Friday, 4 November 2016

વ્યસનકથા--૧

મારી લગભગ સાતેક વર્ષની ઉમરે અમે ભાવનગરથી ગઢડા(સ્વામીના) જતાં હતાં, ત્યારે રસ્તામાં ઢસા નામના ગામે બસ ઉભી રહી અને કંડક્ટરે એ હાલો ભાયું, આયાં બસ ચા પાણી હાટુ ઉભી રેશેની ઘોષણા કરી. એ જ સમયે  બસ ડ્રાઈવરની કેબીનમાંથી ત્રાડ સંભળાઈ, “તે ક્યાં મરી ગ્યોતો?” જવાબમાં મારીથી માંડ એકાદ બે વર્ષ મોટો હોય, એવડા છોકરાએ નીચે ઉભા ઉભા એવા જ અંદાજમાં તે બાપા, આ તમારી હાટુ કેવેંડર લઈને નઈ આવ્વાનું?” કહી, ડ્રાઈવરના હાથમાં બીડી-બાકસઆપ્યાં. ડ્રાઈવરે આગવી અદાથી ધુમ્રપાન શરૂ કર્યું.

મારા બાપુજીએ એનું ધ્યાન બસમાં ધુમ્રપાન કરવાની મનાઈ હોવાની સુચના વાળા પાટીયા તરફ દોરતાં એણે તે સાહેબ, અહિયાં વાંસતાં જ કોને આવડે સ?” કહી, એક દમ વધુ લગાવ્યો. બસમાં બેસી રહેલાં મુસાફરો હસી હસીને ગોટો વળી ગયાં. તે જ સમયે એક સજ્જને ડ્રાઈવરને માહિતી આપી કે, “તે ભાવુભા (એ વિસ્તારમાં કાંઈ પણ બોલવાની શરૂઆત તેથી જ થાય!), આ તો બેંકના મોટા સાયેબ છે. ઈમની તો મરજાદ રાખવી જોશે”. “તે લે, પેલેથી ખબર હોવી જુવે ને?” કહેતાં ડ્રાઈવરે કેવેંડરનીચે ઉભેલા દીકરાને આપી દીધી અને એ ભડનો (શબ્દશ:) દીકરો બાકી રહેલી સિગારેટના ટેસથી દમ મારવા લાગ્યો!
 
ઉદાર બાપનો નસીબવંતો દીકરો!
એ ક્ષણે મને પહેલી વાર હજી સુધી આવા સ્વર્ગીય આનંદથી વંચિત રહ્યા હોવાનો ખ્યાલ આવ્યો. જો કે સામે બેઠેલાં મા-બાપ ઉપર નજર પડતાં હતાશાએ ઘેરી લીધો કે આવનારાં ઘણાં વર્ષો સુધી આમ જ રહેવાનું છે. કુમળા બાળમાનસ ઉપર એની ઈચ્છા મુજબ ન વર્તવા દેવાથી કેવી ખરાબ અસરો પડે એ સમજવા જેટલાં એ લોકો ઉત્ક્રાંત ન્હોતાં થયાં, એ બાબતનો બહોળા અનુભવથી ખ્યાલ હતો! આમ હોવાથી મેં એમની પાસે બીડી પીવાની મારી હાર્દિક ઈચ્છા વ્યક્ત કરવાનું ટાળ્યું. આ બસના ડ્રાઈવર જેવા ઉદાર મારા બાપુજી ન હોવા બદલ હતાશા તેમ જ લાચારી અનુભવી. જો કે એ ઉમરથી જ ભારે આશાવાદી હોવાથી ક્યારેક તો સુખનો સુરજ જરૂર ઉગશે એમ મન મનાવ્યું.

ત્રણેક વર્ષ બાદ મારી અપેક્ષા પ્રમાણે સુખનો સુરજ ઉગ્યો. હવે બાપુજીની બદલી પાછી ભાવનગર થઈ ગઈ હતી. અમે રહેતાં ત્યાંથી મોસાળ બિલકુલ નજીક હતું. મન ફાવે ત્યારે ત્યાં જઈ, જલ્સા કરવાનો અધિકાર હું પૂર્ણપણે ભોગવતો. ત્યાં ત્રીકમભાઈ નામે ઘરઘાટી હતા, જે હંમેશાં હોકલી પીતા. નવરા પડે એટલે વરંડામાં જઈ, ત્યાં દાદરાની નીચેના ગોખલામાં રાખેલ હોકલીમાં તમાકુ ભરી, અદાથી સળગાવી, બેઠા બેઠા મોજથી ઘુંટ લગાવે.
ત્રીકમભાઈ 
એક વાર રજાના દિવસે મોસાળ ગયો ત્યારે
ત્રીકમભાઈ રજા ઉપર હોવાની ખબર મામાના મોટા દિકરા જગતે સહર્ષ આપી. થોડી વાર થઈ, ત્યાં માશીનો દીકરો જયંત પ્રગટ થયો. આ બન્નેના હાવભાવ જોતાં કાંઈક અવનવું બનવાનું હોય, એમ લાગતું હતું. હકિકતે તો ક્ષણે ક્ષણે સ્વર્ગ ઢૂકડું આવતું જતું હતું!

બપોરના ભોજન બાદ વડીલો આરામ માટે ગયાં. મોટાભાઈઓ દ્વારા મને વરંડામાં આવવાની સૂચના મળી. વડીલોને ખબર ન પડે એવી ખુફીયા પ્રવૃત્તિઓ માટે આ સ્થળ અનુકુળ રહેતું. કોઈ કોઈ વાર આવી કેટલીક પ્રવૃત્તિઓમાં મારી સમર્પિત સંડોવણી રહેતી. આના પુરસ્કાર રૂપે મોટાભાઈઓએ મને આજે ન્યાલ કરી દેવાનું નક્કી કર્યું હતું. વરંડાનું ઘરમાં ખુલતું બારણું અમે બહારથી બંધ કર્યું અને મારે માટે સ્વર્ગનું દ્વાર ખુલ્યું! બેઈ ભાઈઓએ સિધ્ધહસ્ત કલાકારની અદાથી ત્રીકમભાઈની હોકલી સળગાવી, વારાફરતી દમ લગાવ્યા અને પછી એ ધન્ય ક્ષણ આવી પહોંચી, જ્યારે મુજ શિખાઉના હાથમાં દીવ્ય આનંદ તરફ દોરી જનારું સાધન મુકવામાં આવ્યું. પહેલો ઘુંટ મારતાં જ આ આપણી લેન ન હોયની સમજ પડી ગઈ, પણ ભાઈઓ આગળ તો એમની ટોળકીમાં માંડ મળેલ સ્થાન ટકાવી રાખવા માટે થઈને બહુ મજા પડી ગઈકહી, બીજી વાર પણ મોકો મળ્યે આ પ્રવૃત્તિમાં મને ફરીથી ભેળવવા આજીજી કરી. જો કે એ પછી આવા મોકા ભાગ્યેજ આવ્યા.

હું ભણતો એ નિશાળ (એ.વી.સ્કૂલ)માંના કેટલાક છોકરાઓ બેકદર સમાજને અસ્વિકાર્ય હોય, એવી ઘણી બાબતે શુરાપૂરા રહેતા. શાળાની પ્રતિષ્ઠાવધારવામાં એમનો સારો એવો ફાળો રહેતો. રિસેસના સમયે એમાંના મોટા ભાગના, સામે આવેલી પાનની દુકાને જઈ, બીડી સળગાવી ધુમાડાના ગોટે ગોટા ઉડાડતા. હું નિમાણાની જેમ વર્ગની બારીમાંથી એ જોયા કરતો. ધુમકેતુએ જો ક્યારેક આ દ્રશ્ય જોયું હોત, તો તેઓએ તેમની પ્રસિધ્ધ વાર્તા ભીખુમાં મીઠાઈની દુકાને ઉભા રહી, જલેબી તરફ તાકી રહેલા ભુખ્યા ગરીબ છોકરાની જગ્યાએ બીડીની દુકાન સામે ઉભેલા વંચિત છોકરાનું શબ્દચિત્રણ કર્યું હોત! અગાઉના બહુ આનંદદાયક નહીં એવા ધુમ્રપાનના અનુભવ બાદ પણ એવી સમજણ કેળવી હતી કે આ તો મર્દો વાળી બાબત હતી અને વધુ અનુભવથી એમાં આગળ વધાશે.

