Friday, 27 January 2017

મહાનુભાવો સાથે મુલાકાત (૧)

એક સામાન્ય માણસના જીવનમાં રોમાંચક ઘટનાઓ વારંવાર ઘટતી નથી હોતી. આવી ઘટનાઓને અલગ અલગ ખાનાંઓમાં વર્ગીકૃત કરી શકાય. જેમ કે કોઈ ઈચ્છિત ચીજ સાંપડે, ક્યારેક કલ્પના પણ ન કરી હોય એવી કોઈ ચીજ સાંપડે, લાંબા અરસાથી રાહ જોતા હોઇએ એ વ્યક્તિ આવી ને મળે, ધારી સફળતા પ્રાપ્ત થાય, વળી ક્યારેક અણધારી સફળતા પ્રાપ્ત થાય તો એનો નશો તો અનોખો જ હોવાનો. જો કે  ઉમરના કયા તબક્કે કઈ ઘટના આકાર લે છે એનું પણ આગવું મહત્વ છે. વળી વ્યક્તિનાં અંગત ઘડતરની અને રસ-રૂચીની પણ એને શું રોમાંચક લાગશે એની ઉપર ચોક્કસ અસર હોય છે.

મારા જીવનમાં જે પ્રભાવક ઘટનાઓ ચિરંજીવ અસર છોડી ગઈ છે એમાં કેટલાક મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મુલાકાતનો મોકો મળ્યો  છે તે બધીનું આગવું સ્થાન છે. મારી ઉમરના અલગ અલગ પડાવો ઉપર અલગ અલગ ક્ષેત્રોમાં પોતાનું આગવું સ્થાન જમાવી ને બીરાજેલા અને રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચુકેલા એવા મહાનુભાવો સાથે થોડી ક્ષણો ગાળવા મળી એ સદ્ નસીબની વાતો અહીં વહેંચવી છે. વધારે પ્રસ્તાવના ન કરતાં મૂળ વાત ઉપર આવી જાઉં.

જેમને પ્રત્યક્ષ મળવાનો મોકો મળ્યો છે એમાંના બે ખ્યાતનામ ચિત્રકારો છે, બે સ્વનામધન્ય એવા અલગ અલગ ક્ષેત્રના સંગીતકારો છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ ઉંચા આસને બેઠેલા એવા બે વૈજ્ઞાનિકોનો આ યાદીમાં સમાવેશ થાય છે. આમ યોગાનુયોગે દરેક ક્ષેત્રના બે બે મહાનુભાવો સાથે થયેલા અનુભવો ત્રણ તબક્કામાં રજુ કરું છું. શરૂઆત મારા નાનપણમાં બે મહાન ચિત્રકારો સાથે રૂબરૂ થવા મળ્યું એના વર્ણનથી કરું......

શ્રી સોમાલાલ શાહ... (૧૯૦૫-૧૯૯૪) 

મૂળ કપડવંજના અને ભાવનગરને કર્મભૂમી બનાવી, ચિત્રકળાની દુનિયામાં બહુ ઉંચી પ્રતિષ્ઠા હાંસલ કરનારા એવા શ્રી સોમાલાલ શાહ ભાવનગરની એક કરતાં વધુ શાળાઓમાં ચિત્રશિક્ષક તરીકે ખુબ જ સન્માનનીય બની રહેલા. તેઓ ગુજરાત રાજ્યમાં જ નહીં, દેશ વિદેશમાં પણ જાણીતા હતા. કલાગુરુ શ્રી રવિશંકર રાવળ અને શાંતિનિકેતનના આધારસ્થંભ એવા શ્રી નંદલાલ બસુ જેવા સિધ્ધહસ્ત કલાકારો પાસે તાલિમ મેળવી અને તેઓના પ્રીતીપાત્ર બની રહેલા સોમાલાલ શાહનાં ચિત્રો કેટલીયે સંસ્થાઓની અને ઘરોની શોભામાં વધારો કરતાં આવ્યાં છે. પ્રતિષ્ઠીત સામયીકોમાં પણ એમનાં ચિત્રો અવારનવાર પ્રગટ થતાં રહેતાં. રણજીતરામ સુવર્ણચંદ્રક અને રવિશંકર રાવળ એવૉર્ડ જેવાં સન્માનોથી તેઓ વિભૂષિત હતા. તેઓ મારા દાદાના મિત્ર હતા એ અમારા કુટુંબને માટે ગૌરવની બાબત હતી.

મારી લગભગ છ વરસની ઉમરે એક વાર તેઓ અમારે ઘરે બેસવા આવી પહોંચ્યા. એ વખતે હું હિંચકે ઝુલી રહેલા (નિત્યક્રમ મુજબ) દાદાની બાજુમાં બેસીને એમનું ‘માથું કાણું’ કરી રહ્યો હતો (નિત્યક્રમ મુજબ). તે દિવસનો મારો એજેન્ડા મારી પાટી-સ્લેટ-માં આગગાડી દોરવાનો હતો. અને એ માટે મદદ કરવા હું દાદાને વિનવી રહ્યો હતો. ચિત્રકળા બાબતે પોતાની આવડત વિશે દાદાનો ક્યારે ય કોઈ જ ઉંચો દાવો નહતો. એટલે “તારો બાપ આવે ત્યારે એને કહેજે, મારું માથું ખા મા. જા, ચા મૂકવા કહી આવ” કહી ને એમણે મને આઘો કરવા કોશિષ કરી. મેં તે સમયે દાદીને ચા મૂકવાનું સૂચન કરવાનાં ભયસ્થાનોનો નિર્દેશ કરી, ચિત્ર કરવાનો આગ્રહ રાખ્યો. અમારી વચ્ચે આ સંવાદ આગળ વધી ને એમને “લઉં હાથમાં લાકડી?”ના તાર સ્વરે પહોંચાડે એ પહેલાં “લાભભાઈ, આવું કે?” કરતા સોમાલાલદાદા ઘરમાં પ્રવેશ્યા. આમ થવાથી અમારો સંવાદ (વિવાદ?) અટક્યો અને અમારી બન્નેની તમન્ના પૂરી થવાનો ઉજળો સંજોગ ઉભો થયો. હવે ચા મૂકવાનું કહેવા માટે દાદાને મારી મધ્યસ્થીની જરૂર ન રહી. અને એમણે પોતે જ ખુબ જ નમ્રતા(કે જે વિશીષ્ટ સંજોગોમાં એમને સહજસાધ્ય હતી) થી દાદીને ચા બનાવવા માટે કહ્યું. એ દરમિયાન મારા હાથમાં પાટી પેન જોઈ ને સોમાલાલદાદાએ હું શું કરી રહ્યો હતો એમ પૂછતાં મેં મારી દોરેલી આગગાડી એમને બતાડી.

