મારી લગભગ સાતેક વર્ષની ઉમરે અમે ભાવનગરથી
ગઢડા(સ્વામીના) જતાં હતાં, ત્યારે રસ્તામાં
ઢસા નામના ગામે બસ ઉભી રહી અને કંડક્ટરે “એ હાલો ભાયું, આયાં
બસ ચા
પાણી હાટુ ઉભી રેશે”ની
ઘોષણા કરી. એ જ સમયે બસ ડ્રાઈવરની કેબીનમાંથી
ત્રાડ સંભળાઈ, “તે ક્યાં
મરી ગ્યો’તો?”
જવાબમાં મારીથી માંડ
એકાદ બે વર્ષ મોટો હોય, એવડા છોકરાએ
નીચે ઉભા ઉભા એવા જ અંદાજમાં “તે
બાપા, આ તમારી હાટુ કેવેંડર
લઈને નઈ
આવ્વાનું?” કહી,
ડ્રાઈવરના હાથમાં ‘બીડી-બાકસ’ આપ્યાં. ડ્રાઈવરે આગવી અદાથી
ધુમ્રપાન શરૂ કર્યું.
મારા બાપુજીએ એનું ધ્યાન બસમાં ધુમ્રપાન
કરવાની મનાઈ
હોવાની સુચના વાળા પાટીયા તરફ દોરતાં એણે “તે સાહેબ, અહિયાં
વાંસતાં જ કોને
આવડે સ?” કહી,
એક દમ વધુ લગાવ્યો.
બસમાં બેસી રહેલાં મુસાફરો હસી હસીને ગોટો વળી ગયાં. તે જ સમયે એક
સજ્જને ડ્રાઈવરને માહિતી આપી કે, “તે ભાવુભા
(એ વિસ્તારમાં કાંઈ પણ બોલવાની શરૂઆત ‘તે’ થી
જ થાય!), આ
તો બેંકના મોટા
સાયેબ છે. ઈમની તો મરજાદ રાખવી જોશે”. “તે લે, પેલેથી
ખબર હોવી જુવે ને?” કહેતાં
ડ્રાઈવરે ‘કેવેંડર’
નીચે ઉભેલા દીકરાને
આપી દીધી અને એ ભડનો (શબ્દશ:)
દીકરો બાકી રહેલી સિગારેટના ટેસથી દમ મારવા લાગ્યો!
એ ક્ષણે મને પહેલી વાર હજી સુધી આવા સ્વર્ગીય આનંદથી
વંચિત રહ્યા હોવાનો ખ્યાલ આવ્યો. જો કે સામે બેઠેલાં મા-બાપ ઉપર નજર
પડતાં હતાશાએ ઘેરી લીધો કે આવનારાં ઘણાં વર્ષો સુધી આમ જ રહેવાનું છે. કુમળા
બાળમાનસ ઉપર એની ઈચ્છા મુજબ ન વર્તવા દેવાથી કેવી ખરાબ અસરો પડે એ સમજવા
જેટલાં એ લોકો ઉત્ક્રાંત ન્હોતાં થયાં, એ બાબતનો બહોળા અનુભવથી ખ્યાલ હતો! આમ
હોવાથી મેં એમની પાસે બીડી પીવાની મારી હાર્દિક ઈચ્છા વ્યક્ત
કરવાનું ટાળ્યું. આ બસના ડ્રાઈવર જેવા ઉદાર મારા બાપુજી ન હોવા બદલ હતાશા
તેમ જ લાચારી અનુભવી. જો કે એ ઉમરથી જ ભારે આશાવાદી હોવાથી ક્યારેક તો
સુખનો સુરજ જરૂર ઉગશે એમ મન મનાવ્યું.
ત્રણેક વર્ષ બાદ મારી અપેક્ષા પ્રમાણે
સુખનો સુરજ ઉગ્યો. હવે બાપુજીની બદલી પાછી ભાવનગર થઈ ગઈ હતી. અમે રહેતાં
ત્યાંથી મોસાળ બિલકુલ નજીક હતું. મન ફાવે ત્યારે ત્યાં જઈ, જલ્સા કરવાનો અધિકાર હું પૂર્ણપણે ભોગવતો.