એ સમયગાળામાં હુસેન નામનો એક મિત્ર કે જે નિશાળે જવા આવવાનો સંગાથી હતો એ તો ખીસામાં જ બીડી બાકસ રાખતો અને જાહેર રસ્તે મન ફાવે ત્યારે બીડી પીવા લાગતો! આ ઉમદા પ્રવૃત્તિમાં એની સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા, વડીલો દ્વારા પકડાઈ જવાના અને ત્યાર પછી તે બાબતે થઈ શકતા ઉપચારના ડરથી દબાયેલી રહેતી. ખેર, આમ ને આમ શાળાજીવનના દિવસો વિતી ગયા. કૉલેજનાં બે વર્ષ ભાવનગરમાં ગાળ્યા બાદ આખરે આગળ અભ્યાસ માટે નડીયાદ જવાની તક મળી. એ જમાનાની એક સારી કૉલેજમાં માઈક્રોબાયોલોજી જેવો રસપ્રદ વિષય ભણવા મળશે, એનો હતો એટલો જ રોમાંચ હોસ્ટેલમાં રહી, પૂરેપૂરી સ્વતંત્રતાથી જીવવા મળશે, એનો પણ હતો. સત્તર વર્ષે કેળવેલી કેટલીક મહત્વાકાંક્ષાઓમાંની એક, ટેસથી ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે એટલી વાર ધુમ્રપાન કરવાની હતી.

પણ એમ કાંઈ બધાં સપનાં થોડાં સાકાર થાય? મારા બાપુજી મારા જવાની આગલી રાતે મને કોઈ વાતે મુંઝાવું નહીં વિગેરે કીધા બાદ મુખ્ય મુદ્દે આવ્યા. જો ભાઈ, બીજું બધ્ધું બરાબર પણ મારી એવી અપેક્ષા છે કે તું મારા પૈશાનો ધુમાડોનો કરતો.આટલું કીધા પછી હું આનો સૂચિતાર્થ સમજ્યો કે નહીં એની તેઓએ ખાત્રી કરી. આ સાથે મારા ધુમ્રપાનના સપનાનો જ ધુમાડોથઈ ગયો. બાપુજીના શબ્દો ને શબ્દશ: લઉં, તો જાતે રળતો ન થાઉં, ત્યાં સુધી આ આનંદદાયી પ્રવૃત્તીથી વિ‘મુખ’ રહેવાનું હતું.

એમને આપેલ વચનનું પાલન ધાર્યા કરતાં વધુ કઠિન નીવડ્યું.  નડીયાદની અમારી હોસ્ટેલમાં મોટા ભાગના છોકરાઓ ધુમ્રપાન કરતા. વિવિધ પ્રકારની બીડી
સ્વર્ગની સીડી
બહોળા પ્રમાણમાં પીવાતી. અમુક તાલેવંતો બ્રીસ્ટોલ
, પનામા અથવા તાજ છાપના દમ મારતા. આ મહાસુખદાયી કાર્યક્રમનો અંતર્ગત ભાગ ન હોવાની લાચારી કાયમ કઠતી. ઘરથી દૂર હોવા છતાં પણ બાપુજીને આપેલ વચન તોડવાની હામ ન થતી. હોસ્ટેલના મીત્રો મને પલોટવા માટે સામ, દામ, દંડ અને ભેદ ઉપરાંત ચાણક્યનિતીમાં ન જડે એવા અન્ય ઉપાયો પણ અજમાવતા રહેતા હતા. પીગળી જવાની વૃત્તિ અત્યંત પ્રબળ રહેતી હોવા છતાં છેલ્લી ક્ષણે આંખ સામે બાપુજીનો ચહેરો આવી જતો અને કાશ, એ આટલા સ્નેહાળ ન હોત, તો અત્યારે એમને આપેલ વચનનો દ્રોહ કરાત એવા વિચારો આવતા. આમ ને આમ હોસ્ટેલનાં વર્ષો પૂરાં થયાં અને હું વંચિતનો વંચિત જ રહ્યો, સમયગાળા દરમિયાન જાતની સરખામણી ઘણી વાર ટેન્ટેલસ નામના ગ્રીક પાત્ર(કે જેના હોઠે આવી અમૃતનો પ્યાલો ઢોળાઈ જતો) સાથે થઈ જતી. જો કે કંઈ લાખો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છેએ સુવાક્યના સહારે એ સમય નીકળી ગયો.

આખરે નોકરી માટે અમદાવાદ આવવાનું થયું. પગારની તારીખે 300 રૂપિયાની માતબર(!) રકમ હાથમાં આવી એટલે જીવનની પહેલી કમાણીના 21 રૂપિયા ભદ્રકાળીના મંદીરે ચડાવી, સીધો પહોંચ્યો નજીકમાં આવેલી સિગારેટની દુકાને અને તાજ છાપનું પૂરું પાકીટ ખરીદ્યું. આ પસંદગીમાં એની જાહેરખબરમાં આવતી પ્રભાવશાળી ટેગલાઈન, “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” મોટો ભાગ ભજવી ગયેલી. 

હવે પિતાની નહીં, પોતાની કમાણીનો ધુમાડો તો થઈ શકે એ સમજણ ભારે રાહતદાયી હતી.

                 આ દિવસો બિલકુલગધાપચીસીના બની રહ્યા, જ્યારે કોઈ જ જવાબદારી વિના માત્ર મોજ કરવાની હતી. જો કે લત લાગી જાય એ હદે વાત આગળ ન વધી. પણ ઈચ્છા થાય ત્યારે સિગરેટ પી લેતો. આવા જ અરસામાં સ્નેહા નિકટ આવવા લાગી અને એ બાબત સિગારેટથી દૂર રહેવા માટે કારણભૂત બની રહી. જો કે દિવસની એકાદ બે તો પીવાઈ જ જતી. લગ્ન બાદ સ્નેહાએ આદર્શ પત્નિનાં ઘણાં
પાસાં ઉજાગર કર્યાં, જેમાંનું એક મારી વ્યસનમુક્તિનું અભિયાન હતું. મેં પણ આદર્શ પતિ જેમ પત્નિને આપેલાં વચનોનો દ્રોહ કરવાની પરંપરાનું પૂરેપૂરી સમર્પીત ભાવનાથી પાલન કર્યું! એ જમાનામાં આવતી વિલ્સ સિગરેટની ‘Made for each other’ જાહેરાત દેખાડી હું એને સમજાવતો કે ઉત્તમ સહજીવન માટે ધુમ્રપાન જરૂરી હતુ!  એ દિવસોમાં બહુ વ્યાપક પ્રમાણમાં બીડી સિગારેટની જાહેરાતો થતી. એકમાં તો કોઈ ડૉક્ટર જ પ્રચાર કરતા દેખાય છે!


ડૉક્ટર દ્વારા પ્રચાર!

જેને વ્યસન કહેવાય એવી લત 1983થી લાગુ પડી. પરદેશથી આવેલ એક મિત્ર ત્યાંની શ્રેષ્ઠ ગણાતી સિગારેટ જથ્થાબંધના હિસાબે લઈ આવ્યો અને એનો એક સારો એવો ભાગ મને આપ્યો. અત્યાર સુધી ઘરમાં સિગારેટ રાખવાનો અને પરિણામે પીવાનો પ્રસંગ બન્યો ન હતો. હવે એ દોર પણ શરૂ થયો. જો કે એ જ અરસામાં બાપુજીની બદલી અમદાવાદ થઈ જતાં ઘરમાં મા-બાપની ઉપસ્થિતીને લીધે અલબત્ત, અંકુશ રહેતો. એવામાં એક દિવસ તેઓ મારા માટે બ્રીટીશ બનાવટની રોયલ પ્રીન્સ પાઈપ અને તમાકુ લઈ આવ્યા!
 

'રોયલ પ્રીન્સ'

જો કે પછીથી સમજાયું કે આ તો એમની સોદાબાજીનો એક ભાગ હતો! એમને છીંકણીની ટેવ હતી. અમદાવાદ આવ્યા પછી મા સાથે સ્નેહા ભળવાથી એમની સામેનો મોરચો બળવત્તર બની રહ્યો હતો અને વળતા હુમલાતરીકે એ મને વ્યસન બાબતે  સહભાગી બનાવવા ઈચ્છતા હતા. 

આવા આવા પ્રવાહો વચ્ચે સ્નેહાને સમજાયું કે પીયૂષ સુધારણા પ્રકલ્પના અન્ય આયામો પાસે ધુમ્રપાન નિષેધની બાબત તો નગણ્ય છે! આથી એણે અન્ય મોરચા ખોલ્યા અને આ બાબતે મને ટોકવાનું બંધ કર્યું. આશ્ચ્રર્યની બાબત તો એ ઘટી કે એ એક વાર મારા માટે 'Break in case of emergency’ લખેલ કાચની એક ડબ્બી લઈ આવી, જેમાં અંદર એક સિગારેટ મૂકેલી હતી! આ તો સૈંયા ભયે કોટવાલવાળી વાત હતી અને હવે ડર કાયેકાની સ્થિતીમાં મારું ધુમ્રપાન બેકાબુ બનતું ચાલ્યું.
એક જાણીતા સંસ્કૃત સુભાષીતમાં કહ્યા મુજબ મૂર્ખ માણસનો સમય વ્યતીત થવામાં નિંદ્રા અને કલહ ઉપરાંત વ્યસનનો મુખ્ય ફાળો હોય છે. એમાંથી પહેલાં બે તો નાનપણથી જ પાળી રાખેલાં હતાં, હવે ધુમ્રપાનનો ઉમેરો થતાં પૂર્ણ સમયના મૂર્ખ તરીકેની લાયકાત કેળવી લીધી.

