મારી
હૈદ્રાબાદની મુલાકાત દરમિયાન એ શહેરનાં કેટલાંક સ્થળો જોયાં એને વિષે અગાઉની
પોસ્ટમાં લખ્યું હતું. અમારા આયોજન મુજબ હવે વારો હતો ગોલકોન્ડા કિલ્લાની
મુલાકાતનો. આગળથી એવું નક્કી કર્યું હતું કે સવારે બરાબર સાડા નવે ઘરેથી બે એક વાર
ચા અને એક વાર નાસ્તો કરી નીકળી, દસ સવા દસની આસપાસ ત્યાં પહોંચી, ચારેક કલ્લાક
કિલ્લાને વિગતવાર જોઈ, ભોજનાદી પતાવી, સાંજે વેળાસર ઘરે પહોંચી જવું, જેથી રાતના
વાળુ પહેલાં બે ત્રણ વાર ચા પીવાનો અવકાશ મળી રહે. એ મુજબ ધારાએ ડ્રાઈવર
વ્યંકટેશને અસરકારક અંદાજમાં સમયસર (અને એણે જાતે જ) આવી જવા સુચના આપી દીધી હતી.
હું આદર્શ અને આજ્ઞાંકિત મહેમાનની માફક આઠ વાગ્યા સુધીમાં બિલકુલ તૈયાર થઈને એ
લોકોના ઘરની વિશાળ રવેશમાં એક આરામદેહ ખુરશીમાં ગોઠવાઈ, કુંડાંમાં ઉગેલાં ફુલો અને
ટમેટાં તેમ જ રિંગણાં જોવા લાગ્યો હતો. ધારા પણ મંદ મંદ સ્મિત સહ એણે ઉગાડેલા
ફુદીનાનાં પાંદડાં ચુંટતી હતી. આ જોઈને મારા પગમાં વધુ ને વધુ જોર આવતું રહેતું
હતું કેમકે સમગ્ર દ્રશ્ય ટૂંક સમયમાં મળનારી ચાનું સૂચક હતું.
નાસ્તા
સાથે બીજી વારની ચા પીતે પીતે ચિત્ર બદલાયું. અભીજીતે ‘થોડાં મોડાં નીકળીએ તો શું
વાંધો’ની પૃચ્છા કરી. ધારાએ એની વાતમાં સૂર પૂરાવતાં અભીજીતે એવા સંજોગોમાં સીધી
એક કલ્લાકની મુદત પાડી અને એ મુજબ વ્યંકટેશને સૂચીત કરવા ધારાને સૂચીત કરી. એની
થોડી વાર પછી મહાન માણસોના મહાન પુત્રોની જેમ વ્યોમેશે પિતાના પગલે આગળ વધવાનું
નક્કી કરી, વધુ અડધી કલ્લાકની મુદત પાડી. પોણા અગિયારે અભીજીતે ધારાને વ્યંકટેશ ન
આવ્યો હોય તો હવે એની આવી બની છે એમ કહેતાં ધારાએ નીચે જોઈને એ હજી સુધી ન આવ્યાની
જાણ કરી. હવે અભીજીતે ફોન ઉપર જ વ્યંકટેશની ‘આવી બનાવવાની’ શરૂઆત કરી દીધી.
અભીજીતના જીવનનાં સારાં એવાં વર્ષો નડીયાદમાં વિત્યાં છે અને પરિણામે એની પાસે
વિપુલ માત્રામાં ચોક્કસ શબ્દભંડોળ છે. જો કે એણે કેટલાક ચુનંદા પ્રયોગો તો ન
કર્યા, તેમ છતાં બે ત્રણ મિનીટના એ પ્રેમાળ વાર્તાલાપનું પરિણામ એ આવ્યું કે આખરે
અમે ‘થોડાં મોડાં’ એટલેકે સાડા અગિયારે ઘરેથી નીકળ્યાં, ત્યારે નીચે કાર પાસે વ્યંકટેશ
ધોયેલા મૂળા જેવો નજરે પડ્યો. અમે લોકો એને આપેલા સમયથી બે કલ્લાક મોડાં હતાં એ
બાબતનો એણે ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો. થોડી વાર પછી એણે વ્યોમેશને તેલુગુમાં એ અગાઉ
બે દિવસ જાતે કેમ ન આવી શક્યો એનાં કારણો સમજાવ્યાં. વ્યોમેશે એને જે શાતાદાયક
જવાબો આપ્યા એનાથી ફેર એ પડ્યો કે વ્યંકટેશના દાંત એકદમ સફેદ છે એ મને જણાયું.
