વળી અમારામાંના મોટા ભાગનાઓ માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગરના પર્યાયરૂપ છે. તેમના માટેની અમારી લાગણી દર્શાવવા માટે એક ઉદાહરણ કાફી છે. એક સમય હતો, જ્યારે ભાવનગરનાં તમામ સિનેમાગૃહોમાં ફિલ્મ શરૂ થાય તે પહેલાં પરદા ઉપર મહારાજા સાહેબનો ફોટો આવતો. એ ભેગા જ સૌ પ્રેક્ષકો પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જતા. આમાં થર્ડ ક્લાસના બાંકડા ઉપર ખમીસ ઉતારીને બીડી પી રહેલાઓનો પણ સમાવેશ થતો હતો. આમાંના કેટલાયે ફિલ્મ પૂરી થયા પછી અંતમાં રાષ્ટ્રગીત વાગે ત્યારે કાં તો બેસી રહેતા અથવા ચાલવા માંડતા.
એક મોટો વર્ગ મહારાજા સાહેબ માટે ઉંડી લાગણી, જેને ભક્તિભાવ કહેવાય, ધરાવતો હતો. આમ હોવાથી તેમને વિશે અનેક ચમત્કારી દંતકથાઓ પણ વહેતી થતી રહેતી. એ બાબતે ખરાઈ કરે તે ભાવનગરદ્રોહી ગણાઈ જતો.
પણ દસ્તાવેજી પુરાવાઓના આધારે તથ્ય તારવી, મહારાજા સાહેબની જીવની લખનાર એવા ડૉ. ગંભીરસિંહજી ગોહીલ (તસવીર 2)ભાવનગરના જ વતની હતા. શામળદાસ કૉલેજમાં અધ્યાપન અને આચાર્યપદની જવાબદારી સંભાળીને નિવૃત્ત થયા પછી તેમણે 'પ્રજાવત્સલ રાજવી' શીર્ષકથી(તસવીર 1)મહારાજા સાહેબની એવી યશોગાથાઓ એકત્રિત કરી છે, જે નિર્ભેળ સત્ય હોય. અતિશયોક્તિ, કહીસુણી કે દંતકથા ન હોય.
આવનારા દિવસોમાં આ ગ્રંથમાં સમાવાયેલા કેટલાક પ્રસંગો ટાંકવાની ગણત્રી છે. આ માટે ગંભીરસિંહજીના પુત્ર યશપાલસિંહ ગોહીલે પ્રેમથી મંજૂરી આપી છે.
No comments:
Post a Comment