Saturday, 25 April 2020

ગાંધીયુગનો ખરી પડેલો સિતારો


કોઈ પણ માણસ ના જીવનમાં સમયસમયાંતરે નાના મોટા પલટા આવ્યા જ કરતા હોય છે. ‘સમયનો ચાકડો સતત ગોળ ગોળ ફર્યા કરે છે’, ‘કાળની ગતિ અકળ છે’ અને ‘વેળા વેળાની છાંયડી’ જેવા રૂઢીગત વાક્યપ્રયોગો આવા બદલાવોને અનુલક્ષી ને કરવામાં આવતા રહે છે. બહાદુરશાહ ઝફર, નેપોલીયન અને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો જેવા કિસ્સાઓ જગપ્રસિધ્ધ બની રહ્યા છે, જેમાં અપાર સત્તા અને અમાપ સંપત્તિના ભોગવનારાઓને બિલકુલ નિ:સહાય અને લાચાર અવસ્થામાં મૂકાઈ ને બંદિવાન હાલતમાં પોતાના અંતિમ દિવસો ગુજારવા પડ્યા હતા. એકદમ ઝળહળતી કારકિર્દી દરમિયાન બહોળી પ્રસિધ્ધિ અને લોકપ્રિયતાને વરેલાં કલાકારો જીવનના અસ્તાચળે ગુમનામી અને કારમી ગરીબીમાં ક્યારે મોતને ભેટ્યાં એની નોંધ પણ બહુ ઓછાઓએ લીધી હોય એવા દાખલાઓ આપણી સામે છે જ. ખુબ જ  સમૃધ્ધ અને ભર્યાં ભાદર્યાં કુટુંબો વિખેરાઈ ગયાના કિસ્સાઓ પણ ક્યારેક ને ક્યારેક આપણી જાણમાં આવતા રહે છે. પણ કોઈ કોઈ કિસ્સાઓ તો સાવ અલગ જ પ્રકારના હોય છે. અહીં જેની વાત આલેખવાની છે તે એક એવી શખ્સીયતની છે, જેના જીવનમાં આવેલા ઉતારને જાણીએ ત્યારે નવાઈ પામી જવાય! જીવનનાં મહત્વનાં વર્ષો એક વિશ્વવંદ્ય વિભૂતીની સાથે ખભેખભા મીલાવીને સમાજસેવામાં રચ્યાપચ્યા રહેનાર વ્યક્તિએ એનાં આખરી વર્ષો તદ્દન પંગુ, લાચાર અને એકાકી અવસ્થામાં વિતાવવાનો વારો આવ્યો હતો. અનેક દુખીયાંઓના અધિકારો માટે પરદેશી સત્તા સામે વારંવાર બાથ ભીડનાર એ યોધ્ધાને બીરદાવવા તો ઠીક, એની સાથે બેસી અને એની એકલતા હળવી કરવા માટે પણ એનાં આખરી વર્ષોમાં ભાગ્યે જ કોઈ આગળ આવતું. એમના કાર્યરત જીવનની નોંધ બહુ જ મોટા પાયે લેવાઈ છે, પણ એક વાર એમનો સિતારો અસ્તાચળે ઉતરી આવ્યો એ પછી એમણે શી રીતે દિવસો વિતાવ્યા એ વિશે તો એમનાં કુટુંબીજનો અને નિકટનાં સ્વજનોને છોડીને કોઈ જ પાસે કશી જ માહિતી ઉપલબ્ધ નથી.
                  *****      ******      ******      ******      ******
આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સુરેન્દ્રરાય બાપુરાય મેઢ વિશે. 


મહાત્મા ગાંધીજીના અંતરંગ વર્તુળમાં રહીને એમની સાથે દક્ષિણ આફ્રીકામાં લડતો ચલાવવામાં અને સત્યાગ્રહો કરવામાં સદાયના સાથીદાર એવા સુરેન્દ્રરાય એ સમયમાં ત્યાંના હિંદી સમાજમાં ખુબ જ લોકપ્રિય આગેવાન બની રહેલા. ગાંધીજીના જીવનને લગતા મોટા ભાગના દસ્તાવેજોમાં આ નામ ઉડીને આંખે વળગ્યા કરે છે. ગાંધીજીની આત્મકથામાં, નારાયણ દેસાઈએ તૈયાર કરેલા ગાંધીજીના જીવનના દસ્તાવેજીકરણ – ‘મારું જીવન એ જ મારી વાણી’ – માં, પ્રભુદાસ ગાંધી લિખીત ‘જીવનનું પરોઢ’માં, જવાહરલાલ નેહરુએ લખેલ Discovery of India’માં અને અન્ય કેટલીય જગ્યાએ એક કરતાં વધારે વાર સુરેન્દ્રરાયનો ઉલ્લેખ જોવા મળે છે. વળી આવા ગ્રંથોમાં એમની તસવીરો પણ મળી આવે છે. સામે પક્ષે એમના અંગત/કૌટુંબિક જીવનના મહત્વના પડાવોની તવારીખ માટે હાલમાં કોઈ જ દસ્તાવેજો ઉપલબ્ધ નથી. બીજું તો ઠીક, એમનાં વારસો પાસે એમની એકાદી તસવીર પણ નથી સચવાઈ. હા, એમનાં એકમાત્ર સંતાન એવાં એમનાં પૂત્રી પાસે ગાંધીજીએ એમની ઉપર લખેલા કેટલાક પત્રો થોકડી સ્વરૂપે સચવાયેલા હતા. એમાંના મોટા ભાગના પત્રો પણ ક્યાં ગતિ કરી ગયા કોણ જાણે, પણ છેવટે ત્રણેક પત્રો હાથવગા રહ્યા હતા. ગાલિબનો પેલો શેર* યાદ આવી જાય એમ, બાદ મરનેકે સુરેન્દ્રરાયકે, (ગાંધીજીકે) ચન્દ ખુતુત, બસ ઘરસે યેહ સામાં નીકલા! એક જમાનાનું આવું સન્માનનીય વ્યક્તિત્વ એકાકી અવસ્થામાં દિવસો વિતાવી રહ્યું હતું એની જાણ એમના ખાડીયામાં આવેલા નિવાસસ્થાનની આસપાસની પોળોના મોટા ભાગના રહેવાસીઓને પણ ન હતી અને જેને જાણ હતી, એને આ ઠરતા ચાલેલા દીવાની કોઈ દરકાર ન હતી.

ઉપર જણાવ્યું એમ સુરેન્દ્રરાયના દક્ષિણ આફ્રીકાના નિવાસ દરમિયાનના જાહેર જીવનને માટે પુષ્કળ સંદર્ભો મળી રહે છે. પણ ત્યાંના કે દેશમાંના તેઓના અંગત કે કૌટુંબિક જીવનની માહિતી મેળવવી એ ધૂળમાંથી સુવર્ણરજ કાઢવા સમાન બની રહ્યું છે. આથી કેટલાંક પ્રકાશનોમાંથી એમના જાહેર જીવન બાબતે અને આધારભૂત વ્યક્તિગત સ્રોતોમાંથી સુરેન્દ્રરાયના વ્યક્તિત્વ ઉપરાંત કૌટુંબિક તેમ જ સામાજિક સંબંધો વિશે મેળવેલી માહિતી વડે એમનું વ્યક્તિચિત્ર ઉપસાવવાની કોશિશ કરી છે.

સને ૧૮૫૮માં અમદાવાદમાં મનવંતીબહેન અને બાપુરાય મેઢના દામ્પત્યજીવન દરમિયાન જન્મેલા સુરેન્દ્રરાય આ દંપતિનાં સાત સંતાનોમાંના એક હતા. દેવીબહેન, પુણ્યવંતીબહેન અને શાંતીબહેન એમ ત્રણ બહેનો તથા જીતેન્દ્ર, સુરેન્દ્ર, ઈન્દ્ર અને નરેન્દ્ર એમ ચાર ભાઈઓમાં સુરેન્દ્રરાય ત્રીજા ક્રમાંકે હતા. એમના પિતા બાપુરાય કાઠીયાવાડી રાજ્યોની દિવાનગીરીમાં કાર્યરત હતા અને એક કરતાં વધુ રજવાડાંઓમાં સેવા આપી ચૂકેલા. બાપુરાયની નિષ્ઠા અને કાર્યક્ષમતાથી ખુશ થઈને એ સમયે અમદાવાદ જીલ્લા (હાલ સુરેન્દ્રનગર જીલ્લા)માં સમાવિષ્ટ રજવાડા ખારાઘોડાના રાજ્યકર્તાઓએ આ કુટુંબને બક્ષિસમાં ત્યાં જમીન આપી હતી. વળી વર્ષાસન રૂપે ચોક્કસ રકમ પણ બાંધી આપી હતી અને આ ઓછું હોય એમ કોઈ પણ એક સમયે એમના કુટુંબનાં ચાર સભ્યોને એ રાજ્યની નોકરીમાં રાખવાની બાહેંધરી પણ આપી હતી. આમ, એ જમાનાનાં ધારાધોરણો મુજબ એમનું કુટુંબ ‘ખાતું પીતું’ હતું. નાની વયથી જ સુરેન્દ્રરાય ખડતલ શારિરીક બાંધો અને મજબૂત મનોબળ ધરાવતા હતા. યુવાની આવતાં સુધીમાં કોઈ અકળ કારણોસર એક વિશિષ્ટ પ્રકારનું વિદ્રોહીપણું એમના વ્યક્તિત્વનો ભાગ બની ગયું.

એમના વિદ્યાભ્યાસ બાબતે ઝાઝી વિગતો મળતી નથી. વળી સને ૧૮૯૮માં એટલે કે ૨૦ વરસની ઉમરે તેમણે દક્ષિણ આફ્રીકાનું વહાણ પકડ્યું એ પરથી ખ્યાલ આવી શકે કે વધુમાં વધુ સુરેન્દ્રરાયે મેટ્રીક પાસ કરી હશે અને કદાચ કૉલેજનું એકાદું વરસ કાઢ્યું હોય! એમના અન્ય ભાઈઓ ચોક્કસ વધુ સારું ભણ્યા હશે કારણ કે એ ત્રણેય સરકારી નોકરીમાં જોડાયા હતા. આમના અલગારી વ્યક્તિત્વના પૂરાવાઓ કુટુંબીજનોને મળવા લાગ્યા જ હતા, એવામાં એ સ્વતંત્ર નિર્ણય લઈ, પરદેશ જતા રહ્યા. આ માટે એમને કોણે પ્રેરણા આપી કે કોણે મદદ કરી, એના કોઈ જ આસાર મળતા નથી. વળી ત્યાં જવા પાછળ એમનો શો ઉદ્દેશ હતો એ બાબતે પણ કોઈ માહિતી નથી મળતી. હા, એવી ધારણા કરી શકાય કે એમને સાંસારિક બંધનોમાં બંધાવું ન હતું અને એ માટેનો શ્રેષ્ઠ રસ્તો એમને પરદેશ જતા રહેવાનો લાગ્યો હોય. ખેર, ત્યાં પહોંચ્યા પછી પણ શરૂઆતના ગાળામાં એ ક્યાં રહ્યા કે ત્યાં ટકી રહેવા માટે શું કર્યું, એ કલ્પનાનો જ વિષય છે. માતા પિતા સાથે પત્રવ્યવહારથી જોડાયેલા રહ્યા હશે પણ એ માટેના આધારો મળતા નથી.

એ દક્ષિણ આફ્રીકામાં ગાંધીજીના સંપર્કમાં ક્યારે આવ્યા, શી ખબર પણ  એ એમના જીવનનો સુખદ અકસ્માત ગણવો રહ્યો. મૂળભૂત રીતે અલગારી સ્વભાવ અને અન્યો માટે શક્ય એટલું ઘસાઈ છૂટવાની એમની વૃત્તિને યોગ્ય માર્ગ મળી ગયો. માણસપારખુ ગાંધીજીએ એમના આ સદગુણો પારખ્યા અને એ ઉપરાંત એમનો મજબૂત શારિરીક બાંધો તેમ જ પોતાની માન્યતાઓમાંથી સહેલાઈથી વિચલીત નહીં થવાની એમની લાક્ષણીકતા તે સમયની ત્યાંની ગોરી સરકાર સામે લડવામાં ખુબ જ ઉપયોગી નીવડે એ ગાંધીજીએ જાણી લીધું. આ ઉપરાંત એમની પ્રામાણિકતા, નિષ્ઠા અને અસાધારણ બુધ્ધિમતા વડે સુરેન્દ્રરાય બહુ ઝડપથી ગાંધીજીથી ખુબ જ નિકટ આવી ગયા અને એમના અંતરંગ વર્તૂળમાં ભળી ગયા. આવા જ સમયગાળામાં એમણે આજીવન અપરિગ્રહ અને બ્રહ્મચર્યનું પાલન કરી, સાંસારિક માયાજાળમાં લપેટાયા વિના સમાજસેવાને સમર્પિત થઈ રહેવાનું વ્રત લઈ લીધું હોવું જોઈએ. જ્યારે જ્યારે પણ માતા પિતા એમને દેશમાં પરત થઈ લગન કરી લેવા માટે લખતાં ત્યારે એમણે કોઈને કોઈ રીતે એ વાતને ટાળ્યા જ કરી.

 સને ૧૮૯૯થી ૧૯૦૨ દરમિયાન ચાલેલા બોર-એંગ્લો યુધ્ધના સમયગાળામાં હજી જીવનની પચ્ચીશી પૂરી ન કરનારા સુરેન્દ્રરાયે ઘવાયેલા સૈનિકોને મલમપટ્ટા કરી, જરૂર પડે તો ઉંચકીને અથવા સ્ટ્રેચરમાં સુવડાવીને હોસ્પિટલે પહોંચાડવાની કામગીરી કરી, જે ભારે પ્રશંસા પામી. આનું પરિણામ એ આવ્યું કે સને ૧૯૦૬ના ઝૂલુ બળવા વખતે ગાંધીજીના નેતૃત્વમાં એમણે આ જ પ્રકારની કાર્યવાહિમાં જોડાવાનું આવ્યું. આ વખતે સરકારે ગાંધીજીની મદદ સ્વીકારી હતી અને એમની સાથે જોડાનારા સ્વયંસેવકોને કેટલીક સગવડો તેમ જ ભથ્થું આપવાનું પણ નક્કી કર્યું હતું. ડર્બન ખાતે ગાંધીજી સહિત કુલ ૨૦ જણાની પસંદગી થઈ હતી. એ લોકોને એક અરસા સુધી તાલિમ આપવામાં આવી અને તા.૨૨/૦૬/૧૯૦૬ની સવારે એ ટૂકડી ડરબનથી સ્ટેન્ગર નામના સ્થળે જવા રવાના થઈ. એમાં ગાંધીજીને સાર્જન્ટ મેજર અને સુરેન્દ્રરાયને સાર્જન્ટની પદવી આપવામાં આવી હતી. ખુબ જ નિષ્ઠાથી કામગીરી પૂરી કરીને આ ટૂકડી જ્યારે સ્ટેન્ગરથી પાછી ડરબન જવા નીકળી, ત્યારે રસ્તામાં ઠેરઠેર લોકોએ એ સેવકોનું સ્વાગત અને સન્માન કર્યું હતું. આવી મહત્વની કામગીરી કરવા ઉપરાંત સુરેન્દ્રરાય કોઈ ને કોઈ રીતે શોષિતોના હક્કની લડાઈઓ લડવામાં તો ખરા જ, સાથે સાથે અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી માટે એક સમર્પિત સાથીદાર તરીકે ઉપલબ્ધ રહેતા હતા.
બેઠેલાઓમાં છેક ડાબે મેઢ, વચ્ચે ગાંધીજી
 
ગાંધીજી સ્વામી વિવેકાનંદની વિચારસરણી વડે ખાસ્સા પ્રભાવિત હતા. સ્વામીજી કહેતા કે યુવાનોએ શારિરીક ક્ષમતા કેળવવા અને એને ટકાવી રાખવા માટે કસરત ઉપરાંત વિવિધ રમતગમતોનો આશરો લેવો જોઈએ. ગાંધીજીએ આ વાતને પોતાના સાથીદારો પાસે મૂકી. એ સમયે દક્ષિણ આફ્રીકામાં ફૂટબોલની રમત ખાસ્સી લોકપ્રિય હતી અને તેથી ગાંધીજીએ સુરેન્દ્રરાય જેવા સહયોગીઓની મદદથી સને ૧૯૦૪માં જોહાનીસબર્ગમાં ‘પેસીવ રેઝીસ્ટર્સ’ નામે એક ફૂટબોલ ક્લબની સ્થાપના કરી. 


સુરેન્દ્રરાય પોતે એક સારા ખેલાડી નીવડ્યા. આ ક્લબના ખેલાડીઓ કોઈને કોઈ રીતે સરકારના દમનનો ભોગ બનેલા હતા અને તેથી મજાકમાં કહેવાતું કે ફૂટ્બોલને પડતી પ્રત્યેક લાત સરકારની અન્યાયી નિતીઓને મારવામાં આવતી હતી. આવા જ અરસામાં સુરેન્દ્રરાય ગાંધીજીના અંતેવાસી સમાન બની ગયા. ગાંધીજી થોડો થોડો સમય ફીનીક્સ આશ્રમમાં અને ટોલ્સટોય ફાર્મમાં રહેતા હતા. સુરેન્દ્રરાય એમની સાથે જ ફરતા રહેતા અને જે તે જગ્યાએ ગાંધીજી સોંપે તે પ્રવૃત્તિ કરતા રહેતા હતા. ખાસ કરીને ટોલ્સટોય ફાર્મમાં રહેતા સત્યાગ્રહીઓનાં બાળકો માટે ગાંધીજીએ આશ્રમશાળાની વ્યવસ્થા કરી હતી એમાં સુરેન્દ્રરાયે બહુ જ ખંતથી ભણાવવાનું કાર્ય લાંબા સમય સુધી કર્યું. આ વાતની પ્રતિતી ગાંધીજીએ એમને સેવાકાર્યો અને કક્ક માટેનાં સત્યાગ્રહો અને લડતો માટે આર્થિક ટેકો કરનારા રતન ટાટાને તા. ૦૧/૦૪/૧૯૧૨ના રોજ લખેલા પત્ર વડે થાય છે. ગાંધીજી લખે છે, “કદાચ લડતનું સૌથી ઉપયોગી બળ તે ફાર્મમાં સ્થપાયેલી નિશાળ છે. અત્યાર સુધી બે અડગ સત્યાગ્રહી, સર્વશ્રી મેઢ અને દેસાઈની મદદથી ચલાવું છું.” સાથે સાથે ત્યાંના પ્રકાશન ‘ઈન્ડીઅન ઓપીનીઅન’ને માટે દરેક કક્ષાએ સેવા આપી  હતી.