ત્યાં ત્રીકમભાઈ
નામે ઘરઘાટી હતા, જે
હંમેશાં હોકલી પીતા. નવરા પડે એટલે વરંડામાં જઈ, ત્યાં દાદરાની નીચેના ગોખલામાં રાખેલ
હોકલીમાં તમાકુ ભરી, અદાથી
સળગાવી, બેઠા
બેઠા મોજથી ઘુંટ લગાવે.
એક વાર રજાના દિવસે મોસાળ ગયો ત્યારે ત્રીકમભાઈ
રજા ઉપર હોવાની ખબર મામાના મોટા દિકરા જગતે સહર્ષ આપી. થોડી વાર થઈ, ત્યાં માશીનો દીકરો જયંત
પ્રગટ થયો. આ બન્નેના હાવભાવ જોતાં કાંઈક અવનવું બનવાનું હોય, એમ લાગતું હતું. હકિકતે તો ક્ષણે
ક્ષણે સ્વર્ગ ઢૂકડું આવતું જતું હતું!
![]() |
ત્રીકમભાઈ |
બપોરના ભોજન બાદ વડીલો આરામ માટે
ગયાં. મોટાભાઈઓ દ્વારા મને વરંડામાં આવવાની સૂચના મળી. વડીલોને ખબર
ન પડે એવી ખુફીયા પ્રવૃત્તિઓ માટે આ સ્થળ અનુકુળ રહેતું. કોઈ કોઈ વાર આવી
કેટલીક પ્રવૃત્તિઓમાં મારી સમર્પિત સંડોવણી રહેતી. આના પુરસ્કાર રૂપે મોટાભાઈઓએ
મને આજે ન્યાલ કરી દેવાનું નક્કી કર્યું હતું. વરંડાનું ઘરમાં
ખુલતું બારણું અમે બહારથી બંધ કર્યું અને મારે માટે સ્વર્ગનું દ્વાર ખુલ્યું!
બેઈ ભાઈઓએ સિધ્ધહસ્ત કલાકારની અદાથી ત્રીકમભાઈની હોકલી સળગાવી,
વારાફરતી દમ લગાવ્યા
અને પછી એ ધન્ય ક્ષણ આવી પહોંચી, જ્યારે
મુજ શિખાઉના હાથમાં દીવ્ય આનંદ તરફ દોરી જનારું સાધન મુકવામાં આવ્યું. પહેલો ઘુંટ મારતાં જ ‘આ આપણી લેન ન હોય’ની સમજ પડી ગઈ, પણ ભાઈઓ આગળ તો એમની ટોળકીમાં માંડ મળેલ
સ્થાન ટકાવી રાખવા માટે થઈને ‘બહુ મજા
પડી ગઈ’ કહી,
બીજી વાર પણ મોકો
મળ્યે આ પ્રવૃત્તિમાં મને ફરીથી ભેળવવા આજીજી કરી. જો કે એ પછી આવા મોકા
ભાગ્યેજ આવ્યા.
હું ભણતો એ નિશાળ (એ.વી.સ્કૂલ)માંના કેટલાક
છોકરાઓ બેકદર સમાજને અસ્વિકાર્ય હોય, એવી ઘણી બાબતે શુરાપૂરા રહેતા. શાળાની ‘પ્રતિષ્ઠા’ વધારવામાં એમનો સારો એવો ફાળો રહેતો.
રિસેસના સમયે
એમાંના મોટા ભાગના, સામે આવેલી પાનની દુકાને જઈ, બીડી સળગાવી ધુમાડાના ગોટે ગોટા ઉડાડતા. હું નિમાણાની જેમ વર્ગની બારીમાંથી એ જોયા કરતો.
ધુમકેતુએ જો ક્યારેક
આ દ્રશ્ય જોયું હોત, તો
તેઓએ તેમની પ્રસિધ્ધ વાર્તા ‘ભીખુ’માં મીઠાઈની દુકાને ઉભા રહી, જલેબી તરફ તાકી રહેલા ભુખ્યા ગરીબ
છોકરાની જગ્યાએ બીડીની દુકાન સામે ઉભેલા વંચિત છોકરાનું શબ્દચિત્રણ કર્યું
હોત! અગાઉના બહુ આનંદદાયક નહીં એવા ધુમ્રપાનના અનુભવ બાદ પણ એવી સમજણ કેળવી હતી
કે આ તો મર્દો
વાળી બાબત હતી અને વધુ અનુભવથી એમાં આગળ વધાશે.
