Sunday, 10 August 2025

મારો શાળા પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના બાળકને માટે શાળામાં એડ્મીશન  મેળવવું  કેટલું કઠીન છે, એ સર્વવિદિત છે. આ પરિપ્રેક્ષ્યમાં ૫૭ વરસ પહેલાંના મારા 'શાળા પ્રવેશ'ની યાદ આવી, જે પ્રસ્તુત છે.

૧૯૫૮ના નવેમ્બરમાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાં થી ચાલીશાં, પાયાં, અડધાં, પોણાં, સવાયાં, દોઢાં અને અઢિયાં સુધી પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં_સાડા ત્રણનો ઘડીયો_ નહીં  શીખવવા પાછળ એમની દિર્ઘ દ્રષ્ટી કામ કરી ગઈ હશે કે, મોટો થતાં હું મારી સમગ્ર કારકિર્દી દરમિયાન ઉંઠાં જ ભણાવવાનો છું!). વળી સાથે સાથે છાપાંના માધ્યમથી  થોડું વાંચતાં પણ શીખવેલું. ઉક્ત વર્ષે મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કે, આને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતો, પણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય__દાદી__ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા તપાસ કરી આવ્યા અને એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મુહૂર્ત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.
બીજે દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરી, ઘી ગોળ ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા, ત્યારે દાદીએ મોટા અવાજે 'નિશાળ ગરણું ' (શાળા પ્રવેશોત્સવનું ગીત) છેડ્યું. ‘પ્રવેશોત્સવ’ આ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતો, સરકારોને એ સમયમાં બીજાં ઉપયોગી કાર્યો કરવાનાં રહેતાં! આ સમયે નીચે કુંડીએ કપડાં ધોતી માને જાણ થઇ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઇ ગઈ! બાપુજી તો એકાદ કલ્લાક પહેલાં માથે હાથ ફેરવી, 'સરસ ભણજે' કહી, નોકરીએ નીકળી ગયેલા. શાળાએ જતાં રસ્તામાં ભીખા લખમણની દુકાનેથી દાદાએ શાળામાં વહેંચવા સારુ શેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ‘ભાગ’ અપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વિકારી લીધી. આમ દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની સાથે આગળ ચાલ્યો. ડોનના ચોકમાં આવેલ નૂતન વિદ્યામંદિર ના હેડ માસ્તર શ્રી સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. ત્યાં પહોંચી, દાદાએ તેઓને કહ્યું કે, "આજથી આ છોકરો તને સોંપ્યો." સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાં, જે  'પઢો રે પોપટ રાજા રામના' થી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવા' નું નક્કી કર્યું. અને તે વર્ગમાં મને મૂકી ગયા.
શાળા છૂટી, ત્યાં સુધી સાકરકાકા સાથે ત્યાં જ, એમની ઑફિસમાં બેસીને દાદાએ સમય પસાર કર્યો. ઘરે જઈને તેમણે ગર્વોન્નત મસ્તકે બધી વાત કરી. એમનો ઈંગિત એ તરફ હતો કે “હિંચકે ઝુલતાં આખ્ખો દિ’ પાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં” સિવાય પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા.  પણ દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મુકાતો હશે? મરી જશે મરી, મારો છોકરો! કાલે જઈને ઉતારી આવો, એક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિષે જણાવતાં મારું તત્કાળ Demotion થયું અને હું બીજા ધોરણમાં 'બેઠો'! આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાબત હવે ધ્યાન ઉપર આવે છે કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારી જન્મતારીખ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખી હતી. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! ‘એક સાથે ત્રીશ્ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળક’ કે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યા’નાં  એ જમાનામાં ભરાતા મેળામાં પ્રદર્શનો યોજાતાં એવી રીતે કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!
હું ત્રીજા ધોરણમાં હતો અને બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નચિંત હું હતો એટલાં જ નચિંત મારાં મા બાપ પણ હતાં. ત્યાંની ‘મોહનલાલ મોતીચંદ શાળા’માં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે ત્યાંના હેડ માસ્તર સાહેબે ત્યારના સંજોગોમાં મને બે મહિના માટે ત્યાંની ‘ધૂડી નિશાળ’માં બેસાડવા સુચવ્યું અને ધોરણ ચારથી તેઓ મને ‘મોહન મોતી’માં લઈ લેશે એમ જણાવ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એનું સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટૅલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ‘ધૂડા’ પ્રયોગો ચાલુ  કરી દીધા. મા બાપને તો આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! જો કે આ શાળામાં હજી થોડાક જ  દિવસ વિત્યા હશે તેવામાં નગરશેઠના ઘરેથી ચા પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાંં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ‘ધૂડા’ પ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને ‘મોહન મોતી’માં કેમ નથી મૂક્યો એમ પુછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતી’ના હેડ માસ્તર સાહેબ હતા! શેઠે તેઓને મેનેજર સાહેબના દિકરાને બીજા જ દિવસે દાખલ કરી દેવાની સુચના આપી અને જો એમ નહીં થાય તો શું થઈ શકે એની સાહેબને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, સાહેબના હાથે નાસ્તા અને શરબત બાદ બીજે દિવસે ‘મોહન મોતી’માં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. અને  આમ મારું ભણતર ‘ધૂડમાં મળતું’ અટક્યું.
આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ કે, આજથી ૫૫-૬૦ વરસ પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતો, એ અહીં ઉજાગર કરવું છે. મહદ અંશે બાળકો દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?) વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર તરાપ ન દેખાતી, બલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશ, બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજિક હતો. અને આ રીતે, કોઈ ચોક્કસ 'System' વગરના સમાજ માં જનમતાં, ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. નોકરિયાત લોકોને કોઈ પણ કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. ભાવનગરથી ગઢડા ફરવાનો મહિનો જાન્યુઆરી હતો, તો પણ એપ્રીલ મહિના સુધી ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આવા ગાળામાં જન્મી, ઉછરી, ભણી, તૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને 'માનસિક તાણ' શબ્દપ્રયોગ ત્યારે પ્રયોજાયો ન હતો. ન તો મા- બાપ માટે, ન તો ખુદ બાળક માટે.