સને ૧૯૦૮માં ત્યાંની સરકારના કેટલાક અમાનૂષી કાયદાઓ સામે પ્રતિકાર કરતા સત્યાગ્રહીઓને તડીપાર કરવામાં આવ્યા હતા. આના વિરોધમાં યોજાયેલી ‘ટ્રાન્સવાલ કૂચ’માં તેઓ મોખરાની હરોળમાં હતા અને એ કૂચના સફળ સંચાલનમાં આગેવાની લીધી હતી. આ અને આવા અન્ય દેખાવોમાં જોડાઈને એમણે બધું મળીને અગિયાર વખત જેલવાસ વેઠ્યો હતો. વળી આવા જેલવાસ દરમિયાન બે વાર આઠ આઠ દિવસના ઉપવાસ પણ કર્યા હતા. આ બધી ગતિવિધીથી એ ગાંધીજીના કેટલા સ્નેહભાજન બની રહ્યા હશે એ બે ઉદાહરણોથી પ્રતિપાદિત થાય છે. સને ૧૯૧૧માં જ્યારે ગાંધીજીએ પોતાના પુIત્ર હરિલાલને બારિસ્ટરી ભણવા માટે પરદેશ જવાની સગવડ ન અપાવી અને એ શિષ્યવૃત્તિ અન્ય કોઈને ફાળવી આપવાનો આગ્રહ રાખ્યો ત્યારે એમનો તર્ક એ હતો કે પોતાના અંગતને લાભ અપાવવો એ નૈતિક ન હતું. આ બાબતે પારાવાર મનદુ:ખ લઈ, હરિલાલ ગૃહત્યાગ કરી ગયા. એ સમયે સુરેન્દ્રરાયે પારાવાર રખડપટ્ટી કરી, હરિલાલના સગડ મેળવી, એમના ખબર ગાંધીજીને આપી ને  એમને શાતા પહોંચાડી હતી. એ પછી ગાંધીજી હરિલાલને પત્ર લખ્યો હતો, જેનું એક વાક્ય બહુ સૂચક છે....”હું મેઢને બારીસ્ટર થવામાં ઉત્તેજન ન આપું, તો તમને શેં આપું?” આ વાક્ય પરથી બે તારણો નીકળી શકે છે. એક તો એ કે ગાંધીજી મેઢને પોતાના એટલા અંગત ગણવા લાગ્યા હતા કે જેમ હરિલાલને તે જ રીતે તેઓ મેઢને પણ કોઈ વિશેષ લાભ આપવા ઈચ્છતા નહોતા. વળી સુરેન્દ્રરાય ગાંધીજીના અન્ય દીકરા મણિલાલના ગાઢ મિત્ર બની ગયા  હતા. આથી એમનાથી દસેક વર્ષે મોટા ગાંધીજી એમને પુત્રવત ગણતા હશે. બીજું તારણ એ મળે છે કે સુરેન્દ્રરાય ભારતથી નીકળતાં પહેલાં કમસે કમ મેટ્રીકની પરીક્ષા સફળતાથી પસાર કરીને જ નીકળ્યા હોવા જોઈએ, અન્યથા ગાંધીજીએ એમના નામનો બારીસ્ટરી ભણવા માટે ક્ષણભર પણ વિચાર ન કર્યો હોત.  

 સને ૧૯૧૦ના ઑક્ટોબર મહિનામાં સુરેન્દ્રરાય એક સત્યાગ્રહના કાર્યક્રમમાં રોકાયેલા હતા, એવામાં એમની ઉપર એમના પિતાનો પત્ર આવી પડ્યો. આ પત્ર બહુ દારૂણ ખબર લઈને આવ્યો હતો. એમની એક બહેન ત્રણ નાનાં બાળકોને મૂકીને અવસાન પામી હતી. આવા કપરા સંજોગોમાં પુત્ર પોતાની સાથે આવીને થોડો સમય ગુજારે એવી અપેક્ષા સ્વાભાવિક રીતે જ મા બાપની હોય. પણ સુરેન્દ્રરાય કલાકો સુધી રડીને આવો કારમો ઘા પચાવી ગયા અને પાછા ‘જેલ ભરો’ આંદોલનમાં જોડાઈ ગયા. સને ૧૯૧૨માં ગાંધીજીના કહેવાથી એ થોડા સમય માટે અમદાવાદ જવા નીકળ્યા ત્યારે એમને માટે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ગાંધીજીએ ભાવસભર પ્રવચન કર્યું હતું. એ જ અરસામાં ગાંધીજીએ હેનરી પોલોકને લખેલા એક પત્રમાં નીચે મુજબ લખાણ છે, “મેઢ બહાદુર માણસ છે, બીજાઓએ એમનો દાખલો લેવાની જરૂર છે”. શક્ય છે કે જે રીતે મેઢ પોતાના કુટુંબમાં સર્જાયેલી કરુણ ઘટનાને જીરવી જઈ, સત્યાગ્રહની લડતમાં ટકી રહ્યા એ જોઈને ગાંધીજી આવું લખવા પ્રેરાયા હોય.

ખેર, એ અમદાવાદમાં રોકાયા એ દરમિયાન એમણે કૌટુંબિક બાબતોમાં જરૂરી રસ લઈ, માતા પિતાના દુ:ખને હળવું કરવા પ્રયત્ન કર્યો હતો. પણ એ બન્નેની અપેક્ષા ૩૫ વરસનો થવા આવેલો દીકરો પોતાનો સંસાર માંડી લે અને પછી એ જવાબદારી સહિત અન્ય જે પ્રવૃત્તિ કરવી હોય તે કરે એવી હતી. આથી આ બાબતની ચર્ચા વારંવાર થયા કરતી હશે. આ બાબતે એમણે અમદાવાદમાં રહ્યે રહ્યે ગાંધીજીને પત્રો લખી, પોતાની વ્યથા વ્યક્ત કરી હશે કારણકે એ જ સમયગાળા દરમિયાન ગાંધીજી એમના પરિચીત વર્તૂળમાં એવું કહેતા નોંધાયા છે કે મેઢને એમનાં મા બાપ સંસારમાં પરોવીને જ જંપશે. જો કે એવું કંઈ બને એ પહેલાં તો સુરેન્દ્રરાય પાછા દક્ષિણ આફ્રીકા ગાંધીજી પાસે પહોંચી ગયા. સને ૧૯૧૩માં એક આશ્ચર્યજનક કાર્યક્રમના ભાગરૂપે એમણે ફળોના વેપારીનો પાઠ ભજવ્યો! એક હાથલારીમાં ફળો ભરી, એ લારીને ઠેલતા ઠેલતા જોહાનીસબર્ગની કૉર્ટના મુખ્ય દરવાજા પાસે ઉભી કરી દીધી. આમ કરવામાં એમનો હેતુ કૉર્ટના કામમાં દખલ ઉભી કરવાનો અને એમ કરીને ધરપકડ વ્હોરી લેવાનો હતો. જો કે આ વખતે એમનો હેતુ બર ન આવ્યો. એમને પકડવામાં ન આવ્યા અને આખરે સાંજ સુધી ત્યાં ઉભા રહ્યા પછી લારી લઈને પાછા ગયા.

સને ૧૯૧૫ના ફેબ્રુઆરી મહિનામાં ગાંધીજી ભારત આવ્યા. હવે એમને પોતે દક્ષિણ આફ્રીકામાં સફળતાપૂર્વક ઉપયોગે લીધેલાં શસ્ત્રો - સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ - વડે ભારતમાંના અંગ્રેજી શાસન સામે લડત ચલાવવી હતી. આની પૂર્વતૈયારી રૂપે સુરેન્દ્રરાય ગાંધીજીથી અગાઉ અમદાવાદ પહોંચી ગયા. ગાંધીજી પહેલી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ આવ્યા અને બીજી ફેબ્રુઆરીએ એમણે સુરેન્દ્રરાયના આકાશેઠની પોળના મકાનના ઓટલા ઉપરથી સૌ પ્રથમ વાર ઐતિહાસિક ભાષણ આપ્યું હતું.
 એ ભાષણમાં ગાંધીજીએ કહ્યું હતું, “મારી સત્યાગ્રહની લડત ચલાવવામાં અને દુ:ખ ભોગવનાર અત્રેના જ વતની મિ. સુરેન્દ્રરાય મેઢ હતા દક્ષિણ આફ્રીકામાં મેં જે કાંઈ પણ કર્યું તે માટે મારું સન્માન નહીં પણ મેઢનું  કરવું જોઈએ”.


એ રાતનું ભોજન પણ એમણે સુરેન્દ્રરાયના ઘરે જ લીધું હતું. ભારતમાં રહીને કામ કરવાનો ઈરાદો ધરાવતા ગાંધીજી હવે દક્ષિણ આફ્રીકા જવાના ન હતા. ત્યાંનું બધું કાર્ય સુપેરે ચાલ્યા કરે એની વ્યવસ્થા એ ગોઠવીને આવ્યા હતા.  એ યોજનાના ભાગ રૂપે સુરેન્દ્રરાય પાછા ગયા અને ત્યાંના ટોલ્સટોય ફાર્મમાં ચાલતી અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં ફાળો આપવાનું ચાલુ રાખ્યું. કાળક્રમે વધુ ને વધુ વૃધ્ધ તેમ જ નિર્બળ થતાં જતાં માબાપનું ધ્યાન રાખવા માટે તો અન્ય ત્રણ દીકરાઓ અને ત્રણ દીકરીઓ પોતપોતાનાં જીવનસાથીઓ સહિત ઉપલબ્ધ હતાં જ પણ એ વૃધ્ધજનોને પોતાના આ અલગારી દીકરાની ચિંતા સતત સતાવ્યા કરતી હતી. આથી એ લોકો જ્યારે અને ત્યારે સુરેન્દ્રરાય ઉપર પોતાનો સંસાર વસાવી લેવા માટે લાગણીસભર દબાણ કર્યા કરતાં હતાં. આખરે સને ૧૯૧૮માં ૪૦ વરસના સુરેન્દ્રરાય ભારત આવ્યા અને લગ્નગાંઠે બંધાયા. એમનાં પત્નિ શશીકળાગૌરી સુરતનાં હતાં સ્વાભાવિક રીતે જ બન્નેની ઉમરમાં બહુ મોટો તફાવત રહ્યો હશે.

અત્યાર સુધી મહદ્ અંશે એક આદર્શ સત્યાગ્રહી, નિષ્ઠાવાન લોક્સેવક, અક્ષુણ્ણ ચારિત્રધારી, અપરિગ્રહી અને ગાંધીજીના સમર્પિત સાથીદાર સુરેન્દ્રરાયના જાહેર જીવન વિશે વાત થઈ છે. હવે એમના અંગત તેમજ કૌટુંબિક જીવનની વાત માંડીએ. અગાઉ ઉલ્લેખ થયા મુજબ નાની વયથી જ સ્વતંત્ર વિચારસરણી અને અલગારી સ્વભાવ  ધરાવનારા સુરેન્દ્રરાય યુવાવસ્થાના શરૂઆતના દોરમાં જ પરદેશ ચાલ્યા ગયા. એકદમ આદર્શવાદી માનસિકતા સાથે પુખ્ત થતા જતા એમને ગાંધીજી જેવા યુગપુરૂષ સાથે રહેવાનો મોકો સાંપડ્યો. એ સમજી શકાય એમ છે કે સામાન્ય સાંસારીક માણસ અને ગાંધીજી સાથે આશ્રમજીવન જીવી રહેલા માણસના આચાર અને ખાસ તો વિચારમાં આસમાન જમીનનો તફાવત હોય. વળી કોઈ પણ પ્રકારની સાંસારીક જવાબદારીઓ વગર માત્ર અને માત્ર જાહેર કાર્યો જ કરવાનાં હોય અને સતત પોતાને અને અન્યોને થતા અન્યાયો સામે લડતા રહેવાનું હોય, એવા સંજોગોમાં યુવાની વટાવી ચૂકેલા સુરેન્દ્રરાય જ્યારે લગ્નજીવનમાં પ્રવેશ્યા ત્યારે એમની સમાધાન કરવાની વૃત્તિઓ લગભગ નિર્મૂળ થઈ ચૂકી હશે. મૂળ તો કમને જ સંસારમાં દાખલ થયેલા અને એ પગલાને લીધે પોતાની બે પ્રતિજ્ઞાઓ – બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - સાથે સમાધાન કરવું એમના માટે અઘરું બની રહ્યું હશે. બીજી તરફ એમનાં પત્નિ સુરતના એ જમાનાના સુખી કુટુંબનાં દીકરી હતાં. તે ખુબ જ દેખાવડાં હતાં. આજથી બરાબર એક શતક પહેલાંનાં સુરતીઓ અમદાવાદીઓની સરખામણીએ વધુ આધુનિક હતાં અને નાની વયે મા ગુમાવી બેઠેલાં શશીકળાને કુટુંબીજનોએ ખુબ જ લાડપ્યારથી ઉછેર્યાં હતાં. લાક્ષણિક સુરતી લહેરીપણું એમના સાસરામાં પણ છતું થવા લાગ્યું. એમનાં સાસરીપક્ષનાં સભ્યો એકદમ રૂઢીચુસ્ત હતાં, જ્યાં ઘરની સ્ત્રીઓએ માથે ઓઢી રાખવું ફરજીયાત હતું. વડીલોની હાજરીમાં પતિ પત્નિને સાથે ઉભાં રહેવાની પણ છૂટ ન હતી. એ જ રીતે સ્ત્રીઓને ઘરમાં વડીલો હોય ત્યારે એકદમ ધીમા અવાજે અને એ પણ અનિવાર્ય હોય તો જ બોલવાનો ધારો હતો. આ બધાથી અજાણ શશીકળા તો મોટાંઓની કોઈ જ પરવા રાખ્યા વિના મોટા અવાજે ગીતો ગાવાં, સૌની હાજરીમાં હિંચકે બેસી, પાન ખાવાં અને અન્ય એવી એવી પ્રવૃત્તિઓ કરતાં, જે બાબત આ કુટુંબનાં નાનાં મોટાં સૌ સભ્યો માટે આંચકારૂપ અને સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતી. ઘરકામમાં પણ એમનું ઝાઝું ચિત્ત ન રહેતું. અલબત્ત, આને એમની જબરાઈ કરતાં નિર્દોષતા ઠેરાવવી વધુ વ્યાજબી ગણાશે.
આ દંપતીની વચ્ચેના ઉમરના, સ્વભાવના, સમજણના અને વર્તનના તફાવતોને પરિણામે એ બન્ને વચ્ચે સાયુજ્ય કેળવાય એ સમય માંગી લેનારી બાબત હતી. પણ એ માટેના પ્રયત્નો કર્યા વિના સુરેન્દ્રરાય ઘરમાં નવી નવી આવેલી પત્નિને મૂકીને પાછા દક્ષિણ આફ્રીકા ચાલ્યા ગયા. પાછળ રહી ગયેલાં શશીકળાને સાસરામાં ગોઠવાવાનું વધુને વધુ અઘરું બનતું ચાલ્યું. શ્વસૂરપક્ષનાં કેટલાંક સભ્યોએ એમને કુટુંબની મુખ્ય ધારામાં વાળવાના પ્રયત્નો કરી જોયા પણ એનાથી ઝાઝો ફેર ન પડ્યો. આખરે મહેણાં ટોણાં અને વઢામણનો દોર શરૂ થયો. આને લીધે એ ધીમે ધીમે હતાશામાં ડૂબવા લાગ્યાં. વચ્ચે વચ્ચે સુરેન્દ્રરાય આવે ત્યારે પણ પરિસ્થિતી લગભગ એવી જ રહેતી. ત્રણ વર્ષના તૂટક તૂટક લગ્નજીવનમાં બે બાળકો થયાં, જેમાંનું એક તો એકાદ મહિનામાં જ અવસાન પામ્યું. સને ૧૯૨૧માં પૂત્રીનો જન્મ થયો અને એ પછી થોડા જ સમયગાળામાં શશીકળાગૌરીની માનસીક સમતુલા જોખમાઈ રહી હોવાનો સૌને ખ્યાલ આવવા લાગ્યો. અગાઉથી ચાલી આવતી હતાશા અને અત્યારનું મેડીકલ વિજ્ઞાન જેને Postpartum Syndrome – પ્રસૂતીપશ્ચાતની હતાશા – તરીકે ઓળખે છે એ બન્નેની અસર હેઠળ એ પાગલપનને આરે પહોંચી ગયાં. જો કે આવી હાલતમાં ય સુરેન્દ્રરાય તો પત્નિને અને નાની દીકરીને મૂકીને દક્ષિણ આફ્રીકા જતા રહ્યા!
પત્નિ શશિકળા અને પુત્રી રશ્મીબાળા સાથે