કલાના આરાધક એવા તેઓથી કલાની આવી નિર્મમ હત્યા સહન નહીં થઈ હોય એટલે આ વિખ્યાત કલાકારે મારી પાટીમાં એક રેલ્વે સ્ટેશન અને ત્યાં ઉભેલી આગગાડીનું ચિત્ર કરી આપ્યું! મેં ચિત્રને બરાબર જોયું અને પછી એમને ત્યાં પોતાની સહી કરવાનું કહ્યું. અમારા ઘરમાં એમનું એક ચિત્ર દાદાના રુમમાં હતું એટલે હું એમની વિશીષ્ટ સહીથી પરિચીત હતો. એ ઉપરથી શરુ કરી, નીચે તરફ જાય એવી રીતે સહી કરતા. પહેલાં એક બીન્દી આકાર હોય, એની નીચે ‘સો’ સ્પષ્ટ વંચાય એવી રીતે હોય અને પછી નીચે ઉતરતા જતા અવાચ્ય અક્ષરો હોય. અહીં એમનું બનાવેલું એક ચિત્ર મૂક્યું છે એમાં જમણી બાજુએ ઉપર એમની સહી જોઈ શકાય છે. 

 લગભગ મારા દાદાની ઉમરના અને લબ્ધપ્રતિષ્ઠીત એવા આ કલાકારે છ વરસના નાદાન છોકરડાની પાટીમાં પ્રેમથી સહી પણ કરી આપી. એ ઉમરે આ શું સાંપડ્યું એ સમજવાની અક્કલ નહતી. પણ આજે એ બાબત યાદ આવે ત્યારે ચોક્કસ રોમાંચની લાગણી થાય છે.

શ્રી રવિશંકર રાવળ...(૧૮૯૨-૧૯૭૭)


સોમાલાલ શાહ અને દાદાની વાતોમાં એકાદ વાર આ નામનો ઉલ્લેખ કાને પડેલો. એટલું સમજાયું હતું કે એ કોઈ ખુબ જ ઉંચી કક્ષાના ચિત્રકાર છે. મૂળ ભાવનગરના શ્રી રાવળ મારા દાદાના મોટાભાઈના મિત્ર હતા. પણ મિત્રના અવસાન પછી તેઓના નાનાભાઈ એટલે કે મારા દાદા સાથે તેમણે સંબંધ જાળવી રાખ્યો હતો. ભાવનગર આવે ત્યારે શક્ય હોય તો એ થોડા સમય માટે પણ અમારે ઘરે આંટો આવી જતા. ‘કલાગુરુ’ તરીકે જાણીતા તેઓએ ગુજરાતના સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં ખુબ જ મોટું પ્રદાન કર્યું છે. ‘વીસમી સદી’ અને ‘કુમાર’ જેવાં શિષ્ટ સામયિકો સાથે તેઓનું નામ કાયમી ધોરણે જોડાયેલું રહેશે. 




તેઓનાં બનાવેલાં ચિત્રો કલાના શોખીનો માટે ઘરેણાંથી પણ વિશેષ મૂલ્યવાન બની રહ્યાં છે. એકથી એક ચડે એવાં તેઓનાં સર્જનોમાંનું એક ગાંધીજી ઉપર ચલાવવામાં આવેલા કૉર્ટ કેઈસનું છે. અમદાવાદના સર્કીટ હાઉસમાં સને ૧૯૨૨ના માર્ચ મહિનાની ૧૮મી તારીખે કેઈસ ચલાવવામાં આવ્યો ત્યારે કૉર્ટરૂમમાં ફોટોગ્રાફરોને પ્રવેશ ન્હોતો અપાયો. આ ઘટનાને રવિશંકર રાવળે ચિત્રીત કરી છે. આ તો એક ઉદાહરણ માત્ર છે. કંઈ કેટલાંયે ઐતિહાસીક અને સામાજિક પાત્રો તેઓની પીંછીના સથવારે સજીવન બન્યાં છે. ચિત્રકલાના અલગ અલગ આયામો ઉપર તેઓનો સમાન કાબુ હતો.



મુંબઈની જે એન્ડ જે સ્કૂલ ઑવ આર્ટ્સમાં અભ્યાસ કરી તેઓએ અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતની લગભગ ત્રણ પેઢીના ચિત્રકારોને તેઓનો સીધો કે પરોક્ષ લાભ મળ્યો છે. રણજીતરામ સુવર્ણચંદ્રક, બોમ્બે આર્ટ્સ સોસાયટીનો ચંદ્રક, મેયો ચંદ્રક અને ભારત સરકારના નાગરિક સન્માન ‘પદ્મશ્રી’, ઉપરાંત અનેક ઈનામો અને અકરામો વડે તેઓને નવાજવામાં આવ્યા છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના આયોજન/સંવર્ધન માટે અમદાવાદ શહેરની મધ્યમાં બનાવવામાં આવેલા મકાનને સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં તેઓના પ્રદાનને ખ્યાલે રાખી ‘રવિશંકર રાવળ કલા ભવન’ નામ આપવામાં આવ્યું છે.

એમને મળવાનો મોકો મળ્યો ત્યારે મારી ઉમર આઠેક વરસની એટલે કે નાદાનિયતની હતી. એ ભાવનગર આવ્યા હતા અને દાદાને મળવા એકાદ કલાક ફાળવી ને આવી પહોંચ્યા. એ આવવાના છે  એવી ખબર પડી એટલે મેં તો એમની પાસે એરોડ્રોમ અને એરોપ્લેઈન  દોરાવવા માટે પાટી પેન તૈયાર કરી દીધાં! દાદાને મારી મહેચ્છાની ખબર પડતાં જ મને એમ ન કરવા સૂચના આપી, જે આમ તો  ચેતવણી જ હતી. થોડી વાર પછી તેઓ અને સોમાલાલ શાહ સાથે આવ્યા.