એ સમયગાળામાં હુસેન નામનો એક મિત્ર કે જે નિશાળે જવા આવવાનો સંગાથી હતો એ તો ખીસામાં જ બીડી બાકસ રાખતો
અને જાહેર રસ્તે મન ફાવે ત્યારે બીડી પીવા લાગતો! આ ઉમદા પ્રવૃત્તિમાં એની સાથે જોડાઈ જવાની
તીવ્ર ઈચ્છા, વડીલો
દ્વારા પકડાઈ જવાના અને ત્યાર પછી તે બાબતે થઈ શકતા ઉપચારના ડરથી દબાયેલી રહેતી. ખેર,
આમ ને આમ શાળાજીવનના
દિવસો વિતી ગયા. કૉલેજનાં બે વર્ષ ભાવનગરમાં ગાળ્યા બાદ આખરે આગળ અભ્યાસ માટે નડીયાદ જવાની તક મળી. એ
જમાનાની એક સારી કૉલેજમાં માઈક્રોબાયોલોજી જેવો રસપ્રદ વિષય ભણવા
મળશે, એનો હતો એટલો
જ રોમાંચ હોસ્ટેલમાં
રહી, પૂરેપૂરી
સ્વતંત્રતાથી જીવવા મળશે, એનો
પણ હતો. સત્તર વર્ષે કેળવેલી કેટલીક મહત્વાકાંક્ષાઓમાંની એક, ટેસથી ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે એટલી વાર ધુમ્રપાન કરવાની
હતી.
પણ એમ કાંઈ બધાં સપનાં થોડાં સાકાર
થાય? મારા બાપુજી મારા
જવાની આગલી રાતે મને કોઈ વાતે મુંઝાવું નહીં વિગેરે કીધા બાદ મુખ્ય મુદ્દે આવ્યા. “
જો ભાઈ, બીજું બધ્ધું બરાબર પણ મારી એવી
અપેક્ષા છે કે તું મારા પૈશાનો ‘ધુમાડો’
નો કરતો.” આટલું કીધા પછી હું આનો સૂચિતાર્થ સમજ્યો કે નહીં એની
તેઓએ ખાત્રી કરી. આ સાથે મારા ધુમ્રપાનના સપનાનો જ ‘ધુમાડો’ થઈ ગયો. બાપુજીના શબ્દો ને શબ્દશ: લઉં,
તો જાતે
રળતો ન થાઉં, ત્યાં
સુધી આ
આનંદદાયી પ્રવૃત્તીથી વિ‘મુખ’ રહેવાનું હતું.
એમને આપેલ વચનનું પાલન ધાર્યા કરતાં વધુ
કઠિન નીવડ્યું. નડીયાદની
અમારી હોસ્ટેલમાં મોટા ભાગના છોકરાઓ ધુમ્રપાન કરતા. વિવિધ
પ્રકારની
બીડી
બહોળા પ્રમાણમાં પીવાતી. અમુક તાલેવંતો બ્રીસ્ટોલ, પનામા અથવા તાજ છાપના દમ મારતા. આ મહાસુખદાયી
કાર્યક્રમનો અંતર્ગત ભાગ ન હોવાની લાચારી કાયમ કઠતી. ઘરથી દૂર હોવા છતાં
પણ બાપુજીને આપેલ વચન તોડવાની હામ ન થતી. હોસ્ટેલના મીત્રો મને પલોટવા
માટે સામ, દામ,
દંડ અને ભેદ ઉપરાંત ચાણક્યનિતીમાં ન જડે એવા અન્ય ઉપાયો પણ અજમાવતા રહેતા હતા. પીગળી
જવાની વૃત્તિ અત્યંત પ્રબળ રહેતી હોવા છતાં છેલ્લી ક્ષણે આંખ સામે બાપુજીનો
ચહેરો આવી જતો અને કાશ, એ
આટલા સ્નેહાળ
ન હોત, તો
અત્યારે એમને આપેલ વચનનો દ્રોહ કરાત એવા વિચારો આવતા. આમ ને આમ હોસ્ટેલનાં વર્ષો પૂરાં થયાં અને
હું વંચિતનો વંચિત જ રહ્યો, આ સમયગાળા
દરમિયાન જાતની સરખામણી ઘણી વાર ટેન્ટેલસ નામના ગ્રીક પાત્ર(કે જેના
હોઠે આવી અમૃતનો પ્યાલો ઢોળાઈ જતો) સાથે થઈ જતી. જો કે ‘કંઈ લાખો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છે’
એ સુવાક્યના સહારે એ
સમય નીકળી ગયો.