હવે જે બે પાત્રોની વાત આવે છે તે હતાં સુરેન્દ્રરાયનાં બહેન શાંતિબહેન અને એમના પતિ દિનકરરાય ધ્રુવ. આ દંપતિએ અત્યંત પ્રેમ અને ધીરજથી કોઈ જ અપેક્ષા વિના સાવ સુનમુન બેસી રહેતાં શશીકળા અને એમની નાનકડી દીકરી રશ્મિબાળાને અપનાવી લીધાં. સુરેન્દ્રરાય પત્રોથી સંપર્ક જાળવી રાખતા હતા અને બેત્રણ વર્ષે આંટો આવી પણ જતા હતા. પોતાની સાંસારીક જવાબદારીઓ ઉભી થઈ હોવા છતાં એમની ઓલિયાગીરીમાં બદલાવ આવ્યો નહતો. હજી એ આફ્રીકામાં આર્થિક ઉપાર્જન કર્યા કરતાં વધુ સમય લોકોપયોગી કાર્યો માટે ખર્ચતા હતા. જો કે ત્યાંથી જ્યારે કોઈ પરિચીત અમદાવાદ આવે ત્યારે જે થોડી ઘણી બચત થઈ હોય એ બહેનને મોકલી આપતા. એ જ રીતે પોતે આવે ત્યારેય રોકડ બહેનના હાથમાં મૂકીને જતા. કેટલીક વાર સોનાની ગીનીઓ પણ આપી જતા. એમનાં આ ઉદારચરિત બહેન અને બનેવીએ સંપૂર્ણપણે બિનકાર્યક્ષમ ભાભીને સાચવ્યાં અને ભત્રીજીને જાતની દીકરી જેમ જ ઉછેરી. પોતાનાં પાંચ સંતાનો સાથે એ દીકરીનો ઉછેર એવો કર્યો કે એ બે ભાઈઓ અને ત્રણ બહેનો વત્તા રશ્મિબાળાની ત્રણ ત્રણ પેઢી સુધી એવો ને એવો ઉષ્માભર્યો સંબંધ ટકી રહ્યો છે. સામાન્ય રીતે આવી રીતે મોસાળમાં બાળકો ઉછરી ગયાં હોવાનાં અનેક ઉદાહરણો મળી આવે, પણ આજથી નેવું વરસ પહેલાંના સમાજમાં એક પુરૂષની અભાન સ્ત્રી અને એની પૂત્રીને એનાં બહેન અને બનેવી વર્ષો સુધી સાચવી લે એવો કદાચ આ અસાધારણ દાખલો હશે. સુરેન્દ્રરાય જે સોનાની ગીનીઓ આપી જતા એ શાંતિબહેને સાચવી રાખી હતી અને રશ્મિબાળાના લગ્નપ્રસંગે એનો ઉપયોગ કર્યો

સને ૧૯૩૮માં પૂત્રીનાં લગ્ન કરાવવા સુરેન્દ્રરાય જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે એમણે પહેલી વાર પોતાની જવાબદારી સ્વીકારી અને પ્રસંગ પોતાના ઘરેથી ઉજવવાનું નક્કી કર્યું. એ મુજબ વડોદરાના રહેવાસી અને વકિલાતની સનદધારી રઘુવીર ભાનુપ્રસાદ મુન્શી સાથે રશ્મિબાળાનું દામ્પત્ય શરૂ થયું. આ પ્રસંગે ગાંધીજીના દીકરા મણિલાલ ગાંધીએ હાજરી આપી હતી. વળી નવદંપતિને દિલ્હી ફરવા આવવા ઈજન આપ્યું હતું અને એ બન્ને ત્યાં ગયાં ત્યારે એમને ઉતરવાની તેમ જ ફરવાની સોઈ કરાવી આપી હતી. એ પછી હરીપુરા ખાતે આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં પણ એ દંપતિને ગાંધીજીએ બોલાવીને બે દિવસ રાખ્યાં હતાં.

 આ પછી સુરેન્દ્રરાય આફ્રીકા પાછા જતા રહ્યા. એમણે પૂરી સમર્પિતતાથી સને ૧૯૫૦ સુધી ટોલ્સટોય ફાર્મ ઉપર પોતાની સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. એ દરમિયાન જુલાઈ ૧૯૪૫માં ગાંધીજીએ એમને ફિનિક્સ આશ્રમના ટ્રસ્ટીમંડળમાં સ્થાન આપ્યું હતું. આમ, ગાંધીજીની અનઉપસ્થિતીમાં પણ એ ત્યાંની પ્રવૃત્તિઓ ચલાવવામાં રચ્યાપચ્યા રહેતા. વળી એ ગાંધીજીની સૂચનાથી બે વાર થોડો થોડો સમય લંડન પણ ગયા હતા. ત્યાં શી પ્રવૃત્તિ કરી એ બાબતે કોઈ માહિતી મળતી નથી.  ગાંધીજીની હત્યા સમયે સુરેન્દ્રરાય આફ્રીકામાં હતા. એમણે ખાસ સગવડ ઉભી કરી, ગાંધીજીનાં અસ્થિ ત્યાં મંગાવી, એને ત્યાંના રામમંદીરમાં પધરાવ્યાં હતાં. 


આ તબક્કે એ નોંધ લેવી રહી કે શરૂઆતનાં વર્ષોમાં બહેન અને બનેવીએ જેમ એમનાં પત્નિને સાચવ્યાં એમ જ લગ્ન થયા પછીનાં વર્ષોમાં દીકરી અને જમાઈએ સાચવ્યાં હતાં. શશીકળાગૌરીની ઉમર વધવાની સાથે એમની માનસિક અવસ્થા વધુ ને વધુ બગડતી ચાલી. એ સાથે શારિરીક તકલીફો પણ જોડાઈ. એવી બધી જ તકલીફો સાથે પણ એમની સંભાળ કોઈ નાના બાળકની લેવાય એ રીતે લેવાયા કરી. એ રીતે સમગ્ર પરિસ્થિતીને મૂલવતાં કહી શકાય કે એમનું મગજ અસ્થિર ભલે હતું, એમનું ભાગ્ય આજીવન ખુબ જ સ્થિર ટકી રહ્યું!
 સુરેન્દ્રરાય ભારતમાં હોય કે આફ્રીકા, એમને તો પત્નિની કશી દરકાર હતી જ નહીં. એ જ રીતે એમનાં પત્નિ કે દીકરી જમાઈ કે અન્ય કુટુંબીજનોને એમના દેશમાં હોવા કે ન હોવાથી કશો જ ફેર પડતો ન હતો. આ રીતે જોઈએ તો સુરેન્દ્રરાયે પોતાના કુટુંબના ભોગે સમાજસેવાનું ભગીરથ કાર્ય કર્યું એમ કહીએ તો એ સત્યથી બહુ વેગળું ન કહેવાય. કદાચ આ સ્તરના સમાજસેવક માટે એ સ્વાભાવિક હશે, પણ દુન્યવી દ્રષ્ટીએ એ બહુ વ્યવહારૂ અને સ્વીકાર્ય નહતું. એમનો સ્વભાવ એકદમ મનસ્વી અને સ્પષ્ટવક્તા તો હતો જ, ધીમે ધીમે એમાં ગુસ્સો પણ ભળી ગયો હતો. આને કારણે એ અન્ય લોકોની જ નહીં, સ્વજનોની અને કુટુંબીઓની લાગણી જાણ્યે અજાણ્યે ગુમાવી રહ્યા હતા. જો કે ઉમર પણ એનું કામ કરી રહી હતી. ડાયાબીટીસ લાગુ પડ્યાની જાણ આફ્રીકામાં રહ્યે રહ્યે જ થઈ ચૂકી હતી. તદ્દન એકલા રહીને તબિયત સંભાળવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ચાલ્યું. આવા સંજોગોમાં એમને ઘરવાપસીના વિચારો આવવા શરૂ થયા હશે પણ તોયે એમણે ખેંચ્યે રાખ્યું. અગાઉ સને ૧૯૩૬માં એક માર્ગ અકસ્માતમાં એમના એક પગને ખુબ જ નુકસાન પહોંચ્યું હતું.  છેવટે સને ૧૯૫૨માં એ જ પગમાં ડાયાબીટીસની આડઅસરરૂપે Thromboangitis obliterans નામે ઓળખાતી બીમારી લાગુ પડી, એ વકરતી ચાલી અને એમાંથી ગેન્ગ્રીન થઈ, પગ સડવાની અને છેવટે કપાવવાની નોબત આવી.

બસ, જે વસાહતીઓ માટે સુરેન્દ્રરાયે તન, મન અને ધન ખર્ચી નાખ્યાં હતાં એમાંના જ કેટલાકે એમને પહેર્યે કપડે ભારત આવતી સ્ટીમરમાં બેસાડી, એમનાં સ્વજનોને એ બાબતે ટપાલ લખી જાણ કરી દીધી. લગભગ બે મહિનાની દરિયાઈ મુસાફરી પગની પારાવાર પીડા અને અકથ્ય શારિરીક નબળાઈ સાથે વિતાવ્યા પછી એ મુંબઈ પહોંચ્યા ત્યારે એમનાં ભાણેજોએ એમને અમદાવાદ સુધી પહોંચાડવાની કાળજી લીધી હતી. અમદાવાદમાં એમનાં દીકરી જમાઈએ એમને વાડીલાલ સારાભાઈ હોસ્પીટલમાં સારવાર અપાવવાની શરૂ કરી પણ અંતે ગેન્ગ્રીનના સકંજામાં સપડાઈ ગયેલા પગને કાપી નાખવો પડ્યો. બસ, આ અંતની શરૂઆત હતી. આ ઘટના એક ગરુડની પાંખો કપાઈ ગયાથી સહેજેય ઓછી હ્રદયવિદારક નહતી. અત્યાર સુધીની જીંદગીનાં ૭૪ વર્ષ પોતાની શરતોએ જીવી, અન્યો માટે ખરપાઈ ગયેલા સુરેન્દ્રરાયને પંગુતા વેઠવાના દિવસો આવ્યા. હવે જ્યારે એમને કુટુંબ અને સગાં સંબંધીઓ માટે વખત જ વખત હતો ત્યારે એ લોકોની પ્રાથમિકતાઓ બદલાઈ ચૂકી હતી.

હવે એમણે પોતાના નાનાભાઈ અને એમનાં પત્નિની સાથે સ્નેહથી વર્તવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે એમને માથે ઓઢવાની પ્રથા છોડી દેવા અનુરોધ કરતા રહેતા હતા. એટલું જ નહીં, પોતાની સામે હિંચકે બેસાડી, પોતે બનાવેલ પાન ખવડાવતા હતા. કદાચ ચાર દાયકાઓ પહેલાં શશીકળા સાથે જે થયું, એને તો ‘ન થયું’ ન કરી શકાય, પણ આ રીતે એ પોતાનાં વડીલોએ પત્નિને કરેલા અન્યાયનું સાટું વાળી રહ્યા હતા. આ બધા માટે હવે ઘણું મોડું થઈ ગયું હતું. પંગુતાને લીધે પોતાનું બહાર નીકળવું શક્ય નહતું રહ્યું. જૂજ અપવાદોને બાદ કરતાં એમને મળવા કોઈ આવતું પણ નહતું. એમના અંતિમ દિવસોમાં એમને જોનારાંઓ કહે છે કે એ પોતાના મકાનના ઉપરના માળે આવેલી રવેશમાં એકલા અટુલા શૂન્યમાં તાકતા બેસી રહેતા. જીવનનો મોટો હિસ્સો એક યુગપુરૂષની સાથે પરદેશની ધરતી ઉપર રહીને સતત અન્યાયો સામે લડત ચલાવવામાં એમણે જે શારિરીક કષ્ટો વેઠ્યાં એને પોતે ક્યારેય ગણકાર્યાં નહીં પણ હવે એ કષ્ટો તો કોઈ વિસાતમાં નહીં એવી તકલીફો એમના જૈફ શરીરને ઘેરી વળી હતી. ગાંધીજીના સાથીદાર હોવાને નાતે એક જમાનામાં એ જ્યારે અમદાવાદમાં હોતા ત્યારે એમની મુલાકાતો સરદાર વલ્લભભાઈ પટેલ, ઈન્દુલાલ યાજ્ઞિક, ગણેશ માવલંકર, કસ્તુરભાઈ લાલભાઈ અને મંગળદાસ ગિરધરદાસ જેવા મહાનુભાવો સાથે થયા કરતી. એને બદલે હવે એવો સમય આવ્યો કે પોળમાં પસાર થતા કોઈ માણસને પણ ઉંચું જોઈને એમના ‘કેમ છો’નો જવાબ આપવાની દરકાર નહતી રહી.
પથારીવશ સુરેન્દ્રરાય્

સને ૧૯૫૮માં એમનું અવસાન થયું. કુટુંબીજનો પાસે ચોક્કસ તારીખ નથી સચવાઈ, પણ એ દિવસે શિવરાત્રી હતી એ નોંધાયેલું છે. એ રીતે ગણીએ તો એ ફેબ્રુઆરી/માર્ચનો એકાદ દિવસ હશે એમ માની શકાય. ખેર, આ જીવની ઉપરથી એટલું સમજી શકાય કે સમર્પિત અને ભેખધારી સમાજસેવકને માટે પોતાના જાહેર અને અંગત જીવન વચ્ચે સમતુલા જાળવવી લગભગ અશક્ય છે. સુરેન્દ્રરાય મેઢને માતા પિતાએ પરાણે લગ્નના બંધનમાં જોડ્યા ન હોત તો કે પછી સુરેન્દ્રરાયે લગ્નની બેડી સ્વીકાર્યા પછી પત્નિને પ્રેમથી અને આદરથી સ્વીકાર્યાં હોત તો કે પછી એમણે પોતાના આદર્શો અને સિધ્ધાંતો સાથે થોડાં સમાધાનો કર્યાં હોત તો કદાચ એમના જીવનમાં અને ખાસ કરીને એમના અંતમાં કોઈ ફેર પડ્યો હોત? આ બધા ‘જો અને તો’ના ઉત્તર ક્યારેય કોઈનેય મળતા નથી હોતા.
અહીં સુરેન્દ્રરાયના અંગત અને કૌટુંબીક જીવન બાબતે વિશ્વાસપાત્ર રજૂઆત થઈ છે એની પાછળનું કારણ એ છે કે તેઓનાં દીકરીની ચોથા ક્રમની દીકરી આ લખનારની પત્નિ છે. વિશેષમાં, આ લેખ લખવા માટે ઉપર ઉલ્લેખ થયો છે તે શાંતિબહેન અને દિનકરરાયનાં દીકરી અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બાળરોગ વિશેષજ્ઞ ડૉ. અવલોકીતા દેસાઈ (ઉમર ૯૦ વર્ષ)
ડૉ.અવલોકીતા દેસાઈ
અને સુરેન્દ્રરાયના નાનાભાઈ નરેન્દ્રરાયનાં દીકરી અને જાણીતાં સમાજસેવક હર્ષાબહેન મેઢ (ઉમર ૮૬ વર્ષ) 
હર્ષાબહેન મેઢ
પાસેથી અત્યંત આધારભૂત માહિતી મળી છે. એમના જાહેર જીવન બાબતે ઉપયોગે લીધેલા સંદર્ભગ્રંથોની યાદી લેખની શરૂઆતમાં આપી છે.
(*ચન્દ તસવીરેં બૂતાં, ચન્દ હસીનોંકે ખુતુત, બાદ મરનેકે મેરે ઘરસે યેહ સામાં નીકલા....મીરઝા ગાલીબ)







Thursday, 4 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૨)



                                                          જેરામનો ઝપાટો….
સને ૧૯૬૧માં મારા બાપુજીનું પોસ્ટીંગ ગઢડા(સ્વામીનારાયણ) મુકામે થયું. મને ત્યાંની મોહનલાલ મોતીચંદ પ્રાથમિક શાળામાં પ્રવેશ મળી ગયો. તાત્કાલિક ધોરણે જે ભાઈબંધ થયો એ હતો જેરામ (જેરામીયો). આ જેરામીયો મારા જ વર્ગમાં હતો. એના બાપુજી અમારી નિશાળની બહાર લારી ઉભી રાખી, શીંગ, દાળીયા, રેવડી, બોર, કાતરા, આંબલીયા વગેરે ‘ભાગ’ વેચતા. જો કે એમને મોટો વકરો એ ‘ઈનામ’ ખેંચાવતા એમાંથી થતો. પૂંઠાના બોર્ડ ઉપર રંગબેરંગી એવી નાની નાની પડીકીઓ ચોટાડેલી હોય. ત્રણ પૈસા અને પાંચ પૈસા જેવી રકમ ચૂકવવાથી આપણી પસંદગીની કોઈ પણ એક પડીકી ખેંચવાની તક મળે. એ પડીકી ખોલવાની અને એમાં જે લખ્યું હોય તે ઈનામરૂપે મળે. જો કે મોટા ભાગે તો એ પડીકી ખાલી જ નીકળતી. એમ થવાથી હતાશ થઈને પાછા વળતા છોકરાને એ હાથમાં બે દાણા શીંગ મૂકી, બીજે દિવસે ફરીથી નસીબ અજમાવવા માટે આમંત્રણ આપતા. આજના યુગમાં અજમાવાતા માર્કેટીંગના કિમીયાઓની ગંગોત્રી આવા લોકોની કોઠાસૂઝમાંથી જ પ્રગટી હશે.

