મારી અગાઉની
પોસ્ટમાં હું બે મહાન ચિત્રકારો સાથેના મારા અનુભવો અહીં વહેંચી ચુક્યો છું. હવે બે સંગીતકારો સાથે થયેલી મુલાકાતો વિશે
જણાવું.
ઉસ્તાદ
બિસ્મીલ્લાહખાન...(૧૯૧૬-૨૦૦૬)
એક ખુબ જ ચવાઈ-ઘસાઈ
ગયેલ વાક્યપ્રયોગ છે, ‘સુરજને અરીસો શો ધરવો!’. ઉસ્તાદ બિસ્મીલ્લાહખાન માટે
ઉપયોગમાં લેવામાં આવે તો એ પૂરેપૂરો યથાર્થ નીવડે એમ છે. શરણાઈ તો એક જમાનામાં ‘પોલું
છે તે બોલ્યું’માં ગણત્રીએ લેવાતું વાદ્ય હતું. એને લગભગ એકલે હાથે તેઓ શાસ્ત્રીય
સંગીતની દુનીયામાં ટોચે લઈ ગયા અને એને વિશ્વપ્રસિધ્ધી અપાવી. પોતાની સમગ્ર
સંગીતયાત્રા દરમિયાન એમના જે સૌથી નેત્રદીપક ગુણ પ્રગટ થતા રહ્યા એ હતા તેઓની સહજસાધ્ય
સાલસતા અને નમ્રતા. પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને ભારત રત્ન - આ ચારેય નાગરીક
સન્માનોની નવાજિશ તેઓની ઉપર સમય સમયે થઈ. ઉપરાંત બનારસ હિન્દુ યુનિવર્સિટી અને
શાંતિનિકેતન જેવી સંસ્થાઓએ ડૉક્ટરેટની માનદ ઉપાધિ તેઓને અર્પણ કરી હતી. એમની
શરણાઈના સૂર કાશીના વિશ્વનાથ મંદીરથી લઈ, સંસદગૃહથી લઈ, દેશ પરદેશનાં સભાગૃહોમાં
રેલાયા છે. વિશ્વભરમાં અસંખ્ય સ્થળોએ કોઈ પણ શુભ કાર્યનો આરંભ તેઓની છેડેલી મધુર સૂરાવલીના
ગુંજનથી થાય્ છે. આજે યોગાનુયોગ ગાંધીજીની પુણ્યતિથી છે (૩૦/૦૧/૨૦૧૭) ત્યારે
ખાનસાહેબની વગાડેલી ‘રઘુપતિ રાઘવ રાજારામ’ની ધૂન’ અહીં વહેંચવાનો લોભ રોકી નથી
શકાતો
.
આવા યુગપ્રવર્તક
કલાકારની રૂબરૂ થઈ, એમની સાથે થોડો સમય વાત કરવા મળી એ મારા જીવનની ધન્ય ક્ષણો
હતી. મારો આ અનુભવ વર્ણવતાં પહેલાં સને ૧૯૪૫ની આસપાસની એક ઘટના વિશે જણાવવું જરૂરી
છે. ઉસ્તાદજીની કારકિર્દીના પહેલા જ ચરણમાં તેઓનો કાર્યક્રમ ભાવનગરની એંગ્લો
વર્નાક્યુલર (એ.વી.) સ્કૂલના મધ્યસ્થ ખંડમાં યોજાયો હતો. ચાલુ કાર્યક્રમે ખાનસાહેબનું ધ્યાન હૉલના
વેન્ટીલેટરની આસપાસ થોડી થોડી વારે થઈ રહેલી હલચલ ઉપર પડ્યું. ઈન્ટરવલમાં તેઓએ
આયોજકોનું ધ્યાન એ બાબતે દોર્યું અને તપાસ કરતાં વેન્ટીલેટરની પાછળ અગાશીની કોરે
બેઠેલા ૧૮-૧૯ વરસના બે જુવાનીયા મળી આવ્યા! પુછપરછ કરતાં જાણ થઈ કે ટીકિટના ભાવ
પોસાણમાં નહીં હોવાથી એ બન્ને કાર્યક્રમ શરૂ થતાં પહેલાં જ અગાશીએ ચડી ગયા હતા.
