Showing posts with label ભાવનગર. Show all posts
Showing posts with label ભાવનગર. Show all posts

Sunday, 10 August 2025

મારો શાળા પ્રવેશોત્સવ

 

આજકાલ પોતાના બાળકને માટે શાળામાં એડ્મીશન  મેળવવું  કેટલું કઠીન છે, એ સર્વવિદિત છે. આ પરિપ્રેક્ષ્યમાં ૫૭ વરસ પહેલાંના મારા 'શાળા પ્રવેશ'ની યાદ આવી, જે પ્રસ્તુત છે.

૧૯૫૮ના નવેમ્બરમાં મને પાંચ વર્ષ પૂરાં થયાં. મારા દાદાએ ત્યાં સુધીમાં મને એકત્રીશાં થી ચાલીશાં, પાયાં, અડધાં, પોણાં, સવાયાં, દોઢાં અને અઢિયાં સુધી પલાખાં મોઢે કરાવી દીધાં હતાં (ઉંઠાં_સાડા ત્રણનો ઘડીયો_ નહીં  શીખવવા પાછળ એમની દિર્ઘ દ્રષ્ટી કામ કરી ગઈ હશે કે, મોટો થતાં હું મારી સમગ્ર કારકિર્દી દરમિયાન ઉંઠાં જ ભણાવવાનો છું!). વળી સાથે સાથે છાપાંના માધ્યમથી  થોડું વાંચતાં પણ શીખવેલું. ઉક્ત વર્ષે મારા જનમ દિવસે એમણે ઘરમાં ઘોષણા કરી કે, આને હવે નિશાળે બેસાડી દેવો છે. જો કે આમ તો આ સીધે સીધો વટહુકમ જ હતો, પણ સંસદે તેને હર્ષભેર પસાર કર્યો. સંસદ માત્ર એક જ સભ્ય__દાદી__ની બનેલી હતી! યોગ્ય સમયે દાદા તપાસ કરી આવ્યા અને એક શુભ દિને અને શુભ ચોઘડીયે મને લગામ પહેરાવી દેવાનું મુહૂર્ત આવી ગયું. ઔપચારિકતા નિભાવવા મારાં મા-બાપને આની જાણ દાદાએ આગલી રાતે કરી દીધી.
બીજે દિવસે સવારમાં મને વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યો. દાદીએ મારા કપાળમાં મોટો ચાંદલો કરી, ઘી ગોળ ભાત ચોળીને ખવરાવ્યું, જે તે દિવસ થી લઈને આજ સુધી નથી ભાવ્યું! દાદા મને આંગળીએ લઈને દાદરો ઉતર્યા, ત્યારે દાદીએ મોટા અવાજે 'નિશાળ ગરણું ' (શાળા પ્રવેશોત્સવનું ગીત) છેડ્યું. ‘પ્રવેશોત્સવ’ આ રીતે કૌટુંબિક કક્ષાએ જ ઉજવાતો, સરકારોને એ સમયમાં બીજાં ઉપયોગી કાર્યો કરવાનાં રહેતાં! આ સમયે નીચે કુંડીએ કપડાં ધોતી માને જાણ થઇ કે છોકરો હાથથી જવાની શરૂઆત થઇ ગઈ! બાપુજી તો એકાદ કલ્લાક પહેલાં માથે હાથ ફેરવી, 'સરસ ભણજે' કહી, નોકરીએ નીકળી ગયેલા. શાળાએ જતાં રસ્તામાં ભીખા લખમણની દુકાનેથી દાદાએ શાળામાં વહેંચવા સારુ શેર પતાસાં લીધાં. મોકો જોઈને મેં દયનીય મુખે થોડોક ‘ભાગ’ અપાવવાની માંગણી કરી, જે દાદાએ એમણે પોતે પણ નહીં ધાર્યું હોય, એટલી ઝડપથી સ્વિકારી લીધી. આમ દોમ દોમ સાહ્યબીથી છલકાતે ખીસ્સે હું દાદાની સાથે આગળ ચાલ્યો. ડોનના ચોકમાં આવેલ નૂતન વિદ્યામંદિર ના હેડ માસ્તર શ્રી સાકરલાલ ભટ્ટ દાદાના સારા મિત્ર હતા. ત્યાં પહોંચી, દાદાએ તેઓને કહ્યું કે, "આજથી આ છોકરો તને સોંપ્યો." સાકરકાકાએ મને શું શું આવડે છે એ વિષે પૃચ્છા કરતાં દાદાએ મારી પાસે વિવિધ પલાખાં બોલાવ્યાં, જે  'પઢો રે પોપટ રાજા રામના' થી વિશેષ ન હતું! વાંચનની પણ થોડીક કસોટી લીધા પછી સાકરકાકાએ મને ધોરણ ત્રીજામાં 'બેસાડવા' નું નક્કી કર્યું. અને તે વર્ગમાં મને મૂકી ગયા.