જો ભૂલેચૂકે કોઈને ઈનામ લાગી જાય તો એના ફળસ્વરૂપે જે બનતું એ ખુબ જ રસપ્રદ છે. જેવો એ છોકરો ઈનામ લઈને હરખભેર નિશાળના પરિસરમાં જાય કે થોડી જ વારમાં જેરામીયો એની પાસે પહોંચી જતો. એનો એક માત્ર મકસદ એ ચીજ પાછી પડાવી લેવાનો રહેતો. શાસ્ત્રોમાં સૂચવાયેલા ચાર પૈકી ‘દંડ’ તરીકે ઓળખાવાયેલો કિમીયો એને સુપેરે હસ્તગત હતો. આ બાબતે એણે એવી તો ઉંચી પ્રતિષ્ઠા અર્જિત કરી રાખી હતી કે મોટા ભાગના કિસ્સામાં ઈનામવિજેતા છોકરો એને મળેલી ચીજ વડે ત્યાં સુધી જ રમી લેતો, જ્યાં સુધી પોતે જેરામની નજરે ન ચડે. જેવા પરસ્પર દ્રષ્ટોદ્રષ્ટ થાય કે એ સામેથી જ એ જેરામને ઈનામ પરત કરી દેતો. આમ કરવાથી જેરામનો સમય અને સામેવાળાનું શરીર એ બન્નેનો બચાવ થતો. આમ જોઈએ તો એટલી નાની ઉમરથી જ જેરામીયાએ પિતાજીના ધંધામાં ખાસ્સી નિષ્ઠાથી મદદ કરવાનું ચાલુ કરી દીધું હતું.

અમે ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે અમારાં વર્ગશિક્ષિકા હતાં તારાબહેન. ખુબ જ ઉત્સાહી અને પ્રેમાળ એવાં તારાબહેન નવાં નવાં ભાવનગરથી બદલાઈ ને ગઢડાની નિશાળમાં જોડાયાં હતાં. તે અભ્યાસક્રમ ઉપરાંત અમને શિષ્ટાચાર અને બોલચાલના પાઠો પણ ભણાવતાં. એક વખત એમની ઝપટે જેરામીયો ચડી ગયો. બલ્કે એમ કહેવું જોઈએ કે જેરામીયાની ઝપટે તારાબહેન ચડી ગયાં! ‘સ’થી શરુ થતો એક શબ્દ બોલવાનો હતો અને જેરામ ત્યાં ‘ચ’ ઉચ્ચાર કરે! તારાબહેન ચિડાઈને કહે, “તે તને ‘સ’ બોલતાં નથી આવડતું?” જેરામે જવાબ આપ્યો, “આવડે સે ને!” એટલે તારાબહેન વધુ ખીજાણાં. કહે, ” ‘સે’ બોલાય? ‘છે’ની જગ્યાએ ‘સે’ બોલતી વેળા તો ‘સ’ બોલતાં આવડે તો સીધેસીધો ‘સ’ કેમ નો આવડે? બોલ, ‘સસલું’.” તો જેરામ બોલ્યો, “ચચલું”! આવી થોડી માથાકૂટ પછી તારાબહેને જેરામને કહ્યું કે બીજે દિવસે એના બાપાને લઈ ને નિશાળે આવે. ‘કલ કરે સો આજ’ના ન્યાયમાં માનતો જેરામીયો એ જ ક્ષણે ક્લાસની બહાર રોકેટની જેમ ભાગ્યો અને બહેન કાંઈ સમજે એ પહેલાં તો એના બાપાને લઈ આવ્યો! એ સમયે નિશાળના પ્રવેશદ્વાર પાસે ભાગની લારી લઈ ને ઉભા રહેલા બાપા જેરામને એકદમ હાથવગા હતા. તારાબહેને એમને ચિરંજીવીના ઉચ્ચારદોષની ફરિયાદ કરી કે ગમ્મે એટલું શીખવાડું છું, આ છોકરો ‘સ’ નથી બોલતો. “તે લે, એમાં ચિયો વાઘ મારવાનો સ?” જેરામસ્ય પિતાજી ઉવાચ. “લે હેઈ જેરામીયા, બોલ તો, ચમચી”. જેરામે ક્ષણના ય વિલંબ વગર ઉચ્ચાર્યું, ‘સમસી’ ! જેરામના ચહેરા ઉપર ગર્વ, એના બાપાના ચહેરા ઉપર આવો રતન સરીખો સુપુત્ર સાંપડ્યાનો હરખ અને તારાબહેનના ચહેરા ઉપરની લાચારી ભળાતાં અમારો વર્ગ હર્ષનાદો કરી ઉઠેલો!

એ પછીના વર્ષે એટલે કે અમારા ચોથા ધોરણના વર્ગમાં અમારા વર્ગશિક્ષક તરીકે મૂકાયા એ સાહેબ તાજા જ જોડાયા હતા. અમારો જેરામ એમની જ્ઞાતિ બાબતની જાણકારી તાત્કાલિક અસરથી મેળવી લાવ્યો અને કોઈ જ છોછ વગર એણે સમગ્ર વિદ્યાર્થીગણમાં એ માહિતી છૂટથી વહેંચી. આમ થતાં એ સાહેબનો ઉલ્લેખ સૌ વિદ્યાર્થીઓ (એમની અનઉપસ્થિતીમાં, અલબત્ત!) એમની જ્ઞાતિ વિશેના સહેજેય વિવેક/સુરૂચીપૂર્ણ નહીં બલ્કે અપમાનજનક એવા શબ્દપ્રયોગ વડે જ કરવા લાગ્યા. સાહેબ યુવાન તેમજ ઉત્સાહી હતા અને આજથી ચોપન પંચાવન વરસ અગાઉનાં ધારાધોરણો મુજબ વર્ગમાં શિસ્ત બરકરાર રાખવા માટે જરૂરી માનવામાં આવતા એવા શાબ્દિક ધાકધમકી તેમજ શારીરીક ઉત્પીડનના સઘળા પ્રયોગો સારી પેઠે કરી જાણતા. એનું પ્રાયોગીક નિદર્શન એ વખતોવખત આપતા પણ રહેતા. એ જ્યારે વર્ગમાં પ્રવેશે ત્યારે અમે તોફાનો કરતા જ હશું એવી પૂર્વધારણા સહીત જ આવતા. બારણામાં પ્રવેશતાં જ “એય્ય્ય્ય્ય, બધા સખણીના રહેજો” એવો ચેતવણીનો નાદ પોકારતા. એની ભારે અસર થતી અને મોટા ભાગના અમે વાર્ષિક ઈન્સ્પેક્શન આવે ત્યારે હોઈએ એટલા ડાહ્યા બની જતા. તેમ છતાંયે સાહેબ એકાદ બેને ગણીતના આકસ્મિકતાના સિધ્ધાંત મુજબ પસંદ કરી, થોડી થોડે ‘પરશાદી’ ચખાડી દેતા, જેથી બાકીનાઓ શુન્યમનસ્ક બની જતા અને આમ વર્ગમાં શાંતિ સ્થપાયેલી રહેતી. એ કળિયુગી જમાનામાં આ બધું અતિ સામાન્ય ગણાતું. આજના જેવી નવજાગૃતિનો એ સમયગાળો હોત તો તો મા-બાપ, વાલીમંડળ અને વિદ્યાર્થીનેતાઓ ભેગાં મળીને આવી બાબતે હોબાળો મચાવી દેતાં હોત અને સંચારમાધ્યમોના પ્રતિનિધીઓ એ ઘટનાને ‘બાળમાનસ ઉપર ક્રૂર શિક્ષક દ્વારા થયેલા અત્યાચાર’ તરીકે ખપાવી, નકલોનો ફેલાવો અને કાર્યક્રમના ટીઆરપી મૂલ્યમાં ધરખમ વધારો કરી શક્યા હોત. ખેર, જેવાં એ પેઢીના વિદ્યાર્થીઓનાં નસીબ!

અમારામાંના કોઈ કોઈ તો એમના વડે અજમાવાતી આવી પ્રવૃત્તિઓનો ભોગ ન બનવા માટે વર્ગમાં ‘સખણીના’ રહેવા ઉપરાંત અન્ય ઉપાયો પણ પ્રયોજતા રહેતા. ભટૂર નામનો એક છોકરો રોજ રીસેસમાં ઘરે જઈ, એમને માટે નાની બોઘરણી ભરીને તાજી છાશ લઈ આવતો અને એના બદલામાં કોકકોકવાર ‘લેશન’ કરી લાવવાનું ભૂલી જાય, ત્યારે એ બાબતે સાહેબ એને જવા દેતા. વળી એ તાડનલાભથી પણ કાયમી ધોરણે વંચિત રહેવા પામતો. અન્ય કેટલાકો એક યા બીજી યુક્તિ/પ્રયુક્તિ વડે આવું સુરક્ષિત કવચ મેળવવા સફળ થયા હતા. જેમકે મને મારા બાપુજી બેંક મેનેજર હોવાનો ફાયદો આપોઆપ મળ્યો હતો. આ વસ્તુસ્થિતી જેરામીયાને બહુ ખટકતી પણ એ લાચાર હતો – સાહેબને થોડા બાપાની લારીએ ઈનામ ખેંચવા લઈ જવાય? આથી એ સાહેબના વાંકમાં ન અવાય એનું પૂરતું ધ્યાન રાખતો હતો પણ એના મનમાં છૂપો અસંતોષ ભડભડતો રહેતો હતો.

એકવાર કોઈ કારણસર એ સાહેબની ઝપટે ચડી ગયો. એમણે એને પોતાની પાસે બોલાવી, બે અડબોથ લગાવી દીધી. આ ભેગો જેરામ વિફર્યો. એ ભટૂરને ઉદ્દેશીને બોલ્યો, “એલા ભટૂરીયા, કાલ્યથી આ(અત્યંત અપમાનજનક જ્ઞાતિવિષયક પ્રયોગ)ની હાટુ(માટે) સાશ્ય (છાશ) લાવ્યો સો ને, તો તને સમશાનની જોગણી પુગે.” હવે વિફરવાનો વારો અમારા સાહેબનો હતો. એમણે એક હાથે જેરામના વાળ પકડ્યા અને બીજા હાથે તાડન શરૂ કર્યું. સામા પક્ષે જેરામે એમને માટે અપમાનજનક શબ્દપ્રયોગોનો મારો ચલાવ્યો. સાહેબના હાથ અને જેરામની જીભ વચ્ચેની જુગલબંધી વિલંબીત ખયાલ તરફથી આગળ વધતી દ્રુત ગતીએ પહોંચી ગઈ. અમારા પાડોશમાં રહેતા એક દંપતિ વચ્ચે થતી રહેતી ચોક્કસ લેવડદેવડ બાબતે મારી દાદી બોલતી, “ઈ તો કોકની જીભ હાલે ને કોકના હાલે હાથ” ! આ વાક્યપ્રયોગ તે ધન્ય સમયે મને ઉદાહરણ સહિત સમજાયો. અમે વર્ગમાં બેઠેલાઓ વિસ્ફારીત નેત્રે આ ઘટનાક્રમને સ્તબ્ધ બનીને નિહાળી રહ્યા હતા. આખરે સાહેબે એનું માથું જોરથી વર્ગના બારણા સાથે ભટકાડ્યું. આમ થતાં જ જેરામના માથામાં ફૂટ થઈ અને લોહી વહેવા લાગ્યું. આપણે હીન્દી ફિલ્મોમાં અનેક વાર જોયું છે કે નાયક લાંબા અરસા સુધી સામેવાળાના હાથનો માર ખાધા કરે અને પછી એના ચહેરા ઉપર લોહી દેખાય. નાયક ચોક્કસ અદાથી એ લોહી સાફ કરે અને પછી જે વિફરે, જે વિફરે કે સામેવાળાનું આવી બને. બસ, આવું જ કંઈક બન્યું. માથામાં ફૂટ થતાં જ જેરામની સહનશક્તિ જવાબ દઈ ગઈ. એના એકવડીયા શરીરમાં હતી એટલી તાકાત ભેગી કરી, જેરામીયો સાહેબની ચૂડમાંથી છટક્યો. વર્ગમાં સૌથી આગળ બેઠેલા છોકરાઓ પાસે પહોંચ્યો અને સૌથી પહેલાં હાથમાં આવી એ પાટી/સ્લેટ લઈ, એણે એ સાહેબના માથા ઉપર જોરથી લગાવી! એ સાથે સાહેબના કપાળ ઉપરથી લોહી દડવા લાગ્યું અને જેરામીયો નિશાળમાંથી ભાગી ગયો તે કોઈ દિવસ પાછો ન આવવા માટે ભાગી ગયો.

ઉક્ત ઘટનાના થોડા જ દિવસોમાં મારા બાપુજીની બદલી ભાવનગર થઈ જતાં મારો પણ એ નિશાળ સાથેનો નાતો પૂરો થયો. એ પછી દસેક વરસ બાદ એકવાર ગઢડા જવાનું થયું ત્યારે જાણવા મળ્યું કે જેરામ હીરા ઘસવા સુરત જતો રહ્યો હતો. પોતાની ઉપર પહેલ પાડવાના બાકી હતા એવી ઉમરે હીરા ઉપર પહેલ પાડવાનું એને વધુ આકર્ષક લાગ્યું હશે. હજી પણ ક્યારેક અભિવાદન કરતી વેળાએ કે છૂટા પડતી વેળાએ કોઈ ‘જય રામજી કી’ ઉચ્ચારે છે ત્યારે મને ‘જેરામજીકી’ જ સંભળાય છે અને મારી નજર સામે અમારો જેરામીયો આવીને ઉભો રહી જાય છે.

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૩)




                                                               નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું
આજે ગઢડા( સ્વામીનારાયણ) ખાતે સને ૧૯૬૧થી ૧૯૬૩ દરમિયાન મળેલા એક મિત્રની વાત માંડું. તેની સાથે માણેલા યાદગાર અનુભવો એવા મજેદાર છે કે સાડાપાંચ દાયકા પછી પણ એની યાદ તાજી છે.

એ દિવસોમાં દિવસના પોણાઅગિયાર અગિયાર વાગ્યાની આસપાસ મારા નિશાળ જવાના સમયે એક સજ્જન પોતાની દિનચર્યાના ભાગરૂપે નદીએ નહાવા માટે જતા હોય, ત્યારે કોઈ કોઈ વાર મારી નજરે ચડી જતા. એ સમયે એમને જતા જોવા એ એક લ્હાવો હતો. ટૂંકું પંચિયું પહેરી, ઉઘાડા દેહે હાથમાં કળશો ઝાલીને અને ખભે ટુવાલ નાખીને એ ઉંઘંટ્યે ચહેરે નદી તરફ ચાલ્યા જતા હોય, ત્યારે નિયમિત રીતે કેટલાક છોકરાઓનું ટોળું ચોક્કસ લયમાં ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું. નદ્દીએ ન્હાવા જત્તું ‘તું, જત્તું ‘તું’ એવું સમુહગાન ગાતું ગાતું એમની પાછળ ચાલતું રહેતું. એ મહાનુભાવ સામાન્ય સંજોગોમાં એ બાબતે બિલકુલ નિર્લેપ રહેતા. પણ કોઈ કોઈ વાર અચાનક ઉભા રહી જઈ, “કોનીનો સો!” જેવા શબ્દપ્રયોગ સાથે એકાદા છોકરાની સામે ખૂંખાર નજરે જોઈ લેતા. આમ થવાથી જે તે સમયે ટોળામાં સમાવિષ્ટ તોફાનીઓ ભાગી છૂટતી વેળા એમના ખીજાવાથી પોતાનો જન્મારો સુધરી ગયો હોય એવી ખુશી અનુભવતા. જેમ મંદીરમાં અખંડ ધૂન ચાલતી હોય ત્યારે એમાં ગાનારાઓ બદલાયા કરે એમ જ એ ટોળામાં પણ સ્વયંસેવકો બદલાતા રહેતા પણ વિજયઘોષ તો ઠેઠ એ સજ્જન નદીમાં ઉતરે ત્યાં સુધી ચાલતો રહેતો. એકવાર હું આ શોભાયાત્રામાં જોડાવાની તૈયારીમાં જ હતો ત્યારે મારી બાજુમાં ઉભેલા એક છોકરાએ મારો હાથ પકડીને મને ક્ષોભ સાથે જણાવ્યું, “ઈ નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું તો મારા બાપા સે, તું એમની વાંહે નો જતો.” મારી એ ઉમર એનાં ક્ષોભ કે મનોવ્યથા સમજવાની તો નહતી પણ મને એને માટે ખુબ જ લાગી આવ્યું હતું. આ ઘટના પછી એ છોકરા સાથે મારી ભાઈબંધી બંધાણી અને સમય જતે ‘પાક્કી’ બની હતી.

એનું મૂળ નામ છોટુ પણ ત્યારના રિવાજ પ્રમાણે અમે મિત્રો એને ‘છોટીયો’ નામથી ઓળખતા. એ સમયે અમે ગઢડાના ‘સાંકડી શેરી’ તરીકે જાણીતા વિસ્તારમાં ભાડે રહેતાં હતાં. છોટીયો ત્યાંથી બહુ દૂર નહીં એવી એક વસાહતમાંથી અમારી શેરીમાં રમવા આવતો. મારીથી ત્રણેક વરસ મોટો હોવા છતાં પણ એ નિશાળમાં મારા જ વર્ગમાં હતો. કોઈ કોઈ વાર છોટુને ઘરે જઈએ તો એની બા અને એના દાદા મળે, એના બાપુજી ક્યારેય ઘરે જોવા ન મળતા. પછી ખબર પડી કે એના દાદા કર્મકાંડ અને જ્યોતિષના વ્યવસાયને લીધે પુષ્કળ રળતા હતા, જ્યારે સામે પક્ષે એના બાપા પૈસાને સર્વ અનિષ્ટનું મૂળ સમજી, ક્યારેય કમાવા જેવી દુન્યવી પ્રવૃત્તિમાં પડ્યા જ ન હતા. ઉલટાના, એ તો બને એટલી રીતો અજમાવી, અન્યોએ એકત્રીત કરેલા હાથના મેલને શક્ય એટલો આઘો કરી દેવાના પ્રયાસોમાં જ વ્યસ્ત રહેતા. એમની આવી ઉમદા પ્રવૃત્તિઓને નિષ્ઠુર સમાજ, કુટુંબીજનો અને ખાસ તો એમના પિતાશ્રી ન ચલાવી લેતા હોવાથી એ બિચારાને ભેદી સ્થળોનો આશરો લેવો પડતો.