ઘરમાં તેમ જ કૉલેજમાં કોઈ ક્ષોભ વગર સિગારેટનું સેવન ચાલુ થઈ ગયું. અલબત્ત, ઘરમાં મા બાપ કે અન્ય વડિલો અને કૉલેજમાં સિનીયર અધ્યાપકોની આમન્યા રાખતો. મારાં સંતાનો કે વિદ્યાર્થીઓની હાજરીનો કોઈ જ છોછ ન રહેતો.
જાહેર સ્થળો કે રસ્તા પર સિગારેટ પીવામાં કાંઈ ખોટું કર્યું હોવાની શરૂઆતની લાગણી ધીમે ધીમે જતી રહી. રોડ ઉપરના લારી ગલ્લા ઉપરથી સિગારેટ ખરીદવાનું એક અધ્યાપક તરીકે વ્યાજબી ન ગણાય, એવી સમજણને પણ પ્રયત્નપૂર્વક દૂર હડસેલી મૂકવાનું ફાવી ગયું. એક વાર ખાસ મને મળવા આવેલ એક ખૂબજ હોંશિયાર અને કારકિર્દીમાં ખાસ્સા આગળ વધી ચૂકેલ એવા ભુતપૂર્વ વિદ્યાર્થીએ મને કહ્યું કે, એ હંમેશાં મને 'Role Model’ ગણતો આવ્યો છે ત્યારે થયેલો આનંદ ક્ષણવારમાં જ ઓસરી ગયો, જ્યારે એણે ઉમેર્યું કે એ બિલકુલ મારી જેવી જ અદાથી સિગારેટ પીતો હતો!

મારા માટે આ ઘટના આંખ ઉઘાડનાર  બની રહી અને મેં તાત્કાલિક અસરથી સંતાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ધુમ્રપાન બંધ કરી દીધું. આનું સાટું વાળવા માટે જ્યાં અને જ્યારે એ લોકોની હાજરી ન હોય એવા અનુકૂળ સંજોગોમાં ઉપાડ વધી ગયો. લગભગ 24 વર્ષ સુધી અનેકવિધ વિરોધો અને અવરોધો વચ્ચે આ વ્યસન ટકી રહ્યું.

2006ની સાલમાં અચાનક છાતીમાં દુ:ખાવો શરુ થયો અને ડૉક્ટર પાસે ધસી જવું પડ્યું. જૂની ઓળખાણ હોવાથી તેઓ મારી જીવનશૈલીથી વાકેફ હતા. મને તપાસતી વેળાએ જો હું સિગારેટ છોડી દેવાનો હોઉં તો જ મારી સારવાર માટે આગળ વધવાની એમણે વાત કરી અને મેં એ નબળી ક્ષણે એમની વાત સ્વિકારી લીધી. સદનસીબે ડૉક્ટરી તપાસમાં કશું ચિંતાકારક જડ્યું નહીં પણ આ ઘટનાએ મને વિચારતો કરી દીધો. બસ, એ બાબત Turning Point બની રહી. અને મેં મારા વ્યસનમુક્તી અભિયાનનો આરંભ કર્યો. 

શરૂઆતમાં ઘણું જ મુશ્કેલ લાગતું આ અભિયાન ધીમે ધીમે સફળતાના આરે પહોંચ્યું છે. જો કે હજી પણ સંપૂર્ણ પણે મુક્ત નથી થયો. ક્યારેક સરસ વરસાદી વાતાવરણમાં કે પછી કોઈ અતિ સુંદર જગ્યાએ ફરતી વખતે કે પછી ક્યારેક પ્રિય દોસ્તોના સહવાસમાં ધુમ્રપાનની તીવ્ર ઈચ્છા થઈ આવે છે અને તેવે સમયે તેને ખાળવા માટે બહુ ગંભીર પ્રયત્નો નથી કરતો! જો કે જે પરિચીતો આ ટેવ ધરાવે છે એ લોકોને તેઓ તેમાં કાપ મૂકે એવું સૂચન ચોક્કસ કરું છું.

ઉમરના સાતમા દાયકામાં પ્રવેશ થયા બાદ ઉંઘનું અને કલહનું પ્રમાણ, અનુક્રમે કુદરતી રીતે અને સ્વાભાવીક રીતે ઘટ્યું છે. વ્યસનની માત્રા પણ નોંધનીય કક્ષાએ ઓછી થઈ ગઈ છે. એટલે અગાઉ ઉલ્લેખ કરેલ, એ સુભાષીતમાં વર્ણવેલાં મૂર્ખતાનાં ત્રણે ય  લક્ષણો પ્રચ્છન્ન થવા લાગ્યાં છે. એ સુભાષીત આ પ્રમાણે છે:

                કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છ્તિ ધિમતામ્,
                વ્યસનેન તુ મૂર્ખાણામ્ નિંદ્રયા કલહેનવા.

હવે અહીં આપેલી વ્યાખ્યા પ્રમાણે જો બુધ્ધિશાળી ગણાવું હોય તો જે સુચવ્યું છે, એ રીતે કાવ્ય અને શાસ્ત્રોની ચર્ચાના વિનોદ વડે કાલનિર્ગમન કરવાની તો ગુંજાઈશ નથી. આ પૂરેપૂરું વાંચવાની ધીરજ અને સહનશીલતા ધરાવતાં શુભેચ્છકોમાંથી કોઈ ઉપાય બતાવશે? આ તો શું કે નિવૃત્ત  થઈ ગયો છું. નોકરીનાં વર્ષો દરમિયાન તો વાંધો ન આવ્યો, હવે તો થોડા બુધ્ધિશાળી હોવું પડશે ને!

૧) ચિત્રો અને તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી મેળવેલ છે.
૨) આ મારી કેફિયત છે અને કોઈ પણ રીતે ધુમ્રપાનનો મહિમા કરવાનો ઉપક્રમ નથી.




Tuesday, 25 October 2016

અમારો હુસેનીયો

૧૯૯૨ના મે મહિનામાં ભાવનગર ગયેલો ત્યારે ત્યાંની બાર્ટન લાઈબ્રેરીની આસપાસમાં આવેલા એક મકાનમાં રહેતા સજજનને એક સંપેતરું પહોંચાડવાનું હતું. હું ત્યાં આગળ સાઈકલ ઉભી રાખીને મકાન શોધી રહ્યો હતો. એ જ સમયે બાજુમાં આવેલા હનુમાનજીના મંદીરના ચોગાનમાં મજુરી/ફેરી માટે પોતપોતાની લારીઓ લઈને કેટલાક માણસો ઉભા હતા. એમાંના એકે બૂમ પાડી, “એ....ઈ.... પીયૂસીયા, શું ગોત સ, ન્યાં?” તાત્કાલિક તો ખ્યાલ ન આવ્યો પણ પછી લાક્ષણિક એવાં ભાવનગરી મહેણાં ટોણાં મારીને એણે જાતે જ ઓળખાણ આપી, “હું હુસેનીયો, આપડે એ વી સ્કૂલમાં હારે નો ભણતા?”

ત્યાં જ મને યાદ આવી ગયો, અમારો હુસેનીયો. ધોરણ ૬ થી લઈ, ૯ સુધી અમે બન્ને એક જ નિશાળમાં અને એક જ વર્ગમાં જતા( ‘ભણતા’ એમ કહેવું જરા વધારે પડતું થઈ જશે!). પછી એણે અભ્યાસ છોડી દીધો. ધીમે ધીમે અમારું મળવાનું ઓછું થતાં થતાં લગભગ ૧૯૬૮ સુધીમાં સાવ જ બંધ થઈ ગયેલું. એ પછી ૨૪ વરસના અવકાશે પણ એ મને જોતાં વેંત ઓળખી ગયો. બહુ પ્રેમથી સોડા પીવાનું એણે કરેલું સૂચન મેં એટલા જ પ્રેમથી સ્વિકાર્યું. એ દરમિયાન થોડું ઘણું ‘તને સાંભરે રે’ ચાલ્યું. પછી એ મને યોગ્ય મકાન સુધી મુકી ગયો. કિશોરવયની હાસ્યવૃત્તિ એણે પૂરેપૂરી જાળવી રાખી હતી અને એના ચમકારા અમારા અડધીએક કલ્લાકના સંગમાં વખતોવખત એણે બતાડ્યા.