ખેર, અભીજીતનો બે દિવસનો દબાવી રાખેલો ગુસ્સો
નીકળી જતાં પછી તો વ્યંકટેશની વાતચીતનું માધ્યમ તેલુગુથી બદલાઈને હિન્દી થઈ ગયું. મને
જોઈને એણે કદાચ એણે માની લીધું હશે કે આ મોડું મારે લીધે થયું હશે અને અભીજીતની
પ્રેમભરી વાણીનો પ્રથમ લાભાર્થી હું હોઈશ! એને એવી તો ખબર ન હોય ને કે, સને
૨૦૧૦માં આધાર કાર્ડ માટે ફોટો પડાવ્યો ત્યારથી હું કાયમી ધોરણે જ કોઈએ વઢી નાખ્યો
હોય એવો નિમાણો દેખાવા લાગ્યો છું! આથી એણે મને પણ કહ્યું કે ‘સરજી કકોનટ જઈસ્સા,
બહારસે ગુસ્સાવાલા, અંદરસે પ્યારા’! આમ સૌ સારાં વાનાં થયાં અને અમે લોકો ગંતવ્યસ્થાને
પહોંચી ગયાં. સરકારી દેખરેખ હેઠળ અહીંનું કામ વ્યવ્સ્થિત ચાલતું હોય તેવું
લાગ્યું. ટિકીટ વગેરેની ઔપચારીકતાઓ પછી આગળ ચાલ્યાં ત્યાં ગાઈડ માટેની સગવડ પણ સરકારી
કક્ષાએ થતી હોવાનું જાણ્યું. એટલે અમે એની ઓફિસમાં જઈ, તપાસ કરતાં હુસેન નામના
ગાઈડની ફાળવણી અમને કરવામાં આવી. કિલ્લા વિશે અહીં જે માહિતી અપાશે એની યથાર્થતાની
સીધી જવાબદારી હુસેનના શીરે રહેશે. આમ તો ભરોસાપાત્ર લાગ્યો પણ એની વાકપટુતા એવી
હતી કે કોઈ મહાનુભાવની ચાળીશ વરસ પછીની ખોપરી અત્યારે બતાડી દે અને જોનારાં માની
પણ જાય!
મૂળ કાકટીયા વંશના શાસકોએ ચૌદમી સદી દરમિયાન આ કિલ્લાનું પ્રાથમીક બાંધકામ
કરાવેલું. આખરે સોળમી સદીમાં કુતુબ શાહી વંશે એનો કબ્જો મેળવી, અહીં રાજધાનીનું
મુખ્ય મથક સ્થાપ્યું. પહેલાં અન્ય કિલ્લાઓ જોયા છે અને જો સરખામણી કરીએ તો આ
કિલ્લામાં કોઈ આગવી વિશિષ્ટતા ન જણાઈ, પણ તેમ છતાં ય સદીઓ અગાઉ ટાંચાં સાધન સામગ્રી
સાથે એક દુર્ગમ જગ્યા પસંદ કરી, ત્યાં સુયોગ્ય આયોજન ધરાવતી આવી રચના ખડી કરનારાઓ
માટે ચોક્કસ માન થઈ આવે. હવે કેટલીક તસવીરો અને જે તે તસવીર વિશે થોડી માહિતી
જોઈએ.
પ્રવેશમાર્ગ : રાજવી કુટુંબનો નિવાસ પણ અહીં હોવાથી કિલ્લાની
રક્ષા પધ્ધતી ખુબ જ સક્ષમ હોય એ અત્યંત જરૂરી હતું. આથી દુશ્મનો સહેલાઈથી પ્રવેશી
ન શકે એ માટેની સઘળી તકેદારી લેવાઈ છે. એક સાથે મોટી સંખ્યામાં દુશ્મન સૈનીકો
ધસારો ન કરી શકે કે પછી કિલ્લાનો મુખ્ય દરવાજો તોડવા માટે હાથી જેવા જોરાવર
પ્રાણીનો ઉપયોગ ન થઈ શકે એ માટેની તકેદારી માટે એ તરફનો માર્ગ સાંકડો રાખ્યો છે. ઉપરાંત
એ સમયના મોટા ભાગના કિલ્લાઓમાં જોવા મળે છે એવા અણીદાર ખીલા દરવાજા ઉપર જડી
દેવામાં આવ્યા છે.