અમારી શેરીના ઘરેઘરની એકેએક વ્યક્તિથી છોટુ જરૂર કરતાં પણ વધારે પરિચીત હતો. કેટલાયે કુટુંબોની ‘ભેદી વાત્યું’ એની જાણમાં રહેતી અને એ અમારી મંડળીમાં કોઈ પણ જાતના બાધ વગર એ આવી બધી વાતો છૂટથી વહેંચતો. વળી કેટલાક કુતૂહલપ્રિયા: જના: સાથે ચોક્કસ અને ખાસમખાસ બાતમીનો વ્યવહાર એ સોડા અને પાનના સાટામાં કરતો. અમુક કુટુંબોમાં તો એને ઘરોબો હતો અને ત્યાં જઈને વડીલો સાથે બેસી, ચા-પાણી-નાસ્તો પણ કરી લેતો. બદલામાં એણે ત્યાં ચોક્કસ પ્રકારની મનોરંજક વાતો કરવાની રહેતી, જેને કેટલાક વાંકદેખાઓ કૂથલીના નામે વગોવતા. અમારો છોટુ આ બધું એકદમ તટસ્થભાવે કરતો. આજે જે ઘરે જઈને કોઈની વાતો કરી આવ્યો હોય, એ જ કુટુંબની માટલી બે ત્રણ દિવસ પછી અન્યત્ર ફોડી દે એવું પણ અમારી જાણમાં આવતું રહેતું. આવું બધું કરવા માટે જરૂરી સમયની ફાળવણી એ નિશાળમાં ન આવીને કરી લેતો. જ્યારે આવે ત્યારે એની અનિયમિતતા બાબતે વર્ગશિક્ષક સાહેબ/બહેન ખુબ વઢે અને કોઈ કોઈ વાર મારે પણ ખરાં. હેડમાસ્તર સાહેબના હાથે ચડી જાય તો એ પણ એને લગાવતા. જો કે આવી નાની નાની ઘટનાઓથી એ જરાય વિચલીત ન થતો. આ બાબતે એ એનું મંતવ્ય બહુ સ્પષ્ટ હતું….” જો ભાય, ઈ તો નિશાળે રોજ આવું તોય વાંકમાં આવીને વઢામણ/માર તો ખાવાનાં જ વોય. એના કરતાં બીજું કાંકેય કરવી ને!” અમે મિત્રો ય સ્વીકરતા કે એ ‘બીજું કાંક’ એને ખાસ્સું ફળદાયી નીવડતું.

અમારી નિશાળ લગભગ નદીકાંઠે હતી. નદીને સામે કાંઠે ખેતરો અને વાડીઓ હતાં. ગઢડામાં એ સમયે મગફળીનો મબલખ પાક ઉતરતો. લણણી સમયે છોટુ નિશાળમાં ભાગ્યે જ દેખાતો. સાંજ પડ્યે તાજી વાઢેલી શીંગ ભરીને ગાડાં ગામમાં પ્રવેશે, ત્યારે એમાંના એકાદની પાછળ લટકેલો નજરે ચડી જતો. એ સમયે ગઢડાના ખેડૂતોમાં એક માન્યતા એવી હતી કે ‘ખેતરમાં ઈ રામનું, ખળા( લણ્યા પછી ખેતપેદાશને રાખવાની વ્યવસ્થા)માં ઈ ગામનું ને (ઘરની) કોઠીમાં ઈ કામનું’. આમ, ખેતપેદાશ પોતાના ઘરની કોઠીમાં પહોંચી જાય ત્યાં સુધી એનો ઉપયોગ પશુ/પક્ષી/માનવીમાંથી કોઈ પણ કરે, એમાં ખેડૂતને વાંધો ન હોય. આવી માન્યતાને બરાબર ધ્યાને રાખી, છોટીયો વેળાસર કોઈના ને કોઈના ખેતરે પહોંચી જઈ, તાજી મગફળી(જેને અમે પોપટા કહેતા)ની જ્યાફત ઉઠાવતો અને પાછા ફરતી વેળા ઘેર પણ લઈ જતો. હા, ત્યાં લણણીના કામમાં થોડો ઘણો મદદરૂપ પણ થતો. ઘરે જતી વેળા અમારી જેવા કોઈ રસ્તે મળી જાય, એને પણ ઉદારતાથી પોપટાની લ્હાણી કરતો. એ બિલકુલ તાજી શીંગનો અદ્ભૂત સ્વાદ મેં છોટુના સૌજન્યથી એક કરતાં વધુ વાર માણ્યો છે. આ છોટીયા સાથે એ નાદાન ઉમરે કેટલાક યાદગાર અનુભવો માણ્યા છે એ પૈકીનો એક અહીં મૂકું છું.

એક તબક્કે અચાનક એવું બન્યું કે જ્યારે જોઈએ ત્યારે છોટુ “ હે જી.ઈ.ઈ.ઈ…… વડલા તારી વરાળ્ય, ને પાંદડે પાંદડે પરવરે” એટલી દુહાની પંક્તિ ગાતો ગાતો ફરતો રહેવા માંડ્યો. આગળ પાછળ કશું જ નહીં, માત્ર આ દુહો ગાતો રહેતો. મેં આ બાબતની પૃચ્છા કરતાં એણે મને જણાવ્યું કે ગઢડામાં એક નાટકકંપની તે સમયના ગ્રામ્ય સૌરાષ્ટ્રમાં ખુબ જ લોકપ્રિય એવા નાટક ‘વીર માંગડાવાળો’નો ખેલ લઈને આવી હતી. એ નાટકનું જે શિરમોર ગીત હતું, એનો આ મુખડો હતો. એણે ખુબ જ આગ્રહ્પૂર્વક મને આ નાટક જોવાની ભલામણ કરી. મેં તાત્કાલિક ધોરણે મારા બાપુજીને આ નાટક જોવાનો સોનેરી મોકો ચૂકી જવાથી મારો વિકાસ રૂંધાઈ જશે એવા અંદાજથી સમજાવવાની કોશિશ કરી જોઈ પણ એમણે જરાયે લાગણીવશ થયા વગર મારી દરખાસ્ત ઉડાવી દીધી. અમારા કુટુંબમાં એ સમયે સ્ત્રીઓ પુરુષસમોવડી થવાનો જરાય પ્રયત્ન ન કરતી એટલે મા પાસે જ્યારે હું હતાશાની મૂર્તી જેવો બનીને આ બાબતે કોઈ પુનર્વિચારણાનો પ્રસ્તાવ લઈને ગયો ત્યારે એણે તો “ઈ તો જેમ તારા ભાઈ કહે એમ જ હો!” કહીને સમગ્ર બાબત ઉપર ટાઢું પાણી ઢોળી દીધુ. હવે જ્યારે છોટીયાને આ ખબર પડી ત્યારે એ મારાથી યે વધુ હતાશ થઈ ગયો! એણે વિચારેલું કે મારા બાપુજીને વિનંતી કરીને મારી સાથે એ પોતે પણ નાટક જોવા પામશે. જો કે એ આશા ફળીભૂત ન થવાથી એણે વૈકલ્પિક વ્યવસ્થા કરી. ક્યાંકથી આ નાટકની જાહેરાતનું મોટું ચોપાનીયું લઈ આવ્યો. એમાં નાટકની વાર્તા અને ગીતો છાપેલાં હતાં. એમાંથી વાંચીને એણે મને જણાવ્યું કે ‘વીર માંગડાવાળો’ એક ભૂતકથા હતી અને નાટકમાં તો ‘ટોપના પેટનો હાચ્ચો ભૂત’ દેખાતો ’તો. આ જાણકારીથી તો હું એ નાટક જોવા માટે વધારે ઉત્સુક થઈ ગયો. મને ભૂત કેવું દેખાય એ જાણવાનું ભારે કુતૂહલ હતું. કોઈએ ‘અરીસામાં જોવાથી ખ્યાલ આવી જશે’ એવી સૂઝ પણ પાડી ન હતી. એ સમયે મારા એકમાત્ર તારણહાર સમા છોટીયાએ મને કહ્યું, “હું તને નાટકનો નહીં, હાચ્ચેહાચ્ચો ભૂત બતાડીશ, તું સાબદો રે’જે.”

ખરેખર, બે-ત્રણ દિવસમાં જ છોટુ એક ભવ્ય પ્રસ્તાવ લઈને આવ્યો. એણે મને જણાવ્યું કે ગામની સીમમાં આવેલા સ્મશાનમાં ભૂત, ખવીસ, ડાકણ, ચૂડેલ વગેરે રાતના નવ વાગ્યા પછી નિયમીત હાજરી પૂરાવતાં રહે છે. એટલે ત્યાં યોગ્ય સમયે પહોંચી જવાથી એ સૃષ્ટી સાથે મુલાકાત થઈ શકે. મારા માટે તો સાંજના સમય પછી ઘરેથી બહાર શી રીતે જવું એ પ્રશ્ન હતો. પણ છોટીયો જેનું નામ! એણે તોડ વિચારી જ રાખેલો હતો. યોગાનુયોગે તાજીયા(મુહર્રમ)નો તહેવાર નજીક હતો. રહીમ નામનો અમારો એક મિત્ર આ નિમીત્તે અમને શાળામિત્રોને એને ઘરે સાંજથી બોલાવવાનો હતો. એના મા-બાપ દર વર્ષે આ તહેવારમાં ‘ભામણ રસોઈ’ કરાવી, રહીમના મિત્રોને ખુબ ભાવથી જમાડતાં. આ મોકાનો લાભ લેવા માટેની છોટુની યોજના બહુ સ્પષ્ટ હતી. “જો, તારા બાપા તને રહીમીયાના ઘરે તો આવવા જ દેશે ને! ન્યાંથી આપડે કોઈને ખબર નો પડે એમ છાનામુના સમશાને વીયા જાશું તું એકાદ ભૂત/ભૂતડી જોઈ લે એટલે પાછા રહીમીયાને ન્યાં ને પછી હું તને તારે ઘેર મૂકી જાશ્ય.” એ વખતે એને તો બધા પ્રકારનાં ભૂતો સાથે ઘરોબો હોય એવી અદાથી છોટીયો વાત કરતો હતો.

આખરે મુહર્રમનો દિવસ આવી પહોંચ્યો. સવારમાં રહીમના બાપુજી મારા ઘરે આવીને મને એમને ત્યાં જમવા મોકલવા માટે મારા બાપુજીને ભાવપૂર્વક કહી ગયા. સાંજે છોટીયો મારે ઘરે આવી ગયો અને અમે બન્ને નીકળી પડ્યા. જો કે જેમ જેમ આ દિવસ નજીક આવતો જતો હતો એમ મારામાં બીક અને ફફડાટની લાગણી પ્રબળ થતી જતી હતી. સામે પક્ષે છોટુ તો સહેજેય બીતો નહતો! એનું કારણ એણે બતાવ્યું કે પોતે હનમાનજતિનો ભગત હતો. દર શનિવારે એકટાણું કરતો અને હડમાનદાદાને તેલ ચડાવતો. મને યાદ આવ્યું કે એ દરેક શનિવારની સવારે એક ટોયલી લઈને ઘેર ઘેર ફરતો અને મોટેથી ‘હડડડડડમાનનનનનનજતિનું  ત્ત્ત્ત્તત્ત્તેલ્લ્લ્લ્લ’ એવું ગાંગરતો. મોટા ભાગનાં શ્રધ્ધાળુ લોકો એને તેલ આપતાં અને કલાકેક પછી એ તેલસભર ટોયલી લઈને છોટીયો ઘેર જતો. આ તેલનો અમુક ભાગ એ રસ્તામાં આવતી હનુમાનજીની દેરીએ એના પૂજારીને દેતો. હનુમાનદાદાની આટલી સેવા કર્યાના પૂણ્યના ફળરૂપે એને ભૂતો સામે રક્ષણકવચ મળ્યું હતું એવું એણે મને સમજાવ્યું. મને આવું કશુંયે ન શીખવવા બદલ મેં મનોમન મારાં વડીલોનો દોષ કાઢ્યો. ખેર, જાગ્યા ત્યારથી સવારના ધોરણે મેં રહીમના ઘરે બેઠા બેઠા હનુમાનજીનું સ્મરણ કરવા માંડ્યું. જમી લીધા પછી બધા રહીમના ફળીયામાં રમતા હતા એવામાં એકાએક છોટીયાએ મને ઈશારો કર્યો અને અમે કોઈને જાણ ન થાય એવી રીતે ત્યાંથી અગોચરના પંથે જવા સરકી ગયા. રસ્તામાં છોટુએ મને એક કરતાં વધારે વાર ‘બીશ્ય તો નહીં ને?’ એમ પૂછ્યું અને એ સમયે ખોટું બોલતાં અતિશય પરિશ્રમ પડ્યો છતાં મેં ‘જરાય નહી ને!’ નો જવાબ વાળ્યા કર્યો. અત્યારે યાદ કરું છું તો એક સાત-આઠ વરસનો અને બીજો દસ-અગિયાર વરસનો એવા બે છોકરા રાતના અંધારામાં સ્મશાન તરફ હાલ્યા જતા હતા એ ખુદ મારા માન્યામાં નથી આવતું!

ખેર, અમે ચાલતા હતા એવામાં એક મોટું ઝાડ આવ્યું. છોટુએ મને જણાવ્યું કે એ ઝાડ ઉપર એક ‘મામો’ રહેતો હતો. આગળ વધતાં વધતાં એણે મને આ વિશિષ્ટ મામાનો પરિચય આપ્યો. એણે કહ્યું કે મામો હંમેશાં સફેદ ખમીસ અને લેંઘો ધારણ કરીને જ એ જ્યાં રહેતો હોય એ ઝાડની આસપાસ ફરતો રહે. ત્યાંથી નીકળતા લોકો પાસે બીડી/સિગારેટ માંગે અને ન આપનારને જોરદાર લાફો વળગાડી દે. જેને એ લાફો મારે એને “તણ દિ’ તાવ આવે, પછી કોગળીયું થાય ને પછી તો બસ્સ્સ, ખલ્લાસ્સ્સ!” આવું આવું સાંભળતાં મને લખલખાં આવી જતાં હતાં. જો કે અમને મામાએ રોક્યા નહીં પણ હવે જેમ જેમ ગામનું પાદર વટાવીને આગળ વધવાનું થયું એમ એમ મારી હાલત બગડવા માંડી. આ સમયગાળામાં મેં હનુમાનજીને સ્મર્યા એટલા તો તુલસીદાસજીએ પણ કદાચ એમના સમગ્ર જીવનમાં નહીં સ્મર્યા હોય! જો કે છોટુ તો હિંમતના મૂર્તીમંત સ્વરૂપની જેમ આગળ વધતો જતો હતો.
પણ, જેમ ભગવાનનો સાક્ષાત્કાર, એમ જ ભૂતદર્શન પણ કોક કોક વીરલ નસીબદારને જ સાંપડે અને એ પણ યોગ્ય સમય પાકે ત્યારે જ એ અવસર પ્રાપ્ત થાય. અમે સ્મશાનથી થોડા દૂર હતા એવામાં આસપાસમાં કશોક સંચાર કાને પડ્યો. મારા પગ તો ત્યાં જ જમીન ઉપર ખોડાઈ ગયા. છોટુ પણ ગાભરો બની ગયો. ત્યાં તો એક ઓળો નજરે પડ્યો. ઘોર અંધારામાં સફેદ ખમીસ અને સફેદ લેંઘો પહેર્યો હોય એવી એ હસ્તી જોતાં જ મને તો થયું કે આ તો ઓલો મામો ભટકાણો! હવે બીડી માંગશે અને નહીં આપું એટલે લાફો વળગાડી દેશે. ક્ષણવારમાં તો પૂરી ભવાટવી દેખાઈ ગઈ. બસ, થોડી વારમાં આપણો ‘ખેલ ખલ્લાસ્સ’ એની ખાતરી થઈ ગઈ. એવામાં અમારી તરફ ધ્યાન પડતાં એ ઓળાએ જોરથી ત્રાડ નાખી, “કોનીના સો!” અને અમને બન્નેને ખ્યાલ આવ્યો કે એ તો છોટીયાના બાપા હતા! છોટીયાએ સમયસૂચકતા વાપરી, જરા અવાજ બદલી, મને પાછા ભાગવાનો હૂકમ કર્યો અને અમે એકબીજાનો હાથ પકડી, ભાગવા લાગ્યા. સહેજ સલામત અંતરે પહોંચ્યા પછી મેં પાછા વળી, જોયું તો એ અમારો પીછો કરતા નહતા. કદાચ એમ કરવા જેટલી એમની શારિરીક કે માનસીક સ્વસ્થતા હશે જ નહીં.