શાળા છૂટી, ત્યાં સુધી સાકરકાકા સાથે ત્યાં જ, એમની ઑફિસમાં બેસીને દાદાએ સમય પસાર કર્યો. ઘરે જઈને તેમણે ગર્વોન્નત મસ્તકે બધી વાત કરી. એમનો ઈંગિત એ તરફ હતો કે “હિંચકે ઝુલતાં આખ્ખો દિ’ પાનપટ્ટી અને વારે ઘડીયે ચા ને છાપાં” સિવાય પોતે છોકરાને શીખવવા જેવુ કશુંક ઉપયોગી કામ પણ કરતા હતા.  પણ દાદીએ વિરોધ પક્ષના નેતાની અદાથી ઘટનાને વખોડી કાઢી. "આવડા એવા છોકરાને ત્રીજામાં તે મુકાતો હશે? મરી જશે મરી, મારો છોકરો! કાલે જઈને ઉતારી આવો, એક ધોરણ." બીજે દિવસે દાદાએ સાકરકાકાને ઘરમાં ઉઠેલ વિરોધ વિષે જણાવતાં મારું તત્કાળ Demotion થયું અને હું બીજા ધોરણમાં 'બેઠો'! આ સમગ્ર ઘટનાક્રમમાં એક બાબત હવે ધ્યાન ઉપર આવે છે કે સાકરકાકાએ તે સમયના હિતેચ્છુ હેડ માસ્તરોની જેમ મારી જન્મતારીખ ૧૯૫૩ની જગ્યાએ ૧૯૫૪ લખી હતી. હવે જો દાદીએ મને ત્રીજા ધોરણમાં રહેવા દીધો હોત તો એ હીસાબે ચાર વરસની ઉમરે ત્રીજા ધોરણમાં હોવા બદલ મને કેટલી પ્રસિધ્ધિ મળી હોત! ‘એક સાથે ત્રીશ્ કેળાં ખાઈ જતો આઠ વરસનો બાળક’ કે પછી 'ચૌદ આંગળી ધરાવતી કન્યા’નાં  એ જમાનામાં ભરાતા મેળામાં પ્રદર્શનો યોજાતાં એવી રીતે કાંઈક મારી સાથે પણ બન્યું હોત. ખેર!