ઠંડી ખુબ હોવાથી થોડી થોડી વારે જગ્યા બદલતા રહેતા હતા અને એ હલનચલન ઉસ્તાદજીની
નજરે ચડી ગયેલું. હવે આ વાતની ખબર પડતાં ખાનસાહેબે જે પ્રતિભાવ આપ્યો એ બેમિસાલ
હતો. તેઓએ આ બન્નેને બાકીનો કાર્યક્રમ બેકસ્ટેઈજમાં બેસી માણવા માટે કહ્યું! જેમની
સ્મૃતિમાં આ વાત જીવનપર્યંત ટકી રહી એ બે યુવાનો હતા મહેન્દ્ર પંડ્યા અને
દેવેન્દ્ર ભટ્ટ, અનુક્રમે મારા બાપુજી અને મારા મામા.
હવે આવીએ 1976ની સાલમાં. મને અમદાવાદમાં આવ્યે
થોડો જ વખત થયો હશે અને ખબર પડી કે પ્રેમાભાઈ હૉલમાં તેઓનો કાર્યક્રમ યોજાવાનો હતો
અને એ માટે બૂકિંગ ચાલુ હતું. મેં સત્વરે જઈ ટીકિટ ખરીદી લીધી. કાર્યક્રમની
ગુણવત્તા વિશે કશું કહેવાની મારી ક્ષમતા ત્યારે ય ન હતી અને આજે પણ નથી. બસ, એટલું
કહેવું પૂરતું છે કે સમાપન સમયે હૉલમાં ઉપસ્થીત સૌએ ઉભા થઈને લાંબા સમય સુધી
તાળીઓના ગડગડાટથી વાતાવરણને ભરી દીધું હતું. યાદ કરાવું, આ એ જમાનો હતો જ્યારે
ઘેલસાઘરાપણું આટલું વ્યાપક ન હતું. લોકો હાલતાં ને ચાલતાં હરખપદુડા થઈ ને દાદ આપવા
ન મંડતા.
ખેર, મૂળ વાત ઉપર આવી જાઉં. ઉક્ત કાર્યક્રમમાં
ઈન્ટરવલ થયો એટલે હું હીંમત ભેગી કરી અને ગ્રીન રૂમ તરફ દોડ્યો. મારા સારા નસીબે
કોઈએ મને રોક્યો નહીં અને હું ઉસ્તાદજી બેઠા હતા ત્યાં પહોંચી ગયો અને એમને
ચરણસ્પર્શ કરી, વાત કરવાની અનુમતિ માંગી. એકદમ મીઠા હાસ્ય સહ એમણે “બોલો, બેટા”
કહીને મારો સંકોચ દૂર કરી દીધો. મેં ભાવનગરમાં મારા બાપુજી અને મામાએ કરેલા
‘પરાક્રમ’ની વાત કરી. સ્વાભાવિક રીતે જ તેઓને ત્રીશેક વરસ પહેલાંની ઘટના યાદ ન જ
હોય પણ હસી અને કહ્યું કે “ઠીક હૈ. બેટે, આપ ભી આજ આધા પ્રોગ્રામ યહીં બૈઠકે સુનો,
જૈસે આપકે પિતાજી ઔર મામાસા’બને સુના થા”! આટલું બોલતાં જ એમનું ખુબ જ પ્રખ્યાત
એવું બાળસહજ હસ્યા.
મેં એમનો આભાર માન્યો અને પછી ત્યાંથી પાછા નીચે બેસવા
જતાં પહેલાં એમના પગમાં પડવા જતો હતો ત્યાં ખુબ જ પ્રેમથી મારા ખભા પકડી, થાબડી
અને મને લાક્ષણીક બનારસી શૈલીમાં “ખુબ જીયો, અચ્છા જીયો બેટે” કહી, વિદાય આપી.