![]() |
સ્વર્ગની સીડી |
આખરે નોકરી માટે અમદાવાદ આવવાનું થયું.
પગારની તારીખે
300 રૂપિયાની માતબર(!)
રકમ હાથમાં આવી એટલે જીવનની પહેલી કમાણીના 21 રૂપિયા ભદ્રકાળીના મંદીરે ચડાવી, સીધો પહોંચ્યો નજીકમાં આવેલી સિગારેટની દુકાને
અને ‘તાજ છાપ’નું પૂરું પાકીટ ખરીદ્યું. આ પસંદગીમાં એની
જાહેરખબરમાં આવતી પ્રભાવશાળી ટેગલાઈન, “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” મોટો
ભાગ ભજવી ગયેલી.
હવે પિતાની નહીં, પોતાની કમાણીનો ધુમાડો તો થઈ શકે એ સમજણ ભારે
રાહતદાયી હતી.
આ દિવસો બિલકુલગધાપચીસીના બની રહ્યા, જ્યારે કોઈ જ જવાબદારી વિના માત્ર મોજ
કરવાની હતી. જો કે લત લાગી જાય એ હદે વાત આગળ ન વધી. પણ ઈચ્છા થાય ત્યારે
સિગરેટ પી લેતો. આવા જ અરસામાં સ્નેહા નિકટ આવવા લાગી અને એ બાબત સિગારેટથી દૂર
રહેવા માટે
કારણભૂત બની રહી. જો કે દિવસની એકાદ બે તો પીવાઈ જ જતી. લગ્ન બાદ સ્નેહાએ આદર્શ
પત્નિનાં ઘણાં
પાસાં ઉજાગર કર્યાં, જેમાંનું
એક મારી વ્યસનમુક્તિનું અભિયાન હતું. મેં પણ આદર્શ પતિ જેમ
પત્નિને આપેલાં વચનોનો દ્રોહ કરવાની પરંપરાનું પૂરેપૂરી સમર્પીત ભાવનાથી
પાલન કર્યું! એ જમાનામાં આવતી વિલ્સ સિગરેટની ‘Made for each
other’ જાહેરાત દેખાડી હું એને સમજાવતો કે ઉત્તમ સહજીવન માટે
ધુમ્રપાન જરૂરી હતુ! એ દિવસોમાં બહુ વ્યાપક પ્રમાણમાં બીડી સિગારેટની જાહેરાતો થતી. એકમાં તો કોઈ ડૉક્ટર જ પ્રચાર કરતા દેખાય છે!
જેને વ્યસન કહેવાય
એવી લત 1983થી લાગુ પડી. પરદેશથી આવેલ એક મિત્ર
ત્યાંની શ્રેષ્ઠ ગણાતી સિગારેટ જથ્થાબંધના હિસાબે લઈ આવ્યો અને
એનો એક સારો એવો ભાગ મને આપ્યો. અત્યાર સુધી ઘરમાં સિગારેટ રાખવાનો અને
પરિણામે પીવાનો પ્રસંગ બન્યો ન હતો. હવે એ દોર પણ શરૂ થયો. જો કે એ જ
અરસામાં બાપુજીની બદલી અમદાવાદ થઈ જતાં ઘરમાં મા-બાપની ઉપસ્થિતીને લીધે અલબત્ત,
અંકુશ રહેતો. એવામાં એક
દિવસ તેઓ મારા માટે બ્રીટીશ બનાવટની ‘રોયલ પ્રીન્સ’
પાઈપ અને તમાકુ લઈ આવ્યા!
જો કે પછીથી સમજાયું કે આ તો એમની સોદાબાજીનો એક ભાગ હતો!
એમને છીંકણીની ટેવ હતી. અમદાવાદ આવ્યા પછી મા સાથે સ્નેહા ભળવાથી એમની સામેનો મોરચો
બળવત્તર બની રહ્યો હતો અને વળતા હુમલાતરીકે એ મને વ્યસન બાબતે સહભાગી બનાવવા ઈચ્છતા હતા.