સાપ રે સાપ

                      
 “સાપ તો પિતૃઓનું સ્વરૂપ છે, મૃત્યુલોક્માં રહેલાં પોતાનાં વંશજોને આશિર્વાદ દેવા પિતૃઓ સાપ રૂપે પધારતા હોય છે, સાપ દેખાય ત્યાં ઘીનો દિવો કરી, આસ્થાથી શેષનાગજી બાપાનું સ્મરણ કરવાથી એ દૂર જતો રહે છે, એને મારવાથી લાગતું પાપ તો ચાર ધામની જાતરાથી ય ધોવાતું નથી” જેવી કિંવદંતીઓથી લઈને  “સાપ એક નિર્દોષ પ્રાણી છે, એને છંછેડો નહીં તો કોઈ જ જોખમ નથી, મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે, આ પૃથ્વી ઉપર મનુષ્ય જેટલો જ અધિકાર અન્ય જીવસૃષ્ટીનો પણ છે”  જેવી હકિકતો વાંચી, સાંભળીને દ્રવીત હ્રદયે ‘બરાબર છે બરાબર છે’ ના ભાવ સહિત ડોકું ધુણાવવાનું જેટલું આસાન છે, એટલું જ કઠીન છે એક સાપને ને નિકટવર્તી પરીસરમાં ભાળ્યા પછી સ્વસ્થ મગજ રાખી, યોગ્ય પગલાં ભરવાનું. હમણાં ચોમાસાને લીધે ઘણા વિસ્તારોમાં સાપ નીકળવાના ખબર આવતા હોય છે, ત્યારે અમારી સાથે બનેલી બે ઘટનાઓ યાદ આવે છે.

1)  1970ના ઓગસ્ટ મહિનામાં ભાવનગરના ઘરમાં એક મોડી સાંજે સાપે દેખા દીધી. કોઠારમાં મુકેલ ફળોના ટોપલા બાજુથી વિચીત્ર અવાજ આવવા લાગ્યો. ચોક્કસ પ્રસંગે વહેંચવા માટે હોઈ, ત્રણ મોટા ટોપલા ભરીને ફળો ઘરમાં હતાં, એમાંથી ક્યા ટોપલામાંથી અવાજ આવી રહ્યો હશે, એ જાણવું મુશ્કેલ હતું. પણ એવામાં તો મદારીના કરંડીયામાંથી પ્રગટ થાય એમ જ જમરુખના કરંડીયામાંથી ફેણ ચડાવી, સાપે પોતાનું લોકેશન જણાવ્યું. એને ભાળ્યા પછીના અમારા લોકોના પ્રતિભાવો બહુ અનુકૂળ ન લાગવાથી એણે અમારાથી અંતર રાખવાનું નક્કી કર્યું હોય એમ એ ટોપલામાંથી બહાર નીકળી આવ્યો. ત્યાર પછીના અમારા પ્રતિભાવો તો એની પ્રકૃત્તિને સહેજે ય અનુકૂળ ન પડ્યા હોય, એમ એણે તાત્કાલિક અસરથી ‘આવ નહીં આદર નહીં’ વાળા બેકદર માનવીઓથી દૂર જવા માટેની તૈયારી આદરી. હવે અમારા સઘળા પ્રયાસો એને ત્યાં ને ત્યાં રોકી રાખવાના હતા, જેથી કોઈ સાપ પકડવાના ‘ઉસ્તાદ’ને બોલાવી લેવાય અને  એને પકડી અને આઘે છોડી અવાય. આવા પ્રયાસોને અંતે એ ફરીથી એક ટોપલામાં દાખલ થઈ ગયો.

બસ, પછી તો શ્રમવિભાજનના નિયમો લાગુ પડ્યા અને કાર્યવહેંચણી થઈ ગઈ. બાપુજી અને કાકાએ મળીને કોઈ પકડનાર આવે ત્યાં સુધી સાપ ઉપર ધ્યાન રાખવાની અને સમગ્ર મીશન પૂરું થાય ત્યાં સુધી સમગ્ર કાર્યવાહીનું નિયમન કરવાની જવાબદારી લીધી. મા અને કાકીએ એ દરમિયાન જરાય મુંઝાયા વિના રસોડાનાં કામો ચાલુ રાખવાનાં હતાં. વળી દાદી તરફથી આવતાં સૂચનો અને સાપ વિષેની વાર્તાઓ તેમજ એના નાનપણમાં જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થઈ, ત્યારે અમારા વીર પૂર્વજોએ શું શું કરેલું, એ ભવ્ય ભૂતકાળની વાતો પણ એ લોકોએ જ સાંભળ્યા કરવાની હતી, જેથી જવાબદારોથી મૂળ કામ ઉપર ધ્યાન આપી શકાય. જો કે દાદીનું ‘ઈ દેવતા’ને મારી નહીં નાખવાનું સૂચન સર્વસ્વીકૃત હતું. એ બાબતે એમને સધિયારો બંધાવી દેવામાં આવ્યો. નાની બહેન અને બે ભાઈઓએ મુખ્ય રૂમના હિંચકે બેસી રહેવાનું હતું અને થોડી થોડી વારે “હવે શું કરશું? એક વાર જોઈ લઉં? જમવાનું તો ઠેઠ ઈ પકડાઈ જાય પછી જ તે?” જેવા પ્રશ્નો ન પુછવા બાબતે ત્રણેયને કાકાએ એમની લાક્ષણિક મુદ્રામાં સૂચિત કર્યાં, જે એ બહોળાં અનુભવીઓ માટે ચેતવણીથી કમ ન્હોતું! હું સત્તર વર્ષથી પણ ઓછો હતો, પણ તાત્કાલિક અસરથી મને ‘પુરૂષ વર્ગ’માં  બઢતી આપવામાં આવી. કારણ જો કે મને પછીથી સમજાયેલું, દોડાદોડી માટે હું હાથવગો હતો!