આ બધું એક મિનિટ કરતાં સહેજ વધુ અને બે મિનિટ
કરતાં ઓછા સમયમાં બની ગયું હતું પણ આ ઘટના મારા ઉપર એની અમીટ અસર છોડી ગઈ છે.
સી. રામચન્દ્ર...(૧૯૧૮-૧૯૮૨)
હિન્દી ફિલ્મી સંગીતકારોમાં આગવું સ્થાન ભોગવી
ચુકેલા શ્રી રામચન્દ્ર ચિતલકર એક ખુદ્દાર આદમીની હેસીયતથી, કાવાદાવાઓથી ભરપૂર એવી ફિલ્મી
દુનિયામાં પોતાની શરતોએ ટકી રહ્યા. જે ગીત કવિ પ્રદીપજી અને ગાયિકા લતા મંગેશકરની
પ્રતિષ્ઠામાં પારાવાર વધારો કરવામાં નિમિત્ત બન્યું એ ‘અય મેરે વતનકે લોગો’ની તરજ
તેઓની બનાવેલી હતી એ જગજાહેર વાત છે. પ્રમાણમાં ઓછી પ્રચલિત એવી એક વાત તેઓની
ખુદ્દારીની સાહેદી પૂરે છે. આ ગીતની રજૂઆત લતા મંગેશકરે ૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ
દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી કરી, એ કાર્યક્રમમાં રામચન્દ્રજી હાજર હતા. ઉદ્ ઘોષકે
ગીતના સ્વરનિયોજન માટે તેઓના ફાળાનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું. એ માટેનાં કારણો અહીં
અપ્રસ્તુત છે. આ વાતથી ખુબ જ વ્યથિત થયેલા રામચન્દ્રજીએ સ્ટેઈજ ઉપર જઈને ઉદઘોષકની
ધૂળ કાઢી નાખી. સામે ઉદઘોષકે ગુસ્સાથી કહ્યું કે એ સમયે હિન્દી ફિલ્મો સાથે
સંકળાયેલા કોઈની એ ઓકાત ન હતી કે એની સામે ગુસ્સાથી વાત કરે. ત્યારે સી.
રામચન્દ્રનો જવાબ હતો કે, “ભાઈ યુસુફ, એક જમાનામાં મારો પણ એવો જ રોફ રહ્યો છે એ ન
ભુલીશ.” કહેવાની જરૂર નથી કે આ યુસુફ એટલે દિલીપકુમાર!
આમ તો તેઓએ ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યું પણ એમની ત્રણ
યાદગાર ફિલ્મો તરીકે ‘નવરંગ’, ‘અનારકલી’ અને ‘અલબેલા’ ગણાવી શકાય. તેઓએ કેટલાંક
ગીતોમાં કંઠ પણ પૂરો પડ્યો છે. અહીં ફિલ્મ ’અલબેલા’નું લતા મંગેશકરની સાથે તેઓએ
ગાયેલું એક મધુર ગીત સાંભળીએ.
સને 1977ના સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદના
પ્રેમાભાઈ હૉલમાં તેઓનો સ્ટેઈજ શો યોજાયો હતો. મારા એકદમ આદરપાત્ર એવા આ
સંગીતકારના આ અગાઉ ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં અનિવાર્ય કારણોસર જવાયું ન
હતું. હવે આવી પડેલી આ તક ગુમાવવાની તૈયારી ન હતી. અગાઉથી બૂકિંગ કરી લીધું. નિયત
દિવસે કાર્યક્રમ એકદમ સમયસર શરૂ થયો. પડદો ખુલતાં જ એકોર્ડિયન, સેક્સોફોન અને પાઈપ
ફ્લ્યુટના ઉપયોગથી લગભગ પાંચેક મિનીટ સુધી છેડાયેલા અસાધારણ સંગીતના પ્રભાવમાં આવી
જવાયું. એ પૂરું થતાં જ સ્ટેઈજ ઉપર પ્રવેશી અને બે યુવતીઓએ ફિલ્મ ‘સરગમ’નું ગીત ‘તુ
છેડ સખી સરગમ’ છેડ્યું. એ ગીત પૂરું થતાં સુધીમાં હૉલમાં ચોક્કસ માહોલ સર્જાઈ ગયો.
