નડિયાદની મહિલા કૉલેજના આચાર્ય ડૉ. હસિત મહેતા આવા જ માણસ છે. અમારા મિત્ર ઉર્વીશ કોઠારી (કે જે પોતે પણ માથાના ફરેલા છે!) હસીતભાઈ માટે કહે છે કે એ પોતે જંપે નહીં અને બીજાઓને જંપવા દે પણ નહીં એવા 'મહાફળદ્રુપ' ભેજાના માલિક છે. હજી ત્રીજા આવા જ માનવી મિત્ર બીરેન કોઠારી છે. આ બે કોઠારી ભાઈઓ ક્યારે ક્યારે શું શું કરતા રહે છે તે પોતે પણ માંડ માંડ યાદ રાખી શકતા હશે!
હવે આવા ત્રણ સમાન વિચારસરણીના લોકો એકબીજાના ભાઈઓ/મિત્રો હોય તો તો વારે તહેવારે કશુંક ને કશુંક અવનવું બનતું રહે. એમાંનો એક યાદગાર કાર્યક્રમ આજે માણવા મળ્યો. (તસવીર 5)
વિશ્વકોશના સભાગૃહમાં ઉક્ત મહાનુભાવો દ્વારા યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો ગુજરાતી સાહિત્યની બે અજરામર કૃતિઓ - ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત સરસ્વતીચંદ્ર અને રમણલાલ નીલકંઠ લિખિત ભદ્રંભદ્રને આજના યુગમાં ઉજાગર કરવાનો.
બે કલાકથી ઓછા સમયમાં ત્રણ રજૂઆતો થઈ.
1) ડૉ. મહેતાએ ગોવર્ધનરામે સર્જેલી કુમુદસુંદરી અને ટોલ્સટોયે સર્જેલી એન્ના મળે તો એમની વચ્ચે શું સંવાદ થાય તેની કલ્પના કરી, એક લઘુનાટિકા લખી છે, તેનું મંચન તેમની બે વિદ્યાર્થિનીઓ નાઝનીન અને પૂજાએ કર્યું. (તસવીર 1). આ બંને પાત્રો એમના સર્જક લેખકોની ઉપર સુષુપ્તભાવે આળ મુકે છે, જેની વિગતો જાણવા માટે શક્ય હોય ત્યારે આ નાટિકા જોવા ભલામણ છે.
2) સરસ્વતીચંદ્ર નવલકથામાં કેટલાંક કાવ્યો પણ છે, જેનું ગાન આસ્થાના અને પૂજાએ રજૂ કર્યું. આસ્થાના એક ખાસ વ્યક્તિત્વ છે, જેણે જન્મથી જ કુદરત અને સમાજ સાથે સંઘર્ષ કર્યો છે. તેમ છતાંય તે અતિશય તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવે છે. ઓછું હોય તેમ સંગીતમાં પણ B.A. અને M.A.ની ડીગ્રી ઉચ્ચ ગુણાંક સાથે મેળવી, તે હાલમાં સ્વતંત્ર રીતે વ્યવસાયિક ધોરણે ગાયિકા તરીકે આગળ વધી રહી છે. પૂજાએ અભિનય વડે તો સૌને પ્રભાવિત કર્યાં જ હતાં, સાથે ગળાની મીઠાશ વડે પણ તે છવાયેલી રહી. (તસવીર 2)
3) નડિયાદના વતની અને ઉચ્ચ કક્ષાના વહીવટી અધિકારી તેમ જ વિદ્યાપુરુષ એવા કુલીનચંદ્ર યાજ્ઞિક 96 વર્ષની ઉંમરે વિવિઘ શારીરિક વ્યાધિઓ વડે ઘેરાયેલા હતા તો પણ છેવટ સુધી ખાસ્સા સક્રિય રહ્યા હતા. તેઓએ 86 વર્ષની ઉંમરે નડિયાદના યુવાનો સાથે સંવાદ સાધવા માટે એક પહેલ કરી હતી. દર ગુરુવારે સાંજે તેઓ યુવાનોને ભેગા કરી, મુક્ત મને તેમની સાથે પ્રશ્નોત્તરી કરી, સંવાદ સાધતા હતા. યાજ્ઞિક સાહેબના અવસાન પછી પણ આ પ્રવૃત્તિ બીરેનભાઈએ ચાલુ રાખી છે. આજના કાર્યક્રમમાં આ પ્રવૃત્તિમાં સામેલ એવાં કેટલાંક યુવાન - યુવતીઓ (અને એક તો સાતમું ભણતી બાળકી!) સાથે ગોવર્ધનરામે સરસ્વતીચંદ્ર અને રમણભાઈએ ભદ્રંભદ્ર લખી એની પાછળનો હેતુ શો હશે તેની કલ્પના કરી, ઉર્વીશ કોઠારીએ કલ્પેલી એક સમૂહચર્ચા બીરેનભાઈએ રજૂ કરી. (તસવીર 3).એમાં તાત્ત્વિક બાબત બિલકુલ લાક્ષણિક અને હળવી શૈલીમાં માણવા મળી.
અંતમાં હસિત મહેતાએ નડિયાદ શહેરના ગોવર્ધનરામના એક સમયે ગીરવે મુકાયેલા નિવાસસ્થાનનું ગોવર્ધનરામ સ્મૃતિમંદિરમાં કેવી રીતે રૂપાંતર થયું, તે ટૂંકમાં જણાવ્યું. આ સ્થળની મુલાકાત લેવા માટે જાહેર આમંત્રણ આપતાં તેમણે કહ્યું કે, જે કોઈ આમ કરવું ચૂકશે તેને લખ ચોરાશીનાં ફેરામાંથી મુક્તિ નહીં મળે.
હવે આને આમંત્રણ ગણવું, ધમકી ગણવી કે શાપ ગણવો, એ ચોખવટ માટે પણ હસિતભાઈની મુલાકાત લેવી ફરજિયાત છે!
ટૂંકમાં, ખરા અર્થમાં માણવા જેવો કાર્યક્રમ છે. સંકળાયેલાં સૌને (તસવીર 4) સલામ.
No comments:
Post a Comment