આ ક્ષણે હું સંપૂર્ણપણે ભયમુક્ત થઈ ગયો. હવે મને ટીખળ સૂઝી. છોટીયાથી સહેજ દૂર હટી, મેં જોરથી બૂમ પાડી, ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ અને પછી એમના તરફથી ‘કોનીનો સે’ની ત્રાડ આવે એ પહેલાં અમે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી ઝડપથી ઘર તરફ દોડવા લાગ્યા. અમારી સાંકડી શેરીના નાકે મારા બાપુજી હાથમાં ટોર્ચ સાથે સામા મળ્યા. એમની અપેક્ષાથી મોડું થયું હોવાથી એ રહીમના ઘર તરફ મને લેવા માટે નીકળ્યા હતા. એ ક્ષણે એમની મહામૂલી અમાનત પરત કરતો હોય એવા અંદાજમાં છોટીયાએ એમને કહ્યું, “રહીમીયાને ન્યાં રમવામાં મોડું થઈ ગ્યું ઈ ધ્યાન જ નો રીયું. પછી રાત વરતનો આ પીયૂસીયો તો બવ બીવા માંડ્યો. પણ મેં તો જ્યાં લગી એને તમારા હાથમાં નો મૂકું ત્યાં લગી પાણી નો પીવાની બાધા લીધી ‘તી.“ એની આ ચેષ્ટાથી ભારે પ્રભાવિત થયેલા મારા બાપુજીને વર્ષો સુધી આ બાબતે મેં કોઈ જ ચોખવટ કરી નહતી.

વર્ષો પછી એટલે કે સને ૨૦૦૩માં જ્યારે ગઢડા જવાનું થયું ત્યારે છોટીયાની તપાસે એના ઘરે ગયો હતો. ઓટલે બેઠેલાં એની બાએ જણાવ્યું કે છોટુ તો આફ્રીકા જતો રહ્યો હતો અને ત્યાં કથા-વાર્તા કરી, સારું રળતો હતો. એના બાપા બાજુમાં પડેલી એક આરામખુરશીમાં બેઠા બેઠા બીડી ફૂંકી રહ્યા હતા. મારામાંના ટીખળીને ઈચ્છા થઈ આવી કે એક વાર જોરથી ‘નદ્દી કિન્ન્નાર્રે ટમ્મેટ્ટું, ટમ્મેટ્ટું.’ બોલી, નાસી છૂટું. પણ ત્યારની મારી ઉમર અને ખાસ તો મારો દીકરો સાથે હતો એ બે પરિબળોએ મને એમ કરતાં રોક્યો.

નોંધઃ ગુજરાતી વેબ પોર્ટલ 'વેબગુર્જરી' ઉપર તા.26/04/2019ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.

Monday, 1 July 2019

ગુજરે હૈ હમ કહાં કહાં સે (૫)


                                                                     મજ્જા!
સને ૧૯૬૧-૬૨ના સમયગાળા દરમિયાન ગઢડામાં અમારી બરાબર સામેના ઘરમાં ઉપરના માળે એક યુવાન, ખુબ જ દેખાવડા અને મળતાવડા સજ્જન નામે અંબાલાલ, ભાડે રહેતા હતા. એ મધ્ય ગુજરાતના વતની હોવાથી અમને એમના ઉચ્ચારો બહુ રમૂજ પૂરી પાડતા. આવી રમૂજભાવના સાપેક્ષ અને પરસ્પર હોય એ સમજવાની અમારામાંના મોટા ભાગના છોકરાઓની એ ઉમર નહોતી. વળી જેની પાસે એવી સમજ હતી, એમને એ બાબતની કોઈ પરવા નહોતી.

અંબાલાલ રહેતા એ મકાનમાં દાખલ થઈએ અને પછી ત્રણ પગથીયાં ચડીએ કે તરત જ એક દાદરો હતો, જે સીધો રોડ ઉપર પડતો હતો. એ દાદરો ઉપરના માળે અંબાલાલના ઓરડા સુધી લઈ જતો હતો. આમ હોવાથી અમે શેરીમાં રમતા હોઈએ અને અંબાલાલ ઘરમાંથી બહાર જવા દાદરો ઉતરે કે પછી બહારથી ઘરે આવે ત્યારે દાદરો ચડીને ઠેઠ એમના ઓરડામાં પહોંચી જાય એ અમારી નજરમાં રહેતું. જેટલી વાર અંબાલાલ જતા કે આવતા દેખાય, એ દરેક વખતે અમારામાંથી કોઈ ને કોઈ ચોક્કસ લહેકામાં “કાં અંબાલાલ, કેમ છો?” કહીને એમનું અભિવાદન કરે. જવાબમાં એ ભલો માણસ, હસીને માત્ર ”મજ્જા” એટલું બોલીને આગળ વધી જાય એવો ધારો થઈ ગયેલો. ધીરે ધીરે અમારી ટોળકી સાથે અંબાલાલ વધુ ને વધુ ભળવા લાગ્યા. રજાના દિવસે એ ક્યારેક થોડો સમય અમારી સાથે વાતો કરતા થયા અને પછી તો કોઈ કોઈ વાર અમે ‘બોલ-બેટ’ રમતા હોઈએ તો એમાં પણ જોડાઈ જવા લાગ્યા. ક્યારેક એ અમદાવાદ અને વડોદરા જેવી દેવોને વસવા યોગ્ય નગરીઓની રોમાંચક વાતો પણ માંડતા, જ્યાં અમારો આશય અચંબો પામવાનો રહેતો અને એમનો આશય અમને અચંબો પમાડવાનો રહેતો. અત્યારે સુપેરે સમજાય છે કે એમની કથાઓમાં તથ્ય કરતાં કલ્પનનું પ્રમાણ ભારેથી અતિભારે રહેતું હશે. એમની સાથે કરેલી ગોઠડીઓ હું અમારા નિશાળના ગોઠીયાઓ સાથે વહેંચતો. કોઈ કોઈ વાર તો હું જાતે જ અમદાવાદ/વડોદરા જઈને કશોક દિવ્ય અનુભવ પામી આવ્યો હોઉં એવું પણ જરાય ક્ષોભ વગર કહી દેતો અને પરિણામે એ મિત્રોના ચહેરા ઉપર વિસ્મયના હાવભાવ જોઈને રોમાંચ પામતો. જેમ જેમ મૈત્રી વધતી ગઈ એમ એમ અંબાલાલ અમારી વધુ ને વધુ નજીક આવતા ગયા. પછી તો એ અમારાં તોફાન-મસ્તીમાં પણ ભળવા લાગ્યા.

એ અરસામાં અમારી શેરીમાં એક સાવ ખખડધજ વૃધ્ધા એકાકી જીવન ગુજારી રહ્યાં હતાં. એ પોતે અને એમનું ખોરડું એમાંથી વધારે જીર્ણ અવસ્થા કોની હતી એ કહેવું મુશ્કેલ હતું. વર્ષોની એકલતા અને અભાવોથી ભરેલ જીવન — આ બે પરિબળોએ એમને અત્યંત ચીડીયાં બનાવી દીધાં હતાં. સ્વાભાવિક છે કે અમે શેરીમાં રમતા રમતા દોડાદોડી અને બૂમાબૂમી કરતા જ રહેતા હોઈએ. જેવો અમારો અવાજ એમના કાને પડે, એ ભેગાં એ એમની બારીમાંથી ‘હેઈક્ક, હેઈક્ક, ભાગો! મારા રોયાઉં, મરી ગઈ સ તમારી માવર્યું, કે આયાં ધડીકા લ્યો સો! ભાગો, ભાગો આંઈથી!’ જેવાં સુવાક્યો વડે શરૂઆત કરતાં અને જો એવો પ્રેમાળ ઉપદેશ કારગત ન નીવડે તો છેવટે હાથમાં લાકડી લઈને એમની ઝાંપલી સુધી આવી, અમે અને અમારાં સગાં વ્હાલાંઓ કાળી રાતે ફાટી પડીએ એવાં આશિર્વચનો પણ ઉચ્ચારી લેતાં. એમને પૂરતાં ખીજવી લીધાં છે એવો સંતોષ થાય એટલે અમે છોકરાઓ ત્યાંથી સ્થળબદલો કરી જતા. એ જમાનામાં આ પ્રકારની વૃધ્ધાઓ કદાચ ગામેગામમાં મળી આવતી હશે એટલે એમનું વધુ વિગતે વર્ણન નથી કરતો. આ બધું વિગતવાર ધ્યાને પડતાં અંબાલાલે એક વાર પોતાના બાળપણ દરમિયાનના ગ્રામ્યનિવાસને યાદ કરતાં અમને પૂછ્યું કે અમે એ માજીની અંતિમયાત્રા કેમ ન્હોતા કાઢતા? આવો અઘરો શબ્દપ્રયોગ અમારામાંના મોટા ભાગનાઓને પલ્લે ન પડ્યો, પણ છોટુ બોલ્યો, “તે અંબાલાલ, અમીં ઈ ડોશીની ઠાઠડી કાઢવી ઈમ ક્યો સ ને?” જવાબમાં હકારો મળતાં અમારી ટોળીએ ઉક્ત કાર્યક્રમ અંબાલાલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવાનું આયોજન કરી નાખ્યું. એ મુજબ ક્યાંક્થી દેશી નળીયું ગોતી લાવી, એમાં એક મધ્યમ કદનો પથરો મૂકી દેવામાં આવ્યો. આ નળીયું ઠાઠડીનું અને એમાં મૂકેલ પથરો ઓલાં માજીના પ્રતિકરૂપે હતાં એ સ્પષ્ટતા અંબાલાલે કરવી ન પડી. તૈયારી થઈ ગઈ એટલે એમણે કહ્યું, “ હવે તમારે આ નનામી લઈ, અહીં (અ)ગાડીથી ડોહીના ઘર લગી ઠૂઠવો મેલતાં મેલતાં જવાનું. એવીયે ગુસ્સે થઈને બહાર આવે તંહીં લગી તંહીં ‘ગાડી જ ઉભા રહી, રોતા રહેવાનું. પછી એવીયે ગુસ્સે ભરાય અને તમને ગારો(ળો) ભાંડવા લાગે એટલે અહીં ‘ગાડી પાછા ભાગી આબ્બાનું.” અમે અતિશય આજ્ઞાંકિતપણે અંબાલાલની તાલિમને અમલમાં મૂકી, એમાં એ માજીને જે માનસિક પરિતાપ પડ્યો હશે એ યાદ આવે છે ત્યારે આજે સાડાપાંચ દાયકા પછી પણ જીવ વલોવાઈ જાય છે. એમની મુખમુદ્રા નજર સામે તરે ત્યારે એક નિ:સહાય, એકાકી કૃશકાય વૃધ્ધાને પરજાળ્યા કરતી ટોળકીનો સભ્ય હોવા માટે હું હજી મારી જાતને માફ નથી કરી શકતો. ખેર, આમ દિવસો વિત્યે જતા હતા એવામાં અંબાલાલે અમને જણાવ્યું કે ટૂંક સમયમાં એમનાં પત્નિ ગઢડા આવી જવાનાં હતાં. એ અમારાં વણજોયેલાં સન્નારીનો ઉલ્લેખ એમણે ‘તમારી ભાભી’ તરીકે કર્યો એમાં તો અમારી ટોળકી એકદમ રોમાંચિત થઈ ગઈ, કારણ કે એવું પાત્ર અમારા બધા માટે સ્વપ્નવત હતું. હવે તો અંબાલાલે નહીં જોઈ હોય એટલી તીવ્રતાથી અમે સૌ એ ‘ભાભી’ની રાહ જોવા માંડ્યા.

આખરે એક દિવસ અમે જાણ્યું કે ભાભી પછીના અઠવાડીયે આવવાનાં હતાં. એ ટૂંકા સમયગાળામાં અંબાલાલના ઓરડાની સજાવટમાં નોંધપાત્ર ફેરફારો થઈ ગયા અને એવા જ ફેરફારો એમની અદામાં પણ થયા હોય એવું અમારી ટોળકીના વરિષ્ઠ સભ્યોએ નોંધ્યું. એવામાં એક દિવસ અંબાલાલ એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે હતા અને અમારા શિરીષે “કાં, અંબાલાલ?” પૂછીને એમનું રોજીંદું અભિવાદન કર્યું. એ પણ રોજની જેમ “મજ્જા” કહેવાના હતા. એમાંનો “મ” બોલતી વેળા એ સૌથી ઉપરના પગથીયે હતા અને “જ્જા” ઉચ્ચાર એમણે સૌથી નીચેના પગથીયે બેઠે બેઠે કર્યો! એકદમ ઝડપથી આકાર લઈ ગયેલા એ ઘટનાક્રમ દરમિયાન ‘ધડ ધડ ધડ ધડ’ અવાજો પણ અમારે કાને પડ્યા, એ ઉપરથી અમે તાત્પર્ય કાઢ્યું કે અંબાલાલ ઉપલા પગથીયેથી લપસીને ઠેઠ નીચે પડ્યા! એ ઉમર એવી હતી કે આવી ઘટનાનો ભોગ બનેલા એ યુવાન માટે અમને સહાનુભૂતીને બદલે રમૂજની લાગણી નિષ્પન્ન થઈ અને એ લાગણીને કશા જ છોછ વગર અમે સૌએ ખુલ્લે દિલે માર્ગ આપ્યો એટલે કે ‘દાંત કાઢી કાઢીને અમે બધા બઠ્ઠા પડી ગ્યા.’ કેટલીક ક્ષણો પછી એ મૂઢ માર જીરવી ગયેલા એ ભલા માણસ અંબાલાલે પણ અમને હાસ્યની છોળો ઉડાડવામાં સાથ આપ્યો. એ દિવસથી અમારે આ રમત થઈ ગઈ. અંબાલાલ ઘરે ન હોય એવા સમયે એક છોકરો એમના દાદરાના સૌથી ઉપરના પગથીયે જઈને ઉભો રહે. નીચેથી એને પૂછવામાં આવે, “કાં, અંબાલાલ?” એ ત્યાં જ ઉભો ઉભો “મ” બોલે અને પછી ખુબ જાળવીને ઠેઠ નીચે ઉતરી આવી, “જ્જા” બોલે અને પછી બધા ‘દાંત કાઢી કાઢીને બઠ્ઠા પડી જઈએ’!

એમ ને એમ અંબાલાલની અને અમારી આતુરતાનો અંત લાવનારો દિવસ ઉગ્યો. આધારભૂત સ્રોતમાંથી અમારો છોટુ જાણી લાવ્યો કે અમારાં ભાભી તો એમના પીયરની મોટરમાં આવવાનાં હતાં. એણે તાત્કાલિક ધોરણે સ્વાગતગીતનો મુખડો જોડી નાખ્યો, ”અંબા, ’લાલ’ મોટર આવશે, મારાં ભાભીને ઈ લાવશે, અંબાલાલને ગઢડામાં લીલાલ્હેર છે!” અને એ દિવસની સવારથી શેરી અમારા કંઠે રેલાઈ રહેલા એ મુખડાથી ગુંજવા લાગી. અમુક ઘરોમાંથી અને ખાસ તો ઓલાં માજીના ઘરમાંથી ‘હેઈક, હેઈક, થોડાક જંપો, ભાગો, ટળો આંઈથી’ જેવી બીરદાવલીઓ અમારે કાને પડતી હતી પણ કાનને તો એ રોજનું થયું હતું. આ બધી ગતિવિધીઓમાં સમય વિતતો રહ્યો અને બપોર પડવા આવી ત્યાં શેરીમાં એક મોટર દાખલ થઈ અને અંબાલાલના ઓટલા આગળ આવી, ઉભી રહી. એક બાજુ ડ્રાઈવરે નીચે ઉતરી, ડીકી ખોલીને બેગ-બીસ્તરા બહાર કાઢવાનું શરૂ કર્યું અને બીજી બાજુ અંબાલાલનાં મા-બાપ અને સાસુ સસરા ઉતર્યાં. આખરે જે સન્નારી ઉતર્યાં એને જોઈને અમે મિત્રો ડઘાઈ ગયા! અત્યારે આવું લખતાં ભારે ક્ષોભ અનુભવાય છે પણ એમના દેખાવને માટે એકાદ પણ સારો શબ્દ કહી શકાય એવાં એ ન્હોતાં. વાન. બાંધો કે ચહેરો – નારીસૌંદર્યના એ ત્રણેય માપદંડો વડે એમની મૂલવણી કરતાં નિરાશા જ સાંપડે એવું હતું. કાયમી બટકબોલો એવો છોટીયો ત્યારે જ બોલ્યો, “ અંબાલાલ, આ તો બાંઠકી ને જાડી સે! તમે પૈશાને પરણ્યા સો ને!” અને ત્યાંથી ભાગી ગયો. આટલું બનતાં તો સોપો પડી ગયો. અમે બાકીનાઓ પણ વીખેરાઈ ગયા. ખાસ કરીને મને તો ભોંઠામણનો પાર ન્હોતો કારણકે અમારું ઘર બિલકુલ એમની સામે પડતું હતું. નવાગંતુક યુવતી, અંબાલાલ અને એમનાં કુટુંબીજનો ઉપર શું અસર પડી એ જોવાની કે સમજવાની કે પછી ત્યાં જઈ, એ લોકોની માફી માંગવાની પુખ્તતા મારામાં ચોક્કસ ન્હોતી, પણ આવું બને તો મોઢું સંતાડી દેવા જેટલી તો અક્કલ હતી. એટલે હું ઝડપથી મારા ઘરમાં જતો રહ્યો.