હું ત્રીજા ધોરણમાં હતો અને બાપુજીની બદલી ગઢડા મુકામે થતાં જાન્યુઆરી ૧૯૬૧માં ત્યાં ફરવાનું થયું. હવે મારા એડ્મીશન માટે શું કરવું એ બાબતે જેટલો નચિંત હું હતો એટલાં જ નચિંત મારાં મા બાપ પણ હતાં. ત્યાંની ‘મોહનલાલ મોતીચંદ શાળા’માં મને લઈ ને મારા બાપુજી પહોંચ્યા ત્યારે ત્યાંના હેડ માસ્તર સાહેબે ત્યારના સંજોગોમાં મને બે મહિના માટે ત્યાંની ‘ધૂડી નિશાળ’માં બેસાડવા સુચવ્યું અને ધોરણ ચારથી તેઓ મને ‘મોહન મોતી’માં લઈ લેશે એમ જણાવ્યું. આ તબક્કે ધૂડી નિશાળ શું એ જણાવી દઉં. આવી શાળાઓમાં વિદ્યાર્થીને લાકડાનું એક પાટીયું આપવામાં આવે. નદીની માટી લાવી, એને પાણીમાં ભેળવી, એનું લીંપણ એ પાટીયા ઉપર કરી, એનું સમતલ પડ બનાવી દેવાનું. એને થોડી વાર માટે સુકાવા દેવાનું એટૅલે એ ત્યાં જામી જાય. પછી એ પડ ઉપર સળીની મદદથી અક્ષરો/આકૃત્તિઓ પાડવાનાં રહેતાં. ગ્રામ્ય બોલીમાં ધૂળ ને ધૂડ કહે, માટે આ ધૂડી નિશાળ!  સ્લેટ-પેન વાપરવાથી ટેવાયેલા મને આ બહુ રોમાંચક લાગ્યું ઘરના જમવા બેસવાના પાટલા ઉપર પણ મેં ‘ધૂડા’ પ્રયોગો ચાલુ  કરી દીધા. મા બાપને તો આમાં મારી સર્જનાત્મક શક્તિને વિકસવાની તક જણાવા લાગી અને આ બાબતે મને ભારે પ્રોત્સાહન મળવા લાગ્યું! જો કે આ શાળામાં હજી થોડાક જ  દિવસ વિત્યા હશે તેવામાં નગરશેઠના ઘરેથી ચા પાણી માટેનું આમંત્રણ આવ્યું. ઔપચારિકતાઓનાંં આદાન-પ્રદાન દરમિયાન બાપુજીએ મારા ‘ધૂડા’ પ્રયોગો વિષે વાત કરતાં શેઠ મહેન્દ્રભાઈએ મને ‘મોહન મોતી’માં કેમ નથી મૂક્યો એમ પુછ્યું. બાપુજીએ સ્પષ્ટતા કરી, એટલે શેઠે કંઈ જ બોલ્યા વગર બે તાળી પાડી. જે બે જણા નાસ્તો અને શરબતના પ્યાલા લઈને પ્રગટ થયા એમાંના એક  ‘મોહન મોતી’ના હેડ માસ્તર સાહેબ હતા! શેઠે તેઓને મેનેજર સાહેબના દિકરાને બીજા જ દિવસે દાખલ કરી દેવાની સુચના આપી અને જો એમ નહીં થાય તો શું થઈ શકે એની સાહેબને ખબર હતી એની ય ખાત્રી કરી લીધી. આમ, સાહેબના હાથે નાસ્તા અને શરબત બાદ બીજે દિવસે ‘મોહન મોતી’માં ઉમળકાભેર આવકાર પણ મળ્યો. અને  આમ મારું ભણતર ‘ધૂડમાં મળતું’ અટક્યું.
આટલા વિસ્તારથી વાત કરવાનું પ્રયોજન એ કે, આજથી ૫૫-૬૦ વરસ પહેલાંનો સમાજ અત્યારથી કેટલો અલગ હતો, એ અહીં ઉજાગર કરવું છે. મહદ અંશે બાળકો દાદા દાદી પાસે ઉછરતાં. એમની કારકિર્દી (એ વળી કઈ બલા?) વિષયક નિર્ણયો પણ એ  કક્ષાએ જ લેવાતા. એમાં મા-બાપને પોતાના અધિકાર ક્ષેત્ર પર તરાપ ન દેખાતી, બલ્કે સધિયારો રહેતો. શાળામાં પ્રવેશ, બગીચામાં પ્રવેશ જેટલો જ સાહજિક હતો. અને આ રીતે, કોઈ ચોક્કસ 'System' વગરના સમાજ માં જનમતાં, ઉછરતાં અને ભણતાં બાળકોનું ભાવિ પણ બહુ ખરાબ ન રહેતું. નોકરિયાત લોકોને કોઈ પણ કારણસર એક ગામથી બીજે ગામ ફરવાનો સંજોગ ઉભો થાય તો એ સમયે બાળકોના ભણતર વિષે કે એડ્મીશન વિષે કોઈ ચિંતા ન અનુભવાતી. ભાવનગરથી ગઢડા ફરવાનો મહિનો જાન્યુઆરી હતો, તો પણ એપ્રીલ મહિના સુધી ભાવનગરમાં ભણાવી, જે તે શૈક્ષણિક વરસ પૂરું થાય પછી ગઢડા દાખલ કરાવવાનો વિચાર કોઈ કુટુંબીજનને આવ્યો ન્હોતો. આવા ગાળામાં જન્મી, ઉછરી, ભણી, તૈયાર થયાનો કોઈ જ રંજ નથી, બલ્કે આનંદ છે. એ જમાનાની સહુથી મોટી રાહત એ હતી કે, કારકિર્દીને લઈને 'માનસિક તાણ' શબ્દપ્રયોગ ત્યારે પ્રયોજાયો ન હતો. ન તો મા- બાપ માટે, ન તો ખુદ બાળક માટે.