એવામાં કાળો સફારી સુટ, ગોગલ્સ અને ફેલ્ટ હેટ પહેરેલા ઉદઘોષકનો પ્રવેશ થયો. એક પછી
એક વાદકનો પરિચય અપાયો, જેમાં પહેલું જ નામ હતું એકોર્ડિયન વાદક એનૉક ડેનીયલ્સનું.
સેક્સોફોન ઉપર હતા એ જમાનાના મશહૂર એવા સુરેશ. પાઈપ ફ્લ્યુટ ઉપર વિખ્યાત વાંસળી
વાદક સુમંત હતા. મેંડોલિન વગાડવાના હતા ગોરખનાથ. આમ ને આમ પરિચયવિધી આગળ વધતી જતી
હતી અને મારો ઉત્સાહ વધતો જતો હતો કે છેવટે ઉદ્ ઘોષક રામચન્દ્રજીને સ્ટેઈજ ઉપર બોલાવશે.
એવામાં ઉદઘોષકે માથા ઉપરની હેટ અને આંખ ઉપરનાં
ચશ્માં હટાવી, ઝુકી, અદાથી કહ્યું, “ઔર અબ આપકે સામને મૈં, આપકા નમ્ર સેવક, ચિતલકર
સલામ પેશ કરતા હૂં”. હું તો સ્તબ્ધ! એ પછી પણ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેઓએ જાતે
જ કરેલું. એમના ગાયકવૃંદમાંની બે ગાયીકાઓમાંથી એકે તો પછી ઘણી લાંબી ફાળ ભરી લીધી,
જેનું નામ હતું કવિતા ક્રિશ્ણમૂર્તી. પુરુષ ગાયક તરીકે તો માત્ર અને માત્ર
રામચન્દ્રજી પોતે જ હતા. ખુબ જ ઉંચી કક્ષાનો કાર્યક્રમ ચાલતો જતો હતો એ દરમિયાન તેઓ એ દિવસે લંડનના ઓવલ મેદાન ઉપર રમાઈ
રહેલી ભારત અને ઇન્ગ્લેંડ વચ્ચેની ટેસ્ટ મેચની છેલ્લામાં છેલ્લી વિગતો પણ આપતા જતા
હતા. આ બધાને લઈને મારા તેઓ માટેના અહોભાવમાં એકધારો વધારો થતો રહેતો હતો.
જેવો ઈન્ટરવલ થયો કે હું સીધો સ્ટેઈજ ઉપર ધસી ગયો
અને એમની પાસે જઈ, તેઓને મારી સાથે એકાદ
મિનીટ માટે વાત કરવા વિનંતી કરી. ખુબ જ સરળતા અને પ્રેમથી તેઓ મને ગ્રીન રૂમમાં
સાથે લઈ ગયા. ત્યાં અગાઉ નામ લખ્યાં છે એ બધા જ દિગ્ગજ વાદકો અને બન્ને યુવાન
ગાયીકાઓ સાથે મારો પરિચય કરાવ્યો. એ સમયે મારી સાથે ખરેખર આ મારો અત્યંત પ્રિય એવો
ગંધર્વ કક્ષાનો સંગીતકાર કે જેનાં ગીતોના ગળાડૂબ પ્રેમમાં હું હતો, એ આવી રીતે
વર્તી રહ્યો હતો એવું માનવું દુષ્કર લાગતું હતું. એણે કયા કારણથી એક મુગ્ધ યુવાનને
આટલી લીફ્ટ આપી એ હજી એક કોયડો છે. આજે ૪૦ વરસ પછી યાદ કરી રહ્યો છું ત્યારે પણ
જાતને પુછું છું કે આ વર્ણન હકિકતનું છે કે સ્વપ્નનું! ખેર, એમની રજા લેતી વખતે
નમન કર્યા ત્યારે તેઓએ “ફીર મીલેંગે” કહી અને મને વિદાય આપી. બાકીનો કાર્યક્રમ મેં
હૉલમાં બેસી ને નહીં, આસમાનમાં ઉડતે ઉડતે માણ્યો હતો.