હું એ લોકો બેઠા હતા એટલામાં ફર્યા કરતો હતો એટલે એમણે મને પ્રેમથી પાસે બોલાવ્યો અને નામ તેમ જ ભણતર બાબતે પૃચ્છા કરી. હું જવાબો આપતો હતો એવામાં સોમાલાલદાદાએ  મારી ‘ચિત્રપ્રવૃત્તિ’ બાબતે એમને જણાવ્યું. એમણે મારી પીઠ થાબડી અને મને આશિર્વાદ આપ્યા. બસ, આટલું જ બન્યું પણ એ પછી દિવસો સુધી નિશાળમાં હું શ્રી શાહબુદ્દીન રાઠોડના પાત્ર લાભુ મેરાઈ માફક “મારે ઘરે આવ્યા, મારું નામ લીધું અને મારો વાંહો થાબડ્યો”નાં બણગાં ફુંકતો રહેલો. એ વખતના અમારા સંગીત-ચિત્રશિક્ષક હાજી સાહેબને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે એમણે મને બોલાવી અને ખુબ જ શાબાશી આપી અને હવે પછી ક્યારેય રાવળ સાહેબ મારે ઘરે આવે તો એમને જણાવવા માટે કહ્યું, જેથી “ઈ ગુરુનાં દર્શન થાય, એમના પગ પકડાય”. ત્યારે અમારે માટે હાજી સાહેબ કરતાં કોઈ મહાન હોય, એ માનવું અઘરું હતું. એ જેમનો ચરણસ્પર્શ કરવા માંગતા હોય એ કેવી મોટી હસ્તિ હશે એ ક્ષણે સમજાયું. બાકી મેં તો તેઓ ‘દાદાના ભાઈબંધ કે જે ચિત્રો સારાં દોરે છે’થી વિશેષ જાણ્યા ન્હોતા.


પૂરક માહિતી, મહાનુભાવોના તેમ જ ચિત્રોના ફોટોગ્રાફ્સ નેટ ઉપરથી લીધેલા છે.

Tuesday, 6 December 2016

વ્યસનકથા - ૨



થોડા સમય પહેલાં મિત્ર નિશીથે એની સાથેની શેખર અને મારી દસકાઓ જૂની મૈત્રીની દુહાઈ આપતાં કહ્યું, "We three have not been only 'C'lassmates but have often been  'G'lassmates too"! આ બાબતે મેં એને કહ્યું કે, "ભાઈ, તેં એવો ઈલ્ઝામ લગાવ્યો છે કે સ્વીકારી લઉં તો ખોટું બોલ્યાનું પાપ છે અને જો ઠુકરાવું છું તો બહુ જ લાગી આવે છે!" ખરેખર, સારા સારા મિત્રો કે સંબંધીઓની સાથે ‘બેઠક’નું આયોજન થયું હોય, એમાં હાજરી અચૂક આપું છું પણ વર્ષોથી આ માદક ચીજને હાથે નથી લગાડી, ત્યાં હોઠે લગાડવાની તો વાત જ ક્યાં રહી!


આજે આ અલખને ઓટલે મિત્રો સાથે મય/સુરા અને એના પાન વિષે થોડીક વાતો વહેંચવાની ઈચ્છા થઈ આવી છે. નાનપણમાં ભાવનગરના સંયુક્ત કૌટુંબિક વાતાવરણમાં મોટો થતો હતો, ત્યારે દાદાના એક મિત્રના મદ્યાનુરાગી સ્વભાવને લગતી વાતો સાંભળેલી. અન્યથા એ એટલા પ્રેમાળ હતા, કે મનમાં થાય કે જેમ દાદા ચાના શોખીન છે, એમ જ _____કાકા અન્ય પીણાના કેમ ન હોય? આ બાબતે સાતેક વરસની ઉમરે દાદા સાથે દલીલો કરી, ત્યારે એમણે કીધું કે, "એક વાર ઈ ઢીંચે છે ને, પછી રાખ્ખહ(રાક્ષસ) થઈ જાય છે!" એ સમયે  એમ માની લીધું કે દારુ પીએ એ સજ્જન માણસ પણ દૈત્ય થઇ જાય. વાર્તાઓમાં અને ચિત્રકથાઓમાં જ્યાં રાક્ષસનો ઉલ્લેખ આવે, તો એમ માની લેતો કે કોઈ સારા માણસે દારુ પી લીધો હશે, એનું આ પરિણામ છે! પછી ઉમર વધતાં જાતે બહાર જવાના પ્રસંગો પડતાં રસ્તા ઉપર નશાની અસરમાં ઉચિત નહીં એવી અવસ્થામાં અસામાજિક વર્તન કરતા લોકો નજરે ચડવા લાગ્યા. પરિણામે મનમાં એક ખૂણે 'દારુ અને દારૂડિયાઓ બિલકુલ નકામા'  એવી માન્યતા ઘર કરી ગઈ.


કિશોરાવસ્થામાં પ્રવેશની સાથે જ સંગીત અને ગઝલ આ બન્નેનો ઘેલછાની હદનો શોખ લાગ્યો. યોગાનુયોગે આ ક્ષેત્રોમાં જાણીતાં જે કોઈ નામ હતાં, એમના મદ્ય માટેના અસાધારણ લગાવ વિષે કોઈ ને કોઈ પાસે થી સાંભળવા મળતું. હવે આવા દૈવી કક્ષાના લોકો જો મય પ્રત્યે અનુરાગ ધરાવતા હોય, તો એ ચીજ ખરાબ શી રીતે હોય, એ વિચારે મારો પીણા અને પીનારાઓ માટેનો જે પૂર્વગ્રહ બંધાઈ ગયેલો, એ ધીમે ધીમે પીગળવા લાગ્યો.


ભાવનગરની કૉલેજમાં તો બે ખુબ જ સરસ ભણાવનારા અધ્યાપકો પણ 'પીક્કડ' હોવાની જાણ થઈ. એ લોકો અભ્યાસપૂરક પ્રવૃત્તિઓમાં પણ  ખાસ્સા સમર્પિત હોવાથી એમનો પરિચય વધતો ચાલ્યો અને એમની વિદ્વતા, ક્ષમતા તેમ જ માણસાઈને નિકટથી ઓળખવાના કેટલાય પ્રસંગો પડ્યા. એ લોકોએ મને સમજાવ્યું કે તેઓ 'દારૂડિયા' કે 'પીક્ક્ડ' ન્હોતા. શોખથી પીતા હતા, બંધ કમરે પીતા હતા, માપમાં પીતા હતા  અને પીધા પછી છાકટા થઈને ગેરવર્તન તો ક્યારેય ન્હોતા કરતા. કેટલાક ઉમદા કલાકારો/કવિઓ અને ખાસ તો અમારા આ બન્ને પ્રેમાળ અધ્યાપકો સાથે સંબંધ થયા પછી હવે હું 'દારુ'ને ‘શરાબ’, 'મય' કે 'મદ્ય' જેવા માનવાચક શબ્દપ્રયોગથી ઓળખવા લાગ્યો. જો કે એની સાથે નજીકની મૈત્રી કેળવવા સુધીની હિંમત થવાને હજી વાર હતી.