આવા આવા પ્રવાહો વચ્ચે સ્નેહાને સમજાયું
કે ‘પીયૂષ સુધારણા
પ્રકલ્પ’ના
અન્ય આયામો પાસે ધુમ્રપાન નિષેધની બાબત તો નગણ્ય છે! આથી એણે અન્ય
મોરચા ખોલ્યા અને આ બાબતે મને ટોકવાનું બંધ કર્યું. આશ્ચ્રર્યની બાબત
તો એ ઘટી કે એ એક વાર મારા માટે 'Break in case of emergency’ લખેલ કાચની એક ડબ્બી લઈ આવી, જેમાં અંદર એક સિગારેટ મૂકેલી હતી! આ તો ‘સૈંયા ભયે કોટવાલ’ વાળી વાત હતી અને હવે ‘ડર કાયેકા’ની સ્થિતીમાં મારું ધુમ્રપાન બેકાબુ
બનતું ચાલ્યું.
એક જાણીતા સંસ્કૃત સુભાષીતમાં કહ્યા મુજબ મૂર્ખ
માણસનો સમય વ્યતીત થવામાં નિંદ્રા અને કલહ ઉપરાંત વ્યસનનો મુખ્ય ફાળો હોય છે.
એમાંથી પહેલાં બે તો નાનપણથી જ પાળી રાખેલાં હતાં, હવે ધુમ્રપાનનો ઉમેરો થતાં પૂર્ણ સમયના મૂર્ખ
તરીકેની લાયકાત
કેળવી લીધી.
ઘરમાં તેમ જ કૉલેજમાં કોઈ ક્ષોભ વગર સિગારેટનું સેવન ચાલુ થઈ ગયું. અલબત્ત, ઘરમાં મા બાપ કે અન્ય વડિલો અને કૉલેજમાં સિનીયર અધ્યાપકોની આમન્યા રાખતો. મારાં સંતાનો કે વિદ્યાર્થીઓની હાજરીનો કોઈ જ છોછ ન રહેતો.
જાહેર સ્થળો કે રસ્તા પર સિગારેટ પીવામાં
કાંઈ ખોટું કર્યું હોવાની શરૂઆતની લાગણી ધીમે ધીમે જતી રહી. રોડ ઉપરના લારી ગલ્લા ઉપરથી સિગારેટ
ખરીદવાનું એક અધ્યાપક તરીકે વ્યાજબી ન ગણાય, એવી સમજણને પણ પ્રયત્નપૂર્વક દૂર હડસેલી
મૂકવાનું ફાવી ગયું. એક વાર ખાસ મને મળવા આવેલ એક ખૂબજ હોંશિયાર અને
કારકિર્દીમાં ખાસ્સા આગળ વધી ચૂકેલ એવા ભુતપૂર્વ વિદ્યાર્થીએ મને કહ્યું કે,
એ હંમેશાં મને 'Role
Model’ ગણતો આવ્યો
છે ત્યારે થયેલો આનંદ ક્ષણવારમાં જ ઓસરી ગયો, જ્યારે એણે ઉમેર્યું કે
એ બિલકુલ મારી જેવી જ અદાથી સિગારેટ પીતો હતો!
મારા માટે આ ઘટના આંખ ઉઘાડનાર બની રહી અને મેં તાત્કાલિક અસરથી સંતાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ધુમ્રપાન
બંધ કરી દીધું. આનું સાટું વાળવા માટે જ્યાં અને જ્યારે એ લોકોની હાજરી
ન હોય એવા અનુકૂળ સંજોગોમાં ઉપાડ વધી ગયો. લગભગ 24 વર્ષ
સુધી અનેકવિધ વિરોધો
અને અવરોધો વચ્ચે આ વ્યસન ટકી રહ્યું.
2006ની સાલમાં અચાનક
છાતીમાં દુ:ખાવો શરુ થયો અને ડૉક્ટર પાસે ધસી જવું પડ્યું. જૂની ઓળખાણ હોવાથી તેઓ
મારી જીવનશૈલીથી વાકેફ હતા. મને તપાસતી
વેળાએ જો હું સિગારેટ છોડી દેવાનો હોઉં તો જ મારી સારવાર માટે આગળ વધવાની
એમણે વાત કરી અને મેં એ નબળી ક્ષણે એમની વાત સ્વિકારી લીધી. સદનસીબે ડૉક્ટરી
તપાસમાં કશું ચિંતાકારક જડ્યું નહીં પણ આ ઘટનાએ મને વિચારતો કરી દીધો.