આ પછી એકાદ વરસમાં જ ફરીથી અમદાવાદમાં એમના
કાર્યક્રમનું આયોજન થયું. આ વખતે આકર્ષણમાં ઉમેરો હતો. એક જમાનાના સુપર સ્ટાર ભગવાનદાદા
પણ સાથે હતા. આ કાર્યક્રમમાં પણ ઈન્ટરવલ દરમિયાન એમને મળવા ગયો તો તેઓ મને ઓળખી
ગયા અને ભગવાનદાદા સાથે પણ મારી ઓળખાણ કરાવી. મેં થોડો વધુ સમય ફાળવી આપવા માટે
વિનંતી કરતાં તેઓએ બીજે દિવસે સવારે તેઓ ઉતર્યા હતા એ હોટેલ ઉપર મળવા આવવા જણાવ્યું.
છુટો પડતો હતો ત્યારે ટકોર કરી કે એમની ‘સવાર’ બારેક વાગ્યે પડતી હતી!
નિયત સમયે
હું પહોંચી ગયો ત્યારે એમના રૂમમાં મહેફીલ જામી હતી. થોડા સમયમાં તેઓનો ઈન્ટરવ્યુ
કરવા કેટલાક પત્રકારો આવવાના હતા અને રામચન્દ્રજીએ એ દરમિયાન હું ત્યાં જ બેસીશ
એવી એ લોકો સાથે સમજૂતી કરી લીધી હતી. ત્રણ પત્રકારો સાથે લગભગ દોઢેક કલ્લાક સુધી
તેઓએ મન મૂકીને વાતો કરી. એમાંનું એમનું શરૂઆતનું વાક્ય હજી યાદ રહીગયું છે....”Gentlemen,
I drink like a fish almost whole day while I am awake. But I never go wild. But
if asked any personal questions, I DO go wild.” આ દરમિયાન હું
ઘટનાક્રમનો મૌન સાક્ષી બની બેસી રહ્યો. ઈન્ટરવ્યુ પછી તેઓએ મને ખુબ જ પ્રેમથી ભોજનમાં જોડાવા કહ્યું પણ હું એનો સાભાર
અસ્વિકાર કરી, આ મહાન સંગીત નિર્દેશકની રજા લઈ નીકળી ગયો. જીવનભર ચાલે એવો સંતોષ
ગજવે આવી ગયો હતો. હા, એક વાત હજી ખટકે છે કે આપણે સાંભળ્યું એ ગીત ‘ધીરેસે આજા રી
અખીયનમેં’માં અંદરથી હચમચાવી દે છે એવું વાયોલીન કોણે છેડ્યું હતું એ પુછવાનું રહી
ગયું.
બન્ને સંગીતકારોની
તસવીરો નેટ ઉપરથી લીધેલી છે.
શરણાઈ વાદન અને
ફિલ્મ ‘અલબેલા’નું ગીત યુ ટ્યુબ ઉપરથી લીધું છે.
સી.રામચન્દ્ર અને દિલીપકુમાર વાળો પ્રસંગ શિરિષ કાણેકરના
મૂળ મરાઠી પુસ્તક ના જયા મહેતાએ ઇમેજ પ્રકાશન દ્વારા પ્રકાશિત ગુજરાતી અનુવાદ ’ગાયે
ચલે જા’માંથી લીધો છે.