સત્તર વરસની ઉમરે નડિયાદની કૉલેજમાં ભણવા ગયો ત્યારે હોસ્ટેલમાં રહેવાનું હોઈ, બાપુજીએ ધુમ્રપાન ન કરીશ એમ કહ્યું, એ સમયે એમના મનમાં એવી શ્રધ્ધા હશે કે શરાબનો તો કોઈ સવાલ જ નથી. પણ એ ન્હોતા જાણતા કે, આ તો મયનગરી હતી. દુનિયાભરની શરાબની બ્રાન્ડ્સ ત્યાં 'હાજર સ્ટોક'માં મળી આવતી. અલબત્ત, અમારી હોસ્ટેલમાં હજી આ પીણું પ્રવેશ્યું ન્હોતું. જે ચાર પાંચ શોખીનો હતા, એ બહારથી 'મારી'ને આવતા. આ મહારથીઓમાં મારા નિકટના કોઈ મિત્રો ન હોવાથી હું હજી કોરો ધાકોર હતો.


એવામાં 1972માં કૉલેજ દ્વારા આયોજિત કાશ્મીરના પ્રવાસમાં જોડાવાનું થયું. પહેલી રાતનો પડાવ ઉદયપુર મુકામે હતો. ત્યાં મહેફિલ જામી ગઈ! અમે 'C'lassmates મિત્રો-- શેખર , નિશીથ, રેમન્ડ, પંકજ ત્રિવેદી અને હું એ મહેફિલમાં જોડાઈને 'G'lassmates  બન્યા. આ સાહસને લીધે કશુંય અવનવું બન્યું નહીં. ચાર અઠવાડિયાં લાંબી આ ટુરમાં પાંચેક વાર સુરોના પીણાનો સ્વાદ ચાખ્યો. ખાસ તો અમારામાંથી કોઈ જ જરા ય છાકટો ન થયો હોવાથી એમ સમજાયું કે માત્રામાં પીવાથી શરાબ માણસને નુકસાન ન પહોંચાડી શકે. આ પ્રવાસ દરમિયાન શરાબ પીવાના પ્રસંગો પરથી અમે મિત્રો બે તારણો ઉપર આવ્યા. . .
1) માપમાં પીવું અને
2) પોતાના ખર્ચે ન પીવું.


હવે મુદ્દા નં. 2) બાબતે અમે બધા જ બિલકુલ એકમત હોવાથી નડિયાદમાં પાછા આવ્યા એટલે આ પ્રવૃત્તિ બંધ થઇ ગઈ. અન્યથા નટપુર નામથી પ્રસિધ્ધ આ નગરીમાં તો ધારો તો પરબ બંધાવી શકાય એટલી છૂટથી માંગો એ બ્રાંડ મળતી. ખેર, આમ ને આમ બે વરસ વિતી ગયાં અને મોટા ભાગના મિત્રો B.Sc.ની ડીગ્રી મેળવી અન્યત્ર જતા રહ્યા.


રેમન્ડ અને હું M.Sc.માટે નડિયાદની કૉલેજમાં પ્રવેશ મળી જતાં બે વધુ વરસ માટે નડિયાદમાં રહી ગયા. એવામાં કે.ડી. દેસાઈ ઉર્ફે 'કેડી'નો પરિચય થયો. એ આફ્રીકામાં પેઢીઓથી સ્થાયી થયેલા તાલેવંત કુટુંબનો નબીરો હતો. એ પ્રકારના યુવાનમાં હોય એવાં બધાં જ ઈચ્છનીય તેમ જ અનિચ્છનીય લક્ષણો ભરપૂર માત્રામાં ધરાવતો કેડી એની તલબ શાંતિથી બુઝાવી શકાય એવી જગ્યાની તલાશમાં હતો. એણે અમને પ્રસ્તાવ મુક્યો કે રૂમ અમારી અને 'માલ' એનો. બે વરસ અગાઉ અમે મિત્રોએ સર્વાનુમતે કરેલા ઠરાવની મુદ્દા નં. 2) ની શરત અહીં પૂરેપૂરી સંતોષાતી હોઈ, અમે તાત્કાલિક ધોરણે એની દરખાસ્ત સ્વીકારી લીધી. બહુ નિયમિત ધોરણે અમારી રૂમમાં મહેફીલો યોજાવા લાગી. અમે સીનીયર હોવા છતાં જુનીયરોને મોટે ભાગે પ્રેમથી રાખતા, એમને ભણવામાં પણ મદદ કરતા અને તેમ છતાંય કેટલાક સંજોગોમાં કોઈ કોઈને મારતા પણ ખરા. એને પરિણામે અમારા રેક્ટર સુધી ક્યારેય અમારી પ્રવૃત્તિની ફરિયાદ ગઈ નહીં. રેમન્ડ અને હું એકાદ પેગ લઈ, અમારું ભણવાનું કરતા અથવા સુઈ જતા, જ્યારે કેડી તો મોડી રાત કે વ્હેલી સવાર સુધી મંડ્યો રહેતો. પછી એ સુઈ જાય અને મોડો ઉઠે એટલે અમને એના સ્કુટર/મોટરનો લાભ પણ મળી રહેતો.


આમ ને આમ ચારેક મહિના ચાલ્યું અને કેડી આફ્રિકા જતો રહ્યો એટલે અમે વળી પાછા 'સુધરી' ગયા. પણ ક્યારેક લોકલ મિત્રો ઘેર બોલાવીને 'ઓફર' કરે તો છોછ વગર પી લેતા. પછી તો M.Sc.ની ડીગ્રી હાથમાં આવી ગઈ અને નડિયાદ છૂટી ગયું.  થોડા વખત પછી અમદાવાદમાં નોકરી મળી ગઈ, ત્યાં મહેફીલો મંડાવાના બહુ સંજોગો ઉભા ન થયા. તેમ છતાં ક્યારેક ક્યારેક મેળ પડી જતો. વિશેષમાં હવે જાતે કમાતો થયો હોવાથી એકાદ બે વાર મિત્રોને ખાણી ‘પીણી’ની દાવતો પણ આપી હોવાનું યાદ છે. પણ આ બધું લાંબું ચાલે એ પહેલાં અચાનક જ  એક  ચોક્કસ સંજોગમાં પત્ની સ્નેહાએ તાકિદ કરી કે હવે બિલકુલ છોડી દે અને ત્યારથી એને આપેલ બોલ હજી પળું છું.