એનું મૂળ નામ મહમ્મદ હુસૈન, પણ એને ય ઉંઘમાંથી ઉઠાડીને કોઈ નામ પુછે તો એ પોતે પણ  ‘હુસેનીયો’ જ કહે! એની કૌટુંબિક પશ્ચાદભૂ અને એના રહેણાકના વિસ્તાર વિષે જાણ્યા પછી એનું એ સમયનું વર્તન સહેલાઈથી સમજી શકાય. એ નિશાળે આવવામાં ઘણો જ અનિયમીત હતો અને જ્યારે આવ્યો હોય ત્યારે પણ વર્ગમાં આવીને બેસે એ જરૂરી નહતું. ઘરકામ બાબતે એની નિર્લેપતા કોઈ સંતની સંસાર પ્રત્યે હોય એ કક્ષાની હતી!  અપશબ્દો બોલવા, મારામારી કરવી, સાહેબોની સામે થઈ જવું એ બધુ એને સહજસાધ્ય હતું. વર્ગમાં બેઠો હોય તો પણ કાંઈક એવી પ્રવૃત્તિમાં પડ્યો હોય કે સાહેબો એને બહાર જવા માટે ખાસ્સું પ્રોત્સાહન આપતા! અમારી જેવા નિર્માલ્યો તો સાહેબ દ્વારા કરાયેલ ‘ગેડાઉટ’ ને અત્યંત માનહાનીની ઘટના તરીકે જોતા અને એવું ‘માથું વઢાવવાની’ સજા ક્યારે ય ન મળે એ માટે ખુબ જ સતર્ક રહેતા. સામે છેડે હુસેનીયો તો સાહેબના આ એકમાત્ર સૂચનનું પાલન ખુબ જ આજ્ઞાંકિતપણે કરતો. બહાર જતી વખતે પણ કાંઈક એવી ચેષ્ટા કરતો જાય કે અમે બધા હસવું ન રોકી શકીએ. એ પોતાને મળેલા આ કિંમતી સમયનો ઉપયોગ નિશાળના પરિસરની બહાર જઈ, બીડી પીવામાં કરતો. 

હુસેનના ‘ભણવા’ વિષે તો એટલું જ કહી શકાય કે અમે સાથે હતા એ વર્ષોમાં એ કોઈ વાર નાપાસ ન થયો. જો કે એ ચિત્રકામમાં બહુ જ કાબેલ હતો. આથી અમારા જે તે સમયના ચિત્રશિક્ષકોના એની ઉપર હંમેશાં ચારેય હાથ રહેતા. અહીં અમારા શાળાજીવનની બે એક રમુજી ઘટનાઓ કે જેમાં હુસેનીયો સીધેસીધો જ સંડોવાયેલો હોય, એ યાદ કરવી છે.

૧) અમે છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી જ એને બીડી પીતો જોયેલો. નિશાળે જતાં અને ખાસ તો છુટીને ઘરે પાછા જતાં ઘણી વાર અમારો સંગાથ થઈ રહેતો. એ ખીસ્સામાં જ બીડી-બાકસ રાખતો અને રસ્તામાં જ્યારે ઇચ્છા થાય ત્યારે અદાથી બીડી સળગાવી ધુમાડા કાઢવા લાગતો. આવે સમયે  કોઈ કોઈ વાર મને પુછતો, “તારે પીવી સ, દઉં?” 
"તારે પીવી સ, દઉં?"

હું આ ઉમદા પ્રવૃત્તિમાં એને સાથ આપવા હ્રદયથી ઇચ્છતો હોવા છતાં લાચારીથી ના પાડતો. મારાં વડિલો આ બાબતે સહેજેય ઉદાર ન હોવાની મને સુપેરે જાણ હતી. એમાંથી કોઈ દ્વારા પકડાઈ જવાની અને પછી એ બાબતે થઈ શકતા ઉપચારની બીકે હું એમ ક્યારેય ન કરી શક્યો.

આ હતો ૧૯૬૪-૧૯૬૮ સુધી નો ગાળો. એ વખતે ભાવનગરમાં શ્રી આત્મારામ ભટ્ટ નામે એક અત્યંત પ્રતિષ્ઠિત સમાજસેવક/સુધારક હતા. ત્યારે ૭૫-0 આસપાસની ઉમર હશે. ખાદીનાં વસ્ત્રો પહેરેલા અને વધેલાં દાઢીમુછ વાળા આત્મારામદાદા દિવસના મોટા ભાગ દરમિયાન ભવનગરના ચોક્કસ વિસ્તારો માં તેમજ આસપાસનાં ગામોમાં જઈ ને બીડી, દારુ અને અન્ય વ્યસનો છોડી દેવા ત્યાંના રહીશો ને સમજાવવાના (વ્યર્થ) પ્રયત્નો અવિરત કરતા રહેતા.



એક વાર અમે નિશાળેથી આવી રહ્યા હતા, ત્યારે હુસેનીયો બીડી પીતો પીતો ચાલતો હતો. સામેથી આવી રહેલા આત્મારામદાદા આ જોઈ, અમારી પાસે આવી, હુસેનને સમજાવવા લાગ્યા કે વ્યસન બહુ ખરાબ ચીજ છે, છોડી દેવું જોઈએ, એનાથી ખુબ જ નૂકસાન થાય છે, વગેરે વગેરે. એમની વાત પૂરી થયે હુસેનીયો કહે, દાદા, વ્યસન તો તમને વળગ્યું છે, બીજાઓનાં વ્યસન છોડાવી દેવાનું. તમે ઈ છોડી દ્યો! દાદા કશું જ બોલ્યા વિના એને માથે હાથ ફેરવી, જતા રહેલા! 


જ્યારે પણ આ વાત યાદ આવે, ત્યારે એ સમયે થયેલી મારી કફોડી હાલત અને આત્મારામદાદાનું ઉદાર સૌજન્ય એક સાથે જ તાજું થાય છે. 


૨) હવે એક નવું પાત્ર ઉમેરાય છે...... ગુલામ ચારહથ્થો. મૂળ નામ ગુલામ હુસૈન. મારામારી તેમ જ કબડ્ડીની રમત દરમિયાન એ જે સ્ફુર્તીથી એના હાથનો (અને પગનો પણ) ઉપયોગ કરતો, એના ઉપરથી એને સૌ ચારહથ્થો કહેતા. એ ભાવનગરના એવા વિસ્તારનો બાશીન્દો હતો, જ્યાં દુનિયાભરની બદીઓ હાથવગી રહેતી. બીડી તો પીતો જ પીતો, સાથે સાથે લાગ મળ્યે ‘પ્યાલી’ પણ ચડાવી લેતો. અમારા જ વર્ગમાં હતો. અભ્યાસ, ઘરકામ, વર્ગની શિસ્ત વગેરે બાબતો પ્રત્યે એની ઉદાસીનતા અમારી ઈર્ષાનું કારણ બની રહેતી. પણ ગુલામ બહુ સારી હથોટીથી હાર્મોનિયમ વગાડતો અને ગાતો પણ ઘણું જ સારું. અમે નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધીમાં એ ભાવનગરના એ સમયના અતિશય પ્રતિષ્ઠીત ‘મીઠુ બેન્ડ’માં ક્લેરિયોનેટ વગાડતો થઈ ગયેલો. ઘણી બધી સામ્યતાઓને લઈને એની અને હુસેનિયાની દોસ્તી ઘણી જ ગાઢ હતી. નિશાળની અંદર તોફાનો, મારામારી, તોડફોડ જેવી અને તક મળે ત્યારે નિશાળની બહાર ભાગી જઈ, સામેની ‘હોટેલ’ ઉપર ઉભા રહી બીડીઓ પીતા પીતા આવારાગર્દી કરવા જેવી પ્રવૃત્તિઓમાં એ બન્નેએ સહકારનાં ઉચ્ચ શિખરો સર કરી રાખેલાં.

એક વાર રિસેસના સમયમાં એ બન્ને અંદરોઅંદર બાઝ્યા! શરૂઆતમાં તો સૌએ એમ ધારી લીધું કે મસ્તી કરતા હશે પણ આસ્તે આસ્તે ખ્યાલ આવવા લાગ્યો કે આ તો ખરાખરીનો ખેલ હતો! શાબ્દિક કક્ષાએ લડાઈ રહેલું આ યુધ્ધ ધીમે ધીમે મારામારી ઉપર ઉતરી આવવાની આશા પ્રેક્ષકગણને બંધાવા લાગી. એ માટે અમારે બહુ રાહ ન જોવી પડી. ટોળું વળીને ઉભેલા અમે સૌ અમારો પ્રેક્ષકધર્મ નિભાવવા માટે થઈને તાર સ્વરે “બાઝણ ચકે તો પૈશો દઉં”ના સુત્રોચ્ચાર કરવા લાગ્યા. અને શરૂ થઈ ગઈ એ બન્ને વચ્ચે ‘આરપારની’ લડાઈ! 

