Tuesday 25 October 2016

અમારો હુસેનીયો

૧૯૯૨ના મે મહિનામાં ભાવનગર ગયેલો ત્યારે ત્યાંની બાર્ટન લાઈબ્રેરીની આસપાસમાં આવેલા એક મકાનમાં રહેતા સજજનને એક સંપેતરું પહોંચાડવાનું હતું. હું ત્યાં આગળ સાઈકલ ઉભી રાખીને મકાન શોધી રહ્યો હતો. એ જ સમયે બાજુમાં આવેલા હનુમાનજીના મંદીરના ચોગાનમાં મજુરી/ફેરી માટે પોતપોતાની લારીઓ લઈને કેટલાક માણસો ઉભા હતા. એમાંના એકે બૂમ પાડી, “એ....ઈ.... પીયૂસીયા, શું ગોત સ, ન્યાં?” તાત્કાલિક તો ખ્યાલ ન આવ્યો પણ પછી લાક્ષણિક એવાં ભાવનગરી મહેણાં ટોણાં મારીને એણે જાતે જ ઓળખાણ આપી, “હું હુસેનીયો, આપડે એ વી સ્કૂલમાં હારે નો ભણતા?”

ત્યાં જ મને યાદ આવી ગયો, અમારો હુસેનીયો. ધોરણ ૬ થી લઈ, ૯ સુધી અમે બન્ને એક જ નિશાળમાં અને એક જ વર્ગમાં જતા( ‘ભણતા’ એમ કહેવું જરા વધારે પડતું થઈ જશે!). પછી એણે અભ્યાસ છોડી દીધો. ધીમે ધીમે અમારું મળવાનું ઓછું થતાં થતાં લગભગ ૧૯૬૮ સુધીમાં સાવ જ બંધ થઈ ગયેલું. એ પછી ૨૪ વરસના અવકાશે પણ એ મને જોતાં વેંત ઓળખી ગયો. બહુ પ્રેમથી સોડા પીવાનું એણે કરેલું સૂચન મેં એટલા જ પ્રેમથી સ્વિકાર્યું. એ દરમિયાન થોડું ઘણું ‘તને સાંભરે રે’ ચાલ્યું. પછી એ મને યોગ્ય મકાન સુધી મુકી ગયો. કિશોરવયની હાસ્યવૃત્તિ એણે પૂરેપૂરી જાળવી રાખી હતી અને એના ચમકારા અમારા અડધીએક કલ્લાકના સંગમાં વખતોવખત એણે બતાડ્યા.

એનું મૂળ નામ મહમ્મદ હુસૈન, પણ એને ય ઉંઘમાંથી ઉઠાડીને કોઈ નામ પુછે તો એ પોતે પણ  ‘હુસેનીયો’ જ કહે! એની કૌટુંબિક પશ્ચાદભૂ અને એના રહેણાકના વિસ્તાર વિષે જાણ્યા પછી એનું એ સમયનું વર્તન સહેલાઈથી સમજી શકાય. એ નિશાળે આવવામાં ઘણો જ અનિયમીત હતો અને જ્યારે આવ્યો હોય ત્યારે પણ વર્ગમાં આવીને બેસે એ જરૂરી નહતું. ઘરકામ બાબતે એની નિર્લેપતા કોઈ સંતની સંસાર પ્રત્યે હોય એ કક્ષાની હતી!  અપશબ્દો બોલવા, મારામારી કરવી, સાહેબોની સામે થઈ જવું એ બધુ એને સહજસાધ્ય હતું. વર્ગમાં બેઠો હોય તો પણ કાંઈક એવી પ્રવૃત્તિમાં પડ્યો હોય કે સાહેબો એને બહાર જવા માટે ખાસ્સું પ્રોત્સાહન આપતા! અમારી જેવા નિર્માલ્યો તો સાહેબ દ્વારા કરાયેલ ‘ગેડાઉટ’ ને અત્યંત માનહાનીની ઘટના તરીકે જોતા અને એવું ‘માથું વઢાવવાની’ સજા ક્યારે ય ન મળે એ માટે ખુબ જ સતર્ક રહેતા. સામે છેડે હુસેનીયો તો સાહેબના આ એકમાત્ર સૂચનનું પાલન ખુબ જ આજ્ઞાંકિતપણે કરતો. બહાર જતી વખતે પણ કાંઈક એવી ચેષ્ટા કરતો જાય કે અમે બધા હસવું ન રોકી શકીએ. એ પોતાને મળેલા આ કિંમતી સમયનો ઉપયોગ નિશાળના પરિસરની બહાર જઈ, બીડી પીવામાં કરતો. 