આટલી વિગતે વાત કરી એટલા માટે કે આજે 37 વરસથી હાથ પણ નથી લગાવ્યો, પણ હું અત્યંત પ્રમાણીકતાથી માનું છું કે શરાબ પીનારા બધા 'દારૂડિયા' નથી હોતા. એકદમ ઉત્તમ કક્ષાના માણસોને હું જાણું છું કે જેઓ શરાબથી પરહેજ નથી. આપણા સમાજમાં શરાબ એટલે ઝેર અને એના પીનારાઓ એટલે અસામાજિક પ્રાણીઓ એવી માન્યતા પ્રવર્તે છે, એનું હું બિલકુલ સમર્થન નથી કરતો. સાથોસાથ આ સમગ્ર પ્રવૃત્તિનો પ્રચાર પણ નથી કરતો. દારૂબંધીની વિરુધ્ધમાં લખવાનો પણ ઈરાદો નથી. અભણ અને આર્થિક રીતે પછાત કુટુંબોમાં હલકી ગુણવત્તાના 'દેશી' પીવાથી થતાં નુકસાનથી પણ પૂર્ણપણે વાકેફ છું. પણ, 'પીએ' એ અસામાજિક હોય, એવી માન્યતાથી બચીને રહું છું. અહીં જેમનો ઉલ્લેખ થયો છે એ બધાજ મિત્રો પોતપોતાના ક્ષેત્રમાં ઉંચી પ્રતિષ્ઠા હાંસલ કરી ચુક્યા છે અને ક્યારેક ક્યારેક અને એ પણ માપમાં આચમન કરતા રહેતા હોવાથી ઉમરના છ દાયકા વટાવીને પણ કડેધડે છે.


હા, અતિશય માત્રામાં તો લાગણી પણ અયોગ્ય નથી?

Friday, 4 November 2016

વ્યસનકથા--૧

મારી લગભગ સાતેક વર્ષની ઉમરે અમે ભાવનગરથી ગઢડા(સ્વામીના) જતાં હતાં, ત્યારે રસ્તામાં ઢસા નામના ગામે બસ ઉભી રહી અને કંડક્ટરે “એ હાલો ભાયું, આયાં બસ ચા પાણી હાટુ ઉભી રેશે”ની ઘોષણા કરી. એ જ સમયે  બસ ડ્રાઈવરની કેબીનમાંથી ત્રાડ સંભળાઈ, “તે ક્યાં મરી ગ્યો’તો?” જવાબમાં મારીથી માંડ એકાદ બે વર્ષ મોટો હોય, એવડા છોકરાએ નીચે ઉભા ઉભા એવા જ અંદાજમાં “તે બાપા, આ તમારી હાટુ કેવેંડર લઈને નઈ આવ્વાનું?” કહી, ડ્રાઈવરના હાથમાં ‘બીડી-બાકસ’ આપ્યાં. ડ્રાઈવરે આગવી અદાથી ધુમ્રપાન શરૂ કર્યું.

મારા બાપુજીએ એનું ધ્યાન બસમાં ધુમ્રપાન કરવાની મનાઈ હોવાની સુચના વાળા પાટીયા તરફ દોરતાં એણે “તે સાહેબ, અહિયાં વાંસતાં જ કોને આવડે સ?” કહી, એક દમ વધુ લગાવ્યો. બસમાં બેસી રહેલાં મુસાફરો હસી હસીને ગોટો વળી ગયાં. તે જ સમયે એક સજ્જને ડ્રાઈવરને માહિતી આપી કે, “તે ભાવુભા (એ વિસ્તારમાં કાંઈ પણ બોલવાની શરૂઆત ‘તે’ થી જ થાય!), આ તો બેંકના મોટા સાયેબ છે. ઈમની તો મરજાદ રાખવી જોશે”. “તે લે, પેલેથી ખબર હોવી જુવે ને?” કહેતાં ડ્રાઈવરે ‘કેવેંડર’ નીચે ઉભેલા દીકરાને આપી દીધી અને એ ભડનો (શબ્દશ:) દીકરો બાકી રહેલી સિગારેટના ટેસથી દમ મારવા લાગ્યો!
 
ઉદાર બાપનો નસીબવંતો દીકરો!
એ ક્ષણે મને પહેલી વાર હજી સુધી આવા સ્વર્ગીય આનંદથી વંચિત રહ્યા હોવાનો ખ્યાલ આવ્યો. જો કે સામે બેઠેલાં મા-બાપ ઉપર નજર પડતાં હતાશાએ ઘેરી લીધો કે આવનારાં ઘણાં વર્ષો સુધી આમ જ રહેવાનું છે. કુમળા બાળમાનસ ઉપર એની ઈચ્છા મુજબ ન વર્તવા દેવાથી કેવી ખરાબ અસરો પડે એ સમજવા જેટલાં એ લોકો ઉત્ક્રાંત ન્હોતાં થયાં, એ બાબતનો બહોળા અનુભવથી ખ્યાલ હતો! આમ હોવાથી મેં એમની પાસે બીડી પીવાની મારી હાર્દિક ઈચ્છા વ્યક્ત કરવાનું ટાળ્યું. આ બસના ડ્રાઈવર જેવા ઉદાર મારા બાપુજી ન હોવા બદલ હતાશા તેમ જ લાચારી અનુભવી. જો કે એ ઉમરથી જ ભારે આશાવાદી હોવાથી ક્યારેક તો સુખનો સુરજ જરૂર ઉગશે એમ મન મનાવ્યું.

ત્રણેક વર્ષ બાદ મારી અપેક્ષા પ્રમાણે સુખનો સુરજ ઉગ્યો. હવે બાપુજીની બદલી પાછી ભાવનગર થઈ ગઈ હતી. અમે રહેતાં ત્યાંથી મોસાળ બિલકુલ નજીક હતું. મન ફાવે ત્યારે ત્યાં જઈ, જલ્સા કરવાનો અધિકાર હું પૂર્ણપણે ભોગવતો. ત્યાં ત્રીકમભાઈ નામે ઘરઘાટી હતા, જે હંમેશાં હોકલી પીતા. નવરા પડે એટલે વરંડામાં જઈ, ત્યાં દાદરાની નીચેના ગોખલામાં રાખેલ હોકલીમાં તમાકુ ભરી, અદાથી સળગાવી, બેઠા બેઠા મોજથી ઘુંટ લગાવે.
ત્રીકમભાઈ 
એક વાર રજાના દિવસે મોસાળ ગયો ત્યારે
ત્રીકમભાઈ રજા ઉપર હોવાની ખબર મામાના મોટા દિકરા જગતે સહર્ષ આપી. થોડી વાર થઈ, ત્યાં માશીનો દીકરો જયંત પ્રગટ થયો. આ બન્નેના હાવભાવ જોતાં કાંઈક અવનવું બનવાનું હોય, એમ લાગતું હતું. હકિકતે તો ક્ષણે ક્ષણે સ્વર્ગ ઢૂકડું આવતું જતું હતું!

