Thursday 18 August 2016

હમવતન, હમજુબાં કિરદારો

અમે ભાવનગરનાં વતનીઓ એવું માનતાં હોઈએ છીએ કે, અમારામાં સંગીત, લલિત કલાઓ અને સાહિત્યનો બહુ મહિમા છે અને એ વિષેની  ઉંડી સમજણ અમારા જેટલી અન્ય નગરીઓનાં વતનીઓમાં નહીં હોતી હોય! અમે આ ગામને સંસ્કારનગરી તરીકે ઓળખાવવાનો આગ્રહ પણ રાખતાં હોઈએ છીએ. અલબત્ત, બીજી નગરીઓનાંં નિવાસીઓ અમારી માન્યતાને બહુ પુષ્ટી નથી આપતાંં, સિવાય કે એમને ભાવનગરમાં કોઈ જાહેર કાર્યક્રમ, પ્રદર્શન, કવિ સંમેલન કે સભાઓ જેવાં આયોજનો કરવાં હોય! અન્યથા ઘણાંંઓ તો બહુ નમ્ર નહીં એવા અંદાજમાં પણ પોતાનો વિરોધ  પ્રગટ કરી લેતાંં હોય છે. જો કે એનાથી અમે લોકો અમારી માન્યતામાંથી બહુ વિચલીત થતાંં નથી. બને છે એવું કે, યોજાયેલ સભાઓ કે અન્ય કાર્યક્રમોમાં વક્તાઓ/સંચાલકો/કલાકારો એમનો ધર્મ નિભાવવા જેમ કોઈ પણ ગામમાં કહે, એમ એકાદ બે વાર ભાવનગર અને ભાવનગરીઓ માટે પણ  મીઠાં વેણ અચુક ઉચ્ચારતાંં હોય છે અને એવે વખતે ત્યાં ઉપસ્થિત એવાં અમે ભાવનગરીઓ એક બીજાં સામે ડોકાં ધુણાવી, ‘જોયું, આપણે જે માનીએ છીએ એ સાચું જ છે ને!’ એવી લાગણી પરસ્પર વ્યક્ત કરી લઈએ છીએ. કુછ બાત હઈ કી મીટતી નહીં હઈ યહ સોચ હમારી. ખેર મજાકની વાત મજાકની જગ્યાએ રાખીએ. દરેક ગામ કે શહેરને એની આગવી વિશિષ્ટતા હોય, એમ જ ત્યાંનાં વતનીઓની પણ કેટલીક ખાસિયતો હોવાની. આ બધાનાં ભૌગોલિક અને સામાજિક કારણો હોય, જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. વળી તટસ્થતાથી જોતાં એવું  તારણ નીકળી શકે કે, વતનનો મહિમા વતનથી દૂર રહ્યાથી વધુ થાય છે.
આટલી પ્રસ્તાવના બાદ અહીં બે અલગ અલગ પ્રસંગો વિષે વાત કરવી છે, જેમાં ત્રણ પાત્રોમાં પ્રગટ થતી અસલ ભાવનગરી ખાસિયતનો પરિચય થાય. અમારા લોકોનાં કેટલાંક સામાન્ય લક્ષણોમાંનું એક એ છે કે, મોટા ભાગનાં લોકો હળવા, ખાસ કરીને ફિલ્મી સંગીતનાંં શોખીન હોય છે. આ શોખને માણવાના દોરમાં સામાજિક, આર્થીક કે અન્ય કોઈ દરજ્જા આડા નથી આવતા હોતા. આ વાતની પુષ્ટી કરે, એવી બે વાત કરવી છે.
નવેમ્બર, 1974ની એક રાત:

પહેલાં આ ઘટનામાં ઉલ્લેખાયેલ બે પાત્રોનો ટૂંક પરિચય.. . . . . . . 
1) જસુભાઈ શેઠ ----- આજ થી પાંચેક દાયકા પહેલાં ભાવનગરનાં અતિશય અમીર કુટુંબોમાં પ્રભુદાસ શેઠના કુટુંબની ગણત્રી થતી. 'સી.પ્રભુદાસની કંપની' નામે વિખ્યાત એ કુટુંબે સને 1973-74ની આસપાસ 'પૉલી સ્ટીલ' નામે ખુબ જ મહત્વાકાંક્ષી પ્રકલ્પ શરુ કરેલો. એના પ્રણેતા હતા જસુભાઈ, જે 'જસુભાઈ શેઠ'ના નામે દેશભરમાં જાણીતા થઇ ગયેલા. કારણ, પૉલી સ્ટીલ’ નો પબ્લિક ઇસ્યુ બહાર પડેલો, અને લોકોને કંપની માટે બહુ ઉજળા ભવિષ્યની અપેક્ષા હતી. એ દિવસો ‘રીલાયન્સ’ના ઉદયના હતા.ચાની ‘હોટેલું’એ અને પાનની દુકાનોએ જમા થતા ભાવનગરના ઉત્સાહીઓ વચ્ચે એવી વાતો પણ થતી કે, “ઈવડા ઈ અંબાણીને તો આપડા જસુભાઈ ક્યાં ય ટોલી(પાછા પાડી) દેવાના છે.” ભલે પછી જસુભાઈને ક્યારે ય એવો વિચાર સ્વપ્ને ય ન સ્ફુર્યો હોય! ખુબ જ અમીર એવા ઉદ્યોગપતિ કુટુંબના નબીરા અને અતિ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિક હોવા છતાં જસુભાઈ જાહેર વ્યવહારમાં માન્યામાં ન આવે એટલા સરળ અને શાલિન હતા.
2) બાબુભાઈ ----- ડોનના ચોકમાં સૌથી વધુ જાણીતા લોકોમાં બાબુભાઇનું નામ આવે. જેમ જસુભાઈ 'શેઠ' તરીકે ઓળખાતા, એમ બાબુભાઈ, 'બાબુ લારી' તરીકે ઓળખાતા. લારીમાં માલસામાન ફેરવવાની મજુરી કરતા. કેટલીક વાર ઉમરલાયક વડીલો, જેમને ઘોડાગાડી ન પોસાય, એમને બાબુભાઈ લારીમાં બેસાડી ફેરવતા, એ નજરે જોયું છે! બાબુભાઈની આર્થિક હાલત વિષે વધુ ન કહેતાં એટલું જણાવવું કાફી છે કે, ભર ઉનાળામાં પણ તીવ્ર ગરમીના કલ્લાકોને બાદ કરતાં તે ચંપલ ન પહેરતા. "ઘસારો ઓસો પોસે ને ખાહડાં વધુ હાલે", એવો તર્ક સમજાવે. ડોનમાં એમની લારીના 'ઇસ્ટેન્ડ' પાસે સોડાની દુકાન હતી, એ સોડાનું અને બીડીનું બાબુભાઈને બંધાણ.
આટલી પૂર્વભૂમિકા પછી હવે મૂળ વાત.