બસ, એ બાબત Turning
Point બની રહી. અને મેં
મારા વ્યસનમુક્તી અભિયાનનો આરંભ કર્યો.
શરૂઆતમાં ઘણું જ મુશ્કેલ લાગતું આ અભિયાન
ધીમે ધીમે સફળતાના
આરે પહોંચ્યું છે. જો કે હજી પણ સંપૂર્ણ પણે મુક્ત નથી થયો. ક્યારેક સરસ વરસાદી વાતાવરણમાં કે પછી
કોઈ અતિ સુંદર જગ્યાએ ફરતી વખતે કે પછી ક્યારેક પ્રિય દોસ્તોના સહવાસમાં
ધુમ્રપાનની તીવ્ર ઈચ્છા થઈ આવે છે અને તેવે સમયે તેને ખાળવા માટે બહુ ગંભીર
પ્રયત્નો નથી કરતો! જો કે જે પરિચીતો આ ટેવ ધરાવે છે એ લોકોને તેઓ
તેમાં કાપ મૂકે એવું સૂચન ચોક્કસ કરું છું.
ઉમરના સાતમા
દાયકામાં પ્રવેશ થયા બાદ ઉંઘનું અને કલહનું પ્રમાણ, અનુક્રમે કુદરતી રીતે અને સ્વાભાવીક રીતે ઘટ્યું છે.
વ્યસનની માત્રા પણ નોંધનીય કક્ષાએ ઓછી થઈ ગઈ છે. એટલે અગાઉ ઉલ્લેખ કરેલ,
એ સુભાષીતમાં
વર્ણવેલાં મૂર્ખતાનાં ત્રણે
ય લક્ષણો પ્રચ્છન્ન થવા લાગ્યાં છે. એ
સુભાષીત આ પ્રમાણે છે:
કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છ્તિ ધિમતામ્,
વ્યસનેન તુ મૂર્ખાણામ્ નિંદ્રયા કલહેનવા.
હવે અહીં આપેલી
વ્યાખ્યા પ્રમાણે જો બુધ્ધિશાળી ગણાવું હોય તો જે સુચવ્યું છે, એ રીતે કાવ્ય અને શાસ્ત્રોની ચર્ચાના
વિનોદ વડે કાલનિર્ગમન કરવાની તો ગુંજાઈશ નથી. આ પૂરેપૂરું
વાંચવાની ધીરજ અને સહનશીલતા ધરાવતાં શુભેચ્છકોમાંથી કોઈ ઉપાય બતાવશે?
આ તો શું કે નિવૃત્ત થઈ ગયો છું. નોકરીનાં વર્ષો દરમિયાન તો વાંધો ન
આવ્યો, હવે
તો થોડા બુધ્ધિશાળી હોવું પડશે ને!
૧) ચિત્રો અને તસવીરો પ્રતિકાત્મક છે
અને નેટ પરથી મેળવેલ છે.
૨) આ મારી કેફિયત છે અને કોઈ પણ રીતે
ધુમ્રપાનનો મહિમા કરવાનો ઉપક્રમ નથી.
Khub sundar bhai wah kya baat laajaeab lage raho
ReplyDeleteગજબ કથા છે અને કહેવાઈ છે પણ સરસ રીતે. કિશોર વયમાં કોઈએ ધુમ્રપાન ન કર્યું હોય એવું ભાગ્યે જ બને. બુદ્ધિજીવી (અને રેશનાલિસ્ટ) વર્ગમાં ધુમ્રપાન, મદીરાપાન તેમજ માંસાહાર અભિવ્યક્તિસ્વાતંત્ર્યના માધ્યમ તરીકે હોવાનું ઘણા કિસ્સાઓમાં બનતું જોવા મળે છે.
ReplyDeleteવાહ ધૂમ્રકેતુ વાહ. અમારા પડોશી અને શિક્ષક હસમુખભાઈ બીડીના બંધાણી.એમને પીતા જોઈ ઈચ્છા હતી કે મોટા થઇ સાહેબ બની બસ આમ પીશું.પણ મારા પપ્પા બાળકોથી દુર વ્યસન ધરાવતા હોવાનું જાણ્યું ત્યારથી આજ સુધી વ્યસન મોંઢે નથી અડાડ્યું.બીજા ભાગની તલબમાં...
ReplyDelete