Thursday, 18 August 2016

હમવતન, હમજુબાં કિરદારો

અમે ભાવનગરનાં વતનીઓ એવું માનતાં હોઈએ છીએ કે, અમારામાં સંગીત, લલિત કલાઓ અને સાહિત્યનો બહુ મહિમા છે અને એ વિષેની  ઉંડી સમજણ અમારા જેટલી અન્ય નગરીઓનાં વતનીઓમાં નહીં હોતી હોય! અમે આ ગામને સંસ્કારનગરી તરીકે ઓળખાવવાનો આગ્રહ પણ રાખતાં હોઈએ છીએ. અલબત્ત, બીજી નગરીઓનાંં નિવાસીઓ અમારી માન્યતાને બહુ પુષ્ટી નથી આપતાંં, સિવાય કે એમને ભાવનગરમાં કોઈ જાહેર કાર્યક્રમ, પ્રદર્શન, કવિ સંમેલન કે સભાઓ જેવાં આયોજનો કરવાં હોય! અન્યથા ઘણાંંઓ તો બહુ નમ્ર નહીં એવા અંદાજમાં પણ પોતાનો વિરોધ  પ્રગટ કરી લેતાંં હોય છે. જો કે એનાથી અમે લોકો અમારી માન્યતામાંથી બહુ વિચલીત થતાંં નથી. બને છે એવું કે, યોજાયેલ સભાઓ કે અન્ય કાર્યક્રમોમાં વક્તાઓ/સંચાલકો/કલાકારો એમનો ધર્મ નિભાવવા જેમ કોઈ પણ ગામમાં કહે, એમ એકાદ બે વાર ભાવનગર અને ભાવનગરીઓ માટે પણ  મીઠાં વેણ અચુક ઉચ્ચારતાંં હોય છે અને એવે વખતે ત્યાં ઉપસ્થિત એવાં અમે ભાવનગરીઓ એક બીજાં સામે ડોકાં ધુણાવી, ‘જોયું, આપણે જે માનીએ છીએ એ સાચું જ છે ને!’ એવી લાગણી પરસ્પર વ્યક્ત કરી લઈએ છીએ. કુછ બાત હઈ કી મીટતી નહીં હઈ યહ સોચ હમારી. ખેર મજાકની વાત મજાકની જગ્યાએ રાખીએ. દરેક ગામ કે શહેરને એની આગવી વિશિષ્ટતા હોય, એમ જ ત્યાંનાં વતનીઓની પણ કેટલીક ખાસિયતો હોવાની. આ બધાનાં ભૌગોલિક અને સામાજિક કારણો હોય, જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. વળી તટસ્થતાથી જોતાં એવું  તારણ નીકળી શકે કે, વતનનો મહિમા વતનથી દૂર રહ્યાથી વધુ થાય છે.
આટલી પ્રસ્તાવના બાદ અહીં બે અલગ અલગ પ્રસંગો વિષે વાત કરવી છે, જેમાં ત્રણ પાત્રોમાં પ્રગટ થતી અસલ ભાવનગરી ખાસિયતનો પરિચય થાય. અમારા લોકોનાં કેટલાંક સામાન્ય લક્ષણોમાંનું એક એ છે કે, મોટા ભાગનાં લોકો હળવા, ખાસ કરીને ફિલ્મી સંગીતનાંં શોખીન હોય છે. આ શોખને માણવાના દોરમાં સામાજિક, આર્થીક કે અન્ય કોઈ દરજ્જા આડા નથી આવતા હોતા. આ વાતની પુષ્ટી કરે, એવી બે વાત કરવી છે.