સને 1974ના નવેમ્બરમાં ભાવનગરમાં હેમંતકુમારના સ્ટેઇજ કાર્યક્રમનું આયોજન થયેલું. હું બરાબર એ જ દિવસે ભાવનગર પહોંચ્યો. મારા નિરંજનકાકા આગળ આ કાર્યક્રમ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં એમણે તરત જ હા ભણી. કાકા અને હું સ્થળ ઉપર ગયા, ત્યારે  હાઉસફુલ’ નું બોર્ડ જોવા મળ્યું. કાકા કહે, "તને આજે ગમ્મે એમ કરી, કાર્યક્રમમાં લઇ જ જાઉં." કાળાબજારમાં 20 રૂ. ની ટીકીટ રૂ. 30 માં લઇ, અંદર ગયા, તો બીજી જ લાઈનમાં નંબર! હજી કાર્યક્રમ શરુ નહોતો થયો. એવામાં કાકાને ઉદ્દેશીને પાછળથી મોટો અવાજ આવ્યો, "ઓહોહોહો, નિરંજનભાઈ, ટીકીટ સીધ્ધી લીધી, કે બ્લેકમાં?"  જોયું, તો બાબુલાલ! એ અમારી પાછળની જ લાઈનમાં બેઠેલા. એટલે એ જમાનામાં લગભગ બે દિવસની કમાણી 'સીધ્ધી ટીકીટ' લીધી હોય, તો પણ વાપરી નાખી હશે! થોડી વાર થઇ, ત્યાં તો એ જ લહેકામાં બાબુભાઈએ ફરીથી ત્રાડ નાખી, "ઓહોહોહોહો, જસુભાઈ શેઠ, તમે ય આવ્યા સો ને કાંઈ?" સૌથી આગળની હરોળમાં બિરાજમાન  જસુભાઈને સીધ્ધી ટીકીટ કે બ્લેકની એવું  પુછાય, એવી સમજણ અલબત્ત, બાબુભાઈમાં હતી. જસુભાઈએ પાછળ ફરી, સૌજન્ય બતાવ્યું.  "અરે વાહ! બાબુ, તું ય આવ્યો છો?"  બાબુભાઈએ તો પૉલીસ્ટીલ બાબતે પણ બે ત્રણ સવાલો કર્યા હોત, પણ કાર્યક્રમ શરુ થઈ ગયો. જ્યારે ઈન્ટરવલ પડ્યો, તો ‘સોડા-બીડી’ માટે બહાર જઈ, પાછા આવતી વખતે બાબુભાઈ એક પડીકું ભરીને ખારી શીંગ લેતા આવ્યા. કાકાને અને મને  “લ્યો, બબ્બે દાણા” કહી, શીંગ ખાવા આગ્રહ કર્યો. હવેની વાત સહેલાઈથી ગળે ન ઉતારે એવી છે. બાબુભાઈએ થોડા ઉંચા થઈ, હાથ લંબાવી, સૌથી આગળની હરોળમાં બેઠેલા જસુભાઇને શીંગ ધરી અને જસુભાઈએ હસીને ‘બબ્બે દાણા’ શીંગ લીધી પણ ખરી! એક ઉઘાડપગા લારી ખેંચતા મજુર અને શહેરના (તે સમયના) પ્રથમ ક્રમના રઈસ વચ્ચે જો કશું પણ સામાન્ય હોય, તો તે સંગીત માટે નો રસ. હેમંતકુમારના અવિસ્મરણીય કાર્યક્રમની સાથે 'બાબુ લારી' અને 'જસુભાઈ શેઠ' વચ્ચે ઘટેલ ઘટના પણ યાદમાં જડાયેલી છે.
જો કે ઉપર્યુક્ત બનાવ પછી એકાદ વરસમાં જ પૉલી સ્ટીલ પ્રકલ્પ અહીં અપ્રસ્તુત એવાં કારણોથી બંધ થઇ ગયો. પણ આ ઘટના સમયે તો જસુભાઈનો સિતારો બુલંદીએ હતો (આટલી સ્પષ્ટતા ખાસ આ વાંચતા ભાવનગરના વતનીઓ માટે કરી).