![]() |
પ્રવેશદ્વાર |
વળી
દરવાજાથી ખુબ જ નિકટના અંતરે સામેની બાજુએ ઉંચી દિવાલ ચણી લેવામાં આવી છે, જેથી
શીશાના મુખ જેવી (Bottleneck)
સ્થીતી સર્જાય અને આક્રમણખોરો સહેલાઈથી અંદર દાખલ ન થઈ શકે. આમ છતાં ય જો દાખલ થઈ
જાય, તો પ્રવેશકમાનમાંથી એમની ઉપર ધગધગતું તેલ પડે, જે છેક ઉપરથી રેડવામાં આવ્યું
હોય, એવી ચેનલ પણ છે. જો કે માનવતાનાં ધોરણો જાળવવા માટે થઈને અત્યારે એનું
નિદર્શન કરવામાં નથી આવતું!
આ ઉપરાંત
બહાર લગભગ ૨૪૦ કિલોગ્રામ વજનનો લોખંડનો એક બાટ રાખવામાં આવ્યો છે. અમને કહેવામાં
આવ્યું કે એક જમાનામાં જો કોઈ સૈન્યમાં જોડાવા માટે આવે તો એની પહેલી કસોટી આ
બાટને ઉપાડવાની થતી.
![]() |
વજનીયું |
અમારા
ચહેરા ઉપર આશ્ચર્યના ભાવો જોતાં હુસેને કહ્યું, “એ જમાનાના સામાન્ય લોકો પણ સવા
છથી સાડા છ ફીટની ઉંચાઈ અને સવાસો થી દોઢસો કિલોગ્રામ વજન હોય એવા હોતા. અત્યારના
જેવું નહીં કે સાવ જેવા તેવા!” આટલું બોલીને એણે સાડા પાંચ ફીટની ઉંચાઈ અને એક્સઠ
કિલો વજનનું દેહલાલિત્ય ધરાવતા મારી સામે ધારદાર નજર નાખી. પહેલાં તો હું થથરી ગયો
પણ સવા પાંચ ફીટ ઉંચા અને આશરે પંચોતેર કિલોગ્રામ વજન (કે જેનો મોટો ભાગ શરીરના
મધ્યે જમા થયેલો હતો) ધરાવતા હુસેનને બારીકીથી નિહાળ્યા પછી એના તરફથી આવેલા
ઉપાલંભને જીરવી ગયો.
ગુંબજ : આવી સગવડ અન્ય કોઈ કિલ્લામાં હોય તો પણ
એની માહિતી નથી. પ્રવેશદ્વારથી થોડે જ આગળ વધતાં છત ગુંબજ આકારની છે અને બરાબર એની
મધ્યમાં ગોળ કોતરણી છે. એને કેન્દ્રસ્થાને રાખી ઉભા રહેતા ચોકીદારે કરેલ આછો અવાજ
ત્યાંથી દૂર લગભગ ૪૮૦ ફીટની ઉંચાઈએ આવેલ રાજ્ય કુટુંબના આવાસના રખેવાળો સાંભળી શકે
એવી રચના છે. ![]() |
ગુંબજ |
હુસેને અમને આનું નિદર્શન આછી ચપટી વગાડીને કર્યું, જેનો અવાજ જ્યાં સંભળાવો જોઈએ ત્યાં જ વ્યોમેશને સ્પષ્ટ સંભળાયો. નવાઈની વાત એ છે કે ગુંબજના કેન્દ્રથી સહેજ પણ ખસીને કરવામાં આવતો અવાજ ઉપર પહોંચતો નથી. દૂરથી આવી રહેલા શત્રુઓની માહિતી મળતાં જ નીચે ઉભેલો ચોકીદાર આ રીતે ચેતવણી આપે એટલે છેક ઉપર રહેલી હરોળો સતર્ક થઈ જાય. એક બાજુ તેલ ઉકાળવાનું શરૂ થઈ જાય, સાથે સાથે તોપગોળા દાગવાનું શરુ થઈ જાય. શસ્ર્ત્રભંડાર યોગ્ય રીતે જ, અલગ અલગ સ્થળોએ રાખવામાં આવતા.