બપોરના ભોજન બાદ વડીલો આરામ માટે ગયાં. મોટાભાઈઓ દ્વારા મને વરંડામાં આવવાની સૂચના મળી. વડીલોને ખબર ન પડે એવી ખુફીયા પ્રવૃત્તિઓ માટે આ સ્થળ અનુકુળ રહેતું. કોઈ કોઈ વાર આવી કેટલીક પ્રવૃત્તિઓમાં મારી સમર્પિત સંડોવણી રહેતી. આના પુરસ્કાર રૂપે મોટાભાઈઓએ મને આજે ન્યાલ કરી દેવાનું નક્કી કર્યું હતું. વરંડાનું ઘરમાં ખુલતું બારણું અમે બહારથી બંધ કર્યું અને મારે માટે સ્વર્ગનું દ્વાર ખુલ્યું! બેઈ ભાઈઓએ સિધ્ધહસ્ત કલાકારની અદાથી ત્રીકમભાઈની હોકલી સળગાવી, વારાફરતી દમ લગાવ્યા અને પછી એ ધન્ય ક્ષણ આવી પહોંચી, જ્યારે મુજ શિખાઉના હાથમાં દીવ્ય આનંદ તરફ દોરી જનારું સાધન મુકવામાં આવ્યું. પહેલો ઘુંટ મારતાં જ ‘આ આપણી લેન ન હોય’ની સમજ પડી ગઈ, પણ ભાઈઓ આગળ તો એમની ટોળકીમાં માંડ મળેલ સ્થાન ટકાવી રાખવા માટે થઈને ‘બહુ મજા પડી ગઈ’ કહી, બીજી વાર પણ મોકો મળ્યે આ પ્રવૃત્તિમાં મને ફરીથી ભેળવવા આજીજી કરી. જો કે એ પછી આવા મોકા ભાગ્યેજ આવ્યા.

હું ભણતો એ નિશાળ (એ.વી.સ્કૂલ)માંના કેટલાક છોકરાઓ બેકદર સમાજને અસ્વિકાર્ય હોય, એવી ઘણી બાબતે શુરાપૂરા રહેતા. શાળાની ‘પ્રતિષ્ઠા’ વધારવામાં એમનો સારો એવો ફાળો રહેતો. રિસેસના સમયે એમાંના મોટા ભાગના, સામે આવેલી પાનની દુકાને જઈ, બીડી સળગાવી ધુમાડાના ગોટે ગોટા ઉડાડતા. હું નિમાણાની જેમ વર્ગની બારીમાંથી એ જોયા કરતો. ધુમકેતુએ જો ક્યારેક આ દ્રશ્ય જોયું હોત, તો તેઓએ તેમની પ્રસિધ્ધ વાર્તા ‘ભીખુ’માં મીઠાઈની દુકાને ઉભા રહી, જલેબી તરફ તાકી રહેલા ભુખ્યા ગરીબ છોકરાની જગ્યાએ બીડીની દુકાન સામે ઉભેલા વંચિત છોકરાનું શબ્દચિત્રણ કર્યું હોત! અગાઉના બહુ આનંદદાયક નહીં એવા ધુમ્રપાનના અનુભવ બાદ પણ એવી સમજણ કેળવી હતી કે આ તો મર્દો વાળી બાબત હતી અને વધુ અનુભવથી એમાં આગળ વધાશે.

એ સમયગાળામાં હુસેન નામનો એક મિત્ર કે જે નિશાળે જવા આવવાનો સંગાથી હતો એ તો ખીસામાં જ બીડી બાકસ રાખતો અને જાહેર રસ્તે મન ફાવે ત્યારે બીડી પીવા લાગતો! આ ઉમદા પ્રવૃત્તિમાં એની સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા, વડીલો દ્વારા પકડાઈ જવાના અને ત્યાર પછી તે બાબતે થઈ શકતા ઉપચારના ડરથી દબાયેલી રહેતી. ખેર, આમ ને આમ શાળાજીવનના દિવસો વિતી ગયા. કૉલેજનાં બે વર્ષ ભાવનગરમાં ગાળ્યા બાદ આખરે આગળ અભ્યાસ માટે નડીયાદ જવાની તક મળી. એ જમાનાની એક સારી કૉલેજમાં માઈક્રોબાયોલોજી જેવો રસપ્રદ વિષય ભણવા મળશે, એનો હતો એટલો જ રોમાંચ હોસ્ટેલમાં રહી, પૂરેપૂરી સ્વતંત્રતાથી જીવવા મળશે, એનો પણ હતો. સત્તર વર્ષે કેળવેલી કેટલીક મહત્વાકાંક્ષાઓમાંની એક, ટેસથી ઇચ્છા પડે ત્યારે, ઇચ્છા પડે એટલી વાર ધુમ્રપાન કરવાની હતી.

પણ એમ કાંઈ બધાં સપનાં થોડાં સાકાર થાય? મારા બાપુજી મારા જવાની આગલી રાતે મને કોઈ વાતે મુંઝાવું નહીં વિગેરે કીધા બાદ મુખ્ય મુદ્દે આવ્યા. “ જો ભાઈ, બીજું બધ્ધું બરાબર પણ મારી એવી અપેક્ષા છે કે તું મારા પૈશાનો ‘ધુમાડો’ નો કરતો.” આટલું કીધા પછી હું આનો સૂચિતાર્થ સમજ્યો કે નહીં એની તેઓએ ખાત્રી કરી. આ સાથે મારા ધુમ્રપાનના સપનાનો જ ‘ધુમાડો’ થઈ ગયો. બાપુજીના શબ્દો ને શબ્દશ: લઉં, તો જાતે રળતો ન થાઉં, ત્યાં સુધી આ આનંદદાયી પ્રવૃત્તીથી વિ‘મુખ’ રહેવાનું હતું.