આખરે સાપ પકડ/નિકાલ  સમિતીના અમે ત્રણ સભ્યો એને પકડવા કોને બોલાવવા એની ઉપર વિચાર કરવા ઉભા રહ્યા(સમિતીની સઘળી કારવાઈ સ્થળ ઉપર ઉભે ઉભે જ થાય એમ હતું!). મેં સૂચવ્યું કે અમારી બાજુના ઘરમાં રહેનારા વર્માજી તરીકે ઓળખાતા સજ્જનને બોલાવીએ. એ અમને અવારનવાર એમના ઉત્તર પ્રદેશના વતનમાં પોતે અને વડવાઓએ ‘ખૌફનાક જંગલી જાણવરોંકે સાથ’ કરેલાં પરાક્રમોની ગાથાઓ કહ્યા કરતા. આ સૂચન તરત જ સ્વીકારાયાથી હું એમને બોલાવી આવ્યો. અતિશય ઉત્સાહથી એક મોટો ડંગોરો લઈને એમણે કોઈ યુધ્ધ વિજેતા સેનાપતિની અદાથી અમારા ઘરમાં પ્રવેશ કર્યો અને “કહાં હૈ વો?”ની ત્રાડ નાખી. એમને કોઠાર સુધી પહોંચાડી જમરુખનો ટોપલો બતાડ્યો, જેમાં ‘વો’ બિરાજમાન હતા. “અરે, એક બાર સામણે આ જાવે, અભી પકડ લેવેં” કહીને એમણે એ ટોપલા ઉપર લાકડી ફટકારતાં જ સાપે “ મોહેં કહાં ઢૂંઢે રે બંદે”ની અદામાં ફેણ ઉંચી કરી, ફુંફાડો માર્યો. આના પ્રત્યાઘાત રુપે વર્માજી જે સ્ફુર્તિથી પીછેહઠ કરી ગયા, એનું વર્ણન કરવા કનૈયાલાલ મુનશીની ભાષા અને ઝવેરચંદ મેઘાણીની શૈલીની જરૂર પડે! પણ અત્રે એટલું કહેવું કાફી છે કે એ વખતે ઓલિમ્પિક આયોજન સમિતીના કોઈ સભ્ય હાજર હોત, તો અત્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ‘પીછેકુદ’નો પણ સમાવેશ થયેલો હોત! આ અભિયાનમાંથી હટી જવા માટે વર્માજીએ ખુબ જ લાગણીવશ સ્વરે જણાવ્યું કે “યેહ તો નાગીન હૈ ઔર ક્યા હૈ કી હમ ઈસ્ત્રી પર વાર નહીં કરતે.” જો કે એમના ગયા પછી દાદીએ કાંઈક બીજી જ વાત કરી...”ખોટ્ટાડો, મારો રોયો! રોજ ઓલી મુક્તાડી અમથી અમથી હિબકે છે?” જે હોય તે, એ વખતે અમારો અગ્રતાક્રમ વર્માજીના સંસારની ખાટી મીઠી જાણવાનો ન્હોતો, એ બાપુજીએ  યાદ કરાવતાં હવે કોને બોલાવશું એની ફરીથી વિચારણા શરુ થઈ.

હવે તો આ ચર્ચામાં નવ વરસની બહેન અને દસ તેમ જ છ વરસની ઉમરના બેઈ ભાઈઓ પણ દાખલ થઈ ગયાં. ચર્ચા અભિયાન(નંબર બે)માંથી એક સૂચન સૌને વ્યાજબી લાગ્યું, તે હતું જુસબ બાદછાને બોલાવવાનું. યુસુફ ઉર્ફે ઈસુબ ઉર્ફે ઇસપ ઉર્ફે જુસબ, સીદી હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ કોમ ‘બાદશાહ’ અથવા તો ‘બાદછા’ તરીકે ઓળખાય છે. અંદાજે ત્રેવીશ-ચોવીશ વરસનો યુસુફ અખાડીયન હતો. અમે લોકો ઘરની બાજુમાં આવેલ ‘કૃષ્ણકુમારસિંહ અખાડામાં રોજ સાંજે રમવા જતા, ત્યાંનો એ નિયમીત સભ્ય હતો. અમારા જ વિસ્તારમાં રહેતો અને મીસ્ટર ગુજરાતની સ્પર્ધાની ફાઈનલ સુધી પહોંચેલો. ભાવનગરમાં એને લોકો ‘બોડી બીલ્ડર બાદછા’ તરીકે જાણતા.

યુસુફને બોલાવી લાવવા માટે મારી પસંદગી થઈ. જે સાઈકલ દસ મિનીટ ફેરવવા માટે કાકાને પંદર મિનીટ વિનવણી કરવી પડતી, એની ચાવી એમણે મને સામેથી પકડાવી દીધી અને યુસુફને હું બોલાવી આવ્યો. એ સાપ પકડવાનો ચીપીયો લઈને આવ્યો અને માત્ર પાંચથી સાત મિનીટમાં એણે લગભગ આઠથી નવ ફીટના કોબ્રાને આસાનીથી પકડી લીધો અને એક થેલીમાં ભરીને સાથે લઈ જવાની તૈયારી બતાડી. કહ્યું કે આને પોતે અમારા ઘરથી દૂર આવેલ એક વગડાઉ જગ્યાએ છોડી આવશે. એણે આ કામને નિ:શુલ્ક ધોરણે થયેલ સેવા ગણવા એણે પહેલેથી જ ચોખવટ કરેલી હતી. સામાન્ય રીતે અમારા અખાડાના કોઈ પણ સભ્ય માટે બાપુજી અને કાકાના અભિપ્રાય બહુ ઉંચા( અને અમને સ્વિકાર્ય!) ન રહેતા, પણ એ દિવસે એ બેઈ જણાએ ‘યુસુફભાઈ’ને બેઠકરૂમમાં માનભેર બેસાડ્યો અને એને પરાણે શરબત પીવડાવી, અમને લોકોને એની પાસેથી સેવાભાવની પ્રેરણા લેવા ખાસ સમજ આપી!

યુસુફ (અને ખાસ તો એની સાથે સાપ)ના જવા સાથે જ ઘરના વાતાવરણમાં તરત જ પલટો આવ્યો. કાકાએ મારી પાસે રહી ગયેલી સાઈકલની ચાવી માંગી લીધી. અમારા કુટુંબની પરંપરા પ્રમાણે કોઈ  પણ કટોકટીનો અંત આવે એટલે ચા પીવાની ધાર્મીક વિધી કરવી પડતી! એ મુજબ સૌએ ચા પીધી અને લગભગ સાડા દસ વાગ્યે જમવા માટેના ઠરાવો મૂકાયા! પિસ્તાળીશ વરસ અગાઉની આ ઘટનાનાં સાક્ષી એવાં દાદી, કાકી, કાકા, બાપુજી અને નાની બહેન ગોપી હવે અમારી સાથે નથી. બાકી રહેલાં અમે લોકો હજી પણ ક્યારેક આ ઘટનાને નવાં ઉમેરાયેલાં કુટુંબીજનો સાથે વ્હેંચી, હસી લઈએ છીએ.