તોપ અને ગોળા |
દિવાલના
કાન : શાસકને મળવા આવનારા મુલાકાતીઓને ખાસ્સી તપાસ કર્યા પછી જ આગળ જવા દેવામાં
આવતા. તેમ છતાં ય જ્યાં એમની બેઠક વ્યવસ્થા હોતી, ત્યાંની દિવાલની વિશેષતા એ છે કે
એક બાજુએ બેઠેલા માણસનો મર્મર ધ્વની પણ સામેની બાજુની દિવાલે બેઠેલા કિલ્લાના જાસૂસને કાને પડે! વચ્ચે
બેઠેલાઓને આ બાબતે કોઈ અંદેશો પણ ન આવે. આનું રહસ્ય દિવાલની ઉપરની બાજુએ જોવા મળતી
પાસાદાર રચનામાં છે. વ્યોમેશે આવી જ રચનાઓ મધ્યપૂર્વના દેશોમાં પણ જોવા મળતી
હોવાનું જણાવ્યું..
![]() |
દિવાલના 'કાન' |
લોહીની
નદી : શરૂઆતના કોઠા વટાવી અને દુશ્મનો જો અંદર પ્રવેશી જાય તો એમણે એક લાંબા રસ્તે
પસાર થવું પડે એવી બાંધણી છે. અહીં જ અનેક વાર મોટે પાયે મારાકાપી થઈ હોવાનું
હુસેને જણાવ્યું. એના કહેવા પ્રમાણે કોઈ કોઈ વખત તો આ જગ્યાએ શબ્દશ: લોહીની નદીઓ
વહી છે.
![]() |
'રક્ત નીક' |
મનોરંજન
મંડપ : શાસકનું નિવાસસ્થાન હોય ત્યાં મોજ શોખ અને ઉપભોગનાં સંસાધનો હોવાં અનિવાર્ય
છે. આ કિલ્લામાં પણ એ માટેની સર્વ સામગ્રી હાથવગી રહી જ હશે. શાસક ઈચ્છે ત્યારે
એનું, એનાં કુટુંબી જનોનું અને એનાં મહેમાનોનું મનોરંજન કરવા માટે સંગીતકારો,
નૃત્યાંગનાઓ, ભાંડ, ભવાયા, રમતવીરો વગેરે પોતાની કળાનું પ્રદર્શન કરી શકે એ માટે
ચારે બાજુએ દિવાલોથી ઘેરાયેલું એક ચોગાન છે. મહાનુભાવો પોતપોતાના ઝરુખે બેસી ને
આરામથી જોઈ સાંભળી શકે એવી વ્યવસ્થા છે. સામાન્ય જનને અહીં પ્રવેશ નહીં અપાતો હોય
એવું લાગ્યું.
![]() |
મનોરંજન મંડપ |
રાણીવાસ :
ખુબ જ સુરક્ષિત જગ્યાએ બાંધવામાં આવેલા આ આવાસોમાં રાણીઓ/બેગમો અને એમની
દાસીઓએ રહેવાનું હતું. છેક ઉપર રહેતા રાજા/બાદશાહ બોલાવે તો જ એમને બંધ પાલખીમાં
બેસાડી, સેવકો ત્યાં પહોંચાડતા જેથી સ્ત્રી વર્ગને ક્યારેય ટોચ સુધી પહોંચવાના
રસ્તા વિશે ખબર ન પડતી(અહીં શ્લેષ અભિપ્રેત છે). આક્રમણ થાય ત્યારે રાણીવાસની
લોખંડી જાળીઓ બંધ કરી દેવામાં આવતી. વળી અંદર કાયમી ધોરણે પૂરતી માત્રામાં બળતણનો
પુરવઠો રાખવામાં આવતો જેથી ચોક્કસ સંજોગોમાં એમને સળગી જવું હોય ( કે પછી એમને
સળગાવી દેવી હોય) તો સુગમ પડે. એક વિશાળ શસ્ત્રાગાર પણ રાણીવાસની બાજુમાં જોવા
મળ્યો.
ટોચ : જમીનથી લગભગ ૪૮૦ ફીટ
ઉપર ડુંગરની ટોચે શાસકનું રહેઠાણ આવેલું છે. જે તે રાજા/ બાદશાહની દોમ
દોમ સાહ્યબીનાં પ્રતીક સમાં સુખોપભોગનાં બધાં જ સંસાધનો અગાઉના જમાનામાં આ સ્થળે
ઉપલબ્ધ રહ્યાં હશે. કંઈ કેટલાંય ષડયંત્રો અહીં ઘડાયાં પણ હશે અને ફુટ્યાં પણ હશે.