અમારી નિશાળના સાહેબોને આવી ઘટનાઓની ઝાઝી નવાઈ ન્હોતી. એ લોકો નું સર્વાનુમતે માનવું હતું કે વિદ્યાર્થીઓને એમની છુપાયેલી ક્ષમતાથી વાકેફ થવા દેવામાં બને ત્યાં સુધી આડું ન આવવું. હા, કોઈ કોઈ વાર એ ક્ષમતાના આવિર્ભાવમાં છોકરાઓ લોહીઝાણ  થઈ જાય ત્યારે એકાદ બે સાહેબ/સાહેબો આવી, પ્રમાણમાં જેને ઓછું લોહી નીકળ્યું હોય, એને બરાબરનો ઠમઠોરી, બીજાને શાબ્દિક કક્ષાએ ધિબેડી, મનોરંજિત પ્રેક્ષકોને ખુબ વઢીને થોડી વારમાં ‘પરિસ્થિતી કાબુમાં છે’નો અહેવાલ હેડ માસ્તર સાહેબને આપી દેતા. આ ઘટના સમયે હજી ‘પરિસ્થિતી કાબુમાં’ જ હતી, આથી હુસેનિયા અને ગુલામની લડાઈમાં તાત્કાલિક ધોરણે તો કોઈ અંતરાય આવે એમ ન હતો.

મારામારીનો બહોળો અનુભવ એ બન્ને બરાબર કામે લગાડી રહ્યા હતા. બુંગીયો, ઢોલ, ત્રાંસાં, નગારાં, તૂરી કે દુદુંભીની ખોટ ન પડે એ માટે અમારા સુત્રોચ્ચાર તો ચાલુ જ હતા. જોત જોતામાં શુરાતનની તીવ્રતા વધી ગઈ. હવે જે બથ્થંબથ્થા ચાલી એમાં બન્નેનાં ખમીસનાં બટન તુટ્યાં. આ ભાળીને નાયકોએ પેંતરો બદલવાનું નક્કી કર્યું. યુધ્ધ પાછું શાબ્દિક ક્ક્ષાએ ઉતરી આવ્યું.

અમારી તરફથી સતત મળી રહેલ પ્રોત્સાહનથી એ લોકોએ એમનો બહોળો શબ્દકોશ ખોલવાનું નક્કી કર્યું. એ બે એક બીજાની નજીકની, લોહીના સગપણની સન્નારીઓ સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધવાની મહત્વાકાંક્ષાઓ સહેજે છોછ રાખ્યા વગર વ્યક્ત કરતા હતા. અમારી જેવા સંકુચિત મનોવૃત્તિ ધરાવતા છોકરાઓ આ બાબતને ‘ગાળ’ જેવા તુચ્છ શબ્દપ્રકાર તરીકે ઓળખતા હતા! એકાદ બે તો હવે ‘સાહેબને કે’વાનું આવ્યું’ નું સામુહિક ગુંજન ચાલુ કરાવવાનું પણ વિચારવા લાગેલા. એવામાં એમની આપ-લેના  સંદર્ભે ગુલામે હુસેનીયાની માશીબાનો ઉલ્લેખ કર્યો.

અને અચાનક પાસું પલટી ગયું. હુસેનીયો જોર જોરથી હસવા માંડ્યો. માંડ માંડ બોલ્યો કે, "પણ એલા ગુલામીયા, મારે તો માશીબા જ નથી!" લ્યો કહો, હવે ગુલામે ય માંડ્યો હસવા. અમે પણ સાથ પુરાવવા લાગ્યા! થોડી વારમાં તો હસીખુશીનો બગીચો ખીલી ઉઠ્યો! ગુલામે હુસેનીયાના ગળે હાથ પરોવી, બહારની પાનની દુકાને ‘પનામા’ પીવા જવાની દરખાસ્ત કરી, જેનો સહર્ષ સ્વીકાર અને તાત્કાલિક ધોરણે અમલ થયો. એ બન્ને શાળાની બહાર અને બાકીના અમે સૌ વર્ગની અંદર ગયા. આમ, સૌ સારાં વાનાં થયાં. લાગે છે કે જો હુસેનિયા અને ગુલામની પદ્ધતિએ યુદ્ધ કરવામાં આવે તો વિશ્વશાંતિની અપીલ કરવાની જરૂર જ ન રહે.


૧૯૯૭ની આસપાસ એક વાર અમે મળ્યા એ વખતે અમારો એક અન્ય મીત્ર પણ ભેગો હતો. એણે હુસેનને કીધું, “ આને હવે પીયૂસીયો નો બોલાવાય. તને ખબર છે, આ તો અમદાવાદની કૉલેજમાં ભણાવે છે?” એના જવાબમાં એ સહેજ ટટ્ટાર થયો, બીડીનો ઉંડો કસ ખેંચ્યો અને માત્ર એક જ અક્ષર બોલ્યો, ”તે?”!!! આવો અમારો હુસેનિયો છેલ્લો ૨૦૦૩ની સાલમાં મળેલો. ત્યાર પછી ભાવનગર તો ઘણી વાર જવાનું થાય છે પણ એને મળવાનો મેળ નથી પડ્યો. આશા છે કે કોઈક વાર ભાવનગરની ગલીઓમાં આંટા મારતો હોઈશ અને અચાનક એક ત્રાડ આવશે, “એ....ઈ.... પીયૂસીયા, શું ગોત સ, ન્યાં?”
ચારે ય ચિત્ર નેટ પરથી લીધાં છે.

Monday, 17 October 2016

અહા! સંગીત!

સંગીતનો શોખ નાની ઉમરથી જ લાગેલો રહ્યો છે. રાગરાગીણીઓ માં જરાય સમજણ નથી પડતી. ગાયન કે વાદનની બારીકીઓમાં પણ ચાંચ ડૂબતી નથી. પણ તેમ છતાંય જે કાંઈ પણ સાંગીતિક-Melodious હોય, તે કર્ણપ્રિય બની રહે છે. વિકસતી ઉમરે જે કુટુંબ અને સમાજ માં રહેવાનું હતું, તેમાં સુગમ, ઉપશાસ્ત્રીય તેમજ શાસ્ત્રીય સંગીતનો થોડો થોડો લાભ મળતો રહેતો હતો, પણ રસ રૂચી ઉપર સૌથી વધુ પ્રભાવ ફિલ્મી સંગીતનો પડ્યો. કારણ એવું હોઇ શકે કે, એ તબક્કામાં  ફિલ્મી સંગીતનો શ્રેષ્ઠ સર્જનકાળ ચાલી રહ્યો હતો.
પ્રસ્તુત સમયગાળા દરમિયાન અમારા ઘરમાં રેડિઓ ન  હતો. 
અમારો 1968માં ખરીદાયેલો રેડિઓ
મારી 14-15 વર્ષની ઉમરે જ્યારે રેડિઓ ખરીદવામાં આવ્યો, ત્યારેપણ એમાં ક્યારે અને શું વાગશે, એ  દાદા અથવા અન્ય વડીલો નક્કી કરતા. મારા પિતૃ તેમ જ માતૃ પક્ષના દાદાઓ સ્વતંત્ર ભારતના એક સમયના સુચના અને પ્રસારણ મંત્રી શ્રી કેસકર સાથે એ બાબતે સંપૂર્ણપણે સંમત હતા કે ફિલ્મી સંગીત તો દીવ્ય ભારત દેશનાં મહાપુણ્યશાળી નાગરીકોના સંસ્કારો બગાડવા માટે બાહ્યાવકાશી દૈત્યો દ્વારા કરાતા હુમલાનું એક અમોઘ શસ્ત્ર હતું! જો કે એ બન્ને નિયમીત બહાર જતા અને એ સમયગાળાનો ભરપૂર લાભ ઘરમાં કાકા અને મોસાળમાં માશી દ્વારા ઉઠાવવામાં આવતો! એ સમયનાં લાભાન્વિતોમાં સમાવીષ્ટ થવા હું શક્ય પ્રયાસ કરતો. દાદા(ઓ) અચાનક પાછા ઘરે આવી જાય તો વિવિધ ભારતી કે રેડિઓ સિલોન સાંભળતાં પકડાઈ જવાનો ભય સતત માથે રહેતો. જો કે એ જમાનામાં ભાવનગરમાં પાનની દુકાનો અને માત્ર ચા અને ‘ભિસ્કુટ’ પીરસતી ‘હોટેલો’માં રેડિઓ વગાડવાનો ચાલ શરૂ થઈ ગયેલો. તેના માલિકો/સંચાલકો મારી જેવા વંચિતો માટે થઈને શક્ય મોટા વોલ્યુમથી રેડિઓ પર ફિલ્મી ગીતોના કાર્યક્ર્મો વગાડતા અને આ સગવડનો લાભ લેવા કોઇ કોઇ વાર શાળામાં મોડા પડવાનું અને તેની સજા ભોગવવાનું પણ બન્યું છે. હથેળીમાં સાહેબની સોટી વાગતી હોય, ત્યારે મનમાં થોડી જ વાર પહેલાં સાંભળેલું ‘ઉઠાયે જા ઉનકે સીતમ’ વાગતું હોય! રીતે ફિલ્મી સંગીતમાં જાણ્યે અજાણ્યે રસ વધતો ગયો. જેમ જેમ શોખ વિકસતો ગયો, તેમ તેમ એની અભિવ્યક્તી માટેની સ્ફૂરણા જોર પકડવા લાગી.  ગાયન માટેની જરાય ક્ષમતા ન હોવાની જાણ બહુ અસરકારક રીતે પાડોશીઓ, મિત્રો, શિક્ષકો અને ખાસ કરીને વડીલો દ્વારા થયા બાદ વાદન ઉપર હાથ અજમાવવાનું નક્કી કર્યું.  ટાઈસોકોટો (બેન્જો), હાર્મોનિયમ, મેન્ડોલિન, વાંસળી અને માઉથ ઓર્ગન વગાડવાની કોશિશ સમયસમયાંતરે કરી, જે પૈકી ટાઈસોકોટો અને મેન્ડોલિનના ફોટા નીચે મુક્યા છે.