2) 2015ની 25 જુનની રાતે  લગભગ સાડા અગિયારના સુમારે ઘરના ઉપરના માળે આવેલા બાથરૂમના ઘોડાના એક ખાનામાં રહેલી વિવિધ બોટલ્સની પાછળ પૂંછડી સળવળતી નજરે પડી. ઉંદરડી અથવા ગરોળી હશે એમ માનીને બોટલ્સ ખસેડતાં નજરે પડ્યો, લગભગ સવા થી દોઢ ફૂટ લંબાઈનો સાપ! ઇન્દિરાજીએ કટોકટી ઘોષિત કરતી વખતે પસાર થવું પડ્યું હશે, કંઈક એવી જ મનઃ સ્થિતિમાં મૂકાઈ ગયો. એ વખતે જેમ તત્કાલિન રાષ્ટ્રપતિને અડધી રાતે જગાડવામાં આવેલા, એવી જ રીતે તાત્કાલિક અસરથી સ્નેહાને જગાડી. દેશના પ્રબુધ્ધ નાગરિકોએ તે સમયે કરેલો, એનાથી પણ સબળ વિરોધ કરવાનો એનો ઈરાદો હશે, પણ તે આ 'કટોકટી'ની વિગતની જાણ થતાં જ શમી ગયો. એણે દરેક બાબતમાં સહકાર આપવાની તૈયારી બતાડી. હવે આ સાપ ઝેરી હશે કે બિનઝેરી, એનું કોઈ પ્રમાણ અમારી પાસે નહતું. મેં સ્નેહાને મેરી ક્યુરી જેવાં અને સ્નેહાએ મને એડવર્ડ જેનર જેવા મહાન વૈજ્ઞાનિકોની યાદ આપી, કેમકે એ લોકોએ ચોક્ક્સ પરિક્ષણો માટે પોતાની જાત ઉપર જાનના જોખમે પ્રયોગો કરેલા.પણ આ સાપનું ઝેરીલાપણું તપાસવા માટે જાન દઈ દેવા જેટલો વૈજ્ઞાનિક અભિગમ અમે એકેય નથી ધરાવતાં, એ ખાત્રી થયા બાદ એને પકડી, સલામત છોડી દેવા વિષે અમે બંને અમારી અપેક્ષા કરતાં પણ વધારે ઝડપથી સંમત થઈ ગયાં. નક્કી થયું કે હું સ્થળ ઉપર રહી, સાપનું ધ્યાન રાખું અને સ્નેહા સોસાયટીના પગી નામે વિષ્ણુને ઉઠાડી, મદદ માટે બોલાવી આવે. મેં સ્નેહાને ખાસ સૂચવ્યું કે નીચે બેઠેલી મા આ બાબત જાણીને 1970ના ઓગસ્ટના અનુભવો ત્યારે જ કહેવાની શરૂઆત કરી દે, તો “એ વાત પછીથી” કહી, એણે વિષ્ણુને બોલાવવા ધસી જવું. સ્નેહાએ એમ જ કર્યું અને પાંચેક મિનીટમાં વિષ્ણુ આવી ગયો. આર્થિક લેવડદેવડ ઉપરાંત  એની એક શરત એ પણ હતી કે જીવડાને મારી નહીં નાખું, પકડીને છોડી દઈશ. આમ આ અભિયાનનાં ત્રણેય સાથીદારો સમગ્ર કાર્યક્રમ વિષે એકમત હોવાથી કાર્ય સરળતાથી સંપન્ન થશે, એમ લાગ્યું. વળી વિષ્ણુએ સાપને માટે ‘જીવડું’ શબ્દપ્રયોગ કર્યો એટલે અમે એની સંભવિત બહાદુરી વિષે ઉંચો અભિપ્રાય બાંધી લીધો. અને ઘટનાક્રમ આગળ વધ્યો.

          પણ, અમે માનતાં હતાં એવી સહેલાઈથી આ કાર્ય સંપન્ન નહીં થાય, એમ અમને ઝડપથી સમજાવા લાગ્યું. કારણ કે  કાર્યક્રમનો 'નાયક' સહેજેય સહકાર આપવાની માનસિકતામાં ન હતો. પારાવાર પ્રયત્નો, મૂંઝવણ, સૂચનો અને 'બાપ રે બાપ'ના નારાઓ વચ્ચે એણે છટકી જઈ, સંતાઈ જઈ, અલગ અલગ રીતે વિષ્ણુની અને મારી ધીરજ તેમજ કાબેલિયત(?)ની કસોટી કરી. અંતે સૌ સારાં વાનાં થયાં અને લગભગ એક કલ્લાકની મથામણ પછી અમે આ જીવવિશેષ ને પકડી, એને એની જાત માટે તેમજ લોકો માટે સલામત સ્થાન ઉપર છોડી આવ્યા. વિષ્ણુને એના સહકાર બદલ એની અપેક્ષાથી વધુ પુરસ્કાર આપ્યો, જે એણે વ્યાજબી પ્રમાણના વિવેક સહ સ્વિકાર્યો. અત્યાર સુધી બેસી રહેલી માએ 1970ના ઓગસ્ટના અનુભવો વહેંચવાની એની નેમ ત્યારે જ પાર પાડી. 

નાની ઉમરે એક ફિલ્મ જોયેલી, ‘કોબ્રા ગર્લ’. એમાં લગભગ આવા જ ઘટનાક્રમ (જો કે ફિલ્મમાં સાપને મારી નાખવામાં આવેલો!) પછી, સાપથી ડરેલી નાયિકા વીર પુરુષની અદામાં પેશ આવતા નાયક સાથે નૃત્ય કરતી કરતી ગીત ગાવા લાગેલી. એ નૃત્યમગ્ન યુગલની પાછળ અમારા બાથરૂમમાં ફૂટી નીકળેલા સાપની જેમ જ અચાનક પ્રગટ થયેલાં ઉત્સાહી યુવક યુવતીઓએ પણ નાચ-ગાનમાં ઉલટભેર ભાગ લીધેલો. ગીતને અંતે નાયક અને નાયિકા ઉડતી શેતરંજી ઉપર સવાર થઇ, આકાશગામી થયાં હતાં, બધું જ રાતે અભિયાન સફળતાપૂર્વક પાર પડ્યા બાદ યાદ આવ્યું. 

હવે, મારી સાથે આવું તો કશું જ ન બનવા પામ્યું. હજી ક્યાંકથી ઉડતી શેતરંજી મળી જાય એવી આશા રહે છે. નિવૃત્ત થઈ ચુક્યો છું અને પેટ્રોલના ભાવો વધતા જાય છે!

Sunday, 10 November 2024

'અસ્તિત્વને પેલે પાર'

                                              
મિત્ર અને આ ક્ષેત્રે માર્ગદર્શક એવા શ્રી બીરેન કોઠારીના સુચનનો તાત્કાલીક ધોરણે અમલ કરી, આજ થી બ્લોગની શરુઆત કરું છું.પ્રાયોગીક ધોરણે અગાઉ  Facebook ઉપર મુકેલ મારી એક પોસ્ટ અહીં મુકું છું.
                                           
 આપણે જે જોઈએ અને અનુભવીએ છીએ, એના થી પર અન્ય સૃષ્ટિ છે ખરી? બુદ્ધિવાદીઓ અને શ્રધ્ધાળુઓ વચ્ચે આને વિષે યુગો થી ગજગ્રાહની કક્ષાનો વિવાદ ચાલ્યા કરે છે. આ બે અંતિમો પર વસતાં સન્નારીઓ/સજ્જનો, પરસ્પરને અનુક્રમે 'વિતંડાવાદી' અને 'બુડથલ અંધશ્રધ્ધાળુઓ' તરીકે વખોડતાં હોય છે. એક મધ્યમમાર્ગી તરીકે અહીં જે રજૂઆત કરવી છે, એ માટે બે પાત્રોનો પરિચય જરૂરી છે.

