપરાંત અન્ય સંગીતપ્રેમી મિત્રોને પણ પહોચાડ્યું. પણ જ્યારે માંડવાની જૂઈને યુ ટ્યુબના વેલે ચડાવી ત્યારે કેટલા બધા જાણીતા/અજાણ્યા ભાવકોએ ઉલટભેર પડઘા પાડ્યા એ વખતે વિચાર આવ્યો કે આભના ઘડૂલામાં રહેલ દીવડાને જો લાંબા સમય સુધી ઝગમગતો રાખવો હોય તો એને પણ યુ ટ્યુબની વાટ દ્વારા ઇંધણ પૂરું પાડવું રહ્યું. આ વિચાર આવતાં જ કેતન મજમુદારને ત્યાં પહોંચી ગયો. કુશળ વ્યવસાયિક એવા કેતનભાઈએ આ ઓડીઓ ફાઈલ સાથે ફોટા યોગ્ય રીતે ગોઠવી, રચનાને યુ ટ્યુબ સાથે સુસંગત કરી આપી. હવે હાશ કરું ત્યાં વિચાર આવ્યો કે કવિનું નામ તો ખબર જ નથી! બે ચાર આધારભૂત મિત્રો તરફથી અપેક્ષિત મદદ ન મળતાં છેવટે યુવાન અને સુખ્યાત કવિ/સંચાલક અંકિત ત્રિવેદીને ફોન લગાડ્યો. હજી પ્રશ્ન પૂરો કરું, ત્યાં જવાબ આવી ગયો, "રમેશ શાહ". આમ સમગ્ર પ્રકલ્પ કિનારે પહોંચતાં એને કેતન મજમુદારે યુ ટ્યુબ ઉપર કલાકારોને શ્રેય આપતી નોંધ સાથે 'ચડાવી દીધો'. આજે તો એ શુલ્ક લેવા બિલકુલ તૈયાર ન હતા પણ સમજાવી પટાવતાં તેઓએ ફૂલની પાંખડી સ્વીકારી. તો ઈતિ 'ગીતસ્ય કથા રમ્ય' સમાપ્ત, મીઠાશમાં ઝબોળાઈ જવાની તૈયારી સહીત માણો આ રચનાને.