હુસેનના ‘ભણવા’ વિષે તો એટલું જ કહી શકાય કે અમે સાથે હતા એ વર્ષોમાં એ કોઈ વાર નાપાસ ન થયો. જો કે એ ચિત્રકામમાં બહુ જ કાબેલ હતો. આથી અમારા જે તે સમયના ચિત્રશિક્ષકોના એની ઉપર હંમેશાં ચારેય હાથ રહેતા. અહીં અમારા શાળાજીવનની બે એક રમુજી ઘટનાઓ કે જેમાં હુસેનીયો સીધેસીધો જ સંડોવાયેલો હોય, એ યાદ કરવી છે.

૧) અમે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી જ એને બીડી પીતો જોયેલો. નિશાળે જતાં અને ખાસ તો છુટીને ઘરે પાછા જતાં ઘણી વાર અમારો સંગાથ થઈ રહેતો. એ ખીસ્સામાં જ બીડી-બાકસ રાખતો અને રસ્તામાં જ્યારે ઇચ્છા થાય ત્યારે અદાથી બીડી સળગાવી ધુમાડા કાઢવા લાગતો. આવે સમયે  કોઈ કોઈ વાર મને પુછતો, “તારે પીવી સ, દઉં?” 
"તારે પીવી સ, દઉં?"

હું આ ઉમદા પ્રવૃત્તિમાં એને સાથ આપવા હ્રદયથી ઇચ્છતો હોવા છતાં લાચારીથી ના પાડતો. મારાં વડિલો આ બાબતે સહેજેય ઉદાર ન હોવાની મને સુપેરે જાણ હતી. એમાંથી કોઈ દ્વારા પકડાઈ જવાની અને પછી એ બાબતે થઈ શકતા ઉપચારની બીકે હું એમ ક્યારેય ન કરી શક્યો.

આ હતો ૧૯૬૪-૧૯૬૮ સુધી નો ગાળો. એ વખતે ભાવનગરમાં શ્રી આત્મારામ ભટ્ટ નામે એક અત્યંત પ્રતિષ્ઠિત સમાજસેવક/સુધારક હતા. ત્યારે ૭૫-0 આસપાસની ઉમર હશે. ખાદીનાં વસ્ત્રો પહેરેલા અને વધેલાં દાઢીમુછ વાળા આત્મારામદાદા દિવસના મોટા ભાગ દરમિયાન ભવનગરના ચોક્કસ વિસ્તારો માં તેમજ આસપાસનાં ગામોમાં જઈ ને બીડી, દારુ અને અન્ય વ્યસનો છોડી દેવા ત્યાંના રહીશો ને સમજાવવાના (વ્યર્થ) પ્રયત્નો અવિરત કરતા રહેતા.



એક વાર અમે નિશાળેથી આવી રહ્યા હતા, ત્યારે હુસેનીયો બીડી પીતો પીતો ચાલતો હતો. સામેથી આવી રહેલા આત્મારામદાદા આ જોઈ, અમારી પાસે આવી, હુસેનને સમજાવવા લાગ્યા કે વ્યસન બહુ ખરાબ ચીજ છે, છોડી દેવું જોઈએ, એનાથી ખુબ જ નૂકસાન થાય છે, વગેરે વગેરે. એમની વાત પૂરી થયે હુસેનીયો કહે, દાદા, વ્યસન તો તમને વળગ્યું છે, બીજાઓનાં વ્યસન છોડાવી દેવાનું. તમે ઈ છોડી દ્યો! દાદા કશું જ બોલ્યા વિના એને માથે હાથ ફેરવી, જતા રહેલા! 


જ્યારે પણ આ વાત યાદ આવે, ત્યારે એ સમયે થયેલી મારી કફોડી હાલત અને આત્મારામદાદાનું ઉદાર સૌજન્ય એક સાથે જ તાજું થાય છે. 