1) સ્વામી સ્વયંજ્યોતીતીર્થ. . હવે સ્વર્ગસ્થ. ભરૂચમાં મકતમપુર વિસ્તારમાં 'જ્ઞાન સાધન આશ્રમ'ની સ્થાપના કરી, સમગ્ર જીવન ત્યાં વ્યતીત કર્યું. ક્યારેય ચેલકા ચેલ્કીઓ ને 'મુંડયાં' નહીં. કોઈ 'પંથ' કે 'સંપ્રદાય' શરુ ન કર્યો. પોતે સન્યસ્ત જીવનની શરૂઆતમાં હિમાલયમાં ગુરુ દ્વારા તેમ જ ઉચ્ચ તપશ્ચર્યા દ્વારા જે પ્રાપ્ત કર્યું, તે સીમિત વર્તુળોમાં વહેંચ્યું. વેદ અને અધ્યાત્મ ઉપર પુસ્તકો લખ્યાં, તેમ જ પ્રવચનો પણ આપ્યાં. ક્યારેય 'પધરામણી' કે 'ઉછામણી' જેવી ઉઘરાણી પ્રવૃત્તિમાં પડ્યા નહીં. અંધશ્રધ્ધાને પોષે, એવી કોઈ પણ પ્રવૃત્તિને આકરા શબ્દોમાં વખોડી કાઢતા. તેઓના 'પરચા' કોઈને થયા હોય, એવું જાણમાં નથી. 

1969 માં એસ એસ સી ની પરિક્ષા આપ્યા બાદ મારા બાપુજીની સાથે આશ્રમ જવાનું થયું, ત્યારે તેઓની અતીતીન્દ્રીય શક્તિનો નાનકડો પરીચય થયેલો. બપ્પોરે મને આશ્રમની લાઈબ્રેરીમાં ફરતાં એક પુસ્તક ઉપર નજર નાખતાં જ પૂરેપૂરું વાંચવા ઘરે લઇ જવાની ઈચ્છા થઇ. ત્યાં હું એકલો જ હોઈ, વિચાર્યું કે પાછા વળતાં સ્વામીજી ને પૂછીને જો હા પાડે, તો લઇ જવું. એકાદ કલ્લાક લાઈબ્રેરીમાં વિતાવી અને પાછો એ લોકો બેઠા હતા, ત્યાં પહોચ્યો, તો સ્વામીજીએ એ પુસ્તકની નકલ બાપુજીને ભેટ આપી દીધી હતી! હજારો પુસ્તકોની વચ્ચે હું એકલો હતો અને આ ચોક્કસ પુસ્તક લઇ જવાની મને ઈચ્છા થઇ, એ તેઓ એ શી રીતે જાણ્યું, ખબર નહીં!


2) લાભશંકર પંડ્યા. . મારા દાદા. સાત વર્ષની ઉમરે પિતાને ગુમાવી દીધા. મોસાળના આશરે ગાયો ચારી, ખેતમજુરી કરી, ભણતા ગયા. 'મેટ્રિક પાસ' હોવાનું અતિશય ગૌરવ હતું. સ્વબળે આગળ આવ્યા અને એ જમાનાની કાઠીયાવાડ બેન્કના મેનેજર પદે પહોંચેલા. હાડોહાડ પ્રમાણિક અને વાસ્તવવાદી. ભગવાન સત્યનારાયણ માં પ્રચંડ શ્રધ્ધા એ રીતે કે "સત્ય એ જ નારાયણ". કોઈ જ વિધિ વિધાનમાં ન માને. મેં અમારા ઘરમાં કોઈ અનુષ્ઠાન, યજ્ઞ કે સાધુ બાવાઓની પધરામણી જોઈ નથી. "ખોટું કરશો નહીં, ખોટું બોલશો નહીં અને જાણી જોઇને કોઈને દુભવશો નહીં", આ એમની શીખ. આ સ્વભાવ છતાં એમને સ્વામીજી સાથે ખુબ જ લગાવ હતો. એમની પણ કોઈ વાતમાં જો શંકા પડે, તો ચર્ચા ઉપર ઉતારી જાય. સ્વામીજી એમનો ઉલ્લેખ "મારો ભાઈબંધ" તરીકે કરતા. નિવૃત્તિ પછી દાદા નિયમિત રીતે ભરૂચ આશ્રમમાં લાંબા સમય માટે રહેવા પણ જતા.

ટલી પશ્ચાદભૂમિકા પછી હવે મુદ્દા ઉપર આવું. એક વાર દાદા ભરૂચ હતા, ત્યારે પ્રેતસૃષ્ટિ ઉપર ચર્ચા ચાલી. સ્વામીજીએ પણ જ્યારે એને સમર્થન આપ્યું, ત્યારે દાદાએ પોતાની નારાજગી વ્યક્ત કરી. ખુબ જ લંબાણપૂર્વકની ચર્ચા પછી પણ દાદા એમના સ્વભાવ પ્રમાણે પોતાની માન્યતાને વળગી રહ્યા. એમની છેલ્લી દલીલ " હું તો જોઉં તો માનું" હતી. સ્વામીજીએ આખરી પાસો ફેંક્યો......"લાભશંકર, ઝેરનાં પારખાં ન હોય". પણ દાદાએ પોતાની વાત પકડી રાખી. આથી સ્વામીજીએ કહ્યું કે એમના એક પરિચિત દંડી સ્વામી બે ત્રણ દિવસમાં ભરૂચ પહોંચવાના હતા, એ આ બાબતે દાદાને સમજાવવા સક્ષમ હશે. વાત ત્યાં પૂરી થઇ.


બે એક દિવસમાં ઉલ્લેખાયેલ દંડી સ્વામી આવી પહોંચતાં સ્વામીજીએ તેઓને દાદાનો પરિચય કરાવી, એમના Rationalist મિજાજ વિષે જણાવી, પ્રેત સૃષ્ટિ ઉપર વધુ પ્રકાશ પાડવા કહ્યું. દંડી સ્વામીએ દાદાને મધરાતે નર્મદા કિનારે બેસી, ચર્ચા કરવા નિમંત્રણ આપ્યું. દાદા તો તૈયાર! કહેલા સમયે આશ્રમની નીચે નદી કિનારે એક ભેખડ ઉપર ચર્ચા શરુ થઇ. લગભગ પરોઢ થવા સુધી દાદાએ સ્વામીનો એક પણ તર્ક સ્વીકાર્યો નહીં. 