નવેમ્બર, 1974ની એક રાત:

પહેલાં આ ઘટનામાં ઉલ્લેખાયેલ બે પાત્રોનો ટૂંક પરિચય.. . . . . . . 
1) જસુભાઈ શેઠ ----- આજ થી પાંચેક દાયકા પહેલાં ભાવનગરનાં અતિશય અમીર કુટુંબોમાં પ્રભુદાસ શેઠના કુટુંબની ગણત્રી થતી. 'સી.પ્રભુદાસની કંપની' નામે વિખ્યાત એ કુટુંબે સને 1973-74ની આસપાસ 'પૉલી સ્ટીલ' નામે ખુબ જ મહત્વાકાંક્ષી પ્રકલ્પ શરુ કરેલો. એના પ્રણેતા હતા જસુભાઈ, જે 'જસુભાઈ શેઠ'ના નામે દેશભરમાં જાણીતા થઇ ગયેલા. કારણ, પૉલી સ્ટીલ’ નો પબ્લિક ઇસ્યુ બહાર પડેલો, અને લોકોને કંપની માટે બહુ ઉજળા ભવિષ્યની અપેક્ષા હતી. એ દિવસો ‘રીલાયન્સ’ના ઉદયના હતા.ચાની ‘હોટેલું’એ અને પાનની દુકાનોએ જમા થતા ભાવનગરના ઉત્સાહીઓ વચ્ચે એવી વાતો પણ થતી કે, “ઈવડા ઈ અંબાણીને તો આપડા જસુભાઈ ક્યાં ય ટોલી(પાછા પાડી) દેવાના છે.” ભલે પછી જસુભાઈને ક્યારે ય એવો વિચાર સ્વપ્ને ય ન સ્ફુર્યો હોય! ખુબ જ અમીર એવા ઉદ્યોગપતિ કુટુંબના નબીરા અને અતિ મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિક હોવા છતાં જસુભાઈ જાહેર વ્યવહારમાં માન્યામાં ન આવે એટલા સરળ અને શાલિન હતા.
2) બાબુભાઈ ----- ડોનના ચોકમાં સૌથી વધુ જાણીતા લોકોમાં બાબુભાઇનું નામ આવે. જેમ જસુભાઈ 'શેઠ' તરીકે ઓળખાતા, એમ બાબુભાઈ, 'બાબુ લારી' તરીકે ઓળખાતા. લારીમાં માલસામાન ફેરવવાની મજુરી કરતા. કેટલીક વાર ઉમરલાયક વડીલો, જેમને ઘોડાગાડી ન પોસાય, એમને બાબુભાઈ લારીમાં બેસાડી ફેરવતા, એ નજરે જોયું છે! બાબુભાઈની આર્થિક હાલત વિષે વધુ ન કહેતાં એટલું જણાવવું કાફી છે કે, ભર ઉનાળામાં પણ તીવ્ર ગરમીના કલ્લાકોને બાદ કરતાં તે ચંપલ ન પહેરતા. "ઘસારો ઓસો પોસે ને ખાહડાં વધુ હાલે", એવો તર્ક સમજાવે. ડોનમાં એમની લારીના 'ઇસ્ટેન્ડ' પાસે સોડાની દુકાન હતી, એ સોડાનું અને બીડીનું બાબુભાઈને બંધાણ.
આટલી પૂર્વભૂમિકા પછી હવે મૂળ વાત.