એમને આપેલ વચનનું પાલન ધાર્યા કરતાં વધુ કઠિન નીવડ્યું.  નડીયાદની અમારી હોસ્ટેલમાં મોટા ભાગના છોકરાઓ ધુમ્રપાન કરતા. વિવિધ પ્રકારની બીડી
સ્વર્ગની સીડી
બહોળા પ્રમાણમાં પીવાતી. અમુક તાલેવંતો બ્રીસ્ટોલ
, પનામા અથવા તાજ છાપના દમ મારતા. આ મહાસુખદાયી કાર્યક્રમનો અંતર્ગત ભાગ ન હોવાની લાચારી કાયમ કઠતી. ઘરથી દૂર હોવા છતાં પણ બાપુજીને આપેલ વચન તોડવાની હામ ન થતી. હોસ્ટેલના મીત્રો મને પલોટવા માટે સામ, દામ, દંડ અને ભેદ ઉપરાંત ચાણક્યનિતીમાં ન જડે એવા અન્ય ઉપાયો પણ અજમાવતા રહેતા હતા. પીગળી જવાની વૃત્તિ અત્યંત પ્રબળ રહેતી હોવા છતાં છેલ્લી ક્ષણે આંખ સામે બાપુજીનો ચહેરો આવી જતો અને કાશ, એ આટલા સ્નેહાળ ન હોત, તો અત્યારે એમને આપેલ વચનનો દ્રોહ કરાત એવા વિચારો આવતા. આમ ને આમ હોસ્ટેલનાં વર્ષો પૂરાં થયાં અને હું વંચિતનો વંચિત જ રહ્યો, આ સમયગાળા દરમિયાન જાતની સરખામણી ઘણી વાર ટેન્ટેલસ નામના ગ્રીક પાત્ર(કે જેના હોઠે આવી અમૃતનો પ્યાલો ઢોળાઈ જતો) સાથે થઈ જતી. જો કે ‘કંઈ લાખો નિરાશાઓમાં અમર આશા છુપાયેલી છે’ એ સુવાક્યના સહારે એ સમય નીકળી ગયો.

આખરે નોકરી માટે અમદાવાદ આવવાનું થયું. પગારની તારીખે 300 રૂપિયાની માતબર(!) રકમ હાથમાં આવી એટલે જીવનની પહેલી કમાણીના 21 રૂપિયા ભદ્રકાળીના મંદીરે ચડાવી, સીધો પહોંચ્યો નજીકમાં આવેલી સિગારેટની દુકાને અને ‘તાજ છાપ’નું પૂરું પાકીટ ખરીદ્યું. આ પસંદગીમાં એની જાહેરખબરમાં આવતી પ્રભાવશાળી ટેગલાઈન, “ધીમી બળે છે અને વધુ લહેજત આપે છે” મોટો ભાગ ભજવી ગયેલી. 

હવે પિતાની નહીં, પોતાની કમાણીનો ધુમાડો તો થઈ શકે એ સમજણ ભારે રાહતદાયી હતી.

                 આ દિવસો બિલકુલગધાપચીસીના બની રહ્યા, જ્યારે કોઈ જ જવાબદારી વિના માત્ર મોજ કરવાની હતી. જો કે લત લાગી જાય એ હદે વાત આગળ ન વધી. પણ ઈચ્છા થાય ત્યારે સિગરેટ પી લેતો. આવા જ અરસામાં સ્નેહા નિકટ આવવા લાગી અને એ બાબત સિગારેટથી દૂર રહેવા માટે કારણભૂત બની રહી. જો કે દિવસની એકાદ બે તો પીવાઈ જ જતી. લગ્ન બાદ સ્નેહાએ આદર્શ પત્નિનાં ઘણાં
પાસાં ઉજાગર કર્યાં, જેમાંનું એક મારી વ્યસનમુક્તિનું અભિયાન હતું. મેં પણ આદર્શ પતિ જેમ પત્નિને આપેલાં વચનોનો દ્રોહ કરવાની પરંપરાનું પૂરેપૂરી સમર્પીત ભાવનાથી પાલન કર્યું! એ જમાનામાં આવતી વિલ્સ સિગરેટની ‘Made for each other’ જાહેરાત દેખાડી હું એને સમજાવતો કે ઉત્તમ સહજીવન માટે ધુમ્રપાન જરૂરી હતુ!  એ દિવસોમાં બહુ વ્યાપક પ્રમાણમાં બીડી સિગારેટની જાહેરાતો થતી. એકમાં તો કોઈ ડૉક્ટર જ પ્રચાર કરતા દેખાય છે!


ડૉક્ટર દ્વારા પ્રચાર!

જેને વ્યસન કહેવાય એવી લત 1983થી લાગુ પડી. પરદેશથી આવેલ એક મિત્ર ત્યાંની શ્રેષ્ઠ ગણાતી સિગારેટ જથ્થાબંધના હિસાબે લઈ આવ્યો અને એનો એક સારો એવો ભાગ મને આપ્યો. અત્યાર સુધી ઘરમાં સિગારેટ રાખવાનો અને પરિણામે પીવાનો પ્રસંગ બન્યો ન હતો. હવે એ દોર પણ શરૂ થયો. જો કે એ જ અરસામાં બાપુજીની બદલી અમદાવાદ થઈ જતાં ઘરમાં મા-બાપની ઉપસ્થિતીને લીધે અલબત્ત, અંકુશ રહેતો. એવામાં એક દિવસ તેઓ મારા માટે બ્રીટીશ બનાવટની ‘રોયલ પ્રીન્સ’ પાઈપ અને તમાકુ લઈ આવ્યા!
 

'રોયલ પ્રીન્સ'

જો કે પછીથી સમજાયું કે આ તો એમની સોદાબાજીનો એક ભાગ હતો! એમને છીંકણીની ટેવ હતી. અમદાવાદ આવ્યા પછી મા સાથે સ્નેહા ભળવાથી એમની સામેનો મોરચો બળવત્તર બની રહ્યો હતો અને વળતા હુમલાતરીકે એ મને વ્યસન બાબતે  સહભાગી બનાવવા ઈચ્છતા હતા. 

આવા આવા પ્રવાહો વચ્ચે સ્નેહાને સમજાયું કે ‘પીયૂષ સુધારણા પ્રકલ્પ’ના અન્ય આયામો પાસે ધુમ્રપાન નિષેધની બાબત તો નગણ્ય છે! આથી એણે અન્ય મોરચા ખોલ્યા અને આ બાબતે મને ટોકવાનું બંધ કર્યું. આશ્ચ્રર્યની બાબત તો એ ઘટી કે એ એક વાર મારા માટે 'Break in case of emergency’ લખેલ કાચની એક ડબ્બી લઈ આવી, જેમાં અંદર એક સિગારેટ મૂકેલી હતી! આ તો ‘સૈંયા ભયે કોટવાલ’ વાળી વાત હતી અને હવે ‘ડર કાયેકા’ની સ્થિતીમાં મારું ધુમ્રપાન બેકાબુ બનતું ચાલ્યું.
એક જાણીતા સંસ્કૃત સુભાષીતમાં કહ્યા મુજબ મૂર્ખ માણસનો સમય વ્યતીત થવામાં નિંદ્રા અને કલહ ઉપરાંત વ્યસનનો મુખ્ય ફાળો હોય છે. એમાંથી પહેલાં બે તો નાનપણથી જ પાળી રાખેલાં હતાં, હવે ધુમ્રપાનનો ઉમેરો થતાં પૂર્ણ સમયના મૂર્ખ તરીકેની લાયકાત કેળવી લીધી.