ખરે દંડીજી એ પૂછ્યું કે, "લાભશંકર, કાંઈ ગળે ઉતર્યું?" દાદાએ સ્પષ્ટ ના પાડી અને પોતે અનુભવે/જુએ નહીં, ત્યાં સુધી પ્રેત સૃષ્ટિ નું અસ્તિત્વ સ્વીકારવાની ના પાડી. "સારું, ત્યારે લાભશંકર, નમો નારાયણ" કહેતાં જ દંડી સ્વામીએ નમસ્કારની મુદ્રા કરી અને આંખ અંજાઈ જાય, એવા તેજસ્વી પ્રકાશ સાથે અદ્રશ્ય થઇ ગયા! દાદાએ મને કહેલું કે, આમ બન્યા પછી એ ત્યાં જ બેભાન થઇ ગયેલા અને લગભગ 12-14 કલ્લાકે ભાનમાં આવ્યા , ત્યારે પથારીની પાંગતે સ્વામીજી બેઠેલા. "કાં, લાભશંકર?" સાંભળતાં જ  બેઠા થઇ એમને ચરણ સ્પર્શ કરવા જતા લાભશંકર પંડ્યાને સ્વામીજીએ હવે પછી ઝેરનાં પારખાં ન કરવા ફરી એક વાર યાદ કરાવ્યું! 

ગાઉ સ્વામીજી અને મારા દાદાનો વિશેષ પરિચય એટલે કરાવ્યો કે, એક દંભી ગુરુ દ્વારા ઘેલસઘરા ચેલા ઉપર થયેલો આ પ્રયોગ હરગીઝ નહોતો. વિજ્ઞાન જાણે/સ્વીકારે છે, તેની પેલે પાર પણ સૃષ્ટિ અને અસ્તિત્વો હોય છે, એની પ્રતીતિ એક પરમહંસ કક્ષાના તપસ્વીએ એક સંપૂર્ણ વાસ્તવવાદીને કરાવી, એની આ વાત છે, જે મને ખુદ દાદાએ એક વાર એમની સાથે મારી કિશોરાવસ્થામાં હું કોઈ વિતંડાવાદમાં ઉતરી પડ્યો, ત્યારે કરેલી.

Wednesday, 6 December 2023

મહાનુભાવો સાથે મુલાકાત (૨)

મારી અગાઉની પોસ્ટમાં હું બે મહાન ચિત્રકારો સાથેના મારા અનુભવો અહીં વહેંચી ચુક્યો છું.  હવે બે સંગીતકારો સાથે થયેલી મુલાકાતો વિશે જણાવું.

ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન...(૧૯૧૬-૨૦૦૬)


એક ખુબ જ ચવાઈ-ઘસાઈ ગયેલ વાક્યપ્રયોગ છે, ‘સુરજને અરીસો શો ધરવો!’. ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન માટે ઉપયોગમાં લેવામાં આવે તો એ પૂરેપૂરો યથાર્થ નીવડે એમ છે. શરણાઈ તો એક જમાનામાં ‘પોલું છે તે બોલ્યું’માં ગણત્રીએ લેવાતું વાદ્ય હતું. એને લગભગ એકલે હાથે તેઓ શાસ્ત્રીય સંગીતની દુનીયામાં ટોચે લઈ ગયા અને એને વિશ્વપ્રસિધ્ધી અપાવી. પોતાની સમગ્ર સંગીતયાત્રા દરમિયાન એમના જે સૌથી નેત્રદીપક ગુણ પ્રગટ થતા રહ્યા એ હતા તેઓની સહજસાધ્ય સાલસતા અને નમ્રતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન - આ ચારેય નાગરીક સન્માનોની નવાજિશ તેઓની ઉપર સમય સમયે થઈ. ઉપરાંત બનારસ હિન્દુ યુનિવર્સિટી અને શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ ડૉક્ટરેટની માનદ ઉપાધિ તેઓને અર્પણ કરી હતી. એમની શરણાઈના સૂર કાશીના વિશ્વનાથ મંદીરથી લઈ, સંસદગૃહથી લઈ, દેશ પરદેશનાં સભાગૃહોમાં રેલાયા છે. વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ કોઈ પણ શુભ કાર્યનો આરંભ તેઓની છેડેલી મધુર સૂરાવલીના ગુંજનથી થાય્ છે. આજે યોગાનુયોગ ગાંધીજીની પુણ્યતિથી છે (૩૦/૦૧/૨૦૧૭) ત્યારે ખાનસાહેબની વગાડેલી ‘રઘુપતિ રાઘવ રાજારામ’ની ધૂન’ અહીં વહેંચવાનો લોભ રોકી નથી શકાતો

.
આવા યુગપ્રવર્તક કલાકારની રૂબરૂ થઈ, એમની સાથે થોડો સમય વાત કરવા મળી એ મારા જીવનની ધન્ય ક્ષણો હતી. મારો આ અનુભવ વર્ણવતાં પહેલાં સને ૧૯૪૫ની આસપાસની એક ઘટના વિશે જણાવવું જરૂરી છે. ઉસ્તાદજીની કારકિર્દીના પહેલા જ ચરણમાં તેઓનો કાર્યક્રમ ભાવનગરની એંગ્લો વર્નાક્યુલર (એ.વી.) સ્કૂલના મધ્યસ્થ ખંડમાં યોજાયો હતો. ચાલુ  કાર્યક્રમે ખાનસાહેબનું ધ્યાન હૉલના વેન્ટીલેટરની આસપાસ થોડી થોડી વારે થઈ રહેલી હલચલ ઉપર પડ્યું. ઈન્ટરવલમાં તેઓએ આયોજકોનું ધ્યાન એ બાબતે દોર્યું અને તપાસ કરતાં વેન્ટીલેટરની પાછળ અગાશીની કોરે બેઠેલા ૧૮-૧૯ વરસના બે જુવાનીયા મળી આવ્યા! પુછપરછ કરતાં જાણ થઈ કે ટીકિટના ભાવ પોસાણમાં નહીં હોવાથી એ બન્ને કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ અગાશીએ ચડી ગયા હતા. ઠંડી ખુબ હોવાથી થોડી થોડી વારે જગ્યા બદલતા રહેતા હતા અને એ હલનચલન ઉસ્તાદજીની નજરે ચડી ગયેલું. હવે આ વાતની ખબર પડતાં ખાનસાહેબે જે પ્રતિભાવ આપ્યો એ બેમિસાલ હતો. તેઓએ આ બન્નેને બાકીનો કાર્યક્રમ બેકસ્ટેઈજમાં બેસી માણવા માટે કહ્યું! જેમની સ્મૃતિમાં આ વાત જીવનપર્યંત ટકી રહી એ બે યુવાનો હતા મહેન્દ્ર પંડ્યા અને દેવેન્દ્ર ભટ્ટ, અનુક્રમે મારા બાપુજી અને મારા મામા.