સને 1974ના નવેમ્બરમાં ભાવનગરમાં હેમંતકુમારના સ્ટેઇજ કાર્યક્રમનું આયોજન થયેલું. હું બરાબર એ જ દિવસે ભાવનગર પહોંચ્યો. મારા નિરંજનકાકા આગળ આ કાર્યક્રમ માણવાની ઈચ્છા વ્યક્ત કરતાં એમણે તરત જ હા ભણી. કાકા અને હું સ્થળ ઉપર ગયા, ત્યારે  હાઉસફુલ’ નું બોર્ડ જોવા મળ્યું. કાકા કહે, "તને આજે ગમ્મે એમ કરી, કાર્યક્રમમાં લઇ જ જાઉં." કાળાબજારમાં 20 રૂ. ની ટીકીટ રૂ. 30 માં લઇ, અંદર ગયા, તો બીજી જ લાઈનમાં નંબર! હજી કાર્યક્રમ શરુ નહોતો થયો. એવામાં કાકાને ઉદ્દેશીને પાછળથી મોટો અવાજ આવ્યો, "ઓહોહોહો, નિરંજનભાઈ, ટીકીટ સીધ્ધી લીધી, કે બ્લેકમાં?"  જોયું, તો બાબુલાલ! એ અમારી પાછળની જ લાઈનમાં બેઠેલા. એટલે એ જમાનામાં લગભગ બે દિવસની કમાણી 'સીધ્ધી ટીકીટ' લીધી હોય, તો પણ વાપરી નાખી હશે! થોડી વાર થઇ, ત્યાં તો એ જ લહેકામાં બાબુભાઈએ ફરીથી ત્રાડ નાખી, "ઓહોહોહોહો, જસુભાઈ શેઠ, તમે ય આવ્યા સો ને કાંઈ?" સૌથી આગળની હરોળમાં બિરાજમાન  જસુભાઈને સીધ્ધી ટીકીટ કે બ્લેકની એવું  પુછાય, એવી સમજણ અલબત્ત, બાબુભાઈમાં હતી. જસુભાઈએ પાછળ ફરી, સૌજન્ય બતાવ્યું.  "અરે વાહ! બાબુ, તું ય આવ્યો છો?"  બાબુભાઈએ તો પૉલીસ્ટીલ બાબતે પણ બે ત્રણ સવાલો કર્યા હોત, પણ કાર્યક્રમ શરુ થઈ ગયો. જ્યારે ઈન્ટરવલ પડ્યો, તો ‘સોડા-બીડી’ માટે બહાર જઈ, પાછા આવતી વખતે બાબુભાઈ એક પડીકું ભરીને ખારી શીંગ લેતા આવ્યા. કાકાને અને મને  “લ્યો, બબ્બે દાણા” કહી, શીંગ ખાવા આગ્રહ કર્યો. હવેની વાત સહેલાઈથી ગળે ન ઉતારે એવી છે. બાબુભાઈએ થોડા ઉંચા થઈ, હાથ લંબાવી, સૌથી આગળની હરોળમાં બેઠેલા જસુભાઇને શીંગ ધરી અને જસુભાઈએ હસીને ‘બબ્બે દાણા’ શીંગ લીધી પણ ખરી! એક ઉઘાડપગા લારી ખેંચતા મજુર અને શહેરના (તે સમયના) પ્રથમ ક્રમના રઈસ વચ્ચે જો કશું પણ સામાન્ય હોય, તો તે સંગીત માટે નો રસ. હેમંતકુમારના અવિસ્મરણીય કાર્યક્રમની સાથે 'બાબુ લારી' અને 'જસુભાઈ શેઠ' વચ્ચે ઘટેલ ઘટના પણ યાદમાં જડાયેલી છે.
જો કે ઉપર્યુક્ત બનાવ પછી એકાદ વરસમાં જ પૉલી સ્ટીલ પ્રકલ્પ અહીં અપ્રસ્તુત એવાં કારણોથી બંધ થઇ ગયો. પણ આ ઘટના સમયે તો જસુભાઈનો સિતારો બુલંદીએ હતો (આટલી સ્પષ્ટતા ખાસ આ વાંચતા ભાવનગરના વતનીઓ માટે કરી).