આટલો શોખ હોવા છ્તાં પધ્ધતીસરની તાલીમ ક્યારેય ન લીધી. મારી આ ‘સાધના’ સહન કરનાર એવાં ઉપર ઉલ્લેખાયેલ વર્ગોનાં સભ્યો "પાણા પે ઈંટ પોચી" એ કહેવતને બરાબર પચાવી ગયાં હોવાથી "ગાય, એના કરતાં વગાડે એ ઓછું કષ્ટદાયક" એમ મન મનાવી, મારી 'પ્રગતી'નાં (શબ્દશઃ) મૂક સાક્ષી બની રહ્યાં. જો કે આ બધાંમાંથી કોઈએ એમનામાં વિકસેલ સહનશીલતાના સદગુણ માટે મેં આપેલ ફાળાને ક્યારેય બિરદાવ્યો નથી!

 શાળાજીવનનાં મોટા ભાગનાં વર્ષો ભાવનગરમાં ગાળવાનાં થયાં. એ દરમિયાન અલગ અલગ સમયે સંગીત શોખીન શિક્ષકોનો લાભ પણ મળતો રહ્યો. 1971માં નડીયાદની જે એન્ડ જે સાયન્સ કૉલેજમાં માઈક્રોબાયોલોજી ભણવા ગયો, ત્યારે એક જ વર્ગમાં અને એક જ હોસ્ટેલમાં ભાવનગરના પહેલેથી જ પરિચિત એવા બે મિત્રો શેખર અને નિશીથનો  24 કલ્લાકનો સાથ મળવા લાગ્યો. એ બન્ને સંગીતની સમજણને લઈને એ સમયે પણ મારી સરખામણીએ ખાસ્સા સમૃધ્ધ હતા. 1971-1973 નાં બે વર્ષ દરમિયાન મારો શોખ આ મિત્રો થકી સારો એવો સંવર્ધિત થયો. 
 ટાઈસોકોટો વાદન. તબલાતરંગ પર મિત્ર શેખર



નિયમીત રીતે કૉલેજ, યુનીવર્સીટી, જીલ્લા જેવી વિવિધ કક્ષાએ યોજાતા કાર્યક્રમોમાં અવારનવાર ભાગ લેવાની તકો મળતી રહી, એમાં સારા સારા જાણકારોનો પણ પરિચય થયો. એમનું માર્ગદર્શન મળે, એવું પણ બનતું રહ્યું. 1973 માં B.Sc.ની ડીગ્રી પ્રાપ્ત થયા પછી મને અમારી જ કૉલેજમાં M.Sc.માં એડમીશન મળતાં વધુ બે વર્ષ નડીયાદમાં ગાળવા મળ્યાં. આ ચાર વર્ષમાં ઘણા યાદગાર પ્રસંગો બન્યા, જેમાંથી બે અહીં વહેંચવા છે.
                                 
 1971 થી 1975ના સમયગાળા દરમિયાન અમારા જ પરીસરમાં આવેલી કોમર્સ કૉલેજના પ્રિન્સીપાલ તરીકે શ્રી શરદ મહેતા હતા. તેઓ સંગીતની અસાધારણ સુઝ ધરાવતા હતા. તેઓએ પોતાની કૉલેજ માટે સારી કક્ષાનાં વાજીંત્રો વસાવ્યાં હતાં. 1971માં શરૂઆતના બે એક કાર્યક્રમોમાં નિશીથ અને શેખરની હાર્મોનીયમ પરની હથોટી વડે પ્રભાવીત થઈ, અમારા તે વખતના પ્રિન્સીપાલ ડૉ. એચ એમ દેસાઈએ મહેતા સાહેબને વિનંતી કરી કે તેઓએ વસાવેલ હાર્મોનીયમ સાયન્સ કૉલેજના કાર્યક્રમ માટે જરૂર પડ્યે આપે. મહેતા સાહેબ આ ‘પેટી’ (તેઓ હાર્મોનીયમ માટે હંમેશાં પેટી શબ્દ વાપરતા) માટે બહુ જ Possessive  હતા. એમણે દેસાઈ સાહેબને ‘શરતને આધીન’ સંમતી આપી. શરત એ હતી કે, “છોકરાઓ આવીને મારી સામે વગાડી બતાડે અને જો યોગ્ય લાગે, તો હું માત્ર અને માત્ર કાર્યક્રમ માટે આપીશ, અગાઉ પ્રેક્ટિસ તો તમારી કૉલેજની પેટી ઉપર જ કરવાની રહેશે.” દેસાઈ સાહેબે અમને ત્રણેયને બીજે દિવસે સવારે મહેતા સાહેબ પાસે જવા સુચના આપી. અમે એ પ્રમાણે સમયસર મહેતા સાહેબની ઓફીસમાં પહોંચી ગયા. એમણે વારાફરતી કસોટી લઈ, અમને ઉત્તીર્ણ જાહેર કર્યા અને કાર્યક્રમના દિવસે પેટી લઈ જવાથી શરૂ કરી, કાર્યક્રમ પૂરો થયે પાછી હેમખેમ તેઓને હાથોહાથ પરત પહોંચાડવા સુધીની જવાબદારી અમારી ત્રણ ઉપર રહેશે એવી સમજણ સહ મંજુરી આપી. જીવનમાં ઘણીજ ઉંચી કક્ષાનાં હાર્મોનીયમ ઉપર હાથ અજમાવવાની તકો મળી છે, જેમાં શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના ‘વાજા’નો પણ સમાવેશ થાય છે. પણ એ બધાંમાં સૌ પ્રથમ વાર મહેતા સાહેબની વસાવેલ ‘પેટી’ વગાડવા મળી, જે હજી ભુલાઈ નથી. તે  સાત ધમણ, કપ્લર અને રોટરી કંટ્રોલ બટન્સ તેમ જ પેરીસમાં બનેલ નર ખરજ સૂર ધરાવતું અદ્ભૂત  હાર્મોનીયમ હતું.

પછી તો મહેતા સાહેબને અમારીથી નારાજ થવાનું કોઇ કારણ ન મળે તે માટે અમે ખુબ જ સતર્ક રહેતા. એમની કૉલેજના કાર્યક્રમોમાં પણ જરૂર પડ્યે અમને બોલાવવામાં આવતા અને અમે સહર્ષ જતા પણ ખરા. સમય જતાં કાર્યક્રમની તૈયારી માટે આ હાર્મોનીયમ અમને 15-20 દિવસ માટે હોસ્ટેલની રૂમમાં રાખવા સુધીની સવલત મહેતા સાહેબ દ્વારા મળવા લાગી. આવા દિવસો અને ખાસ કરીને રાતો મારા માટે ખુબ જ ઉપયોગી બની રહેતાં. કાર્યક્રમમાં નિશીથ અને શેખર વારા ફરતી હાર્મોનીયમ અને તબલાં વગડતા. મારા ભાગે મોટા ભાગે ટાઈસોકોટો અથવા માઉથ ઓર્ગન કે પછી ક્યારેક મેન્ડોલિન વગાડવાનું આવતું. પણ હોસ્ટેલમાં એ બન્ને મને હાર્મોનીયમ ઉપર  હાથ અજમાવવા દેતા એટલું જ નહીં, એની બારીકીઓ પણ સમજાવતા. વર્ષમાં લગભગ ચારેક કાર્યક્ર્મો થતા, જેમાં મહદ અંશે ફીલ્મી ગીતો અને થોડાં ગુજરાતી સુગમ ગીતોનો સમાવેશ રહેતો. વળી પરમ મીત્ર ઈમેન્યુઅલ રેમન્ડ, ક્લીફ રીચર્ડ્સ, એલ્વીસ પ્રેસ્લી તેમજ બીટલ્સનાં ગીતો રજૂ કરતો. અમને સ્ત્રીકંઠ માટે યોગ્ય પસંદગી ન્હોતી મળતી. અન્યથા ખુબ જ ઉત્સાહી (અને સુંદર!) છોકરીઓ ગાયકીમાં અપેક્ષાથી ઘણી ઉણી ઉતરતી હોવા છતાં વિકલ્પના અભાવે ચલાવી લેવું પડતું. એક સહ્રદયી મિત્ર બીપીન જોષી(ભગવાન એના આત્માને શાંતી આપે)એ તો Dual Voiceમાં ગાવા માટે દરખાસ્ત એક કરતાં વધુ વાર કરી હતી, પણ અમે એને ‘વોઈસ ઓફ મહેશકુમાર’નો ખીતાબ અર્પણ કરવાથી વધુ પ્રોત્સાહીત નહીં કરી શકેલા!