મે, ૧૯૮૨ની એક સાંજ:
સ્નેહા અને હું અમદાવાદથી ભાવનગર આવવા ટ્રેઈનમાં નીકળેલાં. મોડી સાંજે સ્ટેશનથી ઉતરીને ઘરે જવા માટે  ઘોડાગાડીની મજા લેવાનો વિચાર થયો.. પેસેન્જરની રાહ જોતા હતા એવા એક લગભગ  65-70ની આસપાસની ઉમરના ગાડીવાનને પુછતાં તેમણે એકદમ વ્યાજબી ભાડું લેવાની વાત કરી. કોઈ જ રકઝક કર્યા વગર અમે બેસી ગયાં. એમનો ચહેરો જાણીતો લાગતો હતો, પણ ચોક્કસ ખ્યાલ આવતો નહોતો. રસ્તામાં અમારી વાતો તેઓ સાંભળતા હતા. થોડી વાર પછી જૂની ફિલ્મોનાં ગીતો વિષે વાત થતી જાણી, તેમણે પણ ઝુકાવ્યું. એમની વાતો ઉપરથી તરત જ ખ્યાલ આવી ગયો કે  સામાન્ય રસિકજન થી તેઓ ઘણું વિશેષ જાણતા હતા. પછી તો કહે, "હવે સાંભળો" અને ફિલ્મ ‘ડૉક્ટર’નું પંકજ મલ્લિકે ગાયેલ  'ચલે પવનકી ચાલ' ખુબ જ સરસ રીતે ગાઈ સંભળાવ્યું. એના પછી વારો આવ્યો અસીત બરનના ગાયેલા ફિલ્મ ‘કાશીનાથ’ના ગીત, ‘હમ ચલે વતનકી ઓર’નો. એકદમ સુર અને તાલમાં ગાય અને પાછા સંગીતના ટુકડાઓ પણ જે તે જગ્યાએ મોઢેથી વગડતા જાય. અચાનક જ આ માહોલમાંથી બહાર આવીને  એમણે મને પૂછ્યું, " તે હેં ભાઈ, તમે પ્રશ્નોરા નાગર?" હકારમાં જવાબ મળતાં જ સીધું એકવચનમાં સંબોધન આવ્યું- "તે તું અન્તુભાઈ સાહેબની દીકરીનો દીકરો છો ને?"  હવે મને પ્રકાશ લાધ્યો.તેઓ મારા સ્વ.દાદા (સૌરાષ્ટ્રમાં માના બાપને પણ દાદા જ કહેવાય છે, નાના નહીં.)ના કાયમી ગાડીવાન અલ્લારખાભાઈ હતા. આનો જવાબ મેં હકારમાં આપતાં જ તેઓની વાત કરવાની ઢબ બદલાઈ ગઈ. નાની ઉમરે મોસાળ ગયો હોઉં, ત્યારે ઘણી વાર એવું બનતું કે ‘વરદી’ ભરવા અલ્લારખાભાઈ આવે, ત્યારે દાદા એમાં બેસે એની પહેલાં ઘોડાગાડીમાં નાનકડો આંટો મારવાની મોજ માણવા મળતી. એ દિવસોની વાતો યાદ કરતાં કરાવતાં ઘર આવ્યું, એટલે અમે નીચે ઉતર્યાં. અમે કાંઈ પૂછીએ, પહેલાં સ્નેહાને પાસે બોલાવી, એના માથે હાથ ફેરવી, "બેટા કાયમ ખુશ રહો" કહી, એના હાથમાં અગિયાર રૂપિયા મુક્યા. મારી સામે જોઈ, કહે, "ને તું આમાં કાંઈ નો બોલતો, બેટા".  હું  એમની લાગણીના  પ્રભાવમાં ખરેખર જ  ‘કાંઈ નો બોલ્યો’. એ દિવસોમાં ઘોડાગાડીઓનો જમાનો ઓસરવાની શરૂઆત થઈ ચુકેલી અને પરિણામે એમની આર્થિક હાલત પણ ‘વળતે પાણીએ’ જ હોય, એ ન સમજીએ એટલાં નાદાન સ્નેહા કે હું  ન્હોતાં. પણ દાદાની પેઢીના એક પ્રતિનિધી પાસે શુકન લેવાની ના પાડવા જેટલો અવિવેક કરવાની અમારી બેમાંથી એકે ય ની હિંમત ન ચાલી. વતનના ગામમાં જવાનો આ આનંદ છે. હમખયાલ, હમજુબાં હમવતનીઓની ઉજળી બાજુઓની નોંધ લઈ, એ યાદ રાખવાની  અને વતનમાં જે કાંઈ પણ અનુકૂળ ન પડે એવું બને એને વિસારે પાડી, આવી યાદો તાજી કરી, વતનઝૂરાપો સહન કરી લેવાનો, એવો ઉપક્રમ રાખ્યો છે.