હવે આવીએ 1976ની સાલમાં. મને અમદાવાદમાં આવ્યે થોડો જ વખત થયો હશે અને ખબર પડી કે પ્રેમાભાઈ હૉલમાં તેઓનો કાર્યક્રમ યોજાવાનો હતો અને એ માટે બૂકિંગ ચાલુ હતું. મેં સત્વરે જઈ ટીકિટ ખરીદી લીધી. કાર્યક્રમની ગુણવત્તા વિશે કશું કહેવાની મારી ક્ષમતા ત્યારે ય ન હતી અને આજે પણ નથી. બસ, એટલું કહેવું પૂરતું છે કે સમાપન સમયે હૉલમાં ઉપસ્થીત સૌએ ઉભા થઈને લાંબા સમય સુધી તાળીઓના ગડગડાટથી વાતાવરણને ભરી દીધું હતું. યાદ કરાવું, આ એ જમાનો હતો જ્યારે ઘેલસાઘરાપણું આટલું વ્યાપક ન હતું. લોકો હાલતાં ને ચાલતાં હરખપદુડા થઈ ને દાદ આપવા ન મંડતા.

ખેર, મૂળ વાત ઉપર આવી જાઉં. ઉક્ત કાર્યક્રમમાં ઈન્ટરવલ થયો એટલે હું હીંમત ભેગી કરી અને ગ્રીન રૂમ તરફ દોડ્યો. મારા સારા નસીબે કોઈએ મને રોક્યો નહીં અને હું ઉસ્તાદજી બેઠા હતા ત્યાં પહોંચી ગયો અને એમને ચરણસ્પર્શ કરી, વાત કરવાની અનુમતિ માંગી. એકદમ મીઠા હાસ્ય સહ એમણે “બોલો, બેટા” કહીને મારો સંકોચ દૂર કરી દીધો. મેં ભાવનગરમાં મારા બાપુજી અને મામાએ કરેલા ‘પરાક્રમ’ની વાત કરી. સ્વાભાવિક રીતે જ તેઓને ત્રીશેક વરસ પહેલાંની ઘટના યાદ ન જ હોય પણ હસી અને કહ્યું કે “ઠીક હૈ. બેટે, આપ ભી આજ આધા પ્રોગ્રામ યહીં બૈઠકે સુનો, જૈસે આપકે પિતાજી ઔર મામાસા’બને સુના થા”! આટલું બોલતાં જ એમનું ખુબ જ પ્રખ્યાત એવું બાળસહજ હસ્યા.


 મેં એમનો આભાર માન્યો અને પછી ત્યાંથી પાછા નીચે બેસવા જતાં પહેલાં એમના પગમાં પડવા જતો હતો ત્યાં ખુબ જ પ્રેમથી મારા ખભા પકડી, થાબડી અને મને લાક્ષણીક બનારસી શૈલીમાં “ખુબ જીયો, અચ્છા જીયો બેટે” કહી, વિદાય આપી.
આ બધું એક મિનિટ કરતાં સહેજ વધુ અને બે મિનિટ કરતાં ઓછા સમયમાં બની ગયું હતું પણ આ ઘટના મારા ઉપર એની અમીટ અસર છોડી ગઈ છે.

સી. રામચન્દ્ર...(૧૯૧૮-૧૯૮૨)




હિન્દી ફિલ્મી સંગીતકારોમાં આગવું સ્થાન ભોગવી ચુકેલા શ્રી રામચન્દ્ર ચિતલકર એક ખુદ્દાર આદમીની હેસીયતથી, કાવાદાવાઓથી ભરપૂર એવી ફિલ્મી દુનિયામાં પોતાની શરતોએ ટકી રહ્યા. જે ગીત કવિ પ્રદીપજી અને ગાયિકા લતા મંગેશકરની પ્રતિષ્ઠામાં પારાવાર વધારો કરવામાં નિમિત્ત બન્યું એ ‘અય મેરે વતનકે લોગો’ની તરજ તેઓની બનાવેલી હતી એ જગજાહેર વાત છે. પ્રમાણમાં ઓછી પ્રચલિત એવી એક વાત તેઓની ખુદ્દારીની સાહેદી પૂરે છે. આ ગીતની રજૂઆત લતા મંગેશકરે ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી કરી, એ કાર્યક્રમમાં રામચન્દ્રજી હાજર હતા. ઉદ્ ઘોષકે ગીતના સ્વરનિયોજન માટે તેઓના ફાળાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું. એ માટેનાં કારણો અહીં અપ્રસ્તુત છે. આ વાતથી ખુબ જ વ્યથિત થયેલા રામચન્દ્રજીએ સ્ટેઈજ ઉપર જઈને ઉદઘોષકની ધૂળ કાઢી નાખી. સામે ઉદઘોષકે ગુસ્સાથી કહ્યું કે એ સમયે હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા કોઈની એ ઓકાત ન હતી કે એની સામે ગુસ્સાથી વાત કરે. ત્યારે સી. રામચન્દ્રનો જવાબ હતો કે, “ભાઈ યુસુફ, એક જમાનામાં મારો પણ એવો જ રોફ રહ્યો છે એ ન ભુલીશ.” કહેવાની જરૂર નથી કે આ યુસુફ એટલે દિલીપકુમાર!

આમ તો તેઓએ ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું પણ એમની ત્રણ યાદગાર ફિલ્મો તરીકે ‘નવરંગ’, ‘અનારકલી’ અને ‘અલબેલા’ ગણાવી શકાય. તેઓએ કેટલાંક ગીતોમાં કંઠ પણ પૂરો પડ્યો છે. અહીં ફિલ્મ ’અલબેલા’નું લતા મંગેશકરની સાથે તેઓએ ગાયેલું એક મધુર ગીત સાંભળીએ. 



સને 1977ના સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં તેઓનો સ્ટેઈજ શો યોજાયો હતો. મારા એકદમ આદરપાત્ર એવા આ સંગીતકારના આ અગાઉ ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં અનિવાર્ય કારણોસર જવાયું ન હતું. હવે આવી પડેલી આ તક ગુમાવવાની તૈયારી ન હતી. અગાઉથી બૂકિંગ કરી લીધું. નિયત દિવસે કાર્યક્રમ એકદમ સમયસર શરૂ થયો. પડદો ખુલતાં જ એકોર્ડિયન, સેક્સોફોન અને પાઈપ ફ્લ્યુટના ઉપયોગથી લગભગ પાંચેક મિનીટ સુધી છેડાયેલા અસાધારણ સંગીતના પ્રભાવમાં આવી જવાયું. એ પૂરું થતાં જ સ્ટેઈજ ઉપર પ્રવેશી અને બે યુવતીઓએ ફિલ્મ ‘સરગમ’નું ગીત ‘તુ છેડ સખી સરગમ’ છેડ્યું. એ ગીત પૂરું થતાં સુધીમાં હૉલમાં ચોક્કસ માહોલ સર્જાઈ ગયો. એવામાં કાળો સફારી સુટ, ગોગલ્સ અને ફેલ્ટ હેટ પહેરેલા ઉદઘોષકનો પ્રવેશ થયો. એક પછી એક વાદકનો પરિચય અપાયો, જેમાં પહેલું જ નામ હતું એકોર્ડિયન વાદક એનૉક ડેનીયલ્સનું. સેક્સોફોન ઉપર હતા એ જમાનાના મશહૂર એવા સુરેશ. પાઈપ ફ્લ્યુટ ઉપર વિખ્યાત વાંસળી વાદક સુમંત હતા. મેંડોલિન વગાડવાના હતા ગોરખનાથ. આમ ને આમ પરિચયવિધી આગળ વધતી જતી હતી અને મારો ઉત્સાહ વધતો જતો હતો કે છેવટે ઉદ્ ઘોષક રામચન્દ્રજીને સ્ટેઈજ ઉપર બોલાવશે.