 અમારી (Poor man’s) Orchestra, અમે ત્રણ મિત્રો ઉપરાંત મહેતા સાહેબની કોમર્સ કૉલેજનો જતીન મહેતા નામનો વિદ્યાર્થી, એમ ચાર ‘સાજીન્દા’ની બનેલી હતી. 1973 સુધી બધું બરાબર ચાલ્યું.  પણ અમે B.Sc. થઈ ગયા પછી શેખર અને નિશીથ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ ગયા અને અને અમારી ત્રિપુટીમાંથી હું નડીયાદ ખાતે એકલો પડી ગયો. અલબત્ત, રેમન્ડ સાથે હતો અને વિશેષમાં, હોસ્ટેલની એક જ રૂમ અમને સાથે રહેવા મળેલી, એ મોટું સાંત્વન હતું. આ સંજોગોમાં ‘ઉજ્જડ ગામમાં એરંડો’ના ન્યાયે 1973ના ઓગસ્ટ મહીનામાં આયોજીત કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી મારે શીરે આવી. એક્લા પડી ગયાને લીધે મનમાં મુંઝવણ હતી પણ એક ઘટના ઉત્સાહપ્રેરક બની રહી. પસંદગી માટે આવેલ એક છોકરીએ ‘સુહાના સફર ઔર યેહ મૌસમ હંસી’ અસાધારણ ખૂબીથી ગાયું અને લતા મંગેશકરના આવિર્ભાવથી ગુલામ હૈદર, અનીલ વિશ્વાસ અને ખેમચંદ પ્રકાશને કેવી લાગણી થઈ હશે, એ મને ત્યારે સમજાયું! એણે કાર્યક્રમમાં ફીલ્મ ‘બીસ સાલ બાદ’નું ‘કહીં દીપ જલે કહીં દીલ’ ગાવાનો ઈરાદો વ્યક્ત કરી, વિદાય લીધી. જરૂર કરતાં વધારે આનંદ અને ઉત્સાહની અસરમાં નામ પુછવાનું રહી ગયું પણ આજુબાજુ જમા થયેલા ઉત્સાહી ‘સ્વયંસેવકો’એ જણાવ્યું કે એ મુન્શી અટક ધારીણી છોકરી થોડા સમય પહેલાં જ અમારી કૉલેજમાં વડોદરાથી આવી હતી.

પણ, સારી ગાયીકા મળી હોવાની ખુશી રાત સુધીમાં મુંઝવણમાં ફેરવાર્ઈ ગઈ,  જ્યારે આ ગીત હાર્મોનીયમ ઉપર બેસાડવાનું શરૂ કર્યું. આ ગીતનો Prelude બહુ જ સહેલાઈથી યાદ રહી જાય એવો હોવાથી આવડતો હતો પણ Interlude  બિલકુલ યાદ ન આવે! બે ત્રણ દિવસમાં કોઇ પણ રીતે સજ્જ થઈ જવાશે, એવું સમાધાન મનોમન કર્યું. આ માટે ગીત સંભળવું જરૂરી હતું. પણ એ શી રીતે, તે સવાલ હતો. મારી પાસે કે અન્ય કોઈ મિત્ર પાસે રેડિઓ ન હતો. આ 1973ની વાત છે, જ્યારે રેકોર્ડ પ્લેયર કે કેસેટ પ્લેયર જેવાં સાધનો અતિ સંપન્ન કુટુંબો પાસે જ જડતાં. અને એ લોકો પાસે પણ આ ગીત હોય, એની કોઇ ખાત્રી ન હોય. તેમ છતાં સઘન પ્રયત્નો કર્યા. નસીબજોગે મારી બે ત્રણ દિવસની સંનિષ્ઠ જહેમતનું કોઇ ફળ ન મળ્યું. હવે એ છોકરીને કહેવું કે મને આ ગીત બેસાડતાં નથી ફાવે એમ, એ તો પ્રતિષ્ઠા(?) ઉપર કુઠારાઘાત સમાન નીવડે! આથી એને આ કારણ સ્પષ્ટ જણાવ્યા વિના, અન્ય ગીત ગાવા માટે સમજાવવાની કોશીષ કરી જોઈ. પણ એ વ્યર્થ નીવડી. હવે Interlude યાદ ન આવે, એનું ભારણ, જેનો જવાબ  સહેજેય  ન આવડતા હોય, એવો પ્રશ્ન પરીક્ષામાં પુછાય ત્યારે અનુભવાતી લાચારીથી સહેજેય અલગ ન  હતું.

અમારા રેક્ટર એ દિવસોમાં કાર્યક્રમની તૈયારી માટે છોકરીઓના હોસ્ટેલ પ્રવેશને ઉદારતાથી મંજૂરી આપતા. ગીતોની પ્રેક્ટીસ હોસ્ટેલના અમારા રૂમમાં જ થતી. અમારો રૂમ અને આસપાસનો પરીસર સમગ્રપણે લીલા રંગ(ઈર્ષ્યા નો!)થી વ્યાપ્ત રહેતો. કોઇ જ પ્રયોજન વિના, “આ બાજુ થી નીકળ્યો, તે થયું, મળતો જાઉં” કહીને આવી જતા, કે પછી હોસ્ટેલમાં રહેતા હોવાને લીધે વિશેષાધિકારથી એ સમયે અચૂક હાજર રહેતા મિત્રોમાંથી પણ કોઈ જ મને પ્રસ્તુત ગીતની તૈયારીમાં મદદ કરી શકે એવી સજ્જતા ન્હોતા ધરાવતા. એક તબક્કો આવ્યો, જ્યારે ‘મીસ’ મુન્શીને સ્પષ્ટ શબ્દોમાં જણાવવાનું નક્કી કરી લીધું કે આ ગીતના Interlude ના ટૂકડાઓ મને યાદ નથી આવી રહ્યા, માટે એણે ફરજીયાત પણે અન્ય ગીત ગાવાની તૈયારી રાખવી પડશે.



 (આ ક્લીપમાં નીચે Time Bar ને ચાલવા દો. તેમાં 59 સેકંડ્સ થી લઈને  1 મિનીટ , 20 સેકંડ્સ  દરમિયાન જે ટૂકડાઓ વાગે છે, એની આ વાત છે.)

કોને ખબર કેવી રીતે, પણ સાંજ સુધીમાં આ વાત ખાસ્સી એવી ફેલાઈ ચૂકી. અમારી પેઢીને વાતને Viral બનાવી દેવા  માટે Social Media જેવા માધ્યમની કોઈ મોહતાજી  ન હતી, એનું આ બાબત પ્રમાણ પૂરું પાડે છે! રાતે સુતી વખતે રેમન્ડ પાસે ફરી એક વાર લાચારીની વ્યથા ઠાલવી, જે નિરર્થક કસરત હતી. એણે મને શક્ય એટલું સાંત્વન પૂરૂં પાડ્યું અને મને હવે એ બાબતે વધુ વિચાર કરવાને બદલે વૈકલ્પીક વ્યવસ્થા માટે સજ્જ થવા માટે અને તે સમયે ઉંઘી જવા માટે સમજાવ્યો. નિષ્ફળતાની હતાશા સાથે મોડેથી ઉંઘ આવી.પણ લગભગ રાતના બે થી અઢી ના સુમારે આંખ ખુલી ગઈ અને પ્રસ્તુત Interludeના ટૂકડા મનમાં  વાગવા લાગ્યા! પહેલાં તો સપનું હશે, એમ લાગ્યું, પણ પછી સમજાયું કે આ તો જાગીને સાંભળું ને બિલકુલ સાચેસાચ (અત્યાર સુધી અટપટો લાગતો) ભોગ ભાસી રહ્યો હતો! બાજુ ના ખાટલામાં સુતેલ રેમન્ડને જગાડ્યો અને ‘યુરેકા યુરેકા’ની બૂમો પાડી. અલબત્ત, સભ્યતાનાં ધોરણો અકબંધ રાખીને!  