9 comments:

  1. ક્યા બાત પીયૂષ! સૌ પ્રથમ, મારા જેવા હમવતન,હમખયાલોના આગ્રહને વશ, તેં બ્લોગ ચાલુ કર્યો તે બદલ આભાર અને અભિનંદન!
    સી.પ્રભુ (ટૂંકમાં બોલાતું) અને ઘોડાગાડી યાદ દેવરાવી અતીતની ભવ્યતાનું ભાન કરાવ્યું. મારાં નિવૃત્ત જીવનની આજ, તેં 55 પાછળની આજમાં પરિવર્તિત કરી દીધી. આનાથી વધુ અભિવ્યક્ત કરવાની ક્ષમતા ગાયબ થઇ ગઈ છે!
    શેખર.

    ReplyDelete
  2. વાહ પિયુષભાઈ, તમે લાગણીઓને શબ્દને સથવારે અદભૂત રીતે પીરસો છો,બન્ને પ્રસંગો વાંચી મારી આંખો સંવેદનાભીની થઈ આવી.આવુ ભાવ-નગર માં જ બને.આવુ નિરુપણ ભાવનગરી જ કરી શકે અને કદાચ..

    ReplyDelete
  3. અલારખા ચાચા ની અને તમારી બંને ની સાથે ઘોડાગાડી માં હું પણ હોઉં એટલું સરસ શબ્દ ચિત્ર. ખુબ ગમ્યું

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. એ સમયે કલ્યાણજી આપાભાઇ તેરૈયા આચાર્ય તરીકે હતા.મારા બા આ શાળામા જ ૧૯૫૧-૧૯૬૯ દરમિયાન શિક્ષિકા હતા.મારા પિયાશ્રી મોહનલાલ મોતીચંદ હાઇસ્કૂલમા૧૯૪૬-૧૯૫૧,૧૯૫૩-૧૯૬૬ દરમિયાન આચાર્ય હતા. મારો ૧થી ૭ આ શાળા મા જ અભ્યાસ, પણ ધુડી શાળા જેવો અનુભવ નથી થયો.
      નગરશેઠ મોહનલાલ મોતીચંદ શેઠ તથા તે પરિવાર સાથે અમારે ઘરોબો, જે આજ સુધી નો છે. મોહનભાઈ નગરશેઠ નુ તા.૮-૧૨-૧૯૫૩ મા અવસાન થયેલ,ત્યારે તેઓ શહેર સુધરાઇ ના પ્રમુખ પણ હોવાથી આ ખાલી જગ્યાએ તેમના પત્ની રુક્ષ્મણીબેન શેઠ પેટા ચૂટણી મા ચુટાયેલા.આથી ૧૯૫૪-૧૯૬૨ દરમિયાન રુક્ષ્મણીબેન શેઠ શહેર સુધરાઇ ના પ્રમુખ સ્થાને સતત રહેલા. વચ્ચેના ટૂકા સમય પૂરતા દાદાભાઇ ચાપરાજભાઇ ખાચર પ્રમુખ પદે રહેલા. આથી ૧૯૬૧ મા ની નગરશેઠ વાળી વિગત ચકાસવા પાત્ર છે. જે બીજી વ્યક્તિ હાજર હતી જણાવેલ છે તે જેરામ સુખા માન્ડાણી હોઇ શકે.તમારા બાદ મા તમારા માસા શ્રી ગુણવંતભાઇ ભટ્ટ રેલ્વે ગાર્ડ તરીકે ગઢડા વસવાટ કરી ગયેલા.નગરશેઠ ની ૧૯૫૩ મા અવસાન થયેલ હોઇ જોઈ લેવા વિનંતી.
      આપની લેખન શૈલી ઘણી સરસ.વધુ પ્રદાન કરતા રહો તેવી વિનંતી
      -ચારુદત્ત પંડ્યા

      Delete
    4. ચારુદત્તભાઈ, આ લેખમાં નગરશેઠ તરીકે જેઓનો ઉલ્લેખ કર્યો છે તે શ્રી મહેન્દ્રભાઈ એટલે કે મોહનલાલ શેઠના દીકરા. તમારા પ્રોત્સાહક શબ્દો માટે આભાર.

      Delete
  4. અદ્ભૂત આલેખન.વાંચી ને જૂની યાદો તાજી થઇ આવી. 72/74 કોલેજ કાળ દરમિયાન પ્રશ્નોરા બોડિૅંગ, ડોન સકૅલ, સોડાની લારી, કૃષ્ણ રેસ્ટોરન્ટ ની ચ્હા અને ખારી...
    આભાર. તમારો બ્લોગ નિયમિત વાંચવો ગમશે. લિન્ક આપશો તેવી વિનંતી...

    ReplyDelete