૨) હવે એક નવું પાત્ર ઉમેરાય છે...... ગુલામ ચારહથ્થો. મૂળ નામ ગુલામ હુસૈન. મારામારી તેમ જ કબડ્ડીની રમત દરમિયાન એ જે સ્ફુર્તીથી એના હાથનો (અને પગનો પણ) ઉપયોગ કરતો, એના ઉપરથી એને સૌ ચારહથ્થો કહેતા. એ ભાવનગરના એવા વિસ્તારનો બાશીન્દો હતો, જ્યાં દુનિયાભરની બદીઓ હાથવગી રહેતી. બીડી તો પીતો જ પીતો, સાથે સાથે લાગ મળ્યે ‘પ્યાલી’ પણ ચડાવી લેતો. અમારા જ વર્ગમાં હતો. અભ્યાસ, ઘરકામ, વર્ગની શિસ્ત વગેરે બાબતો પ્રત્યે એની ઉદાસીનતા અમારી ઈર્ષાનું કારણ બની રહેતી. પણ ગુલામ બહુ સારી હથોટીથી હાર્મોનિયમ વગાડતો અને ગાતો પણ ઘણું જ સારું. અમે નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં એ ભાવનગરના એ સમયના અતિશય પ્રતિષ્ઠીત ‘મીઠુ બેન્ડ’માં ક્લેરિયોનેટ વગાડતો થઈ ગયેલો. ઘણી બધી સામ્યતાઓને લઈને એની અને હુસેનિયાની દોસ્તી ઘણી જ ગાઢ હતી. નિશાળની અંદર તોફાનો, મારામારી, તોડફોડ જેવી અને તક મળે ત્યારે નિશાળની બહાર ભાગી જઈ, સામેની ‘હોટેલ’ ઉપર ઉભા રહી બીડીઓ પીતા પીતા આવારાગર્દી કરવા જેવી પ્રવૃત્તિઓમાં એ બન્નેએ સહકારનાં ઉચ્ચ શિખરો સર કરી રાખેલાં.

એક વાર રિસેસના સમયમાં એ બન્ને અંદરોઅંદર બાઝ્યા! શરૂઆતમાં તો સૌએ એમ ધારી લીધું કે મસ્તી કરતા હશે પણ આસ્તે આસ્તે ખ્યાલ આવવા લાગ્યો કે આ તો ખરાખરીનો ખેલ હતો! શાબ્દિક કક્ષાએ લડાઈ રહેલું આ યુધ્ધ ધીમે ધીમે મારામારી ઉપર ઉતરી આવવાની આશા પ્રેક્ષકગણને બંધાવા લાગી. એ માટે અમારે બહુ રાહ ન જોવી પડી. ટોળું વળીને ઉભેલા અમે સૌ અમારો પ્રેક્ષકધર્મ નિભાવવા માટે થઈને તાર સ્વરે “બાઝણ ચકે તો પૈશો દઉં”ના સુત્રોચ્ચાર કરવા લાગ્યા. અને શરૂ થઈ ગઈ એ બન્ને વચ્ચે ‘આરપારની’ લડાઈ! 

અમારી નિશાળના સાહેબોને આવી ઘટનાઓની ઝાઝી નવાઈ ન્હોતી. એ લોકો નું સર્વાનુમતે માનવું હતું કે વિદ્યાર્થીઓને એમની છુપાયેલી ક્ષમતાથી વાકેફ થવા દેવામાં બને ત્યાં સુધી આડું ન આવવું. હા, કોઈ કોઈ વાર એ ક્ષમતાના આવિર્ભાવમાં છોકરાઓ લોહીઝાણ  થઈ જાય ત્યારે એકાદ બે સાહેબ/સાહેબો આવી, પ્રમાણમાં જેને ઓછું લોહી નીકળ્યું હોય, એને બરાબરનો ઠમઠોરી, બીજાને શાબ્દિક કક્ષાએ ધિબેડી, મનોરંજિત પ્રેક્ષકોને ખુબ વઢીને થોડી વારમાં ‘પરિસ્થિતી કાબુમાં છે’નો અહેવાલ હેડ માસ્તર સાહેબને આપી દેતા. આ ઘટના સમયે હજી ‘પરિસ્થિતી કાબુમાં’ જ હતી, આથી હુસેનિયા અને ગુલામની લડાઈમાં તાત્કાલિક ધોરણે તો કોઈ અંતરાય આવે એમ ન હતો.