અહીં પણ નદી વહે એટલાં નહીં તો કુંડીઓ ભરાય એટલાં લોહી તો રેડાયાં જ હશે.
.
![]() |
રાણીવાસ |
.
![]() |
ટોચ |
ખંડેરો
: એક જમાનામાં ભવ્ય કોતરણીથી શોભાયમાન હશે એવા આ ઐતિહાસીક કિલ્લાને સમયની
થપાટો પૂરતા પ્રમાણમાં વાગી ચુકી છે. હવે તો રહી ગઈ છે એના ભૂતકાળની વાતો, જેમાંની
ઘણી દસ્તાવેજી પુરાવાઓના અભાવે દંતકથા તરીકે સ્વીકારવી રહી.
![]() |
ખંડેરો |
આ અગાઉ જ્યારે કિલ્લાઓ જોવાની તક મળી હતી ત્યારે
લશ્કરી વ્યુહરચનાને અનુલક્ષી ને કરવામાં બાંધણી માટે મુગ્ધ થઈ જવાનું બનતું. આ વખતે
તદ્દન અલગ વિચારોએ ઘેરી લીધો. રામાયણ મહાભારતના કાળ થી માંડી ને આજ સુધી રાજ્યકર્તાને
ભાગે એક બાજુ દેવોને ય ઈર્ષ્યા કરાવે એવું ઐશ્વર્ય આવ્યું છે અને બીજી બાજુએ સતત
ફફડાટ આવ્યો છે! કોણ ક્યારે કઈ દિશાએથી આક્રમણ કરશે, અંદરનાં જ કોણ લાગ જોઈને
શત્રુઓ સાથે ભળી જશે, ક્યારે ખોરાક પાણીમાં ઝેર ભેળવાઈ જશે, ક્યારે દગા ફટકાનો અને
ક્યારે બળવાનો સામનો કરવો પડશે એના ડરમાં ને ડરમાં જ જીવતા રહેવાનો અભિશાપ પણ દરેક
શાસકને ભોગવવાનો આવ્યો જ છે. આ વાત કરતાં કરતાં મને ચારો ચરતાં કે પાણી પીતાં હરણ
યાદ આવે છે. એક કોળીયો કે ઘુંટડો મોઢેથી ગળે ઉતરે એ પહેલાં તો ઉંચું થઈ, આંખોમાં
ભયની લાગણી સાથે ચારે ય બાજુ જોઈ લે કે આસપાસમાં ક્યાંય શિકારી તો નથી ને! એક
સામાન્ય મનુષ્ય ક્યારેય નથી અનુભવતો એવા ભયની લાગણીથી આજદિન સુધીના શાસકો પીડાતા
રહ્યા છે. વળી માણસોના કાવાદાવા, દગા, ફટકા જેવા બધાથી પોતાનું ગમ્મે તેવી
કિલ્લેબંધીથી રક્ષણ કરવા માંગતો કોઈ પણ શાસક ક્યારેય સમયદેવ સામે થઈ શક્યો છે?
‘ના’થી અલગ જવાબ હોય એવું એકાદ ઉદાહરણ પણ જો કોઈના ખ્યાલમાં હોય તો ધ્યાન દોરવા
વિનંતી છે.
સૌજન્ય સ્વીકાર: માહિતી સ્થળ ઉપરના ભારત સરકાર
દ્વારા પ્રમાણિત એવા મહંમદ હુસેન નામના ગાઈડ પાસે થી મળી છે.
તમામ તસવીરો વ્યોમેશ મહેતાએ ખેંચી છે અને મારી
સાથે વહેંચી છે.
વાહ! અદ્ભુત વર્ણન અને સુયોગ્ય તસવીરો ! તમારી મર્માળુ શૈલી ગજબ છે. નાની નાની વાતોમાં રમૂજ પેદા કરવાની તમારી આવડત કાબિલે દાદ છે.
ReplyDeleteવ્યંકટેશમાં મને એક ભાવિ ચરિત્રકારના દર્શન થાય છે. મારે એક સહાયકની જરૂર છે. એમ થાય છે કે એને પલોટવો જોઈએ. (જીવનચરિત્રોમાં વપરાતી સર્વસામાન્ય ઉપમા 'કોકોનટ જઈસ્સા' એને અત્યારથી ખબર છે એ જોઈને મને આ વિચાર આવ્યો છે.)
Kya baat wah piyush
ReplyDelete