અમે બન્ને ત્યારે ને ત્યારે હાર્મોનીયમ લઈને અગાશીમાં ગયા, જ્યાં મેં સમગ્ર ગીત એને વગાડી સંભળાવ્યું.તેમ જ Interlude બરાબર યાદ રાખી લેવા કહ્યું, જેથી જો હું ભુલી જાઉં તો એ યાદ કરાવી શકે. બીજા દિવસે જ્યારે ભરી સભામાં જ્યારે આ ઘોષણા કરી કે, હવે હું ‘કહીં દીપ જલે’ પૂરેપૂરૂં વગાડવા સક્ષમ હતો, ત્યારે મનોસ્થિતી મેચના છેલ્લે બોલે છક્કો લગાવી ટીમને વિજય તરફ દોરી જનાર ફટકાબાજ જેવી હતી! ઉપસ્થિત મિત્રો તેમ જ ખાસ તો પ્રેક્ટીસ માટે હોસ્ટેલમાં આવેલ કન્યકાઓએ અતિશય હર્ષ વ્યક્ત કરી, વાતને વધાવી લીધી. અંતે સૌ સારાં વાનાં થયાં અને કાર્યક્રમમાં આ ગીતે પ્રેક્ષકો(મોટા ભાગનાં કાર્યક્રમ ‘જોવા’ માટે આવતાં હોય, સાંભળવા કે માણવા નહીં) ને ખુશ કરી દીધાં. એમાં ગાયન સાથે સંગીતના ફાળાની પણ નોંધ લેવામાં આવી. 
1973 ડીસેમ્બર, હાર્મોનિયમ પર સ્નેહાની સંગત 

આ ઘટનાક્રમની નાયીકા ‘મીસ’ સ્નેહા મુન્શી તો આ નાનકડી વાતથી એટલી પ્રભાવીત થઈ ગઈ કે મનોમન મારા પ્રેમમાં પડી ગઈ! જો કે આ બાબત મારી સુધી પહોંચાડવામાં એણે ત્રણ વર્ષનો ગાળો પસાર કરેલો. એ પછી જે કાંઈ બન્યું, તેને લીધે  આજ સુધી સ્નેહાને પોતાની પસંદગીનાં ધોરણો માટે આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તી માટે ઉંચો અભીપ્રાય નથી વિકસી શક્યો!


આટલા વિસ્તાર થી કરેલ આ વાત એ બાબત તરફ આંગળી ચીંધે છે કે, પ્રસ્તુત ગીત અને એ કક્ષાનાં અન્ય અગણીત  ગીતોમાં એ તાકાત હતી કે થોડો પણ રસ ધરાવતા હોઇએ, તો એ આપણા મગજના કોઇ અગોચર ખુણામાં અચળ સ્થાન જમાવી લેતાં. આથી આ ગીત અલપઝલપ કાને પડ્યા કર્યું હશે અને તેણે હ્રદયમાં તો ખરી જ, મગજમાં પણ ક્યારે અને કેવી રીતે જગ્યા બનાવી લીધી, ખબર નહીં. આ અને આવાં અનેક ગીતોનાં સર્જકો (લખનાર, ગતમાં બાંધનાર, ગાનાર અને સાથ આપનાર સાજીન્દાઓ)ને નતમસ્તક વંદન.

અન્ય ઘટના શાસ્ત્રીય સંગીતને લગતી છે. અગાઉ જણાવ્યા મુજબ મિત્ર રેમન્ડ મુખ્યત્વે અંગ્રેજી ગીતોનો શોખીન, પણ અમારી સાથે રહેતે રહેતે ફિલ્મી/સુગમ ગીતો તરફ પણ એનો ઝુકાવ સતત કેળવાતો જતો હતો. વિશેષમાં સંગીત માટેની એની લગની, ઘેલછા કહેવાય એ કક્ષાની હતી. નામથી અને દેખાવથી વિદેશી લાગતો રેમન્ડ, અમદાવાદમાં જ જન્મી, ઉછરેલો યહૂદી હતો.
ઈમેન્યુઅલ રેમન્ડ(2016)


 હવે મૂળ વાત ઉપર આવું. યાદ આવે છે  1974ના ડીસેમ્બર મહિનાના એક શનિવારની ઠંડી રાત. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણ અત્યંત વિચીત્ર રહેતું હતું. ઠંડી, વાદળછાયું આકાશ અને ગમે ત્યારે પડી જતા વરસાદને લીધે ક્યાંય ચેન ન પડે એવી સ્થિતી બે ત્રણ દિવસથી સર્જાયેલી હતી. કોઈ કારણસર કૉલેજમાં પણ રજા જેવો માહૌલ હતો. આખા દિવસની નિષ્કર્મણ્યતાને લઈને અમે બેઈ ખુબ જ કંટાળેલા હતા અને તેવામાં ‘દુકાળમાં અધિક માસ’ કહેવતને સાર્થક કરવા માટે લાઈટ ગઈ! હવે શી રીતે સમય પસાર કરવો, એમ વિચારતાં યાદ આવ્યું કે હવે તો અમારી પાસે રૂમમાં રેડિઓ હતો. જેવો રેડિઓ ચાલુ કર્યો કે ન્યાલ થવાનું શરૂ થયું. એ દિવસોમાં દર શનિવારે રાતના સાડા નવથી આકાશવાણીનાં બધાં જ કેન્દ્રો ઉપર શાસ્ત્રીય સંગીતનો ગાયન/વાદનનો કાર્યક્રમ રજૂ થતો. આ દિવસે શ્રી દેવેન્દ્ર મુર્દેશ્વરના વાંસળી વાદનનો કાર્યક્મ હતો.
શ્રી દેવેન્દ્ર મુર્દેશ્વર્

ધીમે ધીમે તેઓ રાગનો વિસ્તાર કરતા ગયા. બહાર ધીમી ધારે વરસાદ પડવાનું શરૂ થયું. જ્યારે તેઓ દ્રુત તાલમાં પ્રવેશ્યા, ત્યાં વીજળી ચમકવા લાગી. કડાકાનો પહેલો અવાજ આવતાં રેમન્ડે ઉભા થઈ, બારી બંધ કરી દીધી, જેથી શ્રવણયાત્રામાં ખલેલ ન પડે. છેવટે લગભગ અઢી કલ્લાક પછી દેવેન્દ્ર મુર્દેશ્વરના વાંસળી વાદનનો છેડો આવ્યો, અને એ જ સાથે રૂમમાં લાઈટ આવી! મેં જોયું કે રેમન્ડની આંખમાંથી આંસુ નીકળ્યે જતાં હતાં. હું પણ ઓછો અભિભુત ન્હોતો. આ પછી જીવનની આટલી લાંબી મજલમાં ઘણા મુર્ધન્ય અને સ્વનામધન્ય સંગીતમાર્તંડોને રૂબરૂ સાંભળવાના પણ સુભગ અવસરો સાંપડ્યા છે, પણ એ રાતે જે લગભગ સમાધિ લાગ્યાની કક્ષાનો અનુભવ થયો, એ અવિસ્મરણીય છે.

 વિશેષમાં ઉમેરવાનું કે અમારો અતિશય  પ્રિય મીત્ર રેમન્ડ છેલ્લાં 40 વર્ષથી ઈઝરાઈલમાં સ્થાયી થયો છે. 1975ના ઑક્ટોબરમાં ત્યાં ગયા પછી એક પણ વાર પાછો અહીં આવ્યો નથી. પણ અમે સાથે રહ્યા, એ અરસામાં એને અમારી દોસ્તીની અને હિન્દુસ્તાની (ફિલ્મી સહીત) સંગીતની જે લગની લાગી છે, તે હજી સુધી છુટી નથી. આ પોસ્ટમાં ઉલ્લેખાયેલાં બેઈ મુખ્ય પાત્રોમાંથી રેમન્ડ 41 વર્ષથી મને બિલકુલ ન મળ્યો હોવા છતાં અને સ્નેહા 39 વરસથી સતત સાથે હોવા છતાં તેઓ પહેલાં જેટલી જ ઉત્કટતાથી આજે પણ મને દિલથી ચાહે છે. અમારી હોસ્ટેલના દિવસોની દોસ્તીને યાદ રાખીને રેમન્ડે મને ઉમદા નસલનું એકોર્ડિયન મારા જન્મદિવસ ઉપર ત્રણ વરસ પહેલાં ભેટ કર્યું છે. 
એકોર્ડિયન, રેમન્ડની ભેટ
અહીં ઉલ્લેખ થયો છે, તે ઉપરાંત અન્ય કેટલાક મીત્રો હજી પણ એકબીજા સાથે બંધાયેલા રહ્યા છીએ, એમાં સંગીત નો ફાળો બહુ મોટો છે. અને આ નવી ટેકનોલોજીનો પણ! 


સૌજન્ય સ્વિકાર: ગીતનો વિડીઓ- યુ ટ્યુબ અન્ય ફોટા- નેટ ઉપરની વિવિધ સાઈટ્સ