એ જ સાંજે અંબાલાલ અને એમનાં પત્નિ અમારે ઘરે આવ્યાં. મારી ફરીયાદ કરવા આવ્યાં હશે એવા ખાત્રીભર્યા ડરનો માર્યો હું તો દોડીને અંદરના રૂમમાં ભરાઈ ગયો. હકિકતે એ બન્ને પેંડા લઈને અમારા કુટુંબને મળવા આવ્યાં હતાં. ખુબ જ શાલિનતાથી મધુબહેન નામેરી એ યુવાન નારીએ મારાં મા-બાપ સાથે પરિચય કેળવ્યો અને મને પણ રૂમની બહાર બોલાવી, પ્રેમથી એમને ઘરે આવતા-જતા રહેવા કહ્યું. એ ટૂંકા સમયગાળામાં જ એમની મીઠાશ મને સ્પર્શી ગઈ. મોડી સાંજે અમે મિત્રો શેરીમાં ભેગા થયા ત્યારે દરેકના મોઢા ઉપર ભોંઠપ જણાતી હતી. અમારી શેરીનાં સૌને ઘેર એ દંપતિ સૌજન્યપૂર્ણ વ્યવહાર કરી ગયું હતું. બીજા જ દિવસથી જ મધુબહેને અમારી ટોળકી સાથે મૈત્રી બાંધવાની શરૂઆત કરી દીધી. આગલા દિવસે છોટુએ કરેલ ટીપ્પણીની જાણે એમને ખબર જ ન હોય એવો એમનો વ્યવહાર હતો. વધુ પરિચય કેળવાતાં ખબર પડી કે એ અનુસ્નાતક કક્ષાની ઉપાધી મેળવી, મહેસાણાની કોઈ માધ્યમિક શાળામાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં એ છોડીને આવ્યાં હતાં. પહેલે દિવસે એમના દેખાવમાં જે ખોટ વર્તાતી હતી એ એમને મૂલવવા માટે કેટલી ક્ષુલ્લક હતી એ અમને નાદાનોને પણ એ જ ઘડીએ સુપેરે સમજાઈ ગયું.

એ પછીના થોડા અરસામાં મારા બાપુજીની બદલી ભાવનગર થતાં અમે ગઢડા છોડ્યું ત્યાં સુધી એ લોકો અમારી સામે જ રહેતાં હતાં. વર્ષો પછી એક વાર એ બંને ભાવનગરમાં રસ્તે જતાં મને અચાનક જ ભટકાઈ ગયાં ત્યારે સાથે એમનાં ત્રણ સંતાનો હતાં. એ પાંચેયના ચહેરા ઉપર જે આનંદ હતો એ એમના સુખે ચાલી રહેલા સંસારનો દ્યોતક હતો. પરસ્પર ખબરોની આપ-લે પછી છૂટા પડતી વેળા મેં અંબાલાલને પૂછ્યું, “અંબાલાલ, બાકી કેમ હાલે ચ્છ?” જવાબમાં એમણે કહ્યું, “બસ, મજ્જા!” સદનસીબે એ સમયે અંબાલાલ દાદરા ઉપર ન્હોતા એટલે ‘મ’ અને ‘જ્જા’ની વચ્ચે ‘ધડ ધડ ધડ ધડ’ અવાજ ન આવ્યો!

નોંધઃ આ લેખ 'વેબગુર્જરી' ઉપર તા. 28/06/2019ના રોજ પ્રકાશિત થયો છે. ત્યાંથી સાભાર અહીં વહેંચ્યો છે.

Sunday, 7 January 2018

અંબરીષ પરીખ, વિસ્તરતા જણ



આપણા સમાજનો એક બૃહદ વર્ગ એવી માન્યતા ધરાવે છે કે વ્યવસાયિક કલાકારોને બિરદાવવાના ન હોય, કેમ કે આવાં કાર્યોનું વળતર એમને આર્થિક સ્વરૂપે મળતું રહેતું હોય છે. પણ એ બાબતે સહેજ શાંતિથી વિચારીએ તો ખરા અર્થમાં બિન વ્યવસાયિક કોને કહી શકાય? કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં સંકળાનાર વ્યક્તિ એક યા બીજી રીતે તેની પ્રવૃત્તિનું વળતર કોઈ ને કોઈ સ્વરૂપમાં મેળવે જ છે. સમાજના માળખાના પીરામીડની અને લોકપ્રિયતાની ટોચે બેઠેલાં  સત્તાધીશો, સાધુ સંતો, અભિનેત્રી/તાઓ કે પછી જે કોઈનો પણ વિચાર કરીએ, એ બધાંમાંથી જૂજ અપવાદ બાદ કરતાં બિલકુલ નિ:સ્પૃહભાવે ચોક્કસ પ્રવૃત્તિ આચરનાર તો ભાગ્યે જ મળી આવે. સૌ કોઈ આ બાબત સુપેરે સમજતા હોવા છતાંયે ક્ષોભ સાથે કહેવું પડે છે કે મોટા ભાગના કિસ્સાઓમાં અને એમાં પણ  ફિલ્મી ગાયન/વાદન ક્ષેત્રે વ્યવસાયિક ધોરણે કાર્યરત હોય એવા યોગ્ય પાત્રની કદર કરવામાં આપણે ખાસ્સા ઉણા ઉતરતા રહેતા હોઈએ છીએ. આપણે આ અગાઉની સુખ્યાત ઓરકેસ્ટ્રા સંચાલક શરદ ખાંડેકર વિશેની પોસ્ટમાં આ બાબતે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. આથી વધુ વિગતોમાં ન ઉતરતાં અત્રે આપણે એ જ ક્ષેત્રના એક ખુબ જ સન્માનનીય વ્યક્તિત્વનો વિસ્તૃત પરિચય કેળવીએ. એ છે સ્ટેજ કાર્યક્ર્મોના વિ/સુખ્યાત આયોજક, શ્રી અંબરીષ પરીખ, જેમનો ઉલ્લેખ હવે પછી અંબરીષભાઈ તરીકે થશે.


 ગુજરાતમાં કે ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં હિન્દી ફિલ્મી ગીતોના શોખીનો વસે છે, ત્યાં ત્યાં ‘વિસ્તરતા સૂર’ નામથી એમણે જાણીતાં/અજાણ્યાં અને એકદમ મધુરાં હિન્દી ફીલ્મોનાં ગીતોના અગણિત કાર્યક્રમો સ્ટેજ ઉપરથી રજૂ કર્યાં છે. કાર્યક્રમનું આ નામ, ‘વિસ્તરતા સૂર’, ખરા અર્થમાં વિસ્તરી, ચારે દિશાએ છવાયેલું રહ્યું છે. છ દાયકાઓ કરતાં લાંબા સમયથી અમદાવાદમાં વસતા અને ફક્ત(??!!!) ૮૩ વર્ષની ઉમરના અને ચુસ્તી અને સ્ફૂર્તીથી સભર એવા અંબરીષ ભાઈની સાથે તબક્કાવાર ત્રણ મુલાકાતો કરી, એનો અહેવાલ પ્રસ્તુત છે.

તા.૧૬ ઑક્ટોબર, સને ૧૯૩૪ના રોજ લૂણાવાડા ખાતે જન્મેલા અંબરીષભાઈના પિતાજી ચંદુલાલ પરીખ ત્યાંના નગરશેઠ હતા. એમણે લૂણાવાડાની મ્યુનિસીપાલીટીનું પ્રમુખપદ ૨૮ વરસ સુધી નિભાવ્યું હતું. અંબરીષભાઈના બાળપણના દિવસો દરમિયાન હજી રાજાશાહી જીવંત હતી. અલગ અલગ તહેવારોએ તેમ જ રાજાના જન્મદિવસે મોટા સમારોહો યોજાતા, જેમાં દિગ્ગજ કલાકારોને નિમંત્રવામાં આવતા. નગરશેઠના દીકરા હોવાને નાતે અંબરીષભાઈને આવા કાર્યક્રમોનો લ્હાવો લેવા માટે વિશેષ સવલત મળી રહેતી અને એમણે એનો ભરપૂર ફાયદો ઉઠાવવામાં કોઈ કચાશ ન રાખી. દિગ્ગજ શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ફૈયાઝખાનના શિષ્ય ગુલામરસૂલખાન ત્યાં નિયમિત પોતાની કળા રજૂ કરતા. એ દિવસોમાં ઈલેક્ટ્રીસીટી ન હોવાથી માઈક જેવી સુવિધા તો શક્ય જ ન હતી. એ સંજોગોમાં પણ ઉસ્તાદજી પોતાના અવાજની બુલંદી વડે છેવાડાના શ્રોતા સુધી પોતાની ગાયકીને પહોંચાડતા એ બાબતથી અંબરીષભાઈ ખાસ્સા પ્રભાવીત થતા રહેતા. વળી આટલી બુલંદી વાળો અવાજ આટલો કોમળ પણ હોય એ હકિકત એમને બાળવયે ખુબ જ આશ્ચર્યચકિત કરી જતી. ધીમે ધીમે આવા સંગીતમેળાવડાઓ વડે એમનાં રસ રૂચી સંગીત તરફ કેળવાવા લાગ્યાં.

જીવનનાં પહેલાં અઢાર વર્ષ એમણે લૂણાવાડામાં ગાળ્યાં. એક બાજુ શાળાકિય અભ્યાસ ચાલ્યો અને બીજી બાજુ સંગીત પ્રત્યે પ્રીતી વધતી ચાલી. એ સમયગાળામાં લૂણાવાડા સ્થિત હિરાભાઈ પાઠક નામેરી સજ્જને એમને હાર્મોનિયમ વગાડતાં શીખવ્યું. આ તાલિમ ચાલુ હતી અને મુંબઈ નિવાસી એવા વિનોદ જોશી નામના એક સંગીતકાર લૂણાવાડા આવી ને સ્થાયી થયા. અંબરીષભાઈએ એમની પાસે મેન્ડોલીન શીખવાનું શરૂ કર્યું. આમ શાળાકિય અભ્યાસ પૂરો કરતાં સુધીમાં એમણે હાર્મોનિયમ અને મેન્ડોલીન વગાડવા ઉપર ખાસ્સી હથોટી કેળવી લીધી. એ સિફતથી આ બન્ને વાદ્યો વગાડતા થઈ ગયા. જો કે આ શાસ્ત્રીય તાલિમ ન હતી.  

મેટ્રીક પાસ કરી ને આગળ અભ્યાસ માટે અંબરીષભાઈએ અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. અહીં એમની પ્રતિભા નિખરવા લાગી. આ કૉલેજના ખુબ જ વિદ્વાન અધ્યાપકો વિદ્યાર્થીઓની અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ ઊંડો રસ લઈ, એમને જે તે ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા હતા. અંબરીષભાઈ ખાસ કરી ને લબ્ધપ્રતિષ્ઠીત એવા પ્રાધ્યાપક ધીરુભાઈ ઠાકરનો ઉલ્લેખ ખુબ જ આદરથી કરે છે. અહીં મળેલા પ્રોત્સાહનની અસર હેઠળ એમણે સને ૧૯૫૩માં યોજાયેલા એક કાર્યક્રમનું પૂરું સંગીત સંચાલન કરી, ખાસ્સી પ્રશંસા મેળવી. હવે એ આ ક્ષેત્રના જાણકારોની નજરે ચડવા લાગ્યા. આને પરિણામે એમને નિયમીત રીતે કાર્યક્રમો મળવા લાગ્યા.

એ સમયે સુગમ સંગીતના કાર્યક્રમોની બોલબાલા હતી. અંબરીષભાઈ કુશળ ગાયક તરીકે પણ નીખરી રહ્યા હતા. આથી એમને અવારનવાર જાહેરમાં ગાવાની તક મળ્યા કરતી. વળી તે સારા વાદક અને વાદ્યવૃંદ સંચાલક પણ પૂરવાર થતા આવતા હતા. સુગમ સંગીતના કાર્યક્રમોમાં ઝાઝાં વાજીંત્રોનું બનેલું મોટું વાદ્યવૃંદ હોય એવું તો ભાગ્યે જ બનતું. પરિણામે સ્ટેજ ઉપર કાર્યક્રમની રજૂઆત દરમિયાન એના સંચાલન માટે બહુ જહેમત ઉઠાવવી નહોતી પડતી. આ રીતે ધીમી અને મક્કમ ગતિથી અંબરીષભાઈનો ગાયન તેમ જ વાદ્યવૃંદ સંચાલન માટેનો આત્મવિશ્વાસ વધતો ચાલ્યો. એક નવી દિશા એ ખુલી કે સને ૧૯૬૦-૬૧ના સમયગાળામાં અમદાવાદમાં ‘આ માસનું ગીત’ શિર્ષક અંતર્ગત સુગમ ગીતોની રજૂઆતનો એક નવતર પ્રયોગ શરૂ થયો. ટાઉનહૉલના સ્ટેજ ઉપરથી પ્રતિમાસ નવું ગુજરાતી ગીત રજૂ થાય અને એ મારફતે નવા નવા કલાકારોને તક મળતી રહે એ હેતુથી શરૂ કરાયેલા આ ઉપક્રમના મોટા ભાગના કાર્યક્રમોના સંગીત સંચાલનની જવાબદારી અંબરીષભાઈના શીરે રહેતી અને યુવા વયે એમણે એનું સુપેરે વહન પણ કર્યું. આ પ્રવૃત્તિ દરમિયાન અંબરીષભાઈએ ક્ષમતાથી ભરપૂર એવી એક યુવાન ગાયિકાને પહેલી વાર જાહેરમાં ગાવાની તક આપી. આ તકનો ઉપયોગ કરી ને એ સન્નારી, નામે હંસા દવે, આગળ જતાં ગુજરાતી સુગમ સંગીતનાં ખુબ જ પ્રતિષ્ઠીત અને સન્માનનીય કલાકાર બની રહ્યાં. આવા એક કાર્યક્રમમાં ખ્યાતનામ સંગીતકાર અવિનાશ વ્યાસ મુખ્ય મહેમાનપદે ઉપસ્થીત રહ્યા હતા. યુવાન અંબરીષભાઈના સંચાલનથી એ ખુબ જ પ્રભાવિત થયા અને એમણે જાહેરમાં એ બાબતનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ અને આવી અન્ય પ્રવૃત્તિઓ વડે અંબરીષભાઈને રાસબિહારી દેસાઈ અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા એ સમયના ઉભરી રહેલા કલાકારો સાથે અંગત સંબંધ બંધાયો, જે એ ત્રણે ય કલાકારોની પોતપોતાના ક્ષેત્રે થતી રહેલી અસાધારણ પ્રગતિ જેટલો જ મજબૂત અને કાયમી બની રહ્યો છે.

અંબરીષભાઈની પ્રવૃત્તિના આરંભનાં વર્ષોમાં ફિલ્મી ગીતોની સ્ટેજ ઉપરથી રજૂઆત કરતા કાર્યક્રમો એકદમ ઓછા પ્રમાણમાં થતા. સને ૧૯૬૦ અને પછીનાં વર્ષોમાં મહેશકુમાર એન્ડ પાર્ટી, હુસૈની પાર્ટી, કે પછી ફરીદ છીપા એન્ડ પાર્ટી જેવા કલાકારોનાં જૂથો નાના પાયે છૂટાછવાયા કાર્યક્ર્મો દ્વારા ફિલ્મી ગીતોની રજૂઆત કરતાં. અંબરીષભાઈએ નોંધ્યું કે જનસામાન્યની રુચી આવા કાર્યક્રમો તરફ પણ આકર્ષાવા લાગી હતી. જો કે હજી એમની પ્રવૃત્તિઓ સુગમ સંગીત પૂરતી મર્યાદિત હતી. એવામાં અમદાવાદમાં એક નવા જૂથનો ઉદય થયો, જેણે ફિલ્મી ગીતો પીરસવાં શરૂ કર્યાં.એ હતા પેટ્રીક માર્ક્સ, નવીન ગજ્જર અને એમના સાથીદારો. આવા કલાકારોને અને એમના કાર્યક્રમોને જે ઝડપથી લોકસ્વીકૃતિ મળવા લાગી એ જોતાં અંબરીષભાઈને આ પ્રકારના કાર્યક્રમો પણ કરવાની ઇચ્છા બળવત્તર થતી ચાલી. આમ ને આમ વિચારવામાં આઠેક વર્ષ નીકળી ગયાં. આખરે સને ૯ એપ્રીલ, ૧૯૬૯ના દિવસે અંબરીષભાઈએ ‘વિસ્તરતા સૂર’ શિર્ષક અંતર્ગત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ પહેલી વાર સ્ટેજ ઉપરથી રજૂ કર્યો. અવિનાશ વ્યાસના મુખ્ય મહેમાનપદ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો. પહેલા જ પ્રયત્નને મળેલી સફળતાથી પ્રોત્સાહિત થયેલા અંબરીષભાઈ નિયમિત ધોરણે આવા કાર્યક્રમોનું આયોજન કરવા લાગ્યા. ધીમે ધીમે કાર્યક્ર્મમાં વૈવિધ્ય ઉમેરવાના પ્રયત્નો ચાલુ કર્યા. જેમ કે મદનમોહનનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો, કલ્યાણજી-આણંદજીનાં સંગીતબદ્ધ કરેલાં ગીતો,  મહંમદ રફીએ સાથી કલાકારો સહ ગાયેલાં યુગલગીતો, રાજ કપૂરની ફિલ્મોનાં ગીતો, વિગેરે વિષયો આધારીત ગીતોના કાર્યક્રમો તેમણે રજૂ કર્યા. એમાં પણ ‘સરગમ’  શીર્ષક અંતર્ગત શાસ્ત્રીય રાગો પર આધારીત ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તો અતિશય સફળતાને વર્યો. સને ૧૯૭૪ની ૨૪ ડીસેમ્બરના રોજ રજૂ થયેલા આ કાર્યક્રમનું શબ્દસંચાલન રાસબિહારી દેસાઈ જેવા સુગમ સંગીતના હાડોહાડ સમર્પિત એવા કલાકારે સામેથી સ્વીકારી ને કર્યું હતું. અંબરીષભાઈએ કહ્યું, “મારી સમગ્ર કારકિર્દીની યશકલગી સમાન આ કાર્યક્રમ હતો. હજી પણ મને એ યાદ કરાવનારાઓ મળે છે.” એ અરસામાં ઈલેક્ટ્રોનીક વાદ્યોનો દોર ચાલુ થઈ ગયો હતો પણ અંબરીષભાઈ પોતાના કાર્યક્રમોમાં સિતાર, સારંગી, દીલરુબા, ટ્રમ્પેટ, શરણાઈ જેવાં વાદ્યોનો અવાજ એવાં ઈલેક્ટ્રોનીક વાદ્ય વડે ઉત્પન્ન કરવાને બદલે જે તે મૂળ વાદ્યનો  જ આગ્રહ રાખતા. એમની આ ચોકસાઈ એ હદ સુધીની હતી કે ફિલ્મ ‘નવરંગ’નું ગીત ‘તુ છૂપી હૈ કહાં’ રજૂ કરવાનું હોય ત્યારે એમાં વાગતા ઘંટારવની અસર ઉભી કરવા માટે નવ અલગ અલગ સૂરથી વાગતા ઘંટ સાથે રાખી, એ વગડાવતા!