ઘરમાં તેમ જ કૉલેજમાં કોઈ ક્ષોભ વગર સિગારેટનું સેવન ચાલુ થઈ ગયું. અલબત્ત, ઘરમાં મા બાપ કે અન્ય વડિલો અને કૉલેજમાં સિનીયર અધ્યાપકોની આમન્યા રાખતો. મારાં સંતાનો કે વિદ્યાર્થીઓની હાજરીનો કોઈ જ છોછ ન રહેતો.
જાહેર સ્થળો કે રસ્તા પર સિગારેટ પીવામાં કાંઈ ખોટું કર્યું હોવાની શરૂઆતની લાગણી ધીમે ધીમે જતી રહી. રોડ ઉપરના લારી ગલ્લા ઉપરથી સિગારેટ ખરીદવાનું એક અધ્યાપક તરીકે વ્યાજબી ન ગણાય, એવી સમજણને પણ પ્રયત્નપૂર્વક દૂર હડસેલી મૂકવાનું ફાવી ગયું. એક વાર ખાસ મને મળવા આવેલ એક ખૂબજ હોંશિયાર અને કારકિર્દીમાં ખાસ્સા આગળ વધી ચૂકેલ એવા ભુતપૂર્વ વિદ્યાર્થીએ મને કહ્યું કે, એ હંમેશાં મને 'Role Model’ ગણતો આવ્યો છે ત્યારે થયેલો આનંદ ક્ષણવારમાં જ ઓસરી ગયો, જ્યારે એણે ઉમેર્યું કે એ બિલકુલ મારી જેવી જ અદાથી સિગારેટ પીતો હતો!

મારા માટે આ ઘટના આંખ ઉઘાડનાર  બની રહી અને મેં તાત્કાલિક અસરથી સંતાનો અને વિદ્યાર્થીઓની હાજરીમાં ધુમ્રપાન બંધ કરી દીધું. આનું સાટું વાળવા માટે જ્યાં અને જ્યારે એ લોકોની હાજરી ન હોય એવા અનુકૂળ સંજોગોમાં ઉપાડ વધી ગયો. લગભગ 24 વર્ષ સુધી અનેકવિધ વિરોધો અને અવરોધો વચ્ચે આ વ્યસન ટકી રહ્યું.

2006ની સાલમાં અચાનક છાતીમાં દુ:ખાવો શરુ થયો અને ડૉક્ટર પાસે ધસી જવું પડ્યું. જૂની ઓળખાણ હોવાથી તેઓ મારી જીવનશૈલીથી વાકેફ હતા. મને તપાસતી વેળાએ જો હું સિગારેટ છોડી દેવાનો હોઉં તો જ મારી સારવાર માટે આગળ વધવાની એમણે વાત કરી અને મેં એ નબળી ક્ષણે એમની વાત સ્વિકારી લીધી. સદનસીબે ડૉક્ટરી તપાસમાં કશું ચિંતાકારક જડ્યું નહીં પણ આ ઘટનાએ મને વિચારતો કરી દીધો. બસ, એ બાબત Turning Point બની રહી. અને મેં મારા વ્યસનમુક્તી અભિયાનનો આરંભ કર્યો. 

શરૂઆતમાં ઘણું જ મુશ્કેલ લાગતું આ અભિયાન ધીમે ધીમે સફળતાના આરે પહોંચ્યું છે. જો કે હજી પણ સંપૂર્ણ પણે મુક્ત નથી થયો. ક્યારેક સરસ વરસાદી વાતાવરણમાં કે પછી કોઈ અતિ સુંદર જગ્યાએ ફરતી વખતે કે પછી ક્યારેક પ્રિય દોસ્તોના સહવાસમાં ધુમ્રપાનની તીવ્ર ઈચ્છા થઈ આવે છે અને તેવે સમયે તેને ખાળવા માટે બહુ ગંભીર પ્રયત્નો નથી કરતો! જો કે જે પરિચીતો આ ટેવ ધરાવે છે એ લોકોને તેઓ તેમાં કાપ મૂકે એવું સૂચન ચોક્કસ કરું છું.

ઉમરના સાતમા દાયકામાં પ્રવેશ થયા બાદ ઉંઘનું અને કલહનું પ્રમાણ, અનુક્રમે કુદરતી રીતે અને સ્વાભાવીક રીતે ઘટ્યું છે. વ્યસનની માત્રા પણ નોંધનીય કક્ષાએ ઓછી થઈ ગઈ છે. એટલે અગાઉ ઉલ્લેખ કરેલ, એ સુભાષીતમાં વર્ણવેલાં મૂર્ખતાનાં ત્રણે ય  લક્ષણો પ્રચ્છન્ન થવા લાગ્યાં છે. એ સુભાષીત આ પ્રમાણે છે:

                કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છ્તિ ધિમતામ્,
                વ્યસનેન તુ મૂર્ખાણામ્ નિંદ્રયા કલહેનવા.

હવે અહીં આપેલી વ્યાખ્યા પ્રમાણે જો બુધ્ધિશાળી ગણાવું હોય તો જે સુચવ્યું છે, એ રીતે કાવ્ય અને શાસ્ત્રોની ચર્ચાના વિનોદ વડે કાલનિર્ગમન કરવાની તો ગુંજાઈશ નથી. આ પૂરેપૂરું વાંચવાની ધીરજ અને સહનશીલતા ધરાવતાં શુભેચ્છકોમાંથી કોઈ ઉપાય બતાવશે? આ તો શું કે નિવૃત્ત  થઈ ગયો છું. નોકરીનાં વર્ષો દરમિયાન તો વાંધો ન આવ્યો, હવે તો થોડા બુધ્ધિશાળી હોવું પડશે ને!

૧) ચિત્રો અને તસવીરો પ્રતિકાત્મક છે અને નેટ પરથી મેળવેલ છે.
૨) આ મારી કેફિયત છે અને કોઈ પણ રીતે ધુમ્રપાનનો મહિમા કરવાનો ઉપક્રમ નથી.