મે, ૧૯૮૨ની એક સાંજ:
સ્નેહા અને હું અમદાવાદથી ભાવનગર આવવા ટ્રેઈનમાં નીકળેલાં. મોડી સાંજે સ્ટેશનથી ઉતરીને ઘરે જવા માટે  ઘોડાગાડીની મજા લેવાનો વિચાર થયો.. પેસેન્જરની રાહ જોતા હતા એવા એક લગભગ  65-70ની આસપાસની ઉમરના ગાડીવાનને પુછતાં તેમણે એકદમ વ્યાજબી ભાડું લેવાની વાત કરી. કોઈ જ રકઝક કર્યા વગર અમે બેસી ગયાં. એમનો ચહેરો જાણીતો લાગતો હતો, પણ ચોક્કસ ખ્યાલ આવતો નહોતો. રસ્તામાં અમારી વાતો તેઓ સાંભળતા હતા. થોડી વાર પછી જૂની ફિલ્મોનાં ગીતો વિષે વાત થતી જાણી, તેમણે પણ ઝુકાવ્યું. એમની વાતો ઉપરથી તરત જ ખ્યાલ આવી ગયો કે  સામાન્ય રસિકજન થી તેઓ ઘણું વિશેષ જાણતા હતા. પછી તો કહે, "હવે સાંભળો" અને ફિલ્મ ‘ડૉક્ટર’નું પંકજ મલ્લિકે ગાયેલ  'ચલે પવનકી ચાલ' ખુબ જ સરસ રીતે ગાઈ સંભળાવ્યું. એના પછી વારો આવ્યો અસીત બરનના ગાયેલા ફિલ્મ ‘કાશીનાથ’ના ગીત, ‘હમ ચલે વતનકી ઓર’નો. એકદમ સુર અને તાલમાં ગાય અને પાછા સંગીતના ટુકડાઓ પણ જે તે જગ્યાએ મોઢેથી વગડતા જાય. અચાનક જ આ માહોલમાંથી બહાર આવીને  એમણે મને પૂછ્યું, " તે હેં ભાઈ, તમે પ્રશ્નોરા નાગર?" હકારમાં જવાબ મળતાં જ સીધું એકવચનમાં સંબોધન આવ્યું- "તે તું અન્તુભાઈ સાહેબની દીકરીનો દીકરો છો ને?"  હવે મને પ્રકાશ લાધ્યો.તેઓ મારા સ્વ.દાદા (સૌરાષ્ટ્રમાં માના બાપને પણ દાદા જ કહેવાય છે, નાના નહીં.)ના કાયમી ગાડીવાન અલ્લારખાભાઈ હતા. આનો જવાબ મેં હકારમાં આપતાં જ તેઓની વાત કરવાની ઢબ બદલાઈ ગઈ. નાની ઉમરે મોસાળ ગયો હોઉં, ત્યારે ઘણી વાર એવું બનતું કે ‘વરદી’ ભરવા અલ્લારખાભાઈ આવે, ત્યારે દાદા એમાં બેસે એની પહેલાં ઘોડાગાડીમાં નાનકડો આંટો મારવાની મોજ માણવા મળતી. એ દિવસોની વાતો યાદ કરતાં કરાવતાં ઘર આવ્યું, એટલે અમે નીચે ઉતર્યાં. અમે કાંઈ પૂછીએ, પહેલાં સ્નેહાને પાસે બોલાવી, એના માથે હાથ ફેરવી, "બેટા કાયમ ખુશ રહો" કહી, એના હાથમાં અગિયાર રૂપિયા મુક્યા. મારી સામે જોઈ, કહે, "ને તું આમાં કાંઈ નો બોલતો, બેટા".  હું  એમની લાગણીના  પ્રભાવમાં ખરેખર જ  ‘કાંઈ નો બોલ્યો’. એ દિવસોમાં ઘોડાગાડીઓનો જમાનો ઓસરવાની શરૂઆત થઈ ચુકેલી અને પરિણામે એમની આર્થિક હાલત પણ ‘વળતે પાણીએ’ જ હોય, એ ન સમજીએ એટલાં નાદાન સ્નેહા કે હું  ન્હોતાં. પણ દાદાની પેઢીના એક પ્રતિનિધી પાસે શુકન લેવાની ના પાડવા જેટલો અવિવેક કરવાની અમારી બેમાંથી એકે ય ની હિંમત ન ચાલી. વતનના ગામમાં જવાનો આ આનંદ છે. હમખયાલ, હમજુબાં હમવતનીઓની ઉજળી બાજુઓની નોંધ લઈ, એ યાદ રાખવાની  અને વતનમાં જે કાંઈ પણ અનુકૂળ ન પડે એવું બને એને વિસારે પાડી, આવી યાદો તાજી કરી, વતનઝૂરાપો સહન કરી લેવાનો, એવો ઉપક્રમ રાખ્યો છે.