ફિલ્મી દુનીયાનાં બહુ મોટાં અને પ્રતિષ્ઠીત માથાં સાથે અંબરીષભાઈને ખુબ જ સારા સંબંધો રહ્યા છે. એમની આ મેઘધનુષી મહેફીલના માનવંતા મહેમાનો  વિશે એક પછી એક જાણકારી મેળવીએ.

નૌશાદ:  સને ૧૯૬૯-૧૯૭૧ દરમિયાન અંબરીષભાઈ મુંબઈ ખાતે મહિને સાતથી આઠ કાર્યક્રમો કરતા હતા. આવા લગભગ સીત્તેરેક કાર્યક્રમો થઈ ગયા પછી એ સમયના વિખ્યાત મીમીક્રી કલાકાર કાંતિ પટેલ એમને નૌશાદની મુલાકાતે લઈ ગયા. આ પહેલા જ પરિચયથી પરસ્પર સ્નેહગાંઠ બંધાઈ ગઈ. એમણે અનુકૂળતાએ અંબરીષભાઈના એકાદ કાર્યક્રમમાં હાજરી આપવાનું સ્વીકાર્યું. ખરેખર તો એ બોલેલા, “આપકા હુકમ સર આંખોં પે”. એ મુજબ સને ૧૯૭૪ની ૧૬ ઑક્ટોબરના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નૌશાદ હાજર રહ્યા. એ અંબરીષભાઈ માટે ખાસ બની રહ્યો, કારણ કે એ એમનો જન્મદિવસ હતો! અમદાવાદના ટાઉનહોલમાં નૌશાદજીને સ્ટેજ સુધી લઈ જતાં ખાસ્સો સમય લાગી ગયો હતો, કારણકે એમને નજીકથી જોવા માટે મોટી ભીડ એકત્રીત થઈ ગઈ હતી અને લોકો એમના પગમાં પડતું મૂકતા હતા. પછી તો આ સંબંધ ખુબ જ ગાઢ બની ગયો. જ્યારે અંબરીષભાઈનો કાર્યક્રમ મુંબઈમાં હોય, ત્યારે ઘણી વાર નૌશાદ એમાં હાજરી આપતા. તેઓ અંબરીષભાઈના હાર્મોનિયમ વાદનથી અને અંબરીષભાઈનાં પત્નિ (હવે સ્વર્ગસ્થ)ઈંદીરાબહેનની ગાયકીથી ખુબ જ ખુશ હતા. ઈંદીરાબહેન માટે તો “યેહ મેરી શમશાદ બેગમ હૈ” એમ કહેતા. 
નૌશાદ સાથે પરીખ દંપતી
બહુ ઓછા લોકો જાણે છે કે નૌશાદ ગુજરાતી સારું બોલી શકતા. ઘણી વાર એ પરીખ દંપતી સાથે ગુજરાતીમાં વાતો કરતા. ખાસ નોંધનીય વાત તો એ છે કે નૌશાદના મ્યુઝીક રૂમમાં દિલીપકુમાર અને શકીલ બદાયૂનવી જેવી બહુ ઓછી હસ્તીઓને જવા મળતું. એમાં અંબરીષભાઈને પ્રવેશનું કાયમી નિમંત્રણ હતું! પોતાની આત્મકથાના વિમોચન સમયે સંગીતનો કાર્યક્રમ અંબરીષભાઈના સંચાલનમાં થાય એવો આગ્રહ નૌશાદે રાખ્યો હતો. મારે નૌશાદ સાહેબનાં ચરણોમાં બેસવું હતુ, પણ એમણે તો મને પોતાના હ્રદયમાં બેસાડ્યો” કહેતાં અંબરીષભાઈની આંખોમાં ચમક આવી જાય છે. નૌશાદજીની ચીર વિદાય પછી પણ એમના પુત્ર અંબરીષભાઈ સાથે સંબંધ રાખે છે.

મહંમદ રફી: આ સંબંધની વિગતો અંબરીષભાઈના શબ્દોમાં જ માણવા જેવી છે.
 “સને ૧૯૭૬માં અમદાવાદના પોલીસ સ્ટેડીયમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રફી સાહેબે હાજરી આપી હતી. સંગીત સંચાલન મારું હતું. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં એમાં રજૂ થનારાં ગીતોની યાદી રફી સાહેબે જોવા માંગી. એ જોયા પછી મને પૂછ્યું કે આવાં જૂનાં અને અજાણ્યાં ગીતોને ઓડીયન્સ સ્વીકારશે? મેં ભરપૂર આત્મવિશ્વાસથી કહ્યું કે ચોક્કસ સ્વીકારશે. ખરેખર એવું બનતાં રફી સાહેબ મને કાર્યક્રમ પૂરો થયે ભેટી પડેલા.”
મહંમદ રફી દ્વારા સન્માન 
“આ ઘટનાનાં થોડાં વર્ષો પછી એક સવારે હું મારા બગીચાના હિંચકે બેઠો હતો, એવામાં એક કાર મારા દરવાજે આવી અને એમાંથી એક અજાણ્યા સજ્જન ઉતર્યા અને અંદર આવ્યા. એમણે મને કારમાં બેઠેલા વ્યક્તિ બોલાવી રહ્યા હોવાનું કહી, બહાર આવવા કહ્યું. કાર પાસે જઈ, અંદર જોતાં જ હું તો આભો બની ગયો, એમાં રફી સાહેબ બેઠા હતા! એક કાર્યક્રમ માટે એમને માટે જે હાર્મોનિયમની વ્યવસ્થા કરવામાં આવે હતી એ એમને અનુકૂળ ન પડવાથી એ મારું હાર્મોનિયમ લેવા આવ્યા હતા. એ સમયે તો બહુ ઉતાવળમાં હોવાથી મારા આગ્રહ છતાં ઘરમાં ન આવ્યા, પણ ફરી ચોક્કસ આવવાનો વાયદો કરી ને ગયા. જો કે એ દિવસ ક્યારે ય ન આવ્યો. ખેર, મારા હાર્મોનિયમ ઉપર એમની આંગળીઓ ફરી એ હકિકતથી મને સારું હાર્મોનિયમ વસાવ્યાનો પૂર્ણ સંતોષ થયો.”

આ હાર્મોનિયમ અંબરીષભાઈએ સને ૧૯૬૦માં રામસિંહ નામના પ્રખ્યાત કારીગર પાસે ખાસ ઓર્ડરથી બનાવરાવ્યું છે. સવા ચાર સપ્તક, સાત ધમણ અને સ્કેલ ચેન્જની સુવીધા ધરાવતું આ હાર્મોનિયમ હજી પણ એમની આંગળીઓ ફરતાં જ જીવંત થઈ ઉઠે છે. એક નમૂનો માણીએ.



રાજ કપૂર: ગાયક મુકેશની સ્મૃતીમાં સને ૧૯૭૭માં ગાયકો માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૪૦૦ હરીફોમાંથી ચૂંટાયેલા ૧૬ હરીફોની અંતિમ સ્પર્ધા અમદાવાદમાં યોજાઈ હતી, જેમાં સંગીત સંચાલન અંબરીષભાઈનું હતું. વિજેતાને મુકેશ ટ્રોફી અર્પણ કરવા રાજ કપૂર આવ્યા હતા. એ અંબરીષભાઈના દેખાવથી ખુબ જ પ્રભાવિત થયા. ભોજન સમયે એમણે અંબરીષભાઈ સાથે ખુબ જ વાતો કરી અને આયોજકો પાસે એમની ક્ષમતાનાં વખાણ કર્યાં. આ રીતે અમદાવાદને ગૌરવ અપાવવા બદલ અહીંની પ્રતિષ્ઠીત ઓરીએન્ટ ક્લબના અધિષ્ઠાતાઓએ અંબરીષભાઈને આજીવન સભ્યપદ આપી, એમનું બહુમાન કર્યું.



દિલીપકુમાર: આ કલાકાર એમના સંગીતપ્રેમ અને એ માટેની ઊંડી સમજ માટે જાણીતા છે. એ અંબરીષભાઈથી કેટલા ખુશ હશે એ વાતની પ્રતિતી એ બાબતથી થાય કે એમણે અંબરીષભાઈના પાંચ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી છે. એમાં પણ અમદાવાદની સી.એન.વિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે તો એમણે અચાનક અંબરીષભાઈને બોલાવ્યા અને ઉક્ત કાર્યક્રમમાં સ્વયં ગાવાની ઈચ્છા દર્શાવી. એમણે કહ્યું, “મને ખ્યાલ છે કે આવી રીતે અચાનક અને કોઈ તૈયારી વિના ગાઉં તો તમારા વાદકોને તકલીફ પડે. પણ હું તો તમે આપો, એ સૂરથી ગાઈશ.” અને ખરેખર, એમણે સ્ટેજ ઉપરથી બે ગીતો રજૂ કરી, શ્રોતાઓને ખુશ કરી દીધા.

દિલીપકુમાર દ્વારા સન્માન
દિલીપકુમાર અંબરીષભાઈની સંગતમાં
ખય્યામ: મુંબઈમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન મળવાનું બનતું રહેતું હોવાથી અંબરીષભાઈને આ સક્ષમ સંગીત નિર્દેશક સાથે સુદ્રઢ સંબંધ બંધાયેલો. ખય્યામને એમને માટે કેટલો આદર હતો એની પ્રતિતી કરાવતી એક ઘટના સને ૨૦૦૫માં ઘટી. એ વર્ષની ૧૯મી જૂનના રોજ વડોદરા મુકામે ખય્યામના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથેની સંગીત સંધ્યામાં સંચાલન અંબરીષભાઈનું હોય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાર્યક્રમના થોડા જ દિવસો અગાઉ અંબરીષભાઈનાં પત્નિ ઈંદીરાબહેનની તબિયત ખરાબ થઈ ગઈ અને અંબરીષભાઈ એમાં જઈ શકે એવી કોઈ જ શક્યતા ન રહી. આ જાણ ખય્યામને થતાં જ એમણે આયોજકોંને સૂચન કર્યું કે કાર્યક્રમ વડોદરાને બદલે અમદાવાદમાં થાય એવી વ્યવસ્થા કરો. એમ જ થયું અને એ કાર્યક્રમમાં ખય્યામની સાથે સાથે અંબરીષભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું.

આ ઉપરાંત અંબરીષભાઈએ મુકેશ અને મન્નાડે જેવા પાર્શ્વગાયકો સાથે સ્ટેજ કાર્ય્ક્રમોમાં સંગીત નિયોજન સંભાળ્યું છે. એમને સી.રામચંદ્ર, જયદેવ, સલીલ ચૌધરી, તલત મહેમુદ, સુરૈયા, કલ્યાણજી-આણંદજી અને જગમોહન તેમ જ દિલીપ ધોળકીયા, અજિત મરચન્ટ, અવિનાશ વ્યાસ, મનહર ઉધાસ, હંસા દવે અને બીજાં અનેક સંગીતનાં આરાધકો સાથે અંગત સંબંધો રહ્યા છે. 

તલત મહેમૂદ સાથે
દિલીપ ધોળકીયા સાથે
પુરુષોત્તમ ઉપાધ્યાય અને રાસબિહારી દેસાઈ સાથેની એમની ગાઢ મૈત્રીનો ઉલ્લેખ શરૂઆતમાં થઈ ગયો છે. વિશ્વવિખ્યાત જાદૂગર કે.લાલ સાથે પણ એમને આજીવન મૈત્રી બની રહી. 

કે.લાલ સાથે
આ ઉપરાંત કમલેશ આવસત્થી અને શબ્બીરકુમાર જેવા કલાકારોને એમની કારકિર્દીની શરૂઆતમાં અંબરીષભાઈએ ચમકાવ્યા હતા. આગળ જતાં આ બંને ફિલ્મોમાં પાર્શ્વગાયનના યશસ્વી પડાવ સુધી પહોંચ્યા. આ વાતો કરતાં એમની આંખોમાં અનેરી ચમક આવી જાય છે અને કહે છે, “હું અત્યંત નસીબદાર છું ભાઈ. આ બધી મા સરસ્વતીની કૃપા છે, બાકી આ વાણીયાને કોણ ઓળખે!”

ત્રીજા તબક્કાની મુલાકાતના અંતભાગમાં એમણે ખુલી ને વાતો કરી. ખાસ તો વધતી જતી ઉમર સાથે ઓછી થયેલી ગળાની મીઠાશનો ઉલ્લેખ કર્યો. એમણે કહ્યું, “એ તબક્કો આવ્યા પછી મેં ગાવાનું ઓછું કરી નાખ્યું. પૂરા કાર્યક્રમમાં માત્ર દોઢ ગીત ગાતો. દોઢ ગીત એટલે એક સોલો ગીત અને બીજું યુગલ ગીત, આમ કુલ મળી ને દોઢ! જ્યારે લાગ્યું કે ગાયકીની ગુણવત્તા ઓછી થઈ છે ત્યારે મેં લોકોને અન્ય રીતે પણ મનોરંજન આપવાનું શરૂ કર્યું. જેમ કે મારું અને ઈંદીરા(એમનાં પત્નિ)નું યુગલગીત ‘મીલતે હી આંખેં દિલ હુઆ દીવાના કિસીકા’ એટલું લોકપ્રિય હતું કે દરેક કાર્યક્રમમાં એ તો ગાવું જ પડતું. આ ગીતની રજૂઆત પહેલાં હું કહેતો કે ‘અસલ ગીત શમશાદ બેગમ અને તલત મહેમુદના સ્વરમાં છે, અહીં આપની સમક્ષ શમ’શેર’ બેગમ અને ‘ગ’લત મહેમૂદ રજૂ કરશે’ અને પાછલી હરોળોમાંથી તાળીઓના ગડગડાટ થતા. એક કાર્યક્રમની શરૂઆતમાં એક ખુબ જ જાણીતાં અને અત્યંત સ્થૂળકાય કલાકાર મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ ઉપરથી બોલ્યાં, ‘હવે થોડા સમય પછી અંબરીષભાઈના કાર્યક્રમોમાં ચકલાં ય નહીં ફરકે.’ એ કલાકારે કરેલી ટકોર મારા માટે બહુ આનંદદાયક ન હતી. એવા સંજોગોમાં એમને સામો જવાબ પણ કેવી રીતે અપાય! પણ મને એ જ ક્ષણે જવાબ સ્ફુરી આવ્યો. મારા હાથમાં માઈક્રોફોન આવ્યું ત્યારે મેં કહ્યું, ‘આવનારા દિવસોમાં ભલે ચકલાં ન ફરકે, આજે મારા કાર્યક્રમમાં હાથી ફરક્યો છે, એનો મને આનંદ છે.’ આવાં આવાં ગતકડાં પણ શ્રોતાગણને ખુશ રાખવા માટે કરવાં પડતાં. બધાં જ શ્રોતાઓ સંગીતની બારીકીઓને માણનારાં સુજ્ઞ થોડા હોય?”

અંબરીષભાઈના સુવર્ણકાળમાં વીડીઓ રેકોર્ડીંગની સુવિધા ન હતી એથી એ વખતની કોઈ જ સામગ્રી ઉપલબ્ધ નથી. યુ ટ્યુબ ઉપરથી એ સ્ટેજ ઉપર હોય એવા બે અલગ અલગ વીડીઓ મળ્યા છે, જે અહીં મૂક્યા છે.


અત્યારે ૮૩ વર્ષની પાકટ વયે પણ અંબરીષભાઈ જાતે કાર ચલાવી પૂરા અમદાવાદમાં ઘૂમે છે! મને એમનો પરિચય કરાવી, આ મુલાકાત માટે ત્રણે ય વાર મારી સાથે રહેનારા મિત્ર ચંદ્રશેખર વૈદ્યને અને મને એક પણ વાર આગ્રહ અને પ્રેમપૂર્વક ચા-નાસ્તો કરાવ્યા વિના છોડ્યા નથી. 
અંબરીષભાઈ(વચ્ચે) અને ચન્દ્રશેખર વૈદ્ય(જમણે)સાથે સેલ્ફી
છેલ્લે છૂટા પડતી વેળાએ એમણે સમય સમયે યોજાતી રહેતી અમારી કેટલાક મિત્રોની ચા-ભજીયાં પાર્ટીમાં સામેલ થવાનું વચન આપ્યું છે. ખરેખર, એમના લાગણી નીતરતા વ્યવહારથી ભીંજાય એ સૌ સ્વીકારશે કે ‘વિસ્તરતા સૂર’ના આયોજક અંબરીષભાઈ સ્વયં એક વિસ્તરતા જણ છે.

સૌજન્ય સ્વીકાર:  અંબરીષ પરીખનો પરિચય અને મુલાકાત માટે ચંદ્રશેખર વૈદ્યનો આભાર.
                   તસવીરો  અંબરીષભાઈના સૌજન્યથી મળી છે.
                   વીડીઓઝ યુ ટ્યુબ પરથી લીધા છે, આ સામગ્રીનો વ્યવસાયીક ઉપયોગ થશે નહીં.