એવામાં ઉદઘોષકે માથા ઉપરની હેટ અને આંખ ઉપરનાં ચશ્માં હટાવી, ઝુકી, અદાથી કહ્યું, “ઔર અબ આપકે સામને મૈં, આપકા નમ્ર સેવક, ચિતલકર સલામ પેશ કરતા હૂં”. હું તો સ્તબ્ધ! એ પછી પણ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેઓએ જાતે જ કરેલું. એમના ગાયકવૃંદમાંની બે ગાયીકાઓમાંથી એકે તો પછી ઘણી લાંબી ફાળ ભરી લીધી, જેનું નામ હતું કવિતા ક્રિશ્ણમૂર્તી. પુરુષ ગાયક તરીકે તો માત્ર અને માત્ર રામચન્દ્રજી પોતે જ હતા. ખુબ જ ઉંચી કક્ષાનો કાર્યક્રમ ચાલતો જતો હતો  એ દરમિયાન તેઓ એ દિવસે લંડનના ઓવલ મેદાન ઉપર રમાઈ રહેલી ભારત અને ઇન્ગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચની છેલ્લામાં છેલ્લી વિગતો પણ આપતા જતા હતા. આ બધાને લઈને મારા તેઓ માટેના અહોભાવમાં એકધારો વધારો થતો રહેતો હતો.

જેવો ઈન્ટરવલ થયો કે હું સીધો સ્ટેઈજ ઉપર ધસી ગયો અને એમની પાસે જઈ, તેઓને મારી સાથે  એકાદ મિનીટ માટે વાત કરવા વિનંતી કરી. ખુબ જ સરળતા અને પ્રેમથી તેઓ મને ગ્રીન રૂમમાં સાથે લઈ ગયા. ત્યાં અગાઉ નામ લખ્યાં છે એ બધા જ દિગ્ગજ વાદકો અને બન્ને યુવાન ગાયીકાઓ સાથે મારો પરિચય કરાવ્યો. એ સમયે મારી સાથે ખરેખર આ મારો અત્યંત પ્રિય એવો ગંધર્વ કક્ષાનો સંગીતકાર કે જેનાં ગીતોના ગળાડૂબ પ્રેમમાં હું હતો, એ આવી રીતે વર્તી રહ્યો હતો એવું માનવું દુષ્કર લાગતું હતું. એણે કયા કારણથી એક મુગ્ધ યુવાનને આટલી લીફ્ટ આપી એ હજી એક કોયડો છે. આજે ૪૦ વરસ પછી યાદ કરી રહ્યો છું ત્યારે પણ જાતને પુછું છું કે આ વર્ણન હકિકતનું છે કે સ્વપ્નનું! ખેર, એમની રજા લેતી વખતે નમન કર્યા ત્યારે તેઓએ “ફીર મીલેંગે” કહી અને મને વિદાય આપી. બાકીનો કાર્યક્રમ મેં હૉલમાં બેસી ને નહીં, આસમાનમાં ઉડતે ઉડતે માણ્યો હતો.

આ પછી એકાદ વરસમાં જ ફરીથી અમદાવાદમાં એમના કાર્યક્રમનું આયોજન થયું. આ વખતે આકર્ષણમાં ઉમેરો હતો. એક જમાનાના સુપર સ્ટાર ભગવાનદાદા પણ સાથે હતા. આ કાર્યક્રમમાં પણ ઈન્ટરવલ દરમિયાન એમને મળવા ગયો તો તેઓ મને ઓળખી ગયા અને ભગવાનદાદા સાથે પણ મારી ઓળખાણ કરાવી. મેં થોડો વધુ સમય ફાળવી આપવા માટે વિનંતી કરતાં તેઓએ બીજે દિવસે સવારે તેઓ ઉતર્યા હતા એ હોટેલ ઉપર મળવા આવવા જણાવ્યું. છુટો પડતો હતો ત્યારે ટકોર કરી કે એમની ‘સવાર’ બારેક વાગ્યે પડતી હતી! 

નિયત સમયે હું પહોંચી ગયો ત્યારે એમના રૂમમાં મહેફીલ જામી હતી. થોડા સમયમાં તેઓનો ઈન્ટરવ્યુ કરવા કેટલાક પત્રકારો આવવાના હતા અને રામચન્દ્રજીએ એ દરમિયાન હું ત્યાં જ બેસીશ એવી એ લોકો સાથે સમજૂતી કરી લીધી હતી. ત્રણ પત્રકારો સાથે લગભગ દોઢેક કલ્લાક સુધી તેઓએ મન મૂકીને વાતો કરી. એમાંનું એમનું શરૂઆતનું વાક્ય હજી યાદ રહીગયું છે....”Gentlemen, I drink like a fish almost whole day while I am awake. But I never go wild. But if asked any personal questions, I DO go wild.” આ દરમિયાન હું ઘટનાક્રમનો મૌન સાક્ષી બની બેસી રહ્યો. ઈન્ટરવ્યુ પછી તેઓએ મને ખુબ જ પ્રેમથી ભોજનમાં જોડાવા કહ્યું પણ હું એનો સાભાર અસ્વિકાર કરી, આ મહાન સંગીત નિર્દેશકની રજા લઈ નીકળી ગયો. જીવનભર ચાલે એવો સંતોષ ગજવે આવી ગયો હતો. હા, એક વાત હજી ખટકે છે કે આપણે સાંભળ્યું એ ગીત ‘ધીરેસે આજા રી અખીયનમેં’માં અંદરથી હચમચાવી દે છે એવું વાયોલીન કોણે છેડ્યું હતું એ પુછવાનું રહી ગયું.

બન્ને સંગીતકારોની તસવીરો નેટ ઉપરથી લીધેલી છે.

શરણાઈ વાદન અને ફિલ્મ ‘અલબેલા’નું ગીત યુ ટ્યુબ ઉપરથી લીધું છે.

સી.રામચન્દ્ર અને દિલીપકુમાર વાળો પ્રસંગ શિરિષ કાણેકરના મૂળ મરાઠી પુસ્તક ના જયા મહેતાએ ઇમેજ પ્રકાશન દ્વારા પ્રકાશિત ગુજરાતી અનુવાદ ’ગાયે ચલે જા’માંથી લીધો છે.