મારામારીનો બહોળો અનુભવ એ બન્ને બરાબર કામે લગાડી રહ્યા હતા. બુંગીયો, ઢોલ, ત્રાંસાં, નગારાં, તૂરી કે દુદુંભીની ખોટ ન પડે એ માટે અમારા સુત્રોચ્ચાર તો ચાલુ જ હતા. જોત જોતામાં શુરાતનની તીવ્રતા વધી ગઈ. હવે જે બથ્થંબથ્થા ચાલી એમાં બન્નેનાં ખમીસનાં બટન તુટ્યાં. આ ભાળીને નાયકોએ પેંતરો બદલવાનું નક્કી કર્યું. યુધ્ધ પાછું શાબ્દિક ક્ક્ષાએ ઉતરી આવ્યું.

અમારી તરફથી સતત મળી રહેલ પ્રોત્સાહનથી એ લોકોએ એમનો બહોળો શબ્દકોશ ખોલવાનું નક્કી કર્યું. એ બે એક બીજાની નજીકની, લોહીના સગપણની સન્નારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવાની મહત્વાકાંક્ષાઓ સહેજે છોછ રાખ્યા વગર વ્યક્ત કરતા હતા. અમારી જેવા સંકુચિત મનોવૃત્તિ ધરાવતા છોકરાઓ આ બાબતને ‘ગાળ’ જેવા તુચ્છ શબ્દપ્રકાર તરીકે ઓળખતા હતા! એકાદ બે તો હવે ‘સાહેબને કે’વાનું આવ્યું’ નું સામુહિક ગુંજન ચાલુ કરાવવાનું પણ વિચારવા લાગેલા. એવામાં એમની આપ-લેના  સંદર્ભે ગુલામે હુસેનીયાની માશીબાનો ઉલ્લેખ કર્યો.

અને અચાનક પાસું પલટી ગયું. હુસેનીયો જોર જોરથી હસવા માંડ્યો. માંડ માંડ બોલ્યો કે, "પણ એલા ગુલામીયા, મારે તો માશીબા જ નથી!" લ્યો કહો, હવે ગુલામે ય માંડ્યો હસવા. અમે પણ સાથ પુરાવવા લાગ્યા! થોડી વારમાં તો હસીખુશીનો બગીચો ખીલી ઉઠ્યો! ગુલામે હુસેનીયાના ગળે હાથ પરોવી, બહારની પાનની દુકાને ‘પનામા’ પીવા જવાની દરખાસ્ત કરી, જેનો સહર્ષ સ્વીકાર અને તાત્કાલિક ધોરણે અમલ થયો. એ બન્ને શાળાની બહાર અને બાકીના અમે સૌ વર્ગની અંદર ગયા. આમ, સૌ સારાં વાનાં થયાં. લાગે છે કે જો હુસેનિયા અને ગુલામની પદ્ધતિએ યુદ્ધ કરવામાં આવે તો વિશ્વશાંતિની અપીલ કરવાની જરૂર જ ન રહે.


૧૯૯૭ની આસપાસ એક વાર અમે મળ્યા એ વખતે અમારો એક અન્ય મીત્ર પણ ભેગો હતો. એણે હુસેનને કીધું, “ આને હવે પીયૂસીયો નો બોલાવાય. તને ખબર છે, આ તો અમદાવાદની કૉલેજમાં ભણાવે છે?” એના જવાબમાં એ સહેજ ટટ્ટાર થયો, બીડીનો ઉંડો કસ ખેંચ્યો અને માત્ર એક જ અક્ષર બોલ્યો, ”તે?”!!! આવો અમારો હુસેનિયો છેલ્લો ૨૦૦૩ની સાલમાં મળેલો. ત્યાર પછી ભાવનગર તો ઘણી વાર જવાનું થાય છે પણ એને મળવાનો મેળ નથી પડ્યો. આશા છે કે કોઈક વાર ભાવનગરની ગલીઓમાં આંટા મારતો હોઈશ અને અચાનક એક ત્રાડ આવશે, “એ....ઈ.... પીયૂસીયા, શું ગોત સ, ન્યાં?”
ચારે ય ચિત્ર નેટ પરથી લીધાં છે.